મન મોહના - ૨૦ Niyati Kapadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન મોહના - ૨૦

સાજીદ જાણે કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય એમ આ લોકો સામે ફક્ત ટગર ટગર જોઈ રહ્યો હતો. એની આંખોમાં કોઈ ભાવ નહતા. અચાનક લતીફને થયું કે આ બધું બકી ના મારે તો સારું. એ પોતે તો જેલમાં જશે જ જશે અને મારી પણ વાટ લાગી જશે. એ લોકોની ઓળખાણ અહીં છતી થઇ જાય તો પછી પોલિસ અને એમના સાથીઓ બંને એમના દુશ્મન થઇ જાય, એ લોકો એમને ખતમ કરી નાખે.

આખરે લતિફે નીચે પડેલી એની ગન ઉઠાવી લીધી. મહારાજ સાજીદ પાસે પલંગ પર બેઠેલો હતો, એ એના પગ ખેંચી એને સીધા કરી રહ્યો હતો અને ભરત કબાટ આગળ હાથમાં ઢીંગલી લઈને ઊભો હતો, લતીફે ભરતને ધક્કો મારીને એની સામે ગન ધરી હતી. ભરતના હાથમાંથી ઢીંગલી છૂટતા જ એ ભાનમાં આવી ગયેલો, એની સામે ગન લઈને ઊભેલા લતિફને જોતાં જ એ તરત પરિસ્થિતિ પામી ગયેલો.

“આ તું શું કરી રહ્યો છે? આ માણસ કોણ છે? એ અહીં ક્યાંથી આવ્યો? એની હાલત તો જો, એને મદદની જરૂર છે, ડોકટરની જરૂર છે." ભરતે લતીફ ને સમજાવવાની કોશિશ કરી. ભરતની આંખો લતીફની ગન ઉપર જ ચોંટેલી હતી. લતીફ ને એક બાજુ મહારાજ તરફ અને બીજી બાજુ ભરત તરફ એમ બેઉં જગ્યાએ જોવું પડતું હતું. જેવું એણે સહેજ ડોકું ઘુમાવી મહારાજ તરફ જોયું કે તરત જ ભરતે એના હાથ ઉપર પોતાના પગથી લાત મારી હતી.

ડરી ગયેલા લતીફના હાથમાંથી ગન પડતા પડતા રહી ગઈ અને એનો એ હાથ મહારાજ તરફ લંબાયેલો, મહારાજે પણ હિંમત બતાવી અને ત્વરાથી ઊભા થઈ એનો ગનવાળો હાથ પોતાના બે હાથમાં પકડી લીધો. ભરત પણ વચ્ચે પડ્યો અને લતીફના હાથમાંથી ગન છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો.

પલંગ પર પડેલો સાજીદ આ લોકો તરફ જોઈ રહ્યો હતો, કોઈ જાતની હિલચાલ વગર. બીજી તરફ કબાટની નીચે પડેલી ઢીંગલી પણ આ બધાને જોઈ રહી હતી. ત્રણે જણા વચ્ચે ગન લેવા માટે ઝપાઝપી ચાલું હતી ત્યાં જ એક ગોળી છૂટવાનો અવાજ આવ્યો. ત્રણેય ગભરાઈને પોતાના પેટ તરફ જોઈ રહ્યા... એમને કોઈને ગોળી નહતી વાગી!

“હેન્ડ્સ અપ! હાથ ઉપર કરો બધા, નહિતર ગોળી ચલાવી દઈશ અને આ વખતે એ હવામાં નહિ છોડૂં!" એક હાથમાં પિસ્તોલ લઈ ઊભેલા નિમેશે કહ્યું હતું.

મહારાજે અને લતીફે પોતાના બંને હાથ ઉપર કરી દીધેલા. ગન ભરતના હાથમાં હતી જે નિમેશે પોતાના હાથમાં લઈ લીધી અને પલંગ પર પડેલા સાજીદ તરફ એક નજર જતાં જ એ પણ ચોંકી ઉઠેલો.

