વન્સ અપોન અ ટાઈમ - 65 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વન્સ અપોન અ ટાઈમ - 65

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 65

ઈરફાન ગોગા કરાચીથી પાછો દુબઈ આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પ્રેમિકા અર્ચના બબલુ શ્રીવાસ્તવ પાસે જતી રહી છે! તે ઉશ્કેરાઈ ગયો અને તેણે બબલુને કોલ કરીને બેફામ ગાળો આપી. સામે બબલુએ પણ તેની સાથે એવી જ ભાષામાં વાત કરી.

ઈરફાન ગોગા એ વખતે તો ગમ ખાઈને બેસી ગયો, પણ બીજા જ દિવસથી એ નહાઈ-ધોઈને બબલુ શ્રીવાસ્તવની ગેંગ પાછળ પડી ગયો. એમાં એને અબુ સાલેમની મદદ મળી. સાલેમની મદદથી તેણે લખનૌની સેશન્સ કોર્ટમાં બબલુ શ્રીવાસ્તવના એક મહત્વના સાથીદારને ખતમ કરવી નાખ્યો.

એ પછી તો ઈરફાન ગોગા અને બબલુ ખુલ્લંખુલ્લા સામસામે આવી ગયા. દાઉદ ઇબ્રાહિમ વચ્ચે પડ્યો, પણ બબલુ દુબઈમાં જઈને એટલો રીઢો બની ચુક્યો હતો કે એણે દાઉદની પણ ઐસીતૈસી કરી નાખી. જોકે ઈરફાન ગોગા સાથે અને પછી એને કારણે દાઉદ સાથે દુશ્મની થયા બાદ બબલુ શ્રીવાસ્તવે દુબઈ છોડી દેવું પડ્યું. એણે દુબઈથી ભાગીને નેપાળમાં ધામો નાખ્યો. અર્ચના શર્માને પણ એ પોતાની સાથે નેપાળ લઇ ગયો.

બબલુ શ્રીવાસ્તવ અર્ચના શર્મા સાથે નેપાળ પહોંચ્યો એ સાથે નેપાળની ધરતી પણ અંડરવર્લ્ડની ગેંગવોરથી લોહિયાળ બનવા માંડી.

***

‘વિદેશી ધરતી પર અંડરવર્લ્ડની ગેંગવોરના નવા સમીકરણ રચાઈ રહ્યા હતાં. ત્યારે મુંબઈમાં પણ નિતનવા ખેલ થઇ રહ્યા હતા. હરીફ ગેંગના ગુંડાઓને ગોળીએ દેવા અથવા તો દુશ્મન ગેંગના સ્મગલિંગના કન્સાઇન્મેન્ટ કે હથિયારોનો જથ્થો પકડાવી દેવાનો અને ફાઈનાન્સરોને ખતમ કરવાનો ક્રમ વેગ પકડી રહ્યો હતો. આ દરમિયાન દાઉદ ગેંગ સાથે સંકળાયેલા એક સ્મગલર વિશે છોટા રાજન ગેંગ દ્વારા ડીરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ(ડીઆરઆઈ) ને માહિતી પહોંચાડવામાં આવી અને હિન્દી ફિલ્મના કોઈ સીનને ટક્કર મારે એવી ઘટના મુંબઈમાં બની.’ પપ્પુ ટકલા એ ઘટના યાદ કરતો હોય એમ થોડી ક્ષણ અટક્યો, પછી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને એણે એની આગવી સ્ટાઇલમાં વાત આગળ ધપાવી.

***

ખબરી પાસેથી મળેલી પાકી માહિતીના આધાર ડીઆરઆઈના જાંબાઝ આસિસ્ટન્ટ ડાયરેક્ટર દયાશંકર એમની ટીમ સાથે મુંબઈના વાંદરા વિસ્તારમાં ‘નિયામત’ બિલ્ડીંગમાં પ્રવેશ્યા. દયાશંકરની કાર ‘નિયામત’ બિલ્ડીંગના દરવાજામાં પ્રવેશી રહી હતી ત્યારે એમને જીએસ-૧૫-૮૯૧૪ નંબરની મારુતિ કાર સામે મળી. દયાશંકરે કાર અટકાવી. કારમાં બેઠેલો ડ્રાઈવર મામલો સમજી ગયો. એણે કારનું હોર્ન વગાડવા માંડ્યું એટલે દયાશંકરની ટીમે એને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો. કારની ડીકી ખોલાવવામાં આવી એટલે એમાંથી દસ તોલાના એક એવાં ૨૦૦ બિસ્કીટ મળી આવ્યાં.

એ દરમિયાન એમએમએફ-૫૩૧ નંબરની બીજી એક ફિયાટ કારમાં બેઠેલા બે યુવાનોએ દયાશંકરની નાસી જવાની પેરવી કરી. એમને પણ ઝડપી લેવાયા. ડીઆરઆઈના અધિકારીઓ ‘નિયામત’ બિલ્ડીંગમાં ઉપર ગયા. ડીઆરઆઈના અધિકારીઓ ‘બિલ્ડીંગ’ના ત્રીજા માળે પહોંચ્યા એ અગાઉ એ માળના એક ફલેટમાંથી એક યુવાન અગાસી તરફ દોડ્યો. ડીઆરઆઈના કેટલાક અધિકારીઓ ત્રણ યુવાનોને પકડીને નીચે ઉભા હતા. એમના આશ્ચર્ય વચ્ચે બિલ્ડીંગની ટેરેસ પરથી સોનાનાં બિસ્કીટનો વરસાદ શરુ થયો. ટેરેસ પર દોડી ગયેલા યુવાને એના હાથમાંની બેગમાંથી સોનાનાં બિસ્કીટ નીચે ફેંકવાનું ચાલુ કર્યું હતું. એણે કેટલાક બિસ્કીટ ટેરેસમાં પાણીની ટાંકીમાં છુપાવ્યા. એ દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓને ટેરેસ ઉપર આવી પહોંચ્યા હતા. ડીઆરઆઈના અધિકારીઓને એ યુવાન પાછળ દોડતા જોઇને એ યુવાનના કુટુંબના સભ્યોએ ચીસાચીસ કરી મૂકી એટલે આજુબાજુની ઈમારતોના રહેવાસી પણ ફલેટમાંથી ડોકિયાં કરીને આ તાલ જોવા માંડ્યા. ડીઆરઆઈના અધિકારીઓને નજીક આવતા જોઇને યુવાન ટેરેસના ખૂણા તરફ ભાગ્યો. એ ટેરેસની પાળ ઉપર ચડી ગયો. અધિકારીઓ એકદમ નજીક આવી ગયા. એટલે એણે પાળ ઉપરથી કૂદકો મારી દીધો. બહુમાળી ઈમારતની ટેરેસ ઉપરથી એ સીધો કમ્પાઉન્ડમાં પછડાયો. એનું માથું ફાટી ગયું અને થોડાં તરફડિયાં મારીને એણે છેલ્લો શ્વાસ લઇ લીધો. આજુબાજુની ઇમારતોમાંથી આ દૃશ્ય નજરે જોઈ રહેલા માણસો ઘડીભર શ્વાસ લેવાનું ચૂકી ગયા.

એ યુવાન સ્મગલર શકીલ ભીવંડીવાલા હતો. ડીઆરઆઈને એ રેડ દરમિયાન રૂપિયા દોઢ કરોડનું સોનું મળી આવ્યું. ૨૫ વર્ષનો શકીલ ભીવંડીવાલા એના કમોતના છ મહિના અગાઉ માહિમ વિસ્તારમાં દસ બાય દસની ઓરડીમાં રહેતો હતો. એણે દાઉદ ગેંગ સાથે કામની શરૂઆત કરી અને થોડા સમયમાં તો એણે વાંદરાના ‘નિયામત’ બિલ્ડીંગમાં રૂપિયા ૧૫ લાખનો ફ્લેટ ખરીદી લીધો હતો. છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચેની લડાઈમાં આમ પણ એ ક્યારેક કમોતે મારવાનો જ હતો., પણ ડીઆરઆઈની રેડને કારણે એને અણધાર્યું મોત મળ્યું.

(ક્રમશ:)

રેટ કરો અને રિવ્યુ આપો

Kiran Vaghasiya

Kiran Vaghasiya 3 માસ પહેલા

Nitesh Shah

Nitesh Shah 4 માસ પહેલા

Dhaval  Patel

Dhaval Patel 2 વર્ષ પહેલા

Sudhirbhai Patel

Sudhirbhai Patel 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 3 વર્ષ પહેલા