જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરી દેવામાં આવી હોય ત્યારે તેના પ્રત્યે આપણી અપેક્ષા વધી જાય તે સ્વાભાવિક છે. એમાંય, વળી એ ફિલ્મ જો ગુજરાતી હોય તો તો વાત જ પતી ગઈ બરોબરને? હેલ્લારો જોતા અગાઉ જો તમને આવી જ કોઈ લાગણી થાય તો એમાં તમારો વાંક જરાય નથી.
હેલ્લારો – ગરબાથી સશક્તિકરણ
મુખ્ય કલાકારો: શ્રદ્ધા ડાંગર, શૈલેશ પ્રજાપતિ, આર્જવ શાહ, મૌલિક નાયક અને જયેશ મોરે
નિર્માતાઓ: પ્રતિક ગુપ્તા, મિત જાની, આયુષ પટેલ, આશિષ પટેલ, નિરવ પટેલ અને અભિષેક શાહ
નિર્દેશક: અભિષેક શાહ
રન ટાઈમ: ૧૨૭ મિનીટ
કથાનક
કચ્છનું એક ગામડું, જ્યાં છેલ્લા બે-બે વર્ષથી વરસાદ નથી પડ્યો. આ ગામડામાં હજી સુધી વિજળી તો શું સરકાર પણ નથી પહોંચી. આટલું ઓછું હોય એમ આ ગામડું અને કદાચ તેની આસપાસના ઘણા ગામડાઓમાં પુરુષપ્રધાન સમાજ જીવી રહ્યો છે જ્યાં સ્ત્રીઓ માત્ર ઉપભોગનું સાધન માત્ર બનીને રહી છે. વરસાદ માટે માતાજીને રીઝવવા માટે ગરબા પણ પુરુષ જ કરે અને તેના માટે સ્ત્રીઓને જરાય મંજૂરી નહીં.
આવામાં બીએસએફનો સૈનિક એવો અરજણ (આર્જવ શાહ) મંજરીને (શ્રદ્ધા ડાંગર) પરણીને લાવે છે. મંજરી આમ સાત ચોપડી ભણેલી અને વળી શહેરમાં રહેલી એટલે ગામડાની અન્ય સ્ત્રીઓ કરતા વધુ જાગૃત ખરી, પરંતુ અંતે તો તેણે અરજણનો જ પડ્યો બોલ ઝીલવાનો હતો અને તેની તમામ ઈચ્છાઓને તાબે થવાનું હતું.
લગ્ન પછી અરજણ જ્યારે ડ્યુટી પર પરત થાય છે ત્યારબાદ મંજરી અને ગામની બીજી સ્ત્રીઓના જીવનમાં એક અકલ્પનીય ઘટના બને છે. રોજની જેમ ગામડાથી દૂર આવેલા સરોવરથી પાણી ભરીને પરત આવતી વખતે રણની રેતીમાં એક ઢોલી નામે મૂળજી (જયેશ મોરે) ભૂખ્યો તરસ્યો પડ્યો હોય છે, એને મંજરી પાણી પાય છે. મૂળજીને તો જાણેકે ભગવાને એને જીવાડ્યો હોય એવું લાગે છે.
મૂળજીને એવું લાગે છે કે મંજરી અને અન્ય સ્ત્રીઓએ તેના પર મોટો ઉપકાર કર્યો છે અને તેના બદલામાં તે મંજરીની ઢોલ વગાડવાની ઈચ્છા પૂરી કરે છે. પછી તો રોજ મૂળજીના ઢોલ પર આ સ્ત્રીઓ ગરબા ગાય છે અને બે ઘડી સ્વતંત્રતાનો આનંદ માણી લે છે. પરંતુ એક દિવસ સ્ત્રીઓને આ રીતે ગરબા ગાતી ગામડેથી શહેર આવ-જા કરતો ભગલો (મૌલિક નાયક) જોઈ જાય છે. ભગલો તરતજ ગામ તરફ જાય છે...
રિવ્યુ
અંગત મતે કોઇપણ ફિલ્મ જ્યારે તમને પોતાની સાથે જકડી લે, ભલે તે કોઇપણ પ્રકારની ફિલ્મ હોય તો એ ફિલ્મ સારી જ હોવાની. હેલ્લારો ભલે ગામડાની પૃષ્ઠભુમી ધરાવતી ફિલ્મ હોય પરંતુ તે કોઇપણ ગુજરાતીને પોતાની સાથે શરુ થયાની અમુક જ મીનીટોમાં જોડી લેવા માટે સમર્થ છે. આ પાછળનું કારણ તેની વાર્તા કહેવાની સરળ રીત છે.
