સાંઢ કી આંખ : મૂવી રીવ્યુ JAYDEV PUROHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંઢ કી આંખ : મૂવી રીવ્યુ

ગ્લેમર નહીં ગોબર છે, આ દાદીઓ શૂટર છે

આપણે ઘણી વખત જીવનની પચ્ચીસી વટાવી જઈએ અને કઈક નવું શરૂ કરવાની ઈચ્છા થાય, ત્યારે “હવે ઉંમર જતી રહી” એવું કહીને એ વિચારોને દફનાવી દેતાં હોઈએ છીએ. આ એક સહજ અસફળતા અથવા સહજ કાયરતા છે આપણી. પરંતુ નવીનતાને સ્વીકારવાની અને કંઈક કરી બતાવવાની કોઈ ઉંમર હોતી નથી. બસ, આસપાસનાં નેગેટિવ બરાડા સામે બહેરા બનવું પડે. હમણાં એક ફિલ્લમ જોયું, “સાંઢ કી આંખ” આ ફિલ્મ ક્યાંય પૂર્ણ થતું જ નથી. ફિલ્મ જ્યાં પૂરું થાય ત્યાં વિચારો શરૂ થઈ જાય. શૂટર દાદીઓની ખુમારી….

આ પ્રકારના બાયોગ્રાફી ફિલ્મ બનવા જોઈએ અને હાલ તો અઢળક બને છે. બે ડોહી(આપણી બાજુ વપરાતો શબ્દ) જીવનનાં સાંઠ વર્ષ વટાવી જ્યાં ખાટલે બેસવાની ઉંમર હોય, ત્યાંથી એ જીવનની નવી કારકિર્દી શરૂ કરે છે. ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમર. યુ ટ્યુબ અને ગૂગલમાં એમની મહેનતના ઘણાં કિસ્સાઓ સરળતાથી મળી જશે. અને સાચે ખુમારી ભર્યા વિચારોનું ભાથું ભરવું હોય તો ફિલ્મ જોવા પહોંચી જવું. વિચારોમાં મક્કમતા અને મહેનતમાં નિયમિતતા કોઈપણ સફળતાએ પહોંચાડી શકે છે.

નારીશક્તિને સ્વમાન અપાવે એવી ઢગલાબંધ ફિલ્મો નજીકનાં ભવિષ્યમાં આવી રહી છે. પરંતુ આ ફિલ્મ કંઇક અલગ છે. વૃદ્ધાવસ્થાએ યુવાવસ્થા જીવવાની ધગધગતી તલવાર એટલે સાંઢ કી આંખ. તાપસી અને ભૂમિ બન્ને આ ફિલ્મમાં દાદીની ભૂમિકામાં છે. ડાયલોગ્સ, અભિનય કે મેક અપમાં કદાચ કચાશ દેખાશે, દાદી જેવી ફીલિંગ ન આવે પરંતુ આ ફિલ્મ કરવાની તૈયારી જ ખરેખર સરાહનીય છે.

આ સમયમાં રૂપની ફટાકડીઓ આવી ફિલ્મ સાઈન ન કરે. કેમ કે, અહીં વાત ગ્લેમરની નહીં ગોબરની હતી. લોકોનાં મનમાં હીરોઇનની ઇમેજ બદલાઈ જતી હોય છે. એ ચેલેન્જને સ્વીકારી તાપસી અને ભૂમિએ ખરા અર્થમાં કલાકારી દેખાડી છે. અને આ ફિલ્મ કરવાં બદલ ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને મીડિયામાં ટ્રોલ પણ થઈ છે. પરંતુ ફિલ્મની સ્ટોરી જ લોકોનાં વિરોધને અવગણવાની હોય પછી ટ્રોલર્સથી શું ફેર પડે. અનુરાગ કશ્યપ જે ફિલ્મ બનાવે એ ફિલ્મ કંઈક અલગ જ હોય. ક્યાં ક્યાંથી રિયલ સ્ટોરી શોધી લાવે અને દુનિયાને એમની મક્કમતાનો પરિચય કરાવે.

આખું ફિલ્મ ગામડાંના લોકેશનમાં બન્યું છે. અને ગામડામાં યુગોથી ચાલી આવતી વિચારધારાને અહીં ખોટી સાબિત કરી છે. ફિલ્મનાં ઘણાં દૃશ્યો ઈમોશનલ છે અને આપણી આસપાસ બનેલી ઘટનાઓના પ્રતિબિંબ છે. અંતે માખણ એ જ કે, ચન્દ્રો અને પ્રકાશી બંને જો એ ઉંમરે પોતાનો શોખ જીવી જાણે તો આપણે કેમ નહીં? મતલબ કે, હાથમાં બંદૂક લેવાની વાત નથી પરંતુ આપણી જેમાં ફાવટ હોય એમાં સમય આપવાની અને આપ્યાં રાખવાની વાત છે. કોઈપણ કામયાબી ટકી રહેવાથી મળે અટકી રહેવાથી નહીં.

ફિલ્મમાં એક ડાયલોગ્સ છે કે, “કી ખાઓ તુમ દોનો..??” એટલે કે, તમે બંને દાદી શું ખાયને આવો છો? ત્યારે દાદી કહે છે, “ગાલી….”. આ સંવાદમાં આપણી પણ વાસ્તવિકતા વણાયેલી છે. ફિલ્મનો નિચોડ એટલો જ કે, લોકોની ગાલીનાં અવાજને એ રીતે નજરઅંદાજ કરો કે આપણી ભીતરનો પડઘો પડકાર બની જાય. લોકોને બોલવાનું કામ અને આપણે ટકી રહેવાનું કામ. ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમર આજે 87 ઉંમરની છે. હજી પણ સોશિયલ મોડિયામાં એજ ખુમારીથી ઇન્ટરવ્યૂ કરે છે. ફિલ્મ બની ગઈ એટલે એમને જલસો એવું વિચારીને આ પ્રેરકબળને બાજુ પર કરવું આપણા માટે સરળ રહેશે પરંતુ એવું ન કરી નવાં વર્ષની નવી ઉર્જાને ભેગી કરવામાં નફો રહેશે.

આવી ફિલ્મોને જોવાની અને વિચારવાની હોય, કોઈની બાયોગ્રાફી હિટ કે ફ્લોપ કહેવાની ભૂલ ન કરીએ તો સારું. કેમ કે, આપણી પણ એક બાયોગ્રાફી છે. અને આપણને પણ હજારો લોકો રીવ્યુ આપતાં ફરે છે. પરંતુ આપણી સ્ટોરી એ આપણને જ ખબર હોય. અભિનયને નહીં પરંતુ આ ફિલ્મમાં અભિવ્યક્તિને પ્રાધાન્ય આપશો તો આ ફિલ્મ દિવાળીમાં સફળ વિચારોની ગિફ્ટ જ છે. સિનેમા, મોબાઈલ કે ગમે ત્યાં, આ ફિલ્મનો જુગાડ થાય ત્યાં માણો. બાકી, શૂટર દાદીઓએ ગામડાના કહેવાતાં મોભીઓની મૂછ નીચી કરી નાખી હો….

– જયદેવ પુરોહિત

01/11/2019


Www.jaydevpurohit.com