Mathabhare Natho - 20 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 20

માથાભારે નાથો 20
મીરાંરોડ પરની એક સોસાયટીમાં
આવેલા હાઇરાઈઝ બિલ્ડીંગના નવમાં માળે લીફટનું બારણું ખોલીને નાથો, રમેશ અને મગન જ્યારે બહાર નીકળ્યા ત્યારે ત્યાં ઉભેલો રાઘવ, રમેશને ભેટી પડ્યો.
રમેશથી અળગો થઈને એ નાથા એને મગનને પણ ભેટ્યો.પણ મગનનો પ્રતિસાદ ખૂબ જ ઠંડો હતો.
"અમને તો તું અમથો'ય ભેટી જ ગયો છો..એટલે ભેટ્યો ન હોત તો ચાલેત.." મગને હસીને કહ્યું.
"ના ભાઈ, હજી તમને લોકોને કોઈ ભેટયું નથી. તમે મારા દોસ્તો છો..
મને રમેશે કીધું'તું..તમે મારા માટે ઘણું કર્યું છે....અને હું રાઘવ છું...
તમને પસ્તાવો નહીં થવા દઉં.. આ મુંબઈ છે..અને ભગવાનની આપણા ઉપર ઘણી મહેરબાની થઈ છે.." રાઘવે ફ્લેટનો દરવાજો ખોલતા કહ્યું.
"એ તો દોસ્ત તરીકેની મારી ફરજ હતી..રાઘવ, તું રમેશનો દોસ્ત છો એટલે અમારો પણ દોસ્ત જ કહેવાય.."નાથાએ ફ્લેટમાં પ્રવેશતા કહ્યું.
સાવન પ્લાઝા નામની એ બિલ્ડીંગ
માં દરેક ફ્લોર પર ચાર ચાર ફ્લેટ હતા.રાઘવે ભાડે રાખેલો ફ્લેટ વન બી.એચ.કે. હતો, છતાં એનું ભાડું પ્રમાણમાં ઘણું હતું.રાઘવને જે પડીકું હાથ આવી ગયું એ મામુલી નહોતું. અઢળક રૂપિયાની કમાણી એ પડીકામાંથી થવાની હતી.અને રાઘવ જેવો ખેલાડી એ કરી શકે તેમ હતો.
ફ્લેટમાં ખાસ ફર્નિચર નહોતું. ડ્રોઈંગરૂમમાં પ્રવેશદ્વારની સામે જ મોટી બારી અને બાલ્કનીમાં જવાનો નાનો દરવાજો હતો. એ બારી પાસે એક સફેદ સન્માઈકો લગાડેલા ટોપવાળું ટેબલ અને બે ખુરશી પડ્યા હતાં. અને એ ટેબલથી બે ફૂટ ઊંચે એક લાબું બોક્સ લટકાવ્યું હતું.એ બોક્સમાં બે ટ્યુબલાઈટ હતી.જે ચાલુ કરો એટલે ટેબલ ઉપર પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ ફેંકાતો હતો. ટેબલ પર બ્લુરંગના મખમમલના કપડાથી મઢેલી બે ટ્રે, સ્ટીલના લાંબા ચિપિયા અને બહિર્ગોળ લેન્સથી મઢેલી એકદમ નાનકડી સ્ટીલની ત્રિપાઈ હતી. હીરા જોવા માટે આ સાધનો વપરાતા હતા. (જે લોકોએ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એ લોકોને આ વસ્તુઓનો પરિચય જલ્દી થઈ જશે. બાકીનાઓએ આવા સાધનો હશે એમ સમજી લેવાનું છે !!)
ડ્રોઈંગરૂમના પ્રવેશદ્વાર વાળી દીવાલે ચાર ફૂટ ચાલો એટલે કીચન અને બેડરૂમમાં જવાનો ગેપ હતો. કિચનમાં રસોઈ કરવા માટે પ્લેટફોર્મ હતું, જેની ઉપર એક ગેસ સ્ટવ પડ્યો હતો.અને નીચેના ખાનામાં ગેસનો બાટલો અને બીજા એક ખાનામાં તેલનો ડબ્બો પડ્યો હતો.
બેડરૂમમાં બે ગાદલા વાળીને મુક્યાં હતા. બેડરૂમમાં પણ એક બારી હતી જે સોસાયટીના અંદરના ભાગમાં પડતી હતી.
નાથાએ બુટ કાઢીને બાલ્કનીમાં જઈને નીચે જોયું.
''ઓહો...હો..અલ્યા આતો બહુ ઊંચું...બિલ્ડીંગ છે..હું તો કોઈ દિવસ આટલા ઉંચા બિલ્ડીંગમાં આવ્યો જ નથી..નીચે માણસો તો જો કેવા નાના નાના દેખાય છે.."
"બહુ ઊંચે જવું સારું નથી..નાથા..
એકવાર ઊંચે ચડો એટલે તમને બીજા માણસો નાના જ દેખાવા લાગે..માણસે ઊંચાઈ ઉપર જવા કરતા સાચી રીતે ઊંચો માણસ બને તો કોઈને પડીકા સાચવવાના વારા નો આવે..અને ઊંચાઈનો બીજો દુર્ગુણ ખબર છે ? જો પડ્યા તો સીધા જ 'ઉપર' પહોંચી જવાય.." મગને આકાશ તરફ આંગળી કરતા કહ્યું.
"હવે ઇ બધી ફિલોસોફી ઠોકમાં ને ભાઈ.." નાથાએ કહ્યું.અને રાઘવને પૂછ્યું.."અલ્યા ટોયલેટ ક્યાં છે ?"
કિચનમાં બેડરૂમનો દરવાજો પડતો હતો તેની બાજુમાં જ બાથરૂમ હતું. અને બાથરૂમમાં જ ઈંગ્લીશ ટોઈલેટ હતું. રાઘવ એ દરવાજો બતાવીને બોલ્યો,"તમે લોકો ફ્રેશ થાવ ત્યાં સુધીમાં હું નીચે જઈને નાસ્તો લઈ આવું.." એ નીચે ગયો અને નાથો બાથરૂમમાં ઘૂસ્યો.
બાથરૂમમાં ઘુસેલા નાથાએ જોયું કે ખૂણામાં એક વ્હાઈટ લંબગોળ પેટી જેવું કંઈક પડ્યું છે.અને એ પેટીને એવા જ ઢાંકણાથી ઢાંકવામાં આવી હતી.અને એ પેટી
થી થોડેક ઊંચે પ્લાસ્ટિકની સફેદ પેટી દીવાલ સાથે લગાવી હતી.એ પેટીમાંથી એક પાઇપ નીચેની લંબગોળ પેટીમાં જતો હતો.
'જવા' માટે ઉતાવળો થયેલો નાથો બાથરૂમમાં મુંજાયો.
"સાલું આમાં સંડાસ ક્યાં જવાનું ? આ તો બાથરૂમ લાગે છે..!" કહી એ બહાર નીકળ્યો.
"લે નાથા જટ કર..મને'ય લાગી છે.
શુ છે કે સવારે જલ્દી આવ્યા એટલે ઘેર બરોબર મેળ નહોતો પડ્યો.." મગને કહ્યું.
"પણ તારું ડોહુ..આ તો બાથરૂમ છે.. સંડાસ ક્યાં ?" નાથાએ કમર પર હાથ દબાવ્યા.રમેશ પેલા ટેબલ પર પડેલું ન્યૂઝપેપર લઈને ખુરશીમાં બેઠો હતો.એણે કહ્યું
"સિટીમાં ટોયલેટ અને બાથરૂમ સાથે જ હોય.."
"ઇ છાપું મૂકીને બતાવ તો..આમાં ક્યાં ખૂણામાં બેસવાનું છે ?" નાથાની તબિયત હવે બગડતી જતી હતી..
"એમાં બતાવવાનું શુ હોય..અંદર સંડાસ નથી ?" રમેશે કહ્યું.
"તું ઉભીનો થાને ભાઈ.. " મગન અને રમેશ પણ બાથરૂમમાં આવ્યા.
"આમાં સંડાસ ક્યાં છે ? સિટીનો દીકરો થાશ તો બતાવ... તારો ડોહો આ રાધવો સાલો કઈ રીતે જતો હશે આમાં..?" નાથાએ કહ્યું.
"સાલું ગજબ કહેવાય..ઓલી પેટી શાની છે..જો તો..જરા.." રમેશે ખૂણામાં લગાવેલું ઈંગ્લીશ ટોઈલેટ બતાવતા કહ્યું.
"હવે ઇ પેટીમાં કંઈ સંડાસ જવાનું ન હોય..હાલી શુ નીકળ્યો છો.."નાથાએ કહ્યું. મગન પણ નવાઈથી જોઈ રહ્યો હતો. આ પહેલા ત્રણેય મિત્રોએ ક્યારેય આવું ટોયલેટ જોયું નહોતું..!
રમેશે ટબ પરથી ઢાંકણું ઊંચું કર્યું. એ ઢાંકણા સાથે ટબની ધાર પર રાખેલી પિચકારી વાળી પહોળી રિંગ પણ એણે ઉંચી કરી લીધી હતી..
"હં.. અં.. અં.. જો આ ખાડામાં પાણી તો ભરેલું છે..એટલે આ જ સંડાસ હોવું જોઈએ એ પાક્કું છે.." રમેશે કહ્યું.
"પણ આમાં બેસવું કેવી રીતે..? આવડી અમથી પાળી ઉપર પગ કેમ રાખવા..? પગ છટક્યો હોય તો ચાલુ કાર્યક્રમે ગોથું જ ખાઈ જવાયને..પગ બહાર પગે તો વાંધો નહિ પણ અંદર પડે તો શું શું ધોવું એ નક્કી નહી..આવા તે કંઈ સંડાસ હોય..? ક્યાં ગયો ઓલ્યો રાધવો..કંઈ સમજાવતો ગયો હોત તો..હવે યાર પ્રેશર ખૂબ વધી ગયું છે.." નાથાએ કહ્યું.
"એમ ન હોય, નાથા..આમાં કંઈક વધુ સગવડ હોવી જોઈએ..મોટા શહેરમાં ટોયલેટ આવા જ હોય..
ઉભો રહે..આ નળ ખોલ તો કંઈક સમજ પડશે.." મગને ટોઇલેટની બાજુમાં રહેલા નળ બતાવ્યા..
એક મોટા નળ નીચે પડેલી નાની ડોલમાં ભરેલા પાણીમાં ટબ તરતું હતું.એ જોઈને નાથાએ કહ્યું
"ધોવાની વ્યવસ્થા તો એની એ જ છે..આપણા સંડાસમાં પણ આવી જ ડોલ અને ટબ હોય છે ને ! પણ જવાની વ્યવસ્થા આપણને ન ગમી..આ રીતે ઊંચે બેસીને કેવી રીતે બધું એકજેસ્ટ કરવું.."
"લગભગ આમાં એવું હશે કે જઈ રહ્યા પછી નીચે ઉતરીને ધોવાની હોય એમ બને..!" રમેશે પોતાનું જ્ઞાન રજૂ કર્યું.
"તારી જાતના..ઇ કેવી રીતે મેળ પડે..એવું ન હોય.."નાથો ખીજાયો.
"નાથા..તને લાગી છે, એમ મને પણ લાગેલી છે..! એમ રાડો પડવાથી પ્રશ્ન હલ નથી થવાનો...
આ કંઈ મશીન નથી કે આમાં ખબર ન પડે..થોડું વિચાર એટલે ખ્યાલ આવશે.." મગને કહ્યું.
"તો તું વિચારને..તારું મગજ તું સુરત મૂકીને આવ્યો છો ? જલ્દી કંઈક કરો નકર હું અહી છુટામાં જ બેસી જઈશ..પછી વિચારજો કે એ માલનો નિકાલ કેમ કરશો..એ જવાબદારી આ રમલાની અને ઓલ્યા રાઘવાની રહેશે..સાલ્લો કહેતો પણ ન ગયો કે આમાં કેમ જવાય..અમારે બાપગોતરમાં કોઈએ આવું સંડાસ ભાળ્યું નથી"
નાથો ખીજાયો હતો.
"પેલો નાનો નળ ખોલ તો.." મગને રમેશને નાનો નળ બતાવીને કહ્યું.
રમેશે એ નળ ખોલ્યો એટલે પેલી રિંગ સાથે ઉપર તરફ આવી ગયેલી પિચકારીમાંથી પાણી ની ધાર રમેશના મોં ઉપર છંટાઈ.
"અલ્યા..અલ્યા..ભારે કરી...રમલા એ રિંગ આડી પાડ તો..." મગને કહ્યું.રમેશે તરત જ એ રિંગ આડી પાડી. અને જલ્દી નળ બંધ કર્યો
"હં..અં....સમજ પડી..? આ પિચકારી અહીં પાછળ છે..એનો મતલબ કે આ ધોવાની વ્યવસ્થા છે..સમજ્યો નાથા..ચાલ પતાવ હવે.." મગને ઉકેલ શોધી કાઢ્યો.
"એમ કેમ પતાવવું..આ પ્લાસ્ટીક ઉપર ઉભડક કેમ બેસવું..પગ છટકે તો શું કરવું..? " નાથો હજુ અટવાતો હતો.
"લગભગ આમાં ઉભડક બેસવાનું નો હોય..પગ નીચે રાખીને ખુરશીમાં બેસીએ એમ બેસવાનું હોય..જો આમ..પિચકારી પણ બરાબર યોગ્ય જગ્યાએ જ પાણીનો ઘા કરશે.." રમેશને ખ્યાલ આવ્યો !
"ઠીક છે..હું ટ્રાય કરું છું..પણ આ પેટીનું કામ શુ હશે ?" નાથાએ પાણીની ટેન્કનું ઢાંકણું ખોલીને કહ્યું. એમાં ભરેલું પાણી જોઈને એ બોલ્યો.."લે..આલે આમાં તો પાણી ભર્યું છે..આ બટન શેનું છે..?" એમ કહી નાથાએ ટેન્કનું ફ્લશ બટન દબાવ્યું.એ સાથે જ ટોયલેટ ટબમાં પ્રેશર સાથે પાણીનો ધોધ છૂટ્યો..
ત્રણેય મિત્રો ખડખડાટ હસી પડ્યા. મગન અને રમેશ બહાર નીકળ્યા અને નાથાએ જીવનમાં પહેલીવાર ઈંગ્લીશ ટોઇલેટમાં 'જવા'નો અનુભવ લીધો.
થોડીવારે બહાર આવીને એ બોલ્યો.
"મગના...આ...સાલ્લુ જામી ગયું હો...આ સાલ્લા અંગ્રેજો આપણા કરતા બુદ્ધિશાળી તો ખરા જ હો..
જા..હવે તારે જવું હોય તો..મને તો પિચકારીનું કામ બહુ ગમ્યું..નળ ધીમો રાખજે નકર હોસ્પિટલમાં લઈ જવો પડશે.. શુ ફોર્સ છે સાલો
હાથ ન લગાવ તોય વાંધો નહીં.."
"એ તો છે જ...માનવજીવનની સુખાકારી માટે એ લોકોએ જે મગજ વાપર્યું છે એ બદલ એનો માનો એટલો આભાર ઓછો પડે..
બાકી આપડે તો લોટો લઈને વાડ જ શોધી..ભજન કીર્તન કરીને આવતો ભવ સુધારવા આ ભવની પણ પત્તર ઠોકી નાખી.. "મગન બાથરૂમમાં જતા જતા બોલ્યો.
"હા.. ભઈ.. હા..તારો અંગ્રેજ ઊંચો..પણ અત્યારે તું આવી પડેલા પ્રસંગને ઉકેલ મારા ભાઈ.."
નાથાએ હસીને કહ્યું.પછી રમેશને જોઈને બોલ્યો, "જે પિચકારીથી @#% ધોવાની હતી એ પિચકારીથી તેં મોઢું ધોયું..? સાલ્લા ડફોળ..આટલી પણ તને ભાન નથી પડતી ? મગનો નીકળે એટલે તારું ઝાડું સાબુ દઈને ધોઈ નાખજે..નકર હું તારી સામું નહીં જોઉં.."
"તારી જાતના નાથીયા...ઉભો રે
##@% ના....નાના છોકરાની જેમ રાડોરાડ થયો'તો.. ક્યાં જવું અને કેમ જવું..ગોતી દીધું એટલે હવે હુંશિયારી કરેછ..?" કહીને રમેશ નાથાને મારવા દોડ્યો.નાથો બચવા માટે રૂમમાં દોડ્યો.પણ રમેશે દોડીને એને જોરથી ધબ્બો માર્યો. અને કમરેથી એને પકડીને ઊંચક્યો.નાથાએ પગ દીવાલ સાથે ભરાવીને ધક્કો લગાવ્યો એટલે રમેશ ગબડયો.બન્ને નીચે પડ્યા. રમેશ નાથાને દબોચીને ઉપર ચડી ગયો.નાથાએ પગની આંટી રમેશના પગમાં લગાવીને હાથ વડે એને નીચે પાડવા બળ કરવા લાગ્યો...
ત્યાં જ રાઘવ નાસ્તો લઈને આવ્યો..
"અલ્યા કેમ બથોબથ આવ્યા છો ?" કહીને એ હસી પડ્યો.એને આવેલો જોઈને રમેશે નાથાને છોડતા કહ્યું.."રાધવો આવી ગયો..બાકી સાલ્લા તને ફરીથી પેન્ટમાં જ કરવી નાખેત..
"હવે જા જા....અમે'ય ભેંસનું ઘી દૂધ ખાધું છે.. કંઈ પાંવભાજી ખાઈને મોટા નથી થિયા,હમજ્યો"
બન્ને હસી પડ્યા.
મગન બહાર આવ્યો એટલે ત્રણેય નાસ્તો કરતા કરતાં ટોઇલેટની વાત કરતા કરતા ખૂબ હસ્યાં.
પછી હીરા બજારમાં રાઘવ સાથે ગયા.
** ** ** ** ** ** ** ** ** **
નરશી માધાને હોસ્પિટલમાંથી રજા આપી દીધા પછી પણ એને ઘણો સમય આરામ કરવો પડ્યો હતો. એણે જે હીરા ગુમાવ્યા હતા એને કારણે એના ધંધામાં ઘણી જ નુકશાની આવી હતી. તેમ છતાં એણે ખૂબ જ ઝડપથી રિકવરી મેળવવાનું શરૂ કર્યું હતું. રાઘવના બે મિત્રોએ રામા ભરવાડને બીવડાવીને રાઘવને છોડાવી લીધો હતો.ત્યારબાદ રાઘવ ગુમ થઈ ગયો હતો.એ ગામડે ચાલી ગયો એવા સમાચાર એણે મેળવ્યા હતા. અને રાઘવના બન્ને મિત્રો વિશે એણે જાણકારી મેળવવા રામા ભરવાડને કહ્યું હતું. પણ રામા ભરવાડને એ બન્નેની પોલીસમાં ઓળખાણ હોવાથી ડર લાગતો હતો. છતાં એ એટલું જાણી લાવ્યો હતો કે એ બે નહી પણ ત્રણ જણ છે, જેમાંથી બે જણ કોલેજમાં ભણવા જાય છે અને એક શિક્ષકની નોકરી કરે છે..
નરશીને એ લોકો પર ખૂબ દાઝ ચડી હતી.પોતાના કામમાં કોઈ દખલગીરી કરે એ એને બિલકુલ પસંદ આવતું નહીં. તે દિવસે બજારમાં અખલાઓ દોડ્યા હતા, એને કારણે એના ધંધામાં તકલીફ ઊભી થઈ હતી..
હીરાની કાચી રફમાં એની ખૂબ નજર પહોંચતી. એકવાર એના હાથ અને આંખ નીચેથી પસાર થયેલા હીરા એ ગમે ત્યારે ઓળખી જતો.એના પોતાના માલની એને પૂરેપૂરી માહિતી રહેતી. ક્યાં પેકેટમાં કેટલા અને કેવા કેવા હીરા છે એની આબાદ જાણકારી એ રાખી શકતો.પણ એકવાર કાચા હીરામાંથી તૈયાર માલ બની જાય પછી કોઈને ખ્યાલ આવી શકે નહીં.
મોટેભાગે એ રફની ખરીદી મુંબઈથી કરતો.અને એ પોતે જ ખરીદી કરવા મુંબઈ જતો. જે દિવસે રાઘવ અને નાથાની મંડળી મુંબઈ બજારમાં જઈને રાઘવની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે નરશી પણ એ જ પંચરત્ન ટાવરમાં ખરીદી કરવા આવવાનો હતો.
રાઘવે પોતાની પાસે જે માલ હતો એમાંથી એસોર્ટ કરીને અલગ અલગ પેકેટ્સ બનાવ્યા હતા.અને કેટલોક બીજો માલ પણ એમાં મિક્સ કર્યો હતો.અને દલાલને એ પેકેટ્સ વેચવા આપ્યા હતા.
રાઘવના પેકેટ્સ લઈને આવેલા દલાલ સવજી તાજે એ પેકેટ્સ એના જાણીતા વેપારી રમનલાલની ઓફિસે, સુરતથી આવેલા નરશીને બતાવ્યા. પેકેટના હીરા આઈ ગ્લાસ વડે જ્યારે નરશીએ જોયા ત્યારે એ હીરા જોઈને એ દંગ રહી ગયો હતો..એ હીરા જેવા જ હીરા એણે ગુમાવ્યા હતા.અને જેના પણ હાથમાં આવ્યા એણે ખૂબ ચાલાકીથી બીજો માલ મિક્સ કરીને નવી રફ બનાવી હતી, એ સમજતા નરશીની વાર ન લાગી.
"આ પાર્ટી કોણ છે ..?"નરશીએ આંગળીઓમાં હીરાને ફેરવી ફેરવીને, આઈ ગ્લાસમાં જોતા જોતા દલાલને પૂછ્યું. (અમારા કાઠિયાવાડી ભાઈઓ આ આઈ ગ્લાસને 'હાઈકલાસ' કહે છે )
"શુ યાર,નરશીભાઈ..તમે દુધથી મતલબ રાખોને..પાડા પાડીનું શુ કામ છે..? પાર્ટી હારે તમારે શુ લેવા દેવા..માલ ગમે તેનો હોય, તમારે હાલતો હોય એમ માંગોને ! પાર્ટીને પોસાશે તો રજા કરશે..."
"ઇ બધી મને ખબર છે..તું મને..મને
...નરશી માધાને શીખવાડીશ ? કે માલ કેવી રીતે લેવાય ઈ..? તને પૂછ્યું એનો જવાબ આપને ભાઈ"
નરશીએ ખિજાઇને કહ્યું. નરશી એક મોટો ખરીદદાર(બાયર) હતો.
મુંબઈના હીરા બજારમાં એનું નામ હતું..એને માલ બતાવવા વાળા દલાલોની લાઇન લાગતી.
માલ ખરીદતી વખતે એ માલ કોનો છે એ પૂછવાનો રિવાજ નહોતો. બે સગા ભાઈઓ હીરા બજારના માલની લે વેચ કરતા હોય તો એવું પણ બનતું કે નાના ભાઈનો માલ મોટોભાઈ દલાલ પાસેથી ખરીદે તો પણ એને ખબર ન પડતી કે આ માલ મારા ભાઈનો જ છે !! એટલે નરશીએ જ્યારે પાર્ટીનું નામ પૂછ્યું ત્યારે દલાલને નવાઈ લાગી.
"હું પાર્ટીને પૂછી જોઉં..જો એને વાંધો ન હોય તો તમને એનું નામ જણાવું..." દલાલે નિયમ પ્રમાણે કહ્યું.
" પાર્ટીને પૂછ્યા વગર નામ કહે અને એની પાંહે, આવો જેટલો માલ હોય એ બધો જ હું ખરીદી લઈશ અને તને દલાલી ડબલ આપું..બોલ.." નરશીએ પેલાને લાલચ આપી. કારણ કે જે હીરા એ જોઈ રહ્યો હતો એ હીરા એના, મગનના હાથમાં આવી ગયેલા પર્સમાં હતા. એ હીરા એના પોતાના જ હતા..પણ આજે પોતાનો જ માલ એને માર્કેટમાંથી ડબલ દલાલી આપીને ખરીદવો પડી રહ્યો હતો.
પણ એમાં રહેલી ચાલને એ દલાલ સમજી શકે તેમ નહોતો. પણ એ ડબલ દલાલીની લાલચમાં ન આવ્યો.
" જુઓ શેઠ, તમારી જેવા મોટા લોકો નિયમ વિરુદ્ધની વાત કરે એ સારું ન કે'વાય..તમે ત્રણ ગણી દલાલી આપો તોય હું પાર્ટીને પૂછ્યા વગર એનું નામ તમને આપી શકું નહી.''દલાલે નરમાશથી કહ્યું.
નરશીએ આઈ ગ્લાસમાંથી નજર હટાવીને દલાલ સામે જોયું.
"તને ખબર છે ને હું કોણ છું ? આ બજારમાં દલાલી કરવાની છે ને ? તું બહુ પ્રમાણિકતાનો દીકરો થયા વગર આ માલ ક્યાંથી લાવ્યો એ ભસી નાખ,મને નિયમ ન શીખવાડ
..પાર્ટીનું નામ જાણવાનું કંઈક કારણ હોય..તું મારા મોઢામાં આંગળા નાખીને બોલાવીશ નહીં..
સમજ્યો..? સાંભળવું છે તારે..?"
નરશીએ ખિજાઇને કહ્યું.
"સોરી..શેઠ..હીરા બજાર કોઈના બાપની નથી..હું આ બજારમાં જ દલાલી કરતા શીખ્યો છું.. નિયમ વિરુદ્ધ કામ કરીને મારી ઈજ્જત નથી ખોવી..અમે ભલે દલાલ હોવી
..પણ તમારી જેમ..."
દલાલને અટકાવતા નરશીએ રાડ પાડી..
"બસ..બસ..બહુ થયું..હરિશ્ચંદ્રની ઓલાદ...તારે સાંભળવું જ હોય તો સાંભળ..આ ચોરીનો માલ છે..
આમાં મારા જ હીરા છે..તને તો ખબર જ છે ને હું મારા હીરા ઓળખી જાઉં છું...હવે બોલ, કોની પાસેથી તું આ પેકેટ લાવ્યો છો ? કે પછી સાઈડમાં ચોરીનો માલ લઈને વેચવાનો ધંધો પણ ચાલુ કર્યો છે.." નરશીએ મોટેથી ખિજાઇને કહ્યું.રમણ અને તેના કારીગરો એની સામે જોઈ રહ્યા.
પેલો દલાલ પણ એમ નરશીના ઊંચા અવાજથી ડરી જાય એવો નહોતો.
"જો ભાઈ, નરશી માધા..પેલી વાત તો ઈ કે આ સુરત નથી...મુંબઈ છે
તારી ભક્તિ સુરતમાં ચાલતી હશે,
અને એમ જોરથી રાડયું પાડયે તારી વાત સાચી નહીં થઈ જાય
સમજ્યો ? લાવ એ પેકેટ..નથી વેચવું મારે..અને તું શું મને ના પાડવાનો હતો..જા..હું તને ના પાડું છું...નિયમ પ્રમાણે જો પાર્ટી હવે એનું નામ અપવાની હા પાડે તોય તને તો નથી જ વેચવાના હવે..
તું બહુ મોટો ખેરખાં હોય તો તારા સુરતમાં હશો..અહીં અવાજ નીચો રાખવાનો સમજ્યો ? ચલ હટ.." એમ કહીને પેલાએ એનું પેકેટ લેવા માટે હાથ લાંબો કર્યો.
સવજી પણ સૌરાષ્ટ્રનો જ હતો.
એ હમેંશા તાજ સિગારેટ પીતો...
( ધૂમ્રપાન કરવું એ તબિયત માટે હાનિકર્તા છે, એનાથી કેન્સર જેવા રોગો થઈ શકે છે, તમારો જીવ પણ જઈ શકે છે)
એટલે એનું નામ સવજી તાજ પડી ગયું હતું. [ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા મોટાભાગના લોકોના આવા નામ હોય છે..હું તમને એક બે ઉદાહરણ આપીશ..
વલ્લભ ટોપી..(ટોપી પહેરતા હોવાથી) વલ્લભ તતડ(બોલવામાં હકલાતા હોવાથી- બહુ જ મોટા ઉધોગપતિ કિરણ એક્સપોર્ટ વાળા)]
સવજી તાજ ડરે એવો આદમી નહોતો. પણ નરશીએ પોતાનો જે ખુબ મહત્વનો માલ હતો એ પૈકીના હીરા આ માલમાં જોયા હતા.એટલે એ પણ છોડવા માંગતો ન્હોતો. એણે પેકેટ બંધ કર્યું. અને ખીસામાં મૂક્યું.
" સવજી તાજ..કોઈ વાંધો નહીં... તારી વાત સાચી છે..આ માલમાં મારા ચોરાયેલા હીરા છે..એટલે હું એ જાણવા માંગતો હતો..આપણા ધંધા માટે આ બહુ ખરાબ કે'વાય કે લોકો આપણા જ હીરા ચોરીને આપણને વેચે છે.. છતાં તું નામ ન કહેવાનો હોય તો વાંધો નહીં.. આ પેકેટ હું ખરીદવા તૈયાર છું..તારી પાર્ટીને કે'જે પૈસા પંદર દિવસ પછી મળશે.."
"એ નહીં બને..આ ભાવ રોકડાનો છે..નરશી તું એ પેકેટ મને પાછું આપ..મારે તારી સાથે વેપાર નથી કરવો..મને આવા માણસો પસંદ નથી..મારી પાર્ટી કોઈ ચોરી કરીને આવતા કારીગરો નથી..એના માલને ચોરીનો માલ કહેનારને હું માલ વેચી શકું નહીં..લાવ પેકેટ પાછું આપ.." સવજી હવે જીદે ચડયો હતો. કારણ કે એ પેકેટ રાઘવે એને આપ્યું હતું અને રાઘવ, હીરા ઉદ્યોગની જાણીતી કંપની, સંઘવી બ્રધર્સની ઓફિસમાં બેસતો હતો..અને એ કંપનીનું કામ પણ કરતો હતો. એટલે સંઘવી બ્રધર્સના માલને ચોરાઉ કહેનાર અને પાછો ધમકી મારનાર નરશી ઉપર એને ખૂબ ગુસ્સો આવ્યો હતો.અને નરશી પોતાના હીરા ઓળખી જાય છે એ વાત માનવા એ તૈયાર નહોતો. એણે નરશીની આવી આવડત વિશે વાત તો સાંભળી હતી, પણ એ માનતો નહોતો.આપણે માણસોના ચહેરા ભૂલી જતા હોઈએ તો એ વળી હીરા કઈ રીતે યાદ રાખી શકે..એમ એ માનતો.
"હું એકવાર જે માલ ખરીદી લઉં છું એ પાછો આપતો નથી..ચાલ રોકડાનો માલ હોય તો હું રોકડા આપવા તૈયાર છું..પણ પેકેટ પાછું નહીં આપું.." નરશીએ કહ્યું.
"પણ હવે મારે તને એ માલ જ વેચવો નથી ને ! તું ભાવ કરતા વધુ આપ તો પણ નથી આપવો...તેં હમણાં મને ધમકી આપી હતી કે આ બજારમાં દલાલી કરવી છે ને ! તો હવે હું જોવા માગું છું કે તું કેવો મને અટકાવે છે..તારી નજર સામે જ આ માલ બીજાને વેચી બતાવું"
"ભલે વાંધો નહીં.. તું તારી રીતે સાચો હઈશ..હું મારી રીતે સાચો છું..તારે જોવું જ હોય તો જોઈ લે જે..ભલે તું આટલો પાવર ઠોકે છે પણ સવજી એક દિવસ મારી ઓફિસે તારે હીરા લેવા કરગરવું નો પડે તો મારું નામ નરશી માધા નહીં.. આલે..તારું પેકેટ @#$ના હું તને જોઈ લઈશ.." નરશીએ પેકેટનો ઘા કરીને સવજીને ગાળ દીધી..એ ગાળ સાંભળીને સવજી
ના ગુસ્સાનો પાર રહ્યો નહીં..
"ગાળ કેમ દે છે ? મને'ય ગાળ બોલતા આવડે છે.. હાળા હીરા લેવા આવ્યો છો કે રીંગણાં......
@#$&ના...તારી.. માં@#!#.."
દલાલ સવજી વિફર્યો હતો.
નરશી હીરા બજારમાં એના મિત્ર રમણની ઓફિસમાં ટેબલની પાછળ ખુરશી પર બેઠો હતો અને સવજી સામે ઉભો હતો.એ ઓફિસમાં મોટા ટેબલ ફરતે હીરાનું એસોર્ટ કરતા કારીગરો પણ બેઠા હતા.
આ બબાલ જોઈને નરશીના મિત્રે કહ્યું.."જાવા દે ને ભાઈ..સવજી તું તારું પેકેટ લઈને જા ભાઈ..અને નરશી તું પણ શાંતી રાખ..ક્યારના બન્ને માથાકુટ કરો છો એ યોગ્ય નથી.. આ કરવુ હોય તો રોડ પર જાવ.."
સવજી એનું પેકેટ લઈને, નરશી સામે ડોળા કાઢતો કાઢતો ચાલ્યો ગયો.એ ગયો પછી નરશીના મિત્રે કહ્યું, " યાર,તારે સવજીને ગાળ નહોતી દેવી..એ સંઘવીનું પેકેટ હતું, ત્યાંથી કોઈ દિવસ ચોરીનો માલ ન આવે..."
"તને ખબર નથી..મહિધરપુરમાં મને ખૂંટિયાઓએ પછાડ્યો હતો, એ વખતે મારી પાસે બહુ મોટી કિંમતનો માલ હતો..મેં બાઈકના હેન્ડલમાં એ પર્સ ભરાવ્યું હતું..એ પર્સ કોઈકના હાથમાં આવી ગયું હતું..હું તો બેભાન થઈ ગયો હતો, એ પર્સમાં મારી કાચી રફ હતી એ જ રફના હીરા આ સવલો @#$નો જે પેકેટ લાવ્યો'તો એમાં હતા..હું મારા હીરા નો ઓળખું ?
યાર..લાંબી ટૂંકી નુકશાની છે મારે..
નકર મને'ય ખબર છે..આપણે શું કામ પાર્ટીનું નામ પૂછવું પડે..હું કંઈ પહેલીવાર તો નથી આવ્યો ને ? આ પહેલા મેં કોઈ દિવસ કોઈ દલાલને એની પાર્ટીનું નામ પૂછ્યું છે ?" નરશીએ નિરાશ થઈને કહ્યું.
નરશીની વાત સાંભળીને રમણ પણ વિચારમાં પડી ગયો. એણે તરત જ સામે બેઠેલા એક કારીગરને કહ્યું, "યોગેશ, તું જા....
પેલા સવજીનો પીછો કર..એ ક્યાં જાય છે અને કોને માલ વેચે છે એ ધ્યાન રાખ."
રમણનો એ કારીગર ગયો એટલે નરશીએ કહ્યું, "આ પેકેટ જો સંઘવીમાંથી આવ્યું હોય તો એનો મતલબ એ થયો કે મારો માલ કોઈએ સંઘવીને વેચ્યો હોય..અને તો હજી એ માલના બીજા પેકેટ સંઘવીમાંથી મળે..ચાલ હું ત્યાં જ જઉં..મને સંઘવી શેઠ ઓળખે જ છે...''
"હા..એ બરાબર..તું ત્યાં આંટો મારતો આવ.. પછી જમવા જઈએ.." રમણે કહ્યું.
નરશી ત્યાંથી નીકળીને પંચરત્ન ટાવરમાં આવેલી સંઘવી બ્રધર્સની ઓફિસે જવા નીકળ્યો ત્યારે રાઘવ, નાથાની મંડળી સાથે પંચરત્ન ટાવરમાં જ સંઘવી બ્રધર્સ
ની જ બીજી ઓફિસમાં બેઠો હતો. શેઠે રાઘવની આવડત પારખીને પોતાનું કેટલુંક કામ એને સોંપ્યું હતું. રાઘવ, એ કામ પુરી પ્રામાણિકતાથી કરતો હતો અને પોતાનો કેટલોક માલ એણે દલાલોને વેચવા આપ્યો હતો.
"હવે પેટમાં બિલાડા બોલે છે..હો
રાઘવ..અમે કંઈ હીરા જોવા મુંબઈ નથી આવ્યા..તું અમને બહાર ફરવા લઈ જવાનો છો કે અહીંયા જ ઘાલી રાખવાનો છો.?"
નાથો, મગન અને રમેશ ઓફિસના સોફામાં લાંબા થઈને પડ્યા હતા.
"હમણાં જઈએ..હોટલમાં.. પંજાબી ખાવા..પછી રૂમપર જઈને આરામ કરીએ..રાત્રે પિક્ચર જોવા જઈશું અને કાલે તમને મુંબઈ દર્શન કરવી દઉં..બસ, મોજ કરોને યાર.." રાઘવે કહ્યું.
પણ એ વખતે રાઘવને ખ્યાલ નહોતો કે હોટલમાં જ નરશીનો ભેટો થઈ જવાનો હતો...!!






બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED