વન્સ અપોન અ ટાઈમ - 81 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 81

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 81

દિલ્હીમાં રોમેશ શર્માના ભવ્ય બંગલોમાં ટેલિફોન રણકી ઊઠ્યો. રોમેશ શર્માના એક પઠ્ઠાએ ફોન ઉપાડ્યો અને પૂછ્યું, “હલ્લો કૌન બોલ રહા હૈ...”

સામેથી કહેવાયું કે રોમેશ શર્માની સાથે વાત કરવી છે.

“રોમેશ બાબુ તો ઘરમેં નાહીં હૈ...” રોમેશના પઠ્ઠાએ કહ્યું.

સામેનો માણસે ઉશ્કેરાઈને કશુંક કહ્યું.

એ અંગ્રેજીમાં ગાલી કાહે બકતા હૈ, કહીને તેણે બિહારી હિંદીમાં વજનદાર ગાળ આપી.

સામે જ બેઠેલા રોમેશ શર્માએ એને પૂછ્યું “કૌન હૈ ?”

રિસીવર સહેજ આઘું કરીને ફોન ઉઠાવનાર પઠ્ઠાએ કહ્યું, “સાલા કોઇ સુરેશ રાવ હૈ અંગ્રેજી મેં બક રહા હૈ. ઉસકી તો...”

રોમેશ શર્માએ એના હાથમાંથી રિસીવર ખેંચી લીધું અને ફોન પર વાત શરૂ કરી.

“બોલિયે, સુરેશ ભૈયા, મૈ બોલ રહા હૂં. કૈસે હૈ આપ?” તેણે ઠંડે કલેજે પૂછ્યું.

“ રોમેશજી, મૈં આપકો કમસે કમ પચાસ ફોન કર ચૂકા હૂં.” સામેથી અકળાયેલો અવાજ આવ્યો, “દેખિયે રોમેશજી, આપને હમારા હેલિકોપ્ટર કા પૂરા ચાર્જ ભી નહી દીયા”

“ અબ ભી નહીં દૂંગા, ક્યા કર લેગા બોલ? મારેગા મુઝકો? કૈસે મારેગા?” કહીને રોમેશ શર્માએ રિસીવર ક્રેડલ ઉપર પટકી દીધું.

“સાલા મુઝ સે વસૂલી કરેગા!” કહીને તે ગંદી ગાળ બોલ્યો.

થોડા દિવસ બાદ સુરેશ રાવને તેણે સામેથી ફોન કર્યો. રાવે કોલ રિસિવ કર્યો એ સાથે તેને સામા છેડેથી માણસોને બેરહમીથી મારવાના અને કાનના કીડા ખરી પડે એવી ગાળોના અવાજ સંભળાયા.

“એ... સુન લી ના તેરે ચમચોં કી આવાજ? બિના નિરમા, સર્ફ, એરિયલ કે ઉનકી ધુલાઈ હો રહી હૈ ઓર જ્યાદા ખિટપિટ કિયા ના તો તેરી ભી ઐસી આવાજ તેરી ઔરત કો સુનવાયેંગે, સમજા ક્યા?”

ત્યાર પછી તો સુરેશ રાવ ફોનની ઘંટડીથી ડરવા માંડે એવી સ્થિતિ ઊભી થઈ. કારણ કે દુબઈથી ‘ભાઈ’એ પણ એને ફોન કરીને ‘સમજાવી’ દીધી હતો કે ”ક્યાં તો હેલિકોપ્ટર ભૂલી જા અને ક્યાં તો તારું પોતાનુ શ્રાદ્ધ તારા હાથે કરી નાખ. આજકાલના છોકરાઓનો ભરોસો નહી. પાછળથી તેઓ તારું શ્રાદ્ધ કરે કે ન પણ કરે!”

***

દુબઈથી મળેલી ઉપરાછાપરી ધમકીઓથી બિઝનેસમેન સુરેશ રાવ હતપ્રભ બની ગયા હતા. બીજી બાજુ રોમેશ શર્મા પોતાના કોન્ટેક્ટ્સ પર મુસ્તાક હતો. કાનૂન એનો વાળ પણ વાંકો નહીં કરી શકે એવું તે માનતો હતો.

ચંદ્રાસ્વામીની ધરપકડ તો માત્ર પોલિટિકલ ગેઇમને કારણે જ થઇ હતી. એવું એણે માની લીધું હતું. અગાઉ મુંબઇ અને દિલ્હીમાં એણે અનેક વ્યક્તિની કરોડો રૂપિયાની પ્રોપર્ટી મફતમાં પડાવી લીધી હતી. લોકોની પ્રોપર્ટી મફતમાં પડાવી લેવામાં એક્સપર્ટ બની ગયો હતો. સુરેશ રાવને તો એ મગતરું સમજતો હતો. દિલ્હીના ટોપ લેવલના ઓફિસર્સ રોમેશ શર્માની મહેમાનગતિ માણતા હતા એટલે રોમેશ શર્મા સામે પડવાની કોઇ હિંમત કરે એવું તો શર્મા કલ્પનામાં પણ વિચારી શકતો નહોતો. પણ આ વખતે શર્માનો પગ કુંડાળામાં પડી ગયો હતો અને રોમેશ શર્મા એનાથી તદ્દન બેખબર હતો.

બીજી બાજુ દિલ્હીના એક જુનિયર પોલીસ ઓફિસરને રોમેશ શર્મા વિશે માહિતી મળી હતી. એ વખતે રોમેશ શર્માને કોઇએ એ વિશે કહ્યું હોત તો પણ વાત કરનાર પર શર્મા હસી પડ્યો હોત. કારણ સાફ હતું રોમેશ શર્મા પર વોચ ગોઠવનાર ઓફિસર એક પોલીસ ઇન્સ્પેક્ટર હતો અને એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતના સામ્રાજ્યને હચમચાવી શકે એ વાત રોમેશ શર્માના ગળે ઊતરવી મુશ્કેલ હતી. રોમેશ શર્મા સાતમા આસમાનમાં વિહરી રહ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના ઓફિસરોને એ પ્યુનથી વધુ મહત્ત્વ આપતો નહોતો.

***

‘સાહબ, યે રોમેશ શર્મા બડી ઊંચી ચીજ હૈ, સબ કુછ સમ્હાલ કે કરના.’

એક ખબરી દિલ્હીના હાઇ પ્રોફાઇલ પોલીસ ઇન્સ્પેક્ટર ઇશ્વરસિંઘને કહી રહ્યો હતો.

‘મુઝે માલૂમ હૈ. તુમ બોલતે જાઓ,’ ઇન્સ્પેક્ટર ઇશ્વરસિંઘે ખબરીને કહ્યું.

ખબરી માહિતી આપતો ગયો. ઇન્સ્પેક્ટર ઇશ્વરસિંઘ એને ધ્યાનથી સાંભળતા રહ્યા. આ ખબરી અગાઉ અનેકવાર એમને માહિતી આપી ચૂક્યો હતો. પણ આ વખતે આ ડાયનેમાઇટ જેવી સ્ફોટક માહિતી લાવ્યો હતો. સમાજમાં માન મોભો ભોગવતા રોમેશ શર્માને દાઉદ ઇબ્રાહિમ સાથે સીધો સંબંધ હોવાની માહિતિથી ખુશ થઇ ગયેલા ઇશ્વરસિંઘને ખબરીને ખુશ કરીને વિદાય આપી. એમનું દિમાગ ઝડપથી દોડવા માંડ્યું હતું.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 1 અઠવાડિયા પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 9 માસ પહેલા

Chandresh N Vyaas

Chandresh N Vyaas 4 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Satish Patel

Satish Patel 2 વર્ષ પહેલા