પ્રેરક પ્રસંગો
૧.મનની મિરાત
એક વખતની વાત છે. ઉનાળાના દિવસો હતાં. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતાં. એવે વખતે એક બસ અમદાવાદથી આબુરોડ જઈ રહી હતી. બસમાં મુસાફરોની ભારે ભીડ હતી. છેલ્લાથી ત્રીજા નંબરની બંને બાજુની સીટ પર બે પરિવાર સામસામે બેઠા હતાં. સાથે બાળકો પણ હતાં. એવામાં એક બાળકને ભૂખ લાગી. એણે એની મમ્મી પાસે ખાવાનું માગ્યું. અને એની મમ્મીએ બેગમાંથી કાઢીને એને સફરજન આપ્યું. ભૂખનું માર્યું બાળક મોટા બચકે સફરજનનો સફાયો કરવા લાગ્યું. એની મમ્મી ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. બાળકે અડધું સફરજન ખાધું હશે ને એના પર સામેની સીટ પર બેઠેલા પરિવારના બીજા બાળકની નજર પડી. એ બાળકના મોં માં પાણી ભરાઈ આવ્યું. એણે એક જ લબડકે લાળ ગટગટાવી દીધી! એ પેલા બાળક અને સફરજન બંનેને તાકી રહ્યું. હવે એનીયે ભૂખ વધવા લાગી. ને એ જ પળે સફરજન આરોગતા બાળકની મમ્મીની નજર પોતાના બાળકને તાકી રહેલા છોકરા પર પડી. એણે આંખ કાઢી. ભવાં પણ ચઢાવ્યા કિન્તું પેલું બાળક ડર્યું નહીં. ભૂખને વળી ભય શેનો? એ તો લાળટપકતી નજરે તાકી જ રહ્યું. એટલે હારીને પેલી સ્ત્રીએ એના બાળકને અવળો ફેરવી નાખ્યો. છતાં પણ પેલું બાળક નજરો નહોતું હટાવતું. આખરે થાકીને એ સ્ત્રીએ સફરજન થેલામાં પધરાવી દીધું! ને પોતાના બાળકને કહે:"જો બેટા, આમ જાહેરમાં ન ખવાય. બીજા બાળકની નજર લાગી જાય ને તો પેટ દુખવા આવી જાય." બાળક વાત માની ગયું ને મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયું. બસ એની રફ્તારે લૂ માં નહાતી આગળ વધતી રહી.
આગળ જતાં વળી સ્ટેશન આવ્યું. ત્યાં કેરલાંક મુસાફરો ઊતરી ગયા તો વળી કેટલાંક નવા મુસાફરો બસમાં સવાર થયા.
આ સ્ટેશનેથી ગામડાનું એક ગરીબ પરિવાર ચડ્યું. એ પરિવારની ગરીબાઈ ઉડીને આંખે વળગતી હતી. આ કુટુંબે પેલા ભૂખ્યા થયેલા ગરીબ બાળકના પરિવારની આગળની સીટમાં બેઠક લીધી. જગ્યા મળવાથી એમણે રાહતનો આબાદ દમ લીધો. એમની સંગાથે પણ બાળકો હતાં જ. એમાંથી એકના હાથમાં પારલે બિસ્કીટ તો વળી, બીજા બાળકના હાથમાં ચોકલેટ હતી. ત્રીજું બાળક પડીકામાંથી કંઈક ખાઈ રહ્યું હતું. સૌ બાળકોને મનગમતું ખાવાનું મળવાથી ખુશ હતાં.
એ બાળકોના હાથમાં ખાવાની ચીજ જોઈને પેલા પાછળની સીટમાં બેઠેલ ભૂખ્યા બાળકની ભૂખ ફરી સળવળી ઊઠી. એ ઊંચું-નીચું થવા લાગ્યું. એવામાં આગળની સીટમાં આવીને બેઠેલ પરિવારની એક સ્ત્રીની નજર એ ભૂખ્યા બાળક પર પડી. એનું હ્રદય દ્રવી ગયું. એણે ઝપાટે પોતાના બાળકના હાથમાં રહેલ પારલે બિસ્કીટના પડીકનો અડધો ભાગ એ બાળકને આપી દીધો. બાળક આનંદની ઝુમી ઉઠ્યું.
ઘડીકમાં એ બધા બાળકો દોસ્ત બની ગયા અને ઊભી વાટે મજા લૂંટી.
