mathabhare natho 5 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 5

માથાભારે નાથો [5]
"નાથા અને મગનની પાછળ દોડેલું કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું જ્યારે યુનિવર્સીટીના મેદાનમાં આવ્યું ત્યારે નાથો પેલી બિલ્ડીંગ પાસે પહોંચવા આવ્યો હતો. મગને એને રોકવા ખૂબ મોટેથી સાદ પાડ્યા. પણ નાથાના મગજ ઉપર વર્ષો પહેલા બનેલી ઘટના સવાર થઈ ગઈ હતી.
એ વખતે નાથાની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. છઠ્ઠા ધોરણમાં ભણતો નાથો એની યુવાન બહેન સાથે હમેંશા વાડીએ જતો. ગામના ઉતાર અને રખડું વિકો ઠાકોર એની ટોળકી સાથે એક દિવસ નાથાની વાડીએ આવી ચડ્યો હતો.જુવાન વિમળા અને નાનકડા નાથાને એકલા જોઈને આ નરાધમોની દાનત બગડી હતી.
અને એ ગોઝારા દિવસે નાથાની નજર સમક્ષ એની વ્હાલી બહેન વિમળાએ પોતાની ઈજ્જત બચાવવા કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. આ ભયાનક ઘટના જોઈને દિવસો સુધી નાથો એક પણ શબ્દ બોલ્યો નહોતો.એના કુમળા માનસ પરથી આ ઘટના ભૂંસાતા વરસો લાગ્યા હતા.
જ્યારે પણ કોઈ છોકરીને, કોઈ છોકરાઓ દ્વારા છેડવામાં આવે ત્યારે નાથાના માનસ ઉપર પેલી ઘટના સવાર થઈ જતી.અને એ પોતાની બહેનને બચાવનાર ભાઈ બની જતો.
આજે એવી જ ઘટના બનતી અટકાવવા નાથાએ દોટ મૂકી હતી.
બિલ્ડીંગના ખુલ્લા ટેરેસ પર પેલી છોકરી પોતાને છોડી દેવા આજીજી કરતી હતી અને ચાર નરાધમો અટ્ટ હાસ્ય કરતા હતા.પેલી છોકરી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, કાં તો પોતાની જાત આ લોકોને સોંપીને જીવતે જીવ નર્ક જેવી જિંદગી મેળવવી, કાં તો નીચે કૂદીને મોતને વ્હાલું કરવું.
એ ધીરે ધીરે પાછા પગે બીજા વિકલ્પ તરફ જઈ રહી હતી. ટેરેસની ધાર એક ફૂટ છેટી રહી ત્યાં જ નાથો ટેરેસ પર આવી પહોંચ્યો.
"ખબરદાર, કોઈ પણ હરામી એક પણ ડગલું આગળ વધ્યો છે તો ! ના@$નાવ એકેય ને જીવતો નીચે ઉતરવા નહીં દઉં.." નાથાએ ત્રાડ પાડી.
પેલા ચારેય અચાનક આવી ચડેલા નાથાને જોઈને ચોંક્યા.પણ નાથાને એકલો જોઈને એક જણ બોલ્યો, "ઓ હીરો..તું કાંથી આયો ? ચલ ફૂટ અહીંથી..નહીંતો અહીંયા જ મારીને ફેંકી દઈશ...ચુ@# @#$ના ચાલ ભાગ અહીંથી.." એમ ગાળ દઈને બે જણ નાથા તરફ આવ્યા. પેલી છોકરીને પણ નાથાને આવેલો જોઈ હિંમત આવી.અને ધીરે ધીરે ટેરેસના એક ખૂણા તરફ સરકવા લાગી.
