Once upon a time - 74 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 74

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 74

વિચારધારામાં ખોવાયેલા સલીમ કુત્તાના કાને અચાનક કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો એના કાન સરવા થયા, પણ એ આગળ કંઈ વિચારી શકે એ પહેલાં એને અનેક સશસ્ત્ર માણસોએ ઘેરી લીધો!

એ સશસ્ત્ર માણસો ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા!

દિગ્મૂઢ બની ગયેલા સલીમ કુત્તાનો કાંઠલો પકડીને એના બંગલા બહાર ઘસડી જઈને જીપમાં ધકેલી દેવાયો. એ સશસ્ત્ર માણસો ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડ અને સીબીઆઈના અધિકારીઓ હતા! તેઓ સલીમ કુત્તાને લઈને અમદાવાદ ભણી રવાના થયા.

સીબીઆઈ અને ગુજરાત પોલીસની એન્ટી ટેરરિઝમ સ્કવોડના અધિકારીઓએ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના મહત્વના આરોપી મહમ્મદ સલીમ શેખ ઉર્ફે સલીમ કુત્તાને રાજસ્થાનના કલ્હાડી ગામમાંથી પકડી પાડ્યો એ જ દિવસે સીબીઆઈની બીજી એક ટીમે બોમ્બ બ્લાસ્ટ્સ કેસના બીજા એક આરોપી જમીલ કાદરીની મુંબઈમાં ધરપકડ કરી. જમીલ કાદરીએ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં ઉપયોગમાં લેવા માટે પાકિસ્તાનથી આવેલાં શસ્ત્રોના ત્રણ બોક્સ થાણે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છુપાવ્યા હતાં. ૨૦ વર્ષનો જમીલ કાદરી અને એનો ભાઈ શબ્બીર કાદરી સલીમ કુત્તાના કહેવાથી બોમ્બ બ્લાસ્ટ્સના કારસ્તાનમાં જોડાયા હતા. શબ્બીર અને સલીમ જીગરી દોસ્ત હતા.

બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી સલીમ કુત્તા અને જમીલ કાદરીની ધરપકડના સમાચાર છોટા શકીલ અને દાઉદ ઈબ્રાહીમ સુધી પહોંચ્યા એ અગાઉ દાઉદ ગેંગના બે શૂટર હારુન શેખ ઉર્ફે મુન્ના અને મુશરફ હુસેનને મુંબઈ પોલીસે હૈદરાબાદમાંથી પકડી પડ્યા હતા.

મુંબઈ ભાજપના અધ્યક્ષ પ્રેમકુમાર શર્માની હત્યા કરવામાં હારુન શેખ અને મુશરફ હુસેન પણ કોંકણીની સાથે હતા. ફિરોઝ કોંકણી બેંગલોરથી અને હારુન શેખ તથા મુશરફ હુસેન હૈદરાબાદથી પકડાઈ ગયા એથી દાઉદ ગેંગના શૂટરો નાસીપાસ થયા એનો પૂરો ફાયદો અરુણ ગવળી અને છોટા રાજન ગેંગે ઉઠાવ્યો. છોટા રાજન ગેંગ અને અરુણ ગવળી ગેંગ વધુ મજબૂત બની. જોકે, એમ છતાં સંખ્યાબળની રીતે દાઉદ ગેંગ સૌથી વધુ મજબૂત હતી.’

‘દાઉદ ઈબ્રાહીમ અને બીજી બધી ગેંગમાં કેટલા ગુંડાઓ કામ કરતા હશે એવું કુતુહલ તમારા વાચકોને હશે.’ ફાઈવફાઈવફાઈવનો કશ લેવા અટક્યા પછી પપ્પુ ટકલાએ વાત આગળ ધપાવતાં કહ્યું, ‘દાઉદ ગેંગમાં ત્યારે ૩૦૦૦થી વધુ ગુંડાઓ હતા, બીજા ક્રમે છોટા રાજન ગેંગ હતી. છોટા રાજન ગેંગના ગુંડાઓની સંખ્યા ૨૦૦૦ જેટલી હતી. અને અરુણ ગવળી ગેંગમાં ૧૫૦૦ ગુંડાઓ હોવાનો પોલીસનો અંદાજ હતો. અમર નાઈક જીવતો હતો ત્યારે એની ગેંગમાં ૧૦૦૦ જેટલા ગુંડા હતા, પણ અમર નાઈકના મોત પછી એની ગેંગ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જોકે અમર નાઈક ગેંગના મોટા ભાગના ગુંડાઓ પછી અમર નાઈકના ભાઈ અશ્વિન સાથે જતા રહ્યા હતા.’

પૂરક માહિતી આપ્યા પછી પપ્પુ ટકલાએ અંડરવર્લ્ડ કથા આગળ ચલાવી, ‘એક બાજુ દાઉદ ગેંગના શૂટરો પોલીસના હાથમાં ઝડપાઈ રહ્યા હતા ત્યારે બીજી બાજુ છોટા રાજન દાઉદ ગેંગના ગુંડાઓને પોતાની ગેંગમાં આવી જવા માટે લલચાવી રહ્યો હતો. આ દરમિયાન દાઉદ ઈબ્રાહીમ અને ડ્રગ સ્મગલર ઇકબાલ મિર્ચી વચ્ચે જામી પડી. ઇકબાલ મિર્ચી લંડનમાં ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો એ પછી દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમે મિર્ચીના ડ્રગ સ્મગલિંગ નેટવર્ક પર કબજો જમાવવાની કોશિશ કરી એથી ઈકબાલ મિર્ચી રોષે ભરાયો. લંડનની બ્રિટનની કોર્ટમાં જજ પી. બેઝની સામે સચોટ દલીલો કરીને મિર્ચીના બ્રિટીશ વકીલ એલેક્સ કામરાને ગણતરીના દિવસોમાં એને ૩૦ હજાર પાઉન્ડના જામીન પર છોડાવી લીધો. ભારત સરકાર વતી દલીલ કરવામાં બ્રિટીશ વકીલ એલીસન રિલે કાચા પડ્યા અને એનો ફાયદો મિર્ચીને મળ્યો હતો. મિર્ચી જામીન પર છૂટીને બહાર આવ્યો ત્યારે એને અનીસની અવળચંડાઇની ખબર પડી એટલે એ સળગી ઉઠ્યો. મિર્ચી પણ ઓછી માયા નહોતો. એ પણ ૧૯૭૫માં મિસા હેઠળ અને રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ જેલની હવા ખાઈ આવ્યો હતો અને અંડરવર્લ્ડમાં એ દાઉદ જેટલો જ સીનીઅર હતો. એ ભલે આર્થિક રીતે દાઉદની સમકક્ષ ન હોય પણ એ દાઉદ જેટલો જ ઝનૂની હતો.’

‘ઈકબાલ મિર્ચી અને દાઉદ ઈબ્રાહીમ વચ્ચે ખટરાગ થયો એ તક ઝડપી લઈને છોટા રાજને મિર્ચીને પોતાની તરફ ખેંચી લેવાની કોશિશ કરી પણ યાકુબ ભટ્ટી, યુસુફ બેગ અને અસલમ ભટ્ટી જેવા ડ્રગ સ્મગલર્સ જેટલી સહેલાઈથી મિર્ચી એના કેમ્પમાં આવ્યો નહીં. એ દરમિયાન ડ્રગ સ્મગલર મહમ્મદ ડોસાએ વચ્ચે પડીને દાઉદ ઈબ્રાહીમ અને ઈકબાલ મિર્ચી વચ્ચે સમાધાન કરાવી દીધું. દાઉદ અને મિર્ચીના કોમન ફ્રેન્ડ ખાલીદ પહેલવાને પણ આ સમાધાન કરાવવામાં રસ લીધો હતો. મુંબઈના સીરીઅલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી અવારનવાર દાઉદ ગેંગમાં ફાટફૂટ થતી હતી અને દાઉદના સાથીદાર સ્મગલરોને છોટા રાજન પોતાની તરફ ખેંચી રહ્યો હતો, બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુંબઈ સહિતની ભારતભરની પોલીસ અને સીબીઆઈ શિકારી કૂતરાની જેમ દાઉદ ઈબ્રાહીમ ગેંગ પાછળ પડી ગયા હતા. આ સ્થિતિમાં દાઉદને પણ ઈકબાલ મિર્ચી સાથે દુશ્મની વહોરી લેવાનું પરવડે એમ નહોતું. આ સમયમાં દાઉદની છત્રછાયામાં એની ગેંગના તમામ ખેલાડી અત્યંત પાવરફુલ બની રહ્યા હતા.

આ દરમિયાન છોટા શકીલ મુંબઈમાં દાઉદ ગૅંગને નબળી પડતી અટકાવવા પૂરી તાકાત અજમાવી રહ્યો હતો ત્યારે અબુ સાલેમે એનું દિમાગ દોડાવીને એક નવો જ આઈડિયા અજમાવ્યો હતો. મુંબઈ અને બીજાં મહાનગરોમાં ખંડણી વસૂલવા માટે અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધાક જમાવવા માટે અબુ સાલેમ એકદમ નવા છોકરા લોગનો ઉપયોગ કરવા માંડ્યો. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના રખડેલ પણ જેમનો કોઈ પોલીસ રેકોર્ડ ન હોય એવા યુવાનોને પૈસાની લાલચ આપીને એ એમની પાસે દાઉદ ગેંગનું કામ કરાવવા માંડ્યો. આવા યુવાનોને મુંબઈ, દિલ્હી કે બીજા કોઈ શહેરમાં જઈને અબુ સાલેમના શિકારને ઢાળી દઈને કે એની પાસેથી ખંડણી વસૂલીને પાછા એમના વતનભેગા થવાની સૂચના અપાતી. આવા એક એસાઈનમેન્ટમાટે અબુ સાલેમ એમને રૂપિયા ૫૦ હજારથી એક લાખ જેટલી રકમ, હથિયાર અને અન્ય તમામ ખર્ચ અલગથી આપવા માંડ્યો. આમાંથી જે યુવાન દાઉદ ગૅંગને કામ લાગે એવો હોય એને વધુ મહત્ત્વ અપાતું. અબુ સાલેમનો આ આઈડિયા અમલી બનાવવામાં એને ગોપાલ કંજારી ઉર્ફે મહમ્મદ અલીની મદદ મળી. ગોપાલ કંજારી ભોપાલમાં એની નાનકડી ગૅંગ ચલાવતો હતો. પણ પછી એ દાઉદ ગેંગમાં જોડાઈ ગયો. ગોપાલ કંજારીએ અબુ સાલેમને એવા અનેક યુવાન શોધી આપ્યા જેમનો કોઈ પોલીસ રેકોર્ડ ન હોય અને પૈસા મેળવવા માટે કોઈનું ખૂન કરવામાં એમને સહેજ પણ સંકોચ થતો ન હોય.

અબુ સાલેમનો આ આઈડિયા કામ કરી ગયો હતો અને દાઉદ ગૅંગ ફરી એક વાર વધુ તાકાત સાથે ભારતનાં શહેરોમાં સક્રિય બની. જોકે, આ સમયગાળામાં દાઉદને વધુ એક આંચકો લાગ્યો હતો.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED