64 Summerhill - 96 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 96

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 96

લ્હાસાની ભાગોળે ફોર્ડ ગાડી ઊભી રહી ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી.

મોટા ચોકમાં પ્રવેશતી શહેરની સાંકડી ગલીઓમાંથી સંખ્યાબંધ લોકો આવી રહ્યા હતા. દરેકના હાથમાં રંગીન ફાનસ જલતા હતા અને તેની રોશનીના ઉજાસમાં દરેક ચહેરા પર ઉજવણીનો ઉલ્લાસ ઝિલમિલાતો હતો. સાવ ઝાંખા થતા જતા ઘેરાતી સાંજના અજવાસમાં રંગીન દીવડાંઓની આખી હારમાળા જાણે પોતાલા પેલેસનો ઢોળાવ ચડી રહી હોય એવું સોહામણું દૃષ્ય સર્જાતું હતું.

કેસી ભાવવિભોર બનીને પોતાના દેશબંધુઓની ખુશાલીને નજરથી પીતો રહ્યો.

સદીઓનો આ મૌન કલરવ, સદીઓની આ નિરુપદ્રવી પરંપરા. પોતાના નાના-નાના સુખમાં જ ખુશ રહેતા આ તિબેટીઓ, દુનિયાદારીથી તદ્દન બેપરવા તેમનું ભોળપણ...

વર્ષે એકવાર ઉજવાતા શોટોન ઉત્સવને બાદ કરતાં તિબેટની જિંદગી એકધારી હતી.

મહેનતથી રળી લેવાતો બે ટંકનો રોટલો, ગોરી અને સ્હેજ હરીભરી સ્ત્રી, ઓછામાં ઓછા ત્રણ છોકરાં અને આંગણે બાંધેલા ઓછામાં ઓછા બે ખચ્ચર, સાંજ ઢળે એ પહેલાં શેતુરના આસવની બે પ્યાલી અને પોતાલા પેલેસના ગૂંબજ પરથી રાતે નવના ટકોરે તૂરીનો તીણો સૂર લહેરાય ત્યારે આંગણામાં કુબત્સો પાથરીને દેવસ્થાન તરફ નજર ફેરવીને ભાવવિભોર ચહેરે કરી લેવાતું ઈશ્વર સ્મરણ.

સરેરાશ તિબેટીની આટલી સરળ જિંદગી ક્યાં કોઈને નડતી હતી? એણે ક્યાં કદી કોઈના મુલક પર કબજો કરવા બંદૂક ઊઠાવી હતી? રસ્તામાં એક જીવાત જોઈ જાય તો તેને ય પાંદડા વડે ઊઠાવીને ઝાડના થડ પર ચડાવી દેતો સરેરાશ તિબેટી શા માટે કોઈ વાંકગૂના વગર દાયકાઓથી કચડાઈ રહ્યો હતો?

પોતાની બદહાલીને ય વિસારી શકતાં, શોટોનની ખુશાલીમાં તરબોળ બાંધવોની માસુમ સાલસતા જોઈને કેસીની આંખો છલકાઈ ઊઠી.

તેના હૈયાની ભીનાશ પારખીને ત્વરિતે તેનો ખભો થપથપાવ્યો એ સાથે ચટ્ટાન જેવો એ આદમી સતર્ક થઈ ગયો.

પંદર મિનિટ પછી ફોર્ડ મોટર શહેરની દિશામાં આગળ વધી રહી હતી અને બે ખચ્ચર જોડેલું એક ગાડું પોતાલા પેલેસનો ઢોળાવ ચડી રહ્યું હતું. રબ્બરના ટાયર પર લાકડાનું પ્લેટફોર્મ જડીને તેની ચારે તરફ માફા બાંધ્યા હતા અને બહારની તરફ સફેદ કપડામાં એક બેનર પર તિબેટી ભાષામાં લખ્યું હતું, હેક્-મા.

હેક્-મા એ આરોગ્યનો પરંપરાગત તિબેટી ખ્યાલ હતો. ચુસ્ત ધર્મસત્તા ધરાવતા તિબેટમાં પોતાલા પેલેસના વરિષ્ઠ સાધુઓ દ્વારા મોબાઈલ દવાખાનાઓ ચલાવવામાં આવતા. હેક્-મા સાધુઓ પહાડોમાંથી મળતી જડીબુટ્ટીઓમાંથી ઔષધો, ચૂર્ણ, અવલેહ બનાવે. પેલેસના ચોકમાં નાનકડા દવાખાનાઓમાં આવતાં દર્દીઓ તપાસે અને એ સિવાય હેક્-મા સાધુઓ આવા ગાડાં દ્વારા આખા ય પ્રાંતમાં સતત ફરતા રહે.

'ક્યાં જાય છે એઈઈ...' આડશ તરફ ધસી રહેલા ખચ્ચર ગાડાંને જોઈને એક ચીની ફૌજી તાડુકતો દોડી આવ્યો.

***

સઘન તલાશી છતાં ભારતથી ઘૂસેલા આદમીઓનું પગેરું દબાવવામાં નિષ્ફળ ગયેલો મેજર ક્વાંગ યુન હવે શોટોન ઉત્સવ પર ટાંપીને બેઠો હતો. તિબેટવાસીઓની સલામતી, પોતાલા પેલેસની પવિત્રતા કે અકારણ ખુનરેજીની તેને કોઈ પરવા ન હતી. એ હાડોહાડ ચીની અમલદાર હતો. ચીન સામેના જરાક સરખા કાવતરાને ય એ ગંભીર પડકાર ગણતો અને તેના મૂળ સુધી જઈને ઘાતકી રીતે કચડી નાંખ્યા વગર તેને ચેન પડે તેમ ન હતું.

એકધારી નિષ્ફળતાથી સમસમી ગયેલા ક્વાંગે અહીં જબ્બર જુગાર ખેલ્યો હતો.

સળંગ ત્રણ દિવસથી એ એકધારો દોડધામ કરી રહ્યો હતો અને ગઈ રાત પણ એવી જ બેચેનીમાં વીતી હતી. તેણે પોતાના સવાલોને બે અલગ એન્ગલથી નોંધવા માંડયાઃ ભારત અને મુક્તિવાહિનીના ગેરિલાઓ.

ઘૂસણખોરો કોણ હોઈ શકે? તેમનો હેતુ શું હોઈ શકે? આવનારા લોકો ભારતીય હતા, તો સ્થાનિક સ્તરે તેમને કોણ મદદ કરી રહ્યું હતું? શું એ ભારતીય ખુફિયા સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)નું કારસ્તાન હોઈ શકે? તિબેટ મુક્તિવાહિનીની મદદ લઈને રોના જાસુસો તિબેટમાં કંઈ ભાંગફોડ કરવા ધારતા હતા?

ચીનની પ્રચંડ લશ્કરી તાકાત જોતાં મુક્તિવાહિનીની હેસિયત મગતરાંથી વિશેષ ન હતી. શક્ય છે કે ભારતીય જાસુસો મુક્તિવાહિનીના માધ્યમથી કશોક એવો કારસો રચવા ધારતા હોય જેનાંથી સમગ્ર તિબેટમાં ચીન પ્રત્યે અસંતોષ ભડકે. એ ભડકો ઠારવા જતાં ચીને કડક કાર્યવાહી કરવી પડે, જેમાં સેંકડો જાનહાનિ થાય. એવે વખતે ભારત દુનિયા સામે ચીનની બદબોઈ કરી શકે.

પોતાનો એ તર્ક ગળે ઉતર્યો એટલે તે સફાળો બેઠો થયો અને ટેબલના ડ્રોઅરમાંથી લેધરનું ચળકતું લાલ પૂંઠું મઢેલી એક બુક કાઢી.

તિબેટમાં ફરજ બજાવતા ટોચના પ્રશાસનિક કે લશ્કરી અધિકારીઓને ચીનની સરકાર એક ખાસ ગાઈડલાઈન આપતી હતી. રેડ બુક તરીકે ઓળખાતી એ ગાઈડલાઈનમાં તિબેટની ભૂગોળ, ઈતિહાસ, સમાજજીવન, માનસિકતા, રીતિરિવાજ વગેરેની સ્પષ્ટ ઓળખ આપવામાં આવતી.

ક્યા ભૌગોલિક સ્થાનનું શું મહત્વ છે, કઈ જગ્યા દુશ્મન દેશને વ્યુહાત્મક ફાયદો કરાવે તેવી છે અને તેનો સામનો કઈ રીતે થઈ શકે વગેરે તમામ બાબતો તેમાં ઝીણવટપૂર્વક આવરી લેવામાં આવી હતી.

તિબેટની કઈ જાતિનું કેટલું પ્રમાણ છે, કઈ જાતિ પરાપૂર્વથી લડાયક છે, કઈ બે જાતિને એકબીજા સાથે અહંનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન કઈ રીતે વધુ વકરાવી શકાય એવી તમામ તરકીબો જણાવતી આ માર્ગદર્શિકામાં તિબેટીઓની લાગણી ભડકાવી શકે તેવા જોખમસ્થાનો વિશે ય સમજણ આપેલી હતી.

ક્વાંગ યુન એ દરેક સેન્ટિમેન્ટલ રિસ્ક ફેક્ટર સતત જોતો રહ્યો.

તેના ઓરડાની બત્તી આખરે બુઝાઈ ત્યારે બહાર લ્હાસાની છાતી માથે ભડભાંખળું થવા આવ્યું હતું.

***

પોતાલા પેલેસના આઠ દરવાજા હતા.

ક્વાંગે ટેબલ પર નકશો પાથરીને બરાબર ચેક કર્યો. દરેક શોટોન ઉત્સવ વખતે ચીની લશ્કર બીજા તમામ સાત દરવાજા બંધ કરાવીને એક જ દરવાજેથી ચુસ્ત જડતી પછી પ્રવેશ આપતું હતું. ઉત્સવ દરમિયાન અંદર કશી પણ ધમાલ ન થાય એ માટે આ શ્રેષ્ઠ રસ્તો હતો.

ક્વાંગે તદ્દન ઊંધો વ્યુહ વિચાર્યો.

અત્યાર સુધી ઘૂસણખોરોએ પાડેલા છીંડા તે પકડી શક્યો હતો પણ છીંડામાં પ્રવેશી ચૂકેલા લોકો હાથ લાગતા ન હતા. અજાણ્યા લોકો ગેરકાયદે ઘૂસ્યા હતા, મતલબ કે કંઈક તો થવાનું જ હતું. એ રોકવાના પ્રયાસો સફળ થતા નથી તો પછી શા માટે બિન્ધાસ્ત એ થઈ જવા ન દેવું?

બકરું ધરીને વાઘને પકડતા શિકારીનો કિમિયો તેણે આબાદ અજમાવ્યો.

પોતાલા પેલેસના ત્રણ દરવાજા પ્રવેશ માટે ખોલી નાંખ્યા. તલાશી, જડતીમાં ઢીલાશ મૂકવાની સુચના આપી દીધી. અંદર હાજર ફૌજીઓની સંખ્યા અડધી કરી નાંખી.

એ જ વખતે તિબેટીઓની સાથે ભળી શકે તેવા સંખ્યાબંધ ફૌજીઓને તિબેટી દર્શનાર્થીના સ્વાંગમાં અંદર ઉતારી દીધા. શોટોન ઉત્સવના આરંભટાણે પોતાલા પેલેસનું મહાકાય પ્રાંગણ ભરાઈ જાય પછી એક ચકલું ય બહાર ન નીકળી શકે તેની પાક્કી પેરવી કરીને તેણે લ્હાસાની બહાર નીકળતા માર્ગો તેમજ ભારત તરફ ખુલતા તમામ સરહદી રસ્તાઓ અનિશ્ચિત મુદત સુધી સીલ કરવાનો આદેશ આપી દીધો.

બપોરે તેણે પોતાના ઓર્ડરલીને એક લિસ્ટ પકડાવ્યું. એ લિસ્ટ જોઈને ઓર્ડરલી રીતસર ભડક્યો હતો.

સાંજ ઘેરાવા લાગી ત્યારે મેજરે લિસ્ટ મુજબની સામગ્રી આવી ગયેલી જોઈને તૈયારી કરવા માંડી.

લશ્કરી ગણવેશ ઉતારીને ખંધા બિલાડા જેવો મેજર ક્વાંગ યુન જ્યારે બૌધ્ધ સાધુનો વેશ ધારણ કરી રહ્યો હતો એ જ વખતે...

ફોર્ડ મોટરમાંથી ઉતરેલા આદમીઓ હેક્-મા આરોગ્ય સેવાના ખચ્ચરગાડાંમાં સવાર થઈ રહ્યા હતા. શાકભાજી અને પ્રસાદ અને શોટોન કલાકારોને ભેટમાં અપાનારા પવિત્ર દુશાલાના પોટલા લઈને કેટલાંક વાહનો અગાઉથી પોતાલા પેલેસના મેદાનમાં પ્રવેશી ચૂક્યા હતા.

એ જ વખતે...

ક્યાંય દૂર રિન્દેમ મઠના ચોગાનમાં વેદી પાસે ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા રિન્દેમ નામલિંગે અચાનક આંખો ખોલી નાંખી હતી. ઘડીક તેઓ વેદીમાંથી પ્રજ્વલિત થતા અગ્નિની જ્વાળાઓને તાકી રહ્યા. ફરીથી આંખો બંધ કરી અને પછી તરત ઝાટકા સાથે ખોલીને ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર પારાવાર ખિન્નતા હતી. હતાશામાં સતત ડોકું ધૂણાવતા તેમણે ભીખ્ખુની સામે જોયું. તેમની ભયાર્ત આંખોમાંથી પારાવાર કરુણા છલકાતી હતી. પગથિયા ચડતી વખતે ભીખ્ખુના ખભે ટેકો દઈને તેમણે અવશ પૂછી નાંખ્યું,

'આકાશમાંથી સિતારો ખર્યો એ જોઈને ભગવાન બુધ્ધે શું કહ્યું હતું, તને યાદ છે ભીખ્ખુ?'

'જી ભન્તે...' લામાના સવાલનો હેતુ ન સમજાતા ભીખ્ખુના અવાજમાં અવઢવ હતી, 'શાક્ય મુનિએ કહ્યું હતું કે, આકાશમાંથી ખરતો સિતારો એ વિરાટ સ્વપ્નના હૃદય પર પડેલો ઉઝરડો છે...'

'આજે...' બળબળતો નિઃશ્વાસ નાંખીને લામાએ કહ્યું, 'આ પવિત્ર ભૂમિનું મુક્તિનું સ્વપ્ન પણ રોળાઈ રહ્યું છે' અવાક્ થઈ ગયેલા ભીખ્ખુની સામે જોયા વગર કોટડીમાં પ્રવેશતાં તેમણે ઉમેર્યું, 'વેદી રાતભર જલતી રાખજે. શહાદતની એ ત્રીજી પેઢી છે...'

***

'શોટોનના તંબુમાં જવાનું છે...' દોડતા આવેલા ફૌજીએ ગાડું રોક્યું એટલે ચાલકે તાણીને ખચ્ચરની રાશ ખેંચી ગાડાના મોરા આગળ લટકાવેલા મોટા બિલ્લા તરફ આંગળી ચિંધી, 'આ રહ્યો હેક્-માનો બિલ્લો...'

'એ ભલે હોય પણ અહીં ગાડું રાખવાનું નથી'

ફૌજીએ કડકાઈથી જવાબ વાળ્યો એટલે ગાડાંચાલક ચકિત થઈને જોતો રહ્યો. ખુલ્લું મેદાન હતું. સામે જ અઢીસો મીટર છેટે રાવટીઓ તાણેલી હતી અને આ ખડ્ડુસ અહીં ગાડું રાખવાની ના કેમ પાડતો હતો?

'તો મારે રાવટી તરફ ગાડું લઈ જવું કેવી રીતે?' તેણે ફરીથી આસપાસ જોઈને અવાજમાં શક્ય એટલી ભોળપણભરી ગડમથલ દર્શાવીને પૂછી લીધું.

ફૌજીએ ગોઠવેલી બેરિયર્સ પાછળ બે-ત્રણ આર્મી વ્હિકલ પાર્ક થયેલા હતા. આઠ-દસ મોટરસાઈકલ હતી. રેડ આર્મીના કેટલાંક જવાનો સહિત ઓફિસર્સ પણ ભારે સતર્ક થઈને હારબંધ ઊભા હતા.

'આગળ બીજા દરવાજેથી લઈ લે ને?'

'બીજો...' બે દરવાજા ખુલ્લા હોય એ કલ્પના જ તેને અજુગતી લાગી એટલે આશ્ચર્યચકિત થઈને પૂછી તો નાંખ્યું પણ સિફતપૂર્વક વાક્ય ત્યાં જ અધૂરું છોડીને ગાડું આગળ મારી મૂક્યું.

તિબેટીઓ ખાસ તલાશી વગર કેમ અંદર આવી રહ્યા હતા? એકથી વધુ દરવાજા ખુલ્લા હોય એવું આ પહેલાં તો કદી બન્યું ન હતું? ચીનાઓ અચાનક કેમ ઉદાર થઈ ગયા? અને રાવટી પાસે ફૌજીઓ કેમ એલર્ટ હતા? ત્યાં કેમ ગાડું રાખવા ન દીધું? શું ત્યાં કોઈ...

તેણે તરત પાછળ માફામાં મોં ખોસીને કશીક સુચના આપી એટલે તરત મુક્તિવાહિનીનો એક આદમી કૂદી પડયો અને ઝપાટાભેર ચાલતો તિબેટીઓના ટોળામાં ભળી ગયો.

દસ-પંદર મિનિટ પછી બીજા દરવાજેથી ચકરાવો મારીને ગાડું શોટોન તંબુ પાસે ઊભું રહ્યું હતું. ત્રણ-ચાર આદમી કલાકારો માટેના તંબુમાં પ્રવેશ્યા હતા. ખચ્ચરને નિરણ નાંખી રહેલો ગાડાચાલક એક આદમી સાથે કશીક ઘૂસપૂસ કરી રહ્યો હતો. તેના ચહેરાની રેખાઓ સ્થિર હતી પણ તેની આંખના ભાવમાં અજબ ફડકો વિંટળાઈ વળ્યો હતો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED