Mathabhare Natho - 9 books and stories free download online pdf in Gujarati

માથાભારે નાથો - 9


"ના, નાથા ના..હું કાંતાભાભીના ઘેર કોઈ કાળે જમવા આવીશ નહીં. અને તને પણ જવા નહીં દઉં. આ, તેં જે જાળમાં કાંતાને ફસાવી એ બ્લેકમેઇલિંગ કહેવાય એનું તને ભાન છે ? અને તું હાળા પચાસ રૂપિયા એની પાસેથી લઈ આવ્યો ? નાથા...નાથા...તારે છે કેટલા માથા..! ડફોળ કોઈની મજબૂરીનો લાભ લેવાય ? આવા છે તારા સંસ્કાર ? ઇ ભલે એના કોઈ યાર સાથે રંગરેલીયા મનાવે, આપણને કોઈ અધિકાર નથી કોઈની અંગત જિંદગીમાં માથું મરવાનો સમજ્યો ? જો મને દોસ્ત માનતો હોય તો જા..અત્યારે જ ના પાડી આવ...અને ખબરદાર કોઈ દિવસ આવું વિચાર્યું છે તો ! તું સાલ્લા એ તો વિચાર કે તારો બાપ કોણ છે ? તારું ખાનદાન કોણ છે ? આપણે ઉઠીને આવા ધંધા કરીશું ? બ્લેકમેઇલિંગના ?અને એ પણ કોનું, એક બિચારી અબળાનું ? શુ વાંક છે એનો ? અને હોય તો પણ તારે શુ ? તું અહીં સુરતમાં, આ કરવા આવ્યો છો ? જા ઝટ, એ બિચારી રાંધી નાખે એ પહેલાં ના પાડી આવ, અને આ લે પચાસ રૂપિયા એને પાછા પણ દેતો આવ.." કહીને પચાસ રૂપિયાની નોટનો મગને ઘા કર્યો. નાથાની વાત સાંભળીને એ ખૂબ ગુસ્સે થયો હતો. જમવાની મુશ્કેલી તો હતી જ પણ આવી રીતે કોઈની મજબૂરીનો લાભ લઈને જમવાનું એને માફક આવે એમ નહોતું.
નાથાને પણ પોતાની ભૂલ સમજાઇ. એ પચાસની નોટ લઈને રૂમ બહાર નીકળ્યો. જેન્તી હજી નહોતો આવ્યો, એટલે નાથાએ મગનને પોતાનું પરાક્રમ જણાવ્યું અને એ સાંભળતા જ મગન ખીજાયો હતો.
"ક્યાં ગયા કાંતાભાભી, આ લો તમારા પચાસ રૂપિયા..અને મેં તમને આજે બપોરે જે વાત કરી એ કેન્સલ. હું તો ખાલી મશ્કરી જ કરતો હતો. તમે કોઈ ટેંશન નો લેતા, આઈ એમ રિયલી સોરી..પણ અમે જમવા નહીં આવીએ...'' રસોડામાં રસોઈ કરતી કાંતા ઘડીભર નાથાને ગુસ્સાથી તાકી રહી. નાથો પચાસની નોટ મૂકીને પાછો વળ્યો એટલે કાંતાએ કહ્યું , "ઉભા રો..નાથાભાઇ..તમે અને મગનભાઈ જે વાતું કરતા'તા ઇ હંધુય હું સાંભળી ગઈ છું, મગનભાઈ તો દેવતા જેવો માણસ છે એણે તમને'ય સમજાવ્યા. બહુ સારું કર્યું, પણ હવે મેં મોટાભાગનું રાંધી નાખ્યું છે..એટલે આજ તો જમવા આવવું જ પડશે. અને હું તમને પરાણે પરાણે થોડા'ક દિવસ જમાડેત ખરી પણ જમવામાં દવા ભેળવીને તમને બેયને બીમાર પાડી દેવાની હતી હું...! પણ મગનભાઈની વાત સાંભળીને મારું મન ફરી ગ્યું છે, હવે તમારે જો રોજ જમવું હોય તો'ય પ્રેમથી જમાડીશ, જાવ..બોલાવો મગનભાઈને...તમારી જેવા સાચા માણસો ક્યાં રિયા જ છે...."
કાંતાની વાત સાંભળીને નાથો ખુશ થયો. અને મગન પણ રૂમની બહાર આવ્યો.
"આ નાથીયાએ તમારી સાથે જે વાત કરી એ માટે, એના ભાઈબંધ તરીકે હું માફી માંગુ છું ભાભી, તમારી લાઈફ છે, તમે એન્જોય કરી શકો છો, અમારો જરા પણ ડર રાખતા નહીં. પણ તમે જે માર્ગે જઇ રહ્યા છો એ માર્ગ આગળ જતાં દુઃખની ખાઇમાં પૂરો થશે, પરિણામનો વિચાર કરી જોજો, મને, તમને સલાહ દેવાનો કોઈ હક્ક તો નથી પણ એક સારા પાડોશી તરીકે કહું છું. આવા સંબધોને અમથા જ કંઈ આડા સંબધો નથી કીધા. તમારા પતિને ખબર પડશે તો શું થશે એ વિચારી જોજો. કબૂતર જ્યારે બિલાડીને જુએ ત્યારે આંખ બંધ કરી લેતું હોય છે અને એમ સમજતું હોય છે કે મને હવે બિલાડી જોઈ નહીં શકે ! પણ આખરે એ બિલાડીનો શિકાર બનીને જીવ ગુમાવે છે. તમારા કિસ્સામાં તમે કબૂતર છો અને સમાજ, બિલાડી !! તમે કલ્પના પણ નહીં કરી હોય કે રમણનું તમારા ઘરમાંથી અને નાથાનું ટોઇલેટમાંથી નીકળવાનું અડધી રાત્રે એક સાથે જ બનશે..નાથાની જગ્યાએ બીજું કોઈ પણ હોઈ શકે છે.. છતાં જેવી તમારી મરજી..માફ કરશો વધુ પડતું કાંઈ કહેવાય ગયું હોય તો..." પછી નાથાને ઉદ્દેશીને કહ્યું
"તું શું ડોબાની જેમ ખોડાઈ રહ્યો છો આયાં..હાલ આમ..જમવા જવાનો ટાઈમ થયો છે.."
નાથો અને કાંતા મગનની વાકધારામાં ડૂબી ગયા હતા. નાથો પાળેલા કૂતરાની જેમ મગનની હાંક સાંભળીને કાંતાના રસોડામાંથી બહાર આવ્યો. કાંતા પણ મગનને અહોભાવથી તાકી રહી હતી.
"મગનભાઈ, આવી સાચી સમજણ મને અભાગણીને કોણ આપે ? આજથી તમે મારા ગુરુ..પણ તમને આ નાથાભાઇના સમ છે જો આજ મારા ઘરે જમવા નો આવો તો ! અને તમારે રોજ જમવું હોય તો પણ તમારી સગ્ગી ભાભીની જેમ તમને જમાડીશ..અને તમારી વાત યાદ રાખીશ.હું તો ગામડાની અભણ છોકરી છું, નાનપણમાં હારે રમતા રમતા રમણીયા હારે જીવ મળી ગ્યો'તો..પણ મારા બાપુ ધરાર માન્યા નહીં.. મને તમારા ભાઈ હારે પરાણે પૈણાવી..પછી રમણીયો પણ હીરા ઘહવા આયાં સુરત આવ્યો અને ક્યારેક તમારા ભાઈ ગામડે જાય ત્યારે મને મળવા આવે છે..પણ તમે જે વાત મને સમજાવી ઇ અમે સમજશું...
પણ જમવા તો તમારે આવવું જ પડશે..."
"મગના...કાંતાભાભી બહુ કેય છે તો..." નાથાને ભીંડાના શાકની સુગંધ આવતી હતી.
" સારું..તમારી બહુ ઈચ્છા હોય તો આજ જમીએ.."
કાંતા અને નાથો રાજી થયા. તે રાત્રે કાંતાના પતી સાથે મગન અને નાથાની ઓળખાણ થઈ.કાળુ એકદમ સરળ સ્વભાવનો હતો અને કાંતનો પડ્યો બોલ ઉઠાવતો હતો. કાંતાએ કહ્યું કે પાછળની રૂમમાં બે ભાઈઓ રહે છે એમને આજ જમવા બોલાવ્યા છે,અને તમે હા પાડો તો એમને જમવા રાખું..લોજના પૈસા એ લોકો આપી દેશે..
