Sastu Medavvani Mansikta books and stories free download online pdf in Gujarati

સસ્તું મેળવવાની માનસિકતા

‘સસ્તું મેળવવાની માનસિકતા’ એક પ્રેરક પ્રસંગ છે, જે સાચી ઘટના પર બનેલું છે. આપણાં રોજિંદા જીવનમાં પણ બનતી આ ઘટના સાદી જ છે, પણ વિચારતાં કરી મૂકે એવી છે.

થોડા દિવસો પહેલાની આ વાત છે. હું મારા મિત્ર નીરવના ઘરે તેને મળવા માટે ગયો હતો. નીરવ રાજકોટ હોસ્ટેલમાં રહી ત્યાં કોમ્પ્યુટર ઍન્જિનયરિંગનો અભ્યાસ કરતો હોવાથી અમે બન્ને મિત્રો લગભગ ત્રણેક મહિના બાદ મળ્યા હતાં, તેથી તેનાં ઘરની બહાર ઓટલા પર બેઠાં બેઠાં જૂની વાતો યાદ કરતા હતાં અને હાલમાં કોલેજમાં ભણવાનું કેવું ચાલી રહ્યુ છે, ત્યાં હોસ્ટેલમાં રહેવાની અને જમવાની સગવડ કેવી છે, ફુરસદના સમયમાં રાજકોટમાં રખડવાની કેવીક મજા આવે છે, વગેરે વાતો ચાલતી હતી.

તેવામાં એક પાંસઠેક વર્ષના લોખંડનાં ઓજારો વેચવાવાળા વૃદ્ધ જેને આપણે 'ગાદલિયા' કહીયે છીએ, તેઓ શેરીમાં જોરથી બોલતાં બોલતાં નીકળે છે.

"લેવી લોખંડની તવી સાંણસી ચારણી ધમેલા !" તેમનો અવાજ સાંભળીને બાજુના ઘરમાંથી એક બહેન બહાર નીકળે છે અને પૂછે છે, ''કાકા સાણસી કેમ આપી ?" વૃદ્ધ જવાબ આપે છે, "80 રૂપિયા." પેલા બેન તો સીધા બોલ્યાં "કાકા, આટલી સાંણસીના કાંઈ 80 રૂપિયા હોય ? કાંઈક વ્યાજબી ભાવ લગાવો."

વૃદ્ધ કાકા કહે છે, "ચાલો બેન 70 રૂપિયા આપજો, બસ ! બોણી કરવાનો ટાઈમ છે. વધારે રૂપિયા નહીં લઉં. સવારથી હજુ સુધી કંઈ વેચ્યું નથી. બહેન કહે છે, ''આના 70 રૂપિયા નહીં આપું, 40 રૂપિયામાં આપવી હોય તો આપો, નહીંતર તો રહેવા દો. " એટલે વૃદ્ધ કહે છે, ''બેન, સાવ ૪૦ રૂપિયામાં તો નો પોહાય. સારામાં સારા આવતાં લોખંડમાથી બનાવેલી છે. અમે મશીન પર કામ કરીને રૂપિયા નથી કમાતા મારી બેન, આતો અમે પોતે જાતે ભઠ્ઠા પર ગરમ કરીને બનાવેલી છે ૪૦ વર્ષ સુધી કાંઈ ન થાય એની ગેરંટી. બજારમાં તમે કોઈ પણ દુકાને પૂછી આવો ૪૦ રૂપિયામાં આપે તો હું તમને મફતમાં આપી દેવા તૈયાર છું, બસ ! ચાલો, ૫૦ રૂપિયા આપજો. ''

એવામાં વળી પેલા બેનનો છોકરો બોલ્યો કે, ''અરે ! ૫૦ રૂપિયા આપી દેને મમ્મી, ૧૦ રૂપિયા માટે કેવી મગજમારી માંડી છે. '' એટલે પેલા બેન તેના દીકરાને કહે છે, ''જા, ૫૦ રૂપિયા લઈ આવ, ઘરમાં ફ્રિજ પર રાખેલા પાકીટમાં છે.'' છોકરો ૫૦ રૂપિયા આપી સરસ મજાની લોખંડની સાણસી લે છે. ઘરમાં જતી વખતે છોકરાની મમ્મી અને છોકરા વચ્ચે કાંઈક આવો વાર્તાલાપ થાય છે. હું અને નીરવ બહાર ઓટલા પર બેઠા બેઠા આ સમગ્ર ઘટના જોતાં હતાં અને દિકરા અને તેની મમ્મી વચ્ચે થતો વાર્તાલાપ સાંભળતા હતાં.

મમ્મી ગુસ્સામાં કહે છે, ''તારે વચ્ચે ડોઢડાહ્યા થવાની શું જરૂર હતી ? વચ્ચે બોલ્યા વગરનો રહી જતો હતો, તું બોલ્યો ન હોત તો ૪૦માં આપી દેત. રૂપિયા બહુ વધી નથી ગયા તે દાતારી કરવા નીકળ્યો છે. ''

દિકરો ગુસ્સામાં જવાબ આપે છે, ''આ લોકો મજૂરી કરીને વસ્તુઓ બનાવે છે, સાચી મહેનતથી બનાવીને વેચે છે. તમે તેમની પાસે ભાવ ઓછાં કરાવો છો અને મોલમાં કે કોઈ શો-રૂમમાંથી વસ્તુ ખરીદવા જાવ, ત્યાં તો કોઈ દિવસ એક રૂપિયોય ઓછો નથી કરાવ્યો. તમે જોયું નહીં કે પેલા કાકા એ કપડા કેવા મેલા ઘેલા અને જૂના પહેર્યા હતાં અને તેમનાં શરીર પરથી જ દેખાતું હતું કે તેઓ મજૂરી કરીને કમાય છે. માત્ર ૧૦ રૂપિયામાં તો શુ ફેર પડી જવાનો હતો ? અને આ માટે તો હું બોલીશ જ, ભલે રૂપિયા વધી ગયા હોય કે નહીં. મે સાચું જ કર્યું છે. ''એક નિશ્ચિત હદ સુધી ભાવ ઓછા કરાવીએ તે વ્યાજબી કહેવાય પરંતુ સાવ પાણીનાં ભાવે આપણે વસ્તુ ખરીદવા માંગ કરીએ તેંતો વ્યાજબી ન ગણાય.

મમ્મી: હા ઠીક છે. ચાલ હવે ઘરમાં, શેરીમાં દરવાજા પર લપ માંડી છે તે !

હવે બન્ને ઘરનો દરવાજો બંધ કરીને ઘરમાં ચાલ્યા જાય છે.

આ મારી નજર સમક્ષ બનેલી સત્યઘટના છે. માણસની લોભવૃત્તિ કેટલી પ્રબળ છે એ દર્શાવવા અહીં ઘટનાને હૂબહૂ ચિતરવાનો પ્રયાસ કર્યો છે.

● ભાવિક ચૌહાણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED