શીર્ષકમાં જ કહી દીધું છે કે ઇતિહાસમાં ભૂલાયેલી એક રાણીનાં પરાક્રમની વાત છે, તેથી મનમાં જો રાણી પદ્માવતીનો (આજકાલ જે સતત ચર્ચામાં છે) ખ્યાલ આવ્યો હોય, તો કાઢી નાખજો. વાત થઇ રહી છે મહારાણા પ્રતાપના પ્રતાપી દાદીમાંની-રાણી કર્ણાવતીની. આજે વાંચો તેમનાં જૌહરની અજાણી સત્યકથા.
સવારનાં સોનેરી કિરણો મધ્ય-ઉત્તર ભારતના મેદાની પ્રદેશો પર પથરાઈ રહ્યાં હતાં. શિયાળો પૂરો થઇ રહ્યો હતો, તેથી હાડ થીજવતાં ઠારને બદલે ગુલાબી, તાજગીદાયક ઠંડક પ્રસરેલી હતી. માળું છોડી ખોરાકની શોધમાં નીકળતાં અને કલરવ કરતાં પક્ષીઓ, કામે જતાં ખેડૂતો, વગડા ભણી ધસી જતાં ગાય-બકરીઓના ટોળાંઓ-આ બધું એક આહ્લાદક અનુભૂતિ કરાવતું હતું.
આળસ મરડીને બેઠી થયેલી, સંપૂર્ણ ખીલવા મથતી કુદરતના આવાં અવનવા રંગો પ્રત્યે અનાસક્ત એક ઘોડેસવાર પૂરઝડપે ઘોડો દોડાવતો બંગાળ તરફ આગળ વધી રહ્યો હતો. તેનો લિબાસ સાદો હતો, પણ મકસદ, બેશક નહીં !
એ ઘોડેસવાર મેવાડનો સંદેશવાહક હતો. અલબત્ત, અત્યારે તે મેવાડની એકમાત્ર જીવાદોરી હતો. પોતાની જવાબદારીનું તેને સારી રીતે ભાન હતું, તેથી જ કેટલાંય કલાકોથી આરામ કર્યા વગર તે સતત મુસાફરી કરી રહ્યો હતો. મેવાડનાં રાણી કર્ણાવતીએ લખાવેલો સંદેશો અને સાથે આપેલો એક સંપેતરો તેને મોગલ બાદશાહ હુમાયુ સુધી પહોંચાડવાનો હતો, જેમ બને તેમ જલ્દી !
લાંબી મુસાફરી પછી આખરે દૂરથી હવામાં ફરફરતો લીલો ધ્વજ દેખાયો. એ ધ્વજ મોગલ સામ્રાજ્યનો હતો. જેમ-જેમ અંતર ઘટતું ગયું તેમ-તેમ ઘોડેસવારની આશાઓ વધતી ગઈ. ધ્વજની લીલી પૃષ્ઠભૂમિમાં મોગલોનાં શૌર્ય અને નવા, મહાન સામ્રાજ્યનો ઉદય દર્શાવતી સિંહ અને ઉગતા સૂર્યની આકૃતિઓ વધુ સ્પષ્ટ થઇ. મોગલ છાવણી આવી પહોંચી.
પાણીપતની પ્રખ્યાત લડાઈમાં ઇબ્રાહિમ લોદીને શિકસ્ત આપ્યાં પછી બાબરે ભારતમાં મોગલ સામ્રાજ્યના પાયા નાખ્યાં, જેને મજબૂત કરવાનું કામ બાબરના મૃત્યુ પછી તેના પુત્ર નસિરુદ્દીન મોહમ્મદ હુમાયુના ભાગે આવ્યું. હુમાયુ અત્યારે તેના કટ્ટર શત્રુ શેરશાહ સુરીનું સુરસુરીયું કરી દેવાના આશયથી બંગાળ પર હુમલો કરવાની તૈયારીમાં વ્યસ્ત હતો. વિશાળ સેના સાથે તેણે શેરશાહના 'ઇલાકા' પાસે પડાવ નાખ્યો હતો.
