મૃત્યુ પછી નું જીવન - ૭ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછી નું જીવન - ૭

મૃત્યુ પછીનું જીવન - ૭

રાઘવને હવે મજા પડવા લાગી , હીના સાથે રહેવાની , ચાય અને ફાફડાની લહેજત લેવાની ....એને થયું , શરીર નથી તો પણ એ હવે પોતાની રીતે પણ દુન્યવી મજા તો લઈ શકે છે ને ...! બંને પ્રકાશપૂંજ રાઘવને સ્પીરીટ વર્લ્ડ માં લઈ જવા આવ્યાં છે , પણ રાઘવ આ દુનિયા છોડવા તૈયાર નથી . બંને પ્રકાશપૂંજ એને સમજાવે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી . મૃત્યુ એ અંત નથી , પણ આરંભ છે બીજા જનમનો ...હવે એને એનાં કર્મો પ્રમાણે નવું શરીર મળશે , જેનાથી એ અનેક સંભાવનાઓનું સર્જન કરી શકશે ...

હવે આગળ વાંચો ....

ટોળાની વચ્ચે ફાફડાની મજા માણતા રાઘવે જોયું કે બંને પ્રકાશપૂંજ ઝાડની નીચે સ્થિર થઈ એની રાહ જોઈ રહ્યાં છે . એને યાદ આવ્યું હે કેવી રીતે પ્રકાશપૂંજો એ એને ઉડતાં શીખવ્યું હતું ..અને..એણે એ રીતે ઉડવાની કોશિશ કરી .... ઉડવાથી રાઘવની ગતિ ખુબ ઝડપી બની ગઈ હતી...

અહાહા ...વળી એક નવો અનુભવ ...મજાનો અનુભવ ...! બસ હવે નવો જન્મ લેવો જ નથી ..આમ જ જલસા છે ...

રાઘવ તક નો લાભ ઉઠાવી ભાગ્યો, ...આ બધાનો તો એને પૂરો અનુભવ હતો અને પ્રેક્ટીસ પણ ...ઉડતાં ઉડતાં ફરી હીના યાદ આવી અને ચાલ્યો હીનાનાં ઘર તરફ ...

રાઘવ બંને પ્રકાશપૂંજ થી બચીને હીનાના ઘર સુધી તો આવી ગયો , પણ ઘરમાં પ્રવેશતાં પહેલાં સહેજ અટક્યો ...શું આ એ જ ઘર છે? ઘરનું નામ બદલાઈ ગયું , ઘરની દિવાલો બદલાઇ ગઈ ....ઘરનાં માણસો પણ બદલાઈ ગયાં ..વર્ષો પહેલાં આ ઘર મારા લંગોટીયાં મિત્ર સુજ્જુનું હતું , હવે આ ઘરમાં એસીપી સુજીત રોય રહે છે ...! સાથે મેડમ હીના રોય પણ રહે છે ....!

પણ પહેલા જેવી રોનક આ ઘરમાં હવે નથી રહી ...પહેલાં અહીં બધું જ સાદું-સીધું ને સરળ હતું , બિલકુલ સુજ્જુની બા જેવું જ ...હવે આ ઘર મેડમ રોયના ઈશારે ચાલે છે અને એનાં જેવું જ કોમ્પલીકેટેડ બની ગયું છે . ઘરમાં પ્રવેશતાની સાથે જ ડિજિટલ એન્ટ્રી , પછી ફોયર , ફોયરમાં વિશાળ અને સુંદર દેખાતી ગણેશજીની મૂર્તિ માં હીડન કેમેરા ,પછી..વિશાળ સોફાઓ , લૌન્જર અને એટલું જ મોટું સેન્ટર ટેબલ ...ઓટોમેટેડ લાઈટસ ...બધું જ વેલ સેટ ..... પણ આ બધાની વચ્ચે પેલી હુંફ અને સુકુન ક્યાં ખોવાઈ ગયાં ; જે સુજ્જુની બા એ વર્ષો પહેલાં વસાવેલાં ...! આ ઘરમાં સુજ્જુની બાનાં હાથનાં કેટલાં રોટલાં ખાધા અને વેલણ પણ ...પણ તો યે ફરી સવાર પડતાં આ જ ઘર દેખાતું ...મારી બા તો વર્ષો પહેલાં છોડી ગયેલી , પણ માનો પ્રેમ, હુંફ ને પોતીકાપણું તો આ ઘરમાંથી જ મળ્યું ...

કેટલું બદલાઈ ગયું આ ઘર? આજે આ ઘર ભલે આલીશાન મહેલ જેવું લાગતું હોય ..પણ એ સાદગીની સમૃધ્ધિ , એ સુકુનની શીતળતા...આ ઘરની દિવાલો જાળવી ન શકી ...ઘરનાં સભ્યો જ સાવ બદલાઈ ગયાં તો દીવાલોને શું કહેવું ...?

રાઘવને એક સેકન્ડ આ ઘરમાંથી વળી જવાનું મન થયું , વર્ષો પહેલાં એવું શું હતું , જે ફરી ફરીને એને ખેંચી લાવતું હતું આ ઘરમાં ...એવું કંઈ આજે ખેંચાણ નથી થતું ..પણ આ ઘરમાં આજે એ હીનાને જોવા આવ્યો હતો ...

૩૦ વર્ષ ..હા , ૩૦ વર્ષ પછી એ આ ઘરમાં આવ્યો હતો . અને વહી જતાં સમયે સંબંધોનાં સ્વરૂપ અને સમીકરણો બંને બદલી નાખ્યાં હતાં ...પહેલાં એ સુજ્જુ નાં ઘરે સુજ્જુને મળવા આવતો હતો . એ, સલીમ , સુજ્જુ, સુજ્જુની બહેન મોના ,હીના ..બધાંય લંગોટીયા દોસ્તો ....એક બીજા પર જીવ આપતાં દોસ્તો એકબીજાના જીવનાં દુશ્મન ક્યારે બની ગયાં અને કેવી રીતે ...? રાઘવ યાદોમાં ખોવાઈ ગયો...

સુજ્જુ એનો દોસ્ત ,સુજ્જુની બા એની બા , સુજ્જુની બહેન એની બહેન , સુજ્જુનું ઘર એનું ઘર ...અને પછી એકદમ જ એની હીના સુજ્જુ ની હીના.....!’ ઓહ ગોડ...! આ કેવા ખેલ છે આ ક્રૂર ડેસ્ટીની નાં ...કયારે , શું , કઈ રીતે બની ગયું ; રાઘવ વિચારતો જ રહી ગયો ....ડેસ્ટીની જીતી ગઈ અને અમે બધા જ હારી ગયાં...જોતજોતામાં બચપણની માસુમિયત ફેરવાઈ ગઈ , કાવાદાવા , વેર અને હરીફાઈમાં ....

પણ એ બધાંથી ઉપર આજે હીના હતી ; જેવી હતી એવી , એણે જે કર્યું એ ; પણ આજે રાઘવને એ જ યાદ હતું કે દુનિયામાં સૌથી વધુ પ્રેમ એણે હીનાને કર્યો હતો અને આજે ૩૦ વર્ષ પછી ખબર પડી કે હીના પણ એને એટલો જ પ્રેમ કરતી હતી . રાઘવ જાણવા માંગતો હતો કે સત્ય શું હતું ,નહી કહેવાયેલા શબ્દોની પાછળનું ...

એટલામાં જોર જોરથી કંઈક ઠોકવાનો અવાજ આવ્યો અને રાઘવ વિચારોમાંથી બહાર આવ્યો , શું થઇ રહ્યું છે ? એ અવાજની દિશામાં ગયો ...

-અમીષા રાવલ

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

રાઘવ બંને પ્રકાશપૂંજ થી બચીને ભાગી તો છૂટ્યો , પણ આગળ શું? કયો અવાજ રાઘવને બહાર ખેંચી ગયો ...? ૩૦ વર્ષ પહેલાં એવું તે શું બન્યું હતું ?....આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાં આગળ વાંચતા રહો , આપનાં રીવ્યુ અને રેટીંગ આપતાં રહો ....આભાર