Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વની ૫૦ સર્વશ્રેષ્ઠ ફિલ્મોની સફર : ભાગ - ૧

માણસ આદિકાળથી પોતાની આસપાસના વાતાવરણના દ્રશ્યોને જોઈને મુગ્ધ થતો આવ્યો છે. વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ માણસે પોતાની આસપાસના વાતાવરણને દ્રશ્યોમાં સાચવી રાખવા ફોટોગ્રાફી અને તેના પરથી ચલચિત્ર(Motion Pictures)ની શોધ કરી. પોતે રચેલી વાર્તાઓને પોતાની નજર સામે ભજવાતી જોવા માટે તેણે ફિલ્મો બનાવી. ધીરે ધીરે ફિલ્મો લોકમાનસ પર અસર કરનારું અને લોકોના વિચારોમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવનારું સબળ માધ્યમ બની ગયું.

ભારતમાં વિશ્વની સૌથી વધુ અલગ અલગ ભાષાની ફિલ્મો બને છે. કમનસીબે આપણી ફિલ્મોની ગુણવતા એટલી સારી નથી હોતી. ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશ અને દ.કોરિયા જેવા નાના દેશની ફિલ્મો આપણી ફિલ્મો કરતા ગુણવતામાં વધુ સારી હોય છે.

વૈશ્વિક સિનેમામાં આજે પણ હોલિવુડની ફિલ્મોનો દબદબો છે. હોલિવુડની ફિલ્મોની ગુણવતા ખુબ સારી હોય છે. હોલિવુડની ફિલ્મોના બજેટ પણ ખુબ વધારે હોય છે. ઈન્ટરનેટના વધતા ઉપયોગને કારણે લોકો પહેલાના સમય કરતા વધારે હોલિવુડની ફિલ્મો જોતા થયા છે. ઇન્ટરનેટને કારણે ઘણી ફિલ્મો આજે હાથવગી બની છે.

લોકો પોતાને ગમતી ફિલ્મોને અલગ અલગ સાઈટસ પર રેટિંગ આપે છે. આવી ઘણી સાઈટસ અત્યારે પોપ્યુલર છે. દરેક સાઈટસ ફિલ્મોને પોતાની રીતે રેટિંગ આપે છે. દરેક સાઈટસના પોતાના ટોપ ફિલ્મોના લિસ્ટ છે. યાદ રાખવું કે આ તમામ એવી ફિલ્મો છે જેમને દર્શકો અને ફિલ્મોના જાણકારોનો(ઘણા કિસ્સાઓમાં માત્ર ફિલ્મોના જાણકારોનો) પ્રેમ મળ્યો છે. મારુ ફેવરિટ લિસ્ટ આઈ.એમ.ડી. બી.(IMDb) નું છે. આઈ.એમ.ડી.બી. એ ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ નું ટૂંકાક્ષર છે. તેની ટોપ 50 ફિલ્મોમાં મને ગમેલી મોટાભાગની ફિલ્મો આવી જાય છે. ચાલો ત્યારે આ લિસ્ટમાં રહેલી ફિલ્મોની સફરે...

50. એપોકલીપ્સ નાઉ(Apocalypse Now) (1979) :

યુદ્ધને કારણે માનવજાત વિષેનું એ સત્ય ઉઘાડું થાય છે જેને મનુષ્યો સદીઓથી ઢાંકવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. યુદ્ધ માણસમાં રહેલા પશુને બહાર લાવે છે.

પચાસમાં નંબર પર રહેલી આ ફિલ્મ વિશ્વની શ્રેષ્ઠ વોર ફિલ્મોમાંની એક છે. ફિલ્મ વિયેતનામ યુદ્ધ પર આધારિત છે. તેના ડાયરેક્ટર ફ્રાંસીસ ફોર્ડ કપોલાના નામે ગોડફાધર જેવી ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મો બોલે છે. આ ફિલ્મને હોલીવુડની તે સમયની મુઘલે આઝમ કહી શકાય. આ ફિલ્મ પણ મુઘલે અઝમની જેમ ત્યારે બનેલી સૌથી મોંઘી ફિલ્મ હતી. આ ફિલ્મના નિર્માણ દરમ્યાન પણ મુઘલે આઝમની જેમ અનેક મુશ્કેલીઓ આવી હતી.

ફિલ્મનું નિર્માણ શરૂ થયું ત્યારથી જ ફિલ્મના યુનિટ પર આફતો આવવાની શરૂ થઇ. માર્લોન બ્રાન્ડો જેવા દિગ્ગજ એકટરનું વજન એટલું વધી ગયું હતું કે તેના બધા દ્રશ્ય ઓછા પ્રકાશમાં અથવા માત્ર તેનો ચેહરો દેખાતો હોય તેમ શૂટ કરવા પડ્યા. ફિલ્મનો હીરો માર્ટિન સીન બે વાર બિમાર પડ્યો. ત્રણ વર્ષ વિવિધ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી અંતે ફિલ્મ રિલીઝ થઇ. રિલીઝ થતા જ તેની બોક્ષ ઓફિસ પર હાલત મેરા નામ જોકર જેવી થઇ પણ જેમ સાચું સોનુ છૂપું નથી રહેતું તેમ આ ફિલ્મ ધીરે ધીરે વખણાવા લાગી. આજે આ ફિલ્મની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે.

ફિલ્મનો પ્લસ પોઇન્ટ તેની સિનેમાટોગ્રાફી અને ડાયલોગસ છે. ફિલ્મ તે વર્ષે બેસ્ટ ફિલ્મના ઓસ્કર માટે નોમિનેટ થયેલી. ફિલ્મની કથામાં એક અમેરિકન સૈન્ય અધિકારીને યુદ્ધ દરમ્યાન પોતાના જ એક ઉચ્ચ સૈન્ય અધિકારીને મારવાના મિશન પર મોકલવામાં આવે છે. આ ઉચ્ચ અધિકારી લડાઈને કારણે પોતાનું માનસિક સંતુલન ગુમાવીને જંગલમાં સ્થાનિક લોકો સાથે ભળી ગયો છે. શું તે સફળ થાય છે? જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. ફિલ્મ નેટ પર ફ્રી મળી રહેશે.

49. મેમેન્ટો(Memento) (2000) :

તમે આમિર ખાનની ગજની ફિલ્મ જોયી છે? ગજની તે જ નામની તમિલ ફિલ્મની રીમેક હતી. જયારે આ બન્ને ફિલ્મો મેમેન્ટો નામની ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ પર આધારિત છે. ભલે આમિર ખાન આ વાત જાહેરમાં ન સ્વીકારે. નોલાનનું નામ જયારે હોલીવુડમાં જાણીતું નોહતું ત્યારે તેણે આ ફિલ્મ બનાવી હતી. ગજનીની જેમ જ ફિલ્મનો હીરો દર પંદર મિનિટે બધું ભૂલી જાય છે. તે પણ ટેટુસ અને કેમેરાનો ઉપયોગ કરીને વાતો યાદ રાખવાનો પ્રયત્ન કરે છે. તેને પણ બદલો લેવો છે પણ મેમેન્ટો ગજની કરતા ઘણી ઉંચી કક્ષાની ફિલ્મ છે. ફિલ્મનો પ્લસ પોઇન્ટ એ છે કે તેની કથા સુરેખ રીતે નથી કેહવાઈ. દર્શકો પણ હીરોની સાથે વિસ્મૃતિ અનુભવતા હોય તેમ દ્રશ્યો જુએ છે. ફિલ્મના અંતે પ્રેક્ષકોને જાણે એક કોયડો પૂરો થયો હોય તેમ આખી ફિલ્મની વાર્તા ખ્યાલ આવે છે. નેટ પર શોધીને ખાસ જોવા જેવી ફિલ્મ.

48. ધ લાયન કિંગ(The Lion King) (1994) :

આ ફિલ્મ કદાચ બધા એ જોઈ હશે. ડિઝનીએ બનાવેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મો માંથી એક. એનિમેશન અને ગીતો ઉચ્ચ કક્ષાના. "હકુના મટાટા" ગીત તો સૌને મોઢે યાદ રહી જાય એવું છે. ફિલ્મનું સંગીત હાન્સ જીમરે આપ્યું છે. કહેવાય છે કે ધ લાયન કિંગની વાર્તા શેક્સપિયરના "હેમલેટ" પર કઈંક અંશે આધારિત છે. ફિલ્મની કથા છે સિમ્બા નામના સિંહની અને તે પોતાના પિતાની હત્યાનો બદલો કેવી રીતે લે છે તેની. આ ફિલ્મની કથા ઘણા અંશે "બાહુબલી" ફિલ્મની કથા સાથે સામ્યતા ધરાવે છે.

આ ફિલ્મ સાથે ઘણાની બાળપણની સ્મૃતિઓ જોડાયેલી હશે. ફિલ્મના પાત્રોના નામ કદાચ બધા જ (તે સમયના) બાળકોને મોઢે હશે. આ ફિલ્મ એક સાચા અર્થમાં "ફેમિલી" ફિલ્મ હતી જે બાળકો અને મોટાઓને સમાન રીતે ગમી હતી.

આ ફિલ્મ ડિઝની સ્ટુડીઓને એવી ફળી કે તેના પરથી તેમને ઘણી ફિલ્મો અને સિરિયલો બનાવી. આજે પણ આ ફિલ્મની ફ્રેન્ચાઈઝ ડિઝનીને ભરપૂર કમાણી કરાવી રહી છે. ફિલ્મને સંગીત માટે બે ઓસ્કર પણ મળ્યા હતા. ફિલ્મ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.

47. ધ પ્રેસ્ટિજ(The Prestige) (2006) :

આ પણ ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ છે. ફિલ્મની કથા વીસમી સદીના શરૂઆતના વર્ષોમાં આકાર લે છે. બે જુના દોસ્ત જાદુગરો કેવી રીતે દુશ્મન બને છે અને એકબીજાને પછાડવા કેવા કેવા કાવતરાઓ કરે છે તે આ ફિલ્મમાં દર્શાવ્યું છે.

પ્રેક્ષકો સાથે થતી છેતરપિંડી કોઈ પણ જાદુના ખેલનો પ્રાણ હોય છે. તમે તમારી સામે બનતી ઘટનાને જયારે તાર્કિક રીતે નથી સમજાવી શકતા ત્યારે તમે પ્રભાવિત અને ખુશ થાવ છો. સાચો જાદુગર ક્યારેય પોતાની ટ્રીક્સનું રહસ્ય કોઈને નથી કેહતો. એક બીજાના રહસ્યો જાણીને એક બીજાને ખતમ કરવા મથતા બે જાદુગરોની કથા આ ફિલ્મમાં છે. બે જાદુગરો એકબીજાથી આગળ નિકળવા કેવી કેવી રમતો રમે છે તે જોવું હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી રહી. ક્રિસ્ટન બેલ અને હ્યુ જેકમેને પોતાના પાત્રોને બરોબર ન્યાય આપ્યો છે. ફિલ્મને બોક્ષ ઓફિસ પર પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ પણ યુ ટયુબ અને ઇન્ટરનેટ પર મળી રહેશે.

"તમે તે કેમ બન્યું તે જાણવા ઉત્સુક હો છો પણ તમને તે રહસ્યનો તાગ મળતો નથી. કેમ? કેમ,કે તમને મૂર્ખ બનવાની મજા આવે છે." - ધ પ્રેસ્ટિજ.

46. ગ્લેડિએટર(Gladiator) (2000) :

પોતાના સાહસ અને તાકાતથી એક સામ્રાજ્યના પાયા હચમચાવતા ગુલામની કથા એટલે ગ્લેડિએટર. ફિલ્મ રોમન સમયમાં ગુલામ તરીકે વેચાઈ ગયેલા સેનાપતિની કથા કહે છે. એક એવો સેનાપતિ જે પોતાની પત્ની અને પુત્રના મોતનું વેર લેવા ઝઝૂમે છે. આ ફિલ્મ પોતાની સમસ્યાઓને ભૂલીને માત્ર આનંદ પ્રમોદમાં મસ્ત રહેતી ઉત્સવ પ્રેમી પ્રજા પર પણ કટાક્ષ કરે છે. ફિલ્મમાં રાજા માટે પ્રજાના પ્રશ્નો કરતા વધારે મહત્વ ગુલામોની લડાઈનું હોય છે. પ્રજાને પણ તેમાં સામેલ થયેલી બતાવવામાં આવી છે પણ આ પરિસ્થિતિ ધીરે ધીરે ફિલ્મનો નાયક બદલે છે.

રીડલી સ્કોટના કસાયેલા નિર્દેશન અને રસેલ ક્રોવના શાનદાર અભિનયના કારણે આ ફિલ્મ ખરેખર જોવા લાયક બની છે. આ ફિલ્મને પબ્લિક અને વિવેચકો બન્નેનો એકસરખો પ્રેમ મળ્યો હતો. ફિલ્મને તે વર્ષનો બેસ્ટ ફિલ્મનો ઓસ્કર પણ મળેલો.

"મૃત્યુ જયારે માણસ સામે હસે છે ત્યારે માણસ તેની સામે સ્મિત કરવા સિવાય બીજું કશું જ નથી કરી શકતો." - ગ્લેડિએટર.

45. વ્હીપલેશ(Whiplash) (2014) :

તમે કોઈ ધ્યેયની પ્રાપ્તિ માટે કેટલી હદે જઈ શકો? ક્યારે તમારી સહનશક્તિની સીમા આવી ગણાય? કોઈ ધ્યેય માટે બધી જ સીમા ઓળંગી જવી કેટલું યોગ્ય છે? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? આ બધા પ્રશ્નોનો જવાબ એટલે ડેમિયન ચસેલ(La La Land)ની પહેલી ફિલ્મ વ્હીપલેશ. આમ જોવા જઈએ તો વ્હીપલેશનું ગુજરાતી "ચાબુકનો ફટકો" થાય છે. કોઈને જ્ઞાન ડરાવીને પણ આપી શકાય અને પ્રેમથી પણ આપી શકાય. સાચી રીત કઈ?

વ્હીપલેશ વાર્તા છે એક યુવાન ડ્રમરની જે એક કડક શિક્ષક પાસે જેઝ મ્યુઝિક શીખવા આવે છે. શિક્ષક પોતે પરફેક્ટનિસ્ટ છે. તે પોતાના શિષ્યોને સહનશક્તિની સીમા આવી જાય ત્યાં સુધી કામ કેમ કરવું એ શીખવાડે છે અને સર્જાય છે ગુરુ શિષ્ય વચ્ચેનું એક યાદગાર સંગીતમય યુદ્ધ. જો તમને જેઝ મ્યુઝિક ગમતું હોય તો આ ફિલ્મનો યાદગાર અંત ચોક્કસ જોવા જેવો છે. ફિલ્મમાં ગુરુની ભૂમિકા ભજવનાર જે.કે.સિમોન્સને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર આ ફિલ્મ માટે મળેલો.

"તમે બહુ સારું કામ કર્યું છે.' તેનાથી વધુ નુકસાનકારક શબ્દો બીજા કોઈ નથી." - વ્હીપલેશ.

44. બેક ટુ ધ ફયુચર ભાગ એક થી ત્રણ।(Back to the future part 1 to 3) (1985) :

વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોનું લિસ્ટ બનાવો અને તેમાં સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મનું નામ ન આવે એવું થોડું બને? આ ફિલ્મ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. રોબર્ટ જેમનિક તેના નિર્દેશક અને સ્ટીવન સ્પીલબર્ગ નિર્માતા છે. આ ફિલ્મની વાર્તા એક યુવાન અને એક વૈજ્ઞાનિકના ટાઈમ ટ્રાવેલ પર આધારિત છે. ફિલ્મ એક જબરદસ્ત કોમેડી છે. ફિલ્મનો નાયક કેવી રીતે ભૂતકાળમાં જઈને પોતાના (તે સમયે) યુવાન માતા પિતાને મેળવે છે અને એમ કરવા જતા કેટલા છબરડા વાળે છે તે જોવાની બહુ મજા પડે છે.

ફિલ્મના બે ભાગનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું હતું પણ ડાયરેક્ટરને ફિલ્મનો હીરો તેના પાત્રને અનુરૂપ ન લાગતા તેમણે તેને કાઢીને નવા હીરો(માઈકલ જે ફોક્સ) સાથે બન્ને ફિલ્મોનું શૂટિંગ ફરીથી કર્યું અને બન્ને મુખ્ય પાત્રો(યુવાન અને વૈજ્ઞાનિક) વચ્ચેની લાજવાબ કેમેસ્ટ્રીના કારણે જ ફિલ્મ યાદગાર બની.

ફિલ્મ એટલી અસરકારક બની છે કે તેમાં દર્શાવેલા કેટલાક ભવિષ્યના સાધનો પણ લોકોએ બનાવવાના પ્રયત્નો કરી જોયા છે. આ ફિલ્મ પણ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.

43. ટર્મિનેટર-2 (Terminator-2) (1991) :

આ પણ બહુ જાણીતી ફિલ્મ છે. લગભગ બધા એ જોઈ જ હશે. ટર્મિનેટર-2 ડાયરેક્ટ કરી છે જેમ્સ કેમરૂને(ટાઇટેનિક, અવતાર). ટર્મિનેટર સિરીઝમાં અત્યાર સુધી ચાર ફિલ્મો બની છે. તેમાં સૌથી વધુ જાણીતી ફિલ્મ એટલે ટર્મિનેટર-2. આ ફિલ્મ તે સમયે બનેલી સૌથી મોંઘી ફિલ્મ હતી. ફિલ્મનું મોટા ભાગનું બજેટ તેની સ્પેશ્યલ ઇફેક્ટસ પાછળ વપરાયું હતું. ફિલ્મની સ્પેશિયલ

ઇફેક્ટ ઘણી બધી રીતે હોલીવુડ અને વિશ્વ સિનેમામાં નવો ચીલો પાડનાર હતી. આ ફિલ્મમાં પેહલી વાર કોમ્પ્યુટર જનરેટેડ સ્પેશિયલ ઇફેક્ટસનો ઉપયોગ થયેલો.

ફિલ્મની કથા પ્રમાણે ભવિષ્યમાં મશીનો જયારે પૃથ્વી પર કબજો કરી લે છે ત્યારે મનુષ્યો તેમનો પ્રતિકાર કરે છે. આ લડાઈમાં માનવજાતના સેનાપતિ જ્હોન ઓ'કોનરને તે નાનો હોય ત્યારે જ મારી નાખવા મશીનો દ્વારા એક સાઇબોર્ગ ભૂતકાળમાં મોકલવામાં આવે છે. જ્હોનને બચાવવા ભવિષ્ય માંથી એક બીજો સાઇબોર્ગ મનુષ્યો દ્વારા પણ મોકલવામાં આવે છે અને સર્જાય છે બે યંત્રમાનવો વચ્ચેનું યુદ્ધ.

આ ફિલ્મે આખા વિશ્વમાં જબરદસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મે જેમ્સ કમરૂનને પ્રથમ દરજ્જાના નિર્દેશકોની શ્રેણીમાં મૂકી દીધા હતા. ફિલ્મને મળેલી જબરદસ્ત સફળતાએ આર્નોલ્ડ સ્વાત્ઝનેગરના કેરિયરમાં પણ પ્રાણ ફૂંક્યા હતા.

ફિલ્મને સાઉન્ડ મિક્સિંગ અને વિઝયુઅલ ઇફેક્ટ સહિત કુલ ચાર ઓસ્કર એવોર્ડ મળેલા. આ ફિલ્મની ગણના આજે પણ સર્વશ્રેષ્ઠ એક્શન અને Sci-fi ફિલ્મોમાં થાય છે.

42. રિઅર વિન્ડો(Rear Window) (1954) :

માણસમાં પોતાની આસપાસના લોકો વિષે જાણવાની માનવ સહજ કુતુહલવૃત્તિ હોય છે. આપણે આપણી આ ટેવનો સ્વીકાર નથી કરતા પણ આપણને સૌને બીજાના જીવન વિષે જાણવું ગમે છે. આપણે આપણા સંપર્કમાં આવતા લોકોને તેમના વર્તનના આધારે લેબલ મારીએ છીએ. બીજાના જીવનમાં ડોકિયું કરવાની ટેવ પર બનેલી સર્વશ્રેષ્ઠ સસ્પેન્સ ફિલ્મ એટલે "રિઅર વિન્ડો.

એક ફોટોગ્રાફર પોતાનો પગ ભાંગવાને કારણે વ્હીલચેરમાં પોતાના ફ્લેટમાં બોર થતો હોય છે. તે સમય કાઢવા પોતાના ફ્લેટની બારી માંથી બીજા લોકોને જોયા કરે છે. એક રાતે તે કઈંક એવું જુએ છે કે તેને એમ લાગે છે કે તેના પડોશીએ પોતાની પત્નીનું ખૂન કર્યું છે. શું સાચે ખૂન થયું હોય છે? જાણવા માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ સસ્પેન્સ ફિલ્મોના બાદશાહ આલ્ફ્રેડ હિચકોકે બનાવેલી છે. ફિલ્મ હિચકોકની બેસ્ટ ફિલ્મો માંથી એક ગણાય છે.

આખી ફિલ્મ દરમ્યાન કેમેરો હીરોના ફ્લેટમાં જ ફર્યા કરે છે તેમ છતાં પ્રેક્ષકો કંટાળતા નથી. આવો ચમત્કાર તો માત્ર હિચકોક જેવા સસ્પેન્સના બાદશાહ જ કરી શકે.

આ ફિલ્મ વિશ્વની શ્રેષ્ઠ સસ્પેન્સ ફિલ્મોમાંની એક છે. ફિલ્મનો સમાવેશ મોટાભાગના બેસ્ટ ફિલ્મોના લિસ્ટમાં થાય છે. સસ્પેન્સ ફિલ્મોના રસિયાઓ માટે અચૂક જોવા જેવી ફિલ્મ. ફિલ્મ તમને યુ ટ્યૂબ પર મળી જશે.

"લોકોએ એક વાર પોતાના ઘર બહાર નીકળીને પોતાની અંદર દ્રષ્ટિ કરવી જોઈએ." - રીઅર વિન્ડો.

41. ધ ડિપાર્ટેડ(The Departed) (2006) :

સારા અને ખરાબ તત્વો વચ્ચે શું ફર્ક હોય છે? સારા અને ખરાબ તત્વો એકબીજાના માસ્ક પહેરીને આવે ત્યારે શું સારું અને શું ખરાબ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. વાસ્તવિક જીવનમાં પણ આવું જ બનતું હોય છે. ડિપાર્ટેડ ફિલ્મ પણ કઈંક આવી જ વાત કરે છે.

એક પોલીસ અધિકારી અને એક માફિયા ડોન એકબીજાને હરાવવા બે યુવાનોને પોલીસ અને ગેંગમાં બાતમીદાર તરીકે મોકલે છે. બન્ને યુવાનો સમય જતા પોતપોતાના સાથીઓનો વિશ્વાસ જીતીને ગેંગ અને પોલીસમાં ઉચ્ચ સ્થાને પહોંચે છે. પછી સર્જાય છે સારા અને ખરાબ વચ્ચેની એક વિચિત્ર લડાઈ જેમાં બન્ને વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે.

ધ ડિપાર્ટેડને માર્ટિન સ્કોર્સેઝીએ ડાયરેક્ટ કરી છે. કેટલાક ડાયરેક્ટરની પટકથા કેહવાની રીત જ અલગ હોય છે. તમે ફિલ્મ જુઓ ત્યારે તમને એ ફિલ્મ પોતાનામાં ખેંચી લે. જયારે ફિલ્મ પુરી થાય ત્યારે તમને ફિલ્મના જ વિચાર આવે. માર્ટિન સ્કોર્સેઝીની ફિલ્મની માવજતમાં માસ્ટરી છે. તેઓ સામાન્ય પટકથાને પણ અલગ રીતે રજૂ કરવા માટે જાણીતા છે. આ ફિલ્મમાં લિઓનાર્દો ડી કેપ્રિઓ, સ્કોર્સેઝીના ફેવરિટ અભિનેતા જેક નિકોલ્સન(ત્રણ ઓસ્કર એવોર્ડ વિજેતા) અને મેટ ડેમન જેવા પ્રતિભાશાળી અભિનેતાઓ છે. ફિલ્મને તે વર્ષના ચાર ઓસ્કર એવોર્ડ મળેલા. આ ફિલ્મ પણ ઇન્ટરનેટ પર શોધવાથી મળી રહેશે.

આવતા અંકે આપણે આ લિસ્ટ ચાલીસ નંબરથી આગળ વધારીશું ત્યાં સુધીમાં આ દરેક ફિલ્મો જોઈ નાખો.

- નરેન્દ્રસિંહ રાણા (લેખક, ખજાનો મેગેઝીન)

(સચિત્ર લેખ વાંચવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)