કાળુએ તરત જ હા પડતા કહ્યું, "તારાથી થાય તો કર..નહિતર એવી કાંય જરૂર નથી..."
"ભલેને આવતા, બીસાડા.. હેરાન થાય છે, આપણે ક્યાં મફત ખવડાવવું છે, આતો શુ કે એમની બીસાડાવની સગવડ હચવાય.. અને ભણેલા છે તે તમને ક્યારેક કામ આવશે.."
કાળુને પણ નવાઈ લાગી. આ કાંતાની જીભ ઉપર ક્યારેય આટલી મીઠાશ ભાળી નથી..કોણ જાણે કેમ વાંહેવાળા ઉપર દયા આવી..!!
પણ જ્યારે એ મગન અને નાથાને મળ્યો ત્યારે એને પણ બન્ને સારા માણસો લાગ્યા.
અને બીજા દિવસથી કાંતાએ મગન અને નાથાની જમવાની ચિંતા દૂર કરી દીધી. રમેશને તો એના ગામના જ એક ભાઈને ત્યાં સારું જમવાનું મળી રહેતું હતું.
કાંતા ઘણીવાર બન્નેના કપડાં પણ ધોઈ આપતી. મકાનમાલિકની પત્ની સાથે પણ કાંતાએ સંબધ સુધાર્યો હતો. અને મગનની સમજાવટથી ગેલેરી સાફ કરવાની જવાબદારી કાંતાના માથેથી હટાવી લેવામાં આવી હતી. છતાં કાંતા ગેલેરી પ્રેમથી સાફ કરી નાખતી હતી.
"કામ કરવાથી ક્યાં કોઈ મરી જાય છે, આતો પરાણે કરાવે તો નો જ થાય..હારાહારી રાખે તો તો આ કાંતા એનું ઘર પણ સાફ કરી દે એવી છે.."એમ કહી કાંતા હસી પડતી. ક્યારેક નાથો પણ હસીમજાક કરી લેતો.
* * * * * * * * * * * * * *
નાથા અને મગનની કોલેજ રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી. બન્નેએ બસનો પાસ પણ કઢાવી લીધો હતો.બપોર પછી મગન હીરા ઘસવા જતો હતો.અને નાથાને કોઈ જગ્યાએ હીરાના કારખાનામાં મન લાગતું નહોતું. આખરે એણે રમેશ સાથે ટ્યુશનમાં છોકરાઓને ભણાવવાનું કામ શરૂ કર્યું. મગનને થોડો ઘણો પગાર પણ મળવો શરૂ થયો હતો એટલે એનો ખર્ચ નીકળતો હતો.નાથો ગામડેથી પૈસા મગાવી લેતો હતો.ક્યારેક મગન આપતો. કાંતા ખૂબ સરસ રસોઈ બનાવીને જમાડતી હતી.
-------*-------*-----*-------*------*
એક રાત્રે રમેશની આ રૂમના દરવાજે ટકોરા પડ્યા. મગન,રમેશ અને જેન્તી તો ગાઢ નિદ્રામાં હતા, એટલે નાથાએ ઉઠીને બારણું ખોલ્યું.ગેલેરીના નાનકડા લેમ્પનું આછું અજવાળું બહાર રેલાતું હતું. નાથાએ રૂમની બહાર આઠ દસ જણને જોયા.એટલે તરત જ બારણું બંધ કર્યું.અને અંદર લાઈટ ચાલુ કરીને ઘડિયાળમાં જોયું. જેન્તીની વહુ આણામાં લાવી હતી એ ઘડિયાળ રાત્રીના દોઢ વાગ્યાનો સમય બતાવતી હતી.
નાથાએ મગનને ઉઠાડ્યો.બારણાં પર ફરીવાર ટકોરા પડતા હતા.
"મગના, બા'ર આઠ થી દસ જણ ઉભા છે અને બારણું ખખડાવે છે..ખોલું કે નહીં ?"
"આઠ-દસ જણા..? ભૂલમાં આયાં આવી ગયા હશે..પૂછ તો ખરો કે કોનું કામ છે..?"
નાથા અને મગનનો અવાજ સાંભળીને રમેશ અને જેન્તી પણ જાગી ગયા. બહાર ઉભેલા લોકોમાંથી એકજણ હળવે હળવે ટકોરા મારતો હતો.
"કોણ છે ? કોનું કામ છે ?" નાથાએ જરા ગુસ્સાથી પૂછ્યું.
"અરે ભાઈ બારણું તો ખોલ રમેશનું કામ છે..અમારે.." બહારથી ધીમો અવાજ આવ્યો.
નાથાએ રમેશ અને મગન સામે જોયું.
"ખોલ, વાંધો નહીં.. અલ્યા રમલા તારા સગા લાગે છે.." મગને કહ્યું એટલે નાથાએ દરવાજો ખોલ્યો.
એક પછી એક દસ જણ જેન્તીની નાનકડી રૂમમાં આવી ભરાયા. જેને જ્યાં જગ્યા મળી ત્યાં ચૂપચાપ બેસી ગયા. દરેકના ચહેરા ડરામણા હતા. વાળ વિખાયેલા, કપડાં પણ અવ્યવસ્થિત અને જાણે સ્મશાનમાં કોઈ નજીકના સગાને બાળીને આવ્યા હોય એવા દરેકના મોં હતા. જાણે જીવતા પૂતળાઓ હોય એમ બધા જેન્તીની રૂમમાં ગોઠવાયા.
નાથો, મગન અને જેન્તી જડની જેમ જોતા રહ્યાં. કોઈને કાંઈ સમજાતું નહોતું. રમેશ એકજણ સામે ઘુરકી રહ્યો હતો. આખરે એ બોલ્યો..
"શુ છે અલ્યા રાઘવા..આટલા બધાને લઈને કેમ આવ્યો છો ?અત્યારે રાતનો દોઢ વાગ્યો છે, કોણ છે આ બધા.."
"કાંઈ નહીં.. રમેશ પેલું પડીકું મેં તને સાચવવા આપેલું...એ..એ.."
રાઘવ રોતલ અવાજે બોલ્યો.
એ માગતો હતો એ પડીકું રમેશ ન આપે એવી કદાચ એની ઈચ્છા હતી એટલે એ માથું ધુણાવતો હતો. કોઈને કશી સમજ પડતી નહોતી..
"આમ અડધી રાત્યે આવા પડીકા માગવા આટલા બધા હાલ્યા આવો છો...કાંઈ શરમ જેવું છે કે નહીં..."નાથો ખીજાયો. મગને તરત જ એનો હાથ પકડ્યો અને ચૂપ રહેવા ઈશારો કર્યો.
"હશે ભાઈ, તમારી એક રાતની ઊંઘ બગડી છે,અમારી તો ઊંઘ સાવ હરામ કરી નાખી છે આ રાઘવાએ...હાલ્ય અય..જલ્દી પડીકું લઈ લે..આ લોકોને સૂવું હોય.." પેલા લોકોમાંથી એક જણ બોલ્યો. પછી એને રમેશને કહ્યું, "તમે રમેશ માસ્તર છો ? સોરી હો સાહેબ તમારી અને તમારા આ દોસ્તોની ઊંઘ બગાડી છે અમે. પણ એમાં અમારો કોઈ વાંક નથી. મહિધરપુરા હીરાબજારમાં મારી હીરાની ઓફીસ છે, તમે જે માલ સંતાડયો છે એ મારો છે અને આ બધાના પડીકા તમારા આ દોસ્તારે અલગ અલગ જગ્યાએ સંતાડયા છે, આવા દોસ્ત રાખો તો અડધી રાત્રે ઊંઘ બગડે. તમે સાવ સીધી લીટીમાં છો એટલે અમારે બીજું કાંઈ કરવાનું નથી, નહીંતર ચોરીનો માલ સંતાડવાના ગુના બદલ તમે પણ જેલના સળિયા ગણતા થઈ જાવ. હવે ઝટ ઉભા થાવ અને એ પડીકું આપી દો એટલે અમે આ રાઘવાને લઈને બીજી જગ્યાએ ઉપડીએ..."
"હેં.. એ...રાઘવા...હાળા આવા ધંધા કરછ ? ડફોળ.."
