અજાણ્યા દાદાનો પત્ર Khajano Magazine દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યા દાદાનો પત્ર

અજાણ્યા દાદાનો પત્ર

જાન્યુઆરી મહિનાનો એ ત્રીજો રવિવાર હતો. શિયાળાની ઠંડીના એ દિવસો હતા. સવારે પૂર્વ દિશામાંથી સૂરજ વાદળોમાંથી ધીરે ધીરે બહાર આવી આકાશમાં ચારે તરફ પોતાની સોનેરી રોશની પાથરી રહ્યો હતો. ઘરની બાજુના બગીચામાં આવેલા લીંબડાના ઝાડ પર સવારના ઠંડા પહોરમાં કોયલ મીઠા ટહુકા કરી રહી હતી. રવિવારનો દિવસ હતો એટલે ઘરમાં પણ સૌ કોઈ મોડા ઊઠવાનું વિચારીને સુતા પડ્યા હતા. પરંતુ દાદીમા ઘરની બાજુમાં આવેલા બગીચામાંથી લાવેલા સરસ મજાનાં તાજાં ખીલેલાં રંગબેરંગી ફૂલોનો હાર બનાવી ભગવાનને અર્પણ કરીને મંદિરનો શણગાર કરી રહ્યાં હતાં અને ઠાકોરજીની પૂજા કરવાની તૈયારી કરી રહ્યાં હતાં.

સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો. સવારના ૮:૩૦ વાગવા આવ્યા હતા. ઘરમાં હવે ધીરે ધીરે દરેક જણ પથારીમાંથી ઊઠી અને બ્રશ કરી તૈયાર થવા લાગ્યો હતો. પૂજાનો નાનકડો ભાઈ નિસર્ગ ઘરના આંગણામાં આવેલા હીંચકા પર બેઠો બેઠો ન્યુઝપેપર આવવાની રાહ જોતો હીંચકા ખાઈ રહ્યો હતો. આજે પણ દરરોજની જેમ સવારમાં ન્યુઝપેપરવાળો ઘરની નાનકડી એવી એક બારીમાંથી ન્યુઝ પેપર ઘરના આંગણા તરફ સરકાવીને નીકળી ગયો. રવિવારના ન્યુઝ પેપર સાથેની પૂર્તિનાં છેલ્લા પાના પર આવતી પઝલ્સ અને ઉખાણાં સોલ્વ કરવા નિસર્ગને ખૂબ ગમતા. પોતાને મનગમતી પઝલ સોલ્વ કરવા માટે જ્યારે નિસર્ગ ન્યુઝપેપરનું પાનું ઉથલાવવા જતો હતો એ જ સમયે તેની નજર ન્યુઝપેપરના પહેલા જ પાનાં પર છપાયેલા એક ફોટો પર પડી. ન્યુઝપેપરના પહેલા પાનાં પર જ તેની બહેન પૂજાનો ફોટો અને એ ફોટોની નીચે પૂજાએ નેશનલ લેવલના એક કેમ્પમાં મેળવેલી સિદ્ધિ વિશેનો લેખ છપાયેલો હતો એટલે નિસર્ગ તરત જ બેડરૂમમાં જઈ અને પૂજા સૂતી હતી તેને ઉઠાડવા લાગ્યો અને કહેવા લાગ્યો:

“દીદી... દીદી... તમારો ફોટો આજના ન્યુઝપેપરમાં આવ્યો છે !”

પૂજાને નિસર્ગની આ વાત મજાક લાગી. તેને લાગ્યું કે નિસર્ગ તેને જલદી ઊઠાડી દેવા માટે મજાક કરી રહ્યો છે, એટલે એ બોલી, “જો નિસર્ગ, સવાર સવારમાં મજાક કરી મને હેરાન ના કર. અત્યારે મને સુવા દે. હું પોતે નિરાંતે જોઈ લઈશ.”

“અરે ! દીદી સાચુ કહું છું, મજાક નથી કરતો. અહિ આવીને જુઓ તો ખરાં, સાચે તમારો ફોટો આવ્યો છે.”

આમ પણ નિસર્ગ ખૂબ જ મસ્તીખોર હતો, પોતાની બહેન પૂજાની મસ્તી કરવાનો એક પણ મોકો છોડતો નહીં એટલે પૂજાને આ વાત મજાક જ લાગી. દિવસમાં એક વાર તો બન્ને ભાઈ બહેન વચ્ચે નાનકડી એવી હાથ મસ્તી થાય અને પછી રિસાવાનું તો થાય જ. પણ પછી ફરી પાછાં થોડી વારમાં જેવાં હતાં તેવાં ને તેવાં. એકબીજા વગર બન્ને ને જરા વાર પણ ચાલતું નહિ. જો પૂજા કોઈ કેમ્પમાં કે અન્ય કોઈ એજ્યુકેશનલ શિબિરમાં ગઈ હોય તો તેને દિવસમાં એક બે વાર કોલ કરીને હેરાન તો કરે જ અને પૂછે કે, “હવે ઘરે ક્યારે આવવું છે ? તારી જોડે મસ્તી કરું તો કોઈ કાંઈ ન બોલે. જ્યારે સ્કૂલમાં મસ્તી કરીએ તો ટીચર અંગુઠા પકડાવે છે.”

નિસર્ગે ફરી એક વાર પૂજાને કહ્યું, “દીદી... દીદી… મજાક નથી કરતો સાચું કહું છું. તમારો ફોટો ન્યુઝપેપરમાં આવ્યો છે.”

તેથી પૂજાએ કહ્યું, “હા, ભલે ચાલ, તું આટલી બઘી વાર કહે છે તો માની લઉં, બસ ? જા, તું જ અહિયા ન્યુઝપેપર લઈ આવ. હું પોતે જોઈ લઉં.”

નિસર્ગ ન્યુઝપેપર લઈને બેડરૂમમાં આવ્યો અને પૂજાને પહેલું પેજ બતાવ્યું. પૂજાએ પહેલા પાના પર નજર ફેરવતાની સાથે જ જોયું કે તેનાં પ્રોગ્રામ ઓફિસર સાથે તેને મળેલા ચાર શીલ્ડ અને સાથે સાથે પાછળ બેકગ્રાઉન્ડમાં ‘નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પ’નો સિમ્બોલ છપાયેલો છે તેવો ફોટો છપાયેલો હતો. એ ફોટોની સાથે જ નીચે લખાણમાં લખેલું હતું – ‘નેશનલ ઈન્ટિગ્રેશન કેમ્પમાં કુલ ૧૩ રાજ્યોમાંથી એકલાં મહારાષ્ટ્ર રાજ્યએ કુલ ૮ શીલ્ડ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. જેમાંથી ચાર શીલ્ડ એકલી પૂજા ચાવડાએ મેળવ્યા છે.’

શરૂઆતમાં તો પૂજા આ બધું જોતી જ રહી ગઈ. પહેલી વાર તો વિશ્વાસ જ ન આવ્યો. તેણે ફરી પાછું ન્યુઝપેપરમાં જોયું. પછી તો ખુશીની મારી રાજી રાજી થઈ જોરથી બુમ પાડીને મમ્મી, પપ્પા અને દાદીને બોલાવી પોતાનો ફોટો અને સાથે આવેલો લેખ વંચાવ્યો. મમ્મી પપ્પા અને દાદી ખૂબ જ ખુશ થઈ ગયાં. સમગ્ર ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

ન્યુઝપેપરમાં પૂજાનો છાપાયેલો ફોટો અને તેનાં વિશેનો લેખ વાંચીને સવાર સવારમાં જ પૂજાને તેની કૉલેજના પ્રોફેસરોના તેમજ અન્ય બહેનપણીઓ અને મિત્રોના કોલ અને અભિનંદન પાઠવતા મેસેજ આવવાનું શરૂ થઈ ગયું. બાજુમાં રહેતાં કોકિલાબહેન તો ઘરે આવીને પૂજાને પોતે બનાવેલી મોહનથાળની મીઠાઈ આપીને પૂજાનું મીઠું મોઢું કરી ગયાં. એમાંય વળી કોકિલાબહેન જ્યારે ઘરની બહાર નીકળતાં હતાં ત્યારે સામેના મકાનમાં રહેતાં નિર્મળાબેન પૂજાની આ ઝળહળતી સિદ્ધિ વિશે સાંભળીને એમ પણ સંભળાવી ગયાં કે, “એક વાર સફળતા મેળવી અને છાપામાં ફોટો આવ્યો તેમાં ક્યાં કોઈ મોટી નવાઈ કરી છે ? એ તો કોઈ સાહેબની લાગવગ હશે એટલે વળી મેળ પડી ગયો. અમારી શિવાની પણ કેટલી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, કેટલી મહેનત કરે છે, તો પણ તેનો નંબર નથી આવતો. બધા લાગવગીયા જ નંબર લઈ જાય છે. નક્કી આને પણ એવું જ હશે.”

કોકિલાબહેને તેમની વાત પર વધારે ધ્યાન ન આપ્યું અને કહ્યું, “બધી જગ્યાએ કાંઈ એવું ન હોય. દરેકની પોતાની અલગ વિચારસરણી હોય. બાકી આપણે તો છોકરીનો ઉત્સાહ વધારવો જોઈએ. તેને પ્રોત્સાહન આપી આગળ પ્રવૃત્તિમાં ભાગ લે તે માટે શુભેચ્છા આપવી જોઈએ.” તેઓ તો ટૂંકમાં જવાબ આપીને નીકળી ગયાં.

“તમે ઉત્સાહ વધારો, અમારે એવી કોઈ જરૂર નથી.” નિર્મળાબહેન પાછળથી બબડ્યાં.

પૂજા આટલા બધા લોકોના મેસેજીસ આવવાથી અને તેમના પ્રોફેસરોના સવારમાં જ કોલ આવવાથી ખૂબ ખુશ હતી. છેલ્લાં ત્રણ દિવસમાં અનેક લોકોના મેસેજીસ અને કોલ આવ્યા હતા. આવા જ ખુશીના એ દિવસોમાં ચોથા દિવસે પૂજા જ્યારે કૉલેજમાં પોતાનું કેમિસ્ટ્રીનું છેલ્લું લેક્ચર ભરી રહી હતી ત્યારે ક્લાસમાં અચાનક કોલેજના પ્યૂન રામજીભાઈ આવ્યા અને તેમણે સરને કહ્યું, “પૂજા ચાવડાને તેમના દાદાનો પત્ર આવ્યો છે. લેક્ચર પૂરું થયા પછી ક્લાર્ક-ઓફિસમાંથી લઈ જાય.”

પછી તો સમગ્ર લેક્ચરમાં પૂજાને એક જ વિચાર આવતો હતો કે, ‘મને કયા દાદાનો પત્ર આવ્યો હશે ?”

લેક્ચર પૂરું થયાં બાદ પૂજા તરત જ કોઈની રાહ જોયા વિના જ તેને આવેલો પત્ર લેવા માટે ઓફિસમાં પહોંચી ગઈ. પત્ર મેળવ્યા બાદ તેણે એ પત્ર વાંચ્યો.

તેમાં લખેલું હતું:

‘મારી વ્હાલી દીકરી, ‘નેશનલ ઈન્ટિગ્રેશન કેમ્પ’માં સમગ્ર ભારતમાંથી આવેલા કુલ ૧૩ રાજ્યોના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓમાંથી મહારાષ્ટ્ર રાજ્યએ કુલ આઠ શીલ્ડ મેળવી સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ મહારાષ્ટ્રે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેમાંથી ચાર મેડલ એક છોકરીના હતા અને એ છોકરી તું છો તે જાણી મને ખૂબ ગર્વ થયો. મહારાષ્ટ્રના એક નાનકડાં ગામની દીકરી આટલી મોટી સફળતા પ્રાપ્ત કરે તે ખૂબ ગર્વની વાત છે. દીકરી આવી જ રીતે તું તારા જીવનમાં હજુ અનેક સિદ્ધિઓ મેળવતી રહે અને તારા માતા પિતાનું, તારા સમગ્ર પરિવારનું નામ રોશન કરતી રહે તેવી તારા દાદા તરફથી શુભેચ્છા. જવાબમાં તારા પત્રની રાહ જોઈશ.’

લિ. તારા અજાણ્યા દાદા.

આ પત્ર વાંચ્યા બાદ તો પૂજા ઊંડા વિચારોના વંટોળમાં ખોવાઈ ગઈ. મનમાં અનેક સવાલો થવા લાગ્યા કે આ પત્ર લખનાર વ્યક્તિનો ઉદ્દેશ શું હશે ? તેણે શા માટે આ પત્ર લખ્યો હશે ? મારા દાદા તો પાંચ વર્ષ પહેલાં પરલોક સિધાવી ગયા છે, તો મારા દાદા મને કેવી રીતે પત્ર લખી શકે ? કંઈ જ સમજણ નથી પડતી. આ પત્રમાં તો ‘તારા અજાણ્યા દાદા’ એવું લખેલું છે. અજાણ્યા દાદા એ વળી કેવો સંબંધ થયો ? કોણ હશે આ પત્ર લખવા વાળું ? એણે મને કયા ઉદ્દેશથી આ પત્ર લખ્યો હશે ? હું તો તેમને જાણતી પણ નથી. તેમને મારા વિશે અને હું આ કૉલેજમાં અભ્યાસ કરું છું તેની જાણ કેવી રીતે થઈ હશે ? મેં આટલી મોટી સફળતા મેળવી તે તેમને કેવી રીતે ખબર પડી હશે ? - વગેરે અનેક તર્કવિતર્ક, જાતજાતના સવાલો મનમાં પેદા થવા લાગ્યા હતા. એક ક્ષણ માટે થોડો ભય પણ લાગ્યો કે મારી તમામ માહિતી સાથે આ કોણે મને પત્ર લખ્યો હશે ? શુભેચ્છા પત્ર લખીને બાદમાં તેમનો બીજો કોઈ ઈરાદો તો નહિ હોય ને ? કોઈએ મને બાદમાં હેરાન કરવા કે મારી તમામ માહિતી મેળળવા તો આ પત્ર નહીં લખ્યો હોય ને ?

મનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નો અને તર્કવિતર્ક વચ્ચે પૂજાએ એ પત્ર ફરીથી એક વાર વાંચ્યો. અંતે પોતાને કંઈ સમજાતું જ ન હતું કે હવે આ પત્રનું શું કરવું એટલે તેણે તેના પ્રિન્સિપાલ સરને આ પત્ર વિશે વાત કરી. ઘરે આવીને ફરી એકવાર તેણે આ પત્ર વાંચ્યો અને તેનાં મમ્મી-પપ્પાને પણ પત્ર વંચાવ્યો. વાંચતી વખતે લાગ્યું કે આ પત્ર કોઈ વિદ્વાન વ્યક્તિએ લખેલો છે કારણ કે તેમાં ઉપયોગમાં લેવાયેલી ભાષાસંરચના એકદમ વ્યવસ્થિત અને અલગ શૈલીમાં હતી, અક્ષર પણ એકદમ સુંદર હતા. ઘરની દરેક વ્યક્તિને પૂજાએ આ પત્ર વિશે વાત કરી ત્યારે બે દિવસ સુધી તો ઘરનાં સૌ લોકો પણ મુશ્કેલીમાં હતાં કે આ પત્રનો જવાબ આપવો કે શું કરવું ? અંતે બે દિવસના લાંબા વિચાર બાદ પૂજાએ તેનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી અને નક્કી કર્યું કે જેમણે આ પત્ર લખ્યો છે તે જરૂર વિદ્વાન વ્યક્તિએ લખ્યો છે. તેમના દ્વારા લખાયેલા અક્ષરો ખૂબ સુંદર છે અને વાક્ય રચના તદ્દન અલગ છે, ખૂબ સારી શૈલીમાં પત્ર લખાયેલો છે, માટે જરૂર આ કોઈ સારી એવી વ્યક્તિએ જ પત્ર લખ્યો હશે.

અંતે પૂજાએ થોડા દિવસો બાદ એક લાંબો પત્ર લખ્યો તેમાં તેણે પોતાના વિશે બધી જ વાત કરી કે તે શેનો અભ્યાસ કરે છે, આગળ શું બનવા માંગે છે, તેના પરિવારમાં કોણ કોણ છે વગેરે ઘણું બધું એ પત્રમાં લખ્યું હતું. પૂજાએ લખેલા પત્રમાં તેણે દાદાનો ખૂબ આભાર માન્યો અને સાથે સાથે પૂછ્યું કે પોતે તો તેમને ઓળખતી નથી, પોતાની તેમનાથી ક્યારેય વાત પણ નથી થઈ, તેઓ એને ક્યારેય મળ્યા પણ નથી, તો તેમણે એનું એડ્રેસ કેવી રીતે મેળવ્યું અને એને પત્ર લખ્યો ? પોતાને તેમના વિશે થોડું જાણવું છે એવું લખ્યું.

દાદાનો ફરી પત્ર આવે અને આગળના પત્રમાં પૂછેલા પ્રશ્નોનાં જવાબ એ પત્રમાં હશે તેની તાલાવેલીથી રાહ જોવામાં થોડા દિવસો પસાર થતા ગયા. રોજનું કાર્ય તો કરવાનું જ હતું, પણ દરરોજ એ પત્ર આવવાની પૂજાને ખૂબ ઉત્સુકતા રહેતી. તેનાં મમ્મી-પપ્પાને પણ ખૂબ તાલાવેલી હતી કે જલ્દીથી પત્રનો જવાબ આવે અને એ વ્યક્તિ કોણ છે તે જાણવા મળે.

પૂજાએ મોકલાવેલા પત્રના બરાબર છઠ્ઠા દિવસે સવારમાં ટપાલી ઘરે પૂજાનાં નામે લખેલું એક પોસ્ટકાર્ડ આપી ગયા. પૂજાના નામે પોસ્ટકાર્ડ આવેલું હતું એટલે ઘરમાં સૌ તરત જ જાણી ગયા કે જરૂર આ પેલા અજાણ્યા દાદાનો પત્ર આવ્યો હોવો જોઈએ. દરેકને કોણ છે તે દાદા અને પત્રમાં શું લખેલું છે તે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હતી, પરંતુ પૂજા તો કૉલેજ ગઈ હતી. એટલે તેને જાણ કર્યા વગર કોઈને સીધો પત્ર વાંચી લેવાની ઇચ્છા ન થઈ. પૂજાના પપ્પાએ કહ્યું કે પૂજા બપોરે ઘરે આવી જશે ત્યારે આપણે સૌ સાથે પત્ર વાંચીશું. બપોરે બરાબર ત્રણ વાગ્યે પૂજા ઘરે આવી અને હજુ તો તે પોતાના સેન્ડલ ઉતારીને તેને તેની જગ્યાએ મૂકવા જતી હતી ત્યારે જ નિસર્ગ બોલ્યો, “દીદી... દીદી... તારો પત્ર આવ્યો છે, અમે સૌ પત્ર વાંચવાની રાહ જોઈને બેઠા છીએ.”

“અરે ! સાલા કહે તો ખરો મને કે દાદાનો પત્ર આવી ગયો છે. મને જરૂર વાંચવો જ છે. કેટલા દિવસથી તેમના પત્રની રાહ જોઈને બેઠી છું ખબર છે તને ?”

શું લખ્યું હશે દાદાએ પત્રમાં તે ભાવ સાથે પૂજાએ સૌને મોટેથી વાંચીને સંભળાવ્યું. પૂજાએ લખેલા પત્રનાં જવાબમાં દાદાએ લખ્યું હતું:

‘મારી વ્હાલી દીકરી, તારો પત્ર મેં પૂરો વાંચ્યો અને તારા પૂછેલા પ્રશ્નોના જવાબ હું આપું તો હું નિવૃત્ત શિક્ષક છું અને જલગાંવ જિલ્લાના પારોઠ્ઠા ગામમાં રહું છું. તારો ફોટો અને તેની સાથે તારી ઝળહળતી સિદ્ધિ વિશેનો લેખ ન્યુઝપેપરમાં મેં વાંચ્યો હતો. વાંચીને ખૂબ ગર્વ થયો કે મહારાષ્ટ્રના નાનકડા એવા ગામમાં રહીને પોતાના ગામથી દૂર આવેલ કૉલેજમાં અભ્યાસ કરતી છોકરીએ આટલી મોટી સફળતા મેળવી તે જાણી ખૂબ આનંદ થયો. તેમાં તારી કૉલેજનું નામ લખેલું હતું તેથી મેં તારી કૉલેજના એડ્રેસ પર તને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો. હું આવી જ રીતે અનેક લોકોને પત્ર લખી અને અભિનંદન પાઠવું છું કે જેઓ સફળતા મેળવી અને ખૂબ પ્રગતી કરે. એ સિવાય કોઈના ઘરે સગાઈ કે લગ્ન હોય ત્યારે, કોઈના પરિવારમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે પણ હું તેમને સાંત્વના પાઠવતા પત્રો મોકલાવું છું અને મારું સુખી નિવૃત્ત જીવન માણું છું.’

આવી જ રીતે પૂજા અને દાદા વચ્ચે ઘણા બધા પત્રો લખીને વાત થતી રહી.

એક દિવસ પૂજા દાદાને અચાનક મળવા માટે જલગાંવ જીલ્લાના પારોઠ્ઠા ગામમાં તેમણે પત્રમાં લખેલા સરનામાં પર તેની એક બહેનપણી સાથે ગઈ. પત્રમાં લખેલા સરનામા મુજબ અન્ય લોકોને પૂછતાં પૂછતાં એક જૂના જમાનાનું નળિયાવાળું, લાકડાની બારી અને દરવાજા પર સુંદરમજાનું નકશીકામ કરેલું એક ઘર તેમણે જોયું. એ ઘરની બહાર તેઓ જરા ઊભી રહી. ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે બન્નેએ ઘરની અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાં જ એક દાદી પહેલા ઓરડામાં બેઠાં બેઠાં એક ધાર્મિક પુસ્તક વાંચી રહ્યાં હતાં. પૂજા જઈને દાદીને પગે લાગી અને કહ્યું, “દાદી, હું પૂજા ચાવડા છું, નંદુરબારથી દાદાને મળવા માટે આવી છું. દાદા છે ઘરે ?”

“તારા દાદા તો કોઈને મળવા માટે અને લગ્નની વધાઈ આપવા માટે બહાર ગયા છે. બેસ બેટા, હું તારા દાદાને ફોન કરીને હમણાં જ પૂછી લઉં છું કે કેટલી વારમાં ઘરે આવે છે ?” દાદીએ જવાબ આપ્યો.

એકાદ કલાક રાહ જોયા બાદ દાદા ઘરે આવી ગયા. દાદા ઘરમાં પ્રવેશતા હતા ત્યારે જ પૂજા દાદાને પગે લાગવા માટે ઊભી થઈ ત્યારે દાદા દૂરથી જ ઓળખી ગયા. એટલે તેઓ તરત બોલી ઉઠ્યા, “અરે ! પૂજા ને ?”

“હા, દાદા. હું પૂજા. કેમ છો દાદા ?” એમ બોલતાની સાથે પૂજા દાદાને પગે લાગી.

“ખૂબ પ્રગતિ કરતી રહે, દીકરી.” દાદા એ પૂજાને આશીર્વાદ આપ્યાં.

પછી તો દાદાએ અને પૂજાએ ઘણી બધી વાતો શરૂ કરી. દાદાએ પોતાના વિશે ઘણું બધું કહ્યું, “અત્યારે નિવૃતિનાં સમયમાં હું ખૂબ સુંદર મજાનું જીવન જીવું છું. મને ન્યુઝપેપર વાંચતી વખતે જ્યારે કોઈ એવી વ્યક્તિ ધ્યાનમાં આવે કે તેમણે સફળતા મેળવી હોય, કોઈના ઘરે સગાઈ કે લગ્ન હોય તો તેમને હું અભિનંદન પાઠવતો પત્ર લખું છું. એ સિવાય કોઈ વ્યક્તિ અવસાન પામી હોય તો તેમનાં પરિવારજનોને હું આશ્વાસન આપતો પત્ર લખીને મોકલાવું છું.” પૂજાએ પણ તેનાં પોતાના વિશે ઘણીબઘી વાત દાદાને કરી. વાતચીત દરમિયાન દાદાએ પૂજાને તેમનો કબાટ બતાવ્યો કે જેમાં લગભગ પાંચ હજાર જેટલા પત્રો હતા. જે પત્રો અત્યાર સુધીના તેમણે અનેક લોકોને લખેલા પત્રના જવાબ આવ્યા હતા. એ દરેક પત્ર દાદાએ તેમના કબાટમાં ખૂબ સાચવીને રાખ્યો હતો. એ સિવાય હજુ દાદાના ઓરડામાં દીવાલ પર અત્યાર સુધી તેમણે પ્રાપ્ત કરેલા અનેક સર્ટિફિકેટ્સ અને તેમની મેમોરીની ફોટોફ્રેમ્સ દીવાલો પર લાગેલી હતી એ બધી પણ પૂજાએ જોઈ. દાદાના કબાટમાં તેમની અત્યાર સુધીની જીવનયાત્રામાં તેમણે મેળવેલા અનેક મેડલ્સ, શિલ્ડ્સ, ટ્રોફિસ એક છાજલી પર વ્યવસ્થિત ગોઠવેલા હતા. આ બધું જોઈને અને તેનાં વિશે જાણીને પૂજા એકદમ ખુશ થઈ ગઈ. તેને એક જુસ્સો આવી ગયો કે હું પણ આટલા બધા મેડલ્સ, શિલ્ડ્સ અને ટ્રોફિ મેળવીશ. અંતે પૂજા જ્યારે તેના ઘરે જવા માટે નીકળવાની હતી ત્યારે દાદાએ ૫૦૧ રૂપિયાનું કવર અને એક પુસ્તક પૂજાને હાથમાં આપીને કહ્યું, “તારા દાદા તરફથી આ ભેટ.”

ફરી પાછી ઘરે જતી વખતે પૂજા દાદાને પગે લાગી અને ઘરે જવા માટે નીકળી. હજુ તો ઘરના દરવાજા પાસે પહોંચી ત્યાં સુધીમાં તો પૂજાની આંખોમાં આસું આવી ગયાં હતાં કે કોઈ અજાણી વ્યક્તિ જે એને ઓળખતી પણ ન હતી, ક્યારેય તેમનાથી મુલાકાત પણ નથી થઈ તે વ્યક્તિ કોઈ માટે આટલું બધું કરી શકે ! ફરી પાછું પૂજાએ દાદા તરફ જોયું અને ભીની આંખે દાદાને આવજો કહી અને નીકળી ગઈ. તેને રસ્તામાં પણ એ વિચાર આવતો હતો કે આ દુનિયામાં, આ દેશમાં કેટલા બધા એવા સારા લોકો પણ છે કે જેઓ તમને ક્યારેય ઓળખતા પણ ન હોય, તેમ છતાં તમારો હોંસલો વધારવા તમને કેટલું બધું આપી જાય !

*

વાચક મિત્રો આ વાત એક સંપૂર્ણ સત્યઘટના પર લખાયેલી છે. વાર્તામાં વાત કરી તે દાદાનું નામ ‘સદાનંદ ભાવસાર’ છે. તેઓ મહારાષ્ટ્રનાં જલગાવ જિલ્લાના પારોઠ્ઠા ગામમાં રહે છે. હાલમાં તેઓ નિવૃત્ત શિક્ષક છે, પોતાના નિવૃતીના સમયમાં ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધી તેમને અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

દાદાને રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર, સમાજ પુરસ્કાર, ઋષિતુલ્ય વ્યક્તિત્વ પુરસ્કાર, સંત તૂકરોજી સમાજ ભૂષણ પુરસ્કાર, ખાનદેશ ગૌરવ પુરસ્કાર, ખાનદેશ સોનેગુરુજી પુરસ્કાર, ગ્રામભૂષણ પુરસ્કાર, શાનેગુરુજી પત્ર મિત્ર પુરસ્કાર (લોકોને પત્ર લખીને મોકલાવે છે તેના માટે), સમાજ સાધના પુરસ્કાર જેવા અનેક પુરસ્કાર દાદાને મળી ચૂકેલ છે.

પૂજા ચાવડાની વાત કરીએ તો તેઓ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ખાપર નામના ગામડામાં રહેતી વિદ્યાર્થીની છે. પૂજાએ હાલ જ, વર્ષ એપ્રિલ ૨૦૧૮ માં તેનું Third Year B.Sc Chemistry સબ્જેક્ટ સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પોતાના વિષયમાં પ્રથમ સ્થાને રહીને પૂર્ણ કરેલ છે.

પૂજા ચાવડા અને દાદા સદાનંદ ભાવસારની વચ્ચે થયેલા પત્ર વ્યવહાર પર લખાયેલી સત્ય ઘટનાની આ વાત છે. પૂજા ચાવડાએ કહેલી આ વાત એક સત્યઘટના પર સ્ટોરી સ્વરૂપે અવતરણ પામી આપ સૌ વાચકમિત્રો સમક્ષ રજૂ કરી તે બદલ ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે. વાર્તા સંપૂર્ણ સત્ય ઘટના પર જ છે, પરંતુ વાર્તાની મુખ્ય વાત વાચકમિત્રોને એકદમ વ્યવસ્થિત સમજાય તે માટે થોડા પાત્ર નવા ઉમેર્યા છે અને કોઈ વાત થોડી મઠારી છે. બાકી વાતનો મુખ્ય હાર્દ જળવાઈ રહે તેમ જ લખેલું છે.

પૂજા ચાવડાએ આટલી નાની ઉંમરે મેળવેલી અનેક ઝળહળતી સિદ્ધિઓ વિશે વાત કરીએ તો...

● ૨૦૧૭ માં ગુજરાતના કચ્છ જીલ્લામાં યોજાયેલ ‘નેશનલ ઈન્ટિગ્રેશન કેમ્પ’માં ભારતમાંથી આવેલા કુલ ૧૩ રાજ્યના વિદ્યાર્થિઓ વચ્ચે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક, ગ્રુપ ડાન્સમાં પ્રથમ ક્રમાંક, ડિબેટ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક, ગુજરાતી ગરબામાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

● તેમને ૨૦૧૭ માં મહારાષ્ટ્ર રાજ્યના સર્વશ્રેષ્ઠ NSS VOLUNTEER નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

● યુનિવર્સીટી લેવલ બેસ્ટ NSS VOLUNTEER વર્ષ ૨૦૧૭ નો એવોર્ડ મળ્યો છે.

● તાલુકા કક્ષાએ બેસ્ટ NSS VOLUNTEER વર્ષ ૨૦૧૭ નો એવોર્ડ મળ્યો છે.

● પૂજા ચાવડા તેનાં B.Sc ના અભ્યાસ દરમિયાન દરેક સેમેસ્ટરમાં કૉલેજ અને યુનિવર્સીટી પ્રથમ રહ્યાં છે.

● TY B.SC Chemistry વિષયના final year માં પણ સમગ્ર કૉલેજ અને યુનિવર્સીટી પ્રથમ રહ્યાં છે. માટે TY B.Sc Chemistry સબ્જેક્ટ માટે યુનિવર્સીટીમાં તેમને ગોલ્ડ મેડલ મળવાની પૂરી શક્યતા દેખાય છે.

● રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે.

● તેમની કૉલેજમાં વર્ષ ૨૦૧૭ ના ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો છે.

● અનેક સિદ્ધિઓ હાંસલ કરી હોવાથી તેમની કૉલેજ દ્વારા પૂજાને વર્ષ ૨૦૧૮ માં ‘SPECIAL ACHIEVER OF THE YEAR’ એવોર્ડ આપી કૉલેજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

● તેમણે મહારાષ્ટ્રના સૌથી મોટા એવા આપત્તિ વ્યવસ્થાપન માટેના ‘AVHAN’ નામના કાર્યક્રમમાં વરિષ્ઠ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી છે.

● તેમણે નેશનલ લેવલનો ૦૧ કેમ્પ, સ્ટેટ લેવલના જુદા જુદા ૦૩ કેમ્પ, યુનિવર્સીટી કક્ષાનાં ૦૬ કેમ્પ અને કૉલેજ કક્ષાના ૧૨ જુદા જુદા કેમ્પ તેમજ વર્કશોપ કરેલા છે.

- ભાવિક ચૌહાણ