માથાભારે નાથો - 4 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માથાભારે નાથો - 4

માથાભારે નાથો [4]
સવારે મગન ઉઠ્યો ત્યારે રમેશ એની સ્કૂલે જતો રહ્યો હતો. પણ જેન્તી તૈયાર થઈને બેઠો હતો.
"હાલ ભાઈ મગન, મારી હારે મારા કારખાને. મારા શેઠને કહીને હું તને હીરા શીખવાડીશ. તું અડધો વારો (દિવસ) ભણવા જાજે અને અડધો વારો હીરા ઘંહજે..બે ત્રણ હજારનું કામ તો તું કરીશ જ. એટલે તારે તકલીફ નઈ પડે, અને અમારી હારે આયાં રે'જે તું તારે.."
અભણ હીરાઘસુ જેન્તીએ કહ્યું ત્યારે મગનને એ જેન્તી પોતાના ભાઈ જેવો લાગ્યો. અને મગન જેન્તી સાથે હીરા શીખવા ઉપડી ગયો.
** * * * * * * * * * * * * * * *
નાથો જે દિવસે રમેશની રૂમ પર આવ્યો ત્યારે મગન હીરા શીખી ગયો હતો. હોંશીયાર મગન માત્ર સાત જ દિવસમાં હીરા ઘસતા શીખી ગયો એ જોઈને જેન્તીના આનંદનો પાર રહ્યો નહીં. જે કામ શીખતા છ છ મહિના લાગે તે કામ માત્ર સાત જ દિવસમાં પરફેક્ટ શીખી જઈને મગને કામ સંભાળી લીધું.હજુ કોલેજ ચાલુ થઈ નહોતી એટલે આખો દિવસ એ કામ કરતો.દરરોજના દસ બાર હીરા ખૂબ સરસ રીતે એ તૈયાર કરી નાખતો.હીરાને સુંદર બનવા માટે સરણ ઉપર ઘસાવું પડતું અને ત્યારબાદ એની ઉપર સુંદર પેલ પાડવા માટે એને અવળો સવળો અંગુર કટોરામાં પકડીને ખૂબ જ ઘસવામાં આવતો.અનેક પ્રકારની યાતનાઓને અંતે એ કિંમતી રત્ન બનતું હતું.
"માણસને પણ રત્ન બનવા માટે કેટલીય યાતનાઓ સહન કરવી જ પડે છે, કોઈ સીધેસીધું ઉત્તમ બની જતું નથી..મારી જિંદગીમાં પણ મારી ભાભીઓ સરણ બનીને આવી અને મને આ માર્ગે ચડાવ્યો. જીવનમાં બે પૈસા નહીં કમાઉ તો કોઈ જ કિંમત નથી." નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ" એ ઉક્તિ મગનને સાંભરી આવી. એ સાથે જ એને પોતાનો દોસ્ત નાથો યાદ આવ્યો. જો નાથો મારી સાથે હોય તો મઝા આવી જાય !
મગને લખેલો પત્ર વાંચીને નાથો પણ આવી ચડ્યો. રાત્રે રમેશની રૂમ પર જ્યારે મગન અને જેન્તી આવ્યા ત્યારે નાથાને આવેલો જોઈને મગન રાજીના રેડ થઈ ગયો. નાથો ઉભો થઈને મગનને ગળે વળગ્યો.
"લે...નાથા તું આવી ગયો ? બહુ સારું કર્યું દોસ્ત. તું ક્યારે આવ્યો..?" મગને નાથાને અળગો કરીને પૂછ્યું.
નાથાએ દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓ કહી. કોલેજમાં પેલી જાડી છોકરીનો પગ કચડયો અને બસમાં એક માજીને પણ પગ કચરીને પેલા બે જણને ઠોકારીને આવેલો નાથો કાંતા અને શાંતાની ચુંગાલમાં કેવો ફસાયો એ વાત કરતી વખતે ચારેય જણ ખખડી પડ્યા.
"નાથા, સુરતમાં ગાયું અને બાયુંનો ખુબ ત્રાસ છે યાર..સાલી આ કાંતુડી બહુ માથાભારે છે..." મગને નાથાને ધબ્બો મારીને કહ્યું.
"કંઈ વાંધો નહિ યાર, એ બિચારીએ કચરું પોતું કરીને ચોખ્ખી કરેલી ગેલેરીમાં મેં પગલાં પાડ્યા એટલે ખીજાય તો ખરી જ ને...મારો જ વાંક હતો મારે આવા ગોબરા જોડા હાથમાં લઈ લેવા જોઈતા હતા.."
જેન્તી મકાનમાલિકના ઘેર જ જમતો હોવાથી એ જમવા ચાલ્યો ગયો અને નાથો, મગન અને રમેશ ત્રણેય, રમેશ જ્યાં જમવા જતો હતો એ ભાઈના ઘેર જમવા ગયા.
સુરતમાં ઘણા લોકો પોતાના ઘેર જમવાવાળા રાખતા. જે વ્યક્તિને હીરામાં ખાસ કામ ન થતું હોય અને રૂમ શરૂ કરી હોય (રૂમ શરૂ કરવાનો અર્થ એવો કે પરણેલા કારીગરો પોતાની પત્નીને સાથે લાવીને કોઈ નાની રૂમ ભાડે રાખીને પોતાનો નાનકડો સંસાર શરૂ કરે તે )એ લોકો ખર્ચને પહોંચી વળવા આવી હોમ લોજ ચાલુ કરતા, અને જે લોકોને જમવાની વ્યવસ્થા ન હોય એ લોકોની સગવડ સચવાઈ જતી...
* * * * * * * * * * * * *
આજ કોલેજનો પહેલો જ દિવસ હતો.દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના અનુસ્નાતક વિભાગમાં એમ. કોમ.ના વર્ગો શરૂ થવાના હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ એમ.કોમ. એક્સટર્નલ કરતા.પણ નાથો અને મગન રેગ્યુલર કોલેજ કરવા ઇચ્છતા હતાં. વરાછારોડથી દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ( હવે તેનું નામ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી VNSGU થઈ ગયું છે) ખાસ્સી દૂર હતી.સિટિબસમાં જ બન્નેને આવવું ફરજીયાત હતું અને સીટી બસની પરિસ્થિતિ આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ છે.
કોલેજનો સમય સવારે અગિયાર વાગ્યાનો હોઈ મગન અને નાથો દસ વાગ્યે નીકળ્યા.રિક્ષામાં સ્ટેશન આવીને સીટીબસ ના સ્ટેન્ડ પર બન્ને ઉભા રહ્યા.
"મગન, સીટીબસમાં ચડવું બવ અઘરું છે હો..તું ધ્યાન રાખજે કોક પાકીટ મારી જશે.."નાથાએ આગળનો અનુભવ જણાવ્યો.
''શુ ભલા માણસ તું વાત કરે છે ! આપણી ઉપર લક્ષમીજી પહેલેથી જ મહેરબાન છે, એટલે પાકીટ રાખવાની નોબત જ નથી આવી યાર " મગને હસીને કહ્યું.
બસની રાહમાં એ બન્ને સીટી બસના સ્ટેન્ડ પર ઉભા હતા. એ વખતે એક સુંદર યુવતી ત્યાં આવીને ઉભી રહી. ચહેરા પર પાવડર અને હોઠ પર લાલી અને આંખ પર ગોગલ્સ ! પીળા ટીશર્ટમાં એની યુવાનીનો ઉભાર એની સુંદરતામાં ઉમેરો કરી રહ્યો હતો.જીન્સ અને ઊંચી એડીના ચપ્પલ એની હાઈટમાં પણ વધારો કરતી હતી.
મગન અને નાથો બન્ને થોડીવાર એને જોઈ રહ્યા.પેલીએ, ઉભા અને ચપ્પટ વાળ ઓળીને ઇનશર્ટ કર્યા વગરનો શર્ટ અને નીચે સાદું પેન્ટ અને ચામડાના બુટ પહેરીને ઉભેલા નાથા સામે ગોગલ્સની આરપાર જરા તીરસ્કારથી જોયું.અને નાથાની બાજુમાં જ ઉભેલા અને નાથાને પણ સારો કહેવડાવે એવો મગન લાંબો શર્ટ અને ખુલતું પેન્ટ અને પગમાં સ્લીપર ધારણ કરીને ઉભો હતો.
બન્નેને એક નજરમાં આવરી લઈ એ યુવતીએ રોડ પરના ટ્રાફિક તરફ જોઈને એના કાંડા પર બાંધેલી રિસ્ટવોચમાં ટાઈમ જોયો.એના ખભે સુંદર પર્સ લટકતું હતું અને એક હાથમાં નાની પણ રંગબેરંગી છત્રી રમતી હતી..
"માલ સારો છે.." નાથાએ હોઠ ઉપર જીભ ફેરવતા હળવેથી મગનને કહ્યું.
" મોટા ઘરનું બગડેલું બટાટું લાગે છે, દેખાય છે એવું લાગતું નથી. મોઢા ઉપર જોને સેંથકનો (વધુ પડતો) પાવડર સોપડ્યો છે..આપડા કામનું નથી.." મગને કહ્યું.
''પણ સાવ નાખી દીધા જેવું'ય નથી..કોણ જાણે ક્યાંથી આવ્યું હશે..કદાચ કોલેજ બોલેજ જાતુ હોય.આપડી હારે બસમાં ચડે તો પરચો બતાવીએ.." નાથો હવે રસ લેવા માંડ્યો.
"નાથીયા.. આ બધી આપડને ઘોળીને પી જાય એવી હોય યાર..અમદાવાદમાં ત્રણ વરહમાં આપડે કોઈની સામું'ય ક્યાં જોયું છે યાર,આ છોકરી એના કોઈ દોસ્તની રાહ જોઇને ઉભી છે.હમણાં એનો લવર આવશે..તું છાનોમાનો બસનું ધ્યાન રાખ.નકામી બસ જતી રેશે તો રિક્ષામાં જવું પડશે..''
મગનની વાત સાંભળીને પેલીએ મગન અને નાથા સામે જોઇને મોં મચકોડ્યું.અને કંઈક બબડી.એ જોઈને નાથો બોલ્યા વગર ન રહી શક્યો.."એનિથિંગ રોંગ મેડમ ?"
નાથાએ હાકેલાં અંગ્રેજીથી પેલી ચમકી ! એની નવાઈનો પાર નહોતો. સાવ ગામડિયો એને ઈંગ્લીશમાં પૂછી રહ્યો હતો !!
" થીંગ્સ આર નોટ રોંગ. બટ યુ આર નોટ રાઈટ ! આઈ એમ અ ગર્લ, નોટ માલ !" પેલીએ ચિડાઈને કહ્યું.
"લે..આલે.. અલી તું સાંભળી ગઈ'તી ? સોરી હો...શુ છે કે બધા છોકરા, સારી છોકરીયુને માલ જ કહેતા હોય છે એટલે...પણ તું છો જમાવટ એમાં કોઈ ના નો પાડી હકે..હે હે હે...'' નાથાએ અંગ્રેજી પડ્યું મૂકયું.
"કાઠયાવાડી લાગતા છો..ટમારા લોકોમાં ટો બુદ્ધિ જ ની મલે.. બસ, કોઈ સારું માનસ જોયું કે ટરટ ચાલુ પડી જ્હો..જા ની જટો હોય ટાં.. મેં ટારી સાઠ્ઠે વાટ બી ની કરવા..."
"તો આંય કોને નવરાઈ છે, આતો તું મોઢું બગાડતી'તી એટલે જરીક પૂછ્યું,અમે તો જાઈ જ છી..શુ સમજી..તું ઉપડ બવ લવારા કર્યા વગર..નકામું કાંઈક કેવાઈ જાશે.."નાથો બગડ્યો.એ જોઈને મગન તરત જ એની મદદે આવ્યો.
"સુંદર વસ્ત્રો ધારણ કરીને અને વદન પર સૌંદર્ય વર્ધક પ્રસાધનોના અતિ દૂરપયોગથી વધુ પડતો આકર્ષક દેખાવ કરીને અચાનક આમ અમારી સમીપે આવીને, મુજ મિત્ર સાથે વાકયુદ્ધમાં ઉતરનારી આ શહેરની મગરૂર માનુની..તમારી આ કાયા કોઈને પણ માયા લગાડી શકવા સમર્થ છે એમ મારો આ પરમસખા વદી રહ્યો છે અને એ સર્વથા યથાયોગ્ય જ છે."
પેલી ,અડબુથ જેવા અને લઘર વઘર વેશધારી મગનને તાકી રહી.મગન જે લાબું લાબું બોલ્યો એમાં એને કશું જ સમજાયું નહીં.
"જુઓ મિસ્ટર..ટમે જે કેવું હોય એ ગુજરાતી ભાસામાં કેવ તો હમજ પડે..પરમસખા અને વડી રહ્યો છે..એવું બઢુ મને ની હમજ પડે..જાવની મેં ટમારા લોકો સાથે વાટ ની કરવા.."એમ કહીને પેલી મગન અને નાથાથી દૂર જઈને ઉભી રહી. જતા જતા બબડતી ગઈ, "રાષ્કલ સાલ્લા કાઠયાવાડી..
ની જોયા હોય ટો... સૌન્ડર્ય વડધક પડસાધનો..ઓ..માં...આ.. જો ને કેવું કેવું બોલતો છે પેલો.."
"મગન, હજી પણ ઓલી કંઈક બબડતી લાગે છે.."નાથાએ ગુસ્સે થઈને કહ્યું
"જાવા દે ને , બિચારી બેભાન થઈ જાહે..તું બસનું જો યાર.."
એ જ વખતે એક બાઇક પેલી છોકરીની બાજુમાંથી નીકળ્યું.અને ખાબોચિયાનું પાણી ઉડીને પેલીના કપડાં પર છંટકાયું.
"ઓ..રાષ્કલ..જોઈ ને ચલાવની.."
પેલી છોકરીએ ગુસ્સે થઈને રાડ પાડી. એટલે પેલા બન્ને બાઇક સવારોએ બાઇક તરત જ પાછી વાળી અને પેલી છોકરી પાસે જઈને ઉભા રહ્યા..
"બેન..## રાષ્કલ કોને કહેતી છો હેં.. સાલ્લી.." જે બાઇક ચલાવતો હતો એણે છોકરીને ગાળ દીધી અને એની સાવ નજીક જઈને ઉભો રહ્યો.પાછળ બેઠેલા બીજા યુવાને છોકરીનો હાથ પકડવાની કોશિશ કરી.
"ચલ, તેરા કપડાં સાફ કર દેતા હું..મેરી ગલતી હે..ચલ જાન બેઠ જા..."
"છોડની..તારા ઘરમાં માં બેન છે કે..? " છોકરી હવે ગભરાઈ હતી. એણે મદદ માટે મગન અને નાથા સામે જોયું. એ જ વખતે બાઇક પર પાછળ બેઠેલા યુવાનની બોચી પકડીને નાથાએ બાઇક ચલાવનાર છોકરાને જોરદાર લાફો ઠોકી દીધો.
"@#$નાવ..હરામી $%&નાવ.....
એકલી છોકરી ભાળીને બાવડાં (હાથ) પકડશો ઇમ ? અમે હજી મરી નથી ગ્યા..."નાથાએ પેલા બન્નેને ગાળો પણ દીધી.
પેલા બન્ને પણ એમ મફતનો માર ખાય એમ નહોતા. નાથાના ધક્કાથી એનું બાઇક ગબડી પડ્યું.એટલે એક જણે નાથાનો કોલર પકડયો. અને બીજાએ કમરમાંથી નાથાને પકડ્યો. એ વળતો પ્રહાર કરે એ પહેલાં તો કમરમાંથી નાથાને પકડીને ખેંચી રહેલા છોકરાની પૂંઠ ઉપર મગને જોરથી પાટું માર્યું.જે ખાબોચિયાનું પાણી બાઇક વડે પેલાએ છોકરી ઉપર ઉડાડયું હતું એ જ ખાબોચિયામાં ઊંધા માથે એ પડ્યો.મગને એની ઉપર પોતાનો એક પગ મૂક્યો અને બીજાના પેટમાં જોરથી એક ગડદો માર્યો. મગનના ઘાએ પેલાને બેવડ વાળી દીધો.નાથો નીચે પડેલાને પાટુથી મારવા લાગ્યો. આ લડાઈ જોવા અનેક માણસો ટોળે વળ્યાં. વાહનચાલકો પણ ઉભા રહેવા લાગ્યાં અને ટ્રાફિકજામ થવા લાગ્યો. અચાનક જે નીચે પડેલો હતો એ ઉભો થયો અને પગના મોજામાંથી એણે ચાકુ કાઢ્યું. એ બન્ને પણ સતત ગાળો બોલતા હતા.
ચાકુ ખોલીને એણે નાથાના પેટમાં ચાકુ હુલાવી દેવા ઘા કર્યો પણ મગને એનો હાથ પકડીને મરડી નાખ્યો. અને એની પીઠમાં એક જોરદાર મુક્કો માર્યો. પેલો ફરીવાર નીચે પડ્યો. હવે નાથો પણ વિફર્યો હતો. એણે પોતાના વજનદાર બુટથી પેલાને લાતો મારવાનું શરૂ કર્યું. મગને પણ પેટ પકડીને કણસતા છોકરાના વાળ પકડીને બે ચાર તમાચા ખેંચી કાઢ્યા. તમાશો જોવા વાળી પબ્લિકમાં પણ હિંમત આવી એટલે લોકો પણ આ બન્ને મવાલીઓને પીટવા લાગી. આ બધા જમેલાને કારણે ટ્રાફિક જામ થયો એટલે પોલીસ પણ આવી ગઈ. એ જ વખતે સીટી બસ પણ આવી. મગન અને નાથો દોડીને બસમાં ચડી ગયા.
"યાર બરાબર હાથ સાફ કર્યા. મારા હાળા, છોકરીનું બાવડું (હાથ) પકડતાં'તાં..! ઘડીક બસ નો આવી હોત તો ટીપીને રોટલો કરી નાખેત..."નાથાનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો.
"ઘણા ઠમઠોર્યા.. પણ પેલીનું થેંક્યું લેવાનું રહી ગયું..કંઈ નહીં, જવા દે હવે.ટીકીટ લેવી છે કે હાંકવું છે ?" મગને નાથાને ટાઢો પાડતા કહ્યું.
"ટીકીટ લઈ લઈએ.. "કહીને નાથાએ બન્નેની ટીકીટ લીધી.અને ગિરદીમાં ઉભા રહ્યા.
યુનિવર્સીટીના ગેટ પર ઉતરીને બન્નેએ એમ.કોમ.ના વર્ગો ચાલતા હતા એ બિલ્ડીંગ શોધી કાઢ્યું.
ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સનું એ બિલ્ડીંગ લાલ ઈંટોથી બાંધવામાં આવ્યું હતું. ભોંયતળિયે વિશાળ એન્ટ્રીડોર હતું. કોટાસ્ટોનના ફ્લોરિંગમાં વ્હાઈટ પથ્થરોથી સરસ ડિઝાઇન બનાવેલી હતી. એન્ટ્રન્સની એકદમ સામે ગોળાકાર અને ચાર ફૂટ ઊંચું રિસેપ્પશન કાઉન્ટર હતું. એ કાઉન્ટરની ઉપર મુકેલા કાચ નીચે આખા બિલ્ડીંગ નો નકશો હતો. રીસેપ્પશનની બન્ને બાજુ આઠ ફૂટ પહોળી લોબી હતી જેમાં રિસેપ્પશનને અડીને જ ડાબી તરફ કાર્યાલય, સ્ટાફરૂમ અને પ્રિન્સિપાલની ઓફીસ હતી. કાર્યાલયની બહાર લોબીમાં સ્ટીલના બાંકડા મુકવામાં આવ્યા હતા.બાકીની લોબીમાં સામસામા કલાસરૂમ હતા. તમામ કલાસરૂમ ના દરવાજા લોબીમાં પડતા હતા. અને છત સુધીની કાચની બારીઓ પાછળ મેદાનમાં ખુલતી હતી. લોબીના છેડે બન્ને તરફ ઉપર જવાનો દાદર અને ટોઇલેટ બ્લોકસ હતા.
મગન અને નાથો એ કાઉન્ટર પાસે આવીને ઊભા રહ્યા.બીજા આઠેક છોકરાઓ અને દસબાર છોકરીઓ બન્ને તરફ લોબીમાં લાગેલા નોટીસબોર્ડમાં લાગેલી યાદીમાં પોતાના એડમિશનની વિગતો જોતા હતા અને થોડો કોલાહલ કરતા હતા. મગન અને નાથો પણ એ બાજુ પોતપોતાની રીસીપ્ટ લઈને ગયા..ટોળાની આગળ એક જાડી છોકરી ઉંચી થઈને લિસ્ટ ઉપર પોતાની આંગળી લસરાવીને પોતાનું નામ શોધતી હતી. નાથાનું ધ્યાન એ લિસ્ટમાં ગયું. ઉપરથી બાવીસમુ નામ મગન માવાણી અને આડત્રીસમું નાથાલાલ નાકરાણીનું વાંચીને નાથો બોલ્યો, "ચાલો આપણે બેય છીએ તો એક જ કલાસમાં. અને ત્રીજા માળે રૂમ નં 8 માં આપણે બેસવાનું છે..."નાથાએ વિગતો વાંચીને મગનને કહ્યું. એ સાંભળીને પેલી જાડી છોકરીએ નાથા સામે જોયું અને નાથાએ પણ એને ઓળખી.
નાથાએ સહેજ નમીને પેલીના પગ પર નજર કરી અને કહ્યું, "કાં..આં..આં.. કિમ સે..તમારા ટાંગા રીપેર થઈ ગયા ? હાલીને આવ્યા છો ? અમારા જોડા હેઠે ચેપાયેલા ટાંગા હાલી હકે એવા રે તો નઈ પણ તમે ખાઈ ખાઈને જમાવ્યું છે એટલે બચી ગયા.."કહીને નાથાએ પેલી સામે આંખો પટપટાવી.
"જા ને હવે..જા ટો હોય ટાં.. ની જોયો હોય મોટો..તે..ટું છે હવે માડાથી ડુંઉડ જ રેજજે..નિકર મેં ટાડી કમ્પ્લેન કડવા..." પેલીએ ગુસ્સે થઈને કહ્યું અને થોડી લંગડાતી લંગડાતી ટોળામાંથી બહાર નીકળીને ચાલવા લાગી.
"આ મદનીયાનો પગ ચેપી નાખ્યો'તો ? ફોર્મ ભરવા આવ્યો ત્યારે ?" મગને પૂછ્યું. નાથો જવાબ આપે એ પહેલાં પેલી સાંભળી ગઈ એટલે ઉભી રહીને મગનને તાકી રહી.
લાંબો શર્ટ,નીચે પહોળા પાંયસાવાળું પેન્ટ અને પગમાં સ્લીપર પહેરીને વીંખાઈ ગયેલા વાળવાળો તદ્દન મુફલિસ જેવો છોકરો પોતાને મદનીયાની ઉપમા આપી રહ્યો હોઈને ચમેલી કાંટાવાલાના ગુસ્સાનો પાર રહ્યો નહીં.
"ઓ..ઓ..ટું ટારી જાટને શું હમજે છે..એ..મને મડનીયું કે'ટોની..માં બેનની ગાળો ખાવી હોય ટો.. કેજે..ટમે લોકો કોઈની મશકડી કેવી રિટે કડી શક્કો હેં.. એં...!"
બીજા છોકરાઓ પણ નોટીસબોર્ડ જોઈ રહયાં હતા.ચમેલીનો અવાજ સાંભળીને એ લોકોએ મગન અને નાથા સામે જોયું. એ ટોળામાં, નાથો ફોર્મ ભરવા નવયુગ કોલેજમાં ગયેલો એ વખતે હાજર હતા અને ચમેલીનો પગ નાથાના બુટ નીચે ચગદાયો એ ઘટનાના સાક્ષી હતા એવા બે'એક જણ પણ હતા.
"શું બોસ..અહીંયા પન તમે લોકો ચાલુ પડી ગયાં..? આ બિચાડીએ તમાહડા લોકોનું શું બગાડેલું મલે ? શા માટે ટમે લોકો ડાડાગીડી કડો છો ? એમ ની હમજતા કે ટમને કે'વા વાલું કોઈ ની મલે "
"જો દોસ્ત, અમારો કોઈ જ બદ ઈરાદો આ બેન પ્રત્યે નથી.અમે લોકો એની વાત પણ કરતા નથી.પણ એમને ગેરસમજ થયેલી છે...તમને લોકોને અમારું વર્તન બેહૂદું લાગ્યું હોય તો હું દિલગીર છું..."મગને પેલા છોકરાઓને કહ્યું. ચમેલી હજુ લાલ થઈને ત્યાં ઉભી હતી. એને ઉદ્દેશીને મગને આગળ ચલાવ્યું, ''આપના મજબૂત અને સુડોળ ચરણોની અતિ કોમળ સુંદર અંગુલીઓ મારા આ સખાના ભેંસ ચર્મમાંથી ઉત્પાદિત થયેલી પાદુકાઓ નીચે કચડાઈ જવાની અતિ દુઃખદ ઘટના થોડા દિવસો પહેલા ઉદભવેલી એના અનુસંધાનમાં મારો આ પરમ સખો અતિશય વેદનાથી પીડાઈ રહેલો હોઈ આપને ખબર અંતર પૂછી રહ્યો હતો.પણ એની વાણી થોડી કર્કશ હોઈ આપણા કર્ણ પ્રદેશને અનુકૂળ ન આવી હોય તો એના વતી ખૂબ જ હમદર્દીથી અમો આપની અતિ દુઃખી પરિસ્થિતિમાં ભાગીદાર બનવા આતુર છીએ..હે હે હે...."કહીને મગન હસી પડ્યો.
મુફલિસ મગનની વાકધારાનો ખાસ્સો પ્રભાવ એ ટોળા અને ચમેલી ઉપર પડ્યો. જોકે કોઈ ખાસ સમજ્યું તો નહીં પણ મગને જે શાંતિથી વાત કરી એટલે આ બન્ને જણ માફી માગે છે એટલો ખ્યાલ સૌને આવ્યો.
"તો વાંઢો ની..હવેઠી ખ્યાલ રાખજો.." કહીને બધા કલાસ તરફ ચાલવા લાગ્યા. ચમેલી થોડીવાર મગનને તાકી રહી. મગને એની આંખોમાં જોઈને ખૂબ જ પ્રેમભર્યું સ્મિત વેર્યું. અને જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠાની ટોચ અડાડીને ચમેલીની સુંદરતાને વખાણતાં "મસ્ત"નો સંકેત કર્યો !
મગનનું એ સ્મિત ચમેલીને પણ ખૂબ જ ગમ્યું અને એણે પણ સ્મિત કર્યું અને ચાલવા લાગી. નાથો, મગન અને ચમેલીનું આ તારા મૈત્રક બાધાની જેમ જોઈ રહ્યો. મગન હજુ ચમેલીને જતી જોઈ રહ્યો હતો.ચમેલીએ થોડે દુર જઈ પાછું વળીને મગન સામે જોયું. મગને તરત જ હાથ ઊંચો કર્યો ! ચમેલી જાણે શરમાઈ ગઈ હોય તેમ દાદર ચડી ગઈ.
"આ હાથણીને ખીલે બાંધવાનો વિચાર તો નથી ને મગના...હાળા એ તારા તણ ટંકનું એકલી ઉલાળી જાશે હો..અને તારે હજી ખાવાના ફાંફાં છે ઇ ખબર છે ને..!!" નાથાએ મગનને ધબ્બો મારીને કહ્યું.
"અરે નાથા,તું ચિંતા ના કર..આપડા હાથમાં એવી રેખાયું ના હોય !" કહીને મગન અને નાથો કલાસરૂમ તરફ ચાલવા લાગ્યા.
ક્લાસરૂમમાં ઘણા બધા વિધાર્થીઓ બેઠા હતા. બધાનો કોલાહલ ચાલી રહ્યો હતો.એક વિભાગમાં છોકરીઓ બેઠી હતી. મગન અને નાથો જઈને છેલ્લી બેન્ચમાં જઈને બેઠા. કલાસરૂમમાં બેંચ થિયેટરમાં ગોઠવાયેલી ખુરશીઓ જેમ ગોઠવાયેલી હતી.એટલે મગન અને નાથાને બાલ્કનીમાં બેઠા હોય એવું લાગ્યું.
થોડીવારે પ્રોફેસર શશીકાંત રેસાવાલા કલાસમાં આવ્યા. બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને પ્રો.રેસાવાલાને માન આપ્યું. સરે પોતાનો પરિચય આપીને કોમર્સનું મહત્વ દુનિયામાં કેટલું છે અને વિદ્યાર્થીઓ એમ.કોમ.ની ડિગ્રીથી કેવી રીતે પોતાની કારકિર્દી ઘડી શકે એ બાબતોનું ઘનિષ્ટ વિવરણ કર્યું.અને અંતે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછવા માટે જણાવ્યું.
મગન છોકરીઓના વૃંદ તરફ નજર ફેરવતો હતો.ચમેલી એની તરફ ફરીને સ્માઈલ આપી રહી હતી. મગને પણ સ્મિત વેરીને હાથની મુઠ્ઠી વાળીને અંગુઠો ઉંચો કર્યો.
નાથાનું ધ્યાન બારી બહાર હતું. યુનિવર્સિટીના કેમ્પસથી દૂર એક હાઇરાઈઝ બિલ્ડીંગ બનતું હતું. એ બિલ્ડીંગના દાદરમાં દોડાદોડ ઉપર તરફ ભાગી રહેલી એક છોકરી નાથાએ જોઈ.પીળા રંગના એણે પહેરેલા ટીશર્ટને કારણે નાથાનું ધ્યાન ખેંચાયું હતું. એ છોકરી જે ફ્લોર પરથી ઉપર તરફ જઈ રહી હતી એની નીચેના દાદરમાં ત્રણ ચાર જણ પણ નાથાએ જોયા. આ લોકો પેલી છોકરીની પાછળ હતા એ સમજતા નાથાને વાર લાગી નહીં. કોઈ છોકરીને પોતાના દેખાતા કોઈ હેરાન કરે એ નાથો બિલકુલ ચલાવી લેતો નહીં. અમદાવાદમાં ઘણી વખત નાથાએ આવી બાબતો માર પણ ખાધો હતો છતાં એ ક્યારેય છોકરીની છેડતી સહન કરી શકતો નહીં.
"મગના..જો પેલી બિલ્ડીંગમાં..
ત્યાં ઉપર..." નાથાએ મગનને એ દ્રશ્ય બતાવ્યું. મગને પણ જોયું.
"આવા મોટા શહેરમાં આવી ઘટનાઓ તો બનતી જ હોય..યાર, તું કેટલી જગ્યાએ આડો પડીશ ? બેસ છાનોમાનો.." મગને પારકી પંચાયતમાં પડવાની ના પાડી.
પણ નાથો જેનું નામ ! એ તરત જ ઉભો થઈને ક્લાસમાંથી ભાગ્યો. બેન્ચના પહોળા પગથિયાં ઠેકતો ઠેકતો એ પ્રો. રેસવાલા પાસે પહોંચ્યો.
"સોરી સર, મારે એક ખૂબ જ અગત્યનું કામ હોવાથી જવું પડશે.."
મગનને પણ હવે જવું જ પડયું.
એ પણ નાથાની પાછળ દોડ્યો.એ બન્નેને કલાસમાંથી અચાનક ભાગતા જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ ઉભા થઇ ગયા.અને દેકારો મચી પડ્યો. લઘરવઘર મગન અને એની આગળ નાથો !!
કુતુહલ વશ કેટલાક છોકરાઓ પણ આ બન્નેની પાછળ દોડ્યા. કોઈને કશું જ સમજાતું નહોતું કે આ બે જણ શા માટે ક્લાસમાંથી ભાગ્યા.
(ક્રમશ :)