પ્રેમ અંગાર - પ્રકરણ : 6

પ્રકરણ : 6

                                                                           પ્રેમ અંગાર

        વિશ્વાસ એને બજારનાં રસ્તાઓમાંથી કાઢી બહાર મંદિર પાછળ થોડેક દૂર અહીં તળાવનાં કિનારે લઈ આવ્યો કહે અહીં તમારા શહેર જેવા રસ્તા બજાર મોલ નથી પરંતુ અમારા માટે આ ડુંગરા તળાવ ઝરણાં નદી બધું જ ગમતું બસ કુદરતી આ તળાવમાં રહેલા આટલા તાજા ખિલેલા વાસ્તવિક કમળ જોયા છે કદી ! એની સુંદરતા જ કંઇક અનેરી છે. તમારા શહેરમાં ના મળે. મને તો બસ આમ આવી પ્રકૃતિની ગોદ ખૂબ જ ગમતી. અંગિરાને લાગ્યું વિશ્વાસની વાતમાં કંઇક દમ તો છે આવી નિરવ શાંતિ અને ચોખ્ખી હવાકદી નથી માણી...

 

                સાંજના સાત વાગ્યા અને જાબાલીએ વિશ્વાસને કહ્યું “આપણે જમ્યા પછી અહીં ક્યાંક બહાર નીકળીએ મારે તારી સાથે વાત કરવી છે” બધાએ સાંજનું વાળું પરવારીને વડીલો વાતોમાં વળગ્યા. ઇશ્વા અંગિરા પત્તા રમી રહેલા અને વિશ્વાસ જાબાલી બહાર ટહેલવા નીકળી ગયા. વિશ્વાસ અને જાબાલી દર વખતની જેમ બજારનાં રસ્તે થઈને તળાવ તરફ આગળ વધ્યા. ત્યાં વડનાં ફરતે બાંધેલા ચોતરા ઉપર બેઠા. જાબાલી કહે “ભાઈ મારે ઘણાં સમયથી વાત કરવી હતી તને પણ આવ્યો છું મુંબઈથી ત્યારથી કંઇક ને કંઇક કામ અને જવા આવવામાં તક જ ના મળી મને. વિશ્વાસ કહે “કેમ ભાઈ એવી શું વાત છે ? ” જાબાલીએ વિશ્વાસની સામે જોઈ કહ્યું “હું પ્રેમમાં છું જે આવી છે ઈશ્વા એનાં જ અમે બન્ને ઘણાં સમયથી સાથે છીએ અને એકબીજાનાં સારા મિત્ર હતા ધીમે ધીમે નજીક આવતા ગયા અમને સમય અને મોકા પણ મળતા ગયા સાથે જ કોલેજમાં છીએ. એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ. એકબીજા સાથે જ લગ્ન કરીશું એ પણ નક્કી જ. ઘણાં સમયથી કોને કહું... એજ વિચારતો મને પાપાની ખૂબ બીક લાગે એમને થાય કે મેં ઘરમાં જ, મનહર અંકલનું ઘર અને આપણો સંબંધ... હવે પણ અમે નક્કી કર્યું છે અમે સાથે જ બેસીને ઘરમાં બન્નેનાં મમ્મી પપ્પાને વાત કરીશું હવે તને કહ્યા પછી ઘણી શાંતિ લાગે છે.” વિશ્વાસ તો વિસ્મિત થઇને જાબાલીની સામે જ જોઈ રહ્યો એનાંથી ના કંઇ બોલાયું ના કહેવાયું જાબાલી કહે ભાઈ શું થયું બોલને.” વિશ્વાસ કહે “ભાઈ શું બોલું ? અત્યારથી તમે બધુ નક્કી કરી નાંખ્યુ ? ભણવાનું છે હજી અને તમે?” જાબાલી કહે “અરે વિશ્વાસ ખૂબ ભણીયું બરાબર સેટ થઈશ પગ પર ઉભો રહીશ પછી લગ્ન કરીશું આ તો મમ્મી પપ્પા એનાં કે મારા ભવિષ્યમાં બીજે ના વિચારે એટલે જ... ખાલી નક્કી કરી રાખવા જ.” વિશ્વાસ કહે “ભાઈ તમારું તો જોરદાર પ્લાનીંગ છે ને... મને કાલથી આ લોકો આવેલા ત્યારથી જાણે મને ઓળખતા જ નથી બસ ઈશ્વા દીદી સાથે જ વાતોના વડા... પણ આવી ખબર ના પડી. અરે પણ એની પેલી નકચટ્ટી બહેનને ખબર છે ?” જાબાલી કહે “ના હવે કોઈને કંઇ જ ખબર નથી. પ્રથમ તું જ છે જે અમારી બધી જ વાત જાણે.” 

 

        પપ્પા જ્યારે કોઈ સારા મૂડમાં હશે ત્યારે એમને ચોક્કસ વાત કરીશ. અને ભણવાનું પુરું કર્યાં પછી ધંધામાં પપ્પાને બરાબર મદદ કરીશ પછી લગ્નનું વિચારીશ એમ કહી જાબાલી ચૂપ થઈ ગયો. વિશ્વાસ કહે “બધી વાત સાચી પરંતુ તમારું આ કહેવું વહેલું નથી લાગતું ?” જાબાલી કહે “હા છે જ વહેલું પણ આ લોકોની જ્ઞાતિમાં છોકરીઓનાં સગપણ માટે કોલેજમાં આવતા જ શોધવાનું શરૂ કરી દે છે એ જ રામાયણ છે. બાકી કોઈ ઉતાવળ અમને બન્નેને નથી આ કહી દીધું હોય તો નિશ્ચિંત રહે અને અમારે કોઈ ચિંતા જ નહીં. ”

 

જાબાલી કહે “આગળ કહું તું હમણાં જાણતો નથી એવું જ રાખજે. પણ મને તને જણાવ્યા વગર રહેવાયું જ નહીં ક્યાંક ફરવા જવાનું થાય તું મારી મદદમાં રહે એટલે ખાસ જણાવ્યું.” વિશ્વાસે હસતાં હસતાં કહ્યું “હા હા ચાલો ભાઈ તમે મારા તરફથી નિશ્ચિંત જ રહેશો.”

 

રાત્રે સૂતા પહેલા વિશ્વાસે શરદભાઈ ને કહ્યું મામા હમણાં રજાઓ છે તમે લોકો પણ છો પાછી રજાઓ પુરી થાય એ પહેલા ચાલોને આપણે બધા જ ક્યાંક ફરવા જઈએ. શરદભાઈ કહે હા ચાલો સરસ વિચાર છે માઁ ના દર્શન તો થઈ જ ગયા છે. કાલે સવારે જ નીકળી જઇએ તો રાત પડે ત્યાં સુધીમાં પાછા આવી જવાય પણ ક્યાં જવું ?  વિશ્વાસ કહે હા એવું જ કરીએ હું કહું ? અહીંથી ચાચરચોક ત્યાંથી સીધા કોદરા પહાડીઓ છે ત્યાં જઈએ. ત્યા પાણીના કુંડ છે.. જંગલખાતાનાં નર્સરી બગીચા અને આરામગૃહ છે ત્યાં બધુ મળી રહેશે અગવડ પણ નહીં પડે. એટલું દૂર પણ નથી રાત્રી સુધીમાં પાછા પણ આવી જવાશે. બાકી આબુ વિગેરે દૂર કરતાં ઘણી વાર ગયા છીએ અને ત્યાંનો માહોલ દિવાળીને કારણે ખૂબ જ ભીડ વિગેરે હશે. હું કહું છું ત્યાં કોઈ નહીં હોય આપણને ખૂબ મજા આવશે. સૂર્યપ્રભાબહેન કહે તો ચાલો સૂતાં પહેલાં થોડો નાસ્તો બનાવી લઇએ ઘરનો નાસ્તો તો પૂરશે. એમ કહી બધા બૈરામંડળ રસોડામાં જઈ તીખી પુરીઓ, તળેલી કાતરી અને બીજા નાસ્તાની તૈયારી કરવા લાગ્યા. જાબાલી અને ઈશ્વાએ એકબીજા સામે જોયું અને હસ્યા. વિશ્વાસે પણ એમને જોયા અને કહ્યું ચાલો આપણે બીજો સામાન તૈયાર કરીએ અંગિરા કહે“પત્તાને ફૂલ રેકેટ બધું લેજો સમય જવો જોઈએ” વિશ્વાસ કહે “હા એ પહેલાં જ મૂકીશું ત્યાં તમે જોયું નથી એટલે ત્યાં જઈ કુદરતમાં જ ખોવાઈ જશો.”

 

સવારે વહેલાં ઉઠી શરદભાઈએ જોઈ લીધું રાત્રે જ બોલાવેલી મીની બસ આવી ગઈ છે ને ? બધી સ્ત્રીઓ તૈયાર જ હતી જટાકાકા ઉમાકાકી ઘરે જ રહેવાનાં હતા. શરદભાઈ, મનહરભાઈ અને બધા છોકરાઓ સામાન બસમાં મૂકવા લાગી ગયા અને છોકરીઓ એમનાં પર્સ એટેચી લઈને બસમાં ચઢી ગઈ. શરદભાઈ આગળ જઈ ડ્રાઈવરને બોલાવ્યો કિમી. રીડીંગ કરી લીધું.

 

“જય માતાજી” નાં નારા સાથે બસ ઉપડી બધા જ પોતપોતાની સીટ ઉપર બેસી ગયા હતા.બધુ સ્ત્રીમંડળ એક સાથે, મનહરભાઈ, શરદભાઈ સાથે ઇશ્વા અને જાબાલી તથા અંગિરા વિશ્વાસ એમ બધા બસમાં બેસી ગયેલા. અત્યારે કોઈને કંઇ જ જાણ નહોતી એટલે કોઈ વાંધો જ નહોતો. પણ એટલામાં અંગિરા કહે “જાબાલીભાઈ તમે આમની સાથે બેસો હું ઇશ્વાદીદી સાથે બેસું અમારે અંતાક્ષરી રમવાની છે. જાબાલીએ ઇશ્વા સામે જોયું. ઇશ્વા હસી પડી અને જાબાલી ઉઠી વિશ્વાસની બાજુમાં બેઠો વિશ્વાસને પણ હસુ આવી ગયું. બસ હાઇવે ઉપર દોડવા લાગી અને અંગિરા કહે ચલો અંતાક્ષરી રમીએ તો સમય સરસ જશે. બધાએ એક સાથે વાત વધાવી લીધી.

 

        જાબાલી કહે ચલો ટીમ પાડી દો. અંગિરા કહે હું પાડું છું હું બે આંગળી બતાવીશ એમાં ધારેલી આંગળી આવે એ પાર્ટનર માંગે અને ઇશ્વાદીદીને મેં ધારેલી આંગળી ખબર હશે. એક ટીમ મારી એક ટીમ ઇશ્વાદીદીની મંજૂર ! હું આંગળી પપ્પા પાસે પકડાવીશ એટલે કોઈ અંચાઈ જ નહીં. આમ પાર્ટનર સિલેક્ટ થયાં ગયા. ઇશ્વાની ટીમમાં, વિશ્વાસ, શરદભાઈ, મનિષાબેન, અંગિરાની ટીમમાં મનહરભાઈ, અનસૂયાબેન, જાબાલી, વિશ્વાસ કહે માઁ તમે કઇ ટીમમાં ?  સૂર્યપ્રભાબહેન કહે હું રેફ્રી હું નક્કી કરીશ અક્ષર ઉપર ગીત સાચું કે ખોટું અને બધાએ હસતા હસતા વાત સ્વીકારી લીધી.