મેવાડથી આવેલા ઘોડેસવારને છાવણીના પ્રવેશદ્વાર પાસે ભાલાધારી મોગલ પહેરેદારોએ રોકી પાડ્યો. થોડી રકઝક પછી તેઓ તેને બાદશાહ હુમાયુ પાસે જવા દેવા બાબતે સંમત થયા. સૈનિકો તેને છાવણીના એક વિશાળ તંબુ સુધી દોરી ગયાં. હુમાયુ ત્યાં આરામ ફરમાવતો હતો. મેવાડનો સંદેશો તેને વાંચી સંભળાવવામાં આવ્યો જે રાણા વિક્રમાદિત્ય વતી તેમનાં માતા રાણી કર્ણાવતીએ લખાવ્યો હતો. સંદેશામાં તેમણે હુમાયુને મદદની અરજ કરી હતી.
હકીકતે વાત એમ બની કે, મેવાડની રાજધાની ચિત્તોડ પર ગુજરાતના સુલતાન બહાદુરશાહે આક્રમણ કર્યું હતું. અચાનક થઇ પડેલા હુમલાને ખાળવા મેવાડની સેના પૂરી રીતે તૈયાર ન હતી. પાડોશી રાજપૂત રાજાઓએ મદદે આવવાની ના પાડી દીધી, તેથી બીજો કોઈ રસ્તો ન બચતાં રાણી કર્ણાવતીએ યુદ્ધના સંચાલન માટે હુમાયુનું માર્ગદર્શન માંગ્યું હતું. આમ પણ, મોગલ ફોજની યુદ્ધનીતિ અને શિસ્તબદ્ધતા અન્ય ફોજો માટે ઉદાહરણ હતી. સંદેશા સાથે રાણીએ ભેટ તરીકે રેશમની એક દોરી મોકલાવી હતી-રાખડી !
હુમાયુ માટે આવો પ્રસંગ પહેલીવારનો હતો. જે વાતાવરણમાંથી તે આવતો હતો એ જોતાં તો અકલ્પ્ય જ કહેવું પડે, છતાં એ સમયે તેને રાજપૂતોની ખુમારીનો બરાબર અંદાજો મળી રહ્યો હતો. સ્થિતિ અસમંજસની હતી. એક તરફ નવી બનેલી બહેનનું મુશ્કેલીમાં મૂકાયેલું 'વિધર્મી' સામ્રાજ્ય હતું, તો બીજી તરફ, આક્રમણકારી સુલતાન તેનો ધર્મભાઈ હતો. નિર્ણય લેવામાં હુમાયુએ થોડા કલાકો લીધા. આખરે તેણે રાણી કર્ણાવતીની મદદે જવાનું નક્કી કર્યું અને શેરશાહને ખોંખરો કરવાનું પડતું મૂકી મેવાડ તરફ કૂચ આદરી. મેવાડની શાસનધુરા અત્યારે મહારાણા સંગ્રામસિંહના (વધુ જાણીતું નામ: રાણા સાંગા) ત્રીજા નંબરના પુત્ર રાણા વિક્રમાદિત્યસિંહનાં અપરિપક્વ હાથમાં હતી. (મહારાણા એટલે મુખ્ય પ્રધાન. મેવાડના શાસકો એકલિંગજીના પ્રતિનિધિ છે અને તેમના વતી શાસન ચલાવે છે, એમ તેમનું માનવું હતું.) રાણા વિક્રમાદિત્ય સગીર હતાં. રાજકીય કાવદાવાઓ સમજવા માટે હજુ અસક્ષમ હતાં, તેથી તેમનાં માતા રાણી કર્ણાવતી પુત્રના નામે રાજકાજ ચલાવતાં હતાં. મેવાડના, રાણા સાંગાના મૃત્યુ પછી અસ્પષ્ટ બનેલા ભવિષ્ય માટે મશાલનું કામ આપી રહ્યા હતાં.
આગળ વધતાં પહેલાં સમયના ચકરડાને ઊલટો ફેરવીને એક નજર ભૂતકાળમાં કરી આવીએ, જેથી એ વખતની રાજનીતિક અને રણનીતિક પરિસ્થિતિ સમજવામાં સરળતા રહે.
મેવાડ, મધ્યયુગી રાજપૂતાનામાં સૌથી વધુ રાજકીય ચડાવ ઉતારનું કેન્દ્રબિંદુ, જ્યાં વર્ષોથી બપ્પા રાવલના વંશજો રાજધાની ચિત્તોડમાં રહીને શાસન કરતાં આવ્યા હતાં. સ્થાનિક શાસક ચિત્રાંગદ મોરીએ ચિત્તોડનો કિલ્લો બંધાવ્યા પછી આઠમી સદીથી ગુહિલા વંશના (ગુહિલા= ગેહલોત) રાવલ રાજાઓ અહીં રાજપાઠ ચલાવતા હતાં. ઇસવીસન ૧૩૦૩માં દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યા પછી તે થોડો સમય ખીલજીના કબ્જામાં રહ્યો, જેને આખરે સિસોદિયા રાજપૂત હમીરસિંહે પાછો હસ્તગત કરી લીધો.
મેવાડ પાસે એક સમયે બુંદી સામ્રાજ્ય તરીકે ઓળખાતો હાડૌતી પ્રદેશ આવેલો છે, ત્યાં રાણી કર્ણાવતીનો જન્મ થયો.(હાડૌતી પ્રદેશ અહીં શિયાળુ મૌસમ દરમિયાન આવતાં વિવિધ યાયાવર પક્ષીઓ માટે મશહૂર છે.) નાની ઉંમરમાં જ તેમનું સગપણ રાણા રાયમલના પુત્ર અને વિખ્યાત મહારાણા કુંભાના પૌત્ર રાણા સાંગા સાથે નક્કી થયું. (અલબત્ત, તેઓ રાણા સાંગાના એકમાત્ર પત્ની ન હતાં. પ્રચલિત મત પ્રમાણે રાણા સાંગાની ૩-૫ પત્નીઓ હતી.) અહીં એક વાત નોંધવી જ પડે કે, મેવાડને એક બચુકડા રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય બનાવવા માટેનો પાયો રાણા કુંભાએ નાખ્યો હતો. એક ઉદાર, કલાપ્રિય અને શક્તિશાળી શાસકની સાથે સાથે તેઓ અચ્છા સંગીતકાર પણ હતાં. વીણા વાદનમાં તેમની અદ્ભુત હથોટી હતી. તેમણે રચેલાં 'સંગીતરાજ', 'સંગીતમીમાંસા' અને 'સુતપ્રબંધ' જેવા ગ્રંથોથી સંગીતનો કોઈ રસિયો અજાણ નહીં જ હોય.
હવે વિચારો કે, કૂવો આટલો સમૃદ્ધ હોય, તો અવેડાનું શું કહેવું ! રાણા સાંગા તો બહાદુરીમાં દાદાને પણ આંટી ગયાં. અંદરોઅંદર લડતાં રાજપૂત શાસકો અને સરદારોને તેમણે પોતાની છત્રછાયા તળે ભેગાં કર્યા અને માળવા, ઇડર, મંદસૌર તથા ગુજરાતના વિજય અભિયાનો થકી મેવાડનું સામ્રાજ્ય ઓર ફેલાવ્યું. લશ્કરી સહકાર વધારીને રાજપૂત રજવાડાઓમાં પરસ્પર વિશ્વાસ પેદા કરવાની તેમની રણનીતિ અમુક અંશે સફળ રહી. દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને પણ તેમણે પરાસ્ત કર્યો હતો. સોળમી સદીનો બીજો દશકો આથમી રહ્યો હતો એ સમયે (વર્ષ, અનુક્રમે ૧૫૧૮ અને ૧૫૧૯) ખાટોલી તથા ધોલપુર ખાતે રાજપૂતોની સંયુક્ત સેનાઓ સામે ઇબ્રાહિમ લોદીની સેના ટકરાઈ અને બંને વખતે રાજપૂત શૂરવીરોએ લોદીને શિકસ્ત આપી.
રાણા સાંગાની મહેચ્છા દિલ્હીના તખ્ત પર બિરાજવાની હતી, પણ ઇબ્રાહિમ લોદી આડે આવતો હતો. રાણાના હાથે ભલે તેણે હાર ખમી હોય, પણ તેની શક્તિઓને નજરઅંદાજ કરવું રાજપૂતોને પોસાય એમ નહોતું, તેથી રાણાએ ચાણક્ય દાવ ખેલ્યો. તેમણે મૂળ અફઘાન એવા ઝહિરુદ્દીન મોહમ્મદ બાબરને દિલ્હી પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું. (કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજો પણ આ વાતને સમર્થન આપે છે.) બાબર અને લોદી લડી લડીને એકબીજાને પાયમાલ કરી નાખે, અને પરિણામે દિલ્હીના નબળા બનેલા કિલ્લામાં રાજપૂતો ગાબડું પાડી દે એવી તેમની યોજના હતી.
બાબર જોકે, અલગ માટીનો નીકળ્યો. અન્ય આક્રમણખોરોની જેમ તેને માત્ર લૂંટમાં રસ ન હતો, પરંતુ પોતાનું અલાયદું સામ્રાજ્ય વિકસાવવું હતું. લશ્કરી દાવપેચ ઘડવામાં પણ માહિર ! તેણે પાણીપતના પ્રખ્યાત યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવી-મરાવીને દિલ્હી પર કબ્જો કરી લીધો. બદલાયેલા સમીકરણો પ્રમાણે હવે રાણા સાંગા અને બાબર એકબીજાના શત્રુ બન્યા.
સત્તાનો સંઘર્ષ આખરે યુદ્ધમાં પરિણમ્યો. એ યુદ્ધ, જે માત્ર દસ કલાકમાં પૂરું થઇ જવાનું હતું. વાત ખાનવાની લડાઈની થાય છે. ૧૫૨૭ની સાલ હતી. શિયાળાની જામતી જતી ઋતુ હતી, અને સાથે હતાં મોગલોનાં ગરમ લોહીથી તલવારનો અભિષેક કરવા તત્પર રાજપૂતો ! લડાઈ શરુ થઇ, પણ માળવાના સરદાર શિલાદિત્યએ અગાઉથી જ બાબર સાથે બનાવેલી યોજના અનુસાર દગો કર્યો અને પોતાના ત્રીસ હજાર સૈનિકો સાથે દુશ્મન છાવણીમાં જઈ ભળ્યો. રાણાએ હિંમત હાર્યા વગર ટક્કર આપી, પણ બાબરની તોપો સામે રાજપૂતી તલવારની ધાર બુઠ્ઠી પડી. નવો મોરચો રચવા જતાં રાણા બેહોશ થઈને ઘોડા પરથી ઢળી પડ્યાં. તેમના મોતની અફવાએ રાજપૂત છાવણીમાં હાહાકાર મચાવી દીધો અને યુદ્ધ રાજપૂતોની પીછેહઠ સાથે પૂરું થયું.
રાણાને તેમના સહાયક અને મારવાડના રાઠોડ સરદાર સહીસલામત રીતે યુદ્ધમેદાનથી દૂર લઇ આવ્યા, જ્યાં ભાનમાં આવ્યા પછી તેમને હારના સમાચાર આપવામાં આવ્યાં, પણ તેઓ હાર સ્વીકારવા તૈયાર ન હતા. તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા લઇ લીધી કે જ્યાં સુધી તેઓ બાબરને નહીં હરાવી લે, ત્યાં સુધી ચિત્તોડમાં પગ નહીં મૂકે. પ્રતિજ્ઞા કદાચ પૂરી થઇ શકી હોત, પણ બાબર સાથે લડાઈ મેવાડનું સર્વનાશ નોતરી શકે એવું માનતા અમુક અધિકારીઓએ તેમને ઝેર આપી દીધું. આખરે, ૩૦ જાન્યુઆરી, ૧૫૨૮ના ઉત્તરપ્રદેશના કાલપી ખાતે મેવાડનો સિંહ કાયમ માટે પોઢી ગયો. ઇતિહાસકારો માને છે કે જો બાબરની તોપો ન હોત અને રાજા શિલાદિત્યએ છેલ્લી ઘડીએ દગો ન કર્યો હોત, તો ભારતમાં સવા ત્રણસો વર્ષ ચાલનાર મોગલકાળ તેના ઉદય સાથે જ આથમી ગયો હોત ! આ પ્રસંગ થોડો વિસ્તારથી કહ્યો છે. કારણ આગળ વાંચશો એટલે આપોઆપ ખબર પડી જશે...
(ક્રમશઃ)
લેખક: પ્રતીક ગોસ્વામી
(નોંધ: આ લેખને કલરફૂલ પાનાં, ચિત્રો અને ગ્રાફિક્સ સહિત વાંચવા www.khajanogujratimagazine.wordpress.com ની મુલાકાત લો.)