સામાન્ય રીતે જ્યારે કોઈ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ જોતા હોઈએ ત્યારે એવું લાગે કે અહીં દર્શકોની બુદ્ધિક્ષમતાની પરીક્ષા લેવામાં આવી રહી છે, પરંતુ હેલ્લારોમાં આવું કશુંજ નથી. ફિલ્મના પાત્રો જાણેકે આપણી સમક્ષ જ બધી પ્રક્રિયાઓ કરતા હોય એવું લાગે અને ધીમેધીમે આપણને પોતાની સાથે એટલા તો સાંકળી દે કે ફિલ્મ ક્યારે પતી ગઈ એની ખબર પણ ન પડે.
આમ થવા પાછળનું એક અન્ય કારણ એ પણ છે કે ફિલ્મના મોટાભાગના સંવાદો અત્યંત ધારદાર છે. સૌમ્ય જોશીએ અમુક સંવાદો ચોટ પહોંચાડે તેવા તો અમુક મનને સૌમ્ય લાગે એવા લખ્યા છે. મને ગમેલા બે સંવાદોમાંથી એક છે, “માવડી આવે નહીં, માવડી હોય!” અને બીજો છે “અમુક ભાયડાઓને પ્રભુ અસ્ત્રી જેવા કાળજા આપે એમાંજ ટકી છે આ દુનિયા!” અને સાચું કહું તો આ પ્રકારના હ્રદયસ્પર્શી સંવાદોની તો ભરમાર છે ફિલ્મમાં.
તો ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદભુત છે. એક દ્રશ્યમાં એક તરફ બેડાં પડ્યાં હોય છે અને તેનાથી થોડેક દૂર સ્ત્રીઓ ગરબા રમતી હોય અને તેમની ડાબી તરફ મૂળજી ઢોલ વગાડતો હોય તેને કદાચ આ ફિલ્મની હાઈલાઈટ પણ કહી શકાય. કારણકે બેડાં એ સ્ત્રીઓની પરાધીનતા છે જ્યારે ગરબો તેમની સ્વાધીનતાનું પ્રતિક છે. સંવાદોની જેમ આ પ્રકારના અફલાતૂન દ્રશ્યો પણ ફિલ્મને ચાર ચંદ્રમાં લગાવી દે છે.
આમ તો હેલ્લારોમાં કલાકારોનો કાફલો છે પરંતુ શ્રદ્ધા ડાંગર અને જયેશ મોરે અન્ય કલાકારો કરતા આપણા દિલમાં વધુ ઊંડી છાપ છોડવામાં સફળ થાય છે. એક તરફ હિંમત, બીજી તરફ મર્યાદા અને થોડો ઘણો ડર આ તમામ પ્રકારની લાગણીઓ શ્રદ્ધા ડાંગરે એક ચેમ્પિયન એક્ટરની માફક ઉપસાવી છે. તો જયેશ મોરે ઢોલી તરીકે અન્ડર પ્લે કરતા મૂળજીનું પાત્ર જીવી ગયા છે. સ્ત્રીઓ જ્યારે ગરબા ગાતી હોય કે પછી પોતાની નજર સમક્ષ હોય ત્યારે એની સામે નજર મેળવીને ન જોતા જ સંવાદો બોલવાની જયેશ મોરેની અદાકારી આપણી સામે ખાસ ઉભરીને આવે છે.
ફિલ્મમાં ચાર ગરબા છે અને જો આ ગરબાઓને જ ફિલ્મનો ‘હીરો’ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય. મેહુલ સુરતીનું સંગીત ફૂટ ટેપિંગ છે. તો ગરબે ઘૂમતી મહિલાઓના સ્ટેપ્સની કોરિયોગ્રાફી પણ સ્ક્રિન પર આપણી આંખ સ્થિર કરી દે છે.
જો ફિલ્મના મોટાભાગના પાસાં સબળ હોય તો પછી નિર્દેશન પણ કેમ પાછળ રહી જાય? આગળ વાત કરી તેમ ફિલ્મ અમુક જ મીનીટોમાં તમને બાંધી લે છે અને ફિલ્મ એટલે ગમે છે કારણકે તેની વાર્તા કહેવાની રીત સરળ છે. આ બંને પાસાં સારા અથવાતો ઉત્કૃષ્ટ નિર્દેશનના સંકેત છે. અભિષેક શાહ આ બંને વિભાગોમાં મેદાન મારી જાય છે. કદાચ એમના સચોટ નિર્દેશનને કારણે પણ ફિલ્મ નેશનલ એવોર્ડ વિજેતા હોવા છતાં જોવી અથવાતો માણવી ગમે એવી બની છે.
તો જેવો થોડો ફાજલ સમય મળે કે તરત જ હેલ્લારો જોઈ નાખજો!
૯ નવેમ્બર ૨૦૧૯, શનિવાર
અમદાવાદ