વન્સ અપોન અ ટાઈમ - 69 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 69

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 69

યુવતી તેના ઘરમાં ઘૂસી આવેલા યુવાનના હાથમાંથી છટકવા માટે હવાતિયાં મારવા માંડી, પણ સશક્ત યુવાનના હાથમાં ભીંસાયેલો એનો નાજુક દેહ લાચાર બની ગયો. યુવાનના હાથની ભીંસ એના ગળા ઉપર વધતી ગઈ. યુવતીના મોંમાંથી અવાજ પણ નીકળી શક્યો નહીં. થોડી ક્ષણોમાં એનો દેહ નિશ્ચેતન બની ગયો. યુવાને યુવતીના નિર્જીવ બની ગયેલા શરીરને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર પડેલા દુપટ્ટાની મદદથી પંખા નીચે લટકાવી દીધું. પછી બીજી પળે એ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો.’

***

‘એ યુવાન દાઉદ ઈબ્રાહીમ ગેંગનો રીઢો ગુંડો સૈયદ ટોપી હતો. એણે જેને ગળેફાંસો ફાંસો આપીને મારી અનકહી એ યુવતી શહેનાઝ પટેલ હતી. શહેનાઝ પટેલ દાઉદ અને એના સાથી ડ્રગ સ્મગલર્સ માટે કામ કરતી હતી. પણ પછી છોટા રાજન ગેંગ તરફથી તગડી રકમની ઓફર થતાં એણે દાઉદ ગેન્ગના ડ્રગ સ્મગલર્સનો માલ પોલીસમાં પકડાવી દેવાનું શરુ કર્યું હતું. દાઉદ ઈબ્રાહીમને જયારે આ વાતની ખબર પડી ત્યારે એણે શહેનાઝ પટેલની હત્યાનું કામ સૈયદ ટોપીને સોંપ્યું અને એક રીઢા હત્યારાને છાજે એ રીતે સૈયદ ટોપીએ શહેનાઝ પટેલને અવ્વલ મંઝીલે પહોંચાડી દીધી હતી.’ પપ્પુ ટકલા પાછો જાણે રનિંગ કોમેન્ટ્રી આપતો હોય એ રીતે કડકડાટ માહિતી ઠાલવવા માંડ્યો હતો. પણ સૈયદ ટોપીનું નામ આવતા એ અટકયો.

‘અંડરવર્લ્ડના ગુંડાઓ ઉપનામને મુદ્દે કવિઓ જેવા હોય છે,’ ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને ધૂમ્રસેર હવામાં છોડવા માટે વિરામ લીધા પછી વાત આગળ ધપાવતા એણે કહ્યું, ‘કવિઓને, જેમ તખલ્લુસ હોય છે એ જ રીતે અંડરવર્લ્ડમાં મોટા ભાગના ગુંડાઓ પણ ઉપનામધારી હોય છે. જોકે, અંડરવર્લ્ડના ભાઈલોગ અને સાહિત્યના ભાઈલોગ એટલે કે કવિઓ વચ્ચે તફાવત એ હોય છે કે કવિઓ જાતે જ પોતાની પસંદગીના તખલ્લુસ નામની પાછળ લગાવી દેતા હોય છે અને અંડરવર્લ્ડના ભાઈલોગને એમના મિત્રો અથવા દુશ્મનો ઉપનામ આપતા હોય છે.’

અમે સમજી ગયા કે પપ્પુ ટકલા હવે અંડરવર્લ્ડની કથામાં ભાઈલોગના ઉપનામની પેટાકથાઓ માંડશે અને અમારી ધારણા સાચી પડી. પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો ઘૂંટ ભરતાં ગુંડાઓના ઉપનામની પેટાકથા શરૂ કરી. ‘સૈયદ ટોપીનું આવું નામ કઈ રીતે પડી ગયું હશે એ તો સમજી શકાય એવું છે. પણ અંડરવર્લ્ડમાં ઘણા એવા ઉપનામધારીઓ છે જેમના નામની પાછળ વિચિત્ર કારણથી અનોખા ઉપનામ લાગી ગયા હોય. અરુણ ગવળીની જ વાત કરીએ તો એની અટક આહીર હતી પણ મુંબઈમાં કોઈ અરુણ આહીર બોલે તો કોઈને કલ્પનામાંય ન આવે કે અરુણ ગવળીની વાત થઇ રહી છે, પરંતુ અરુણ ગવળી તરીકે એને મુંબઈના ટાબરિયાં સુધ્ધા જાણે છે. અરુણ ગવળીનો ભાઈ પાપા ગવળી બાબુ રેશિમ અને રમા નાઈક સાથે કામ કરતો હતો. અરુણનું કામ બાબુ રેશિમની ચલમ ભરવાનું અને ગેંગના ભાઈલોગ માટે ચા-પાણીનો ઓર્ડર આપી આવવાનું હતું એ વખતે અરુણ ગવળીને પગાર પેટે મહીને રૂપિયા ૧૫૦ મળતા હતા. એ સમય દરમિયાન ટીનેજર અરુણ એક વાર ચાનો ઓર્ડર આપવા ગયો અને એને પાછા આવતા મોડું થયું. રમા નાઈકે એને મોડા પડવાનું કારણ પૂછ્યું ત્યારે અરુણે જવાબ વાળ્યો, ‘એક ટેક્સીવાળો ગાય માતાને ટક્કર મારીને ભાગતો હતો. એટલે મેં એને પકડીને માર્યો.’ ટીનેજર અરુણના આ ખુલાસાથી રમા નાઈક હસી પડ્યો અને એણે કહ્યું, ‘તુમિ એકદમ ગવળીચ આહે!’ મરાઠીમાં ગવળી એટલે ગાયપ્રેમી, ગોવાળ. બસ ત્યારથી અરુણની આહીર અટક ભૂંસાવા લાગી અને બધા એને ગવળી કહેવા માંડ્યા. પછી તો પાપાના નામની પાછળ ગવળી અટક લાગી ગઈ.’

‘અરુણ ગવળીની જેમ અમર નાઈકના ઉપનામની વાત પણ રસપ્રદ છે. અમર નાઈકના ઉપનામ રાવણ અને ડોક્ટર હતા. મુંબઈ પોલીસે અમર નાઈકને એન્કાઉન્ટરમાં ઉડાવી દીધો એ અગાઉ એની ચાર વખત ધરપકડ કરી હતી. પણ અમર નાઈક ચારેય વાર પકડાયો ત્યારે એનો ચહેરો જુદો હતો. અવારનવાર પ્લાસ્ટિક સર્જરી દ્વારા એ પોતાનો ચહેરો બદલાવતો હતો. એણે કુલ સાત વાર પ્લાસ્ટિક સર્જરી કરાવી પોતાનો ચહેરો બદલાવ્યો હતો. સતત જુદો ચહેરો રાખવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવતા રહેવાની એની સ્ટાઈલને કારણે એને રાવણ ઉપનામ મળ્યું હતું અને ચહેરો બદલાવવા માટે પ્લાસ્ટિક સર્જરીની મદદ લેવાને કારણે એને ડોકટર ઉપનામ પણ મળ્યું હતું.’

‘અંડરવર્લ્ડના એક વખતના પાવરફુલ માફિયા સરદાર છોટા રાજનનું નામ રાજેન્દ્ર નિખાલજે છે. એનું નામ છોટા રાજન એના ગુરુને કારણે પડ્યું. એક વખત ચેમ્બુરના કિંગ ગણાતા બડા રાજનના ચેલા તરીકે કામ કરતા રાજેન્દ્ર નિખાલજેને બડા રાજનના કમોત પછી છોટા રાજન નામ મળી ગયું. દાઉદની ગેંગમાં છોટા રાજનનો દબદબો હતો ત્યારે દાઉદ ઘણીવાર બધાની વચ્ચે મજાકના ટોનમાં છોટા રાજનને કહેતો,’હે રાજન!’ ખુદ દાઉદ ઈબ્રાહીમ ટપોરી હતો ત્યારે એનાં ડેવિડ, દાદા અને મુચ્છડ જેવા ઉપનામ હતા. છોટા રાજનની જેમ બીજા ગુંડા સરદાર છોટા શકીલનું સાચું નામ જુદું જ છે. છોટા શકીલનું નામ શકીલ મોહમ્મદ ઉસ્માન શેખ છે. બે દાયકા અગાઉ કરીમલાલાની ગેંગમાં બડેમિંયા શકીલ ખાન નામનો ગુંડો હતો. એને બધા બડા શકીલ કહીને બોલાવતા હતા. એના પરથી દાઉદ ઈબ્રાહિમે શકીલ મોહમ્મદ શકીલ ઉસ્માન શેખને છોટા શકીલ નામ આપી દીધું હતું. દાઉદ ઈબ્રાહીમના એક ભાઈને ચરસ પીવાનો શોખ છે એટલે અંધારી આલમના લોકો એને ‘ચરસી’ તરીકે ઓળખે છે. કરીમલાલાની ગેંગમાં અબ્દુલ્લા કાદર અબ્બાસ નરુલ્લા નામનો ગુંડો હતો. એ ગુંડો રંગીન તબિયતનો હતો અને હંમેશા ચમકતા કપડાં પહેરતો અને કોઈની પણ સાથે ફિલ્મી સ્ટાઈલમાં વાત કરતો એટલે એનું ઉપનામ કાદર રંગીલા પડી ગયું.’

‘છોટા રાજનની ગેંગના એક ગુંડાનું ઉપનામ એમએલએ હતું. જસપાલસિંહ ચૌધરી ઉર્ફે એમએલએ હંમેશા કાંજી કરેલા કપડા જ પહેરતો હતો અને રુઆબમાં રહીને બધાની સાથે રાજકારણીની જેમ વર્તતો એટલે એને એમએલએ ઉપનામ મળી ગયું હતું. મુંબઈમાં કમોતે મરેલા હીરાના વેપારી અશરફ પટેલના પિતા ઈકબાલ પટેલ માછલીઓની વચ્ચે સોનાના બિસ્કીટ છુપાવીને સ્મગલિંગ કરતા હોવાની પોલીસને શંકા હતી અને અંડરવર્લ્ડને ખાતરી હતી. મચ્છી વચ્ચે સોનાના બિસ્કીટ છુપાવીને સ્મગલિંગ કરવાને કારણે એનું નામ ઇકબાલ મચ્છી પડી ગયું હતું.’

‘અંડરવર્લ્ડમાં ઉપનામધારી ગુંડાઓમાં સલીમ નામના ગુંડાઓની સંખ્યા વધુ છે. દાઉદ ગેંગમાં જ ડઝનબંધ સલીમ ઉપનામધારીઓ છે. ફળનો ધંધો કરતા દાઉદ ગેંગના શસ્ત્રો છુપાવવાનું કામ કરવા માંડેલો સલીમ શેખ ‘સલીમ ફ્રુટ’ બની ગયો. ગેંગવોરમાં માર્યો ગયેલો સલીમ કુર્લા વિસ્તારનો હતો એટલે એનું નામ ‘સલીમ કુર્લા’ પડી ગયું હતું. તો વળી, બીજો ગુંડો દોઢ પગનો ધણી હતો એટલે એનું નામ ‘સલીમ લંગડા’ પડી ગયું. દાઉદ ગેંગને છોકરીઓ પૂરી પાડવા માટે પંકાયેલા ‘સલીમ ચીકના’ને એ ઉપનામ એ કારણે જ મળ્યું હતું. બીજો એક સલીમ મહમૂદ હતો. એની સવા છ ફૂટની ઉંચાઈને કારણે એનું નામ ‘સલીમ લંબુ’ પડી ગયું હતું. તો બીજા એક સલીમના મગજનો પારો હંમેશા હજારો ડીગ્રી સેલ્સિયસ જેટલો ઊંચો રહેતો હોવાથી એનું નામ ‘સલીમ હટેલા’ પડી ગયું હતું.

પપ્પુ ટકલા અંડરવર્લ્ડના ભાઈલોગના તખલ્લુસની કથા હજુ આગળ ચલાવતો રહેત, પણ પોલીસ ઓફિસર મિત્રએ સૂચક રીતે બગાસું ખાઈને પપ્પુ ટકલા સામે એક નજર કરી એટલે પપ્પુ ટકલા અંડરવર્લ્ડના ગુંડાઓની ઉપનામની પેટાકથા પર પૂર્ણવિરામ મુકીને ફરીવાર અંડરવર્લ્ડની ગેંગવોરની મેઈન ટ્રેક પર આવી ગયો.

‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ આદતવશ એણે પૂછી લીધું પછી એની ટેવ મુજબ એણે અમારો જવાબ સાંભળ્યા વિના વાતનો દોર સાધી લીધો, ‘દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં રાજાસિંહ ઠાકુરને ખતમ કરવાની જવાબદારી રોમેશ શર્માને સોંપી એટલે રોમેશ શર્માને માટે તો ભાવતું’તું ને વૈદે કીધું.’ જેવો ઘાટ થયો. દાઉદ ઈબ્રાહીમના શુટરોની મદદથી રોમેશ શર્માએ રાજાસિંહ ઠાકુરને ખતમ કરી નાંખ્યો. રાજાસિંહ ઠાકુર મર્સિડીઝ કારમાં મુંબઈના વાંદરા ઉપનગરથી જુહુ તરફ જઈ રહ્યો હતો ત્યારે એને વચ્ચે આંતરીને ચાળણીની જેમ વીંધી દેવાયો. રાજાસિંહ ઠાકુરના શરીરમાં બાવીસ ગોળી ધરબી દેવાઈ હતી.

એ સમયમાં મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમાં રહેતા છોટા રાજનને અને સિંગાપોરમાં બેઠેલા બબલુ શ્રીવાસ્તવને રાજાસિંહ ઠાકુરની હત્યાના સમાચાર મળ્યા ત્યારે તેમણે દાઉદને વળતો જવાબ આપવાની તૈયારી કરી. શહેનાઝ પટેલને ખતમ કરીને પણ દાઉદ દ્વારા બબલુ અને રાજનનું નાક વાઢી લેવાયું હતું. પણ બબલુ કે રાજન વળતો ઘા કરે એ અગાઉ એમના પગ તળેથી ધરતી સરકી જાય એવી ઘટના બની.

(ક્રમશ:)