Utkrantivaad ni maryadao books and stories free download online pdf in Gujarati

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની મર્યાદાઓ

ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ વિશે ભણીને આપણે સૌ મોટા થયા છીએ. 'સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ' અને 'નેચરલ સિલેક્શન' જેવા નિયમોની ગડ બેસાડનાર ડાર્વિનની અમુક વાતોની હવે વૈજ્ઞાનિકોને ગડ નથી બેસતી. કારણ તેમણે એ થિયરીમાં અમુક છીંડાં શોધી કાઢ્યાં છે. વાંચો ત્યારે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની એ ખામીઓ વિશે.

ઉત્ક્રાંતિના પરિણામે આપણે અમુક કરોડ વર્ષોમાં, વાનરમાંથી - નર બની ગયા !

હા, હવે કોઈકને યાદ આવશે કે અરે ! આ તો પેલા ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક (પ્રકૃતિવિદ કે જીવ વિજ્ઞાની) ચાર્લ્સ ડાર્વિનની ખોજ ! અરે હા, એજ સફેદ દાઢી વાળા - વૃદ્ધ માણસ કે જે યુવાનીમાં ફરવા માટે વિદેશ ગયા હતા અને ત્યાં પણ પોતાની તીક્ષ્ણ બુદ્ધિની મદદથી અનેક જાતિ-ઉપજાતિઓનું અવલોકન કરી આવ્યા. સમય જતાં એક અદભુત સિદ્ધાંત જગત સમક્ષ મુક્યો : જે સિદ્ધાંત આજે 'ઉત્ક્રાંતિવાદ'નામે ઓળખાય છે ! બરોબર ને ?

જો કે, ચાર્લ્સ ડાર્વિન વિશે ઘણા બધાને આટલાથી વધુ ખબર હોતી નથી. પણ આજે એમના વિશે અચાનક વાતો શું કામ કરવાની ? કેમ, આ વસ્તુ રસપ્રદ નથી ?

અરે, આનાથી વધુ કોઈ INTERESTING ટોપિક ના હોઈ શકે ! આપણે ખુદ જે છીએ, ખુદનું શરીર (આત્મા) વગેરે વિશે તો આપણે થોડું થોડું જાણીએ છીએ, દુનિયામાં શું ચાલી રહ્યું છે એની પણ ઘણાંને ખબર છે. પણ આ બધામાં મુખ્ય વાત તો રહી ગઈ.

જીવવવાનું - રહેવાનું તો પછીની વાત, આ આપણે કેવી રીતે પૃથ્વી પર આવ્યા ? કેમ બીજા ગ્રહ પર ન આવ્યા ? આપણે પહેલા શું હતા ? પહેલો મનુષ્ય કયારે જન્મ્યો ? આ બધાના નહિ તો કંઇ નહીં, પણ અમુક સવાલોના જવાબ તો મળી શકે.

જોકે, ડાર્વિનની શોધના લગભગ 150 વર્ષ કરતાં વધુ સમય પછી આજે પણ ઉત્ક્રાંતિવાદ વિશે કેટલીય ચર્ચાઓ, સંવાદો ઉદ્દભવે છે !

કેટલીક વખત એ સિદ્ધાંતનું સમર્થન કરતા તો કેટલીક વખત એને ખંડિત કરતા પુરાવાઓ મળતા રહે છે. પણ આ વિષય જેટલો લાગે છે એનાથી બહુ જ વધુ રસપ્રદ અને રોમાંચક છે. (એટલો જ વિવાદાસ્પદ પણ છે!)

તો ચાલો, આ સિદ્ધાંત પાછળના સમયમાં એક નજર કરીએ.

ઇંગ્લેન્ડમાં જન્મેલ ડાર્વિનને શરૂઆતથી જ પ્રકૃતિની સુંદરતા તથા પર્યાવરણમાં રસ હતો એટલે એડિનબર્ગની યુનિવર્સીટીમાં જે પરાણે મેડિકલની શિક્ષા લઈ રહ્યા હતા તે મૂકી દીધી. એના બદલે મરીન વિભાગમાં કામ કરવાનું ચાલુ કર્યું. (એ જ બહાને ક્યાંક દેશ-વિદેશના દરિયાકાંઠે રખડી શકાય!) પણ કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં જેટલાં વર્ષ અભ્યાસ કર્યો એટલાં વર્ષોમાં તેઓ 'નેચરલ સાયન્સ' એટલે 'પ્રકૃતિ / પર્યાવરણ વિજ્ઞાન' તરફ વધુ ઢળવા લાગ્યા, પણ હજી તેઓને જોઈએ એવી સફળતા મળતી ન હતી. હજી પણ તેઓ યોગ્ય કામની ખોજમાં અહીંથી ત્યાં ધક્કા ખાઈ રહ્યા હતા.

એવામાં જ એમના ભાગ્યનો દરવાજો જાણે અચાનક ખૂલ્યો. તેમની ઉંમર લગભગ 22 જેટલી હશે જ્યારે એમને એક સમુદ્રયાત્રા (વોયેજ) ખેડવાનો મોકો મળ્યો. જહાજ પણ બીજું કોઈ નહિ, પરંતુ એક સમયે પ્રખ્યાત એવું '2nd એચ.એમ.એસ. બિગલ.'

હકીકતમાં આ જહાજ ઇંગ્લેન્ડનું હતું. એ પૃથ્વીના બીજા અમુક ખંડના ખનીજો, કુદરતી સંપતિ વગેરેની માહિતી મેળવવા માટે જવાનું હતું. આ પ્રવાસ 3-4 મહિના નહીં, પણ લગભગ 5 વર્ષ (1831- 1836 ) જેટલો ચાલવાનો હતો. આ વોયેજમાં ડાર્વિને એક પ્રકૃતિવિદ તરીકે જવાનું હતું, પણ વિના કોઈ પગારે. એમને 5 વર્ષ જહાજમાં રહીને અલગ અલગ જગ્યાઓએ જઈને વિવિધ વૃક્ષો તથા પ્રાણીઓ વગેરે વિશેના નમૂના લઈને એની માહિતી એકઠી કરવાની હતી.

આ પ્રવાસ ઇંગ્લેન્ડથી શરૂ થઈને આફ્રિકાના પશ્ચિમતમ કેપ વર્ડ આઇલેન્ડ નજીક દ્વિપોમાં, એટલાન્ટિકના દક્ષિણે (હાલનું બ્રાઝિલ), ત્યાંથી આર્જેન્ટિનાના કિનારે તથા ફોકલેન્ડ અને એ પછી તરત જ લેટિન અમેરિકાના દક્ષિણે જવાનું હતું. ત્યાંથી જગવિખ્યાત ગલાપાગોસના ટાપુઓમાં થોડો સમય વિતાવવાનો હતો. ત્યાંથી પેસિફિક સમુદ્રમાંથી થઈને ઓસ્ટ્રેલિયા, મોરિશીયસ તથા પછી કેપટાઉન (દક્ષિણ આફ્રિકા) જવાનું હતું. ફરીથી એટલાન્ટિક સમુદ્ર પાર કરીને, બ્રાઝીલના કિનારેથી થઈને પરત ઇંગ્લેન્ડ ફરવાનું હતું.(પ્રવાસનો નકશો જુઓ 'ખજાનો'ના બ્લોગ પર) આટલા બધા સ્થળોએ ફરવા મળશે એ વિચારથી તેઓ એક પ્રકૃતિવિદ તરીકે (વિના કોઈ પગારે) જવા તૈયાર થયા.

જહાજ ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧ ના દિવસે કપ્તાન રોબર્ટ ફિત્ઝરોયની આગેવાનીમાં ડાર્વિન તથા બીજા અમુક લોકોને લઈને ઉપડયું ને એ સાથે જ માનવજગત માટે એક અદ્દભુત અને રોમાંચક નિવડનારી યાત્રાનો પ્રારંભ થયો. એ સફરના અંતે હજારો-લાખો લોકો જે જિજ્ઞાસા સેવી રહ્યા હતા એ જિજ્ઞાસાનો અંત આવવાનો હતો. મનુષ્ય ક્યાંથી આવ્યો છે, કેટલા વર્ષોથી પૃથ્વી પર છે, વગેરે જેવા અનેક પ્રશ્નોના નિરાકરણ મળવાના હતા.

ત્યાં 5 વર્ષ રહી ડાર્વિને અસંખ્ય પ્રાણીઓ, વૃક્ષો- વનસ્પતિઓ, નાના મોટા જીવોનું અધ્યયન કર્યું. કેટલીક નવી જાતિઓ વિશે પણ નોંધ લીધી ને પોતે કંઈક અલગ-નવું જ જોઈ-જાણી આવ્યા છે એ ઉત્સાહ સાથે પાછા ફર્યા. પોતે ત્યાં શું-શું કર્યું, શું-શું જોયું વગેરેની નોંધ કરેલી બુક ઉથલાવવા માંડી. તેમની એ નોંધ 'JOURNAL OF VOYAGE' ના નામે પ્રકાશિત થઈ અને દુનિયા ડાર્વિનને ઓળખતી થઈ. તેમની થિયરીઓ કેટલાક પ્રખ્યાત વિજ્ઞાનીઓ જેવા કે ચાર્લ્સ લીએલની 'યુનિફૉર્મટરીઅન/એકરૂપતા ધરાવતા વગેરે જેવી પ્રચલિત વાતો સાથે મેળ બેસતી થઈ.

તેમણે સૌથી પહેલું કામ પોતે જે અધ્યયન કરી આવ્યા હતા એના વિશે બહુ ઊંડાણપૂર્વક વિચાર કરવાનું કર્યું. આમ કરતાં કરતાં ધીરે-ધીરે ૧૮૩૮માં પોતાની એક બૂક 'NATURAL SELECTION' ના નામે બહાર પાડી. તેમાં પાયાના સિદ્ધાંતો કે જેના દ્વારા મનુષ્યનો ઉદ્દભવ, એની મનુષ્ય બનવાની યાત્રા તથા એના અસ્તિત્વ વિશે જાણકારી આપી. કુદરત કયા સંજોગો ઉપર કઈ જાતિને (કે પ્રજાતિને) સિલેક્ટ કરે છે ? આમ કરવા પાછળનું શું કારણ હોઈ શકે અને છેવટે એ જાતિનું શું થાય છે એના વિશે બહુ ગહનતાથી કરેલો અભ્યાસ દર્શાવવામાં આવ્યો.

ચાર્લ્સ ડાર્વિનની બુક નેચરલ સિલેકશનના કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

૧. પેઢી દર પેઢી એવા વધારે બાળકો જન્મશે કે જેઓ પોતાના અસ્તિત્વ માટે લડી શકે. (SURVIVE કરી શકે.)

૨. દરેક જુદી વ્યક્તિના PHENOTYPIC (ફીનોટિપિક - અવલોકન કરીને ટકી રહેવાની વિશેષતા) વર્તનમાં પરિવર્તન હશે તેમજ એ વારસાગત જળવાઈ રહેશે.

૩. જે-તે વ્યક્તિના વારસાગત લક્ષણો એ તેની આસપાસના પર્યાવરણને વધુ અનુકૂળ હશે એ જ વધારે સમય ટકી શકશે.

૪. જ્યારે REPRODUCTIVE ISOLATION ( એવી પેઢીના પ્રાણીઓ વચ્ચે પ્રજનન કે, જેઓ ક્યારેક એક જ પ્રજાતિના હતાં, પણ અમુક કારણોસર સમયાંતરે છૂટા પડતાં ગયાં) થશે ત્યારે કોઈ નવી પ્રજાતિનો ઉદ્દભવ થશે.

એ દિવસ પણ આવી ગયો જ્યારે ૧૮૫૯માં એમણે એક વિશ્વવિખ્યાત સિદ્ધાંતને સમર્થન આપવા એક બહુ જ મહત્વપૂર્ણ તથા રસપ્રદ બુક 'THE ORIGIN OF SPECIES' (વિવિધ જાતિઓનો ઉદ્દભવ) પ્રકાશિત કરી. આ બુકમાં લખેલા બધાં સિદ્ધાંતોને બહુ ચોટદાર રીતે તથા જરૂર પડ્યે વૈજ્ઞાનિક પ્રયોગોની પુષ્ટિ સાથે સમજાવવામાં આવ્યા.

એમાં દરેક જાતિ કેવી રીતે અસ્તિત્વમાં આવી, એના ઉદ્દભવ પાછળના બધા શક્ય કારણો, એ જાતિનો વિકાસ, એના જેવી બીજી જાતિમાં કેવી વિવિધતા (વેરાયટી) હોઈ શકે ? શા માટે એ જ વિવિધતા બીજી જાતિમાં ના હોઈ શકે ? બે જાતિ કેવી રીતે એકબીજાથી અલગ પડી ? વગેરે માહિતી વિવિધ પુરાવાઓ સાથે આપવામાં આવી. આ બુકે જગતની વિચારધારા જ બદલી નાખી ! લોકો પોતે હજારો કે લાખો વર્ષોથી જે માનતા આવ્યા છે એ ખરેખર સાચું છે કે કેમ અને તે પાછળના કારણો શોધવામાં મશગૂલ બન્યા.

પશ્ચિમી લોકો બાઇબલને આધારભૂત ગ્રંથ (ઓરિજિનલ 'બાઇબલ' ગ્રંથ સૌથી જૂનો તથા વિશ્વાસુ ગ્રંથ માનવામાં આવે છે) ગણતા હોવાથી ડાર્વિને કહેલા સિદ્ધાંતોનો જોરશોરથી વિરોધ થવા લાગ્યો. વિરોધીઓના મતે ઈશ્વરે જ બધા મનુષ્યોનું સર્જન કર્યું હતું. (આમેય વિરોધ એમની બુક 'નેચરલ સિલેકશન' પ્રકાશિત થઈ ત્યારનો ચાલુ જ હતો.)

લોકો માટે કોઈ માણસના પૂર્વજો વાંદરાઓ હશે એ વાત કલ્પના બહારની હતી ! આ એવી પરિસ્થિતિ હતી કે લોકો વિશ્વાસ કરવા માંગતા ન હતા, પણ એના સિવાય કોઈ ઉપાય નહોતો. પણ હવે સમય બદલાઈ રહ્યો હતો !

થોડો સમય જતાં એમની થિઓરી આખી તો નહીં પણ થોડી થોડી લોકોને સમજાવા લાગી. વળી એમણે આપેલા આધારભૂત પુરાવાઓને પણ નજરઅંદાજ કરી શકાય એમ ન હતું. એવું પણ કહી શકાય કે એ સમયમાં જે શંકાઓ તથા સવાલો એમની થિઓરી વિશે ઉઠ્યા એના જવાબો ડાર્વિન આપી શક્યા હતા.

આમ, ડાર્વિનની થિઓરી તેમના તથા તેમના જેવા ઘણાખરાં જીવવિજ્ઞાનીઓની ધારણાઓને, તેમના અનુમાનોને રજૂ કરવામાં સફળ રહી.

અમુક લોકો તેમજ કેટલાક જીવવિજ્ઞાનીઓને બાદ કરતાં લગભગ ૧૮૭૦ સુધી મોટા ભાગના લોકોને આ બાબત પર વિશ્વાસ બેસી ગયો હતો. એટલે આ સિદ્ધાંત હવે 'DARWINISM' તરીકે ઓળખાયો !

સતત કાર્યશીલ રહેતા ડાર્વિનનું ૧૮૮૨માં ૭3 વર્ષની ઉંમરે અવસાન થયું. ચાર્લ્સ ડાર્વિન જગતમાં 'ઉત્ક્રાંતિવાદના પ્રણેતા' તરીકે અમર બની ગયા. જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓમાં આજે પણ એમનું નામ માનથી લેવાય છે.

બસ, હવે વાત પૂરી...?

નહિ !

પણ હવે એ શોધના ૧૫૦ વર્ષ પછી શું ? આજે તો આપણી પાસે નવી નવી ટેકનોલોજીઓ છે કે જેની મદદથી આપણે આપણી બધી શંકાનું સમાધાન કરી શકીએ, આપણે મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ. આજે આપણી પાસે એવા માસ્ટરમાઇન્ડ જીવવિજ્ઞાનીઓની પુષ્કળતા છે કે જે પોતાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવવા માટે વિજ્ઞાનના (જીવવિજ્ઞાન) મૂળભૂત પાયાના સિદ્ધાંતોની યથાર્થતા ચકાસી જાણે છે.

પણ જ્યારે એ મૂળભૂત સિદ્ધાંત સાચો હોય ત્યારે ને ? એ સાચો છે કે નહીં એના માટે બધી જ પરીક્ષાઓ કરવી પડે. એ સિદ્ધાંતના બધા જ તારણોનું અવલોકન કરી એને પ્રયોગાત્મક દ્રષ્ટિએ જોવા પડે. એ પુરવાર થાય તો જ સિદ્ધાંત ૧૦૦% સાચો ઠરે.

દરેક મહાન સિદ્ધાંત સાથે થાય એમ 'ઉત્ક્રાંતિવાદ'ના સિદ્ધાંત સાથે એવું કંઈક જ બન્યું. કેટલાક જીવવિજ્ઞાનીઓ તથા કેટલાક બીજા લોકોએ એ સિદ્ધાંતની મદદ લેવાને બદલે એના સામે બાંયો ચડાવી લીધી. એ સિદ્ધાંત ખોટો છે એવું જાહેર કરવા માંડ્યું. આમેય આટલો મોટો સિદ્ધાંત ૧૦૦% સાચો હોવાની ખાતરી નહોતી મળતી, ઉપરથી કેટલીક એવી શોધો તથા તારણો કાળક્રમે થયા કે જેને ખરેખર એ સિદ્ધાંતની યથાર્થતા ઉપર શંકાઓ થવા માંડી !

આવા જ કેટલાક જીવવિજ્ઞાનીઓ તથા એને લાગતી શાખાના લોકોએ આ સિદ્ધાંતને ખોટો ઠેરવતી કેટલીક થિઓરી વિચારી જોઈ, એના પુરાવા પણ મેળવ્યા. એટલે ફરીથી આ સિદ્ધાંતનો વિવાદ ચગવા માંડ્યો !

પ્રસ્તુત છે આવી જ કેટલીક થિઓરી...

(૧) D.N.Aની અદભૂત કાર્યપ્રણાલી :

D.N.A. વિશે જ્યારે પહેલી-વહેલી લોકોને ખબર પડી, ત્યારથી લઈને આજ સુધી એની અદભુત કાર્યપ્રણાલી વિશે વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરતા રહે છે. આપણે સૌ જાણીએ છીએ એમ ડી.એન.એ. એ કોઈ પણ સજીવના શરીરનો મુખ્ય બંધારણીય ઘટક છે. એ 'જિનમ'ની રચના કરે છે જેની ત્યાર બાદ લગભગ અસંખ્ય સાંકળો રચાઈને કોઈ પણ પ્રાણીના સમગ્ર શરીરનું નિર્માણ થાય છે. પણ માનવ શરીરમાં એ કેવી રીતે કામ કરે છે ? મનુષ્યના શરીરમાં આવેલ જિનમની (ડી.એન.એ. + આર.એન.એ.) માહિતી લગભગ 3GB (૩ ગીગા બાઈટ) જેટલી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશ પહોંચાડવા માટે જે ભાષાનો (માધ્યમનો) ઉપયોગ થાય છે તે બેશક ડિજિટલ હોય છે (જે કમ્પ્યુટરમાં પણ વપરાય છે.) પણ આ ભાષા કમ્પ્યુટરની જેમ BINARY LANGUAGE નથી !

કમ્પ્યુટરની BINARY LANGUAGE માં બે જ સંખ્યા હોય છે - 0 અને ૧. પણ જિનમમાં કુલ ચાર સ્થાન હોય છે : T, C, G, A. આ ચારેય ન્યુક્લીઓટાઇડ બેસીસ દર્શાવે છે. કોઈ પણ ડિજિટલ બાઈટમાં ૮ સંખ્યા હોય છે, જ્યારે ડી.એન.એ. બાઈટમાં 3 સંખ્યા જ હોય છે.

પરંતુ આ ત્રણેય સંખ્યા પાસે પોતાના ૪ અલગ અલગ મૂલ્ય હોય છે. એટલે કુલ મળીને (૪^૩=૬૪) શક્યતાઓ ધરાવે છે, પરંતુ કમ્પ્યુટર પોતાના ૨ મૂલ્ય સાથે (૨^૮=૨૫૬) શકયતાઓ ધરાવે છે.

પણ આપણે આમાં આવડું ઊંડું શું કામ ઉતરીએ છીએ ? એક જ કારણ છે. ફક્ત એટલું વિચારો કે આ દુનિયામાં હાલમાં રહેલી (અથવા લુપ્ત થઈ ગયેલી) ૨૦ મિલિયનથી પણ વધુ પ્રજાતિની રચના ફક્ત આ ૬૪ શક્યતાઓથી થઈ છે ! તો પછી આટલી બધી વિવિધ જાતિઓ રચવાની આશ્ચર્યજનક કાર્યક્ષમતા ક્યાંથી આવી ? બેશક, જિનમના બંધારણમાંથી.

હવે આ વાતને બીજી રીતે સમજીએ :

લગભગ ૨૦૦૦૦-૩૦૦૦૦ જેટલા જિન્સ ભેગા મળીને કોઈ જિનમની રચના કરે છે. પણ મોટા ભાગના કોષ કોઈ મહિતીનો અમુક જ % ભાગ દર્શાવે છે. આ વાત સમજી શકાય એમ છે, કેમ કે કોઈ પણ કોષને બધાં રસાયણો બનાવવાની કે બધી માહિતી પહોંચાડવાની હોતી નથી. ઉદાહરણ તરીકે તમારું જઠર એવા કોષો નહિ ધરાવતું હોય કે જે કોષો 'ન્યુરોન્સ' ની રચના કરી શકે, કેમ કે એની જરૂર નથી.

પણ લગભગ બધા કોષો જિનમની એક સામાન્ય રચના કે પેટર્ન ધરાવે છે એટલે એ બહુ અગત્યનું છે કે બધા કોષોને એ ખબર પડે કે કઈ માહિતીની જરૂર નથી.

બસ, ડી.એન.એ. નું કામ અહીંથી શરૂ થાય છે. એને એવા 'જિનેટિક કોડ' કે 'સ્ટેમ સેલ' બનાવતા રહેવાનું હોય છે કે જેઓ પોતે પોતાનું કામ જાણતાં હોય.

કોઈ પણ સ્ટેમસેલ આખા જીવનમાં બધો સમય કાર્યરત રહેતું નથી. જ્યારે માતાના ગર્ભમાં કે પછી ઈંડામાં તે હોય છે ત્યારે જ પોતાનું એક વિશિષ્ટ કાર્ય એ શીખી લે છે અને પછી એવી જ રીતે વર્તે છે. દરેક સ્ટેમ સેલ પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરે છે. આમ ને આમ એ વધુ વિશિષ્ટ બનીને કાર્ય કરે છે.

કમ્પ્યુટરના હાર્ડવેરની વાત કરીએ તો KERNELL પાર્ટ એ બધા કમ્પ્યુટર (CPU) નો મહત્વપૂર્ણ ભાગ છે જે બધા APPS તથા PROCESS વચ્ચે સંબંધ જાળવી રાખે છે. તેવી જ રીતે દરેક કોષ આખા KERNELL ની કોપી બની જાય છે, પણ એ ફક્ત એટલા ભાગનો જ ઉપયોગ કરે છે જેની એને જરૂર છે.

એટલે કે જ્યારે કોઈ કામ આવી પડે, ત્યારે દરેક કોષ કામ કરવા માટે ચોક્કસ ભાગને જ સંદેશ પહોંચાડે છે અને આ કરવા માટે પોતાનો સંદેશ એ આર.એન.એ. ને લખી મોકલાવે છે. આના પછી જે પ્રોટીન માટે ડી.એન.એ. બનાવાયો છે એ જ પ્રમાણે આર. એન.એ. સૌથી પહેલાં એમિનો એસિડ તથા પ્રોટીન બનાવે છે.

પણ સૌથી વધુ ખાસ કામ તો હવે થાય છે : એ પ્રોટીન ક્યાં જશે એની એને પોતાને શું ખબર ? એની પાસે કોઈ ઠામ-ઠેકાણું કોઈ સરનામું તો હોવું જોઈએ ને !

એટલે આ બનેલો (કે બનાવાયેલો) પ્રોટીન હવે પોતાનું ખાસ 'શિપિંગ અડ્રેસ' મેળવે છે. (હા હા, જ્યારે આપણે કોઈ ઓનલાઇન શોપિંગ કરીએ ને જે અડ્રેસ દર્શાવીએ એમ જ !) આ એડ્રેસ કોષને જણાવે છે કે પ્રોટીન કોષમાં ક્યાં જોડાવા માંગે છે. પ્રોટીન એક વાર જોડાઈ ગયા પછી પ્રોટીન પોતાની કામગીરી કે જે માટે એ બન્યું હતું એ શરૂ કરી દે છે. આમ કોષનું કામ પૂરું થાય છે.

જો કે, આવું સતત જિનમમાં થયા જ કરે છે ને ડી.એન.એ. તથા આર.એન.એ. તેની દેખરેખ રાખે છે.

પણ માની લો કે આ પ્રોટીન પાસે કોઈ વિશિષ્ટ 'શિપિંગ એડ્રેસ' જ નથી અથવા તે યોગ્ય જગ્યાએ જોડાતો જ નથી, તો શું થાય ? તો પછી એ કોઇ કામગીરી નથી કરી શકતું.

આ બધું કામ ડી.એન.એ. બહુ વિશિષ્ટતાથી કોઈ નિષ્ણાતની જેમ લગભગ દરેક વખત વગર ચૂકયે કરે છે. આવી જટિલ પ્રણાલીમાંથી પણ બહુ હોશિયારીથી પોતાનું કામ કરાવે છે.

ખરેખર તો મસ્તિષ્ક પાસેથી બહુ ઝડપથી (વીજળીની ઝડપે) સંદેશ મેળવવો, એને સમજવો, એને આર.એન.એ. સુધી લખીને મોકલાવવો, અઢળક પ્રોટીનમાંથી પોતાને જરૂરી એવું પ્રોટીન મેળવવું, એને સાચી જગ્યાએ પહોંચાડવા સાચું એડ્રેસ પાઠવવું ને કામગીરી પૂર્ણ કરીને નવા કામ માટે ફરીથી તૈયાર થઈ જવું, એ પણ પલકવારમાં !

તો, આપણા શરીરમાં ડી.એન.એ. આવી રીતે કામ કરે છે. એક આંગળીનું ટેરવું હલાવવાથી માંડીને કોઈ PUZZLE સોલ્વ કરવા માટે જે ત્વરિત ઝડપ, બુદ્ધિ તથા ઊર્જાની જરૂર પડે એ માટે એ દિવસરાત કામ કરે છે.

શું લાગે છે ? કોઈ કારણ વગર આવું બની શકે ?

આવી રીતે અપાર સચોટતાથી થતું માહિતીનું આદાન-પ્રદાન એ કોઈ સંયોગ ન હોઇ શકે !

આ બધું બહુજ ઝીણવટથી, ચોકસાઈથી, સંપૂર્ણ ખાતરીપૂર્વક, કારણયુક્ત માહિતીના સંચારથી જ શક્ય બને.

હવે આપણને ભેટમાં મળેલ ડી.એન.એ. ની આટલી સચોટ કાર્યક્ષમતા આપણા ચાર્લ્સ ડાર્વિનના - કોઈ ચોક્કસ કારણ વગર, લઘરવઘર, એમને એમ અકસ્માતે વાંદરાઓમાંથી માણસ બન્યાની વાર્તા સાથે બંધ બેસે છે ખરી ?

એમ અકસ્માતે, કોઈ પ્રજાતિમાંથી બીજી પ્રજાતિ બની જવાથી શું આવા લક્ષણો મળી શકે ?

એવું ખરેખર થઈ શકે ? એ મોટો પ્રશ્ન છે.

(૨) વારસાગત લક્ષણોને અમુક હદે જ બદલી શકવાની ક્ષમતા :

આપણે સૌ આપણા માતા-પિતા કે પિતૃઓ વગેરે દ્વારા વારસામાં મળેલી લાક્ષણિકતા ધરાવીએ છીએ .

આ વારસાગત લક્ષણોનું કેટલું મહત્વ છે એને સમજવા માટે એક પ્રયોગ કરાયો જે આ મુજબ હતો :

વર્ષ ૨૦૦૭માં લિંકોપિંગ યુનિવર્સીટીના એક પ્રોફેસરે કેટલાક લોકોની મદદથી એક પ્રયોગ કર્યો. તેમણે સ્વીડનના એક મરઘાં ઉછેર કેન્દ્રમાં મરઘીના નાનાં બચ્ચાંને રાખ્યાં.

આ બચ્ચાં માટે તેમણે એક અલગ જ વાતાવરણ તૈયાર કર્યું, જે ઘણું તણાવભર્યું હતું. આ ઘરમાં કુદરતી પ્રકાશ આવી-જઇ ન શકે એવી રીતે ચુસ્ત ગોઠવણ કરી. એટલે તે બચ્ચાંને હવે રાત-દિવસની કંઈ ખબર રહી નહીં.

એમને ક્યારે ખાવું એનો અંદાજ રહેતો નહીં ! એ તો ઠીક, પણ બધા મરઘાં કરે એમ સવાર પડતાં જ કૂકડેકૂક કરવું એ પણ ખબર ન રહેતી !

સમયની ગણતરી હવે તેઓ કરી શક્યાં નહીં. ઘરમાં જ મેજમાં છુપાવેલા અનાજના દાણા પણ તેઓ શોધી શક્યાં નહીં !

પ્રયોગના બીજા ભાગ હેઠળ હવે એમને બહારના કુદરતી વાતાવરણમાં એવા મરઘાં સાથે રખાયાં કે જેઓ પહેલેથી કુદરતી વાતાવરણમાં રહેતા હતા. પણ હજી પેલાં બચ્ચાંના વ્યવહારમાં કોઈ ફરક ન પડ્યો. હજી પણ તેઓ પોતાનો મેજમાં પડેલો ખોરાક શોધી શકતાં નહિ.

આ પરથી પ્રોફેસરને ખબર પડી કે આ નિર્બળતા એમને વારસાગત એમની માતામાંથી જ મળી છે, જે એની માતામાં આજુબાજુના પર્યાવરણના કારણે આવી હશે. વધુ સંશોધન કરતાં એ પણ જણાયું કે આ વારસાગત બદલાવોએ એમના 'જિન્સ'ના મૂળભૂત લક્ષણોમાં પરિવર્તન કરી દીધું.

એટલે એવું માની શકાયું કે થોડા સમય પહેલા એમની માતા મરઘીના 'જિન્સ' માં પણ આવા કોઈ તણાવને કારણે પહેલેથી જ પરિવર્તનો થઈ ગયા હશે જે આ મરઘીએ પોતાના બચ્ચાંને વારસા રૂપે આપ્યાં !

મરઘીના બચ્ચાં કેમ ઉત્ક્રાંતિવાદમાં જેમ કહ્યું છે એમ આજુબાજુના પર્યાવરણ સાથે અનુકૂલન ન સાધી શક્યાં ? કેમ તેઓ પોતાના વારસામાં મળેલી મર્યાદાઓને દૂર ન કરી શક્યાં ?

આવું ફક્ત મરઘીના કેસમાં નથી !

સ્વીડનમાં એક બીજો પ્રયોગ પણ કરાયો :

ત્યાંના 'NORBOTTEN' વિસ્તારમાં માણસો જે ખોરાક લેતા એના પર સંશોધન કરાયું. એ વિસ્તારમાં ખોરાકની અછત રહેતી. એટલે જો ત્યાંના લોકો ક્યારેક રોજ કરતા વધુ ખાઈ લે તો એમના પૌત્ર-પ્રપૌત્ર વગેરેનો જીવનકાળ લગભગ ૩૨ વર્ષ જેટલો ઘટી જવાની પૂરી સંભાવના રહેતી અને એવું થવું શક્ય પણ હતું.

કેમ કે એને કારણે આવનારી પેઢીઓ માટે ભૂખમરો થઈ શકે એમ હતું ! એટલે તમારી ખાવાની આદતો તમારા પૌત્ર-પ્રપૌત્ર કે દોહીત્ર વગેરેના જીવનકાળ પર પણ અસર પાડે છે ! આવી અને એના જેવી મોટા ભાગની આદતો વારસાગત છે !

હવે આ પ્રયોગો વિશે ધ્યાનથી વિચારીએ તો જ ખબર પડે કે આપણું વધુ પડતું જીવન આપણા પિતૃઓ કે બાપ-દાદા જે છોડીને ગયા છે એના ઉપર જ વીતે છે અને એના વારસાગત લક્ષણો જે આપણામાં આવ્યા છે, એમાંના વધુ પડતા આપણામાં હજી સચવાયેલાં પડ્યાં છે.

અહીં જ ડાર્વિનની બહુ વખણાયેલી થિઓરી ખોટી પડે છે ! કેમ કે એની થિઓરી મુજબ દરેક પેઢીએ 'જિન્સ'માં પરિવર્તનો આવે છે; પોતાનાં વાલીઓનાં (માતા/પિતાનાં) લક્ષણોથી અલગ પડે છે, તેમાં આવતા દરેક પરિવર્તન આજુબાજુના પર્યાવરણથી અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય છે ને જે વધુ અનુકૂલન સાધે છે એ જ ટકી રહે છે.

હવે ક્યાં વારસામાં મળેલ લક્ષણો કે 'જિન્સ' ને ક્યાં સતત બદલાતા રહેતા જિન્સ ! હકીકતમાં વારસાગત લાક્ષણિકતાઓને અમુક હદે જ બદલાવી શકાય છે !

આમ, આ બંને પ્રયોગના તારણો 'DARWINISM'ના મૂળ પાયા પર જ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે !

આવા અને આના જેવા કેટલાય પ્રયોગો જે હાલના સમયમાં થઈ રહ્યા છે એ 'ઉત્ક્રાંતિવાદ' ની મર્યાદા સૂચવે છે !

- હર્ષ મહેતા (લેખક, 'ખજાનો' મેગેઝિન)

(આ લેખને સચિત્ર માણવા લોગ ઓન કરો: www.khajanogujratimagazine.wordpress.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED