64 સમરહિલ - 4 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 4

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 4

'અહીં બીજું કંઈ ખાસ અત્યારે મળતું નથી એટલે આ ખાઈ લીધા વગર તારો આરો નથી...' બાથરૂમમાંથી એ બહાર આવ્યો ત્યારે તેની સામે ટુવાલ ધરતાં એ આદમીએ કહ્યું, 'ડબલ આમલેટ ખાઈને જરાક તાજો થા પછી આપણે ઘણી વાતો કરવાની છે...'

ટુવાલના છેડાથી મોં લૂછવાનો ડોળ કરીને છપ્પને ચહેરા પરનો ગભરાટ ઢાંકી દીધો. ત્રાંસી આંખે ફરીથી તેણે ઓરડાનું નીરિક્ષણ કર્યું. તેણે ઊઠાવેલી મૂર્તિ ખુરસીના પાયાના ટેકે આડી પડી હતી અને મૂર્તિમાંથી ઝાંખીપાંખી ઉપસતી સ્ત્રીની આકૃતિ તેની સામે બિહામણું સ્મિત વેરી રહી હતી.

કે પછી છપ્પનને એવું લાગતું હતું?

****

'યેડા સમજ રખા હૈ મેરે કો...??'

છપ્પન આમલેટ ખાઈને પરવાર્યો એ સાથે એ માણસના તેવર બદલાયા હતા.

'કોણ છે તું?' એવા પહેલાં સવાલના જવાબમાં છપ્પન કડકડાટ પોતાનો બધો જ બાયોડેટા બોલી ગયો હતો. પોલીસ ઈન્ટ્રોગેશનનો તેને કોઈ જાતઅનુભવ તો ન હતો પણ એટલી ખબર હતી કે પકડાયા પછી શક્ય તેટલું સાચું બોલવામાં વધારે ફાયદો રહે છે. વહેલી તકે તોડ કરીને છૂટી જવાના આશયથી એ પોતાની કુટુંબકથા કહેતો ગયો. એ આદમી સ્વસ્થતાપૂર્વક સાંભળતો રહ્યો. વચ્ચેવચ્ચે તેણે કેટલાંક સવાલો પણ કર્યા.

'શા માટે મૂર્તિ ચોરી?'

છપ્પન ઘડીક ખચકાયો. પરાણે દોસ્તાના સ્મિત વેરીને તેણે કહ્યું, 'આજકલ એન્ટિક મેં બહોત માલ હૈ... વધારે રૃપિયા મળતા હતા એટલે મૂર્તિઓ ઊઠાવવાનું શરૃ કર્યું.'

'કેટલીક મૂર્તિઓ ઊઠાવી છે અત્યાર સુધીમાં?'

છપ્પનને હજુ પણ તેના ચહેરાની રેખાઓ પરથી ખબર પડતી ન હતી કે તેના જવાબોની શું અસર થઈ રહી છે... તેણે ઊડાઉ જવાબ આપી દીધો, 'હિસાબ તો કતઈ નહિ રખ્ખૌ, લેકિન બહોત સારી...'

'ડિંડોરીના એ દેવાલયમાં તો અનેક મૂર્તિઓ હતી. તેં કેમ આ જ મૂર્તિ ઊઠાવી?'

છપ્પન ઘડીભર ચૂપ થઈ ગયો. આ સવાલ બહુ અણિયાળો હતો. સાચો જવાબ આપે તો દુબળીનો ય ઉલ્લેખ કરવો પડે અને તો...

તેણે મરિયલ સ્મિત વેરીને કહી દીધું, 'નિકાલની મેરે કો આસાન લગી તો...' તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં વીજળીની જેમ એ આદમીનો હાથ વિંઝાયો અને બંધ મુઠ્ઠીનો વજનદાર મુક્કો તેના જડબા પર ઝીંકાયો, 'યેડા સમજ રખા હૈ મેરે કો?? *** સમજતા હૈ મેરે કો?'

અત્યાર સુધીની બધી નરમાશને એક ઝાટકે ફગાવીને તેણે છપ્પનના વાળ ઝાલીને બીજી બે અડબોથ ઠોકી દીધી, 'ઈધર ક્યા મૈં તેરે કો *** લગતા હૈ? ગધા હું મૈં કિ તૂ જો કહેગા માન જાઉંગા?' છપ્પનને છાતી પર ઠોંસો મારીને તેણે ફરીથી ખુરસી પર ધકેલ્યો અને ટેબલ પર પાથરેલા છપ્પનના સામાનના અસબાબમાંથી ૬ બાય ૮ની સાઈઝના કેટલાંક ફોટા કાઢ્યા, 'યે ક્યા હૈ?'

'યહી મૂર્તિ કી હી તો હૈ...' છપ્પનના જડબામાં અસહ્ય લવકારા બોલતા હતા. મોંમાં ખારાશ ફેલાઈ રહી હતી. કદાચ અંદર લોહી નીકળતું હતું. સાલો દેખાવમાં જ ગોરોચીટ્ટો છે, બાકી હાથ ઉપાડે ત્યારે લઠૈત જેવો છે... જડબા પર હાથ દાબીને છપ્પને ખુરસીના પાયાને ટેકવેલી મૂર્તિ તરફ હાથ લંબાવીને કહ્યું, 'આ મૂર્તિના જ ફોટા છે...'

'એ તો મને ય દેખાય છે... ફોટા કોણે પાડયા?'

'મેં...' ચહેરાના હાવભાવ પર મહાપરાણે અંકુશ રાખીને તેણે સિફતપૂર્વક જુઠું બોલી નાંખ્યું, 'ચોરી કરતાં પહેલાં ખરાઈ માટે હું ફોટા પાડી લઉં. ઉ કા હૈ કિ માલ બેચને મેં ભી ઈસસે આસાની રહેતી હૈ ના...'

'અચ્છા? તો ફિર યે ક્યા હૈ?' તેણે ખુરસી નજીક ખસેડીને છપ્પનની આંખ સામે એક ફોટોગ્રાફ ધર્યો. છપ્પન ફોટોગ્રાફ સામે ધારીને જોઈ રહ્યો. પેન્સિલની સાવ ઝાંખી લાઈન વડે ફોટોગ્રાફમાં આડા-ઊભા લીટા કરેલા હતા. જે મૂર્તિ ચોરવાની હોય તેના કેટલાંક ફોટોગ્રાફ્સ દુબળી દર વખતે મોકલતો અને દરેક વખતે ફોટોગ્રાફ્સમાં આવા લીટા હોય.

એ લીટા શેના છે એની છપ્પનને ય ખબર ન હતી. એટલે એ વધુ મૂંઝાયો, 'ઉ તો બસ, યૂંહી...' હવે તેને ચહેરાના હાવભાવ સ્વસ્થ રાખવામાં તકલીફ પડતી હતી. માનસિક ભીંસ અને તીવ્ર તણાવ હેઠળ અચાનક જ તેની કિડની પેશાબનું દબાણ કરવા માંડી હતી, 'મૈંને ઐસે હી...'

થડ્.. થડ્.. થડ્...

તેને જરાક પણ અણસાર આવે એ પહેલાં તેના બેય ગાલ પર સટાસટ અડબોથ પડી ગઈ. દુઃખતી જગ્યાએ ફરીથી માર ખાઈને તેના મોંમાંથી હળવી ચીસ નીકળી ગઈ. પારાવાર દર્દ અને બેબસી હેઠળ તેની સહનશક્તિ હવે જવાબ દઈ રહી હતી. એ જેટલો અઠંગ ઊઠાઉગીર હતો એટલો જ મારનો કાયર હતો.

