અનહદ.. (18) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. (18)

એ જ બાળકો જેવું સ્મિત!
સૂતી હોઈ ત્યારે પણ તેના ચહેરા પર એજ સ્મિત રમતું હોઇ, આશાને ઉઠાડવાનું મન જ ન થાય, મિતેશ થોડીવાર એમજ તેની તરફ જોઇ રહે.
"મેડમ ઉઠો હવે, સવાર પડી ગઈ." તેનાં માથાં પર હાથ ફેરવતો મિતેશ બોલ્યો આશાએ આંખો ખોલ્યા વગર જ તેનો હાથ પકડી તેની હથેળી પર પોતાનો ગાલ રગડતાં કહ્યું, "જ્યાં સુધી તું રોજ આવીજ રીતે મને ઉઠાડે નહીં ત્યાં સુધી મને ઉઠાવાનું મન જ નહીં થાય, ટેવ પડી ગઇ તારી." કહેતાં મિતેશનો શર્ટ ખેંચ્યો અને તેનું ઇન્સર્ટ વીંખી નાખતાં તેને પોતાના પર ખેંચ્યો પણ મિતેશ તેનાથી બચી નીકળ્યો અને પોતાનો શર્ટ સરખો કરતાં બોલ્યો, "એ બધી ખરાબ ટેવ ન પાડતી, હું ક્યારેક નહીં હોઉં તો શું કરીશ!" આશાએ તેનો હાથ ફરી પકડી લીધો અને કહ્યું, "એવું નહી બોલ, તને કયાંય જવા દઉં તો ને! આમજ મારી પાસે રાખીશ હંમેશા."
"હા, સારું ચાલ ન જવા દેતી, અત્યારે ઓફિસે તો જવા દે આજે એક ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે, સમયસર પહોંચવું પડશે." કહી તે ચાલતો થયો..
આશા ચા નો કપ હાથમાં લઇ વિચારતી રહી, પોતે કેટલી નસીબદાર છે કે મિતેશ પોતાના જીવનમાં છે, પોતાની પહેલી મુલાકાત યાદ આવતાં તેના ચહેરા પર ખુશી દોડી ગઈ અને એકલી એકલી જ હસવા લાગી.
પોતાનો ફોન હાથમાં લઈ એક મેસેજ કર્યો જે એ ક્ષણે મિતેશના મોબાઇલની સ્ક્રીન પર ઝબકયો,
"I LOVE YOU MITU!
THANKS FOR COMING IN MY LIFE"
વાંચીને મિતેશના મો પર એક સ્મિત રમવા લાગ્યું.
રીપ્લાય આપ્યો, "LU2"

............

એક દિવસ મિતેશ ઓફિસે પહોંચ્યો ત્યાં આશાના પિતાજી તેની રાહ જોઈ રહ્યા હતા, મિતેશને જોઈ કહેવા લાગ્યા, "તું અને આશા સાથે રહો છો, અમને કોઈ વાંધો નથી પણ સમાજ ને શું જવાબ આપવો એ નથી સમજાતું, ઘણા લોકો મેણા મારે છે કે તમે તો સમય કરતાં પણ આગળ નીકળી ગયા, જુવાન દીકરી વગર લગ્ને બીજાં સાથે રહે એ સારું ન લાગે."
મિતેશે તેમને ભરોસો અપાવ્યો કે તે આશાને બને એટલું જલ્દી મનાવી લેશે, અને તેઓ લગ્ન કરી લેશે જેથી સમાજનાં મોં બંધ કરી શકાય.
ઘણી વખત પ્રયાસ કર્યો તેની સાથે એ વિશે વાત કરવા માટે પણ કોઈનેકોઈ બહાને તે વાત ઉડાવી દેતી.
"આશુ તારું 'ફ્રેન્ડ વિથ બેનિફિટ' પૂરું થઈ ગયું હોઇ તો હવે આપણે 'ઘર સંસાર' શરૂ કરીએ." મિતેશની વાત સાંભળી આશા હસવા લાગી, "વળી પાછું સંસાર નું ભૂત સરવળ્યું? કેમ શું જરૂર છે, આ ચાલે તેમાં શું વાંધો છે."
"આમને આમ આપણે એક વરસ ઉપર થઈ ગયું, સમાજ શું વિચારતો હશે આપના વિશે એ પણ જોવું જોઈએ ને." મિતેશે તેને સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો અને કહ્યું, લગ્ન થઇ જાય તો બાળકો..."
"ચૂપ" મિતેશના મોં પર હાથ રાખી તેની વાત કાપતાં બોલી, "શું બાળકો! તમે પુરુષો અમને સ્ત્રીઓને શું બાળકો બનાવવાના મશીન સમજો છો. બસ લગ્ન અને બાળકો જીવનમાં અમારાં બીજા કોઈ સ્વપ્ન હોઈ કે નહિ."
આશાની વાત સાંભળી મિતેશને બહુ દુઃખ થયું, પણ એ ત્યારે કશું બોલ્યો નહીં.
આમનેઆમ બે વર્ષ નીકળી ગયાં બધું રાબેતા મુજબજ ચાલતું રહ્યું, તે દિવસ પછી મિતેશે આશા સાથે લગ્ન કે એવી બીજી કોઈ વાત ન કરી.
આશાને તો છૂટો દોર મળી ગયો, મિતેશ તેને કશું ન કહેતો બસ તેની મરજી પ્રમાણે તે કહે તેમ કર્યા રાખતો.
એક બાજુ આશાના માતાપિતા તેના પર લગ્ન માટે દબાણ કરતાં જ્યારે આશા કોઈ વાત સમજવા જ તૈયાર ન હતી, દર વખતે કોઈ ને કોઈ બહાનું બતાવી તે વાત પર પૂર્ણવિરામ લાવી દેતી.

એક દિવસ મિતેશે આશાના હાથમાં પોતાનું રાજીનામું મૂક્યું અને કહ્યું કે તે અમદાવાદ જઇ રહ્યો છે, બીજી કંપની માં ઉંચી પોસ્ટ માટે.
આશાએ તેને પોતાની સાથે લઈ જવા કહ્યું પણ તે ન માન્યો.
"બહુ ચલાવી લીધી તારી મનમાની પણ હવે બસ, હું મારા રસ્તે અને તું તારા રસ્તે." કહી તે ચાલતો થયો.
આશા તેને રોકવાના બધા પ્રયાસો કરે છે, તે નથી માનતો અને પોતાનો સમાન લઈ ચાલતો થાય છે પણ આશા પ્રેગ્નેન્ટ છે તે વાત સાંભળી તે અટકી જાય છે.

...........

આશાના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં આ આખો ઘટનાક્રમ મિતેશના માનસપટ પર ચાલી રહ્યો હતો.
બધું તેના પ્લાનિંગ પ્રમાણે જ ચાલી રહ્યું હતું, પણ આશા પ્રેગ્નેન્ટ છે તે જાણી તે વિચારમાં પડી ગયો, તેના પ્લાનિંગ પ્રમાણે તેને વિચારેલું કે આખરે આશા લગ્ન માટે માની જશે અને તેનો પ્લાન કામિયાબ થઈ જશે, પણ હવે તો આશાને છોડવાનું વિચારી પણ ન શકે.
"મેં કાલે જ મારું ચેકઅપ કરાવ્યું અને થોડીવાર પહેલાં જ મારો રીપોર્ટ મળ્યો, હું તને કહેવાનીજ હતી કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ, પણ તું તો મને છોડી ચાલતો થયો." આશાના મુખે લગ્નની વાત સાંભળી મીતેશ ખુશ થઈ ગયો.
"પહેલાં જ કહી નાખ્યું હોત તો! મારે આ બધું નાટક ન કરવું પડ્યું હોત ને." મિતેશની વાત સાંભળી આશાએ પોતાના બંન્ને હાથે મિતેશના કાન પકડ્યા અને રડતી રડતી કહેવા લાગી, "તું એવું નાટક પણ કેમ કરી શકે, ખબરદાર જો બીજી વખત મને છોડી જવાનું વિચારસે તો, હવે તારા કાન માત્ર ખેચીસ નહીં, તોડી જ નાખીશ." અને તેના ચહેરા પર દુઃખનું સ્થાન ખુશી એ લીધું.
"સોરી સોરી કાનતાબેન કાન છોડો, બીજી વાર એવું નહીં કરું, પ્રોમિસ!" આશાએ તેના કાન છોડી દીધા અને મિતેશના ખોળામાં માથું રાખી આંખો બંધ કરી સોફા પર લંબાઇ ગઈ અને વિચારમાં ડૂબી ગઈ.

બંન્ને બંધ આંખે પોતાના જીવનમાં આવનાર નવાં મહેમાન વિશે વિચાર કરી રહ્યા હતાં, બંન્નેની ખુશી સાતમા આસમાન પર હતી.
મિતેશનો એક હાથ તેના માથે ફરતો હતો અને બીજો તેના પેટ પર..!


***** ક્રમશઃ *****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો.)
નોંધઃ આ વાર્તાના તમામ પાત્રો સ્થળ અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***