>~> મહેલ નહીં કિન્તું મન મોટા હોવા જોઈએ.
* * *
૨. ધીરજના ફળ
ચોમાસાના દિવસો હતાં. ક્યાંક વરસાદ વરસી રહ્યો હતો તો વળી, ક્યાંક બંધ થઇ ચૂક્યો હતો. એવામાં એક મસ્તમિજાજી યુવાન મોટરસાઈકલ લઈને ટહેલવા નીકળી પડ્યો. બે ગામ વચ્ચેના ગાડા રસ્તા તરફ એ વળ્યો. એને નદી કિનારો બહું જ ગમતો. ધીમે ધીમે આગળ જતાં એનો ઉત્સાહ વધવા માંડ્યો ને એણે બાઈક પૂરપાટ ઝડપે હંકારી મૂક્યું. આગળ નદી આવતી હતી.
એણે સ્પીડ વધારી એ જ ઘડીએ આગળ રસ્તામાં ખિસકોલી આવી ગઈ! હવે અચાનક બ્રેક મારે તો પડી જવાના ભયથી એણે બાઈક રોક્યું નહી ને વાહન હંકારી ગયો. ખિસકોલીનો જમણો પગ બાઈકના ટાયર નીચે આવતા ચગદાઈ ગયો. પળમાં એ બેભાન થઈને ઢળી પડી.
થોડીકવારે એ જ મારગે એક બીજો યુવાન પસાર થયો. એને નદી પારના સામેના ગામે કંઈક કામ અર્થે જવાનું હતું. આગળ મારગમાં આવતા જ એણે પેલી ખિસકોલીને જોઈ. અનુકંપાથી એનું હ્રદય ભરાઈ આવ્યું. એણે ઝટ દઈને બાઈક રોકી લીધું ને તાબડતોડ ઘાયલ ખિસકોલીને પશું દવાખાને પહોંચાડી દીધી! ત્યાં સમયસર જરૂરી સારવાર મળતાં ખિસકોલી ભાનમાં આવી ગઈ. અને યુવાને રાહતનો દમ લીધો.
હવે, યુવકના દયાળું દિલને શાંતિ વળી. એ પોતાની મંઝીલે આગળ વધ્યો. આગળ જતાં જ નદીને કિનારે આવીને જોયું તો વરસાદને લીધે નદી ગાંડીતૂર થયેલી હતી. એની ઉપરનો પુલ તૂટી ગયો હતો. એણે બાઈક સાઈડમાં કર્યું. એની નજર નદીના પ્રવાહમાં પડી. એણે જોયું તો દૂર એક યુવાન તણાઈ રહ્યો હતો.
* * *
૩. પ્રામાણિકતા
દરરોજ સાંજે પાંચ વાગ્યે શાભાજીની દુકાનની બાજુમાં મારી બેઠક થાય. રોજના કાયમી તથા નવા- નવા ગ્રાહકોની શાકભાજીવાળા જોડે થતી મીઠી રકઝક મને આનંદ પમાડતી. ક્યારેક મીઠો ઝઘડો તો વળી ક્યારેક ઉગ્ર બોલાચાલી! આ બધું રોજનું થઈ ગયું હતું. અને એ બધું સાંભળીને થોડોક જે હોય એ મારા આખા દિવસનો થાક ઊતરી જતો.
એમાં એક ઘટના રોજ મસ્તીન બની જતી. રોજ સાડા પાંચના સુમારે એક શિક્ષત આધેડ યુવાનનો શાકભાજી લેવા આવવાનો સમય. એ વ્યક્તિ અને શાકભાજીવાળા વચ્ચે મીઠી કે ઉગ્ર તકરાર અવશ્ય થાય જ. ભાગ્યે જ કોઈ દિવસ એવો ઊગતો જેમાં એ બે વચ્ચે જીભાજોડી ના થઈ હોય! ક્યારેક એક-બે રૂપિયા લેવા આપવા કાજે તો વળી ક્યારેક કોથમીર મરચા માટે! ગમે તે બહાને તકરાર તો થાય જ! આગળના દિવસે જો ભૂલેચૂકેય છૂટા ન હોવાના કારણે શાકભાજીવાળાએ એકાદ રૂપિયો જમાં રાખી લીધો હોય તો બીજા દિવસે એ શિક્ષિત વ્યક્તિ બેચાર રુપિયા ઓછા આપે જ, બીજા દિવસે આપવાની શરતે! આ એની રોજની ટેવ. મને આ બધું જોઈને સહકૂતુહલ રમુજ થતી.
એના રવાના થયા બાદ શાકભાજીવાળો મને કહે:'સાહેબ! જો આની જગ્યાએ કોઈ શિક્ષકે આવું વર્તન કર્યું હોત તો એ પંતુજીમાં ગણના પામ્યો હોત! પરંતું અહીં તમે જુઓ છો એમ અનેક લોકો આવું વર્તન કરે જ છે. એને હવે શું કહેવું?' એ વ્યક્તિ દેખાવે નોકરિયાત લાગતો હતો કિન્તું મને કે શાકભાજીવાળાને હજી સુધી ગંધ નહોતી આવી કે એ શાની અને કંઈ જગ્યાએ નોકરી કરે છે?
થોડાંક દિવસો બાદ એ ભાઈએ બીજી એક નવીન બીના ઊભી કરી. બન્યું એવું કે શાકભાજીવાળાને ત્યા ભીડ હતી. ભીડ હોય ત્યારે એ થોડો થોથવાઈ જતો. પેલી વ્યક્તિએ શાકભાજી લઈને સોની નોટ આપી. શાકભાજીવાળાએ એ નોટને બસ્સોની નોટ સમજીને કે પછી ઉતાવળમાં ગમે તેમ પણ એણે ચાલીસ રૂપિયા કાપીને સાઈઠની જગ્યાએ એકસો સાઈઠ રૂપિયા પાછા આપ્યા. શાકભાજીવાળો પૈસા ગણતો હતો ત્યારે પેલો ભાઈ એ જોઈ રહ્યો હતો. જેવા એના હાથમાં રૂપિયા આવ્યા કે રોજ રૂપિયાની ગણતરી કરતા એણે ગણવાની તસ્દી લીધા વિના સીધા ગજવામાં સરકાવી દીધા અને વાટ પકડી. હું એ જોઈને દંગ થઈ ગયો. મનમાં બબડ્યો: "રે કુદરત તે કેવા લોક સર્જ્યા છે!"
થોડાક દિવસોમાં એક બીજી અજીબ ઘટના ઘટી ગઈ. ને અનાયાસે જ મને એ વ્યક્તિનું સ્મરણ થઈ આવ્યું.
બન્યું એવું કે શનિવારનો દિવસ હતો. એ દિવસે વળી હું એકલો સૌથી વહેલો શાળાએ પહોંચી ગયો. શાળામાં પ્રવેશતા જ બે બાળકી દોડતી મારી સામે આવીને ઊભી રહી ગઈ. મે બાઈક પાર્ક કર્યા પહેલા જ અચરજ અને ગભરામણથી પૂછ્યું: શું થયું બેટા?" મારા સવાલના ઉત્તરમાં એણે પચ્ચીસ રૂપિયા મારી સામે ધર્યા. મને રાહત થઈ કે ભલા કોઈ અઘટિત ઘટના તો નથી બની!
એ બાળકી કહે, 'સાહેબ રસ્તામાં આવતા મને આ રૂપિયા મળ્યા છે!' અને એ ભાગી ગઈ. મે પ્રાર્થનામાં બધા બાળકોને એ દીકરીની પ્રામાણિકતાની વાત કરી. પછી 'પૈસા કોઈના ખોવાયા છે?' એ પૂછ્યું પણ એકેય બાળકે કહ્યું નહીં કે એના રુપિયા ખોવાયા છે!
ક્યાં વધું પડતું ભણેલ એ આધેડ યુવાન, ને ક્યાં આ નાનકડી બાળાઓ!
* * *
૪. વાણીનું મૂલ
થોડાક વરસો પહેલાની બીના છે.
અમીરગઢમાં એક ગામ આવેલું છે. ગામ નાનું પણ બહું જ રળિયામણું છે. એને જોઈને એમ જ લાગે જાણે ડુંગરાએ કેડમાં તેડ્યું ન હોય!
આ ગામના પબાભાઈ નામના એક ખેડૂતને પૈસાની તંગી ઊભી થતાં એની એક ગાય વેચવા કાઢી. બાજુના ગામમાં રહેતા એક ગરીબ ખેડૂત એ ગાયને વેચાતી લઈ ગયા. હવે થોડાંક દિવસો થયા હશે ને ગાય લઈ જનાર ખેડૂતને ઘેર એમના દૂરના સગા કંઈક કામ અર્થે ત્યાંથી નીકળ્યા. એ પશુઓના ઊંટવૈદ્ય તરીકે પ્રખ્યાત હતાં. વાતવાતમાં પેલા ખેડૂતે કહ્યું કે "આપણે બાળકોને દૂધની અછત ઊભી થતાં આ ગાય લાવ્યા છીએ. બોલો, એ હવે બચ્ચાને જન્મ આપવાવામાં કેટલા દહાડા કાઢશે?"
મહેમાને ગાયના આંચળે હાથ નાખ્યો ને પછી ફરતે જોઈને ઉદાસ વદને કહે:' જીવણજી, ગાય બહું દહાડા કાઢશે નહી હો! ખેડૂતની ખુશી જોઈ પેલા ઊંટવૈદ્યે ફરી કહ્યું:' મારો મતલમ છે કે ગાય બિમાર છે. ઝાઝું જીવશે નહી!" આ સાંભળીને જીવણજીને ધ્રાસકો પડ્યો! પૈસા પાણીમાં ગયા દેખાયા. લમણે હાથ ભીડીને એ આંસું સારવા લાગ્યા. હવે કરવું શું?
એમને જંપ નહોતી પડતી. સાંજે જમીને પબાભાઈને ફોન લગાવ્યો:" પબાભાઈ, તમે આપેલી ગાયને રોગ જેવું કંઈક લાગે છે. માટે મારે એ રાખવી નથી."
"એ તમારો વહેમ છે. મારે ઘેર તો હેમખેમ રહેતી હતી. છતાં પણ તમારે ન રાખવી હોય તો કંઈ વાંધો નહીં, જીવણજી. હું બે દિવસમાં આવીને લઈ જઈશ."
બીજી સવારે ગાય બિમાર પડી. જીવણજીએ મારતે ઘોડે અમીરગઢથી ડોક્ટર બોલાવ્યો. દવાઓ આપી. ગાયને સારું થયું. પરંતું સાંજ પડતા સુધીમાં તો ગાય સ્વર્ગની વાટે ઉપડી. જીવણજીને આઘાત લાગ્યો. કરવું શું?
જીવણજીએ ગાયના મરણના સમાચાર પબાભાઈને પહોચાડ્યા. જરૂરી રૂપિયાનો વેત કરીને પબાભાઈ જીવણજીને ગામ ઉપડ્યા. રસ્તામાં એમને એમના જ ફળિયાના મહેરુંભાઈ મળ્યા. વાતમાં વાત નીકળી એટલે એ કહે:'પબાભાઈ! આમ પૈસા જતા ન કરાય! શું તમેય ગાંડા કાઢો છો. જાઓ અને રૂપિયા લઈ પાછા આવો.'
પબાભાઈ કહે:'મહેરું, મે પાછી લાવવાની વાત કર્યા બાદ એ મરી છે. હવે હું મારી જબાનથી અવળો ફરું તો મારી જીભ અને જીંદગી લાજે.'
પબાભાઈ આવ્યા ત્યારે જીવણજીએ ગાયની દફનવિધિ કરાવવાની તૈયારી કરી લીધી હતી. વિધિ બાદ ઘેર જવાની વેળાએ પબાભાઈ કહે:બોલો, જીવણજી! ગાયની દવાનો ખર્ચ કેટલો થયો? લ્યો, લઈ લો.' કહીને એમણે બેહજાર રૂપિયા ધર્યા.
એ જોઈ જીવણજીની આંખો ભરાઈ આવી. કહે: પબાભાઈ, ગાય મારે ખૂંટેથી પરવારી છે. એટલે એના પૂરેપૂરા રૂપિયા હું તમને બે-ચાર દિવસમાં પહોંચતા કરીશ. ચિંતા કરો માં.
હવે ધર્મસંકટ ઊંભું થયું!
બંને ખેડૂત નમતું જોખવા તૈયાર નહોતા! એક કહે મારે ગાયના પૈસા લેવા નથી ને બીજો કહે મારે આપવા જ છે! હવે કરવું શું? છેવટે આખરી ઉપાય તરીકે ગામના બે-ચાર માણસોએ સલાહ કરી એ મુજબ બંનેએ ગાયની કિંમત અને દવાનો કુલ ખર્ચ મળીને જે થયા એના અડધા અડધા ભોગવ્યા ત્યારે વાતનો ઉકેલ આવ્યો.
