ઓમ-વ્યોમ નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓમ-વ્યોમ

‘મેરે ઘર આયી એક નન્હી પરી...’ મોબાઈલની રીંગ વાગી. હરિણીએ ટીવીનું વોલ્યુમ બંધ કર્યું.

“હલ્લો, મમ્મી. મારા એક્ટીવામાં પંક્ચર પડ્યું છે મને થોડી વાર થશે. ઓમ આવે તો એને બેસાડજે. એના વેલકમની તૈયારી તો થઈ જ ગઈ છે. માત્ર એ આવે, ત્યારે એને વેલકમડ્ર્રીંક બનાવીને ફ્રીઝમાં મૂક્યું છે, તે આપી દેજે બાકી હું આવીશ પછી.”

“સારુ બેટા, પણ તને કેટલી વાર લાગશે ?”

“ખબર નથી મમ્મી, પણ હજુ તો પંક્ચરવાળાની દુકાન પણ શોધવાની છે.”

“સારુ સારુ.. તું આવે એટલી વારમાં હું એની પૂછપરછ પણ કરી લઈશ.”

“મમ્મી… નો...”ડોલી ગભરાઈ.

“તારી આદત મુજબ ફેમિલી વિશે સવાલો કરી એને બોર ન કરતી પ્લીઝ...”

હરિણીએ હસતા હસતા ફોન કટ કર્યો અને ટીવીનું રીમોટ હાથમાં લીધું.freeread

****

“અલા, જા ને. આમ કોલેજમાં તો વાઘ થઈને ફરે છે ને અત્યારે કેમ મીંદડી બન્યો છે..?”

ડોલીના ઘરની બહાર પાર્ક કરેલી એક કારમાં બેઠેલા એક મિત્રએ બીજા મિત્રને કહ્યું.

“અરે યાર બીક લાગે છે, એની મમ્મીની.”.

“શું વાત કરે છે ? બીક લાગે છે ? તને ? જેના નામ માત્રથી ભલભલા તીસમારખાં બીએ છે તે એક ડોશીથી બીશે..?”

“એ મોઢુ સંભાળ હોં.. એને ડોશી નહીં કહેવાનું.. એ તો....”

“સારુ સારુ.. એ રૂપસુંદરી બસ્..”

“ના. ના એટલું બધું પણ નહીં.. હા, એ મારી ડ્રીમગર્લની મા જરૂર છે.. પણ આંટી કહેશે તો ચાલશે.” એના મોં પર નાનકડું શર્મીલું સ્મિત આવી ગયું.

“અબે ઓ. એની દીકરી તારી સ્વપ્નસુંદરી છે, ને તું માની વાત કરતાં શરમાય છે. ખરેખર ધન્ય છે તું હોં. હવે જઈશ ?”

ડોલીના ઘર તરફ જતાં એના પગ ઉપડતાં નહોતા. કારનો દરવાજો ખોલી બહાર તો આવ્યો પણ... એણે ફરીને કારમાં બેઠેલા મિત્ર તરફ જોયું.. મિત્રએ હાથથી જવાનો ઈશારો કર્યો. એણે કારનો દરવાજો બંધ કરી બે ડગલા મંઝિલ તરફ ભર્યા ને ફરી અટક્યો પાછો કાર તરફ આવ્યો.

“પેલી ડોલી ઘરમાં હશે તો.?” કારમાં બેઠેલો મિત્ર અકળાયો.

“હેં.. હેં.. આપણે અહીં કલાકથી બેઠા છીએ ને ? ડોલી બહાર જાય તેની રાહ જોતાં..?” પેલાએ હકારમાં ડોકું ધુણાવ્યું..

“આપણે એને બહાર જતાં જોઇ ને ?” મિત્રએ એને પટાવતાં પૂછ્યું. પેલાએ ફરી હા પાડી..

“તો પછી ડોલી ઘરમાં કેવી રીતે હોવાની ?” મિત્ર બરાડ્યો.. “હવે તું જાય છે કે....?” તેણે પોકેટમાંથી ગન કાઢી એની સામે ધરતાં કહ્યું..

પેલો ગયો ડોલીના ઘર તરફ.. બેલ માર્યો.. માથા પરની લાઈટ ચાલુ થઈ પણ તેના ધ્યાનમાં ન આવ્યું.. ગજવામાંથી રૂમાલ કાઢી ચહેરા પરનો પરસેવો લૂછ્યો. અંદરથી ટીવીનો મોટો અવાજ આવી રહ્યો હતો. તેણે ફરી બેલ માર્યો, પણ કોઇ હલચલ ન થઈ.. કદાચ, ધીમેથી બેલ વાગ્યો... થોડીવાર રાહ જોઇ. પછી તેને ધ્યાનમાં આવ્યું કે તે ગભરાટમાં તેણે બેલની જગ્યાએ લાઈટની સ્વીચ.. તેણે જોરથી બેલ પર આંગળી દબાવી રાખી.. હરિણી દરવાજો ખોલીને સામે ઊભી હતી, પણ પેલાની આંગળી હજુ બેલ પર જ હતી. હરિણી એને જોઇ રહી.. એકદમ ગોરી કાયા.. મોર્ડન ટીશર્ટ ,લેટેસ્ટ ડીઝાઈનનું જીન્સ,.. પરસેવાથી ભીના ચહેરા પર ગભરાટ.. બંનેની આંખો મળતાં જ હરિણીએ હાથથી ‘શું ?’નો ઈશારો કર્યો.. પેલાએ બેલ પરથી આંગળી હટાવી દીધી..

“આંટી..” તેના ગળામાં જાણે અવાજ અટવાયો.. તેણે ગળુ ખંખેર્યું અને કહ્યું,

“આંટી ડોલી.. ડોલી છે ?” પછી મનમાં હસ્યો કે ડોલીને તો.. પેલાનો ગભરાટ જોઇ હરિણી હસી પડી અને હાથ ખેંચી ઘરમાં લઈ આવી અને સોફા પર બેસાડ્યો...

આજના જમાનાનો છોકરો થઈ પ્રેમિકાની મમ્મીથી કેટલો ડરે છે.. જો મમ્મી સામે આ હાલત હોય તો પપ્પા સામે તો.. પણ ડોલીના પપ્પા જ ક્યાં હતાકે... વિચારી હરિણી ખડખડાટ હસી પડી.. બેસાડતાં જ ફરી પેલો ઊભો થઈ ગયો..

“અરે, બેસો બેસો.. સોરી, પણ આજના મોર્ડન યુવાનના મોં પર આવો ગભરાટ જોઇને મને હસવું આવી ગયું.. માફ કરજો..” હજુ તેના મોઢા પર સ્મિત હતું.

“ડોલીએ તમે આવવાના છો એવી વાત કરી હતી.” હરિણીએ પાણીનો ગ્લાસ આપતાં કહ્યું.

“ઈનફેક્ટ તેણે તો તમારા સ્વાગતની બધી તૈયારી પણ કરી રાખી છે. પેલાના હાથમાંથી ગ્લાસ પડતાં પડતાં બચ્યો.. તેણે આસપાસ નજર ફેરવી પણ કોઇ હથિયાર દેખાયા નહીં એટલે નિરાંતે પાણી પીધું.

પેલો વારે વારે રૂમાલથી ચહેરો લૂછતો હતો અને હરિણી એના હાવભાવ જોયા કરતી હતી, પછી અચાનક ઊભી થઈ રસોડા તરફ ગઈ. પેલો ગભરાયો, સોફા પર જ ઉભડક થઈ ગયો, જેથી કોઇ જોખમ લાગે તો દોડીને ઘરબહાર નીકળી જઈ શકે.. થોડી વારે હરિણી વેલકમડ્રીન્ક લઈને પાછી આવી. પેલાને ઉભડક જોઇ,

“આરામથી બેસોને ! તમારું જ ઘર સમજો. ડોલીનો ફોન આવ્યો’તો. એના એક્ટિવામાં પંક્ચર પડ્યું છે એને આવતા સહેજ વાર થશે.”

હાશકારો લેતાં પેલો નિરાંતે બેઠો.

“લો, આ ડોલી તમારા માટે બનાવીને જ ગઈ છે.” પેલો ફરી પાછો ગભરાયો, મારા માટે જ બનાવીને ગઈ છે એટલે ? એને ખબર હતી કે હું આવવાનો છું એટલે આ ડ્ર્રીંકમાં તો કશું.. ગ્લાસ હાથમાં લઈ તે વિચારતો બેઠો હતો. હરિણીને સમજાતું નહોતું કે તે આટલો નર્વસ કેવી રીતે હોઇ શકે ! કારણ કે જે રીતે ડોલી ઓમની વાતો કર્યા કરે છે એ મુજબ તો એ... ખેર..

“લો ને, ડોલીએ આટલા પ્રેમથી બનાવ્યું છે તો..”

“હા..હા.. આમ પણ, જો ડોલીએ મારા જ માટે બનાવ્યું હોય તો, મને ઝેર પીવાનું પણ ગમશે..” બોલી, જે થશે તે મને કબૂલ છે, વિચારતા તેણે ચિંતા છોડી હળવાશથી કહ્યું.

હરિણી ફરી હસી પડી. તેને ઓમની વાત ગમી ગઈ. પોતાની દીકરીની પસન્દગી પર મનોમન મંજૂરીની મહોર મારી દીધી અને વાતાવરણ હળવું કરી બંને વાતોએ વળગ્યા..

“આ ડોલી હજુ કેમ ન આવી ? પાછું ડોલીનું નામ આવતાં પેલો ગભરાયો..” તે સમજી શકતી નહોતી કે પેલો ડોલીનું નામ સાંભળતાં જ નર્વસ કેમ થઈ જાય છે.

હરિણીએ ફોન લગાડ્યો..

“હા..હા.. ઓકે... કંઈ વાંધો નહીં.. આ તો બહુ મોડું થયું એટલે જરા ચિંતા થઈ..”

“મોમ, ચિંતા નહીં કર. તારી દીકરી એક કરતાં દસને પહોંચી વળી એમ છે..”

“હા, એ તો જાણું છું, પણ માનું દિલ છે ને ! એટલે..” દીકરીને સરપ્રાઈઝ આપવા ઓમની વાત તેમણે ન ડોલીને ન કરી. વિચાર્યું કે મંજૂરી સાથે જ તેને જણાવશે. સામેથી ડોલીએ પણ ઓમ આવ્યો કે નહીં એની પૂછપરછ ન કરી એ નવાઈ તો લાગી પણ..

“સારુ દીકરા, આવ તું તારે નિરાંતે..” જેટલી મોડી આવશે ઓમના પરિવાર વિશે પણ થોડી વાત જાણી લઉં. ફોન મૂકી તેણે વિચાર્યું. ડોલીએ તૈયાર કરેલો નાસ્તો લઈ આવી હરિણી પાછી પેલા સાથે વાતોએ વળગી.

ડોરબેલ વાગ્યો..

“આ આવી ગઈ ડોલી..” હરિણીએ દરવાજો ખોલ્યો.. પેલો સમજી ગયો કે એણે હવે જવાનું છે, એટલે ઊભો તો થઈ જ ગયો..

ડોલીની પાછળ-પાછળ એક યુવક પણ પ્રવેશ્યો.

“મોમ, બહુ મોડુ થઈ ગયેલું અને પંક્ચરવાળો પણ નજીકમાં દેખાતો નહોતો એટલે મેં ઓમને...” ત્યાં તો એની નજર પેલા પર પડી જે ડોલીને જોઇ એકદમ સડક થઈ ઊભો થઈ ગયો હતો.

“તું ? તારી હિમ્મત કઈ રીતે થઈ મારા ઘરમાં આવવાની..?” પેલાને જોઇ ડોલી બરાડી.

“હું તો..” પેલો રીતસર ધ્રૂજતો હતો..

“મોમ, તેં આને ઘરમાં..?” ડોલીએ ફરિણી તરફ ફરાતાં કહ્યું અને નજર પડી વેલકમડ્રીન્કના ખાલી ગ્લાસ અને નાસ્તાની ખાલી પ્લેટ્સ પર..

“મોમ ? હાઉ ? તું કોઇ અજાણ્યાને આમ ઘરમાં..” પછી પેલા તરફ ફરી એનો પિત્તો ગયો..

“નીકળ, નીકળ, તું અત્યારેને અત્યારે જ મારા ઘરમાંથી નીકળ.” ડોલીએ રીતસર એને ધક્કો મારી દરવાજા તરફ ધકેલ્યો. પેલો પણ ડોલી નું રૌદ્ર સ્વરૂપ જોઇ હરિણીને ‘બાય’ પણ કહ્યા વિના બહાર નીકળી ગયો..

“શું મોમ, તું પણ..” ડોલી હરિણી તરફ ફરી. હરિણીને સમજાતું નહોતું કે ડોલીએ ઓમને કેમ આમ ઘરમાંથી હાંકી કાડ્યો ? અને આ એની સાથે કોણ છે ?

“પણ દીકરા, આ.... તો ઓ.....મ.... છે....” તે દરવાજા તરફ હાથ કરી જરા અચકાતાં બોલી..

“ના મોમ, એ વ્યોમ હતો. મારી પાછળ પડ્યો છે. ખૂબ હેરાન કરે છે. કોલેજમાં મારું રહેવું મુશ્કેલ કરી દીધું છે. એક નંબરનો આવારા, ગુંડો-બદમાશ છે. મોટા બાપની ઓલાદ છે એટલે... પણ આ ઓમે, મને એકવાર એની ચુંગાલમાંથી બચાવી હતી અને અત્યારે હું એનો સામનો કરી શકું એટલી મજબૂત બનાવી દીધી છે..” ડોલી એની સાથે આવેલા યુવક તરફ ઈશારો કરી બોલી.

“પણ એણે તો એનું નામ ઓ....મ કહ્યું હતું..” હરિણી વિચારમાં પડી..

“તેં એને નામ પૂછ્યું હતું ?”

“હા, ને એણે ઓમ ક....હ્યું...” ખરેખર ઓમ કહ્યું હતું કે વ્યોમ, એ તે નક્કી કરી શકી નહીં.. અને મનોમન હસી પડી.