64 સમરહિલ - 8 Dhaivat Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

64 સમરહિલ - 8

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 8

બુકના કવર પર ત્વરિતનો ફોટો અને નામ જાણીને મગરના મોંમાં હાથ નાંખી દીધો હોય એમ છપ્પન છળી ઊઠયો હતો. આવા એક ભણેશરીના હાથે પોતે ઝડપાઈ ગયો? ઝડપાયો એટલું જ નહિ, એ પછી ય તેના આટલા દાવ નિષ્ફળ બનાવીને એ સાલો તેના પર હાવી થઈ રહ્યો છે? બાપ જીવતો હોત તો... ગૂંગાસિંઘ પોતાની આ બેવકૂફીથી કેટલો હતાશ થયો હોત તેની કલ્પનાથી ય છપ્પન ઓજપાઈ ગયો.

મિશનરી સ્કૂલના આઠ વર્ષમાં એ કાયમ સૌથી ઠોઠ ગણાતો. બહુ ભણનારા છોકરાં હંમેશા તેને વેદિયા લાગતા અને તેમના પર એ દાદાગીરી કરી ખાતો. દસમા ધોરણમાં હોંશિયાર છોકરાંઓને બિરદાવતા તેના ટિચર ચાર-પાંચ વાર 'ક્લેવર બોય્ઝ.. ક્લેવર બોય્ઝ' એવું બોલ્યા ત્યારે ગિન્નાયેલા છપ્પને બીજા દિવસે બોર્ડ પર લખી નાંખ્યું હતું, 'ક્લેવર ઈઝ ધ સ્લેવ એન્ડ સ્માર્ટર ઈઝ ધ કિંગ' અને પછીના દિવસે ટિચરે ક્લેવર ગણાવેલા દરેક સ્ટુડન્ટ્સના બેડ સહિતની તમામ ચીજવસ્તુઓ ચોરાઈ ગઈ હતી.

ત્યારથી, બાપ ગૂંગાસિંઘના ઉસૂલોનું સખ્તાઈથી પાલન કરતા છપ્પને પોતાનો ફક્ત એકમાત્ર ઉસૂલ રાખી જાણ્યો હતો... સ્માર્ટર ઈઝ ધ કિંગ!

- પણ આજે તેને એક એવો ક્લેવર ભટકાયો હતો જે સાલો તેની સરખામણી વધુ સ્માર્ટ, સ્માર્ટર સાબિત થતો હતો. ઉશ્કેરાટથી તેણે દાંત કચકચાવી નાંખ્યા. બેઉ ગન બહાર છે અને એ અંદર બાથરૃમમાં છે. સાલાને ટચકાવી જ દેવો જોઈએ...

ગન ભણી લંબાતા કદમને રોકીને તેણે હંમેશની આદત મુજબ આંખ મિંચી દીધી. કટોકટી વખતે બંધ આંખોની ભીતર બાપ ગૂંગાસિંઘનો ચહેરો નિહાળવાની તેને ટેવ હતી. બાપનો ચહેરો દેખાય પછી ગમે તેવું જોખમ લેતાં ય એ ખચકાતો ન હતો. તેણે આંખ મિંચેલી રાખી. ડોળા પર પોપચાંની વધુ ભીંસ દીધી. બાપના ચહેરાને બદલે તેને પેલા આદમીનો ચહેરો દેખાતો હતો. તેણે વધુ ઉગ્રતાથી આંખ ભીંસી. પણ હવે તો એ સાલો બોલી રહ્યો હતો...

એ તારો દુબળી સાલો તને ફક્ત ૮૦,૦૦૦ રૃપિયા આપે છે...

હું તને આ મૂર્તિના બે લાખ.. અરે, પાંચ લાખ અપાવું...

તને સાલા ભાન નથી કે તું શું ચોરી રહ્યો છે...

વી વીલ મેક અ ડીલ...

વી વીલ મેક અ ડીલ...

વી વીલ...

તેણે ઝાટકા સાથે આંખ ખોલી નાંખી. સાંકડા, થોડાક અંધારિયા, જર્જરિત ઓરડાની ભીતર તેને ભૂતાવળ નાચતી લાગતી હતી અને પલંગના પાયા પાસે ટેકવેલી એ મૂર્તિમાંથી કોઈ ઓરત પ્રગટીને છુટ્ટા વાળે માથું ધૂણાવતી કહી રહી હતી, વી વીલ મેક અ ડીલ...

અજાણ્યા ખોફ અને અપાર ઉત્સુકતાથી એ છળી રહ્યો હતો. ના, એમ નહિ. આ માણસનો ભેદ તો જાણવો જ રહ્યો. ફક્ત આ માણસનો જ નહિ, દુબળીનો પણ...

દુબળી સાલો જબ્બર ખેલાડી છે જ, નો ડાઉટ... એ મને ૮૦,૦૦૦ આપતો હોય તો તેને અનેક ગણી વધુ રકમ મળતી જ હોય એ તો છપ્પનને પહેલેથી સમજાતું હતું પણ આવી ઉપયોગી મૂર્તિ લોકેટ કરવી એ જ સૌથી વધુ અગત્યની વાત હતી. પોતાને ફક્ત ચોરી જ કરવાની હતી. મૂર્તિ શોધવી અને પછી વેચવી એ બેય જોખમ ટળી જતા હોય તો ભલે ને એ વધારે કમાય, પોતે ઓછા નફે બ્હોળો વેપાર કરતો જ હતો ને? છપ્પનનો એ તર્ક જોકે હવે હલબલવા લાગ્યો હતો.

ના, આ ત્વરિત કૌલ પણ મૂર્તિનો જાણકાર તો છે જ. એ શું ડીલ આપે છે એ તો જોવું જ રહ્યું. જો પોતે વધુ જોખમમાં મૂકાતો હશે તો આવા ભણેશરીને ચકમો દેવામાં ખાસ વાંધો નહિ આવે.

બાથરૃમનું બારણું ખખડયું એ સાથે છપ્પને ચહેરા પરના તમામ ભાવ સાફ કરી નાંખ્યા. બીજી ગન ક્યાં છે, હોલ્ડોલ ક્યાં છે અને પોતે ક્યાં ઊભો છે તેની મનોમન નોંધ લઈ લીધી.

એ બેફિકરાઈથી ખુલ્લા બદને માથા પર ટુવાલ ઘસી રહ્યો હતો ત્યારે તેને ચોંકાવી દેવા માટે છપ્પને લાગલું જ કહી દીધું, '.. તો મિ. ત્વરિત કૌલ, આપણે ક્યાં છીએ અત્યારે?'

છપ્પનને હતું કે એ સીધું જ તેનું નામ બોલશે એટલે એ ચોંકી જવાનો. એ કંઈક જવાબ વાળે એ પહેલાં જ પોતે વાક્ચાતુરી અજમાવીને આ જગ્યા મંદિર પાસેની જ હોવાનું ડિંડક ચલાવીને તેને બીજો આંચકો આપશે અને...

- પણ પેલાએ તો જાણે કોઈ ત્રીજા માણસનું નામ બોલાયું હોય તેમ ધ્યાન સુદ્ધાં ન આપ્યું એટલે જરાક વાર માટે ખસિયાણા પડી ગયેલા છપ્પને છાતીમાં આત્મવિશ્વાસ ભરીને ફરીથી કહ્યું, 'ઓહ સોરી, મિસ્ટર ને બદલે મારે કહેવું જોઈએ, પ્રોફેસર ડોક્ટર ત્વરિત કૌલ, રાઈટ?'

'તું ય યાર...' માથાના વાળમાં ટુવાલ ઘસતાં નમાવેલી ગરદને તોફાની સ્મિત વેરતા તેણે જવાબ વાળ્યો, 'મારૃં નામ જાણી ગયો એમાં તો જાણે અમેરિકાનું ડ્રોન વિમાન તોડી પાડયું હોય એવી સફ્ફાઈ ઠોકે છે... મારૃં નામ જાણીને તેં કંઈ મીર મારી લીધો છે?' ખુલ્લા બદને તે વધુ જાજરમાન લાગતો હતો. મજબૂત સ્નાયુઓ પર લપેટાયેલી ચરબીને લીધે તેનો બાંધો પુષ્ટ દેખાતો હતો. આર્કિયોલોજી જેવા મોળા વિષયનો નિષ્ણાત શરીરથી આવો ચુસ્ત અને દિમાગથી આવો ખેલાડી હોઈ શકે?

છપ્પનની આંખોમાં પ્રગટેલા કુતુહલને ઓલવી દેતાં તેણે ટુવાલ ખુરસી પર ફગાવ્યો અને સ્મિતભેર કહ્યું, 'આભ જ તોડી પાડવું હોય તો મારૃં નામ જાણવાને બદલે એ જાણ કે આ દરેક ફોટોગ્રાફ્સ પર અને તેં ચોરેલી આ મૂર્તિ પર આ આછા અને એક્યુરેટ માર્કિંગ શેના છે?'

'એ માર્કિંગ કંઈપણ હોય, મારે પહેલાં તો એ જાણવું છે તેં મને કેવી રીતે ઝડપ્યો અને આ મૂર્તિમાં તને શું રસ છે?' છપ્પન હવે મનોમન સ્વીકારી રહ્યો હતો કે હવે પોતે નમતું મૂકતો જશે... કમ સે કમ, બીજી તક ન મળે ત્યાં સુધી દેખાડો તો એવો જ કરશે.

'વેલ...' ચહેરા પર કશુંક ક્રિમ લગાવીને ભોંય પર ચોરસો પાથરતા તેણે કહ્યું, 'જો એમ પણ તને સંતોષ થતો હોય તો... લેટ મી ટેલ યુ...હું એક આર્કિયોલોજિસ્ટ છું. નવમી-દસમી સદીની મૂર્તિઓ અને અન્ય અવશેષો એ મારો અભ્યાસનો વિષય છે. ડિંડોરીનું દેવાલય ૭૦૦થી ૮૦૦ વર્ષ પૂરાણું છે અને અહીંની કેટલીક મૂર્તિઓ એથી ય વધુ જૂની, કદાચ હજાર વર્ષ જૂની છે...'

છપ્પનને કેવોક રસ પડે છે તે જોવા ઘડીક એ તેના ચહેરાને તાકી રહ્યો, 'મારા રિસર્ચનો હેતુ એવો છે કે જો મૂર્તિઓ મૂળ દેવાલયથી ય વધારે જૂની હોય તો એ કશેક અન્ય ઠેકાણેથી અહીં લાવવામાં આવી હોય. એ ઠેકાણું ક્યું હોઈ શકે, કેમ અહીં સ્થાનાંતર થઈ હશે, કોણ લાવ્યું હશે, અહીં ક્યારે લાવવામાં આવી હશે એ બધું પૂરાતત્વિય પૂરાવાઓ સાથે સાબિત કરવાનું મારું લક્ષ્ય છે'

'એમાં હું કેવી રીતે તારી આંખે ચડયો?'

'ડિંડોરીની આ મારી છઠ્ઠી મુલાકાત છે. હું સોળ દિવસથી અહીં રોકાયેલો છું. મૂર્તિઓની બનાવટ સમજવા માટે હંમેશની જેમ હું અત્યંત બારિક નમૂનાઓ લઈ રહ્યો હતો ત્યારે...' તેણે પલંગના પાયાને ટેકવેલી મૂર્તિ ઊઠાવીને છપ્પનની સામે ધરી, 'મેં જોયું કે આ મૂર્તિ પર અત્યંત ઝીણવટભર્યા માર્કિંગ થયેલા હતા.' છપ્પનને બરાબર ખ્યાલ આવે એ માટે તેણે માર્કિંગની સમાંતરે ટોર્ચનો શેરડો ફેરવ્યો. હવે છપ્પન પણ તાજુબ થતો હતો. મૂર્તિ ઊઠાવતી વખતે તેને સ્હેજપણ ખ્યાલ આવ્યો ન હતો એ સાવ આછા આડા-ઊભા ચેક્સ જેવા માર્કિંગ તેને વર્તાતા હતા.

'આ માર્કિંગ એ ખરેખર આર્કિયોલોજીકલ સ્કેલિંગ છે. મૂર્તિઓના શાસ્ત્રને, મૂર્તિના ભૌમિતિક આકારને તેના તમામ પ્રપોર્શનમાં માપવા-ચકાસવા માટે જ આવા સ્કેલિંગ થાય. આ મૂર્તિ પર સ્કેલિંગ થયું હતું મતલબ કે, મારા સિવાય આર્કિયોલોજી કે મૂર્તિનિર્માણનો બીજો કોઈ જાણકાર માણસ અહીં આવ્યો હોવો જોઈએ. માર્કિંગ બહુ આછા પડી ગયા હતા પરંતુ સાવ ભૂંસાયા ન હતા. મતલબ કે, વધુમાં વધુ પંદરેક દિવસ પહેલાં જ કોઈએ આ મૂર્તિનું સ્કેલિંગ કર્યું હોવું જોઈએ. મેં મંદિરના મહેતાજી અને પૂજારીને પૂછ્યું પણ તેમણે તો ચોખ્ખી ના પાડી. મેં મંદિરમાં નિયમિત આવતા બીજા લોકોને ય પૂછ્યું. રોડ પરના ઢાબાવાળાને ય પૂછી લીધું. બધા જ કહેતા હતા કે એવા કોઈ સાહેબ આવ્યા હોય કે મંદિરના એ પરિસરમાં તેમણે કોઈને લાંબા સમય માટે જોયા હોય એવો ખ્યાલ નથી. મારા માટે એ તાજુબી હતી.'

'મારી સૌથી મોટી મૂંઝવણ અને ઉત્સુકતા એ હતી કે મારા સિવાય કોઈ મારી જાણ બહાર અહીં રિસર્ચ કરી રહ્યું હતું? મારે એ જાણવું જ રહ્યું એટલે મેં મંદિરના એ વિસ્તાર પર નજર રાખવા માંડી. આ આખો વિસ્તાર નિર્જન છે. યાત્રાળુઓ સિવાય ભાગ્યે જ કોઈ અહીં આવતું હોય છે. યાત્રાળુઓને ય રોકાવા માટે ધર્મશાળા સિવાય બીજી કોઈ જોગવાઈ છે નહિ. એટલે અજાણ્યા માણસોની આવ-જા પર નજર રાખવાનું મારા માટે ખાસ મુશ્કેલ ન હતું.'

'મતલબ કે, હું ડિંડોરીમાં આવ્યો ત્યારથી તું મારી હાજરીની નોંધ લેતો હતો?'

'હા, પહેલા દિવસે તેં ખનીજ વિકાસ નિગમના અધિકારી તરીકે ખાણમાંથી મજૂરોને બોલાવીને જમીનનો સર્વે કરાવ્યો ત્યારે મેં તારા વિશે માહિતી મેળવી હતી. તું જે ગાડીમાં આવ્યો એ બોલેરો પણ મેં ચેક કરી લીધી હતી અને ધર્મશાળાના મહેતાજી પાસેથી આડકતરી રીતે તારી વિગતો ય મેં કઢાવી લીધી હતી. આર.એલ.સાહુ એવા નામથી તું ધર્મશાળાના ભોંયતળિયે રૃમ નંબર ૧૧માં ઉતર્યો હતો. પહેલે દિવસે બપોરે તેં ફક્ત કેળા ખાધા હતા અને એ પછી હંમેશા રૃમમાં જ તું જમવાનું મંગાવતો હતો. તારો હુલિયો, સ્ટાઈલ અને કામ કરવાની પદ્ધતિ જોઈને મેં તને સરકારી અધિકારી જ ધારી લીધો હતો અને તેં જરાક ભૂલ ન કરી હોત તો હું જ તને સામેથી મળવા આવ્યો હોત..'

'કઈ ભૂલ?' પોતે કોઈની આટલી નજરમાં હતો અને છતાં પોતાને ખ્યાલ સુદ્ધાં ન આવ્યો એથી છપ્પન મનોમન પોતાની જાતને કોસી રહ્યો હતો.

'તું ડિંડોરી આવ્યો એ જ સાંજે તેં મંદિરના એ પરિસરમાં આંટો માર્ય હતો. મંદિરની પાછળ ઝાડી-ઝાંખરા હોવાથી સાધારણ રીતે યાત્રાળુઓ ભાગ્યે જ એ જગ્યાએ જતાં હોય છે. છતાં મને લાગ્યું કે, તું કદાચ અમસ્તો પગ છૂટો કરવા લટાર મારી રહ્યો છે. એ વખતે મંદિરના એ પરિસર પાછળ એક મરેલું કૂતરું બે દિવસથી ભયાનક ગંધાતું હતું...' છપ્પનને યાદ આવ્યું... હા, એ દિવસે એ જગ્યાએ હવામાં સખત ગંધ ઘૂમરાતી હતી પણ લોકેશન જોયા વિના ચાલે તેમ ન હતું.

'હું રોજની માફક એ મૂર્તિઓની હાર પર નજર રાખતો હતો પણ એ વાસને લીધે મારાથી ત્યાં લાંબો સમય ઊભા રહેવાતું ન હતું. એ વખતે મેં તને જોયો. લટાર મારવાની તારી સ્ટાઈલ અને બેપરવાઈ જોઈને મને લાગ્યું કે તું અમસ્તો જ અહીં ફરી રહ્યો છે. બટ માય ડીયર...' તેણે છપ્પનની સામે જોઈને લુચ્ચાઈભર્યું સ્મિત વેર્યું, 'અમસ્તી લટાર મારવા નીકળેલો બીજો કોઈ માણસ આટલી ગંધ આવતી હોય એ જગ્યાએથી તરત પાછો ફરી જાય અને તું સાલા મૈસુરના ગાર્ડનમાં ગર્લફ્રેન્ડની કમરમાં હાથ નાખીને ફરવા નીકળ્યો હોય તેમ ટહેલતો હતો. બસ, એ તારી ભૂલ... મને ખાતરી થઈ ગઈ કે આટલે દૂરથી એ જગ્યા પર નજર રાખવા માટે મારે બબ્બે ગમછા મોં પર બાંધી રાખવા પડે છે એ જગ્યાએ જો તું પંદર મિનિટ સુધી આંટા મારતો રહે તો તું અમસ્તો લટાર મારવા નથી જ નીકળ્યો. એ વખતે તું તરત પાછો ફરી ગયો હોત તો મેં તને સરકારી અધિકારી જ ધાર્યો હોત...'

છપ્પન નીચું જોઈને ઊંડો નિશ્વાસ છોડી રહ્યો હતો. પોતાનાથી જરાક સરખી ય ચૂક રહી જાય, પોતે કોઈની નજરે ચડી જાય અને રંગે હાથ ઝડપાઈ જાય એ છપ્પનનું ગુમાન શી વાતે ય સાંખી શકે તેમ ન હતું. તેણે પોતાની નાલેશી છૂપાવવા વાત બદલવાની પેરવી કરી, 'તને કેમ એવું લાગે છે કે આ મૂર્તિ બહુ વિશિષ્ટ છે?'

ત્વરિત ઘડીક તેની સામે તાકી રહ્યો. પછી ટેબલ પરથી છપ્પનના સામાનમાંથી મળેલા ફોટા ઊઠાવ્યા. પલંગ પાસેથી એ મૂર્તિ પણ ઊઠાવી, 'આ દરેક ફોટોગ્રાફ અને પછી આ મૂર્તિ ધ્યાનથી જો...'

છપ્પને બારીકાઈથી જોવાની કોશિષ કરી, 'આ મૂર્તિ મેં ગોલકોંડાથી ઊઠાવી છે... આ બીજી મૂર્તિ મેં ગીરના જંગલમાંથી ચોરી હતી... આ ભેંસ જેવા કશાંક આકાર પર પગ ધરેલી મૂર્તિ તાંજોરની છે. એ સિવાય...' તેણે મૂંઝવણભર્યા ચહેરે ત્વરિતની સામે જોયું, 'મને કંઈ ખાસ સમજાતું નથી...'

'દુબળીએ તને મોકલેલા દરેક ફોટોગ્રાફ પર ચોક્કસ પ્રકારના માર્કિંગ દેખાય છે? હવે તેં ચોરેલી મૂર્તિ જો... એ મૂર્તિ પર પણ એવા જ પ્રકારના આછા માર્કિંગ દેખાય છે?'

'હા...' છપ્પને માર્કિંગ જોઈને ત્વરિતની સામે જોયું. તેની આંખોમાં વણબોલાયેલો સવાલ હતો, 'તો શું છે એ માર્કિંગનું?'

'આ માર્કિંગના આધારે મને સમજાય છે કે, એ માણસને આખા હિન્દુસ્તાનમાંથી ચોક્કસ પ્રકારની મૂર્તિઓમાં જ રસ છે. મને માનવામાં નથી આવતું પણ એ માણસ દેશભરમાં ફેલાયેલી કરોડો મૂર્તિઓ વચ્ચેથી આંગળીના વેઢે ગણાય એવી પોતાના કામની આવી મૂર્તિઓના ઠેકાણા ય જાણે છે...'

'પણ આ મૂર્તિમાં એવું છે શું?' હવે છપ્પનને તીવ્ર ખંજવાળની માફક ઉતાવળ કરડી રહી હતી.

તેણે દરેક ફોટોગ્રાફ છપ્પનના ખોળામાં ફગાવ્યા. ઊંડો શ્વાસ લીધો. માથું ધૂણાવ્યું અને પછી છપ્પનની આંખમાં આંખ પરોવીને કહી દીધું, 'આ દરેક મૂર્તિનો ડાબો હાથ જમણા હાથ કરતાં લાંબો છે...'

(ક્રમશઃ)