"ઇ પડીકું તારી પાંહે છે તો ખરું ને..? કે કોઈને આપી દીધું છે..?" રાઘવ રમેશને પડીકું ન આપવા માટે આવા સવાલ કરતો હતો. મગન, નાથો અને જેન્તી સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. રાઘવનો ચહેરો સફેદ પુણી જેવો થઈ ગયો હતો અને એ આંખથી સતત એવા ઈશારા કરતો હતો કે રમેશ "પડીકું અહીં નથી એમ કહી દે.." પણ રમેશ એવા ઈશારા સમજ્યો નહીં. પણ એની સાથે આવેલામાંથી એક જણ સમજી ગયો.એણે ઊભા થઈને રાઘવને જોરથી એક તમાચો ખેંચી કાઢ્યો..
"@#$%&ના, તું વધુ પડતો વાઇડીનો થતો નહીં..@#$@!ના અમે તને પોલીસમાં નથી સોંપતા એ અમારી ભલમનસાઈ છે, એક તો અમારો માલ ચોરી ગ્યો છો અને હજી આ માસ્તરને ઈશારા કરે છે ? " પછી રમેશને કહ્યું
"ઓ માસ્તરસાહેબ, ટાઈમ બગડ્યા વગર માલ કાઢી દો ને ભાઈ.. નકામું તમે ઠોકાઈ જ્હો.."
"આ લોકોની વાત સાચી છે રાઘવા..? આ પડીકું ચોરીનો માલ છે ?" રમેશ હજુ માની શકતો નહોતો કે એનો ખાસ દોસ્ત, રાઘવ કે જેણે પોતાને ખૂબ સાચવ્યો હતો એ આવો ચોર હોઈ શકે !
"અલ્યા આ માસ્તર પાછો લપ નહી મૂકે,અમે કાંઈ નવરીના નથી કે આટલી રાત્રે તારા આ ભાઈબંધની જાન લઈને નીકળીએ.
છાનીમાનીનો જલ્દી માલ આપી દે..નહિતર તને'ય ઉપાડવો પડશે.."
પેલા લોકોની અધીરાઈ વધતી જતી હતી.અને રમેશ હજુ એક્ટિવ થતો નહોતો. પણ ઉપર પ્રમાણે ધમકી સાંભળીને આપણો નાથો ઝાલ્યો રહે ખરો ? પણ મગને એને બ્રેક મારી રાખી હતી. આવા મામલામાં સમજ્યા વગર કૂદકો મારવાનું પરિણામ ભયાનક આવી શકે એ સમજણ નાથાને નહોતી.
"તમે જે હોય તે, પણ સભ્યતાથી વાત કરજો. રમેશ એકલો નથી, અમે અહીં બેઠા છીએ.." નાથાથી ન રહેવાયું.
"અમને ખબર છે ભાઈ..તું શાંતિ રાખ. તમને લોકોને કારણ વગર હેરાન કરવામાં અમે પણ માનતા નથી. પણ લાખો રૂપિયાનો સવાલ છે, આ @#%##નો અમારો માલ વેચવાના બહાને હીરાના પેકેટ ચોરી ગયો છે..એટલે મહેરબાની કરીને તમે ઘડીક શાંતિ રાખજો..અમારી સાથે માથાકૂટ કરીને તમે ખોટા હેરાન થઈ જશો..પોલીસના લફડામાં ન પડવું પડે એટલે આમ જાતે પતાવીએ છીએ..સમજ્યો.."
પેલાએ નાથાને ડોળા કાઢીને કહ્યું.
આખરે રમેશ ઉભો થયો. બારણા પાછળ ટીંગાડેલો એક બગલથેલો એણે ઉતારીને એમાંથી જુના કપડાં, કેટલાક પુસ્તકો અને કાગળના ડુચાઓ બહાર કાઢ્યા.છેક તળિયે ગોટો વાળીને મુકેલા એક પેન્ટના આગળના ભાગમાં રહેલી નાની એવી ખીસ્સી માંથી એને એક કાગળનું સેલોટેપ મારેલું પડીકું કાઢ્યું અને રાઘવને આપવા હાથ લંબાવ્યો. પણ રાઘવ હાથ લાંબો કરે એ પહેલાં જ એક જણે રમેશના હાથમાંથી ઝૂંટવી લીધું. એ સાથે જ બધા ઉભા થઈને જેમ આવ્યા હતા એમ જ ફટાફટ ચાલ્યા ગયા. છેલ્લા બે જણે રાઘવને બન્ને બાજુએથી કસકસાવીને પકડ્યો હતો. એમાંથી એક જણ જતાં જતાં બોલ્યો, " માસ્ટર, તારો આભાર. પણ હવે પછી આવા હીરા કે ઝવેરાત તારો કોઈ ભાઈબંધ સાચવવા આપી જાય તો સાચવતો નહીં, લેવા દેવા વગરનો જધાઈ જઈશ સમજ્યો ? છાનો માનો છોકરા ભણાવ્યા કર...!''
રમેશ સહિત કોઈએ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. એ લોકો ચાલ્યા ગયા હોવા છતાં રૂમમાં હજુ સોપો પડેલો હતો. મગન,નાથો અને જેન્તી, બગલથેલામાં સામાન ભરતા રમેશ તરફ જોઈ રહ્યા હતા. આખરે જેન્તીએ ઉભા થઈને દરવાજો બંધ કર્યો અને રમેશને કહ્યું..
"ભલામાણસ, મને તો વાત કરવી'તી.. યાર મને તો ઇ પડીકું બતાવવું હતું ? ક્યારે આ રાઘવો તમને આ માલ આપી ગ્યો'તો ?"
"વિશ્વાસ એક ચીજ હોય જેન્તી..
ઇ આવો ચોર હશે, એ વાત હું હજી માની શકતો નથી..રાઘવ એટલે ભગવાનનો માણસ.. કોઈ દી એ આવા ધંધા નો કરે. એક દિવસ એ સ્કૂલ પર મને મળવા આવ્યો હતો.અને આ પડીકું મને આપીને એણે એમ કહ્યું હતું કે મારે ભાગીદારીમાં લોચો પડ્યો છે, આ હીરા મારા છે, જો મારા ભગીદારને ખબર પડે તો આ હીરામાં પણ એ ભાગ માગે..એટલે તું મારો દોસ્ત છો, અને મને તારી ઉપર પૂરો ભરોસો છે. તું આ માલ સાચવીને તારી પાસે રાખજે.થોડા
દિવસો પછી હું લઈ જઈશ.એટલે મેં આ પડીકું લઈ લીધું અને આ બગલથેલાના તળિયે મૂકી દીધું. લગભગ ત્રણ ચાર મહિના પહેલાની આ વાત છે. " રમેશે વાત પૂરી કરી એટલે જેન્તીએ કહ્યું.
"મને એકવાર બતાવ્યું હોત તો એ કેટલા હીરા છે અને કેટલા રૂપિયાના થાય એ આપણે જાણી શકેત.."
"પણ એ જાણીને'ય શુ કામ હતું. મારા દોસ્તની અમાનતમાંથી એક હીરો પણ હું કોઈને અડવા નો દઉં.
એને કેટલો ભરોસો હશે મારી ઉપર કે લાખો રૂપિયાની કિંમતના હીરા મને સાચવવા આપી ગયો.."રમેશે પોતાની દોસ્ત તરીકેની ફરજ અદા કરી હતી.
"એ તારો ઉપયોગ કરી ગયો..તું સાવ ડોબા જેવો છો, એણે તને એમ કહ્યું કે આ હીરા એના પોતાના છે અને એનો ભાગીદાર એમાં ભાગ માગે એટલે એ તને આપવા માંગતો હતો બરાબર ? "
મગને રમેશને કહ્યું.
"હા, બરાબર..એમ જ એણે કીધું'તું" રમેશે કહ્યું.
