Man Mohna - 22 books and stories free download online pdf in Gujarati

મન મોહના - ૨૨

સાજીદની આંખોમાં પાછો ભય ડોકાયો હતો. એ જાણે હજી એ દિવસે અનુભવેલુ નજર સામે જોઈ રહ્યો એમ બોલતો હતો.

હું એ ઢીંગલી સામે જ જોઈ રહેલો, કેટલીવાર થઈ હશે ખબર નથી. કોઈએ જોરથી એ રૂમનો દરવાજો પછાડીને બંધ કરેલો. હું ચોંકી ગયેલો. નીચે લતીફ હતો એણે મને ચેતવ્યો કેમ નહિ એમ વિચારી મેં દરવાજા તરફ જોયું તો ત્યાં મોહના ઉભી હતી અને મારી સામે જોઈ એના ચહેરા પર જે સ્મિત આવી ગયું હતું એ જોઇને હું છળી ઉઠેલો. એ એવું જ સ્મિત હતું જેવું મેં તે દિવસે રાત્રે જોયેલું. મને ત્યારે જ લાગેલું કે હું ફસાઈ ગયો છું. ગભરાઈને મેં ઢીંગલી નીચે ફેંકી દીધી તો એ હવામાં ઉડવા લાગી. રુમમાં ચારેબાજુ ચકરાવો લેતી એ ગોળ ઘૂમી રહી હતી. હું બે હાથ જોડી મોહનાને કાકલુદી કરી રહ્યો હતો મને છોડી દેવા માટે. હવે ફરી ક્યારેય અહી પગ નહિ મુકું, કોઈને કશું જણાવીશ પણ નહિ, મને જવાદે... અલ્લાહને ખાતિર, તારા ભગવાનને વાસતે મને જવાદે! હું રડી પડ્યો હતો.

“અલ્લાહ! ભગવાન! કોણ છે આ બધા? કોઈ વાર જોયા છે એમને આ દુનિયામાં? તમે માણસોએ જ એમને ક્યારનાય મારી નાખ્યા! તમારા લોકોની લાલચ અને વેરની લડાઈ વચ્ચે જ હું જન્મી છું. હું જ છું સર્વશક્તિમાન!”

એ અટહાસ્ય કરી રહી હતી. ભયંકર હતો એ અવાજ. એ અવાજ જાણે મારા કાનોમાં પ્રવેશી મારા મગજની નસો ફાડી રહ્યો હતો. એણે મારી તરફ એનો હાથ લંબાવેલો. એ હજી દરવાજે જ ઉભી હતી અને હું એનાથી વીસ કદમ દુર કબાટ પાસે હતો છતાં, એનો હાથ ધીરે ધીરે લાંબો થઇ મારી પાસે આવી રહ્યો હતો. મારી નજર એના હાથ અને બારી તરફ જોતી હતી. મન કહેતું હતું કે તે રાતની જેમ બારી કુદીને ભાગી જાઉં પણ પગ સાથ નહોતા આપતા. કોઈ વજનદાર વસ્તુ સાથે બાંધી દીધો હોય એમ હું મારી જગ્યાએથી એક ઇંચ પણ હલી નહતો શકતો. મોહનાનો લંબાયેલો હાથ મારી નજીક આવી ગયો હતો. ભયથી મારી હાલત ખરાબ થઇ ગયેલી, એનો હાથ મારી સાવ નજીક આવી ગયો હતો. એની લાંબી આંગળીયો મારી ગરદન આસપાસ વીંટળાઈ અને કોઈ મુર્ગાને ગર્દનેથી પકડીને ઉઠાવી લઈએ એટલી આસાનીથી એણે મને મારી ગરદનેથી પકડી ખેંચ્યો, ઉઠાવ્યો હતો. હું ખૂબ ડરી ગયેલો. ભયથી એટલો થીજી ગયેલો કે હું મારી આંખો પણ બંધ નહતો કરી શકતો.

