વેદાંત નિમિષા દલાલ્ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેદાંત

ત્રણ મહિના પહેલા એક ગંભીર સ્કૂટર અકસ્માતનો ભોગ બનેલા તમે હજુ પૂરી રીતે સ્વસ્થ થયા નથી વેદાંત. તમારે હજુ બે મહિના તમારી તબિયતની કાળજી રૂપે ઘરમાં જ ગાળવાના છે. એક વહેલી સવારે બેડ ટી લેતાં લેતાં છાપાં સાથે મૂકાયેલી એક નિમંત્રણપત્રિકા પર તમારી નજર પડે છે. હાથમાંનો ચાનો કપ બેડની પાસેના સાઈડ ટેબલ પર મૂકી તમે એ પત્રિકા હાથમાં લો છો. પંદર દિવસ પછી સાહિત્યના નામાંકિત એવોર્ડ ફંક્શનમાં હાજર રહેવાનું આ નિમંત્રણ છે. તેને પાછી કવરમાં મૂકી તમે ચાનો કપ હાથમાં લો છો અને ગરમાગરમ ચાનો એક ઘુંટડો મોંમાં ભરતાંની સાથે જ તમારી નજર સામેના કબાટમાં તમે મેળવેલી ટ્રોફીઓ પર પડે છે. આ વર્ષે એમાં બીજી એક ટ્રોફીનો ઉમેરો થશે. છેલ્લાં ચાર વર્ષથી આ નામાંકિત પુરસ્કાર તમે મેળવતા આવ્યા છો. લેખનના ક્ષેત્રમાં તમે ગાળેલાં સરવૈયામાં આમ તો ઘણા પુરસ્કારો ટ્રોફીઓ અને અનેક સન્માન મેળવી ચૂક્યા છો અને સતત પાંચમાં વર્ષે પણ આ એવોર્ડ તમે જ મેળવશો એની તમને ખાત્રી છે.

સાહિત્યની આટલા વર્ષોની તમારી સફરમાં તમે અનેક યુવા લેખકોને માર્ગદર્શન આપીને લેખન ક્ષેત્રે એક સ્થાન પણ અપાવી ચૂક્યા છો પરંતુ તમારા બે પુત્રોને તમે આ ક્ષેત્ર પ્રત્યે આકર્ષી શક્યા નથી. લેખનની બાબતમાં તમે કોઇ પણ પ્રકારનું સમાધાન ચલાવી લેતા નથી અને તેથી ઘણા યુવાનોએ તમારા ગુસ્સાને કારણે લખવાનું છોડી પણ દીધું છે જેમાં તમારા પુત્રનો પણ સમાવેશ થાય છે. તમારા બન્ને પુત્રોએ જીવનસાથીની પસંદગીમાં પણ પુસ્તકોમાં રસ ન ધરાવતી યુવતીઓને જ પસન્દ કરી આથી તમે થોડા નિરાશ થયા હતા. બહારના જગતમાં તમારો વિશાળ ચાહક વર્ગ તમારા લેખનથી પ્રભાવિત બહોળો વર્ગ પરંતુ ઘરમાં એ વિષય પર વાત કરનાર કોઇ જ નહીં.

તમે એક પ્રેમાળ પિતા અને જવાબદાર પતિ જરૂર રહ્યા છો પરંતુ પરિવાર અને સાહિત્ય એ બંનેમાંથી તમે હંમેશા સાહિત્યને પ્રાથમિકતા આપતા આવ્યા છો. આ જ કારણે તમે પત્ની અને પરિવારને ક્વોલિટી ટાઈમ ફાળવી શક્યા નથી અને તેથી સમય પસાર થતાં બધાં તમારી આ પ્રવૃત્તિથી દૂર રહેતા ગયા.. આથી થયેલા ગંભીર અકસ્માતને પગલે તમે આ પુરસ્કાર સમારંભમાં હાજર નહીં રહી શકો તેનું તમને અત્યંત દુઃખ તો છે જ અને હવે એ પુરસ્કાર સ્વીકારવા કોણ જશે તે પણ એક પ્રશ્ન ઊભો થયો.

“નિર્મલા આ એવોર્ડ ફંક્શનમાં મારો એવોર્ડ સ્વીકારવા તું જશે ?” તમે ગભરાતાં ગભરાતાં ચાનો ખાલી કપ લેવા આવેલી પત્નીને પૂછ્યું. તમે જાણો છો કે સાહિત્યની કોઇ પણ વાતથી તમારી પત્ની ખૂબ ગુસ્સે થાય છે.

કપ હાથમાં લેતાં તેણે તમારી સામે જોયું.

“એ લોકો અહીં આવીને પણ આપે શકે છે, પણ બધા સાહિત્ય જગતના લોકો સામે એવોર્ડ લેવાની મજા જ કંઈ ઓર હોય છે. પણ...” તમે બચાવ કરતાં કહ્યું. તમારી આમ કહેવાની રીતથી અને તમારા હાવભાવથી તેના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. કપ પાછો સાઈડ ટેબલ પર મૂકી એ તમારી બાજુમાં બેઠી.

“આમ તો તમારા આ સાહિત્ય લેખનને હું મારી શોક્ય માનું છું. પરંતુ આજે કહું જે કદી તમને મેં કહ્યું નથી, તમારા સન્માનથી કદી મને ખૂબ ખુશી થાય છે અને ઘણી વાર ગુસ્સો પણ આવે છે, પણ તમારી આ મજબૂરી જોઇને મને એમ થાય છે કે...” એણે તમારી છાતી પર માથું મૂકી સંમતિ દર્શાવી. આમ કરવામાં તેને પોતાનો અહં પણ સંતોષાતો લાગ્યો.

***

આજે સવારથી તમે બહુ ઉત્સાહિત છો. તમારી પત્ની તમારો એ એવોર્ડ સ્વીકારવા જશે. ઘરમાં પોતાના લેખનનો કોઇ ચાહક નથી પણ એ આજે ત્યાં જશે ત્યારે તેને ખબર પડશે કે પોતાના પતિનું કેટલું માન છે. કાયમ સમાચારપત્રો અને ફોટાઓથી તમારા સન્માનની જાણકારી મેળવતી તમારી પત્નીને આજે પ્રત્યક્ષ એ માન જોવા મળશે. પોતાની સાથે આવા કોઇ સમારંભમાં હાજરી આપી શકી નથી. પહેલાં તો બાળકોની જવાબદારીને કારણે તો પછી તમારા ઉપેક્ષિત વર્તનને લીધે તે આનાથી દૂર જ રહી છે.

“દાદા, હું પણ દાદી સાથે તમારો એવોર્ડ લેવા જાઉં ?” તમારી લાડલી પૌત્રી રીમાએ પૂછ્યું. સાનંદ આશ્ચર્ય સાથે તમે એને પરવાનગી આપી ત્યારે એના ચહેરા પરની ખુશી કંઈક અલગ જ કહેતી હતી તે તમે સાંભળી ન શક્યા વેદાંત.

પહેલી જ વાર લોકલ ચેનલ પરથી આ ફંક્શનનું લાઈવ ટેલીકાસ્ટ થવાનું હતું ને તમે ત્યાં... દુઃખી મને તમે રીમોટથી ટીવી ચાલુ કર્યુ અને ચેનલ સેટ કરી. જેમ જેમ પ્રોગ્રામ આગળ વધતો ગયો તેમ તેમ તમારી ત્યાંની ગેરહાજરી પર તમને અફસોસ થવા લાગ્યો.

એવોર્ડ માટેના નામ એનાઉંસ થવા લાગ્યા. જ્યારે તમારું નામ દ્વિતિય પુરસ્કાર માટે ઉચ્ચારાયું તમને તમારા કાન પર ભરોસો ના આવ્યો. નિર્મલાને ખુશી ખુશી સ્ટેજ પર જઈ તે સ્વીકારતી તમે જોઇ રહ્યા. હા, એ તો ખુશ થઈને જ લે ને, પ્રથમ કે દ્વિતિય એને શું ફરક પડે ? પણ તમે અત્યંત નિરાશ થઈ નિર્ણાયકોને મનમાં ગાળ દઈ ટીવી બંધ કરી દીધું. એમાં છુપાયેલો તમારો અહંકાર તમને ક્યાંથી નજરે ચડે ! પણ જો તમે ટીવી ચાલુ રાખ્યું હોત તો તમે જાણી શકત વેદાંત કે પ્રથમ પુરસ્કારની એ ટ્રોફી તમારા જ ઘરમાં આવવાની છે. જે યુવા લેખિકાના લેખનથી તમે પોતે પ્રભાવિત થયા હતા, જેની જાણકારી મેળવવા તમે ઉત્સુક હતા. છેલ્લા બે વર્ષથી જેનું નામ સાહિત્ય જગતમાં ધીમે ધીમે આગળ નીકળી રહ્યું છે, તે ‘અમી’ ઉપનામ ધરાવતી લેખિકા બીજી કોઇ નહીં પણ તમારી પૌત્રી રીમા છે. તમારા માર્ગદર્શન માટે ઘરે આવતા યુવા લેખક/લેખિકાઓને જ્યારે તમે સમજાવતા ત્યારે રૂમની બહારથી એકલવ્યની જેમ તમારી બધી વાતોને ધ્યાનથી સાંભળી, તેનો પોતાની રચનાઓમાં ઉપયોગ કરી, આજે તે એક ઓળખ ઊભી કરી શકી છે. અને આવા જ કોઇ સન્માન પછી ઉપનામ છોડી પોતાના નામે કૃતિઓ લખવાનો તેણે નિયમ લીધો હતો, જેથી એ તમારા ક્ષેત્રમાં તમારી સાથે ગર્વથી ઊભી રહી શકે અને તમને વધુ માન અપાવી શકે. તમે ટીવી બંધ ન કર્યું હોત તો, તમે કાર્યક્રમ જુઓ છો એમ માની, તમને સંબોધીને રીમાએ આપેલી સ્પીચ તમે સાંભળી હોત વેદાંત, અને તો તમને દ્વિતિય પુરસ્કાર મેળવવાનો કદાચ આટલો રંજ ન થયો હોત્...