પ્રેમ અંગાર - પ્રકરણ : 29 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 29

આસ્થા આવીને તરત જ કાકુથની પાસે બેસી પડી અને એમનાં કપાળ પર હાથ મૂક્યો. કાકુથે આંખો ખોલી આસ્થાને સામે જોઇ બધી જ ચિંતા દૂર થઇ અને હર્ષાશ્રુ આવી ગયા. આસ્થાની આંખોમાંથી અશ્રુધાર જ વહી રહી હતી. કાકુથે કહ્યું “આવી ગઇ દીકરા ? બસ તારી જ રાહ જોતો હતો. આસ્થાનો હાથ, હાથમાં લઇને બસ એની સામે જોઇને અશ્રુ વહાવી રહ્યા. થોડાં સ્વસ્થ થઇ પૂછ્યું વિશ્વાસ ક્યાં ? વિશ્વાસ તરત જ આગળ આવી કાકુથની સાવ નજીક આવ્યો. કાકુથે વિશ્વાસની સામે અમી નજરે જોયું. કાકુથે વિશ્વાસનો હાથ હાથમાં લીધો ક્યાંય સુધી એની સામે જોયા કર્યું. સતત હાથ પકડી રાખ્યો પછી ધીમા મક્કમ સ્વરે કહ્યું “વિશ્વાસ તમારા પર શ્રધ્ધા એટલી છે કે વિશ્વાસ બળવતર બને તમને મારો જીવ સમાન મારી દીકરી આસ્થા સોંપુ છું મે એનાં ઉછેરમાં ક્યાંય કચાશ નથી રાખી. એના માતાપિતાની ખોટ નથી પડવા દીધી સંપૂર્ણ સંસ્કાર સિંચન કર્યા છે. છતાં ક્યારેય મારી દીકરીની ભૂલ થાય તો માફ કરજો. એનામાં બ્રહ્મ સંસ્કાર સંપૂર્ણ સમાયા છે. એ તમને સદૈવ વફાદાર રહી તમારી સેવા જ કરશે સંપૂર્ણ વિશ્વાસ છે. તમારા જેવો સમજુ હોંશિયાર સંસ્કારી પાત્ર એને મળ્યું એનો આનંદ છે હવે એ તમારા સાથમાં જ રહેશે.”

છતાં આજના વર્તમાન સમયમાં જે દુનિયા ચાલે છે એમાં ભ્રમ મોહ અને લાલચ માઝા મૂકી છે મૂળભૂત મૂલ્યોનું ધોવાણ થયું છે આશા છે કે તમે આ સમજીને જીવશો પાત્રતાથી વધું કંઇ જ નથી. પાત્રતા ઇશ્વર પાસે બતાવવાની છે અને કાકુથ અટકાયા... થોડો શ્વાસ ભરાયો અને સ્વસ્થ થઇ આસ્થાનો હાથ લઇ વિશ્વાસનાં હાથમાં મૂકવા જતાં જ હાથ છૂટ્યો શ્વાસ છૂટ્યો એકદમ જ હાથ નીચે પટકાયો આંખો સ્થિર થઈ ગઇ એક દિવ્યજ્યોત આંખો દ્વારા જાણે બહાર નીકળી ગઇ. આસ્થા જોર થી રાડ પાડી ઉઠી દાદુ... દાદુ.... દાદુ...

વસુમાં આક્રંદકરી ઉઠ્યા તમે આમ એકલા ક્યાં ચાલ્યા ? સતત તમારા સાથમાં રહી છું આમ મને ઉવેખો નહીં હું ઇશ્વરનાં ઘરે ગયેલી પાછી લાવેલા હવે તમારા વિના ના જીવી શકું. આસ્થાએ વસુમાંને વળગીને રડી પડી. કાકુથનાં સ્થિર નેત્રો જાણે એને કંઇક સમજાવી રહેલાં. આસ્થા વસુમાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરી રહી. એણે જોયું વસુમાંનું શરીર પકડ છોડી રહ્યું છે. એણે વિશ્વાસને કહ્યું વસુમાંને શું થયું ? વિશ્વાસ દોડી આવ્યો અને વસુમાને જોયાં એમનાં દેહમાંથી પણ પ્રાણ છૂટી ગયા હતા. આસ્થાએ કાકુથને કહ્યું દાદુ આ શું થઈ ગયું હું સાવ નિરાધાર થઇ ગઇ આમ તમે બન્ને મને છોડીને ના જ જઇ શકો.

આસ્થા વિશ્વાસનાં માં ને વળગીને ખૂબ રડતી રહી. વિશ્વાસ જસુકાકા બધા ખૂબ આઘાતમાં થયું એ જોતાં જ રહ્યા. જાણે થઈ રહેલી ઘટના એની મેળે થતી રહી બધા વિવશ થઇ જોતાં રહ્યા. આસ્થા રડી રડીને અડધી થઈ ગઇ. જસુભાઈ તથા કમ્પાનાં બીજા રહીશ બન્નેનાં મૃતદેહને સ્નાનાદી પરવારી બહાર વિશાળ વરન્ડામાં લઇ આવ્યા આગળની વિધી કરી રહ્યા. આસ્થા વિશ્વાસ મૂક અને અશ્રુભરી નજરે જોઈ રહ્યા. આસ્થાનાં હીંબકા સમી નહોતાં રહ્યા. આસ્થા માં તો ખભે માથુ મૂકી પરવશ નજરે બધું જોઈ રહી. એક સાથે બન્ને મોભ ખોઈ નાંખ્યા.

મહાદેવપુરા કમ્પામાં ના ભૂતો ના ભવિષ્યતિ જેવો પ્રસંગ બની ગયો આજે એક જ ઘરનાં આંગણેથી બે સ્મશાનયાત્રા સાથે નીકળી. બન્ને જીવ એકબીજામાં પરોવાયેલા એક સાથે દુનિયા છોડી ગયા. આસ્થા સાવ જ જાણે આજે નિરાધાર થઈ ગઇ. માં બાપ તો ખૂબ પહેલા છોડી ગયા જે માં બાપથી પણ વધુ વ્હાલા જેણે ઉછેર કર્યો એ પણ એક સાથે છોડી અનાથ બનાવી ગયા. હવે રોઈ રોઈને એની આંખો સાવ કોરી થઇ ગઇ અશ્રુ પણ નહોતાં બચ્યા.

માં, વિશ્વાસ અને આસ્થા સ્મશાન પહોંચ્યા. આસ્થાનાં હાથે જ બન્ને વ્હાલા દાદા, દાદીને અગ્નિસંસ્કાર આપ્યા અને એ પોક મૂકી છુટટા મોં એ રડી પડી. ત્યાં હાજર બધા જ સ્વજનોનાં હૈયા ધબકાર ચૂકી ગયા. સન્નાટો છવાઈ ગયો હર એકની આંખમાંથી અશ્રુધાર વહી રહી.

ઘરે આવી બધા ડાઘુઓનાં ગયા પછી ખાસ સ્વજનો સિવાય કોઈ નહોંતુ. ગોવિંદ અને ગૌરી તો આ કેવી રીતે અચાનક બની ગયું એનાં આઘાતમાંથી બહાર જ નહોતાં આવ્યા. બધા શાંત ચિત્તે બેસી રહેલાં બધાનાં મનમાં વિચારો ચાલી રહ્યા હતા હવે શું જમાનાનાં અનુભવી અને પ્રેમાળ માં એ ચૂપકીદી તોડી કહ્યું “આજે જે થવાનું હતું થઇ ગયું પ્રભુની મરજી સામે આપણું કંઇ જ ચાલતું નથી. ઇશ્વરે આવું કરવા પાછળ શું કારણ મૂક્યું હશે નથી ખબર પણ હું જેટલું સમજું છું અને મારી ફરજ છે એમ તેર દીવસની શાસ્ત્રોક્ત વિધી પૂર્ણ થયા બાદ આસ્થા હવે મારી પાસે રહેશે. એ મારી દીકરી છે અહીં ગોવિંદ ગૌરી તમે વાડી ખેતર-ઘર સંભાળજો. અમે અવારનવાર અહીં આવતા રહીશું ખબર લેતા રહીશું. તમારી ફરજ અને આટલા સમયની આ ઘર ખોરડાનું અન્ન.... એમને અટકાવી તરત જ ગોવિંદ બોલ્યો “અરે માં તમે આ શું કહો છો ? એની આંખમાં આંસુ આવી ગયા. માં ની સામે પગે પડી કહ્યું. આ ખોરડાનાં અન્નજળ લીધા છે. તમે નિશ્ચિંત રહેજો ક્યારેય કહેવા પણું નહીં આવે. આ ખોરડાનો એક દાણો એક કણ ઓછો નહીં થાય.

આસ્થા એ તરત જ કહ્યું ગોવિંદકાકા મારા જન્મ સમયથી તમે છો તમારા ઉપર સંપૂર્ણ ભરોસો છે. ગૌરી દોડી આવી આસ્થાને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આસ્થા ગૌરી ફરીથી ખૂબ રડ્યા. ગૌરી કહે આસ્થાબહેન કોઇ ચિંતા ના કરશો. આ ઘર વાડી ખેતર-મંદીર બધું જ જીવની જેમ જાળવીશું આસ્થા ગૌરી અને ગોવિંદની આંખોમાં અપાર ભરોસો વાંચ્યો અને નિશ્ચિંત થઈ ગઇ.

આસ્થા આખા ઘર-ખેતર-વાડી-મંદિર બધી જ જગ્યાએ જઇ આવી જન્મથી માંડી અત્યાર સુધી અનેક યાદો એમાં ઘરબાયેલી છે. આંખોમાં અશ્રુ નથી માતા અને એ દરેક જગ્યાએ વિશ્વાસ સાથે ગઇ દરેકને નમી નમી નમસ્કાર કર્યા. ઘર-વાડીની માટી મુઠીમાંલઈને એણે એનાં હાથરૂમાલમાં બાંધી સાથે લીધી. વિશ્વાસ આસ્થાને સતત આશ્વાસન આપતો રહ્યો એનાં આંસુ લૂછતો રહ્યો. પછીથી ગોવિંદકાકાને બધું સોંપી પોતાનાં કપડાં થોડી ચીજવસ્તુઓ સાથે લીધી – કાકુથ – વસુમાની તસ્વીર સાથે લીધી અને માં અને વિશ્વાસ સાથે સજળ નેત્રે જસુકાકા અને બધાની વિદાય લઇ રાણીવાવ આવવા નીકળી. વિશ્વાસ અને માંની આંખોમાં પણ ભીનાશ આવી ગઇ.

રાણીવાવ વિશ્વાસનાં ઘરે આવી આસ્થા થોડી સ્વસ્થ થઇ હતી. પરંતુ વારે ઘડીએ એ રડી પડતી. વિશ્વાસ અને આસ્વસ્થ કરવા પ્રયત્ન કરતો. વિશ્વાસે માં અને આસ્થાને પાસે બેસાડી કહ્યું “માં અને આસ્થા તમે શાંતિથી સાંભળો... ખાસ આસ્થા તને કહું છું તું માં પાસે છે એટલે મને નિશ્ચિંતતા છે તારા માટે. ગઇ કાલે જ કંપનીમાંથી ફોન આવેલો મારા બોસનો મારે હાજર થવું જરૂરી છે. મેં કારણ જણાવ્યું કહ્યું હતું તું બધું જ નિપટાવી બની શકે એટલો વહેલો આવી જાય તો સારું. આસ્થા વિશ્વાસ સામે જોઈ રહી. એની આંખમાંથી ફરીથી આંસુ છલકાયા. માં ની હાજરી ભૂલી એ વિશ્વાસને વળગી ફરી રડી પડી. વિશ્વાસે કહ્યું હું હાજર થઈ ટ્રાન્સફરના ઓર્ડર અને કામ સમજી નવો પ્રોજેક્ટ જે મને આપ્યો છે એની ગંભીરતા ઘણી છે. મારા ઉપર ભરોસો કર્યો છે મારી મેનેજમેન્ટ ટીમે મને આ કામ સોંપ્યું છે જેમાં નાસા સાથે કામ સંકળાયેલું છે હું બધું જ વ્યવસ્થિત કરી તમને બન્નેને અહીંથી બેંગ્લોર લઇ જઇશ.

માં એ કહ્યું એક જ ઘડીએ ઘરમાં જે અમંગળ ઘટના બની છે અને સામાજીક વ્યવહાર દક્ષતા અનુસરીને તમારા લગ્ન કરી શકુ એમ નથી થોડો સમય જવા દઇ પછી સારા મૂહૂર્ત જોઇને તમારા લગ્ન લઇશું આ વાતાવરણમાં લગ્નની ખુશી પણ નહીં વર્તાય. દીકરા તું સ્વસ્થ ચિત્તે જા ત્યાં જઇ તું તારું સંભાળી લે તમારા લોકોનાં જીવન માટે પણ એ ખૂબ જ જરૂરી છે. પછી સારા સમયમાં મૂહૂર્ત જોઇ બધાને બોલાવીને ધામધૂમથી લગ્ન કરવા છે. મે વિવાહ તો ઘડીયા જ કરી દીધા હતા. મારા પણ તારા લગ્ન અંગે અરમાન છે.

વિશ્વાસ કહે મેં બે દિવસની રજા મૂકી હતી પણ અહીંની પરિસ્થિતિ અને મારી ફરજના કારણે 15 દિવસની રજા મંજૂર કરાવી હવે મારે જવું પડસે. કાકુથ અને વસુમાની બધી ક્રિયાઓ પૂર્ણ કરી છે. એક કચાસ બાકી છે કાકુથ અને વસુમાનાં અસ્થિ ગંગા અને સિધ્ધપુર વિસર્જન કરવાના છે. પરંતુ મારે જવું જ પડે એવું છે શું કરું ?

આસ્થાએ કહ્યું “વિશુ તમે જાઓ અસ્થિ વિસર્જન હું કરી આવીશ. સદવિચાર વાળા અસ્થિ વિસર્જન કરે છે પરંતુ મારે મારા હાથે જ કરવા છે. માં કહે તું ચિંતા ના કર હું સાથે આવીશ મારા દિકરા વતી આ પવિત્ર કામમાં હું સાક્ષી બનીશ. વિશુ તું જા અને અમારી ચિંતા ના કરીશ મારે તમારું ઉજળું ભવિષ્ય જોવું છે તમને ખૂબ સુખી જોવા છે. અસ્થિ વિસર્જન હું અને આસ્થા કરી આવીશું.”

વિશ્વાસ મુંબઇ પાછો ગયો. શરદમામા, મામી, જાબાલી, ઇશ્વા બધાએ આશ્વાસન આપ્યું. અચાનક બની ગયેલી દુઃખદ ઘટના માટે શોક વ્યક્ત કર્યો. મામી કહે “ઇશ્વર પણ કેવી કસોટીઓ લે છે ? પણ વિશ્વાસ તું એક કામ કર” મોટી બહેન આસ્થા બન્નેને અહીં બોલાવી લે ને બધા સાથે રહેવાશે. વિશ્વાસ કહે “ના મામી એ વિચારની ચર્ચા થયેલી મારે માં સાથે. માં એ કહ્યું તું બેંગ્લોર ઠરીઠામ થાય પછી વિચારીશું. પહેલાં તમારાં અહીં ગામમાં જ ધામ ધૂમથી લગ્ન કરીશ પછી જ આવીશું ત્યાં સુધીનો સમય તને આપ્યો પછી તું આવી જજે તારી અમે બન્ને રાહ જોઈશું.”

પ્રકરણ 29 સમાપ્ત

પ્રકરણ : 30 માં અંગિરાનું વર્તન સમજાતું નથી………