"તો તને એમાં કંઈ શંકા ન પડી ? ભાગીદાર હોય એની સાથે લોચો પડ્યો હોય અને આ ભાઈ આવી રીતે હીરા તને આપી જતો હોય તો તારામાં બુદ્ધિ હોય તો તારે તરત જ સવાલ કરવો જોઈએ..કે શા માટે તારો ભાગીદાર તારી ઉપર શંકા કરે છે ? તું એને કહી દે ને કે આ હીરા તું ક્યાંથી અને કેવી રીતે લાવ્યો છો ? ભાગમાં ધંધો કરતા હોય તો ભગીદારને દરેક બાબતનો ખ્યાલ હોવો જ જોઈએ, અને જે વ્યક્તિ હિસાબ કિતાબ રાખતો હોય એની જવાબદારી છે કે એ પારદર્શક વહીવટ કરે. હિસાબ એક એવી ચીજ છે જે ભાગીદારી તોડી પણ શકે અને વરસો સુધી ટકાવી પણ શકે..સારું ચાલો હવે ઘોંટો.. જે થયું તે.." મગને ભાગીદારી ઉપર લેક્ચર ઠોકયું અને પોતાની પથારીમાં પડખું ફરીને સુઈ પણ ગયો. જેન્તીને હજુ પણ એ હીરા જોવાની ઈચ્છા હતી અને માસ્તરે પોતાને આટલો વિશ્વાસપાત્ર ન ગણ્યો એનો અફસોસ પણ થતો હતો.જેન્તીને એવા પણ વિચાર આવ્યા કે આ બગલથેલો તો માસ્ટર અહીં રહેવા આવ્યા ઇ વખતથી બારણાં પાછળ ટીંગાતો હતો.ક્યારેક મેં આ થેલો વીંખ્યો હોત અને મને એ પડીકું મળ્યું હોત તો ? આ હા હા.. કેટલા કેરેટ હીરા હશે ? જાડા હશે કે પતલા ? એ હીરાનો ઘાટ કરીને પછી તળિયા મથાળા મારીને માલ રેડી કરીને બજારમાં વેચ્યો હોત તો ઇની માને આ માસ્તરને સાતસો રૂપરડીની નોકરી અને આ પચા પચા રૂપિયાના ટુશન વાળા સોકરાવ હારે ધડીકા નો લેવા પડેત. ચાર પાંચ લાખનો માલ મળી ગયો હોય તો હું'ય આવું એક મકાન લઈને ઉપર રેવા મંડુ. અને આ બિચારા મગન અને નાથાને પણ હીરાના ધંધામાં ભાગીદાર બનાવી દઉં. મગન તો ભારે હોશિયાર છે અને આ નાથો ગમે ઇનો કાંઠલો ગમે તયારે ઝાલીને બે અડબોથ ઠોકી દે એવો છે. ભાગમાં કારખાનું કર્યું હોય તો સાલું ભારે કમાણી થાત અને પછી ઇની માને આ સાઈકલનું ઠોઠીયું થોડું હું ઢહડું ?
મારા બનેવી, છગન પટેલ ભલે સ્કૂટર ફેરવતા પણ આ જેન્તી તો બુલેટ જ લે હો..અને ઇની માને આ કાંતા જેવીને નીચેની રૂમ ભાડે આપી હોય અને પછી આપડે પૈસા ફેંકીએ તો ઇ શાની ના પાડે હેં ? હાળી જમાવટ છે પણ આ માસ્તરીયું આયાં રે'વા આવ્યું એમાં મારો મેળ વીંખાઈ ગ્યો.. નકર ચયારેક ચયારેક તો સામું જોઈને દાંત કાઢતી'તી. બયરૂ ખાટલા ઉપર જાય ત્યારે હાળું બીજે ક્યાંક લંગર નાખ્યું હોય તો મજો જ પડી જાય..પણ આ માસ્તરે મને હાલાએ પડીકું બતાવ્યું નહીં..
જેન્તીની કલ્પનાના ઘોડાઓ સવાર સુધી દોડ્યા.રમેશને પણ ઊંઘ આવી નહોતી. નાથાએ પણ થોડીવાર પડખા ઘસ્યા. એક માત્ર મગન દસ જ મિનિટમાં નસકોરા બોલાવતો હતો.
સવારે ઉઠીને તરત જ જેન્તી બોલ્યો, "માસ્તર.. માસ્તર.. તમે તો ભારે કરી..યાર એકવાર તો મને બતાડવા'તા..''
"અલ્યા જેન્તીયા તે તો હવે પત્તર ઠોકી છે..એકધારો ચોટયો છે હાળો. ઓલ્યા રાઘવાનું શુ થયું હશે અને હકીકતમાં એણે ચોરી કરી છે કે આ કોઈ લુખ્ખાઓની ગેંગ એની પાછળ પડી છે એ તપાસ કરવી પડે..જો રાધવો, આ રમેશ કહે છે એમ ભગવાનનું માણસ હોય તો બિચારાને છોડાવવો પડે. રમેશનો દોસ્ત એ આપણો દોસ્ત. અને ખરેખર એણે ચોરી જ કરી હોય તો રમલા તારે જઈને બે લાફા તો ઠોકવા જ જોઈએ.."નાથાએ જેન્તીને સવાર સવારમાં જ લઈ નાખ્યો.
"નાથાની વાત સાચી છે..રમેશ તું તપાસ તો કર, રાઘવના ઘેર જા, એ ઘરે પહોંચ્યો છે કે નહીં. જો એ બિચારો સાચો હશે અને આ લોકો લુખ્ખાઓ હશે તો તો બધો માલ લઈને કદાચ..."મગને વાક્ય અધૂરું રાખ્યું એટલે રમેશ ચોંકયો.
"એટલે તું શું કહેવા માગે છે..રાઘવને એ લોકો મારી નાખે એમ ?"
"કંઈ કહેવાય નહીં યાર..લાખો રૂપિયાની વાત હોય અને એની પાછળ ભૂખ્યા સાવઝ જેવા દસ જણ પડી ગયા હોય તો કંઈ પણ બની શકે..તું જા એના ઘેર અને તપાસ કર.." મગને શંકા રજૂ કરી.
"મને તો ઈચ્છા હતી કે મામલો અહીંયા જ પતાવી દઈએ પણ તેં મને બોલવા નો દીધો.." નાથો બોલ્યો એટલે મગન તરત જ ખીજાયો, "તું છાનો માનો બેસને..આ રેસિડેન્ટ સોસાયટી છે, રાત્યે આવા ડખા કરો તો રાત્રે ને રાત્રે જ આ જેન્તીયાના પટેલ આપડને કાઢી મૂકે. અને એ લોકો દસ જણ હતા, આપડે ચાર જણ એ લોકોનું કાંઈ બગાડો ના શકીએ. તારી જેવા તો એના @#$ હોય ડફોળ.."
નાથો જવાબ આપ્યા વગર ન્હાવા બાથરૂમમાં ઘુસી ગયો.
રમેશ તે દિવસે સ્કૂલમાં રજા મૂકીને કતારગામ ગયો. કતારગામની કોઈ સોસાયટીમાં એક મકાનના ઉપરના માળે પાડેલી સિંગલ રૂમોમાં એક રૂમ રાઘવની હતી. એ રૂમ પણ જેન્તીની રૂમ જેવી જ હતી. રમેશ પહોંચ્યો ત્યારે સવારના દસ વાગ્યા હતા.
રમેશ, સુરતમાં નવો નવો આવ્યો હતો ત્યારે આ જ રૂમમાં રાઘવ સાથે રહયો હતો.રાઘવની ઘરવાળી નિતાભાભી પણ ખૂબ સારા સ્વભાવની હતી.સગા દિયરની જેમ એણે પોતાને સાચવ્યો હતો.અને રાઘવ તો વાપરવા પૈસા પણ ઘણીવાર આપતો. સવારે રાઘવ વહેલો કામ પર જતો ત્યારે રમેશ અને રાઘવની પત્ની બન્ને એકલા જ રહતા. કેટલો ભરોસો હતો રાઘવનો પોતાની ઉપર..અને નીતાભાભી પણ કેવી હેતાળ..! રમેશને એ બધું યાદ આવ્યું.
"અરે..રમેશભાઈ.. તમે ? આવો આવો..કેટલા દિવસે આવ્યા ? કેમ હમણાંથી આવતા જ નથી.ગયા રવિવારે મેં ભજીયા બનાવ્યા'તા.
અમે તમને ખૂબ યાદ કર્યા. એમ થયું કે આવ્યા હોત તો વરસાદમાં ભજીયા ખાવાની કેવી મઝા આવેત ?"
"હા, ભાભી.. રવિવારે હવે નથી અવાતું." રમેશે ચપ્પલ કાઢીને અંદર પલંગ પર બેસતાં કહ્યું.
"રાઘવ બજારમાં ગયો છે ?" નિતાએ આપેલો પાણીનો ગ્લાસ લેતા રાઘવે પૂછ્યું.
"એ તો મુંબઈ ગયા છે...આજ ત્રણ દિવસ થઈ ગયા.. બજારમાં એમની હારે એકભાઈ જાય છે એ કહેવા આવ્યા હતા, જો માલ વેચાઈ જશે તો લગભગ કાલે આવતા રહેવાના છે..." નિતાએ ભોળાભાવે કહ્યું. રમેશના પેટમાં ફાળ પડી.એનું મોં સાવ ઉતરી ગયું. મહામહેનતે એને ડરના ભાવો છુપાવી રાખ્યા...
(ક્રમશ :)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED