સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 97
'કમ વોટ મે...' હિરને દબાયેલા અવાજે કહ્યું પણ તેની આંખોમાં તીવ્ર ઉન્માદ હતો.
કેસી અંદર આવ્યો એ પહેલાં રાવટીમાં ગોળ નાનકડા કુંડાળાનું ફોર્મેશન રચાઈ ગયું હતું. પ્રોફેસર અને ત્વરિત દર્દીઓને તપાસતા હોય તેમ લાકડાની નાની પાટલી પર બેસીને આંખ -જીભ ચેક કરવા લાગ્યા હતા. કેસી અંદર આવીને પહેલાં તો કલાકારોના વાદ્યો ઠીક કરવા લાગ્યો અને પછી સાવ નજીક ખસીને હોઠ ફફડાવીને કહી દીધું, 'અનબિલિવેબલ સિક્યોરિટી... મેજર અને તેના ટોપ ઓફિસર લામાના વેશમાં છે. વી આર ઓન હાયર રિસ્ક'
પહેલાં તાન્શીના ચહેરા પર તણાવ અંકાયો. તેણે મેસેજ પાસ કર્યો.
'દરેક પોતાનું કામ ચાલુ રાખો...' હિરને કારમી ઠંડકથી પ્રોફેસર પાસે નાડી બતાવતી હોય તેમ હાથ લંબાવીને કહ્યું, 'નો નીડ ટુ બી પેનિક...' પછી તેણે કેસી તરફ જોઈને દબાયેલા સ્વરે ઉમેર્યું, 'ફટાફટ નકશો આંકવા માંડ. આપણે વહેલાંમાં વહેલી તકે ત્રાટકીને છટકી જવું છે'
કેસી ઘડીક તેને જોઈ રહ્યો. તેના ચહેરાની દૃઢતામાં મક્કમતા વર્તાતી હતી.
તેણે મોટી ખંજરીના તાણીને બાંધેલા ગુણપાટ પર બારીકીથી નકશો દોરવા માંડયો. એ દરમિયાન તાન્શી અને બીજા ત્રણ-ચાર ગેરિલાઓ ફટાફટ જુદાં-જુદાં કામ કરતાં આખી ય રાવટીમાં સતર્કતાપૂર્વક ઘૂમી વળ્યા.
ખાસ્સી મોટી રાવટીમાં ગામેગામથી આવેલા શોટોન કલાકારો પોતપોતાના જૂથમાં ગોઠવાયા હતા. કોઈક તૈયારી કરી રહ્યા હતા તો કોઈક આડા પડયા હતા. પરંપરા મુજબ પોતાના ગામેથી પદયાત્રા કરીને આવતા કલાકારો આખાય રસ્તે મૌન રાખે અને પોતાલા પેલેસમાં દલાઈ લામાની પવિત્ર પદછાપના દર્શન કર્યા પછી જ મૌનવ્રત તોડે. એકધારી દડમજલ પછી માંડ થોડોક વિરામ મળ્યો હતો એટલે સૌ પોતપોતાની મસ્તીમાં હતા.
તાન્શીએ સલામતીની ખાતરી કરીને સિગ્નલ આપ્યું એટલે તરત હિરને નકશો જોવા માંડયો. પંદર-વીસ મિનિટ સુધી નકશા પર એ કશુંક ચિતરામણ કરતી રહી, ભુંસતી રહી. છેવટે તે કેસી પાસે બેઠી.
'આપણા વેપન્સ ક્યાં છે?'
'રસોડાની પછીતે રસોઈના સામાન સાથે મોકલાવી દીધા છે. ત્યાં મારા ત્રણ માણસો છે'
'આપણે બે સ્ટેજમાં વેપનની જરૃર પડશે...' હિરને ખંજરી પર ઊંધી બોલપેન ફેરવવા માંડી, 'એન્ટ્રી લેતી વખતે એક્ટિવ ટીમના દરેકની પાસે ફૂલ લોડેડ ગન પ્લસ બે સ્પેર મેગેઝિન્સ, કમ્યુનિકેશન ડિવાઈસ અને બહારની ડિફેન્સ ટીમ પાસે બે ગન અને મિનિમમ ચાર ગ્રેનેડ...'
'ઓકે...' કેસીએ નકશા તરફ જોવાને બદલે આસપાસનું વાતાવરણ જોતો હોય તેમ નજર ઘૂમાવીને જવાબ વાળી દીધો, 'તમારા પાંચ પૂરતું એ હું મેનેજ કરી લઈશ...'
'મધરાત વિત્યા પછી આપણે અહીંથી સરકી જઈશું. એ પહેલાં તારા આદમી આખો ય રૃટ કવર કરી લેશે. ત્રીજા ફૂવારા પાસેથી આપણે છૂટા પડશું...' હિરન નકશા તરફ ત્રાટક કરતી કહી રહી હતી, 'એક્ટિવ ટીમ વનઃ છપ્પન, પ્રોફેસર અને ત્વરિત શ્ત્સેલિંગ્કા તરફ જશે. એક્ટિવ ટીમ ટૂઃ તું અને તારા આદમીઓ નોર્બુલિંગ્કા તરફ આગળ વધશો. તાન્શી અને ઝુઝાર ત્રીજા ફૂવારાની આસપાસ બંને ટીમના બહાર નીકળવાના રસ્તા પર ડિફેન્સ કરશે.'
'ફાઈન...' કેસીએ ઘડીભર આંખ બંધ કરીને મનોમન ભૂગોળ ચકાસી લીધી, 'ડોન્ટ બોધર ફોર માય પ્લાન...' મનોમન પવિત્ર પદછાપનો વિચાર કર્યો એટલા માત્રથી એ ભાવુક આદમી ઉત્તર તરફ મોં કરીને ઢીંચણભેર બેસી પડયો અને વંદન કરી લીધા, 'તમારૃં કામ ચોરીછૂપીથી કદાચ થઈ શકશે. બટ માય જોબ વૂડ નોટ બી ધેટ મચ ઈઝી. ઈટ વૂડ બી એન એસોલ્ટ...'
'યાહ્હ્...' હિરને ઊંડો નિઃશ્વાસ નાંખ્યો. પ્રોફેસર સાથેની સંતલસમાં તેને કેસીનો પ્લાન જાણવા મળ્યો ત્યારે જ તેના દિમાગમાં ખતરાની ઘંટડી વાગવા માંડી હતી. કેસી દલાઈ લામાનો પવિત્ર મુકુટ અને પદછાપ ઊઠાવવાની વેતરણમાં છે એવી ખબર પડયા પછી હિરનના મનમાં ઝંઝાવાત ફૂંકાયો હતો.
કેસીની નિષ્ઠા અને કસુંબલ વતનપરસ્તી હર કોઈને સ્પર્શી ગઈ હતી. આ જોખમમાં જો કેસી સાથે ન હોત તો ક્યારનો તેમનો સૌનો ઘડો-લાડવો થઈ ગયો હોત એ ય સ્પષ્ટ હતું. હસ્તપ્રતોનું ઠેકાણું મળી ગયા પછી એ ઊઠાવવી અને આખું ય તિબેટ તેમજ હિમાલયની વિકરાળ પર્વતમાળા વટાવીને ભારત પરત પહોંચવું સ્હેજે ય આસાન ન હતું. તેમાં જો કેસી આટલું મોટું જોખમ ઊઠાવવા ધારતો હોય તો તો...
'મને લાગે છે એ આપણાં ગજા બહારનું જોખમ થઈ જશે' હિરને કેસીની સામે નજર માંડયા વગર પૂછ્યું.
'ગજા બહારનું હોય એને જ જોખમ કહેવાય...' કેસીએ નીચે જોઈને કહી દીધું, 'તું અને પ્રોફેસર આટલા વરસથી ઊઠાવો જ છો ને?'
'બટ...' હિરન કેસીને રોકી શકતી ન હતી પણ કેસીના પ્લાનથી તેને ડર પણ લાગતો હતો, 'બહાર નીકળવાનો કોઈ પ્લાન તેં વિચાર્યો છે?'
'બને તેટલી ચૂપકીદી રાખીને મિશન પાર પાડી શકીએ તો બહાર નીકળવાનું એટલું મુશ્કેલ નહિ હોય...'
'અને ચૂપકીદી ન રહી તો?'
'તો...' કેસી નીચે જોઈને મરકી પડયો, 'બહાર નીકળવું એ એક કોયડો બની જશે...'
'ઓહ કમ ઓન...' કેસીની સ્વસ્થતાથી હિરનને ચટકારા ઉપડતા હતા, 'હું હંમેશા કોયડામાં ઝંપલાવતા પહેલાં તેનો ઉકેલ વિચારી લઉં છું...'
'અને હું ઉકેલને બદલે કોયડા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરું છું...' તેણે ખંજરી ઊઠાવીને નકશા તરફ ધ્યાનથી જોતાં ઉમેર્યું, 'હું બહુ દૃઢતાપૂર્વક માનું છું કે દરેક કોયડાનો એક ઉકેલ તો હોવાનો જ...'