* * *
૫.સંતોષી જીવ
આશરે બેએક વરસ પહેલાની ઘટના છે. અમદાવાદ જેવા મહાનગરોમાં અનેક પરિવારો ફુટપાથ પર જીવન ગુજારે છે. એમનું જીવન અને જીવન રીતો બહું જ દયામણી હોય છે. એમાંથી કેટલાંક પરિવારો નાનોમોટો કામધંધો કરીને તો વળી કેટલાક પરિવારો ભીખ માગીને જીવન નિર્વાહ કરે છે. ભીખ માગવી એ આપણા દેશની એક પ્રકારની રાષ્ટ્રીય સમસ્યા હોઈ શકે. દેશમાં બે પ્રકારે ભીખ માગવામાં આવે છે:એક પેટનો ખાડો સરભર કરવા માટે અને બીજું ધંધા (કમાણી) માટે. ભીખ માગવી એ એક સમસ્યા છે કે મજબૂરી એ સંશોધનનો વિષય છે.
નવરાત્રિ પુરજોશમાં ચાલી રહી હતી. જેમ નવરાત્રિના ઉમંગનો ઝગમગાટ શહેર આખાને રોશનીથી ઝળહળાં કરી રહ્યો હતો એમ આનંદઘેલા લોકોના ચહેરાય થનગનાટથી ચમકી રહ્યાં હતાં.
રાત્રિના નવેકના સુમારે ચાની કીટલી પર દૂર ખૂણામાં એક બાળક ઊભું હતું, દયામણા ચહેરે-કંઈક મેળવવાની અમર આશાએ. ગમે એ ખાવાનું મળી જ જશે એવી તલપ એના ચહેરા પર હવાતિયા મારી રહી હતી. ઘડીક પાસેથી પસાર થતી ગાડી તરફ દોટ મૂકવા લલચાતો તો વળી ઘડીક ચા ની રમૂજી ચૂસકી મારતા યુવાનો પાસે પહોંચી જવા આતુર બનતો. પણ માત્ર ટગર- ટગર તાકી રહેવા સિવાય એ કશું કરી શકતો નહોતો.
એવામાં ચા ની મજા માણતા અને નવરાત્રીની રંગીન રાત્રે મોજથી ઠઠ્ઠામશ્કરી કરતા યુવાનો તરફ એણે ડગ ઉપાડ્યા. વળી, પાછો કંઈક ખયાલ આવતા એ ગલીમાં લપાઈ ગયો. ગમે તે હોય કિન્તું એ બાળકને ભીખ માંગતા શરમ અને સંકોચ અનુભવાઈ રહ્યાં હતાં. એવામાં સિગરેટનો દમ મારતા એક યુવાનની નજર એ અર્ધનગ્ન બાળક પર પડી. બાળક સહેંજ ગભરાયો. ઘડીકવારે કંઈક કૌતુંક જોતા એ યુવાને બાળકને પાસે બોલાવ્યો. બાળકની દયનીય દશા અને સંકોચથી નીચી નજરે નજીક આવતો જોઈ યુવાનોની મશકરી મ્યાન થઈ ગઈ. સૌએ સામટા બાળકને ઘેરી લીધો. બાળક બીકનું માર્યું ગભરાઈ ઊઠ્યું. એ દશામાં એણે હાથ જોડ્યા. અને કંઈક ખાવાની મૂક માગણી કરી. પેલા યુવાનને દયા ઉપજી. એણે અને બાજા એક યુવાને મળીને બાળકને બિસ્કીટના ચારેક પડીકા અપાવ્યા. એ હાથ લાગતા જ મુઠ્ઠી વાળીને બાળકે પોબારા ગણવા માંડ્યા.
એને આમ ભાગતું જોઈને પેલા યુવાને બૂમ મારી. છોકરું ઝટ ઊભું રહ્યું. નજીક આવ્યું. દયામણે ચહેરે જોઈ રહ્યું. યુવકે પૂછ્યું:' અલ્યા, આટલામાં ભાગતો કેમ હતો? હજી તો આ ઊભા એ બધા તને કંઈકને કંઈક અપાવશે જ. એ લઈને જ જવાનું છે. ઊભો રહે!'
છોકરાએ હાથ જોડ્યા. કહેવા લાગ્યો:" નહીં ભાઈસાહેબ! આજે આટલું પૂરતું છે. ચાલી જશે. ઘેર માં તાવના લીધે ખાટલામાં સૂઈ રહી છે. એ માંડ એકાદ પડીકું ખાઈ શકશે. બાકીના કાલે કામ આવશે. ને પછી શાયદ પરમ દિવસે તો માં સાજી થઈ જશે. એટલે કામે જશે. ત્યાંથી જમવાનું મળી જ રહેંશે."
ને પછી બાળક ભાગી ગયું. યુવાનો એકમેકના મોં તાકવા લાગ્યા.
* * *
૬.ખરી માં..
એક મોટા શહેરની આ વાત છે. શહેરી જીવન એટલે ભાગદોડભરી જીંદગી. અહીંની એક શાળામાં એક નમાયી દીકરી ભણતી હતી. અને એમને ભણાવનાર પણ એક શિક્ષિકા જ હતી. આ શિક્ષિકાને દીકરીનો અભાવ. એટલે એ શાળાની દરેક બાળકીઓને સગી દીકરીની માફક લાડ લડાવીને બહું જ કુશળતાથી અભ્યાસ કરાવતી હતી. એક દિવસ આ શિક્ષિકાએ એમની વિધ્યાર્થીઓને નિબંધ લખાવ્યો: "માં (મમ્મી)."
વર્ગની દરેક બાળકીઓ નીચું જોઈને ફટાફટ "માં" ના ગુણ અને માં ની મુશળધાર મમતા વિશે લખવા મંડી ગઈ. કિન્તું એક અક્સા નામની દીકરી કંઈ જ ન સૂજતા ચોફેર નજર ઉડાવતી રહી. આઅરે એણે પણ લખવા માંડ્યું. બે લીટીમાં એનો નિબંધ પૂરો થઈ ગયો જ્યારે બાકીની બાળકીઓએ પાના ભરીભરીને લખ્યો.
બીજા દિવસે શિક્ષિકા જેવા વર્ગમાં દાખલ થયા કે તરત જ અક્સાને ઉંચકી લીધી અને મચીઓથી નવડાવી દીધી! એમને જાણે દીકરી મળી ગઈ! અને અક્સાને જાણે માં મળી! માં ની મમતા અને પ્યાલ શું હોય એનો પહેલીવાર અક્સાને અહેસાસ થયો.
અક્સાએ એના બે લીટીના નિબંધમાં લખ્યું હતું: ' મે કદી માં(મમ્મી) ને જોઈ નથી કે હું મળી પણ નથી. મમ્મી કેવી હોય છે એ પણ મને ખબર નથી. કારણ કે મારે માં (મમ્મી) જ નથી!'
અને આ વાંચતા જ શિક્ષિકાનું હૈયું કકળી ઉઠ્યું. એનું માતૃ હ્રદય દિલ દ્રવી ગયું!
બીજા દિવસે એ સીધા જ પેલી દીકરીના ઘેર પહોંચી ગયા. દીકરીના પિતાની હાલત દયનીય હતી. મજૂરી કરી દીકરીને ઊછેરવાનું અને ભણાવવાનું અઘરું કાર્ય એ સારી પેઠે નિભાવતા હતાં. પત્નીના અવસાન બાદ દીકરીને કોઈપણ જાતની અગવડ પડવા નહોતા દેતા. માં ની મમતાના દરિયા ભરીને એ દીકરીને વહાલ કરતા હતાં.
શિક્ષિકાએ પૂછ્યું:" તમે દીકરીને ખાતર બીજા લગ્ન કેમ ન કર્યા?"
"બીજી અને વળી નવી માં કેવી આવે અને આ દીકરીને કેવીક સાચવે એ ખયાલે મે લગન કલવાનું માંડી વાળ્યું. હવે આ દીકરી જ મારો પરિવાર છે."
"પણ હું તો આ દીકરીને લેવા આવી છું. આપશો?"
"નહીં જ."
લાંબી સમજાવટને અંતે શિક્ષિકાબહેન એ બાપ-દીકરી બંનેને પોતાના ઘેર લઈ ગઈ. બાળકીને સગી દીકરીની માફક ઉછેરીને મોટી કરી. તથા બાળકીના બાપનું સગા ભાઈ સરીખું જતન કર્યું!
-અશ્ક રેશમિયા..!