પોલીસના ઈન્ટ્રોગેશન, થર્ડ ડીગ્રી, તવા પર ફૂટતી ધાણીની જેમ ફેંકાતા સવાલો અને વીજળીને વેગે ઝિંકાતા હાથનો સામનો કરવા માટે અનુભવ એ જ સૌથી મોટો ગુરુ હોય છે. પોલીસનો માર ખાઈને રીઢા થયેલા ચોર બઠ્ઠા પડી જાય તોય મોં ન ખોલે પણ છપ્પન આયોજનમાં એવો એક્કો હતો કે આજ સુધી કદી પકડાવાની નોબત જ ન્હોતી આવી એટલે વિપરિત પરિસ્થિતિમાં સવાલોના મારા અને બરહેમ માર સામે ટકવાની તેની ક્ષમતા જ ન હતી. તેણે હાથ જોડી દીધા અને કાકલૂદીભર્યા સ્વરે ફરીથી જુઠાણાંનો જ આશરો લીધો, 'સા'બ, રહમ કરીયો... મૈં સચ કહેતા હું... ઉ સબ મૈંને વૈસે હી... બસ યૂંહી...'

તે બોલી રહે એ પહેલાં ફરીથી તેના પેટ પર એક લાત પડી. તાકાતભેર ઠોકાયેલી એ લાતના જોરથી એ ખુરસી સમેત ફંગોળાયો અને તેનું માથું લોખંડના પલંગની ધાર સાથે અથડાયું. બેવડા મારથી તેના મોંમાંથી ચીસ નીકળે એ પહેલાં અધમણના હથોડા જેવો ગંજાવર મુક્કો તેની પીઠ પર ઝીંકાયો એ સાથે ચીસ, દર્દ, ઉંહકારો અને કાકલૂદી એ બધું જ તેણે મોટા ઘળકા સાથે ભોંય પર ઓકી નાંખ્યું. અસહ્ય દર્દથી તેની આંખોમાંથી પાણીની ધાર થઈ રહી હતી. ઉલટીના ગંદા, ગંધાતા પ્રવાહીમાં લોહીના ડાઘ જોઈને તે વધુ ઘાંઘો બન્યો હતો.

'સચ સચ બતા...' એ આદમીના ચહેરા પર ખુન્નસની વિકૃતિ જોઈને તે ડઘાઈ ગયો. તેના હોલ્ડોલમાંથી તેણે બીજા આઠ-દસ ફોટા કાઢીને તેની સામે એક પછી એક ફેંકવા માંડયા, 'યે ક્યા હૈ? ક્યા હૈ યે સબ?'

'એ બધા અગાઉ ચોરેલી મૂર્તિઓના ફોટા છે...' જડબાની સુજન અને દર્દ હવે તેના અવાજમાં ય વર્તાતા હતા.

'ઔર સભી તસવીરેં તૂને હી ખીંચી હોગી ના?'

આ વખતે જૂઠું બોલવાની તેની તાકાત ન હતી. એ ચૂપ જ રહ્યો.

'ઔર યે સબ માર્કિંગ ભી તૂને હી કિયે હોંગે...'

હમણાં વળી અડબોથ ઝીંકાશે એવી આશંકાથી થરથર ધૂ્રજતો એ તેની સામે જોઈ રહ્યો. ક્યાંય સુધી તદ્દન મૌન વચ્ચે બંને એકમેકને ઘૂરકી રહ્યા. તેની નજરની ઉગ્રતા અને મક્કમતા પારખીને છેવટે છપ્પન હાર્યો, 'યે સબ ચોરી...' તેણે તદ્દન રડમસ થઈને ગળગળા અવાજે બે હાથ જોડી દીધા, 'અબ રહમ કિજિયે માલિક... મૈં સબ કુછ બતા રહા હું... આ બધી જ ચોરી મેં કોઈકના કહેવાથી કરી છે...'

આટલું કહીને એ ઘડીભર અટક્યો. તેની આંખોમાં ભય, ફફડાટ અને ખોફ પથરાઈ ચૂક્યા હતા. તેણે હાથથી ઈશારો કરીને પાણી માંગ્યું. બારીના ગોખલામાં પડેલા માટલામાંથી ગ્લાસ ભરીને એ આદમીએ તેને ધર્યો એટલે દર્દથી માંડ ખૂલેલા હોઠ વચ્ચે પ્યાલો મૂકીને તે એકશ્વાસે પાણી પી ગયો.

'કોણ છે એ માણસ?' છપ્પનને ખાતરી હતી કે હવે એ સાચું જ બોલશે તોય આ જવાબનો ભરોસો કોઈ કરવાનું નથી. તેણે ફૂંકીફૂંકીને વાત ઉખેળવા માંડી.

****

'આજ સે ઢાઈ સાલ પહેલે બસ્તર મેં એક આદમી અચાનક મુજે મિલને આયા. હું એને ઓળખતો ન હતો પણ એ સાલો મારા વિશે બધું જ જાણતો હતો. મૂર્તિઓ ચોરવાની મારી કાબેલિયત વિશે એ બરાબર હોમવર્ક કરીને આવ્યો હતો. અરે, મેં જ્યાંથી મૂર્તિ ચોરી હતી એવી કેટલીક જગ્યાએ જઈને તેણે ચોરી પછીના ફોટોગ્રાફ પણ પાડયા હતા અને મને બતાવ્યા હતા. તેણે મને કહ્યું, દેખ છપ્પન... આ રીતે તો તું ઢંગધડા વગરની મૂર્તિઓ ચોરે છે. પૂરતું જોખમ ઊઠાવે છે. પછી ગ્રાહક શોધવા રઝળે છે. ક્યારેક તને સારી કિંમત મળતી હશે પણ મોટાભાગે તો તારે પંદર-વીસ હજારમાં જ મૂર્તિઓ વેચી દેવી પડતી હશે, રાઈટ?'

તેનું હોમવર્ક બરાબર પાકું હતું. મેં હા પાડી.

'તારી આ બધી જ જફા બંધ. હવે તારે ફક્ત હું કહું એ જ મૂર્તિ ઊઠાવવાની. મૂર્તિ ક્યાં છે એ પણ હું તને શોધી આપીશ. તારે ફક્ત એ મૂર્તિ એક કાંકરી ય ન ખરે એ રીતે ઊઠાવીને મને આપી દેવાની. હું તને એક મૂર્તિ દીઠ એંશી હજાર રૃપિયા આપીશ.'

હું ચકિત થઈને તેની સામે જોઈ રહ્યો. તેની દલીલ બિલકુલ સાચી અને તેણે આપેલી ઓફર બહુ જ લોભામણી હતી. હું કંઈ મૂર્તિનો જાણકાર તો છું નહિ. પ્રાચીન મૂર્તિ વિશે હું મારી સમજણ મુજબ ક્યાંકથી માહિતી મેળવીને એ સ્થળનો સ્ટડી કરું. પછી લાગ જોઈને ઊઠાવી લઉં. એ પછી ગ્રાહક શોધવાની મારી રઝળપાટ શરૃ થાય. એ કામ બહુ જ માથાકૂટભર્યું અને તેમાં જોખમ પણ પારાવાર. ગ્રાહકના સ્વાંગમાં પોલીસ તો નથી ને તેનો ફડકો સતત રહ્યા કરે. ઘણી વાર ગ્રાહક મળે તો મૂર્તિ તેના કામની ન હોય. મૂર્તિનો પ્રકાર ગ્રાહકની જરૃરિયાત સાથે મેળ ખાય તો ગ્રાહક પણ ઉસ્તાદીમાં અમારો ય બાપ નીકળે. આખરે તો ચોરીનો માલ વેચીને છૂટા થવાની મને ય તાલાવેલી હોય. એ પારખીને ગ્રાહક ભંગારના ભાવે મૂર્તિ માંગે. એ હિસાબે વર્ષે દહાડે હું માંડ સાત-આઠ મૂર્તિ ચોરીને સાડા ત્રણ-ચાર લાખ રૃપિયા કમાઈ શકતો. તેની સામે

એ અજાણ્યો માણસ મહિને બેથી ત્રણ મૂર્તિ ઊઠાવવાનો મને ટાર્ગેટ આપતો હતો અને મૂર્તિ દીઠ એંશી હજારનું મહેનતાણું. મારે ન તો મૂર્તિ શોધવા ભટકવાનું હતું કે ન તો ગ્રાહક મેળવવા મથવાનું હતું. ભાવતાલની માથાકૂટ નહિ અને પકડાવાનું જોખમ પણ ઓછામાં ઓછું.

હું કંઈ ગધેડો ન હતો કે ના પાડી દઉં. મેં તેની ઓફર સ્વીકારી લીધી.

****

છપ્પન એકશ્વાસે બોલીને જરાક અટક્યો. એ આદમી ત્રાટક કરીને તેની સામે જોતો હતો. તેના ચહેરા પર અકળ ભાવ હતા. તેના વંકાયેલા હોઠ, તેની મોટી, ઘેરી આંખોમાં ઊઠીને અલોપ થઈ જતો કશોક ચમકારો... એ તેને તુચ્છકારથી જોતો હતો? તેની દયા ખાતો હતો? તેના પર શંકા કરતો હતો કે પછી...

'ઉસકો મિલને સે પહેલે તૂ ગધા હી થા...' એ આદમી ખુરસી પરથી ઊભો થયો. બારીની ધાર પર હાથ ટેકવીને સિગારેટ જલાવી છપ્પનને ધરી, '... ઔર ઉસસે મિલને કે બાદ ગધે કા ભી બાપ હૈ તૂ...'

'મતલબ?' છપ્પનને તેના બદલાયેલા તેવરથી હાશકારો તો થતો હતો છતાં તે સાવધ હતો.

'મતલબ કિ તૂ પૈદાઈશી *** હૈ... એક નંબર કા ગધા...' તે શું કહી રહ્યો હતો તેની છપ્પનને કશી ગતાગમ પડતી ન હતી. તેને ફક્ત એટલું સમજાતું હતું કે એ તેને પીટવાને બદલે હવે ગાળો દઈ રહ્યો હતો અને તેનો છપ્પનને કોઈ વાંધો ન હતો.

'જાનતા હૈ યે ક્યા હૈ?' તેણે છપ્પનની સામે ફરીથી એ ફોટોગ્રાફ ધર્યા. છપ્પને તેને ખુશ કરવા ચહેરા પર અઢી વરસના બાળક જેવું માસૂમ ભોળપણ ઓઢીને નનૈયો ભણી દીધો.

'યે સબ ૨-બી પેન્સિલ સે કિયે માર્કિંગ હૈ...' છપ્પનને હજુ ય તેની વાત બિલકુલ અધ્ધર જતી હતી છતાં તેણે ડોકું ધૂણાવવાનું ચાલુ રાખ્યું.

'ખબર છે એ શેનાં માર્કિંગ છે? મૂર્તિ ચોરવામાં તું માહેર છે પણ મૂર્તિને કદી ધ્યાનથી જુએ છે ખરો? એટલે જ કહું છું કે સાલા તું એક નંબરનો **** ગધેડો છે' તેણે પોતાની સિગારેટ જલાવી ઊંડો કશ લીધો અને ધૂમાડાનો ગોટ હવામાં છોડયો.

છપ્પનને લાગ્યું કદાચ તેના મનમાં ય કશીક ગડમથલ, કશીક કશ્મકશ ચાલી રહી હતી. તેણે નરમાશથી કહ્યું, 'દેખીયે સા'બ, મૈં તો થોડા-બ્હોત પઢા હું... પેશે સે ચોર હું... ચોરી કે અલાવા કુછ નહિ જાનતા... આપ બડે પુલિસ અફસર હૈ તો આપ સમજ સકતે હૈ કિ યે ક્યા હૈ... મૈં તો અપને કામ સે હી મતલબ...'

તેનું વાક્ય તેના મોંમાં જ રહી ગયું અને એ આદમી ઠહાકાભેર હસી પડયો, 'તુજે કિસને કહા મૈં પુલિસ અફસર હું? મૈં કોઈ પુલિસવાલા નહિ હું યાર...'

છપ્પનનું મોં ખૂલી ગયું અને તે ફાટી આંખે તેને જોઈ રહ્યો. તે પૂછી ન શક્યો પણ તેની આંખોમાં સ્પષ્ટ વંચાતું હતું... તો????

(ક્રમશઃ)