Dhamni books and stories free download online pdf in Gujarati

ધમની..

ધમની...........વાર્તા.દિનેશ પરમાર “નજર”
------------------------------------------------------------------------------
હશે એનાય ચ્હેરાપર ડૂબેલી નાવની પીડા
અટૂલી તટ ઉપર ફરતી હવાને ધ્યાનથી જોજે.
- ધૂની માંડલીયા
________________________________________________

આજે અમરપુરા શહેરની રોનક કંઈક જુદી જ હતી. અમરપુરા ની પશ્ચિમ તરફ જુના શહેરને છેડે, નદી પર બાંધવામાં આવેલ નવા ફ્લાય ઓવર બ્રિજ નું ઉદૃઘાટન કરવા મા.મંત્રીશ્રી આવવાના હતા.

અમરપુરા નગર પાલિકાનો સમગ્ર એરીયા રોશની થી શણગારવામાં આવ્યો હતો. ચારે તરફ સાફ-સફાઈ કરી દેવામાં આવી હતી . રસ્તા પર ઠેર ઠેર મા.મંત્રીશ્રીના સ્વાગત કરતા હો્ર્ડિગસ્, કમાનો લાગી ગયા હતા. લોકો ફ્લાય ઓવર બ્રિજના છેડે ટોળેવળી ગયા.

********************

આજથી પચીસવર્ષ પહેલાની વાત કરીએ તો અમરપુરાનું એટલું મહત્વ ન હતું જેટલું આજે છે.
પરંતુ............
આ સુખી સંપન્ન રાજ્યમાંથી, તેની ઉત્તર અને દક્ષિણ માં આવેલ રાજ્યને જોડતો નેશનલ હાઈવે જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે ભૌગોલિક સ્થિતી ને જોતા ટુંકા અંતર ની ગણત્રીને ધ્યાનમાં રાખતા અમરપુરા ની પૂર્વ તરફ શહેર ને અડીને પસાર કરવામા આવ્યો . આના કારણે અમરપુરા પાસે વાહનોનો ધમધમાટ વધી ગયો.
તાલુકા પ્લેસ હોવાના કારણે ધીરે ધીરે રોડની બાજુમાં આવેલી જમીન પર નવી નવી દુકાનો ,હોટલો ,ગેસ્ટહાઉસ બનવા લાગ્યા અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નું બજાર નાના નાના ખુંમચાવાળાઓ ને કારણે જામવા લાગ્યું . જેમ જેમ આ બધું ગોઠવાતું ગયું તેમ તેમ , શહેરનો વિકાસ વધતો ગયો.

આજુબાજુના ગામડાઓનીવસ્તી રોજ-બરોજની જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા આવવા લાગ્યા. ત્થા ધણા લોકો રોજીરોટીને ધ્યાનમાં રાખી શહેર સાથેના રોજબરોજ ના વ્યવહારના કારણે અમરપુરા તરફ ખેંચાવા લાગ્યા અને અમરપુરા નો વિકાસ વધતા આ શહેર ,નગર પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તિત થઈ ગયું.

અમરપુરા ના વિકાસ માટે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કાઉન્સીલરો પોતાના વોર્ડમાં અંગત રસ લેતા અને તેના કારણે દરેકવિસ્તારમા ,પાકા રોડ , ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા સુપેરે વિકસતી ગઈ.
કાઉન્સીલરો અવારનવાર પ્રમુખ સાથે નગરપાલિકાના પ્રશ્નો માટે પાટનગર ની મુલાકાત લેતા રહેતા અને મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ના સતત સંપર્કમા રહેતા.

******************

અમરપુરા પાસેથી, પૂર્વ દિશા માં પસાર થતા નેશનલ હાઇવેની સામેની તરફ ખેતીલાયક જમીન હોવાથી વિકાસ શક્ય ન હતો. જ્યારે અમરપુરા ની પશ્ચિમ તરફ નદી આવેલી હતી, જેના ભૌગોલિક વળાંકોને લીધે તથા તેમાં કુદરતી કાળા અને પીળા પેબલ્સ( ગોળ નાના પથ્થર ) મળી આવતા હોવાના કારણે તે પૌરાણિક નદીનું મૂળ નામ ધામણ(રેટ સ્નેક) હતું. પણ કાળક્રમે લોકમુખે અપભ્રંશ થઇ ધમણી થઇ ગયુ હતુ.જે ધમણી ને બોલવામા સરળ રહે એટલે અત્યારની પ્રજા ધમણી ને ધમની કહેતા હતા.

આમ.... અમરપુરા ની પૂર્વમાં આવેલા નેશનલ હાઈવે અને પશ્ચિમમાં વહેતી ધમની નદીના વચ્ચેના ગામતળ વિસ્તાર અને તે સિવાયના ઉત્તર અને દક્ષિણ તરફના ખુલ્લા ગામ સિમાડામા , ધીરે-ધીરે કરતા ખાસ્સો વિકાસ થઈ ગયો હતો. આથી હવે આ પટ્ટામા કોઈ વધારાની જમીન બચી ન હોઇ , ધમની નદીની પેલે પાર અમરપુરા નગરના સિમાડા ની જમીનમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરાવા અગાઉ વારંવાર નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને ધ્યાને રાખી આજથી પાંચ વર્ષ પહેલા ટીપી મંજૂર કરવામાં આવી હતી તેથી યોજનામાં નવી સોસાયટીઓ ,નવા કોમ્પ્લેક્સો, પાકારસ્તા ,બાગબગીચા,સ્ટ્રીટલાઇટ ,બેંક,લાઇબ્રેરી , પોસ્ટ ઓફિસ અદ્યતન હોસ્પિટલ્સ વિગેરે ના કારણે સારો એવો વિકાસ થયો હતો.

******************

પરંતુ.........
અમરપુરાના મુળ ગામતળ વિસ્તાર ને ,આ ટી.પી.સ્કીમ સાથે જોડતો ,ધમની નદી પર આજથી પચીસ વર્ષ અગાઉ બનેલ ફક્ત એક જ આર.સી સી.કલવર્ટ(સાંકડો પુલ) હતો, અમરપુરાનો વિકાસ થવાના કારણે અને વસ્તી વધવાના કારણે, આ સાંકડો પુલ ખૂબ નાનો પડતો હોઇ ટ્રાફિકની સમસ્યા વધી ગઇ હતી અને બંને તરફ ટ્રાફિકજામ રહેતો હતો .
આથી ધમની નદીની બાજુના વોર્ડના કાઉન્સિલર અને બાંધકામ સમિતિના ચેરમેન શ્રીપ્રતાપસિંહ ઠાકોર, તેમના વિધાનસભા વિસ્તારમાંથી ચુંટાઇને મંત્રી બન્યાહતા, તે શ્રી રણમલ વાઢેર ના અંગત ગણાતા હતા તે પ્રતાપસિંહ ઠાકોરના અથાક પ્રયત્નો અને મહેનતના કારણે ત્રણ વર્ષ અગાઉ સ્પેશિયલ ગ્રાન્ટમાંથી ધમની નદી ઉપર ફ્લાયઓવર બ્રિજ મંજુર કરાવી લાવેલા.
જે દિવસે ફ્લાય ઓવર બ્રિજની મંજૂરીની દરખાસ્ત નો પત્ર નગરપાલિકામાં આવ્યો ત્યારે લોકોએ ઢોલ કાંસા વગાડી અને ગુલાલ ઉડાડી પ્રતાપસિંહને વધાવી લીધા હતા.
આ ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ જતા તેનું ઉદ્ઘાટન મંત્રીશ્રી ના વરદહસ્તે કરવામાં આવે તે લાગણીથી પ્રતાપસિંહ ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય કોર્પોરેટર્સ તાલુકાલેવલના આગેવાનો તેમજ ધારાસભ્યશ્રીને સાથે રાખી મંત્રીશ્રી નો સમય મેળવવા પાટનગરની મુલાકાત પછી સમય મળ્યો અને દિવસ નક્કી પણ થયો પરંતુ ઉદઘાટન કરે તે પહેલા સ્થાનિક ચૂંટણીનુ નોટિફિકેશન બહાર પડવાના કારણે આચાર સંહિતા લાગુ પડતા ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યુ.

પોતે જેના ખાસ માણસ હતા તે મંત્રીશ્રી રણમલ વાઢેર હાથે જ ઉદૃઘાટન થાય માટે પ્રતાપસિંહ ઠાકોર મક્કમ હતા અને તેથી તેમણે પોતાની વગ અને રુઆબથી ટ્રાફિક ઇન્સ્પેક્ટરને રૂબરૂ બોલાવી બ્રિજના બન્ને તરફના છેડે ડામર ના ડ્રમની આડસો મુકાવી દીધી.

જ્યારે મુખ્યમંત્રી સ્વયં ઉદૃઘાટન કરવા આવવાના છે તેનું મહત્વ સમજી ટ્રાફિક ઇન્સ્પેક્ટરે પણ ફરજનો ભાગ સમજી આ પુલનો ઉદૃઘાટન પહેલા કોઇ ઉપયોગ ના કરે તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

*****************

માન. મંત્રીશ્રી, ગાડીઓના કાફલા સાથે આવી ચડતા સાયરન ધમધમી ઉઠી ,અમરપુરા શહેર ના નવા બાંધવામા આવેલા ફલાયઓવર પુલના છેડે રાહ જોઇ રહેલી જનતાની ચિચિયારીઓ તથા હર્ષોલ્લાસની તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

માનનીય મંત્રીશ્રી ગાડીમાંથી ઉતરી બોડીગાર્ડના કોર્ડનમાં, પક્ષના આગેવાનો , જિલ્લા કલેકટરશ્રી, સેક્રેટરીશ્રી તથા અન્ય અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે જનતા તરફ હાથ હલાવતા હલાવતા બ્રિજના છેડે મૂકવામાં આવેલી લોકાર્પણની તક્તી તરફ ગયા અને તકતી પર ઢાંકવામાં આવેલ રેશમના પડદા ની લેશ ખેંચી તક્તી ખુલ્લી કરી .મંત્રીશ્રી તાળીઓના વધામણા વચ્ચે તે તક્તીનું લખાણ વાંચવા લાગ્યા.
" આજરોજ વિક્રમ સંવત બેહજાર અડસઠ માહે વૈશાખ વદ સાતમને ગુરુવાર ના રોજ અમરપુરા શહેરમાં ધમની નદીને જોડતા ફ્લાય ઓવર બ્રિજ ને માનનીય મંત્રીશ્રી રણમલ વાઢેર ના વરદ-હસ્તે આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો."
તક્તી નીચે નગરપાલિકાના પ્રમુખ,ચિફ ઓફિસર તથા બાંધકામ સમિતિના ચેરમેન ના નામ વાંચ્યા. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પ્રતાપજી ઠાકોર નું નામ વાંચતા, પુલના લોકાર્પણ માટે પુલની લાલ રીબીન કાપવા માટે આગળ વધતા સમયે સામે ઊભેલી બાળાના હાથમાં રહેલ થાળીમાંથી કાતર ઉઠાવતા, , કંઈક વિચારી મંત્રીશ્રીએ ડોક ફેરવી ,ભવાં સહેજ ઊંચા કરી ને સહજભાવથી બાજુમાં ઊભેલા અમરપુરા શહેર પ્રમુખ શ્રી જનાર્દન માળી ને ઘીરે રહીને પૂછ્યું," પ્રતાપજી ઠાકોર કેમ દેખાતા નથી?"
જનાર્દન માળી ધીરે રહીને મંત્રીની નજીક સરકી અને કાનમા ધીરેથી બોલ્યા," સાહેબ... પરમ દિવસે પ્રતાપસિંહ લોકાચારે બહારગામ ગયા હતા તેમના દીકરા આદિત્યને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી..."
પછી સહેજ અટકી આગળ બોલ્યા," પરંતુ આ પુલનું ઉદૃઘાટન બાકી હોવાના કારણે અને પ્રતાપસિંહ ની લાગણી તમારા હાથે ઉદૃઘાટન થાય પછી જ આ પુલ જનતા માટે ખુલ્લો મૂકવા તેની બંને તરફ ડામરના પીપ મુકાવી દીધા હતા . આથી એમ્બ્યુલન્સને નદીની સામેની તરફ આવેલ હાર્ટ હોસ્પિટલ માં પહોંચવા જુના પુલનો ઉપયોગ કરવા સિવાય આરો નહોતો. જૂનો પુલ ખુબ સાંકડો હોવાથી અને રોજની જેમજ તે દિવસે ટ્રાફિક જામ હોવાથી હોસ્પિટલ પહોંચવામાં વાર લાગી. હોસ્પિટલ પહોંચ્યા પછી તપાસીને આદિત્યને ડોક્ટરે મૃત જાહેર કર્યો. ગઈકાલે જ તેની અંતિમ ક્રિયા કરેલ છે".

હૃદયની ધમની નો પ્રવાહ અટકી ગયો હોય તેમ મંત્રીના ચહેરા પર પળવાર માટે ગ્લાની પ્રસરી ગઈ પરંતુ જનતાની ચિચિયારીઓ,તાળીઓ અને જયધોષના અવાજો વચ્ચે જનતા પર નજર ફેરવી.. હાથમાં રહેલી કાતરથી લાલ રીબીન ને “ખચાક” કરતી કાપી નાખી...

જનતાની તાળીઓના અવિરત અવાજો વચ્ચે , મંત્રીશ્રી પોતાની ગાડીઓના કાફલા સાથે નવા બંધાયેલા ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થયા. તેમની પાછળ રાહ જોતા અમરપુરાનગરના રહીશો તથા આજુબાજુના ગામડાના લોકો ,વાહનો લઈને નીકળી પડ્યા. ફ્લાયઓવર બ્રિજ ટ્રાફિકના પ્રવાહથી ધમધમી ઉઠ્યો.
નવા બ્રિજના ઉપરના ટોચના ભાગથી જોતા દૂર ધમની નદી પરનો જૂનો સાંકડો બ્રીજ તથા જુના શહેર તરફ દૂર પ્રતાપસિંહ ઠાકોરના ઘરનો ટેરેસ દેખાતો હતો.

પ્રતાપસિંહ ઠાકોર નુ મકાન શહેર થી કપાઇને સાવ જુદું પડી ગયેલુ અને ધમની નદીનો જુનો સાંકડો બ્રિજ, સાવ એકલો પડી ગયો હોય તેમ ટ્રાફિક વિનાનો , ઉદાસ અને શાંત જણાતો હતો...........










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED