મન મોહના - ૨૪ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨૪


નિમેશ બરોબરનો ભીડાઈ ગયો હતો. પોતાને બચાવવા માટે એ ભરપૂર પ્રયાસ કરી રહ્યો હતો. આખરે ઢીંગલીને રોકવાની કોશિષ કરી, શેતાન સામે પોતાની તાકાત અજમાવી નિમેશ હવે થાકી ગયો હતો. જો કોઈ મદદ ના મળે તો વધારે ટકી શકવું મુશ્કેલ હતું. બરોબર એ જ વખતે ભરત ત્યાં આવી પહોંચેલો. બે ચાર પળ તો એ આ ઝપાઝપી, નિમેશ અને ઢીંગલીની લડાઈ, જોઈ જ રહેલો. શું ચાલી રહ્યું છે એ સમજતા એને થોડીવાર લાગેલી પછી એણેય નિમેશની મદદ કરી હતી અને એ ઢીંગલીને દુર કરી હતી.

બંને દોસ્તોના હાથમાં એ ઢીંગલી બળપૂર્વક પકડેલી હતી. એ છૂટી જવા માટે પૂરી તાકાત લગાવી રહી હતી એના હાથમાં રહેલા ચપ્પા વડે એણે ભરત અને નિમેશના હાથ ઉપર આડેધડ ઘાવ કરેલાં. છેવટે નિમેશ એના હાથમાંથી ચપ્પુ છોડાવીને ફેંકી દેવામાં કામયાબ થયેલો. ભરત ચીસાચીસ કરી રહ્યો હતો. એના હાથેથી લોહીની ધાર ફૂટેલી. અચાનક ઢીંગલીની બધી શક્તિ જાણે ગાયબ થઇ ગઈ હોય એમ એ શાંત થઇ ગઈ હતી. બંનેએ એ જોવા છતાં એને પકડી રાખી હતી, એના પર હવે ભરોશો કરાય એમ નહતું.

“હવે શું કરીશું?” ભરતે પૂછ્યું.

“આગળ જો ત્યાં ખાડામાં આને ફેંકી આગ લગાવી દઈએ. મારી બાઈક પરની બોટલમાં પેટ્રોલ ભરેલું છે. તું આને પકડી રાખ હું એ લઇ આવું.”

“ઠીક છે.” ભરત હાંફતો હાંફતો બોલ્યો હતો. એને ડર લાગી રહ્યો હતો. ઢીંગલીને પકડીને એકલા ઊભા રહેવાની એની જરાય ઈચ્છા ન હતી પણ મજબૂરી હતી એટલે કરવું પડેલું. ભરત મનમાં ભગવાનને યાદ કરતો નિમેશ જલદી આવી જય એની રાહ જોતો હતો. એણે જોયું કે પેલી ઢીંગલી જે એની બે હથેળીઓ વચ્ચે મજબુતાઈથી પકડેલી હતી એ એની આંગળીઓ વચેથી વહી જતાં લોહીને ચાટી રહી હતી. ભરતના શરીરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઇ ગયું. એ પગથી માથા સુંધી ધ્રુજી ગયો. એની બુમ જાણે એના ગાળામાં જ અટકી ગઈ. અચાનક એ ઢીંગલીએ એના ઘાવને ચાટવાનું બંધ કર્યું ને બીજી જ પળે ત્યાં એક બચકું ભર્યું, ભરતે રાડ પાડી...

નિમેશ દોડતો ત્યાં પહોંચ્યો હતો અને એ ઢીંગલીને ભરતના હાથમાંથી ખેંચીને નીચે ખાડામાં ફેંકી દીધી હતી. એ ફરીથી ઉભી થાય એ પહેલા એણે એના પર પેટ્રોલ ભરેલી બોટલ ઉંધી વાળી દીધી હતી. એ આખી ઢીંગલી પેટ્રોમાં નહાઈ રહી હતી.

“ભરતા...સળગાવ આને.”

નિમેશ બુમ પાડી રહ્યો હતો.

ભરત પાસે માચીસ ન હતી. અચાનક એને યાદ આવ્યું કે નિમેશ એની સાથે લાઈટર રાખતો હતો. એણે નીમેશના ગજવામાં હાથ નાખી લાઈટર શોધ્યું અને બહાર નીકાળ્યું. ત્યાં સુંધીમાં પેટ્રોલ ખલાસ થઇ ગયું હતું. નિમેશ બોટલ ફેંકીને ભરતના હાથમાંથી લાઈટર ઝૂંટવી એને ચાલુ કરે એ પહેલા જ, એક જોરદાર આંધી આવી અને વરસાદ તૂટી પડ્યો! કોઈનો કાન ફાડી નાખે એવો હસવાનો અવાજ આવી રહ્યો હતો. નિમેશ અને ભરત બંનેએ સ્તબ્ધ થઈને પાછળ જોયું, ત્યાં મોહના ઉભી ઉભી હસતી હતી. એની પાછળ દોડતો આવીને મન ઉભો રહી ગયો હતો. એની આંખોમાં આશ્ચર્ય ભરેલું હતું. ત્યાં વરસતો વરસાદ ફક્ત નિમેશ, ભરત અને પેલી શેતાન ઢીંગલીને જ પલાળવા આવ્યો હોય એમ એમના ઉપર જ વરસી રહ્યો હતો. બાકીની જગ્યાએ આકાશ સાવ કોરું ધાકોર હતું. એક જ વાદળું એ ત્રણ જણાના માથે ધસી આવી વરસી રહ્યું હતું.
નિમેશનું હવે એ વાતે ધ્યાન ગયેલું અને એણે ત્વરાથી પેલી ઢીંગલીને ખાડામાંથી બહાર ખેંચી લીધી. એને ખબર હતી કે મોહના આ ઢીંગલી લેવા જ અહી આવી હતી અને પોતે એને આશાનીથી એ નહિ જ આપી દે. નિમેશના હાથમાંથી છૂટીને એ ઢીંગલી આકાશમાં ઉડવા લાગી અને મોહના સાથે એ પણ ભયાનક હસવા લાગી. નિમેશે ગજવામાંથી પિસ્તોલ કાઢી અને એનો નિશાનો ઢીંગલી તરફ રાખી મોહના સામે જોતા બોલ્યો,

“બહુ થયું મોહના હવે તું તારી જાતને કાનુનને હવાલે કરી દે નહીતર હું ગોળી ચલાવી દઈશ.”

“ગોળી ચલાવીશ? કોની ઉપર?” ફરીથી મોહના ભયંકર અટ્ટહાસ્ય કરતાં બોલી, “હું મોહના છું પણ મોહના નથી, મોહનાનો જીવ આ ઢીંગલીમાં છે, ઢીંગલી મરી જશે તો મોહના પણ મરી જશે!”

એ જ વખતે હવામાં લટકતી ઢીંગલી રડમસ અવાજે કહેવા લાગી, “મન મને બચાવી લે! આ નિમેશ મને ગોળી મારી દેશે...” એ અવાજ મોહનાનો હતો અને એ જ વખતે મનની બાજુમાં ઉભેલી મોહના દુખિયારી બની કહેવા લાગી, “હું નિર્દોષ છું મન, મેં કંઈ નથી કર્યું.”

“નિમેશ ઉભો રહેજે. આમાથી કોઈ એક તો મોહના છે જ. એને તું કઈ રીતે મારી શકે?” મન ઢીલો પડી ગયો હતો એ નિમેશ પાસે જઈ એનો હાથ પકડી બોલ્યો.

“હું ફક્ત આ ઢીંગલી પર ગોળી ચલાવું છું મન, તું હટી જા.” અને નિમેશ ધડાકો કરીને જ રહ્યો. એ ગોળી હવામાં ઉડી રહેલી ઢીંગલીને વાગે એ પહેલાજ એ ઢીંગલી ઉડીને મોહના પાસે જતી રહી.

“તમે લોકો મારું કંઇ જ નહિ બગાડી શકો હા..હા..હા..! મોત જીવતા લોકોને આવે મરેલાને નહિ હા...હા..હા..! કાપાલી...કાપાલી... મારા આકા તમારા જનમવાનો વખત થઇ ગયો છે! તમારાં જનમ લેતા જ આ બધા ચૂહા આપણા ગુલામ થઇ જશે હા...હા...હા..! તમે લોકો મારાં મનના દોસ્ત છો એટલે આટલો વખત જવા દઉં છું ફરીથી મારા રસ્તામાં આવ્યા તો બધાની મોત બોલાવી દઈશ!” દાંત કચકચાવીને બોલી રહેલી એ યુવતી તરફ ત્રણેય જણા આંખો ફાડીને જોઈ રહ્યાં... એ મોહના ન નહતી! એના શરીરમાં ઘુસેલી કોઈ દુષ્ટ આત્મા હતી એવું હવે બધાએ સ્વીકારી લીધું. મોહના ત્યાંથી ચાલી ગઈ એ પછીએ કેટલીયે મીનીટો સુધી બધા ચુપચાપ એમ જ પુતળા બનીને ઉભા રહ્યાં. જે ભયાનક દ્રશ્ય એમની આંખોએ આજે જોયેલું એના પર વિશ્વાસ ના કરવાનું હવે કોઈ કારણ ન હતું. આનો અંત હવે શું હશે એ વિચારી ત્રણેય ચુપ હતા.
ચીર શાંતિને વીંધતો એક અવાજ આવેલો, “મેં.... આઉં... મેં... આઉં...!” કોઈ રાની બિલાડા જેવો અવાજ હતો એ બધા ગભરાઈ ગયા, મોહનાની કોઈ નવી ચાલ તો નહિ હોય એમ બધા વિચારી રહ્યા હતા કે ભરતે કહ્યું, “મારો ફોન આવ્યો છે!”

ભરતની વાત સાંભળી બધાં એમના વિચારોમાંથી આ દુનિયામાં પાછાં આવ્યા. ભરતે ધ્રુજતા હાથે ગજવામાંથી ફોન લીધો અને ખોંખારો ખાઈને, માંડ ગળામાંથી અવાજ કાઢીને હલ્લો કહ્યું,

“હે ભરત! હાવ આર યું? આજે અચાનક મારી યાદ ક્યાંથી આવી ગઈ? હું કાવ્યા સાથે મુવી જોવાં ગયેલો ફોન સાયલંટ મોડ પર હતો એટલે તારી રીંગ જોઈ ન હતી.”

“કોણ શશાંક વાત કરે છે?” ભરતે હવે જરા ભાનમાં આવતા અવાજ ઓળખ્યો હતો.

“હા, હું શશાંક જ બોલું છું, તે જ તો હમણા કલાક પહેલા મને ફોન કરેલોને..”

“શશાંક એ... એ... પાછો આવી ગયો છે?”

“કોણ? કોણ પાછો આવી ગયો છે?”

“કાપાલી!”

ભરતે એક નામ જ કહ્યું અને એટલું જ કાફી હતું.

“કાપાલી? કેવી રીતે? એતો પ્રોફેસર નાગ પાસેની ડાયરીમાં કેદ છે અને એ ડાયરી હજી પ્રોફેસર પાસે જ છે.

“એ બધી મને નથી ખબર. હાલ અહીં એક બુરી આત્મા જુલમ વરસાવી રહી છે અને એણે કહ્યું કે આકાનો જનમવાનો સમય થઇ ગયો છે, કાપાલીના જનમવાનો!”

“ઓહ ગોડ! તું ફિકર ના કર હું પ્રોફેસર નાગને વાત કરું છું.”
ભરતે ફોન મુક્યો ત્યારે મન અને નિમેશ બંને એની સામે જ જોઈ રહ્યાં હતા. કોણ હતો આ કાપાલી અને ભરત એને કઈ રીતે ઓળખે એ જાણવા બંને આતુર હતા. ભરતે એ લોકોને વહાઇટ ડવ હોસ્પિટલ, શશાંક, કાવ્યા અને કાપાલી

વિષે ટૂંકમાં બધી વાત કરી

કાપાલી કોણ હતો (કે છે?) એ વિષે મન અને નિમેશને જણાવતા, એ વખતને યાદ કરતાં, એમની રોજીંદી મળવાની જગ્યા, હાઈવે પરના ઢાબા “રામ મિલાયે”ની એક ખુરસીમાં બેસી ભરતે કહ્યું કે,

એ વખતે હું વલસાડ પાસેના એક ગામમાં આવેલી વ્હાઈટ ડવ મેન્ટલ હોસ્પીટલમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. એ હોસ્પિટલ ડોક્ટર આઈ.એમ.રોયના ફાધરે એમના મુંબઈમાં પ્રેક્ટિસ કરતા દીકરાના માટે બનાવેલી. ડોકટરે આવીને હોસ્પિટલ સંભાળી લીધી હતી. થોડો વખત બધું બરોબર ચાલ્યું પણ પછીથી એ હોસ્પીટલમાં અજીબ અજીબ ઘટનાઓ ઘટવા લાગી હતી. ત્યાં દાખલ થનાર દર્દીઓ આત્મહત્યા કરી લેતા, ખાસ કરીને સ્ત્રીઓ દર્દીઓ, કેમ? એનો કોઈ જવાબ ન હતો. બધાનો શક ડોક્ટર તરફ જવા લાગ્યો હતો એ એમના સંશોધન માટે નિર્દોષ દર્દીઓનો ભોગ લેતા હશે એમ બધાંને લાગતું હતું. ડોક્ટરની પત્ની એમની એક દીકરી(કાવ્યા)ને લઈને હંમેશાં માટે મુંબઈ ચાલી ગઈ પછી લોકોનો શક વધી ગયો. ડોક્ટરની એમની પાસે રહેલી બીજી દીકરી(દિવ્યા)ની પણ હોસ્પીટલમાં જ રહસ્યમય રીતે મોત થઇ અને એ પછી તો ડોક્ટર પોતે જ ગાયબ થઇ ગયેલા! એમનું વ્યક્તિત્વ ખુબ રહસ્યમય હતું, એ ગમે ત્યારે હવામાંથી ભૂત પ્રગટ થાય એમ આવી જતાં અને એમ જ ગાયબ પણ થઇ જતાં. એ સિવાય પણ હોસ્પીટલમાં બીજી ઘણી એવી ઘટનાઓ બનતી કે લોકો ડરવા લાગેલા. હું પણ એમાંનો જ એક હતો. જોકે હું ત્યાં નવો નવો જોડાયો હતો આ બધી વાતો બીજી નર્સ પાસેથી સાંભળેલી. એ વખતે હું કુંવારો હતો અને એ મારી પહેલી જ નોકરી હતી એટલે બીજી જગ્યાએ નોકરી ના મળી જાય ત્યાં સુધી એજ હોસ્પીટલમાં કામ ચાલુ રાખવું જરૂરી હતું. વ્હાઈટ ડવનાં બીજા માળની લોબીમાં સાંજ પછી આત્માઓ ભટકતી દેખાતી. એમણે ક્યારેય કોઈની ઉપર હુમલો નહતો કર્યો પણ અચાનક કોઈ કોઈને દેખાઈ જતી અને સાચું કહું તો એ અનુભવ જ કાચા પોચા માણસને મારી નાખવા પૂરતો હતો!

હું ત્યાં જોડાયો એના છ મહિના બાદ ડોક્ટર રોયની વાઈફ એની દીકરી કાવ્યા સાથે પાછી ફરી હતી. ત્યારે હું ત્યાં થોડો ગોઠવાઈ ગયો હતો. મને ભૂતોએ જરાક પણ પરચો નહતો દેખાડ્યો એટલે હું આ બધી વાતોને બહુ સીરીયસલી નહતો લેતો. એમની દીકરી કાવ્યા એ ગામમાં રહેલી એમની મિલકતની એકની એક વારસદાર હતી. ડોક્ટરની ગેરહાજરીમાં એણે જ બધું સંભાળવાનું હતું. કાવ્યા અને માધવી બેન વ્હાઈટ ડવમાં આવ્યા એના થોડા વરસ પહેલાં જ વ્હાઈટ ડવમાં નવો ડોક્ટર આવેલો, ડોક્ટર આકાશ અવસ્થી. એણે અહીની અજીબ ઘટનાઓ જોઈ અને એને આ જગ્યા ગરબડ લાગી. બીજા કોઈને જાણ કર્યા વગર એમણે એમની જાણમાં હશે એવા એના એક મિત્ર શશાંકને ત્યાં મદદ માટે બોલાવેલો. એણે પણ ત્યાં નકલી ડોક્ટર તરીકે જોબ લીધી અને તપાસ ચાલુ કરી. શશાંક એકલો નથી એમની પાંચ સભ્યોની એક ટીમ છે, પેંટાગોન, લોકો એમને ભૂતનાશક તરીકે ઓળખે છે. એ લોકો જ્યાં પણ કોઈ અજીબ ઘટનાઓ બનતી હોય ત્યાં પહોંચી જઈ એને દુર કરે છે, ભૂત પ્રેત કે ભટકતી આત્માને કેદ કરી લોકોને એમના ત્રાસમાંથી રાહત અપાવે છે.

શશાંક અને અમારી મેડમ કાવ્યા વચ્ચે ઇલુ ઇલુ ચાલુ થયેલું અને પછીથી એ બંનેએ સાથે મળીને વ્હાઈટ ડવ વિષે ઊંડાણથી તપાસ કરતા એ જગ્યા કોઈ કાપાલી નામના તાંત્રિકની ચુંગાલમાં ફસાયેલ હોવાનું બહાર આવેલું. અમર થવાની, ભગવાન બની જવાની લ્હાયમાં એજ નિર્દોષ લોકોના મોત નીપજાવી રહ્યો હતો. એનો અડ્ડો છેક સાપુતારાની ગુફામાં ચાલતો હતો. શશાંક અને એમની ટીમ ત્યાં સુંધી પહોંચી ગયેલી અને કાપાલીનો અંત લાવેલા. એ વખતે પ્રોફેસર નાગને જોઇને કાપાલી ગભરાઈ ગયેલો અને એના ગુરુ અઘોરીનાથની હાથેથી લખેલી એક ડાયરીમાં એ ભરાઈ ગયેલો! કહો કે એનો આત્મા એમાં કેદ થઇ ગયેલો. એ ડાયરીમાં અઘોરપંથ વિષે કેટલીક જાણકારી છે જે અઘોરીનાથે એમની કોઈ અલગ લીપીમાં લખેલી. એ ડાયરી પ્રોફેસર નાગ પોતાની સાથે લઇ ગયેલા અને વ્હાઈટ ડવ પરથી કાળા વાદળો ઉડી ગયેલા.

જ્યારે કાપાલી અને શશાંક ત્યાં સાપુતારામાં એકબીજા સાથે લડી રહ્યાં હતા ત્યારે ત્યાં હોસ્પીટલમાં આત્માઓ જાણે પાર્ટી કરવા આવી હોય એમ ઘુસી આવેલી. મારો પણ એમની સાથે મેળાપ થયેલો, બાલ બાલ બચ્યો હતો. હજુ પણ એ રાત, એનો એક એક સીન મને બરોબર યાદ છે. એક ચુડેલ તો આવીને મને ચાનો કપ આપી ગયેલી, એમાં શું હતું ખબર છે?”

“શું હતું ?” અચંબિત થઇ ગયેલા મને પૂછ્યું.

“એમાં લોહી હતું!” નિમેશ જવાબ આપતા બોલ્યો.

“અરે.. પણ તને કેવી રીતે ખબર? મેં તો તને આ વાત નથી કીધી, મને પ્રોફેસર નાગે ના કહેલું, એમના મતે બુરી શક્તિઓનું નામ લેવાથી એમની તાકાત વધે છે એટલે જ વ્હાઈટ ડવ છોડ્યા બાદ મેં ક્યારેય એ હોસ્પિટલ કે એમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ સુધ્ધાં નથી કર્યો!” ભરતે વિસ્મયથી પૂછ્યું.

“રામસે બ્રધર્સની ફિલ્મો મેં પણ જોઈ છે, ખાલી વાતો ના કર ભરતા. આનો ઉપાય શું એ ખબર હોય તો બોલ?” નિમેશ જરા ચિડાઈને બોલ્યો. બીજો કોઈ વખત હોત તો એ આ વાત જરાય ના માનત પણ હાલ હાલમાં એ જે જોઇને આવ્યો હતો એ પછી આ બધી વાતો માન્યા સિવાય છૂટકો ન હતો અને ભરત એનો ફાયદો ઉઠાવી એણે ડરાવી રહ્યો હોય એમ નિમેશને લાગેલું.

“આનો ઉપાય તો ચોક્કસ હશે જ પણ પ્રોફેસર નાગ પાસે હશે ટણપા, હું એવું બધુ કરી શકતો હોત તો અહિયાં નોકરો શું ધૂળ ચાટવા કરતો હોત. એ અહીં આવીને બધું એમની રીતે તપાસશે પછી કહેશે એની પહેલા ઉકેલ જોઈતો હોય અને બહુ ઉતાવળ આવી હોય તો જા જઈને મોહનાને પૂછી આવ.”

“રાઈટ! આ આપણો હીરો ક્યારે કામમાં આવશે?" નિમેશ ચપટી વગાડતાં ખુશ થઈને બોલ્યો.