ખબર નહીં કેમ! પણ મિતેશ આશાની કોઈ વાત નકારી જ નથી શકતો,
કદાચ, આશા હજુ એટલી ગંભીર નથી પણ મિતેશ તો પહેલેથી જ હતો. મિતેશે તો બચપણથી જ ઘણા ઉતાર ચઢાવ જોયા હતા જિંદગીમાં.
તે એક વાત જાણતો હતો અને માનતો પણ હતો કે આશા ગમેતેવું વર્તન કરે પણ પોતે એનાથી દૂર ન રહી શકે કે ન તેને પોતાનાથી દૂર કરી શકે. આશા હજુ દોસ્તી દોસ્તી ની જ રટ લગાવી બેઠી છે, તે પોતે જ નથી સમજતી દોસ્તી કે પ્રેમ વચ્ચેનું અંતર.
મિતેશ તો ઘણા સમયથી સમજી ગયો છે કે આશા અને પોતાની વચ્ચે મિત્રતાથી વધુ ઘણુંબધું છે, પણ તે આશાને એ સમજાવી નથી શકતો.
ગોવાની ટ્રીપ બંન્ને ના જીવન માટે યાદગાર બની રહી.
તેઓ ફરી મુંબઈ આવી ગયાં અને રાબેતા મુજબ બધું ચાલવા લાગ્યું, પણ આશા અને મિતેશ ની એકબીજાને જોવાની દ્રષ્ટિ બદલી ગઈ સાથેસાથે એકબીજા સાથેનું વર્તન પણ બદલી ગયું.
આશા ભૂલી જતી કે તેઓ ઓફીસમાં છે, જ્યારે મન કરે તે મિતેશ ને વળગી પડતી, મજાક-મસ્તી કરતી રહેતી. મિતેશ તેને સમજાવતો પણ તેને અટકાવી શકતો નહીં.
મિતેશ ઓફીસ ની પાસેના વિસ્તારમાં ફ્લેટ રાખી ત્યાં રહેવા આવી ગયો, આશા અને તેના મમ્મી-પપ્પાએ બહુ સમજાવ્યો પણ તે ન માન્યો અને પોતાના આત્મસમ્માન નું બહાનું આપી તેઓને મનાવી લીધા.
હવે તો ઓફિસમાં પણ તે બંન્ને ના સંબંધોને લઇ અફવાઓ ઉડવા લાગી, જો કે હજુ તેઓના કાન સુધી નહોતી પહોંચી.
આશાને તેના માતા-પિતાએ ઘણું સમજાવી પણ તે મિતેશ કે બીજા કોઈપણ સાથે લગ્ન કરવા તૈયાર જ નથી થતી, બસ એ જ બહાનું કે "લગ્ન પછી પ્રેમ નથી રહેતો કે નથી મિત્રતા રહેતી, મારે કોઈ સાથે બંધાવું નથી" માટે તેઓ એ મિતેશને સમજાવવાનું નક્કી કર્યું.
મિતેશ તો માની પણ ગયો, તો પણ આશાને તો સમજાવવું જ રહ્યું. ઘણી વખત પ્રયાસ કરતો પણ આશા હંમેશા એ વાતનો ઉલાળીયો કરી દેતી.
આજે, જુહુ ચોપાટી પર ખાસ કંઇ ભીડ ન હતી,
આશા અને મિતેશ બંન્ને એકબીજાનો હાથ પકડી ચાલી રહ્યાં હતાં, આશા અલકમલકની વાતો કરી રહી હતી, અચાનક તે ચાલતાં ચાલતાં ઉભી રહી ગઇ, મિતેશ તો ચાલતો જ ગયો, તે દોડીને મિતેશ સાથે જોરથી અથડાઈ મિતેશ ત્યાં જ પડી ગયો એ કંઇ સમજે એ પહેલાં જ આશા ખૂબ હસવા લાગી અને કહેવા લાગી, "કંઈ યાદ આવ્યું?" મિતેશ ઉભો થઇ પોતાના કપડાં સાફ કરતો કરતો બોલ્યો, "હા, એ કેમ ભુલાય, આપણી પહેલી મુલાકાત." આશાને તેના ચહેરા પર ગુસ્સો દેખાયો.
આશા હસતાં હસતાં તેને જોઈ રહી, "તે દિવસે પણ તું કેવો ગુસ્સે થયેલો યાદ છે તને? બાપરે! ત્યારે તને મારી પાસે આવતો જોઈ મને તો લાગ્યું કે મારું તો આવી બન્યું." કહેતાં તે મિતેશને ભેંટી પડી અને કહેવા લાગી, " બધાં તો એક્સીડેન્ટમાં કંઇકનુંકંઇક ખોતાં હોય છે પણ મને તો એ એક્સીડેન્ટમાં જિંદગીની અણમોલ ભેંટ મળી ગઇ, તું મળી ગયો !" તેઓ એકબીજાના હાથમાંહાથ નાખી ચાલવા લાગ્યા.
અત્યારે આશા એકદમ લાગણીશીલ દેખાઈ રહી છે આ જ સારો મોકો છે તેને સમજાવવાનો, એમ વિચારી મિતેશે વાત શરૂ કરી.
"આશા એક વાત કહું?" તે ચાલતાં ચાલતાં અટકી ગઈ, મિતેશનો બીજો હાથ પણ પકડી લીધો અને કહ્યું, "તારે વળી વાત કહેવા માટે મંજૂરી થોડી લેવી પડે. બેધડક કહે."
"ચાલ, આપણે લગ્ન કરી લઈએ!" મિતેશ બોલ્યો.
કેમ! લગ્નથી શું થવાનું? અત્યારે જેમ ચાલે છે એમાં તને શું વાંધો છે!" કહેતી ત્યાં બેસી ગઈ અને મિતેશ નો હાથ ખેંચી તેને પણ બેસાડ્યો.
મિતેશ કહેવા લાગ્યો, "આમને આમ કેટલો સમય ચાલશે, આપણા સંબંધનું કોઈ નામ તો હોવું જોઈએ ને! સમાજ ની દ્રષ્ટિએ, ઓફીસ માં પણ ખબર નહીં આપણા વિશે શું વાતો થતી હશે!"
"કોણે કહ્યું કે બધા સંબંધ નું નામ હોવું જ જોઈએ! રાધા અને કૃષ્ણ વચ્ચેના સંબંધ નું શું નામ હતું?, તે મિતેશ સામે જોતાં બોલી, મિતેશ તેની આંખો માં એક અજબ ચમક જોઈ રહ્યો હતો, "છે તારી પાસે કોઈ જવાબ તો કહે મન, મને ખબર છે તને પપ્પા-મમ્મીએ કહ્યું હશે! એ લોકો એ બહુ કોશિશ કરી પણ તેઓ સફળ ન થયા માટે હવે તને માધ્યમ બનાવ્યો" મિતેશ ચૂપ થઈ ગયો આશા નું શાણપણ જોઈને.
"મારે એ બધા ચક્કર માં નથી પડવું, તને એવી કોઈ જરૂર જણાય છે ખરી? મને તો એવું નથી લાગતું. મારે તો આ જ રીતે તારી સાથે જિંદગી કાઢી નાખવી છે." કહેતાં મિતેશ ના ખોળા માં માથું રાખી આંખો બંધ કરી ગઈ.
મિતેશ તેના માથાં પર હાથ ફેરવતો રહ્યો, તેની નજર દરિયા તરફ હતી, એકદમ શાંત સમુદ્ર અને સાંજના સૂર્યનું અદભુત મિલન ક્ષિતિજ પર એકદમ મનમોહક ચિત્ર રચી રહ્યું છે.
નોંધ:- આ વાર્તાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે.
© ભાવેશ પરમાર