એના શ્વાસ મારી ગરદને અથડાતાં હતાં. એણે હવે મારા ગળા પરની પકડ છોડી મારું શર્ટ કોલરેથી પકડી ખેંચેલું. એ ફાટી ગયેલું. એની આંખો મારી તરફ હતી અને મારી એની આંખોમાં. એણે એની આંગળીયો મારી ગરદન પર ફેરવી અને હસી, એની બીજી જ પળે એ મારી ગરદન તરફ જુકી હતી, એના ગરમ શ્વાસ અને નાજુક હોઠ મને અડ્યા હતાં. કોઈએ જાણે પેન્સિલ ખોસી દીધી હોય ગળા પર એવી પીડા મને થઇ આવી, એ કંઈક કરી રહી હતી, બચ બચ બુચકારા બોલાવતી, એના હોઠ મારી ગરદન પર દબાવતી, હું ભાન ઘુમાવી રહ્યો હતો...

કેટલો સમય હું બેભાન રહ્યો હોઈશ એ યાદ નથી. જ્યારે હોશમાં આવ્યો ત્યારે ખયાલ આવ્યો કે, એણે મને એના કબાટમાં બેસાડી દીધો હતો અને બારણું બહારથી બંધ કરી દીધેલું. કબાટમાં ખુબ અંધારું હતું. કેટલો વખત થયો હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. મેં બચવા માટે હવાતિયા મારવા ચાલું કરેલા. જોર જોરથી હું મારા પગના આંગળા કબાટના બારણે ઠોકી રહ્યો એ આશાએ કે કોઈ અવાજ સાંભળીને બારણું ખોલે અને મને બચાવી લે. કોઈ ના આવ્યું. હું રડી પડ્યો. મારો હાથ મારી ગરદન પર ગયો ત્યાં એક જગાએ મને બળતું હતું, આંગળી અડાડતા અસહ્ય પીડા થઇ આવી ત્યાં બે મોટા કાણા પડેલા હતા. હું સમજી ગયો એ કાણા શેના હતા, મોહનાએ મારી ગરદનમાં એના દાંત ઘૂસેડી લોહી પીધું હતું, જેવી રીતે એણે અમરનું, એના પતિનું લોહી પીધેલું..! મને થયું કે મારી જીંદગી હવે ખતમ થઇ ગઈ. આ પ્રેતાત્મા મને નહિ છોડે.

હું ફરીથી મદદની આશાએ મારું આખું શરીર કબાટના બારણે અથડાવા માંડ્યો. મને ઘણી પીડા થઇ રહી હતી, કષ્ટ પડી રહ્યું હતું એમ કરવામાં પણ જાન બચાવવાનો બસ એજ એક રસ્તો હતો. એમ કરવાથી કબાટનું બારણું બહારની બાજુ ધકેલાતું હતું અને મોટો અવાજ થતો હતો. કોઈ એ અવાજ સાંભળીને આવે અને મને બચાવે એવું વિચારતો હું થાકી ગયો ત્યારે મારી પાછળ પડેલી ઢીંગલીએ મને સાંત્વના આપતી હોય એમ મારી પીંઠ પર હાથ ફેરવ્યો હતો. હું ફરીથી ગભરાઈ ગયો. આ બધી મુસીબત એ ગુડીયાને હાથ લગાવ્યો પછી જ ચાલુ થઇ હતી. એ ગુડિયા એની જાતે ખસીને આગળ આવી અને મારા આંસુ લુંછવા લાગી. હું કંઈ પણ વિચારી શકું એ દશામાં જ નહતો. એ ગુડીયાનું સહેલાવવું મને ગમ્યું અને હું ચુપચાપ એ મોતથી પણ બદતર સમય પસાર કરતો ત્યાં બેસી રહ્યો.


સાજીદની વાતો સાંભળી મનને યાદ આવ્યું, એ દિવસે એ મોહનાને મળવા સાંજે આવ્યો અને એ લોકો બહાર જવા નીકળ્યા હતા ત્યારે મોહનાના રૂમમાંથી અવાજ આવ્યો હોય એવું પોતાને લાગેલું. પોતે એને કહેલું પણ ખરું, ત્યારે એણે કહ્યું હતું કે, “ઉપર રૂમમાં સફાઈ ચાલી રહી છે, એનો અવાજ છે.” મનને એ વખતે નવાઈ પણ લાગેલી, આટલી રાતે સફાઈ કરવાની શી જરૂર..? મોહના સાથે બહાર જવાની ઉતાવળમાં પોતે એ અવાજને ગણકાર્યો ન હતો નહીતર એજ વખતે સાજીદને બચાવી લેવાયો હોત, કદાચ!

“ઓકે. તારા આ બયાન પરથી એ સાબિત થઇ જાય છે કે, મોહના કસુરવાર છે. એણે જ તારી ગરદન પર એના દાંત માર્યા છે. એણે તને કબાટમાં પૂરી મરી જવા સુધી મજબુર કર્યો અને એના પતિ અમરને પણ એણે જ માર્યો છે, તું એ વાતનો સાક્ષી છે. તે એ બધું નજરે જોયું છે.” નિમેશ જાણે હાલ કેસ સોલ્વ થઇ ગયો હોય એમ તડતડાટ બોલી ગયો. એણે એકવાર મન સામે જોયેલું એ ચુપ હતો. શું બોલે એ બિચારો? એની મોહના વિષે એ ભલે ગમે એટલો બચાવ કરી લે પણ જે હકીકત હતી એ બદલાવાની ન હતી. એને આ બધું કેવી રીતે શક્ય છે એ સમજવા થોડો સમય જોઈતો હતો. મનની હાલત ભરત બરોબર સમજતો હતો એટલે જ એણે સાજીદને પૂછ્યું,

“પણ તુંતો કહેતો હતો કે મોહના બેકસુર છે!”

સાજીદ ફરીથી થોડું હસ્યો અને બોલ્યો, “હા. એ બે કસુર છે. મારી વાત હજી પૂરી નથી થઇ. એણે નિમેશ સામે જોઇને કહ્યું, આ સાહેબને બહુ ઉતાવળ આવી ગઈ લાગે છે ગુનેગારને પકડવાની, પોલીસવાળા ખરાને!"

“મેં કહ્યું કે કબાટમાં એ ગુડિયા મને સહેલાવતી હતી. અજબ આશ્ચર્ય અને આઘાત સાથે હું ત્યાં બેસી રહેલો. એ ગુડીયાને અડવાની મારી હિંમત ન હતી. કેટલો સમય ગયો હશે એ મને યાદ નથી પણ, મોહના પાછી ફરી હતી. એણે કબાટ ખોલી મને ખેંચીને બહાર કાઢેલો અને ફરીથી મારું લોહી પી મને કબાટમાં ફેંકીને સુઈ ગયેલી. હું બેહોશ થઇ ગયેલો. બીજે દિવસે સવારે મેં જોયું કે મોહના મારા માટે ગરમ દૂધ અને સેન્ડવીચ લાવેલી. એણે મને ખુબ જ પ્યારથી જગાડેલો અને ખાવા આપેલું. પહેલા તો મને થયું, બકરાને હલાલ કરતા પહેલા તાજોમાજો કરે છે! એણે મારી માફી માંગેલી અને મારી ગરદન પરના ઘાવ પર આંગળીઓ ફેરવી. મને એ સ્પર્શ પેલી ગુડિયાના સ્પર્શ જેઓ લાગ્યો. મેં વિચાર્યું કે, હવે હું ઠીક છું. નાસ્તો કર્યા બાદ મારામાં થોડી તાકાત આવી ગયેલી, ઉપરાંત જિન્દા રહેવાની ખ્વાઈશ, મેં ત્યાંથી ભાગી જવાનું વિચાર્યું. મોહના કોઈ બીજા કામમાં વ્યસ્ત હોય ત્યારે ભાગી જવાનું નક્કી કરી મેં પગ છૂટો કરવા જેવો કબાટમાંથી પગ બહાર નીકાળ્યો કે મારી પાછળ બેઠેલી ગુડીયાએ એના હાથમાં પકડેલી કોઈક અણીદાર વસ્તુ મારી કમરમાં ખોસી દીધી. મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. કોઈએ સોય ઘૂસેડી દીધી હોય એવું એ દર્દ હતું. મારો અવાજ સાંભળી મોહના દોડતી આવી અને પેલી ગુડીયાને બોલવા લાગી,

“બસ કર, હવે એ બિચારાને શું કરવા હેરાન કરે છે? તારું પેટતો ભરેલું છે ને!”

“આટલું બોલી મોહના અટકી હતી અને ચુપચાપ ઉભી રહી હતી. એ વાતનો મને પાછળથી ખ્યાલ આવ્યો હતો, એ પેલી ગુડિયા સાથે વાતો કરતી હતી. એ ગુડિયા એની સામે બોલતી હતી જે હું સાંભળી નહતો શકતો! પછીથી મોહનાએ મને સમજાવ્યું કે હું જો અહીંથી ભાગવાની જરાય કોશિશ કરીશ તો એ ગુડિયા મારી બુરી વલે કરશે, એટલે હું આરામથી અહી બેસી રહું. હું ભાગવાની કોશિશ કરી રહ્યો હતો એટલે એ ગુડીયાએ મને માર્યું એવું એ ગુડીયાએ જ મોહનાને જણાવેલું. સાંજ ઢળતા જ એ શેતાન ગુડિયા જે સવારની મારી પીંઠ પાછળ બેઠી મને મારી રહી હતી એ હાથ ફેરવવા લાગી અને સવારની શાંત, પ્રેમાળ મોહના શેતાન બની ગઈ હતી. એણે મારું ખૂન પીધું અને મને અર્ધ બેભાન હાલાતમાં કબાટમાં પૂરીને ક્યાંક ચાલી ગઈ હતી. વધારે મને ખબર નથી પણ આટલા કલાકો કબાટમાં પુરાયેલા રહીને હું એટલું કહી શકું કે, આ બધી ગરબડ એ ગુડિયા, એ ઢીંગલીને લીધે જ છે, એનામાં જરૂર કોઈ શેતાની રૂહ છે જેણે મોહનાના શરીર પર કબજો કર્યો છે. સવારનું મોહનાનું રૂપ અને સાંજ ઢળ્યા પછીનું મોહનાનું રૂપ અલગ હોય છે. એવું જ એ ગુડીયાનું પણ છે, સવારે મને મારતી, ડારતી એ ગુડિયા સાંજ ઢળ્યા પછી વહાલથી હાથ પસવારતી હોય છે, જાણે માફી માંગતી હોય!" આટલું કહી સાજીદ અટક્યો હતો અને બીજા લોકો હવે આ વિષય પર કંઇક નવી વાત કરે એ સાંભળવા આતુર હતો.
નિમેશ, ભરત અને મન બધા સ્તબ્ધ હતા. મોહના ગુનેગાર હતી છતાં ન હતી. આ વખતે ગુનેગાર કોઈ માણસ નહતો જેને પકડીને જેલમાં પૂરી દેવાથી બધી વાતનો અંત આવી જાય. તો..? હવે શું? એ વાતે આવીને બધા ચુપ હતા. અચાનક ત્રણેયના મનમાં એકસાથે જબકારો થયો... ઢીંગલી! ત્રણેયે એકબીજા સામે જોયું અને એમની આંખોમાં એક ચમક આવી ગઈ...




એક ઢીંગલી કોઈનું શું બગાડી શકે? મન, ભરત અને નિમેશ ત્રણે સાજીદની વાત સાંભળીને વિચારી રહ્યાં. મનને થયું કોઈ માનસિક રોગ હોઈ શકે, પણ સાજીદને ઢીંગલી હાથ ફેરવે કે એના શરીરમાં કોઈ અણીદાર વસ્તુ ખૂંપાવી દે, એને મારે એ વાત વધારે પડતી લાગી એના મતે તો સાજીદ જ પાગલ હતો પણ એના બયાનથી મોહના નિર્દોષ સાબિત થતી હતી! એ એક જ એવો માણસ હતો જે આ બધી ઘટનાઓ કેવી રીતે ઘટી રહી છે એ વિષય પર થોડી જાણકારી ધરાવતો હોય. મોહનાને બચાવવા સાજીદની ગવાહી જ કામ આવી શકે એવી હતી.
નિમેશ વિચારી રહ્યો કે જો સાજીદની વાત સાચી માની લઈએ, જો માની લઈએ કે બધું કર્યું કરાવ્યું એ ઢીંગલીનું જ છે તો એ ઢીંગલીને જ ખતમ કરી નાખવી જોઈએ, પછી જોઈએ શું થાય છે.

ભરતને વ્હાઈટ ડવ હોસ્પિટલ યાદ આવી ગઈ, જોગાનુંજોગ હાલ પણ એ એક હોસ્પીટલમાં જ હતો. વ્હાઈટ ડવમાં એ રાત્રે જોયેલી ભટકતી આત્માઓ આજે ફરીથી એની આંખો આગળ તરવરી રહી. એની સામે પડેલો ચાનો કપ ઉઠાવી ચા પીતા પહેલા એણે કપમાં નજર કરી, હાશ એ ચા જ હતી! વ્હાઈટ ડવમાં એને એક ભૂતડીએ ચાના કપમાં લોહી ભરીને આપ્યું હતું એ યાદ આવતા અત્યારે પણ એના રૂંવાડા ઊભા થઈ ગયા. એને થયું શશાંકને ફોન કરવો જ પડશે. પ્રોફેસર નાગ અને એમની ટીમ પેંટાગોનની અહીં જરૂર છે. ચોક્કસ અહીં કોઈ કાલાજાદુનો પ્રયોગ થયો હોવો જોઈએ. ઢીંગલી એમણેમ તો જીવતી ના થાય!

બધાંની આગળ નિમેશ વધારે જીદ્દીલો સાબિત થયો, કદાચ એની વર્ધીનો એ પ્રતાપ હતો. બાકીના બે કંઈ કહે એ પહેલા જ એણે ઢીંગલીને ખતમ કરી દેવાનું કહ્યું અને નીકળી પડ્યો. ભરત એને રોકવા માંગતો હતો, જો ખરેખર એ ઢીંગલી પર કોઈએ મેલીવિદ્યા નો પ્રયોગ કર્યો હશે તો એને નિમેશ નહિ રોકી શકે. એનો જીવ જવાની પણ પૂરી શક્યતા હતી. ભરત તરત ઊભો થયો અને એની પાછળ પાછળ ગયો, મન ભરતની પાછળ ગયો. નિમેશ એની જીપમાં ગોઠવાયો ત્યારે ભરતે કહ્યું,

“એકવાર વિચારી લે યાર. આમ ઉતાવળ કરવાથી આપણે કોઈ મુસીબતમાં ના ફસાઈ જઈએ.”

“વિચારી લીધું. એ ઢીંગલી જ આ બધાનું જડ હોય તો હું આજે જ એને ખતમ કરી નાખીશ પછી જોઈએ શું થાય છે. તમારે મારી સાથે આવવું હોય તો આવો નહીતર ઘેર જતા રહો.” નિમેશ હવે સમય વેડફવા નહતો માંગતો.

“અમે તારી સાથે જ આવીશું નિમેશ.” મને જીપમાં બેસતા કહ્યું. એને નિમેશ ઉપર હવે વધારે ભરોષો ન હતો. એ મોહનાને ફસાવીને આ કેસ પૂરો કરી દેવા માંગતો હોય એમ એને લાગતું હતું એટલે જ એ સાથે જવા તૈયાર થયો.
ભરતને એકલા રહેવું આમેય પસંદ ન હતું. જ્યાં દોસ્તો હોય ત્યાં એ બંદા જવા માટે તૈયાર રહેતા અને આ લોકોની નહિ પણ ભૂત ભગાડનાર લોકોની જરૂર પડવાની એવું એ માનતો હતો. એવા માણસોને એ ઓળખતો હતો એ વાતે અત્યારે એને ગર્વ મહેસૂસ થઇ રહ્યો..! બધા નીકળી ગયા મોહનાને ઘરે જવા.

મન અને એના બંને સાથીઓ મોહનાને ઘરે પહોંચ્યા ત્યારે કર્નલ, મોહનાના પિતા, દિલ્હીનું એમનું કામ પતાવી ઘરે આવી ગયા હતા. મન, ભરત અને નિમેશ મોહનાના ઘરે જઈને બેઠકખંડમાં સોફા પર બેઠા હતા. એ લોકો કર્નલને ત્યાં હાજર જોઇને થોડાક ચોંકી ગયા હતા, એમાય મનની તો આ પહેલી મુલાકાત હતી એના ભાવી સસરા જોડે, એ એમને સારું લાગે એવી રીતે જ વર્તવા માંગતો હતો.

“તો યંગમેન તમે લોકો અહીં મોહનાને મળવા આવ્યા છો?” કર્નલે એમના ઓરડો ધ્રુજાવી દેતા બુલંદ અવાજે પૂછ્યું હતું.

“હા, અંકલ અમે લોકો સ્કુલ ટાઈમના મિત્રો છીએ. હું યુ.એસ.માં જોબ કરું છું બે મહિના માટે ઇન્ડિયા આવ્યો છું તો થયું દરેક મિત્રને મળતો જાઉં.” મને કર્નલને ખુશ કરવા કહ્યું. મન અહી પહેલા પણ ઘણી વખત આવી ગયેલો છતાં અત્યારે પહેલીવાર જ મોહનાને મળવા આવ્યો એમ વાત કરતો હતો એ જોઈ ભરતને હસવું આવી ગયું, એણે માંડ મોઢું બંધ રાખ્યું.

“સરસ. સરસ. જીવનમાં મિત્રો હોવા જરૂરી છે. મારી મોહનાને તો પહેલાથી દોસ્તો બનાવવાનો શોખ રહ્યો છે.” કર્નલે કહ્યું અને બધા માટે ચા લાવવા હુકમ કર્યો.

મોહના એના રૂમમાંથી હજી બહાર આવી ન હતી. નિમેશ પેલી ઢીંગલી જોવાં ઉંચો નીચો થતો હતો અને એના માટે મોહનાના રુમમાં જવું જરૂરી હતું. જો કર્નલ હાજર ન હોત તો પોતે ક્યારનોય કોઈ બહાનું કાઢી ત્યાં પહોંચી ગયો હોત. એણે હળવેથી કહ્યું, “બહુ વાર લગાડી મોહનાએ, એની તબિયત તો ઠીક છે ને?”

“મેં તને ક્યાંક જોયો હોય એવું લાગે છે યુવાન! આપણે પહેલા ક્યારેય મળ્યા છીએ?” કર્નલે નિમેશ તરફ જોતા કહ્યું.

“જી હું પોલીસ સબઇન્સ્પેક્ટર છું અને આપણે પહેલા મળી ચુક્યા છીએ. અમરના કેસ બાબતે.”

“ઓ..હ યસ, યસ. યાદ આવી ગયું." કર્નલના ચહેરા પર સખતાઈની રેખાઓ આવી ગઈ. “પોલીસવાળા કોઈના મિત્ર નથી હોતા! તમે અહી મિત્રતા નિભાવવા આવ્યા છો કે તમારી ફરજ?” કર્નલે કડવાશથી કહ્યું હતું.

ચા આવી ગઈ હતી. મન અને ભરતે ટ્રેમાંથી પોતાનો કપ ઉઠાવી લીધો અને નિમેશ પોતાની કપ ઉઠાવતા ઉઠાવતા બોલ્યો, “બન્ને,”

“મૂકી દે. કપ નીચે મૂકી દે. બોય આ ચાનો કપ લઇ જા જોઈ. ઓફિસર તમે વોરંટ લઈને આવ્યા છો? તમને ખબર છે ને મોહના આપણા શહેરની એક સમ્માનનીય લેડી છે અને એના ઘરમાં ઘુસતા પહેલા તમારી પાસે વોરંટ હોવું જોઈએ.”

નિમેશ ચાનો કપ ટીપોય પર મૂકી ઉભો થઇ ગયો. એને જોઈ મન અને ભરત પણ કપ હાથમાં લઇ બેસી રહ્યાં. “તમે લોકો કેમ બેઠી રહ્યાં છો?” કર્નલ ભરત અને મન સામે જોઈને તાડુક્યા.

“સોરી સર! કહીને મન અને ભરત પણ ઉભા થઇ ગયા.”

“વોટ સોરી! તમેતો પોલીસવાળા નથીને? બેસો અને ચા પીવાનું શરુ કરો. ઠંડી થઇ જશે. તમે લોકો મોહનાના મિત્રો છો.”

મન અને ભરત પાછાં બેસી ગયા અને ચા લઈને પીવા લાગ્યા. ભરત સામે એક નજર કરી નિમેશ બહાર જવા વળ્યો હતો. એ નજર ભરતે વાંચી લીધી હતી, એ કહેતી હતી, સાલા ભુખ્ખ્ડ જિંદગીમાં કદી ચા નથી જોઈ તે આ ડોહલો મારું અપમાન કરે છે અને તું બેઠો બેઠો ચા પીવે છે!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED