Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર: ભાગ-૫

ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે. આપણી પચાસ ફિલ્મોની સફર ધીરે ધીરે તેના અંતિમ પડાવ પર આવી પહોંચી છે. આપણે સૌ ‘આઈ.એમ.ડી.બી.(IMDb)’ સાઈટ પરની ટોપ ચાલીસ ફિલ્મોની સફર ખેડીને અંતે પ્રથમ દસ ફિલ્મો સુધી પહોંચી ગયા છીએ. તમે આ લાંબા લિસ્ટમાંથી કેટલી ફિલ્મો જોઈ ?

ચાલો ત્યારે પ્રથમ દસ ફિલ્મોની સફરે…

10. ફાઈટ ક્લબ (Fight Club) (1999):

આક્રોશ અને ગાંડપણ વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. આક્રોશ ક્યારે ગાંડપણનું સ્વરૂપ પકડી લે તે કહી ન શકાય. આપણે હાલના સમયમાં થયેલા વિવિધ આંદોલનો દરમિયાન આ વાત અનુભવી જ છે. લોકોનો આક્રોશ દેશની સંપત્તિને નુકશાન પહોંચાડવાના ગાંડપણ સુધી પહોંચી ગયો હતો.

ફાઈટ કલબ પણ આવા જ આક્રોશ અને ગાંડપણની કથા કહે છે. ડેવિડ ફિન્ચર જેવા પ્રખ્યાત નિર્દેશકની આ ફિલ્મની ગણતરી વર્તમાન સમયની ક્લાસિક ફિલ્મોમાં થાય છે.

ફિલ્મકથા છે એક સામાન્ય ઓફીસ કર્મચારીની જે એક સાબુના સેલ્સમેનને મળે છે. કર્મચારી અને સેલ્સમેન બન્ને પોતાની બીબાંઢાળ જિંદગીથી કંટાળેલા હોય છે. બન્ને કોર્પોરેટ સિસ્ટમ અને ઉપભોક્તાવાદને ધિક્કારતા હોય છે. બન્ને મળીને સામાન્ય દેખાતા લોકોમાં રહેલા આક્રોશને બહાર કાઢવા એક અન્ડરગ્રાઉન્ડ ફાઈટ ક્લબ શરૂ કરે છે. આ કલબનો ધ્યેય બીબાંઢાળ જીવન જીવતા લોકો રાત્રે આવીને એકબીજા સાથે લડીને પોતાનો સમાજ પ્રત્યેનો આક્રોશ બહાર કાઢી શકે તેવો હોય છે. ધીરે ધીરે આ ક્લબ પ્રખ્યાત થવા લાગે છે અને ઘણા ભયાનક પરિણામો આવે છે.

ફિલ્મમાં એડવર્ડ નોટર્ન અને બ્રેડ પિટે લાજવાબ અભિનય કર્યો છે. બ્રેડ પિટે ભજવેલા પાત્રની ગણના હોલિવુડના સૌથી માથા ફરેલા પાત્રમાં થાય છે. આ ફિલ્મ તે વર્ષે માત્ર એક જ ઓસ્કર માટે નોમિનેટ થયેલી.

“બધું જ ગુમાવ્યા પછી જ આપણને કંઈ પણ કરવાની આઝાદી મળે છે.” - આ ફિલ્મનો એક સંવાદ.

9. ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લિ (The good, The bad and The Ugly) (1966):

સત્ય અને અસત્યની લડાઈમાં કાયમ સત્યને પક્ષે સારા માણસો જ હોય એ જરૂરી નથી. ક્યારેક ખરાબ માણસો પણ પોતાના સ્વાર્થ ખાતર સત્યનો સાથ દેતા હોય છે. આ મુખ્ય વિચાર સાથે બનેલી અને હોલિવુડમાં વેસ્ટર્ન ફિલ્મોની પિતામહ ગણાતી આ ફિલ્મનો વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોની મોટાભાગની યાદીઓમાં સમાવેશ થાય છે.

સર્જિયો લીઓનીએ કુલ આવી ત્રણ ફિલ્મો બનાવી હતી. આ ફિલ્મની ગણતરી તે વખતે ‘B’ ગ્રેડની ફિલ્મોમાં થતી, પણ ધીરે ધીરે ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં સર્જિયો લીઓનીએ કરેલા પ્રયોગોથી પ્રેક્ષકો અભિભૂત થવા લાગ્યા. આ ફિલ્મના કારણે જ નજીકથી લેવાયેલા શોટ્સનો ક્રેઝ શરૂ થયો જે આપણી હિન્દી સિરિયલોમાં હજુ પણ ચાલુ જ છે.

ફિલ્મકથા છે ત્રણ વ્યક્તિઓની જે સિવિલ વોર દરમ્યાન ખોવાયેલા એક ખજાનાની શોધમાં છે. ત્રણેય પાસે ખજાના વિશે અલગ અલગ અગત્યની માહિતી છે, માટે ત્રણેયને ફરજીયાત એક સાથે કામ કરવું પડે તેમ છે. ત્રણેય એકબીજાના વિરોધીઓ છે. છેલ્લે ખજાનો કોને હાથ લાગે છે તે જાણવા આ ફિલ્મ જોવી રહી !

આ ફિલ્મના કારણે એ વખતે નિષ્ફળ અભિનેતા ગણાતા ક્લિન્ટ ઇસ્ટવુડની કારકિર્દી બની ગઈ હતી. ક્લિન્ટ ઇસ્ટવુડે આગળ જતાં નિર્દેશક તરીકે હોલીવુડની ઘણી અગત્યની ફિલ્મો આપી.

આ ફિલ્મનું બજેટ એટલું ઓછું હતું કે ફિલ્મમાં સંવાદો ઓછા રાખવામાં આવ્યા કે જેથી ડબિંગ કરવાનો ખર્ચો ઓછો થાય. સંવાદોને બદલે ઘણી જગ્યાએ માત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો જ ઉપયોગ કરવામાં આવ્યો. આ વિચારના કારણે જ ફિલ્મ અસરકારક બની. ફિલ્મ YouTube પર મળી રહેશે.

8. પલ્પ ફિક્સન (Pulp Fiction) (1994):

‘ક્વાન્ટીન ટેરેન્ટીનો’ની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ નિર્દેશકોમાં થાય છે. તેમની પોતાની ફિલ્મો બનાવવાની એક અલગ સ્ટાઇલ છે. તે ફિલ્મો પુસ્તકની જેમ બનાવે છે. તેમની ફિલ્મોમાં પુસ્તકોની જેમ જ અલગ અલગ પ્રકરણો હોય છે. તમે ફિલ્મને બદલે પુસ્તક વાંચી રહ્યા હોય તેમ લાગે. ટેરેન્ટીનોની ફિલ્મોમાં હિંસા પણ અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ હિંસા કોઈ પણ છોછ વગર દર્શાવવા માટે પ્રસિદ્ધ છે. તેમની ફિલ્મોના પાત્રો ક્યારે શું કરે તેનો અંદાજો તમે ન લગાવી શકો !

પલ્પ ફિક્સન ટેરેન્ટીનોની એક પ્રસિદ્ધ ફિલ્મ છે. શોલેની જેમ જ આ ફિલ્મના દરેક પાત્રો પ્રસિદ્ધ થઈ ગયેલા. દરેક પાત્ર ભજવનારની કારકિર્દી આ ફિલ્મ પછી ઊંચકાઈ હતી.

આખી ફિલ્મ માત્ર ઘટનાઓ પર આધારિત છે. એક ડ્રગ માફિયા પોતાના બે માણસોને એક બોક્સરને મારવા મોકલે છે. બોક્સરે એક મેચમાં હારવા માટે પૈસા લીધા હોવા છતાં હારવાને બદલે જીત્યો હોય છે. બીજી પણ કથાઓ એકબીજા સાથે ગૂંથાય છે. ફિલ્મની વાર્તા સુરેખ નથી. ફિલ્મના સંવાદો જોરદાર છે.

ફિલ્મ 7 ઓસ્કર માટે નોમિનેટ થયેલી અને બેસ્ટ ઓરીજનલ સ્ક્રીન પ્લેનો ઓસ્કર જીતી ગયેલી. થ્રિલર ફિલ્મોના રસિયાઓએ ફરજીયાત જોવા જેવી ફિલ્મ.

“જો જવાબો તમને ડરાવતા હોય, તો તમારે ડરામણા પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ.” - આ ફિલ્મનો એક સંવાદ.

7. ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ : રિટર્ન ઓફ ધ કિંગ (The Lord of the rings : return of the king) (2004):

આ શ્રેણીની અંતિમ અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ. આ ફિલ્મે બોક્સઓફીસ પર પણ જબરદસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મ પોતાની અદ્દભુત સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે પણ જાણીતી છે. ફિલ્મ પીટર જેક્સને નિર્દેશિત કરી છે.

એવું કહેવાતું હોય છે કે ફેન્ટસી ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટના અતિરેકને કારણે ઘણીવાર પટકથાનું પાસું નબળું રહી જતું હોય છે. આ ફિલ્મમાં બન્ને પાસા મજબૂત છે.

ફિલ્મની કથા બે ‘હોબીટ્સ’ પેલી શાપિત વીંટીને ‘માઉન્ટ ડુમ’ની જ્વાળાઓમાં નાખીને ‘મિડલ અર્થ’ નામે ઓળખાતી તેમની દુનિયાને બચાવવાનો પ્રયાસ કરે છે. તેમને ‘ગોલુમ’ તરીકે ઓળખતું પ્રાણી પણ મદદ કરે છે. ‘ગોલુમ’ની પોતાની પણ એક કથા છે. તેનું પણ એક રહસ્ય છે. બીજી તરફ સારી અને ખરાબ શક્તિઓ વચ્ચે એક યુદ્ધ પણ શરૂ થાય છે.

યુદ્ધના દ્રશ્યો ખૂબ જ પ્રભાવશાળી બન્યા છે. ફિલ્મ કુલ 12 ઓસ્કર માટે નોમિનેટ થયેલી જેમાંથી 11 ઓસ્કર જીતી ગયેલી. ફેન્ટસી ફિલ્મોના રસિયાઓએ ફરજિયાત જોવા જેવી ફિલ્મ. આ ફિલ્મ પણ ઇન્ટરનેટ પર શોધવાથી મળી રહેશે.

“સાહસ જ એકમાત્ર સુરક્ષા કવચ છે જે તમારું રક્ષણ કરી શકે છે.” - આ ફિલ્મનો એક સંવાદ.

6. સિન્ડલર્સ લિસ્ટ (Schindler's List) (1993):

યાતનાઓની પરાકાષ્ઠા વચ્ચે પણ કેટલાક લોકો માણસાઈ નથી ભૂલતા. માનવતા તમને દુનિયાના કોઈપણ ખૂણે મળી શકે છે. હિટલરના સમર્થકોમાં પણ ! જો તમારામાં દયા અને હિંમત જેવા ગુણો હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાં લોકોની મદદ કરી શકો છો.

બીજા વિશ્વયુદ્ધમાં એક જર્મન ઉદ્યોગપતિ દ્વારા યહૂદીઓને મદદ કરવાના અને તેમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મૃત્યુને હવાલે થતા રોકવાના પ્રયત્નો પર આ ફિલ્મ બની છે. આ ફિલ્મ ‘સ્ટીવન સ્પીલબર્ગ’ જેવા ધુરંધર નિર્દેશકની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.

ફિલ્મ 1993 માં બની હોવા છતાં બ્લેક એન્ડ વ્હાઇટ છે. ફિલ્મના અમુક દ્રશ્યો સાચે જ ધ્રૂજાવી દે તેવા છે. આ ફિલ્મ વિશ્વની સર્વશ્રેષ્ઠ ફિલ્મોના મોટાભાગના લિસ્ટમાં માનભેર સ્થાન પામે છે. આ ફિલ્મ ‘સિન્ડલરસ આર્ક’ નામની નવલકથા પર આધારિત છે.

ફિલ્મમાં ‘ગાંધી’ની ભૂમિકા ભજવનાર બેન કિંગ્સલે પણ એક યહૂદી એકાઉન્ટન્ટની મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ સાચે જ બની હતી. ઓસ્કર સિન્ડલર નામના જર્મન ઉદ્યોગપતિએ પોલેન્ડના આશરે એક હજાર જેટલા યહૂદીઓને પોતાની ફેકટરીમાં કામે રાખવાના બહાને બચાવ્યા હતા. આ બધા જ યહૂદીઓને સિન્ડલર દ્વારા એક લિસ્ટ બનાવીને પસંદ કરવામાં આવ્યા હતા. તેણે જર્મનોને મૂર્ખ બનાવવા યુદ્ધમાં વપરાતા બૉમ્બ બનાવવાની ફેક્ટરી નાખી હતી જેમાં એક પણ બૉમ્બ તેણે બનાવ્યો નહોતો. તેણે નાઝીઓમાં પોતાની વગનો ઉપયોગ કરીને તેણે પસંદ કરેલા યહૂદીઓને યુદ્ધના અંત સુધી બચાવી રાખ્યા હતા.

ફિલ્મને કુલ 12 ઓસ્કર નોમિનેશન મળ્યા હતા જેમાંથી તે 7 ઓસ્કર જીતી ગયેલી. ફિલ્મોના રસિયાઓએ ફરજીયાત જોવા જેવી ફિલ્મ. આ ફિલ્મ ઇન્ટરનેટ પર મળી રહેશે.

“જ્યારે તમારી પાસે મોત આપવા માટેની સત્તા હોય અને તમે ન આપો એ જ સાચી સત્તા કહેવાય.” - આ ફિલ્મનો એક સંવાદ.

5. ટ્વેલ્વ એંગ્રી મેન (12 angry men) (1957):

એક જ ઘટનાને જોવાના દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે પોતાના પૂર્વગ્રહોને બાજુ પર રાખ્યા વગર તટસ્થતાથી ન્યાય તોળવો એ અઘરું કામ છે. સત્ય હંમેશા પૂર્વગ્રહો વગરની દ્રષ્ટિ વડે જ જોઈ શકાય છે.

“જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી દરેક અપરાધીને નિર્દોષ ગણવો.” - આ વિચાર પરથી બનેલી વિશ્વની સર્વશ્રેષ્ઠ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ એટલે 12 angry men. આ ફિલ્મ સિનેમાની તાકાતનું ઉમદા ઉદાહરણ છે. આખી ફિલ્મ એક રૂમમાં જ પૂરી થઇ જાય છે. તેમ છતાં દર્શકોને સહેજ પણ કંટાળો નથી આવતો.

ફિલ્મની કથા એક આરોપીને મોતની સજા આપવી કે નહીં તે નક્કી કરવા ભેગા થયેલા જ્યુરીના સભ્યોની આસપાસ ફરે છે. ફિલ્મની શરૂઆતમાં મોટાભાગના સભ્યો આરોપીને મોતની સજા આપવાની તરફેણમાં હોય છે. પછી ધીરે ધીરે ચર્ચા થતી જાય છે અને નવા નવા રહસ્યો ખુલતા જાય છે. અંતે આરોપીને મોતની સજા મળે છે કે નહીં તે જાણવા ફરજીયાત આ ફિલ્મ જોવી રહી !

કોઈ પણ વ્યક્તિ જો ફિલ્મો બનાવવા વિશે જાણવા માંગતી હોય તો તેણે આ ફિલ્મ ફરજીયાત જોવી રહી. આ ફિલ્મ પરથી હિન્દીમાં ‘એક રૂકા હુઆ ફેંસલા’ નામની એક નબળી ફિલ્મ પણ બની હતી. આ ફિલ્મ YouTube પર મફત મળી રહેશે.

4. ધ ડાર્ક નાઈટ (The Dark Knight) (2008):

દરેક વ્યક્તિની અંદર એક શેતાન પડેલો હોય છે. તેને બહાર લાવવા માત્ર એક નાના ધક્કાની જ જરૂર હોય છે. લોકો તમારી સાથે ત્યાં સુધી જ સારું વર્તન કરે છે જ્યાં સુધી તેમનું પોતાનું કોઈ અહિત થતું ન હોય. મુશ્કેલીના સમયમાં માણસ પોતાનું અસલી સ્વરૂપ બતાવી જ દે છે. મુશ્કેલ સમય જ કોઈ વ્યક્તિને જાણવાનો સાચો સમય હોય છે.

આ ફિલ્મ ઘણે અંશે ઉપરના વિચારોને સ્પર્શે છે. ફિલ્મ નોલાનની અત્યંત જાણીતી ફિલ્મ છે. કહેવાય છે કે આ ફિલ્મે સુપર હીરો મુવીઝની સકલ જ બદલી નાખી છે. ફિલ્મ નોલેનની બેટમેન સિરીઝની બીજી ફિલ્મ છે. આ પહેલા તેણે આ જ શ્રેણીમાં ‘ધ બેટમેન બિગિન્સ’ બનાવી હતી.

ફિલ્મમાં બધા જ અદાકારોએ જબરદસ્ત અભિનય કર્યો છે, પણ ફિલ્મમાં સ્વર્ગસ્થ હીથ લેજર ‘જોકર’ ના રૂપમાં છવાઈ જાય છે. જોકર બેટમેન અને તેના સાથીઓ સામે કેટલાક પ્રશ્નો ઉભા કરે છે. આખી ફિલ્મમાં તે અલગ અલગ યોજનાઓ દ્વારા બેટમેન અને તેના સાથીઓની પરીક્ષા લેતો રહે છે. તેને માત્ર અને માત્ર અરાજકતા ફેલાવામાં રસ છે.

હીથ લેજરનો જોકર સાચે જ હોલીવુડ ફિલ્મોના ઇતિહાસનું એક યાદગાર પાત્ર બની ગયો છે. કહેવાય છે કે હીથ લેજરે કરેલી આત્મહત્યા પાછળનું કારણ પણ તેનું આ જોકરનું પાત્ર હતું ! તે આ પાત્રમાં એટલો ડૂબી ગયેલો કે તેણે જીવનથી કંટાળીને આત્મહત્યા કરેલી. તે આ રોલની તૈયારી વખતે એક ડાયરી પોતાની સાથે રાખતો. એ ડાયરીમાં ટપકાવેલા તેના વિચારોના કારણે ઘણા મનોચિકિત્સકો એમ માને છે કે તેની આત્મહત્યા પાછળનું કારણ જોકર હતો.

આ ફિલ્મ કુલ 8 ઓસ્કર માટે નોમિનેટ થયેલી જેમાં હીથ લેજરને મરણોપરાંત મળેલા ઓસ્કર સહિત કુલ 2 ઓસ્કર જીતી ગયેલી.

“કાં માણસ એક હીરોની મોત મરે છે અથવા વિલન બની જાય એટલું લાબું જીવી જાય છે.” - આ ફિલ્મનો એક સંવાદ.

3. ગોડફાધર ભાગ – 2 (Godfather-2) (1974) અને

2. ગોડફાધર ભાગ – 1 (Godfather-1) (1972):

એક સંપૂર્ણ ફિલ્મ કેવી હોવી જોઈએ ? આ પ્રશ્નનો જવાબ કદાચ એવો હોઈ શકે કે એક સંપૂર્ણ ફિલ્મ જીવન જેવી હોવી જોઈએ. જીવનના તમામ પાસાને આવરી લેતી હોવી જોઈએ.

જીવનના દરેક પાસા અને જીવનમાં જાણવા જેવા દરેક બોધપાઠ વિશે કહેતી ફિલ્મો બહુ ઓછી હોય છે. ગોડફાધર સિરીઝની આ બન્ને ફિલ્મોને તમે જીવન સાથે સરખાવી શકો. મેં પહેલા બન્ને ફિલ્મોના અલગ અલગ રિવ્યુઝ લખવાનું નક્કી કરેલું, પણ બન્ને ફિલ્મોને અલગ પાડવી લગભગ અશક્ય છે. આ બન્ને ફિલ્મો વિશ્વ સિનેમાની સૌથી મોટી સંપત્તિ છે. આ ફિલ્મોએ બોલીવુડની અને વિશ્વ સિનેમાની અસંખ્ય ફિલ્મો પર અસર કરી છે. વિશ્વ સિનેમાના ત્રણ સર્વ શ્રેષ્ઠ અભિનેતાઓએ આ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

જીવનની ચડતી અને પડતીઓ તથા તેના કારણે મનુષ્યમાં આવતા બદલાવોનો દસ્તાવેજ છે આ ફિલ્મો. એક ગેંગસ્ટર કુટુંબની ચડતી અને પડતી આ બે ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. ‘ધર્માત્મા’, ‘સરકાર’, અને ‘ગેંગસ ઓફ વાસેપુર’ જેવી અનેક બોલીવુડની ફિલ્મોમાં ક્યાંકને ક્યાંક ‘ગોડફાધર’ સિરીઝની ફિલ્મો જીવે છે.

આ ફિલ્મો ‘મારિઓ પુઝો’ની આ જ નામની નવલકથા પરથી બની છે. આ ફિલ્મોના નિર્દેશક ફ્રાન્સિસ ફોર્ડ કપોલા છે. આ સિરીઝની કુલ ત્રણ ફિલ્મો બનાવવામાં આવી છે. ત્રીજી ફિલ્મ પહેલી બન્ને ફિલ્મો જેટલી જાણીતી નથી.

પહેલી ફિલ્મમાં ‘ડોન કાર્લિઓની’ તરીકે માર્લોન બ્રાન્ડોએ જબરદસ્ત અભિનય કર્યો છે. આ રોલ માટે બ્રાન્ડોને ‘શ્રેષ્ઠ અભિનેતા’નો ઓસ્કર એવોર્ડ પણ મળેલો. પહેલી ફિલ્મમાં ડોન કાર્લિઓનીના જીવનની ચડતી અને પડતી દર્શાવાઈ છે, જ્યારે બીજી ફિલ્મનું મુખ્ય પાત્ર તેનો પુત્ર માઈકલ છે.

ગોડફાધર-1 કુલ 11 ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેટ થયેલી જેમાંથી 3 ઓસ્કર એવોર્ડ્સ જીતી ગયેલી. ગોડફાધર-2 પણ 11 ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેટ થયેલી અને 6 ઓસ્કર એવોર્ડ્સ જીતી ગયેલી !

આ બન્ને ફિલ્મો ફરજીયાત જોવી જ રહી. બન્ને ઇન્ટરનેટ પર મળી રહેશે.

“એક મિત્ર હંમેશા તમારા ગુણોને ઓછા આંકશે, જ્યારે એક દુશ્મન હંમેશા તમારી ભૂલોને મોટી આંકશે.” - ગોડફાધર-1 નો સંવાદ.

“તમારા મિત્રો કરતા તમારા દુશ્મનોને વધુ નજીક રાખો.” - ગોડફાધર-2 નો સંવાદ.

1. ધ શ્વાસેન્ક રીડેમશન (The Shawshank Redemption) (1994):

આશા અને નિરાશામાંથી પસંદગી હંમેશા આશાની જ કરવી જોઈએ. જીવનમાં આવતા દુઃખો સામે કોઈ પણ સમયે હાર માની લીધા વગર સતત મુકાબલો કરવો જોઈએ. ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં હાર સ્વીકાર્યા વગર ટકી રહેનારા લોકો જ અંતે પોતાના લક્ષને પ્રાપ્ત કરે છે.

તમને એમ થશે કે ‘ગોડફાધર’ જેવી દિગ્ગ્જ ફિલ્મોને પછાડનારી ફિલ્મ કેવી હશે ? આ 50 ફિલ્મોના લિસ્ટની ટોચે ટટ્ટાર ઉભેલી અને વિચિત્ર નામ ધરાવતી આ ફિલ્મ એટલે પ્રેરણાનું ઝરણું ! તમે જ્યારે જીવનથી નિરાશ થઇ જાવ ત્યારે અચૂક આ ફિલ્મ જોવી. ફિલ્મના નાયકની કથા જોઈને ચોક્કસ તમને પ્રેરણા મળશે.

ફિલ્મકથા છે એવી વ્યક્તિની જે પોતાની પત્ની અને તેના પ્રેમીની હત્યાના આરોપમાં ઉંમરકેદની સજા પામીને જેલમાં જાય છે. જેલમાં તેને પડતા દુઃખો અને તેની સામે તેની લડતની કથા એટલે આ પ્રેરણાદાયક ફિલ્મ.

આ ફિલ્મ ‘સ્ટીફન કિંગ’ની એક વાર્તા પરથી બની છે. વિચિત્ર વાત એ છે કે આ લિસ્ટની પહેલા નંબરની ફિલ્મ હોવા છતાં બોક્સઓફીસ પર આ ફિલ્મ નિષ્ફ્ળ પુરવાર થયેલી.

‘પલ્પ ફિક્સન’ અને ‘ફોરેસ્ટ ગમ્પ’ જેવી ફિલ્મો સાથે રિલીઝ થવાને કારણે આ ફિલ્મને વ્યવસાયિક રીતે સહન કરવું પડ્યું હતું. ધીરે ધીરે પ્રેક્ષકોએ આ ફિલ્મને વખાણી. ઘણા લોકોનું માનીએ તો આ ફિલ્મે તેમનું જીવન બદલી નાખ્યું છે. આ ફિલ્મને કુલ 7 ઓસ્કર નોમિનેશન મળેલા, પણ એકપણ ઓસ્કર એવોર્ડ જીતી શકી નહોતી.

આ ફિલ્મ પણ ઇન્ટરનેટ પર મળી રહેશે. ફરજીયાત જોવા જેવી ફિલ્મ.

“આશા સારી ચીજ છે અને સારી ચીજો ક્યારેય નાશ પામતી નથી.” - આ ફિલ્મનો સંવાદ.

*

આ હતી IMDb સાઈટ પરની પ્રથમ પચાસ ફિલ્મોની સફર. તમામ વાંચકોનો બધા જ હપ્તાઓ વાંચવા માટે આભાર.

(સમાપ્ત)

- નરેન્દ્રસિંહ રાણા

(આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)