“વાહ યારા! ભાઈ હો તો તારા જેવો. એક મીસ કૉલ જોઈને પણ મને બચાવવા છેક અહીં સુંધી આવી પહોંચ્યો." ભરત ભાવુક થઈને બોલી રહ્યો.

“કેમ હાથમાં ગન આવતા જ ફાટી ગઇ ને? બહુ બહાદુરી સુજેલી એટલે આટલે સુંધી દોડી આવેલો? મને જાણ પણ કર્યા વગર, હમમ..?" નિમેશ ભરતને કહી રહ્યો હતો ત્યાં સુધીમાં એ રૂમમાં બીજા પોલીસવાળા અને ઘરના બીજા નોકર દોડી આવેલા.

સાજીદને પોલીસની જીપમાં નાખીને હોસ્પિટલ ભેગો કરાયો અને લતીફને જેલ ભેગો. ભરતે ધીરેથી ડરતા ડરતા કહ્યું કે, મન મોહના સાથે બહાર ગયો છે, એકલો અને એ પણ એના ગળમાની તુલસીની માળા નીકાળીને!

“તમે સાલા આપઘાત કરવા જ ભેગા થયા છો, બધા? કેટલીવાર કહ્યું કે એ છોકરી ગરબડ છે એની સાથે એકલા બહાર નહિ જવાનું પણ રામ બરાબર જો મારી એક પણ વાત માનતા હોય!" નિમેશ ગુસ્સાથી બરાડી ઉઠ્યો.

*****

ભરતે ફૉન થોડો ચાર્જ કરી મનને કૉલ કરેલો. ફરીથી ફોન નોટ રિચેબલ આવતો હતો. મતલબ એ જંગલમાં હતો. આખરે નિમેશ અને ભરત બંને જંગલ તરફ ભાગ્યા હતા. આજે એમના નસીબ સારા હશે કે એમણે બહુ મહેનત ના કરવી પડી. જંગલની અંદર થોડે સુંધી જતાં જ એમને મોહનાની ગાડી ત્યાં પડેલી દેખાઈ હતી. ગાડીમાં નજર નાખતા જ એમાં મન ઢળી પડેલો દેખાયો હતો. એક પળ માટે બંનેને મન સાથે કોઈ ભયાનક દુર્ઘટના ઘટી ગઈ હોવાનું લાગ્યું. ગાડીનો દરવાજો લોક કરેલો ન હતો. એમણે દરવાજો ખોલીને આગળ ડ્રાઈવર સીટમાં બેઠેલા મનને ઢંઢોળ્યો હતો.

મન તરત ભાનમાં આવી ગયેલો. એની સામે ભરત અને નિમેશને ઉભેલા જોઈ એ હતાશ થયેલો. એ ઘાયલ ન હતો. એણે તરત સવાલ કરેલો, “મોહના? મોહના ક્યાં ગઈ?"
હવે ચોંકવાનો વારો નિમેશ અને ભરતનો હતો.

“અમે લોકો આ સૂમસામ રાત્રે અહીં આવ્યા ત્યારે ગાડીમાં તારા સિવાય કોઈ હાજર ન હતું. તું જીવતો હતો અને તું જ અમને માહિતી આપી શકે કે મોહના ક્યાં છે એટલે જ અમે પહેલાં તને પકડયો. ગાડીમાં કોણ કોણ હતું, ક્યાં ગયું, એની મને શી ખબર? તમે લોકો પોલીસની પરમીશન લઈને ડેટ પર જાઓ છો!” નિમેશ કંટાળીને ગુસ્સે ભરાયો હતો. એની ચોખ્ખી ના હોવા છતાં આજે ફરીથી મન મોહના સાથે બહાર ગયો હતો. એને મનોમન એ ચિંતા થતી હતી કે આજે ફરી કોઈ લાશ ના જોવાં મળે તો સારું! એમના નાનકડાં શહેરમાં થઇ રહેલાં એક પછી ખૂનનો ભેદ ઉકેલાતો ન હતો અને એના માથે કમિશ્નરનું પ્રેશર વધતું જતું હતું.
મને જણાવ્યું કે એ અને મોહના સાથે રિસોર્ટમાં ગયેલા. બંને એકબીજા સાથે સરસ રીતે સમય પસાર કરી રહ્યા હતા કે અચાનક મોહના ઊભી થઈ ગયેલી. એ ખૂબ ગુસ્સામાં હોય એવી લાગતી હતી.

“મારી ઢીંગલીને હાથ કોણે અડાડ્યો? મારે જવું પડશે, મારે હાલ જ જવું પડશે!” આટલું કહીને એ એકલી બહાર નીકળી ગયેલી. હું એની પાછળ ભાગેલો અને પૂછેલું કે શું થયું? એણે કોઇ જવાબ નહતો આપ્યો. મેં કહ્યું કે, ઘરે જ જવું છે ને? ઓકે ચાલ હું તને મૂકી જાઉં છું. એમ કહીને હું એની ગાડીમાં ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયેલો. રિસોર્ટથી થોડેક આગળ જતાં જ એણે ગાડી ઊભી રાખવા કહેલું. મેં બ્રેક મારેલી, ગાડી ઊભી રહી એવી જ એ નીચે ઉતરેલી અને ભાગતી ઝાડીઓમાં અંદર ગયેલી. મેં વિચાર્યું કદાચ એને બાથરૂમ જવું હશે. ખાસ્સો સમય ગયો છતાં એ પાછી ના ફરી એટલે હું એને બૂમ પાડતો એ ગઈ હતી એ તરફ ઝાડીઓમાં ગયેલો. ત્યાં કોઈ ન હતું. હું ઘણે દૂર સુંધી જોઈ આવ્યો પણ મોહના ક્યાંય ન હતી. પાછા આવીને હું ગાડી લઈને જંગલમાં મોહાનાની તપાસ કરવા નીકળેલો. અચાનક મારા રસ્તામાં કોઈ કાળો સાયો આવી ગયો હોય એવું મને લાગેલું અને મેં ગાડીને બ્રેક મારેલી છતાં ગાડી ક્યાંક અથડાઈ હતી અને હું બેભાન થઈ ગયેલો. મોહના ક્યાં છે? એ હજી ઘરે નથી પહોંચી તો ક્યાં હશે?




મોહના ક્યાં ગઈ હશે? એ સવાલનો જવાબ શોધવાનો હતો. આખરે બધા લોકો પાછા એ જગ્યાએ ગયા હતાં જ્યાં મોહના ગાડી ઊભી રખાવીને ભાગી હતી.
અડધી રાત વીતી ગઈ હતી. જંગલની આ તરફની ઝાડી વધારે ઘીચ હતી. મન, ભરત અને નિમેશ ત્રણેય જણાં પોલીસની જીપ મોહનાની ગાડી પાસે છોડીને આ ઝાડીઓમાં ઉતરી પડ્યા હતાં. અંધારામાં રસ્તો કાપવો મુશ્કેલ હતો પણ એ સિવાય છૂટકો હતો? મન સૌથી આગળ હતો. મોહાનાની સૌથી વધારે ફિકર એને જ થઈ રહી હતી. એને લાગતું હતું કે મોહના માનસિક રીતે બીમાર છે, આજની એની હરકત જોઇને તો એને વિશ્વાસ થઇ ગયો હતો, એ અત્યારે પણ વિચારી રહ્યો કે પોતે મોહનાને ખુબ ખુબ પ્રેમ આપશે અને એને સાજી કરીને જ રહેશે.
ભરત કોઈ નિર્ણય પર પહોંચી શકતો નહતો. એણે પોતાના હાથમાં ઢિંગલી લીધી હતી, કશુક તો થયું હતું ત્યારે અને એ વાતની જંગલમાં રહે રહે મોહનાને કેવી રીતે જાણ ગઈ એ સવાલનો જવાબ શોધવાનો હતો અને સાજીદ જે રીતે ઢીંગલી વિષે વાત કરતો હતો એની પાછળ કોઈ તો રહસ્ય હતું, શું? એ જાણવાં માટે સાજીદની મુલાકાત લેવી પડશે.
નિમેશને તલાશ હતી હત્યારાની! કોણ હોઈ શકે જે આ હત્યાઓ કરી રહ્યું હતુ અને શા માટે? એનો બધો શક મોહના સુંધી આવીને અટકી જતો હતો પણ એનાથી આગળ કંઈ સૂઝતું ન હતું.

ત્રણે જણા જંગલમાં ખુબ આગળ નીકળી ગયા હતાં. ત્યાં ફરતાં ફરતાં મનની નજરે એક ઝાડ નીચે પડેલી મોહના પર ગઈ. એ મોહના... મોહના... એમ ચીસ પાડતો ભાગ્યો હતો ત્યાં. ભરત પણ થોડે સુંધી મનની પાછળ ગયો હતો અને નિમેશ ક્યાં રહી ગયો એ જોવાં એણે પાછળ નજર કેઈ હતી ત્યારે નિમેશ એક જગાએ ઉભો રહી ગયો હતો

“મોહના.. મોહના..! તને શું થયું?”

મને મોહનને અડધી બેઠી કરતાં પૂછ્યું હતું. એ બેભાન હતી. છેલ્લે મને એને ઉઠાવી લીધી, “ચાલો જલદી કરો, મોહના પર કોઈ જનાવરે હુમલો કર્યો લાગે છે એના કપડાં પર લોહીના ધબ્બા છે.” મન ગભરાઈ ગયો હતો.
“એને કંઈ જ નહિ થાય. સવારે એ તદ્દન નોર્મલ હશે અને એણે રાતનું કશું જ યાદ પણ નહિ હોય.” નિમેશ ત્યાં પડેલા એક કુતરાના શરીરને જોતાં કહી રહ્યો હતો, એના શરીરમાંથી કોઈએ બધું લોહી ચૂસી લીધું હતું..



મોહનાને લઈને બધા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોકટરે મોહનાને તપાસીને કહ્યું કે, એ તદ્દન નોર્મલ છે. એ સુઈ રહી છે. કદાચ એના પીવામાં કે ખાવામાં કોઈ એવી વસ્તુ આવી ગઈ હોય જેનાથી ઘેન ચઢે. સવાર સુધીમાં એ ભાનમાં આવી જવી જોઈએ. ડોક્ટરની વાત સાંભળીને મનનો જીવ હેઠો બેઠો હતો. મોહનાને ઘરેથી અશોક અને મહારાજ આવી ગયેલા અને મનને ઘરે જવાની ફરજ પડેલી. સવાર થતાં જ પોતે પાછો આવીને મોહનાને મળશે એમ નક્કી કરી મન ઘરે જવા તૈયાર થયેલો.
નિમેશનું બધું ધ્યાન અત્યારે લતીફ ઉપર હતું એની પાસેથી કોઈ બાતમી મળશે એમ માનીને એણે પોલીસ સ્ટેશન પાછા જવાનું મુનાસીબ માનેલું. ભરતની નજર સાજીદ ઉપર હતી. એ બિમાર છે એમ માનીને એની સારવાર ચાલું કરી દેવાઈ હતી. એ સવારે થોડો સ્વસ્થ થાય ત્યારે એને મળવાનું નક્કી કરીને ભરત પણ ઘરે ગયો હતો.
પોલીસ સ્ટેશનમાં નિમેશ સવાલ પૂછી પૂછીને થાક્યો હતો, યથાશક્તિ માર પણ માર્યો પણ લતીફ કંઈ બોલ્યો ન હતો. એને કોઈ ફાઈલ શોધવામાં સાજીદની મદદ કરવાની હતી એના સિવાય કોઈ પણ વાતની એને જાણ ન હતી. સાજીદ ત્રણ દિવસથી ગાયબ હતો એટલે પોતે એને શોધવા બંગલામાં ઘૂસેલો એ વાતે એ મક્કમ રહ્યો હતો. નિમેશનો ઉજાગરો માથે પડ્યો, લતીફે કોઈ માહિતી ના આપી.
મન ઘરે ગયો ત્યારે રેવાબેન એની ચિંતા કરતા હતાં. મનની આવી રોજ રાતની રખડપટ્ટી એમને જરાય પસંદ ન હતી, છતાં જુવાન દીકરાને ટોકતા એમનું મન માનતું ન હતું. “દીકરા તું રોજ આમ અડધી રાત સુંધી બહાર ફરે એ સારું નથી. તારી તબિયત બગડશે.” એમણે મનને ખોટું ના લાગે એ રીતે ટકોર કરી.
“એક અગત્યનાં કામમાં ફસાયેલો છું, મમ્મી. એ પતે પછી રાતે ઘરની બહાર જવાની જરૂર નહિ રહે.” મન મમ્મીની ચિંતા સમજતો હતો એટલે એણે મોઘમ જવાબ આપ્યો. મન એના ઓરડામાં જઈને આડો પડ્યો પણ એના મનમાંથી મોહનાના વિચારો ના ગયા. એણે વિચાર્યું કે મોહના માનસિક રીતે તૂટી ગઈ છે અને એને પાગલપનના હુમલા થતા હશે, કદાચ. આજે અચાનક એ જે રીતે બદલાઈ ગઈ હતી અને પોતાને એકલો મુકીને જતી રહેલી એ જોતા એ કોઈ ડાકણ નહિ પણ, માનસિક રીતે બિમાર જ લાગે છે. નિમેશ ઉલટાનો એને પરેશાન કરીને વધારે સ્ટ્રેસ આપે છે. બીજી બાજુ આ ગુન્ડાઓ એની પાછળ પડ્યા છે. નિમેશ પણ ખરો છે, આ આતંકવાદીઓને પકડતો નથી અને મોહના પર ચોકી પહેરો રાખે છે. કંઈ સબૂત ના મળ્યું તો બિચારીને ડાકણ બનાવી દીધી! કેટલો ભયંકર વિચાર છે. આજના જમાનામાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવું કેવી રીતે વિચારી શકે? જો મોહના અમેરિકામાં હોત તો એની સ્થિતિ વધારે સારી હોત. એને સારામાં સારા ડોકટર પાસે લઇ જાત અને એ સારી થઇ જાત. હું તને લઇ જઈશ મોહના, મારી સાથે અમેરિકા અને પછી તું એકદમ નોર્મલ થઇ જઈશ. હું તને કોઈ તકલીફ નહિ પડવા દઉ.
બીજે દિવસે સવારે નવ વાગે નર્સ સાજીદને સ્પોંજ કરાવી રહી હતી ત્યારે એણે કંઈક અજીબ જેવું નિશાન જોયેલું અને એણે ગભરાઈને ડોક્ટરની જાણ કરેલી. ડોકટર નિશાન જોઈને ચોંકેલા અને એમણે તરત નિમેશને ફોન કરેલો. નિમેશ ભાગતો હોસ્પિટલ પહોંચેલો. એ ક્યારનોય જે કડી મળવાની રાહ જોઈ રહ્યો હતો એ હવે એના હાથ લાગી હતી. ડોકટરે એને કહ્યું કે સાજીદના ગળા પર બે ગોળ નિશાન છે, કોઈ જંગલી જાનવરે એના દાંત એની ગરદનમાં ઘૂસેડી દીધા હોય એવા.