          અંગિરા કહે હવે આપણે અંતાક્ષરી રમવાની ચાલુ કરીએ વિશ્વાસ કહે એક મીનીટ તમે બન્ને બહેનો ટીમ લીડર છો તમે જુદી જુદી સીટ પર આવી જાઓ સામ સામે અને બધા એમ જ સામે બેઠા છીએ. જાબાલી મુખમાં હસી પડ્યો વિશ્વાસની ચાલાકીથી ઇશ્વા કહે આ સાચી વાત છે. અંગિરા કમને ઉઠીને વિશ્વાસની બાજુમાં બેઠી અને જાબાલી ઇશ્વાની બાજુમાં આવી બેઠો. અંગિરાએ કહ્યું ચલો “બેઠે બેઠે ક્યાં કરે ? કરના હૈ કુછ કામ, શુરુ કરે અંતાક્ષરી લેકે પ્રભુ કા નામ... છેલ્લો અક્ષર“મ” આવ્યો ચલો દીદી ચાલુ કરો. અનસુયા બહેન કહે          ચલો ગાવ નહીંતર હું શરૂ કરું ઇશ્વા કહે નાના ચલો, એટલામાં મનિષાબહેન ગાયું “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો...” અંગિરા કહે “ગુજરાતી નહીં” ગુજરાતી નહીં માત્ર હિંદી ગીતો. ઇશ્વા સાથે બધા જ બોલી ઉઠ્યા ના ગુજરાતી ગીત કવિતા, ભજન, ગરબા હિન્દી ગીતો સાથે ગવાશે જ... અને પ્રથમ શરૂઆત માઁ નાં નામથી થઈ ખૂબ સરસ એમ સૂર્યપ્રભાબહેન બોલી ઉઠ્યા. બધાની એક સરખી સંમતિ સામે અંગિરા ચૂપ થઈ ગઈ. ગરબાની ટૂંક પૂરી થયા પછી “ગ” અક્ષર આવ્યો એટલે જાબાલીએ ગાયું “ગાયેજા ગીત મિલન કે તૂ અપની લગન કે સજન ઘર જાના હૈ...” ઇશ્વા સાંભળીને શરમાઈ ગઇ. વિશ્વાસે પણ જોયું કે જાબાલીભાઈએ સરસ ચાન્સ લીધો કહેવાનો. અંગિરા કહે શું આટલા જૂના જૂના ગીત ગાવ છો નવા ગાવને. જાબાલી કહે જૂનામાં મજા છે એ નવામાં ક્યાં છે ચલ હવે “હ” આવ્યો ગાવ તમે આગળ તરત જ ઇશ્વાએ ગાયું “હરિયાલી ઓર રાસ્તા... દેખ તેરી તકદીર મેં ક્યાં હૈ મેરે હમસફર અબ તો બતા..” અંગિરા કહે ના આ ના ચાલે “હ” થી શરૂ થાય આ નહીં ચાલે ઇશ્વાએ કહ્યું ચલ બીજુ... હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે મગર જી નહીં સકતે તુમ્હારે બિના...” વિશ્વાસ સાંભળી જ રહ્યો એને થયું આ બે અંતાક્ષરીને ઓછું બનાવી આ લોકો ચાલુ પડી ગયા છે. ઠીક છે લેવા દો મજા... વિશ્વાસ કહે “ન” આવ્યો છે હું ગાઉ છું “ન” ઉપર એણે ગાયું “નામ ગૂંજ જાયેગા ચહેરા બદલ જાયેગા મેરી આવાજ હી પહેચાન હૈ ગર યાદ રહે...” વિશ્વાસને ગાતો જોઈ સાંભળનારા બધા જ ખુશ થઈ ગયા એટલા સરસ રાગમાં ખૂલ્લા અવાજે ગાયું. બધાએ તાળીથી વધાવી લીધો. અંગિરાએ પણ કહ્યું બહું સરસ તમે આટલું સરસ ગાવ છો આજે ખબર પડી. મારી ટીમ ઘણી મજબૂત અને સૂરીલી છે. ફરી હ આવ્યો એટલે અંગિરા કહે હું ગાઉં છું હાય ! જોરકા ઝટકા હાય જોરો સે લગા... છેલ્લે બધા અંગિરા સામે જોર જોરથી કોરસમાં ગાવા લાગ્યા. વિશ્વાસને લાગ્યું જ સાચે જ જોરો સે લગા અને હજી બધાને લાગશે... વિચારી હસું આવી ગયું. અંગિરા કહે કેમ હસો છો તમારા જેવું નથી આવડતું... વિશ્વાસ કહે એના માટે નહીં પણ આનંદ થયો એટલે હસુ આવ્યું છે. અંગિરા કહે ના પણ તમે ખૂબ સરસ ગાવ છો સીધુ ટચ થાય છે. વિશ્વાસ કહે થેંક્યુ. જાબાલી કહે “ય” આવ્યો છે ચાલો મને સ્ફર્યું છે હું ગાઈ લઉં એણે ચાલું કર્યું “યું તેરા મુસ્કુરાના, ઔર આકે ચલે જાના... કિસ્મતકા હૈ યૂ... તેરા દીદાર હુઆ પહેલે સે પ્યાર હુઆ. પહેલી બાર હુઆ... આમ ગાતા ગાતા ઇશ્વા સામું જોઈ રહેલો. અંગિરાને હવે પાકો વહેમ પડ્યો આ લોકો વચ્ચે કંઇક રંધાયું હોય એવું લાગે ઇશ્વાદીદી પણ શરમાઈને નીચે જોઈ હસી રહ્યા છે નક્કી જ કંઇક છે જ.

                       આમ ગાતા ગાતા મસ્તી કરતા કરતા બસ કોદ્દા હીલ સુધી આવી ગઈ. ત્યાં એક ચેક પોસ્ટ જેવું હતું મકાન, શરદભાઈએ બસ ઉભી રખાવી સાથે મનહરભાઈ ઉતર્યા... પાછળ જાબાલી અને વિશ્વાસ ઉતર્યા. ઉતરીને મુખમાંથી “વાહ” જ નીકળી ગયું. બે પહાડો ની લાઇનની વચ્ચે સીધો સમથળ પટ્ટો એમાં રંગબેરંગી ફૂલો-ગુલ્મો, વૃક્ષોની હારમાળા, કમળનાં કૂંડ, ચારે બાજુ લીલોતરી અને સ્વચ્છ ઠંડી હવા. મનભરીને કુદરત માણી શકાય એવું સ્થળ. બધા જ ધીમે ધીમે બહાર આવી ગયા. અંગિરાએ બહાર આવીને કહ્યું “વાઉ ખૂબ સરસ પ્લેસ છે ગુડ ચોઈસ” વિશ્વાસને ઉદ્દેશીને કહ્યું “તમારી ચોઈસ સ્થળનું સિલેક્શન ખૂબ સરસ છે મજા આવી જશે. બન્ને હાથ પહોળા કરી ગોળ ફરીને ખુશી વ્યક્ત કરી. વાતાવરણ પણ જાણે આજે ખૂબ સરસ હતું આછા આછા વાદળીયું વાતવારણ-ઠંડી હવા હતી બધાને સ્થળ ખૂબ ગમી ગયું.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Neelam Luhana 3 દિવસ પહેલા

Balramgar Gusai 2 અઠવાડિયા પહેલા

Dhvani Patel 2 અઠવાડિયા પહેલા

Pankaj Rathod 2 અઠવાડિયા પહેલા

Bharatsinh K. Sindhav 2 અઠવાડિયા પહેલા