પ્રેમ કે પ્રતિશોધ-36
(આગળના ભાગમાં જોયું કે અર્જુનને વિનયનો મોબાઈલ અને એક ચીઠ્ઠી મળે છે. વિનયની આંખ ખુલે ત્યારે તે એક ખુરશીમાં બંધાયેલી અવસ્થામાં હતો)
હવે આગળ.....
વિનયે ખુરશીમાંથી છૂટવા માટે પ્રયત્નો કર્યા પણ તેના સઘળા પ્રયત્નો વ્યર્થ નિવડયા, અંતે થાકીને તેણે બમ પાડી,“કોઈ છે?, જે હોઈ તે સામે આવે...."
પરંતુ એક બે વખત મોટા અવાજે બોલવા છતાં કોઈ પણ ત્યાં આવ્યું નહીં એટલે વિનયે થાકીને બૂમ પડવાનું બંધ કરી તેને અહીં શા માટે અને કોના દ્વારા લાવવામાં આવ્યો તે વિચારવા લાગ્યો.
*****
પેલી ચિઠ્ઠીના આધારે અર્જુનને એ તો સમજાય ગયું કે વિનયના ગાયબ થવા પાછળ પણ અજય અને શિવાનીના ખૂનીનો જ હાથ છે. તેણે આખી ટુકડીને કામ પર લગાવી દીધી અને દિનેશે કહ્યા પ્રમાણેની કાર દેખાય તો તરત જ તેને ક્સ્ટડીમાં લેવાનો ઓર્ડર બધાને આપીને પોતે અને રમેશ વિનયને શોધવાની મથામણમાં લાગી ગયા.
*****
લગભગ અડધો કલાક જેટલો સમય વીત્યો હશે વિનયને પાછળથી ધીમે ધીમે તેની નજીક કોઈના પગરવનો અવાજ સંભળાયો. થોડીવારમાં તો તે અવાજ વધારે સ્પષ્ટ થયો અને એક માનવ આકૃતિ તેની પાછળથી સામે આવીને વચ્ચે પડેલા ટેબલની બીજી બાજુ ખુરશી પર બેઠી એવો વિનયને આભાસ થયો. રૂમમાં એટલો અંધારો હતો કે કઈ સ્પષ્ટ જોઈ શકાતું નહીં, વિનયે થોડીવાર ધ્યાનપૂર્વક સામેની વ્યક્તિને જોવાનો પ્રયાસ કર્યો પણ બધું ધૂંધળું લાગી રહ્યું હતું.
અંતે વિનયે મૌન તોડતાં કહ્યું,“મને અહીં શા માટે લઈ આવ્યો, કોણ છે તું?"
સામેથી જવાબના રૂપમાં ક્રૂર હાસ્ય કરતાં તે વ્યક્તિએ કહ્યું,“ એ પણ ખબર પડી જ જશે, આપણે ક્યાં ઉતાવળ છે."
“પણ તમે કોણ છો? મેં તમારું શુ બગાડ્યું છે?"
સામેવાળા વ્યક્તિએ કઈ જવાબ આપ્યો નહીં, અને ત્યાંથી ઉભો થઈને ચાલ્યો ગયો. થોડીવાર બાદ હાથમાં એક જમવાની થાળી લઈને આવ્યો અને કઈ પણ બોલ્યા વગર વિનયનો એક હાથ બંધન મુક્ત કરી સામે ટેબલ પર બેસી ગયો અને પછી પેન્ટના પાછળના પોકેટ બાજું ખોંસેલી એક ગન કાઢીને વિનય સામે ઈશારો કર્યો.
વિનય પણ સામે વાળા વ્યક્તિનો ભાવાર્થ સમજી ગયો હોય તેમ કહ્યું,“ પણ હું આ નહીં ખાઈશ..."
પેલા વ્યક્તિએ ગન બતાવતા કહ્યું,“જો ભાઈ, પ્રેમથી જે આપ્યું છે તે જમી લે, તને તારા જીવ પ્રત્યે દયા આવવી જોઈએ....."
“તો ચલાવ ને જો હિંમત હોઈ તો...." વિનયે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો.. એની આંખમાં સામેની વ્યક્તિ માટે અપાર ક્રોધ ઉભરી આવ્યો હતો.
પણ વિનયની વાતની સામેના વ્યક્તિ પર કોઈ અસર થઈ નહીં, ઉલ્ટાનું તેણે વ્યંગ કરતાં કહ્યું,“જો તને એવો ડર હોઈ કે આ થાળીમાં ઝહેર જેવું કંઈ હશે, તો તને જણાવી દવ કે મારે તને હજી મારવો નથી નહીંતર ક્યારની આ ગનની ગોળી તારા શરીરની આરપાર થઈ ગઈ હોત, શાંતિથી ખાઈ લે, ભૂખ્યા રહીને મરવાનો શોખ હોય તો એ પ્રમાણે...."
વિનયને એ તો સમજાય ગયું કે વ્યર્થમાં વાતો કરવાથી કઈ ઉપજવાનું નથી. તેણે ઘડીક પેલા વ્યક્તિ સામે, તેના હાથમાં રહેલી ગન સામે અને અંતે ભોજનની તૈયાર થાળી સામે જોઈ ખાવાનું શરૂ કર્યું.
ત્યારબાદ તે વ્યક્તિ એ જેવું વિનયનું જમવાનું પત્યું કે તેનો હાથ પહેલાની માફક ખુરશી સાથે બાંધી થાળી ઉપાડી ત્યાંથી કઈ પણ બોલ્યા વગર ચાલ્યો ગયો.
વિનય પણ આશ્ચર્યથી ઘડીક તે વ્યક્તિ સામે જોઈ તેનો ચહેરો સ્પષ્ટ જોવાનો પ્રયાસ કરતો પણ ના તો એનો ચહેરો સ્પષ્ટ જોઈ શક્યો કે ના તેણે આ અવાજ પહેલા ક્યાંય સાંભળ્યો હતો.
તેણે મગજ કસવાનું શરૂ કર્યું અને અંતે એટલા નિષ્કર્ષ પર તો આવ્યો કે નક્કી આ વ્યક્તિની ઉપર પણ કોઈ વ્યક્તિ હોવી જોઈએ કેમ કે આ વ્યક્તિના વ્યવહાર પરથી એવું લાગતું હતું કે તે કોઈના ઓર્ડર પર કામ કરતો હોય.
*****
આમ જ સાંજ ઢળી છતાં ન તો વિનયનો કઈ પતો લાગ્યો કે ન કોઈ સુરાગ મળ્યો જેનાથી કેસમાં આગળ વધી શકાય.
અર્જુને દીનેશને કોલ કરીને જણાવ્યું કે આજે જો ફરી તે કાર રાજેશભાઈના ઘરેથી નીકળે તો તેનો પીછો કરવો અને જ્યાં તે કાર જાય તેની પાછળ જવું.....
સાંજે 9 વાગ્યાની આસપાસ રાધી એના રૂમમાં ગુમસુમ બેડ પર બેઠી હતી ન તો એને સમયનો ખ્યાલ હતો, કે ન અન્ય કોઈનો. એતો બસ વિનયના વિચારોના વમળોમાં જ ખોવાયેલી હતી. એને ખાવાનું પણ ભાન નહોતું. એક-બે વખત તેના મમ્મીએ તેને જમવાનું કહ્યું પણ“મને આજે ભૂખ નથી લાગી" એમ કહીને એ વાત ટાળી દેતી....
આમ જ બેડ પર બેઠા બેઠા ક્યારે તેની આંખ લાગી ગઈ કઈ ખબર જ ન પડી...
એનું શરીર તો અહીં જ હતું પણ મન ક્યાંય વિનયની શોધમાં વિચરતું હતું. પણ વિનયના વિયોગમાં એમ કઈ નીંદર આવે ખરી!, (જ્યારે તમારી પ્રિય વ્યક્તિ તમારાથી દૂર હોય ત્યારે તમને સૌથી વધુ અથવા માત્ર એની જ યાદ આવે એવું કહીએ તો પણ ચાલે!)
આમ જ રાધીનું મન પણ વિચરતું વિચરતું કોલેજના એ પ્રથમ દિવસના દ્રશ્ય પાસે જઈ પહોંચ્યું....
********
સવારના આઠ વાગ્યા જેટલો સમય થયો હતો. અમદાવાદમાં સવાર તાજગીથી ખીલી ઉઠી હોઈ તેવું દ્રશ્ય સર્જાયું હતું. લગભગ ત્યારબાદ તો આખો દિવસ રસ્તાઓ વાહનોના શોર-બકોરથી ગાજી ઉઠતાં, સવારનો સમય જ એવો હોઈ જ્યારે આમદવાદ અંશતઃ શાંત હોઈ બાકી તો દિવસ આખો તો ભારતના માન્ચેસ્ટરમાં જ્યાં જઈએ ત્યાં વાહનો કે વ્યક્તિઓ કે પછી દુકાનોની ભીડ જ ભીડ જોવા મળે....
રાધીએ કોલેજે પહોંચી સ્કુટર પાર્ક કરી અને પોતાના નવા ક્લાસ તરફ પ્રયાણ કર્યું, હજી 3 દિવસ થયા જ તેણે કોલેજમાં એડમીશન લીધું હતું, અને હજી માંડ બે ચાર વ્યક્તિને ઓળખતી થઈ હતી, જેમાં એક વિનય જે બાળપણનો જ ફ્રેન્ડ હતો અને બાકીના દિવ્યા અને શિવાનીનો પરિચય થયો હતો.... અને એમાં પણ વિનય તો કોઈ ગર્લ્સ પાસે બે મિનિટ ઉભો રહે જ નહીં તેવો એનો સ્વભાવ અથવા તો એવો શરમાળ છોકરો.....
(ક્રમશઃ)