રસોઇમાં જાણવા જેવું
ભાગ-૧૪
સંકલન- મિતલ ઠક્કર
* ચેવડો બનાવતી વખતે પહેલા કોથમીર ધોઈને સૂકવી લો, એનો પાઉડર બનાવી ચેવડામાં નાંખો. ચેવડો ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* નૉન સ્ટીક પૅનનો ઉપયોગ કરો ત્યારે તેલ લગાવીને ધીમા તાપે એક મિનિટ ગરમ કર્યા બાદ તેને ઉપયોગમાં લો. આંચ ઉપર તેને વધુ પડતું ગરમ કરવાથી લાંબે ગાળે પૅનની ગુણવત્તા બગડી જાય છે.
* અથાણાં માટે હંમેશા ફળ સારા પસંદ કરો. અથાણાં માટે જે વાસણ વાપરો તેમાં કાળજી રાખો, તેને બરાબર ધોઇ, સાફ કરીને જ વાપરો કે જેથી અથાણામાં કોઇ ગંદગી ન આવી જાય. જે ક્ધટેનરમાં અથાણાને રાખવાના હોય તેને ગરમ પાણીથી એક વાર બરાબર ધોઇને તડકામાં સૂકાવી દેવું જોઇએ. ખાવા માટે જ્યારે અથાણાને બહાર કાઢવું હોય તો તે માટે સાફ અને સ્વચ્છ ચમચીનો જ ઉપયોગ કરવો.
* ધાણાનો પાઉડર રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં વપરાય છે. ધાણા અત્યંત ઉપયોગી છે. બહુ ઓછાં એવાં તત્ત્વો હોય છે જે ત્રિદોષશામક હોય છે. ધાણા ત્રિદોષશામક છે. ધાણામાં ડાયેટરી ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોઇ આપણી પાચનક્રિયા ઝડપી અને સરળ બને છે. કબજિયાતથી બચાવે છે.
* ભરેલા કારેલા બનાવતી વખતે મસાલા સાથે વધુ પ્રમાણમાં ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરવાથી કારેલાની કડવાશ તો જતી રહેશે. સાથે સાથે એના ગરમ ગુણનું પ્રમાણ પણ ઘટી જશે.
* લીંબુનાં ફૂલને ખરેખર લીંબુના છોડ કે લીંબુના વૃક્ષ પર ઊગતા ફૂલ સાથે કોઈ લેવાદેવા નથી. સફેદ, પાસાદાર, કરકરી ચમકદાર દળેલી ખાંડ જેવાં દેખાતાં લીંબુનાં ફૂલ એ સિટ્રિક ઍસિડનું ઘન સ્વરૂપ છે. લીંબુ જેવી ખટાશ હોવાથી અને લીંબુની અવેજીમાં વાપરી શકાય એવી ચીજ હોવાથી એનું નામ લીંબુનાં ફૂલ પડી ગયું છે. યાદ રાખો કે સિટ્રિક ઍસિડવાળી ચીજો ખાવાને કારણે હાર્ટબર્ન, પાચનમાં તકલીફ, ઉબકા, ઊલટી, ડાયેરિયા, પેટ ભારે લાગવું જેવી સામાન્ય તકલીફો દેખાય છે. પાચનની તકલીફો વધે. મ્યુકસ કોલાઇટિસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ, અલ્સરેટિવ કોલાઇટિસ જેવા રોગોની શક્યતાઓ વધે.
* કડક અને ફૂલેલી પૂરી બનાવવા હૂંફાળા દૂધ કે પાણીથી લોટ બાંધવો. થોડો સમય લોટ ફ્રિજમાં રાખ્યા બાદ ઉપયોગ કરવો.
* ચાટ મસાલો, ફ્રેન્કી મસાલો, દાબેલી મસાલો જેવા વિવિધ મસાલા ઘરમાં વસાવી રાખો. બાળકોને ઝટપટ સ્વાદિષ્ટ વાનગી બનાવી આપવામાં સરળતા રહે છે.
* બ્રેડની બઢીયા કચોરી બનાવવા માટે સામગ્રીમાં ૨ કપ પલાળેલી મગની દાળ, અડધી ચમચી આદુંની પેસ્ટ, ૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ, ૧ ચમચી વરિયાળી, ૧ ચપટી હળદર પાઉડર, ૧ ચપટી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ, ૨ ચમચી તેલ, ૧૦ બ્રેડની સ્લાઇસ, તેલ તળવા માટે લઇ લો. સૌથી પહેલાં દાળને મિક્સરમાં અધકચરી વાટી લો અને પછી એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે હિંગ અને વરિયાળીનો વઘાર કરો. પછી તેમાં લીલા મરચાં તથા આદુંની પેસ્ટ ઉમેરીને સાંતળો. લાલ મરચું. હળદર પાઉડર અને મગની દાળની પેસ્ટ ઉમેરીને મસાલાને સરખી રીતે શેકી લો. હવે ગરમ મસાલો પાઉડર તથા મીઠું ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ બધી બ્રેડ સ્લાઇસને એક વાટકીથી ગોળાકાર કટ કરી લો. એક-એક કરીને બધી સ્લાઇસને થોડા પાણીમાં નાખીને હળવા હાથે દબાવો જેથી બ્રેડનું એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે એક બ્રેડ ઉપર થોડું મગની દાળનું મિશ્રણ મૂકો અને પછી તેની ઉપર બીજી સ્લાઇસ મૂકીને કવર કરી લો. બંને બ્રેડની કિનારીને સરખી રીતે હાથ વડે દબાવીને કચોરીનો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ કચોરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કચોરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.
* વધેલા ભાતની કટલેસ બનાવવા એક કપ વધેલો ભાત, એક ટેબલસ્પૂન સીંગદાણા, એક ટેબલસ્પૂન કોથમીર, એક કપ પૌંઆ, એક નંગ બટાટા, એક ટીસ્પૂન લીંબુનો રસ, એક ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું, એક ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ખાંડ જરૂર મુજબ તથા તેલ લઇ લો. સૌપ્રથમ વધેલા ભાતમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, વાટેલા આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, સીંગનો ભૂકો, બાફેલા બટાટાનો ભૂકો અને લીંબુનો રસ નાખી, તેને બરાબર મસળીને તેની કટલેસ બનાવો. હવે પૌંઆને શેકી, ખાંડી, ચાળીને તેનો રવા જેવો ભૂકો બનાવી, તૈયાર કરેલી કટલેસને તેમાં રગદોળો. તવા પર તેલ મૂકી કટલેસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી કટલેસને કોઈ પણ દહીંની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
* જૈન પાપડના સમોસા બનાવવા માટે સામગ્રીમાં એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, આઠ દાણા કિસમિસ, ચાર ટુકડા કરેલા કાજુ, પા ચમચી જીરું, તળવા માટે તેલ અને અડદના પાપડ લો. વિધિમાં મગને છ કલાક નવશેકા પાણીમાં પલાળવા, બરાબર પલળી ગયા બાદ તેને સૂકા જ અધકચરા વાટી લેવા. ત્યારબાદ થોડું તેલ મૂકી જીરું નાંખી અને તેમાં વાટેલા મગ તથા ઉપરનો બધો મસાલો નાખી બરાબર મિક્સ કરવું. બે મિનિટ બાદ ઉતારી લેવું. ત્યારબાદ અડદના પાપડના ટુકડા કરી પાપડ પર પાણી લગાડીને તેને પાનબીડાની જેમ વાળવું. ત્યારબાદ તેમાં ઉપરનો મગનો મસાલો ભરવો. જો પાણીથી બરાબર ન ચીટકે તો ઘઉંના લોટની પેસ્ટ બનાવીને ચીટકાડવું. પછી તેલ મૂકીને સમોસાને ધીમા તાપે તળી લેવા. ગરમાગરમ જ પીરસવા.
* ચાનો મસાલો બનાવવા બે મોટી ચમચી કાળા મરી, બે મોટી ચમચી સૂંઠ પાઉડર, ૧૦-૧૨ નાની એલચી, ૧૦-૧૨ લવંગ, અડધો કપ તુલસીના સૂકા પાંદડા અને એક ઈંચ દાલચિનીનો ટુકડો લો. આ બધી સામગ્રીને મિક્સર કે બ્લેન્ડરમાં સારી રીતે પીસીને એરટાઈટ ડબામાં ભરીને રાખી મૂકો. જ્યારે પણ ચા બનાવો ત્યારે સાકર, ચાની ભૂકી અને દૂધ સાથે એક ચમચી આ ઘરે પીસીને બનાવેલો મસાલો ઉમેરો અને મસાલેદાર ચાનો આનંદ માણો.
* કારેલાંને છોલીને નાના ટૂકડાં કરી લો. મીઠું, ઘઉંનો લોટ અને થોડું દહીં નાખીને અડધો કલાક રહેવા દઈ શાક બનાવો.
* શાકભાજીને બારીક કપડાંની થેલીમાં ફ્રિજમાં રાખવાથી લાંબો સમય ટકી રહે છે.
* માઈક્રોવૅવમાં બાઉલને બંધ કરતી વખતે પ્લાસ્ટિક ને બદલે બીજા બાઉલનો ઉપયોગ કરવો.
* લસણ છોલ્યા બાદ હાથમાં વાસ આવતી હોય તો સ્ટીલની ડીશ કે બાઉલ ઉપર હાથને ઘસી લો. વાસ આપોઆપ ચાલી જશે.
* આમલીની ગળી ચટણી બનાવતી વખતે ચટણી ગેસ ઉપરથી નીચે ઉતારતા પહેલા કોથમીર સમારીને નાંખવાથી સરસ સ્વાદ આવશે.
* સ્ટીલના વાસણોમાં આંકા પડી ગયા છે. તો હવેથી લાકડાના આકર્ષક આકારના વિવિધ ચમચા ખરીદજો. જેના ઉપયોગ કરવાથી વાસણોમાં આંકા કે ઘસરકા પડતા નથી.
* મસૂરની દાળનો સૂપ બનાવવા સામગ્રીમાં ૧ મોટો ચમચો તેલ અથવા માખણ, ૧/૨ ડુંગળી સમારેલી, ૩-૪ કાળી સમારેલું લસણ, ૧ કપ મસૂરની દાળ, ૧ ચપટી તજનો પાઉડર, ૧/૨ નાની ચમચી સમારેલું આદું, ૪ લવિંગ, ૧/૨ નાની ચમચી મરચું, ૧ નાની ચમચી જીરા પાઉડર, ૬ કપ પાણી, ૬ સિઝનિંગ કયૂબ, મીઠું તથા મરી પાઉડર સ્વાદ પ્રમાણે, સમારેલી કોથમીર તથા લીંબુનાં પતીકાં તૈયાર રાખો. પ્રથમ પેનમાં તેલ અથવા માખણ ગરમ કરીને તેમાં ડુંગળી, લસણ સાંતળી લો. પછી તેમાં બધી સામગ્રી તથા દાળ નાખીને ધીમા તાપે ચડવા દો. દાળ ચડી જાય પછી તેને મેશ કરો. તેમાં કોથમીર તેમાં લીંબુનાં પતીકાંથી સજાવીને ગરમાગરમ પીરસો.
* લીંબુની ચટણી બનાવવા ૫૦૦ ગ્રામ લીંબુ, ૧ ચમચી સંચળ, મીઠું સ્વાદ મુજબ, ૧ વાટકી ખાંડ, ૧ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી સૂંઠ પાઉડર, ૧ ચપટી હિંગ લો. સૌપ્રથમ એક તપેલીમાં બીજ કાઢીને બધાં જ લીંબુનો રસ કાઢી લો. લીંબુની છાલમાં પણ બીજ ન રહેવાં જોઇએ. ત્યારબાદ લીંબુની છાલના નાના-નાના ટુકડા કરી લેવા. લીંબુના રસને ગાળી લેવો, જેથી રેસાં અને બીજ હોય તો નીકળી જાય. હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો. પછી તેમાં લીંબુનો રસ અને છાલ ઢાંકીને ચઢવા મૂકો. બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. લીંબુની છાલ સોફ્ટ થઈ જાય એટલે તેને ઠંડી કરી લો. ત્યારબાદ તેને મિક્સરમાં નાખી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. મધ્યમ તાપ પર એક કડાઈ ગરમ કરવા મૂકો. ત્યારબાદ લીંબુની પેસ્ટમાં ખાંડ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. ગેસ ધીમો કરી લો. ખાંડ ઓગળીને સરખી રીતે મિક્સ થઈ જાય એટલે અંદર એક ચપટી હિંગ, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને સંચળ ઉમેરો. ત્યારબાદ અડધી ચમચી સૂંઠ ઉમેરીને પાછું મિક્સ કરી લો. બધી જ વસ્તુઓ ચઢવા દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. આશરે ૫ થી ૭ મિનિટ ચઢાવવું. ચટણી બરાબર ચઢી જાય એટલે ગેસ બંધ કરી અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ચટણી ઠંડી પડી જાય એટલે કોઈ બરણીમાં ભરીને સ્ટોર કરી લો. આ ચટણી એક મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકાય છે.
* લીલી ભાજી જેવી કે કોથમીર, પાલક કે મેથીને એલ્યુમિનિયમ ફોઈલમાં રાખવાથી વધુ સમય તાજી રહે છે.
* પાલક- ટમેટાં ભાજી બનાવવા સામગ્રીમાં ૩૦૦ ગ્રામ પાલક, ૨ નંગ ટમેટાં, ૧ કપ મખાણા,૧ નાની ચમચી જીરું, ૧ નાની ચમચી ગરમ મસાલો, ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી હળદર પાઉડર, ૧ નાનો ટુકડો તજ, ૨ મોટા ચમચા દૂધ, ૧ મોટી ચમચી ચોખ્ખું ઘી, સ્વાદાનુસાર મીઠું લો. બનાવવાની રીતમાં પાલકને બરાબર ધોઈ લેવી. પાલકને પ્રેશર કૂકરમાં હળદર, લીલું મરચું જીરું નાખીને બે સિટી વગાડી લો. પાલક ઠંડી થાય એટલે તેને ગ્રાઈન્ડરમાં ક્રશ કરી પ્યુરી બનાવી લેવી. એક કડાઈમાં ઘીને ધીમી આંચ ઉપર ગરમ કરો. મખાણાને બરાબર ક્રિસ્પી થાય તેવા સાંતળી લેવા. તે જ કડાઈમાં થોડું તેલ લો. જીરું સાંતળો, ત્યારબાદ તેમાં ટમેટાં સાંતળો. ટમેટાં બરાબર નરમ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર તથા મીઠું ભેળવીને સાંતળી લો. જરૂર જણાય તો થોડું પાણી ભેળવો. તૈયાર કરેલી પાલક પ્યુરી, દૂધ ભેળવીને ૨-૩ મિનિટ માટે બરાબર પકાવી લેવું. એક બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લો. સર્વ કરતાં પહેલાં તેમાં સાંતળીને ક્રિસ્પી કરેલાં મખાણા પાલક સાથે ભેળવીને પાલક-મખાણાની ભાજી ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.
* જલજીરાનાં પાણીમાં ફૂદિનાની સાથે થોડી કોથમીર વાટીને નાંખવાથી જલજીરા વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* બાજરા આલુ રોટી બનાવવા બે કપ બાજરાનો લોટ, પોણો કપ બાફેલા બટાટાનો છૂંદો, પા કપ બારીક સમારેલા કાંદા, ત્રણ ચમચી બારીક સમારેલી કોથમીર, બે ચમચી આદું-મરચાંની પેસ્ટ, એક ચમચી આમચૂર પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, શેકવા માટે ઘી લો. પ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ લઈ એમાં બટાટાનો છૂંદો, કાંદા, કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને મીઠું મિક્સ જરો. પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધો. લોટના મધ્યમ કદના લૂઆ કરો. એક નૉન-સ્ટિક તવી ગરમ કરો. લોટના લૂઆમાંથી રોટલી વણો. આ રોટલીને તવા પર ઘી લગાવી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. એને દહીં સાથે ગરમ-ગરમ સર્વ કરો.