આશા શું બોલી રહી છે, મિતેશને કંઈજ નહોતું સમજાતું!
મિતેશને લાગ્યું તે ઊંઘમાં છે.
" શું, બોલે છે તને ભાન છે! તું પાગલ થઇ ગઇ હોઈ એવું લાગે છે! તારે થોડો વધારે આરામ કરવો જોઈએ." કહેતાં મિતેશે તેનું બાંવડું પકડી એક હાથે તેના માથાંને ટેકો આપી તેને સુવડાવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો.
આશા તેનો હાથ પકડી કહેવા લાગી,
"ના, મિતેશ હું સિરિયસ છું!
એક વાત હું આજે ક્લીઅર કરી દઉં, હું તને ચાહું છું એમાં બેમત નથી પણ મારે તારી સાથે લગ્ન તો ક્યારેય નથી કરવાં." મિતેશ એ સાંભળી આભો જ બની ગયો.
આશાએ આગળ ચલાવ્યું, "કારણ કે, જો આપણે પતિ-પત્ની બની જઈશું તો આપણા વચ્ચેની મિત્રતા ખોરવાઈ જશે, જે હું બિલકુલ નથી ઇચ્છતી, મેં ઘણા એવાં લવ-મેરેજ જોયાં છે જે રમકડાં ની ટ્રેન જેવાં હોય છે જે શરૂઆત તો પુરઝડપે કરે છે પણ બે ત્રણ સ્ટેશન પછી પાટા પરથી ઉતરી જતી હોય છે." તે એકીશ્વાસે બોલી ગઈ.
મિતેશ ને તો શું બોલવું, શું કરવું કંઈ સમજ ન પડી, તે એમજ શાંત ઉભો હતો.
ફરી આશાએ જ બોલવાનું ચાલુ કર્યું, પણ આ વખતે તે જે બોલી એ સાંભળી મિતેશ નું દિમાગ ગરમ થવા લાગ્યું.
આશાએ કહ્યું, "અને હા એક વાત માટે તારી માફી પણ માંગુ છું, રાત્રે તું હોશમાં ન હતો પણ હું તો ભાનમાં જ હતી, એટલું પીવાથી મને કશું ન થાય, મેં કંઈ પહેલી વખત નહોતો પીધો."
"તો એ બધું તારું નાટક હતું, એમ કહેવા માંગે છે તું?" આશાએ મિતેશને પહેલી વખત ગુસ્સે થતાં જોયો.
"ના, નાટક નહીં, બસ તને પૂર્ણરૂપે પામવાની ઈચ્છા હતી!" આશાએ તેનો બીજો હાથ પકડી પોતાની ગરદન પર લગાવ્યો અને માથું ઢાળી ગઈ, પણ મિતેશે હાથ પાછો ખેંચી લીધો.
"તું કેટલી બદલી ગઈ છે!"
"તું એ આશા જ નથી."
"એ આશા જેને હું ઓળખતો હતો, એકદમ નજીકથી ઓળખતો હતો. એ, અને આજની આશામાં ઘણો તફાવત છે, લાગે છે હવે હું તને ક્યારેય નહીં ઓળખી શકું."
"મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તું આવું બધું કરી શકે, એ પણ મારી સાથે! તું મારી એ આશા ન હોઇ શકે, બિલકુલ નહી."
"એ આવી નહોતી, એ તો નાના બાળક જેવી ભોળી હતી, તેના મનમાં કદી કોઈ પાપ નહોતું અને તેંતો મારી સારાઈ નો ઉપયોગ કર્યો, મારો ફાયદો ઉઠાવ્યો." બોલતાં તેની આંખો માંથી આંસુ આવી ગયાં.
આશા ના ચહેરા પર પણ દુઃખના ભાવો હતા, તે કહેવા લાગી, "પણ, મેં શું ખોટું કર્યું! આપણે દોસ્ત છીએ, દોસ્તો માં આવું ચાલતું જ હોઈ, મેં એટલા માટે એ બધું કર્યું કે મારે તું પૂર્ણ રૂપે જોઈતો હતો, બસ."
એ જ ક્ષણે તેના ગાલ પર 'સટાક' કરતી એક ઝાપટ પડી, તે સમસમી ગઈ અને તેના નાજુક ગાલ પર મિતેશના ચારેય આંગળાં ની લાલ છાપ ઉઠી આવી.
આશા ગાલ પર હાથ રાખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
તેને એ રીતે રડતી જોઈ મિતેશ થોડો ઢીલો પડ્યો, તેને અફસોસ થવા લાગ્યો કે પોતે આશા પર હાથ ઉઠાવ્યો!
એ આશા, જેને પોતે પોતાના જીવથી વધુ ચાહતો હતો, તેને એક ખરોચ પણ આવે તો પોતાનો જીવ નીકળી જતો હતો.
તેની સામે ભૂતકાળના એ ચિત્રોની હારમાળા શરૂ થઇ ગઈ, કેવી રીતે આશાએ તેને પોતાની સ્કૂટી વડે ટક્કર મારેલી, પોતે ત્યારે પણ તેના પર ગુસ્સે થયેલો, પણ એ ગુસ્સો ક્ષણિક હતો, કેવી રીતે બંને દોસ્ત બની ગયાં, એ કેવી પોતાને અલગ અલગ રીતે પરેશાન કરતી રહેતી, પોતાના ગેરેજમાં આશાના ચહેરા પર લાગેલા ગ્રીઝ અને ઓઇલ ના કાળા ડાઘ જોઈ બંને કેવાં હસતાં, આશા અને તેના પિતાની મદદથી તો પોતે અહીં સુધી પહોંચ્યો છે.
તે આશાની નજીક ગયો, આશાને પોતાની આગોસમાં લઈ તે કહેવા લાગ્યો
"મને માફ કરી દે, મારે તારા પર હાથ ન ઉઠાવવો જોઈએ. પણ શું કરું તારી પાસેથી આવી અપેક્ષા ન હતી, સોરી યાર તારા પર હાથ ઉઠાવવાનો મને કોઈ હક નથી."
"કોણે કહ્યું? હું આખેઆખી તારી જ છું, તારો પૂરો હક છે મારા પર." તે રડતી રડતી બોલી રહી હતી, "મારી જ ભૂલ છે, મારે પહેલાં તારી સાથે વાત કરવી જોઈતી હતી, મેં તને પામવા ખોટો માર્ગ અપનાવ્યો, હું એ ભૂલી જ ગયેલી કે તું તો પહેલેથી જ મારો છે."
મિતેશે તેના ઉપસી ગયેલા ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો, "તારો ગાલ વગર મેકઅપ ગુલાબી થઈ ગયો." કહી તે થોડું હસ્યો.
"તો બીજો પણ કરી દે." કહેતાં આશાએ મિતેશને બેડ પર ખેંચ્યો અને તેને વીંટળાઈ ગઈ...
એ વાતાનુકુલીત રુમનું એર કન્ડિશનર પણ થાકી ગયું એ રુમને ઠંડો કરતા કરતા.
બસ ફર્ક એટલો જ હતો કે આ વખતે બીજો કોઈ નશો ન હતો, હતો તો માત્ર એક જ નશો, પ્રેમનો!