***
રાત્રે આઠ વાગ્યે ઢોલ પર પહેલી થાપ પડી એ સાથે રાવટીમાં ચહલપહલ મચી ગઈ. પહેલી ટૂકડી સાંકડા પેસેજમાંથી પસાર થતી સ્ટેજ ભણી ગઈ અને બીજી ટૂકડીઓએ તૈયારીને આખરી ઓપ આપવા માંડયો. મોટેરાંઓ, જુવાનિયાઓ, સ્ત્રીઓ ઉપરાંત નાના બાળકોનું ય એક વૃંદ કશીક ભજવણી કરવાનું હતું.
ઝુઝાર એકધારો એ ગોરાચીટ્ટા, ગોળમટોળ ટાબરિયાઓને વ્હાલપભરી નજરે જોઈ રહ્યો હતો. કોઈક ચહેરો રંગી રહ્યું હતું તો કોઈક ભૂરા, પીળા અતલસી વાઘાં સજી રહ્યું હતું.
'શું જુએ છે ક્યારનો?' છપ્પને તેની નજીક જઈને પૂછ્યું એ સાથે ધ્યાનમગ્ન ઝુઝારની તંદ્રા તૂટી.
'બસ, એમ જ...' તેણે છપ્પન તરફ અછડતી નજર ફેરવીને સ્મિત વેરી દીધું અને ફરી ટાબરિયાઓને નિરખવા લાગ્યો.
'તારો રોલ સમજી લીધો ને?' છપ્પને ચહેરા પરનો પૂંઠાનો માસ્ક સ્હેજ હટાવીને પૂછ્યું.
'હમ્મ્મ્...' ઝુઝારને જાણે છપ્પનની વાતોથી વિક્ષેપ પડતો હતો. એક ટાબરિયો માથા પછવાડે હાથ લઈ જઈને માસ્ક બાંધવાની મથામણ કરતો હતો અને તેનાંથી દોરીની સરકણી ગાંઠ વળતી ન હતી.
'મારે તો...' છપ્પન બોલતો રહ્યો અને ઝુઝાર અચાનક ઊભો થયો. એ છોકરા તરફ આગળ વધ્યો અને તેના મોં ફરતો માસ્ક બાંધી આપ્યો.
તેનું જોઈને બીજો ય એક છોકરો માસ્ક બંધાવવા ઊભો રહી ગયો અને પછી તો ત્રીજો, ચોથો...
ઝુઝારે સ્મિતભેર સૌના માસ્ક બાંધી આપ્યા. કોઈકના પહેરણની કસ બાંધી દીધી. એક છોકરાના ગાલ પર રેળાયેલો અળતો ય ઠીક કરી દીધો.
'તને છોકરાં બહુ વ્હાલા છે, નહિ?' એ પાછો ફર્યો એટલે છપ્પને પૂછ્યું.
'હમ્મ્મ્...' તેણે હળવાશભર્યા ચહેરે જવાબ વાળ્યો અને એક કોથળાને ટેકો દઈને નીચે બેઠો. તેની બંધ આંખોની ભીતર જાતભાતના કોલાહલ સંભળાવા લાગ્યા હતા.
મુંબઈ ખાતે શેઠાણી સાથે જીસ્મનું તોફાન ઠારવાના હેતુથી શરૃ થયેલી દાસ્તાન ક્યારે કરવટ બદલીને અદમ્ય લગાવ, લાગણી અને ખેવના બની ગઈ હતી તેની ઝુઝારને ય ખબર પડી ન્હોતી.
તેમાં ય શેઠાણી જ્યારે ગર્ભવતી બની, એ પોતાનું જ સંતાન છે તેનો ઝુઝારને અહેસાસ થયો ત્યારે...
પૂંઠુાનું માસ્ક ઓઢેલા તેની બંધ આંખોમાં ભીનાશ તગતગી આવી.
એ દીકરો... આવડો જ હતો એ છોકરો...
સંતાનની એષણા ખાતર ઝુઝાર સાથે સંબંધ બાંધવા પ્રેરાયેલી શેઠાણી પૂરેપૂરી ઝુઝાર તરફ ઢળી ચૂકી હતી પણ દીકરો જન્મ્યા પછી શેઠના તેવર સાવ બદલાઈ ગયા હતા. ઝુઝારને તેણે લખનૌના કારખાને ધકેલી દીધો હતો. તોય ચોરીછૂપીથી બેય મળી લેતા હતા. સાવ જડબુધ્ધિનો ઝુઝાર દીકરાને રમાડતી વખતે કાલોઘેલો થઈ જતો. શેઠાણી તૈયાર થાય તો શેઠને બે અડબોથ મારીને શેઠાણી-દીકરા સાથે ચંબલમાં ઉતરી જવા એ તત્પર જ હતો પણ...
પહેલો ઘાવ એ હરામખોર શેઠે ફટકારી દીધો.
શેઠાણી હજુ ય છાનીછપની ઝુઝારને મળે છે એ પામી ગયેલા શેઠે ઝુઝારનો કાંટો કાઢવાનો બંદોબસ્ત કરી નાંખ્યો. પુરાની કોઠીમાં બેય મળ્યા એ જ રાતે થયેલા હલ્લામાં છ આદમીઓએ ઘેરીને નિહથ્થા ઝુઝારને લોહીઝાણ કરી નાંખ્યો. આડી પડેલી શેઠાણી અને દીકરો ય મરણતોલ ઘવાયા. ત્રણે મરી પરવાર્યા છે એમ ધારીને હુમલાખોરોએ કોઠીને આગ ચાંપી ત્યારે ઝુઝારને હોશ આવ્યું...
આગની જ્વાળાઓ તેની ચારે તરફ વિંટળાઈ વળી હતી અને પલંગ પર પડેલા મા-દીકરાના નિશ્ચેતન શરીર...
'આહ્હ્હ્હ...' જાણે અત્યારે જ લ્હાય લાગી હોય તેમ એ સફાળો બેઠો થઈ ગયો.
બહાર શોરબકોર વધી રહ્યો હતો.
નૃત્યના રિહર્સલ પત્યા પછી આવતીકાલ વહેલી સવારના કાર્યક્રમોની જાહેરાત થઈ રહી હતી. વિરાટ મેદાનમાં જમા થયેલી મેદની રાતભર અહીં જ રોકાઈ પડવાની હતી. બૌધ્ધ લામાઓ અને એન્ગલામાઓ પોતપોતાની છાવણીઓમાં જઈ રહ્યા હતા.
બે બૌધ્ધ સાધુ વચ્ચેના પેસેજમાં ઘડીક થંભ્યા. મુખ્ય મહેલ અને ભોંયરા તરફ જતા રસ્તાઓ તરફ આંગળી ચિંધીને તેમણે કશોક ઈશારો કર્યો અને તંબુ તરફ ચાલતા થઈ ગયા.
*** *** ***
મધરાતે કલાકારોની રાવટીમાં સ્તબ્ધ સન્નાટો હતો ત્યારે તદ્દન દબાયેલા પગલે બે આદમીઓ હરફર કરવા માંડયા હતા. રાવટીની પાછળના રસોડાના તંબુમાંથી બે કોથળા લાવવામાં આવ્યા હતા. ગાઢ અંધાકર વચ્ચે ફક્ત હાથ ફંફોસીને સામાન વહેંચાયો હતો. કલાકારના રેશમી, અતલસી વાઘામાં જ અચાનક જાણે ભોંયમાંથી પ્રગટતા હોય તેમ સાત-આઠ ઓળા ખડા થયા હતા.
દરેકની કમરે એક ઝોળી બાંધવામાં આવી. તેમાં ગન અને મેગેઝિન્સ લપેટાયા. આગળ રસ્તો ચકાસવા મોકલેલા આદમીઓ તરફથી ખૈરિયતનો સંકેત આવ્યો એટલે પહેલી એક્ટિવ ટીમ બહાર નીકળી.
પ્રોફેસર, ત્વરિત અને છપ્પન.
એ બહાર નીકળ્યા પછી મનોમન એકથી વીસ સુધીની ગણતરી માંડીને બીજી એક્ટિવ ટીમ બહાર નીકળી.
કેસી અને તેના ચાર આદમીઓ.
એમની પાછળ એટલું જ અંતર રાખીને તાન્શી અને ઝુઝાર નીકળ્યા અને સૌથી છેલ્લે નીકળી હિરન...
રસોડાના તંબુની સમાંતરે ઘાસની નરમ બિછાત વળોટવાની હતી અને સ્ટેજનો ચકરાવો મારીને પગથિયા ઉતરવાના હતા. બોરસલ્લી, પલાશ અને વડના ઘેઘુર વૃક્ષોથી છવાયેલા એ રસ્તા પર ત્રણેય ટીમ લપાતી-છૂપાતી આગળ વધી રહી હતી.
વદનો ચંદ્ર આકાશમાં સાવ ઝાંખો, મુરઝાયેલા ચહેરે વાદળ પાછળ શરમાઈ રહ્યો હતો અને પોતાલા પેલેસના વિરાટ ચોગાનમાં જાણે ભુતાવળ ધૂણી રહી હોય તેમ પવનમાં લહેરાતા પાંદડાંના ઓળા વિંઝાતા હતા.
૯૯૯ ઓરડા અને સેંકડો ભોંયરા ધરાવતા પહાડની ટોચે આવેલા પોતાલા પેલેસના સદીઓના ભવ્ય ઈતિહાસમાં એ રાત કાળરાત્રિ સાબિત થવાની હતી.
(ક્રમશઃ)