"તમારી જાતના.. હલકટના પેટનાવ..આજ જોઈ લ્યો કોણ દાદર ઉતરીને નીચે જાય છે !." કહીને નાથાએ પોતાની તરફ આવી રહેલા પેલા બેમાંથી એકના પેટમાં જોરથી પાટું માર્યું. અને બીજો હજુ કઈ સમજે એ પહેલાં એની દાઢી નીચે મુક્કો માર્યો. નાથાના પગમાં પહેરેલા ભેંસના ચામડામાંથી બનાવેલા બુટે પોતાનું કામ કરી નાખ્યું. પેલો ગોટો વળીને એક સાઈડમાં જઈને પડ્યો. પોતાના સાથીદારો પર હુમલો થયેલો જોઈને, છોકરી તરફ જઈ રહેલા બાકીના બે જણ પણ નાથા તરફ વળ્યા. નાથાએ જેને દાઢી નીચે મુક્કો માર્યો હતો એના મોં માંથી લોહી નીકળતું હતું.પેલા બન્ને નાથા પાસે પહોંચે તે પહેલાં નાથાએ એકને બોચીમાંથી પકડીને બે પગ વચ્ચે જોરથી પાટું માર્યું. એ સાથે જ એના મોં માંથી રાડ નીકળી ગઈ.અને એ પોતાના બન્ને હાથ બે પગ વચ્ચે દબાવીને બેસી પડ્યો. હવે નાથો નવરો હતો. પેલા બન્ને પોતાના દોસ્તની રાડ સાંભળીને પોતાની જગ્યા પર જ જડાઈ ગયા.
"આવો..આવો તમારી માં ને @#$
$%રાઓ, એકલી છોકરી જોઈને ભુંરાટા થાવ છો ને..કુતે કી ઔલાદ સાલ્લાઓ..આજ તમારું આવ્યું છે જોઈ લે જો..."એમ કહીને નાથો પેલા બંને તરફ ધસ્યો.નાથો પેલા લોકો પર હુમલો કરે એ પહેલાં જ બન્નેએ નાથાનો એક એક હાથ પકડી લીધો.
"અપને આપ કો બોત શાણા સમજતા હે..સાલે હમ તેરે બાપ હે,તું હમકો જાનતા નહીં.."એમ કહીને એક જણે નાથાને જોરદાર તમાચો માર્યો. અને બીજાએ પેટમાં મુક્કો માર્યો. ત્યાં સુધીમાં જેને નાથાએ પેટમાં પાટું માર્યું હતું એને કળ વળી ગઈ હતી.એ ઉભો થયો અને ત્યાં પડેલી ઈંટ લઈને દોડ્યો. નાથાના માથા ઉપર એ ઈંટનો પ્રહાર કરે એ પહેલાં જ એના બરડામાં એવી જ મોટી ઇંટ
નો ઘા પડ્યો એને પેલો ઈંટ સાથે જ ગડથોલીયું ખાઈને નાથાના પગ પાસે પડ્યો.
નાથાને પકડીને મારનારા બન્ને વળતો હુમલો કરે એ પહેલાં તો એક જણ દોડાદોડ આવ્યો. જોર જોરથી ગાળો બોલતા બોલતા અને જોશભેર દોડીને આવતા એ વ્યક્તિના બન્ને હાથમાં એક એક ઈંટ હતી. નાથાને મારવા આવનારના બરડામાં આ વ્યક્તિએ જ ઈંટનો ઘા કર્યો હતો. સેંકડોમાં એણે બન્ને હાથમાં એક એક ઈંટ લઈને નાથાને પકડીને માર મારતા આ બન્ને તરફ દોટ મૂકી હતી,એ મગન હતો.નાથો કે પેલા બન્ને કંઈ સમજે એ પહેલાં મગને પેલા બન્નેના માથામાં જોરથી ઈંટ મારી. નાળિયેર ફૂટે એમ પેલા બન્નેના માથા ફૂટ્યા હતા અને પળવારમાં ચક્કર ખાઈને બન્ને ઢળી પડ્યા હતા. એક જણ હજુ પોતાના બન્ને પગ વચ્ચે હાથ દબાવીને તરફડીયા મારતો હતો અને બીજો બે હાથ જોડીને પોતાને બચાવવા કરગરી રહ્યો હતો.
નાથા અને મગને પોતાનું કામ પૂરું કર્યું ત્યારે ટેરેસ પર બે જણ લોહી લુહાણ અવસ્થામાં બેભાન થઈને પડ્યા હતા. અને બે જણ પીડાથી કણસી રહ્યા હતા.
"ચાલ અહીંથી....એકાદો મરી ગયો હશે તો સલવાઈ જશું..ડફોળ જ્યાં હોય ત્યાં સીધો દોટ મૂકે છે પણ કોઈ દિવસ તું મરવાનો થયો છો એટલું યાદ રાખજે..." મગને નાથાનો હાથ ખેંચતા કહ્યું.અને એને ઢસડીને દાદર તરફ ચાલ્યો.
"ઓલી છોકરી ક્યાં ભાગી ગઈ ?" નાથો ટેરેસ પર જેને બચાવવા આવ્યો હતો એ છોકરી ઝપાઝપી દરમ્યાન ભાગી ગઈ હતી. નાથાએ એને શોધવા ચારે તરફ નજર દોડાવી.
"ભાગી ગઈ..મને દાદરમાં સામી મળી હતી. હાથ જોડીને બચાવવા બદલ આભાર માનતી હતી. પણ મારે તને બચાવવા ઉપર આવવું પડે એમ હોવાથી હું એની સાથે કાંઈ વાત કરી શક્યો નથી..ચાલ હવે ઘરભેગા થઈ જઈએ.." મગને નાથાને ઝડપથી દાદર ઉતરવા કહ્યું.
નાથો અને મગન નીચે આવ્યા ત્યાં જ પોલીસની જીપ આવતી મગને જોઈ. મગન અને નાથો તરત જ એક કોલમ પાછળ સંતાઈ ગયા.
જીપમાંથી પેલી છોકરી અને પોલીસ ઇન્સ્પેકટર ઉતર્યા. પાછળથી ચાર હવાલદાર પણ નીચે ઉતર્યા.
"સર, ચાલો જલ્દી..મને બચાવવા બે જણ આવ્યા હતા, પણ પેલા ચાર જણ છે, બિચારાને મારશે. અસલમ કાચવાલા અને એના આદમીઓ હતા. સર એ લોકો બહુ જ ખતરનાક છે, મારી પાછળ બે મહિનાથી પડેલા છે..એ લોકો જોડે છરીઓ અને અસ્ત્રો પણ છે.સર ચાલો જલ્દી...." કહીને પેલી પગથિયાં ચડવા લાગી. પોલીસ પણ એની પાછળ પાછળ ઉપર ગઈ.
મગન અને નાથો હળવેથી કોલમ પાછળથી બહાર આવ્યા. યુનિવર્સીટી કેમ્પસ, આ જગ્યાની બિલકુલ સામે જ હતું. મગન અને નાથાને પાગલ સમજીને પેલું વિદ્યાર્થીઓનું ટોળુ ખૂબ હસ્યું.
"અલા, પેલો નહીં ? ટે દાડે જો ની પેલી જાડીનો પગ કચડી મારેલો..એ કાઠયાવાડી...સરનું લેક્ચડ સાંભડીને પાગલ થેઈ ગીયો.. બેન@#. કાં કાં ઠી ચાયલા આવટા છે..." ફોર્મ ભરતી વખતે નાથનો પરિચય પામેલા જે ચારપાંચ હતા એમાંથી એક જણ બોલ્યો.અને બીજા હસી પડ્યા.
મગન અને નાથાએ રીક્ષા પકડીને સીધી જ સ્ટેશનની વાટ પકડી.બન્ને સાવ ખામોશ હતા.નાથો હજુ પણ ગુસ્સાથી ધ્રૂજતો હતો.
"તું આયાં આ કરવા આવ્યો છો ? આજ ને આજ આ બીજી વખત ધીંગાણું કર્યું. તને કાંઈ ભાન છે ? પોલીસનું લફરું થાશે તો ભણવાનું ને હીરા ઘંહવાનું બધું પડ્યું રે'શે.. ઇ લોકોનો તો આ ધંધો છે, એમ આખા ગામની બેનું દિકરીયુંનું ધ્યાન રાખવાનો ઠેકો નથી દીધો તને.ડોબા, તને કંઈ સમજણ પડે છે ? તારા ડોહાં ચાર જણ હતા.અને ઠેઠ બારમાં માળે. તારી વાંહે ધોડીને હું હાહધમણ (શ્વાસ ચડી જવો) થઈ ગયો. હું પુગ્યો નો હોત તો ઓલ્યો તારા બોથામાં ઈંટ ઠોકવાનો હતો..અને જો એકાદો મરી ગયો હશે તો તો આપણું આવી બનશે. આ બધા ગુંડા હોય. ઇ ગમે ન્યાથી ગોતીને મારશે..તેં હાળા નાથીયા, આજ નો કરવાની કરી છે..." મગન ખૂબ ગુસ્સે ભરાયો હતો.એક તરફ એને એક છોકરીની ઈજ્જત બચાવવા મોતના મોંમાં દોડી જનાર પોતાના દોસ્ત પર ફક્ર મહેસુસ થઈ રહ્યો હતો.અને બીજી તરફ આ ઘટનાના પરિણામનો ખૂબ જ ડર લાગી રહ્યો હતો.
"જે થવું હોય ઇ ભલે થાય..મગના
હું મારી એકની એક વ્હાલસોઇ બહેન ખોઈ ચુક્યો છું. એટલે બીજા કોઈની બહેન માટે ભલે મારે મરવું પડે ! મને મોતની બીક નથી. મારી બહેન કૂવામાં પડી એ વખતે જ હું મારી બહેન સાથે જ મરી ગયો'તો. હવે હું જે જીવી રહ્યો છું એ કોઈક બીજી બહેન દીકરીની આબરૂ બચાવવા સારું જ સમજ્યો ? હું મારી નજર સામે એ ઘટના ફરી નહીં જ બનવા દઉં એટલે નહીં જ બનવા દઉં. તને બહુ બીક લાગતી હોય તો તું મને બચાવવા નો આવતો.પાંચમની છઠ્ઠ કોઈની થઈ નથી અને થશે પણ થશે પણ નહીં.." નાથો હજુ પણ ગુસ્સાથી ધ્રૂજતો હતો. મગનને ખ્યાલ આવ્યો કે શા માટે નાથો આવી બાબતોમાં કૂદી પડે છે. વરસો પહેલા નાથાની બહેન સાથે જે ઘટના બની હતી એ ઘટના વિશે તે પણ જાણતો હતો.
"સારું, હવે જે થયું તે,તું શાંત થા. પેલા લોકોને આપણે સારીપટ (ખૂબ વધુ) ઠોકાર્યા છે,હાળો એકાદો ઉકલી ન જાય તો સારું..."
મગને લુખ્ખું હસીને નાથાનો હાથ પકડયો .
"હું તો ચારેયને નીચે નાખવા માંગતો હતો..પણ તેં આવીને બાજી બગાડી નાખી.આવા હરમીઓને આ દુનિયામાં જીવવાનો અધિકાર જ નથી."
નાથાનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. મગનને હવે કંઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું. સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને મગને જ ભાડું ચુકવ્યું. અને ત્યારબાદ બીજી રીક્ષા કરીને બન્ને રૂમ પર આવ્યા ત્યાં સુધી નાથો એક શબ્દ પણ બોલ્યો નહીં. મગને પણ એનો રોષ શાંત પડવા દીધો.
** ** ** ** ** ** ** **
બીજા દિવસે મગન અને નાથાએ કોલેજ જવાનું માંડી વાળ્યું. દરેક છાપામાં કાલની ઘટનાના સમાચાર ચમક્યા હતા. બે અજાણ્યા યુવાનોએ એક છોકરીની ઈજ્જત બચાવી હતી. જે ચાર ગુંડાઓને આ બે યુવાનોએ ઠમઠોર્યા હતા એમાંથી બેની હાલત ખૂબ જ ગંભીર હતી. અને બાકીના બન્નેની પણ સિવિલ હિસ્પિટલમાં સારવાર ચાલુ હતી. પોલીસે છોકરીની ફરિયાદ નોંધીને ચારેયની ધરપકડ કરી હતી. અને પેલા બન્ને યુવાનોને શાબાશી આપી હતી અને પોતાનું ઇનામ લેવા માટે એ બન્ને યુવાનોને પોલીસ સ્ટેશનમાં હાજર થવા અપીલ કરાઈ હતી.એ વાંચીને નાથો બોલ્યો, "જો મગન, આપણને ઇનામ આપવા બોલાવે છે, ચાલ આપણે ઉમરા પોલીસ સ્ટેશને જઈને મળી આવીએ."
"ડોબા, ઇનામ લેવાનો દીકરો થયા વગર બેસ છાનો માનો. આ કામ તેં ઇનામ લેવા માટે નથી કર્યું સમજ્યો. અને તારા ડોહાં, એ લોકો આપણો ફોટો છાપાંમાં આપ્યા વગર નો રહે..અને પછી ઓલ્યા ગુંડાઓ આપણને ગોતીને મારશે.આપણે અહીં ભણવા અને કારકિર્દી બનાવવા આવ્યા છીએ..એટલે એ બધું આપણને પોસાય નહીં. ઇનામ ગયું માય..તું કોઈને કે'તો પણ નહીં કે આ છોકરીને અમે બચાવી હતી, સમજ્યો !!"
નાથો મગનની વાત તરત જ સમજી ગયો.અને તે દિવસે કોલેજ જવાનું મુલતવી રાખ્યું એટલે એ મગન સાથે એના કારખાને ગયો.
સુરતના વરાછારોડ પર એક મોહનની ચાલ છે.એ મોહનની ચાલમાં હીરાના કારખાના ચાલતા હતા. મગન ઘાટનો કારીગર બની ગયો હતો.
(કાચા હીરાને લેથ મશીન પર ઘસીને શંકુ અકારનો બનાવાય તેને ઘાટ કહેવામાં આવે છે)
મગનને કારખાનાના શેઠે પાંચ હીરા બનાવવા માટે આપ્યા. મગનની બાજુમાં જ નાથો પણ પાટલો નાખીને બેઠો.સગડી ઉપર કટોરા ગરમ થઈ રહ્યા હતાં, લેથ મશીન ફરી રહ્યું હતું. મગને લાખ વડે વારા ફરતી બે ગરમ કટોરાને સળિયા વડે લઈ બે હીરા કટોરાની અણી આગળ લગાવ્યા. અને એક કટોરું લેથ મશીનમાં અને બીજું લાકડાના લાંબા અને ગોળ દંડા સાથે ફિટ કરેલા આંટાવાળા સળિયા સાથે લગાવીને તે દંડો બગલમાં દબાવીને લેથમાં ફરતા કટોરા સાથે ચોંટાડેલા હીરા સાથે દંડા સાથેના કટોરા પર લગાડેલો હીરો ઘસવા લાગ્યો.
નાથો, મગનનું કામ ધ્યાનથી જોઈ રહ્યો હતો.
"આતો હીરા સાથે હીરો ઘસાય છે.."નાથાએ કહ્યું.
"હા,યાર હીરો એને જ કહેવાય જે પોતાના જાતભાઈનો ઘાટ ઘડવા જાતે ઘસાય ! પણ આ હીરા ઘસતા કારીગરો પોતાના સગા ભાઈ માટે જરા પણ ઘસવા તૈયાર નથી..પથ્થર જેવો ઘાટ વગરનો હીરો કિંમતી બનવા માટે કેટલો ઘસાય છે એ એને ઘસી રહેલા આ લોકો જરાય સમજતા નથી.એટલે જ આમને બધા ઘસિયા કહે છે.. હીરાઘસુ સલ્લાઓ.. નપાવટ.."
મગનને પોતાના ભાઈઓ સાંભરી આવ્યા.એટલે એના વાક્યોમાં છેલ્લે કડવાશ વ્યાપી ગઈ.
"વાત તો સાચી છે, તો પછી હું પણ હવે શરૂ કરું ને ! જગ્યા હોય તો.." નાથાએ કહ્યું.
શેઠને પૂછીને મગને નાથાને પોતાની બાજુમાં બેસાડીને કાચા હીરાનો ઘાટ કેવી રીતે કરવામાં આવે છે એ સમજાવવા માંડ્યું. થોડીવારે મગન ટોઇલેટમાં ગયો.અને નાથો મગનની જગ્યાએ ગોઠવાયો. મગને તૈયાર કરેલા ઘાટ ના બે હીરા, લેથ મશીન ઉપર એકબીજાના બાહુપાશમાં લપેટાઈને પડેલા પ્રેમીઓની જેમ પડ્યા હતા. નાથાને આવો પ્રેમલાપ ગમતો ન હોય કે પછી કોણ જાણે શુ ઘુરી ચડી.. તે હળવેથી ફૂંક મારીને બન્ને હીરાને છુટ્ટા પાડ્યા. પણ હીરા જેવા છુટા થયા એની બીજી જ ક્ષણે નાથાની નજરમાંથી અદ્રશ્ય થઈ ગયાં. આંખ ખેંચી ખેંચીને નાથાએ લેથ ઉપર, આજુબાજુ વગેરે જગ્યાએ જોયું. બાજુમાં અને સામે બેઠેલા કારીગરોને ખ્યાલ આવી ગયો કે નાથાએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે, અને બન્ને હીરા ઉડાડી દીધા છે !!.
"કેમ, અલ્યા હીરાને ફૂંક મારી ? ઉડી ગયા તારા ડોહાં..!" મગનની સામે બેઠેલો આખા બોલો મનસુખ ખીજાયો.
"એમ કેવી રીતે ઉડે ? હીરો હવા કરતાં ભારે હોય છે, હવા લાગવાથી હીરો ઉડી શકે નહીં. તમારી સમજણ ઘણી કાચી છે, ભાઈ.અમે ભણ્યા છીએ વિજ્ઞાનમાં...કે હીરો સખત ધાતુ છે અને હવા કરતા ભારે હોવાથી એ ઉડે નહીં. બીજું કે ઉડવા માટેની દરેક ચીજને પાંખો હોવી જોઈએ, જેમ કે વિમાનને પાંખો હોય છે અને હેલીકોપટર ને ઉપર પંખો હોય છે, તમે પોતે ઉડી ન શકો, અરે તમેં શુ કામ, હું પણ ન ઉડી શકું કારણ કે ઉડવા માટે પાંખો અથવા પંખો બેમાંથી એક હોવું જરૂરી છે, હીરા પાસે આ બે માંથી એકેય હતું જ નહીં એ મેં મારી સગ્ગી આંખે જોયેલું છે.એટલે હીરા ઉડી ગયા છે એ તદ્દન વાહિયાત વાત છે, જે તમારી જેવા હીરાના કારીગરના મોં પર જરાય શોભતી નથી. ચાલો ત્યારે, ભગવાનને ગમ્યું તે ખરું. કદાચ એમને હીરાની જરૂર પડી હોય અને એમનો અદ્રશ્ય હાથ હીરા લઈ ગયો હોય એ શક્ય છે. મગનને જણાવશો કે મારે એક અગત્યનું કામ આવી પડેલ હોઈ હું સત્વરે રજા લઈ રહ્યો છું " એમ કહીને નાથો કારખાનમાંથી ઉતાવળે ઉભો થઈને ચાલ્યો ગયો.
મગનની સાથે હીરા ઘસતા તમામ કારીગરોના મોં ખુલ્લા રહી ગયા.એ લોકોને માત્ર એટલું જ યાદ રહ્યું કે નાથો "સતવરે" રજા લઈને ચાલ્યો ગયો છે..
થોડીવારે મગન આવીને બેઠો.પણ કોઈએ કશું જ કહ્યું નહીં. આ ભણેલા લોકોનો કોઈને ભરોસો નહોતો. બન્ને હીરા ઉડી ગયા હોવા છતાં હીરા ઉડી ન શકે એ સમજાવવા માટે જે લાબું ભાષણ નાથાએ ભચડ્યું હતું એ હિપ્નોટીઝમની અસર નીચે જ જાણે બધા કારીગરો ચૂપ હતા !!
"ક્યાં ગયો મારો દોસ્ત..? " મગને બાજુવાળા ચંદુને પૂછ્યું. ચંદુએ જવાબ દેવાને બદલે પોતાનો હીરો ઘસવામાં જ ધ્યાન આપ્યું. એટલે મગન સમજ્યો કે નાથો બહાર આંટો મારવા ગયો હશે.
મગને તૈયાર હીરા ડબ્બીમાં મુકવા માટે જ્યારે ડબ્બી ખોલીને લેથ ઉપર જોયું તો ત્યાં પેલી હીરાની બેલડી ગેરહાજર જણાઈ.
મગનના પેટમાં ફાળ પડી. કારણ કે જો એક પણ હીરો કારખાનામાં ખોવાય તો આખા કારખાનામાં બ્રશ મારીને તમામ ધૂળ સુંપડીમાં ભેગી કરીને હીરો શોધવો જ પડે. જ્યાં સુધી હીરો ન મળે ત્યાં સુધી આખા કારખાનામાં બ્રશ મારવું જ પડે. મગને ઘણા કારીગરોને આવી રીતે બ્રશ ઘસડી ઘસડી આખો દિવસ પોતાનો હીરો શોધતા જોયા હતા. જો હીરો કિંમતી હોય તો કોઈપણ કારીગરને જવા દેવામાં આવતા નહીં. અને જો હીરો મળે જ નહીં તો કારખાનાના શેઠ એ હીરાની કિંમત ખોઈ બેસનાર કારીગરના પગારમાંથી વસુલ કરી લેતા. આ તો એક હીરાની વાત થઈ.અહીં તો બે તૈયાર હીરા ગુમ થયા હતા.
"મેં આયાં બે તૈયાર હીરા મુક્યાં હતા..એ આયાં નથી..." મગન ડરતાં ડરતાં બોલ્યો.
"હીરાના માથે પંખો ન'તો, ઈને પાંખું નો હોય, ઇ હવા કરતા હલકો હોય..અને ઇ ફૂંક મારવાથી નો ઉડે..તારો ઓલ્યો ભાઈબન્ધ અમને બુદ્ધિ વગરના ગણીને ભાગી ગયો સે..તારા હીરાને ફૂંક મારીને એણે ઉડાડી દીધા, અમે કીધું કે અલ્યા તેં હીરાને ઉડાડી દીધા..તો અમને લાબું લાંબુ સમજાવી ને વયો ગીયો.. " મનસુખે બળાપો ઠાલવતા કહ્યું.અને ઉભા થઈને મગનને સુંપડી અને બ્રશ લાવીને આપ્યું.
"હાલ, હવે ગોત તારા ડોહાંને..જો કઈ દવ સુ..હું બાર વાગ્યે મારી હાળીને દવાખાને લઈ જાવાની સે એટલે વ્યો જાશ. તારે બાર વાગતાં પેલા હીરા ગોતી લેવા પડશે, શુ સમજ્યો ? અને હવે પછી કોય દી ઓલ્યા ભણેશરીના દીકરાને આંય કારખાનામાં હારે લાવતો નહીં નકર આ વખતે તો હીરા ઉડાડયા સે, પણ હવે આવશે તો તને'ય ઉડાડી મૂકે એવો મુવો સે, હાળો !"
બિચારો મગન ! પોતાની જગ્યાથી માંડીને આખા કારખાનામાં બ્રશ મારી મારીને થાકી ગયો.એણે ક્યારેય બ્રશ માર્યું નહોતું. એને આવડતું પણ નહોતું.આખરે જેન્તી એની વ્હારે આવ્યો.એના અનુભવથી એને જ્યાં હીરા પડ્યા હતા એ લેથ મશીનના ખાંચામાં ચિપીયો નાખીને તે ખાંચામાં પડેલો કચરો હળવેથી હથેળીમાં લીધો અને એની આંખ ચમકી ! નાથાએ ઉડાડેલા બન્ને હીરા જેન્તીની હથેળીમાં જાણે કે એકબીજાને ભેટીને પડ્યા હતા !!
રડું રડું થઈ ગયેલો મગન જેન્તીને ભેટી પડ્યો. કારણ કે જ્યારે મગન બ્રશ મારતો હતો ત્યારે આખા કારખાનાના કારીગરો એની હાંસી ઉડાવી રહ્યા હતાં.
"આ ભણેલો...એનો ભાઈબંધ પણ ભણેલો..હવા કરતા હીરો હલકો ન હોય એટલે નો ઉડે..."
"અલ્યા ભાઈ ભારે ધાતુ કે'વાય..તમને સમજણ નથી.."
"હં.. કં.. અ... વિજ્ઞાનમાં એવું કંઈક આવતું'તું હો..હીરો ધાતુ નથી..અધાતુ સે..એટલે ઘંહવો પડે. પણ ઇ ઉડે ખરો ?"
"અલ્યા ડોબા પાંખું હોવી જોવે અથવા પંખો હોવો જોવે..."
જેટલા કારીગરોએ નાથાનું ભાષણ સાંભળ્યું હતું એ તમામ કારીગરોએ મગનની પત્તર ઠોકી નાખી. બિચારો લેથના બાંકડા નીચે, કારીગરો જે પાટલા પર બેઠા હોય એ પાટલા નીચે..કારખાનાની ઈંચે ઈંચ જગ્યામાં બ્રશ ઘસીને ધૂળ એકઠી કરી રહ્યો હતો. જે કારીગરને પાટલો ખસેડવાનું કહે એ કારીગર ઉપર મુજબ ટોન્ટ મારીને હસી રહ્યા હતા. છતાં ખૂબ જ ધીરજથી મગન બ્રશ મારી રહ્યો હતો.એને પોતાના નાદાન દોસ્ત નાથા ઉપર જરાય ગુસ્સો આવ્યો નહીં. પણ હીરા મળતા ન હોવાથી અને દેડકાને કાગડાઓ ચાંચ મારી મારીને ઘાયલ કરે એમ જ આ કારીગરો પોતાની હાંસી ઉડાવતા હોવાથી મગનની આંખમાં આંસુ આવી ગયા. બરાબર એ જ વખતે
જેન્તીએ એને હીરા શોધી આપ્યા અને મગનને જાણે કે ઊંડા જળમાં જેન્તીએ ડૂબતો બચાવ્યો હોય એટલી ખુશી થઈ અને એ જેન્તીને ભેટી પડ્યો.
"ખૂબ ખૂબ આભાર દોસ્ત...સારું કર્યું તેં આ હીરા અહીંથી શોધ્યા..નકર આજ મારું શું થાત."
મગને જેન્તીની પીઠ થાબડતા કહ્યું.
"વિજ્ઞાનની ચોપડી ઘરે મૂકીને આવાય. તારા ભાઈબંધને કેજે કે વાવાઝોડું આવે ત્યારે મોટા મોટા ઝાડવા'ય ઉડવા માંડે.પતરાં'ય ઉડે..મકાનના છાપરા'ય ઉડે..ઇ હંધાય હવા કરતા ભારે ધાતુના જ હોય..હાલી જ નીકળો સો ? ભણ્યા પણ ગણ્યા નહીં.. પાછા અમને બુદ્ધિ વગરના હમજો સો ? અમને બુદ્ધિ સે એટલે જ અમે સાનામાના આ હીરા હારે જાત ઘંહીને રૂપિયા પેદા કરઇ છઇ હમજ્યો ?" મનસુખે મગનની ખુશી એક પળમાં ઝૂંટવી લીધી.
કશું જ બોલ્યા વગર એણે પોતાની જગ્યા પર બેસીને તૈયાર હીરા ડબ્બીમાં મૂક્યાં. અને બીજા કાચા હીરાનો ઘાટ કરવા લાગ્યો.
થોડીવારે નાથો બહાર આંટો મારીને મગન પાસે આવીને બેઠો. એને જોઈને લેથ મશીનો પર બેઠેલા મનસુખ સહિતના તમામ કારીગરો ખડખડાટ હસી પડ્યા.
"હવા કરતા ભારે ધાતુ આવી ગઈ પાછી હો..ઉડી નહિ..સાચું..સાચું."
(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED