surprise books and stories free download online pdf in Gujarati

સરપ્રાઈઝ

હિમાને આજે ઉઠવાનું પણ મન નહોતું થતુ. આખુ શરીર કળતુ હતુ. અંદરથી સુસ્તી જાણે શરીર ગરમ કરી રહી હોય એવુ લાગતુ હતુ. બીજુ એલાર્મ વાગ્યું, મહેનતથી ઊભી થઈ.

ત્યાં હર્ષ ઉંઘરેટી આંખો ખોલી ને ક્હે " સર્જૂભાઈનુ ટિફિન પણ બનાવવાનુ છે, ભાભી પિયર ગયા છે." હિમા અચકાઇને બોલી "પણ, એ ક્યાં તમને." ત્યાં તો હર્ષ તાડૂકયો "હવે એ તારે નથી જોવાનૂ. દરેક વાતમાં દલીલ." હિમાને ઓછુ આવી ગયુ. ક્યારે પિયર ગઇ હતી બે, ના ત્રણ વરસ અને આંખમાં આંસુ આવી ગયા. હર્ષના દુકાન પડોશીઓની પત્ની પિયર જાય મજા કરે અને પોતાને એ લોકોની સેવા કરવાની. ટિફિનની જ તો. એક તો પોતાનુ બી પી હમણા લો થઈ જતું પણ હર્ષનો પોરસીલો સ્વભાવ. એનો કોઈ ઇલાજ નહોતો. ત્યાં હર્ષનો અવાજ આવ્યો " કંઇક સારુ પણ બનાવજે. રોજની જેમ ખાલી શાક રોટલી દાળ ભાત ન ભરી દેતી." હવે હિમા ઉકળી ઉઠી." રાતે ન કહેવાય. કંઇક તૈયારી કરી લેત, એમ અરજન્ટ શું બનાવું."

હર્ષ નો જવાબ તૈયાર હતો." ડ્રાય ફ્રૂટ્સ શિરો જ બનાવી નાંખ. બે બાઉલ વધારે ભરજે." હિમા મનમાં બબડી." મફ્તીયુ લંગર જ ખોલ ને." છેવટે ઘરમાં હતુ એ બધુ ઘી વાપરીને કાજુ કિસમિસ શીરો બનાવ્યો.

હર્ષ માટે મરચા વગરના દાળ શાક, અને બીજા ટિફિન માટે તીખું બનાવ્યું. ત્યાં હર્ષ નાહીને નીકળ્યો એનો નાસ્તો. હર્ષને કાયમી એસીડ઼િટી રહેતી. બહુ શોખીન હતોને જમવાનો. પણ હવે એના બહારના ચટકા બન્ધ કરવા પડેલા.. પણ એને ક્યાં ફરક પડતો હતો. હિમાનુ કિચન જ કંદોઇની દુકાન, ગુજરાતી, પંજાબી,ચાઈનીઝ રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફુડ પોઇન્ટ, ઓલ ઈન વન બની ગયેલું. હર્ષના પોરસીલા સ્વભાવનો એના કહેવાતા મિત્રો, પડોશી, ઓળખીતા બરાબર લાભ લેતા. પાડોશીની પત્ની પિયર ગઇ હોય તો રોજ ગરમ અવનવો નાસ્તો, ચા ભરેલી કીટલી એ પોતાના હાથે આપી આવતો. બદલામાં એને પોતાના વખાણ સાંભળવા મળતાં અને એ ફૂલાઈ જતો. ક્યારેક કોઈને હાઈ બીપી હોય, કોઈને ડાયાબીટીસ હોય બધાનું ધ્યાન રાખી જુદુ બનાવવુ પડતુ.

હિમાને ફૂલણજી કાગડાની વાર્તા વારે વારે યાદ આવતી. એક તો ઘરમાં જ હતો ને.

હમણાં હમણાં હિમા મનથી બહુ ઉદાસ થઇ ગયેલી. એનુ અસ્તિત્વ આખુ નકામુ ગયુ એવી ફીલિંગ્સ આવતી હતી. બસ સવાર બપોર સાંજ કિચનમાં બનાવ્યા કરવાનું. વાસણ ઘસવા માસી આવતા એ પણકન્ટાળી ગયેલાં. અને અડધા વાસણ તો હિમાએ જ કરવા પડતા. જોતા જ હોય. કેટલોક ઢગલો કરવો, એને શરમ આવતી.

કોઈ દોસ્તનો બર્થડે હોય તો હર્ષ એ દોસ્તને ભાવતી ફલેવરનો કેક અગાઉથી ઓર્ડરથી બનાવડાવીને લઇ જતો. બસ બે શબ્દ સારા સાંભળવા મળે અને એ પોરસાઇ જતો.

"ઓહ, કાલે તો મારો બર્થ ડે છે" હિમાને થયુ. ફોન મુક્યો અને વિચારવા લાગી કે બધાને ખુશ કરતો હર્ષ આ વખતે હિમા માટે શુ કરશે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી કોઈનુ મરણ. હર્ષની બીમારી, કોઈ ને કોઈ કારણો થી ઉજવ્યો જ નહોતો. પણ આ વર્ષે તો કોઈ જ વિઘ્ન નહોતુ.

રાત્રે અગિયાર વાગ્યા સુધી તો એ જાગી પણ પછી ઉંઘ આવી ગઇ. એને એમ હતુંકે બાર વાગ્યે સરપ્રાઈઝ મળશે. સવારે હર્ષ એ એને ઉઠાડી. "કેમ ઉઠતી નથી. તને કાલે તો કહ્યુ હતુ કે સામેની દુકાનવાળા રાકેશભાઈ આજે મારી સાથે જમવાના છે."

હિમા ને યાદ ન આવ્યુ " ક્યારે કહેલું?" હર્ષ કહે "લે.મ રાત્રે એની સાથે વાત થઈ પછી તો કહ્યુ તું સુઈ ગઇ હતી કે શું?"

હિમા ઓઝપાઇ ગઇ "તો આ સરપ્રાઈઝ મળ્યું." એણે વિચાર્યું. ચૂપચાપ ટિફિન બનાવ્યા. હર્ષ રવાના થયો અને બર્થડે વિશના મેસેજનો વહોત્સેપએફબી પર મેસેજીસનો ઢગલો જોયો. મમ્મી,ભાઈ બધાના કોલ આવે રાખ્યા. બપોરે જમવા બેઠી. ગળે ન ઉતર્યું. મનમા વિચાર્યું.એને મુકીને ક્યાંય એકલી જતી નથી.. બહાર જમવુ ન પડ઼ેને. હવે જતુ જ રહેવું છે. દુનિયા આખી પાછળ ગાંડો થાય ને મારો દિવસ જ યાદ નથી રહેતો. મારા માટે જ લાગણી નથી. અચાનક રડી પડી.

સાંજે હર્ષ વહેલો આવ્યો. ક્હે " રસોઇ ન બનાવતી. આજે રાજુભાઈને ત્યાં પ્રસંગ છે. તો ત્યાં જવાનુ છે." હિમા વધારે ઉદાસ થઈ ગઇ, ક્હે "મને માથુ ચડ્યુ છે નહી આવુ."

હર્ષ ક્હે રાજુભાઇએ ખાસ કહ્યુ છે ન ગમે તો થોડી વારમાં આવતી રહેજે. હું મુકી જઈશ. " હિમાને રેડી થવું પડયું. હર્ષ બાથરૂમમાં હતો ત્યારે હિમાએ બેંગ્લોર ટ્રેન શીડ્યૂલ..જોયું. કાલની ટ્રેનમાં ઘણીબધી ટીકીટસ હતી જ, ઓહ કમૂર્તા ચાલે છે. શું પ્રસંગ હશે. એને એક આશ જાગી. ક્યાંક મને જ સરપ્રાઈઝ આપવાનો પ્લાન નથીને. એ ઉત્સાહમા આવી, ચીવટથી તૈયાર થઈ, ઘણાં સમયે મેક અપ કર્યો. ઝૂમખા પહેર્યા. હર્ષ તેને નવાઈથી જોઇ જ રહ્યો.

"ઓહ" ત્યાં જતા જ હિમા ડિફ્યૂઝ થયેલ બૉમ્બની જેમ ઠરી ગઇ. રાજુભાઇ અને નીમા ભાભીની એનીવર્ષરી હતી. રાજુભાઇ નીમાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે કોઈને કહ્યુ નહોતું. હોલ જ બુક કરી લીધેલો. હિમા બધુ જોતી રહીં. નીમા તો ખુશીથી ઝુમી ઉઠી હતી.
હર્ષે મોલનુ ગિફ્ટ વાઉચર એ લોકોને ગિફ્ટ કર્યું. હિમા ને નવાઈથી જોતી જોઇને ક્હે. ખબર નહોતી શું છે એટ્લે લાવી રાખ્યું હતુ. ગિફ્ટ તો આપવી પડેને. એમનો ખાસ દિવસ છે આજે. થોડીવારમા હિમા ક્હે મને ઘરે જવું છે. હર્ષ અકળાયો પણ છૂટકો નહોતો. એને મુકીને પાછો જતો રહ્યો.

સવારે હર્ષ મોડે સુધી સૂતો રહ્યો, દૂધવાળાની બેલ સતત વાગી અને એ સફાળૉ જાગ્યો. હિમા ક્યાં હતી. સમજાયુ નહી. કિચન પણ ચુપ હતુ. ન નાસ્તો ન ટિફિન. હવે એ રઘવાયો થયો. હિમાનો ફોન સ્વીચ ઓફ,માય ગોડ. કશુ સૂઝતુ નહોતુ. ત્યાં મેસેજબોક્સમા ધ્યાન ગયુ. હિમાનો મેસેજ?

" હું જાવ છુ. મમ્મી ઘણા સમય થી યાદ કરે છે. તુ સાથે હો તો તારા ટેન્શનમા મમ્મી સાથે એકલી સમય પસાર નથી કરી શક્તી. ભાભીને પણ તારુ ભાણુ સાચવવુ ભારે પડતૂ હોય એવુ લાગે. ક્યારેય કોઈ વસ્તુમા ચાલશે કે ફાવશે આવ્યુ જ નહીં. તારી હાઇપર એસીડીટીએ મને કમજોર બનાવી દીધી. તું પણ તારી લિમિટ ભૂલી ગયો. જીવન સન્ગીનીને તે રસોયણ બનાવી દીધી. દુનિયા આખીના પ્રસંગ સાચવવામા તુ મારી લાગણી, ઇચ્છા, અનિચ્છા ભૂલી જ ગયો. ખાલી પાંચ વસ્તુના નામ આપ જે મારી ફેવરિટ હોય. બે પુસ્તકના નામ, અરે મને ગમતા બે ચાર ગીત, ના નહીં જ આપી શકે. મને ક્યારેક નિરાંતે તારી સાથે સંગીત સાંભળતા બેસવાનુ મન થાય અને તુ દોસ્તોને ખુશ કરવામાં મારી જીંદગી વઘાર અને છમકારમાં ઓતપ્રોત કરી દે. હું કેટલુ રોકાઇશ. ખબર નથી. કદાચ મન ન માને તો ન પણ આવુ. અત્યારે કંઈ વિચારવુ નથી. શાન્તિથી મમ્મી સાથે થોડા દિવસ રહેવુ છે. ભત્રીજા સાથે રમવૂ છે. જીન્દગીનુ સંગીત સાંભળવુ છે. વઘાર અને છમકાર જ નથી કર્યે રાખવા. બાય ધ વે કાલે મારો બર્થ ડે હતો. સરપ્રાઈઝ મળશે એવી આશા હતી, પણ આપવુ જ પડયુ. આમેય તને લેતા જ આવડે છે ને. આટઆટલા દોસ્ત છે. રોજ એક જમાડે તો પણ છેક મહિને વારો આવશે."

હર્ષ ને ઘણીવાર પેટમાં લાગતી લહાય પહેલી વાર દિલમા લાગી અને બેસી પડ્યો. હિમાનુ આપેલ બધુ પચી જતુ પણ, સરપ્રાઈઝ પચ્યું નહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED