Once Upon a Time - 63 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 63

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 63

‘મુંબૈયા ગેંગવોરને અત્યંત લોહિયાળ બનાવનાર અને સલામત ગણાતા મુંબઈ શહેરને અસલામત બનાવવામાં સિંહફાળો આપનાર છોટા શકીલ વિશે માંડીને વાત ન કરો તો અંડરવર્લ્ડ કથા અધૂરી ગણાય.’ બ્લેક લેબલ વ્હિસ્કીનો વધુ એક ઘૂંટ મોંમાં ઠાલવવા અટક્યા પછી પપ્પુ ટકલાએ કહ્યું, ‘મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ જ્યાં મોટો થયો હતો એ ટેમકર સ્ટ્રીટમાં જ છોટા શકીલ ઉછર્યો હતો. એના પિતા બાબુ શેખ ટેમકર સ્ટ્રીટના એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને મહેનતની રોટી ખાતા હતા. પણ એમના દીકરા શકીલને બાપની જેમ મહેનત કરીને બે ટંકની રોટી કમાવવામાં રસ ન પડ્યો. શકીલ શેખ મોટો થયો. એટલે ડોંગરી વિસ્તારમાં એણે ટપોરી તરીકે ‘કેરિયર’ શરુ કરી. મારામારી અને પૈસા પડાવવાના કે આવા નાનામોટા ગુનામાં વારંવાર એ પોલીસ લોકઅપની ગરમી અનુભવી આવતો હતો. ૧૯૮૮થી ૧૯૯૩ સુધી એને કોઈ ‘મેજર બ્રેક’ ન મળ્યો. પણ ૧૯૯૩ માં દાઉદે મુંબઈમાં બોમ્બ ધડાકા કરાવ્યા પછી અંડરવર્લ્ડમાં પણ હિંદુ અને મુસ્લિમ ગુંડાઓ સામસામે આવી ગયા. એ વખતે છોટા શકીલને દાઉદ ગેંગમાં ઘૂસવાનો ચાન્સ મળ્યો. મ્યુનિસિપલ સ્કુલમાં ચાર ચોપડી સુધી ભણીને ઉઠી ગયેલા શકીલ શેખની દાઉદ ગેંગમાં એન્ટ્રી થઇ એ વખતે અરુણ ગવળી ગેંગ દાઉદની પાછળ પડી ગઈ હતી અને વધારામાં બોમ્બ ધડાકાને કારણે મુંબઈ પોલીસ પૂરી તાકાતથી દાઉદ ગેંગ પર તૂટી પડી હતી. એ સ્થિતિમાં છોટા શકીલે અત્યંત ઝડપથી દાઉદ ગેંગમાં નવા ગુંડાઓની ભરતી કરવા માંડી. બેકાર યુવાનોને ચિક્કાર પૈસા કમાવાની લાલચ આપીને દાઉદ ગેંગમાં ખેંચી લાવવાના કામથી દાઉદ શકીલ પર ખુશ થઇ ગયો. દાઉદ ગેંગમાં એક લંબુ શકીલ તો હતો જ ત્યાં આ ઓછી ઊંચાઈવાળા ગુંડાની એન્ટ્રી થઇ એટલે એનું નામ છોટા શકીલ પડી ગયું. પાંચ ફૂટ, બે ઈચની ઉચાઇ ધરાવતો આ ગુંડા સરદાર તમારી સામે આવે તો તમે કલ્પના પણ ન કરી શકો કે આ માણસ દર વર્ષે સેકડો માણસોની હત્યા કરાવતો હશે અને કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવતો હશે. છોટા શકીલ એકલો હોય ત્યારે મારામારીની નોબત આવે તો એના હાંજા ગગડી જાય. પણ બીજા માણસો પાસે કામ કરાવવામાં એ પાવરધો છે. ડોંગરીમાં એ ટપોરી હતો ત્યારે પણ એ પોતાના ગ્રુપ સાથે જ મારામારી કરવા જતો હતો.’

‘મુંબઈમાં બોમ્બધડાકા પછી દાઉદ ગેંગની માઠી દશા બેઠી ત્યારે છોટા શકીલે દાઉદ ઈબ્રાહિમને નવું બળ પૂરું પાડ્યું હતું.’ કહીને પપ્પુ ટકલાએ ટ્રેક બદલીને અંડરવર્લ્ડકથા આગળ ચલાવી .

‘દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન ગેંગ વચ્ચે બરાબર જામી પડી હતી. ત્યારે અરુણ ગવળી અને અમર નાઈક ગેંગ પણ સામસામે એકબીજાના ગુંડાઓની લાશોના ઢગલા કરી રહ્યા હતા.’૯૪-૯૫’માં અરુણ ગવળી ગેંગના શૂટરોએ અમર નાઈક ગેંગના ડઝનબંધ મહત્વના ગુંડાને ખતમ કરી નાખ્યા હતા. અને ૧૯૯૫માં મુંબઈની સેશન્સ કોર્ટમાં અમર નાઈકના ભાઈ અશ્વિન નાઈકની હત્યાનો પ્રયાસ કર્યો એને કારણે અશ્વિન નાઈક લકવાનો ભોગ બન્યો એ પછી બંને ગેંગ વચ્ચેની દુશ્મની વધુ લોહિયાળ બની. અમર નાઈકે પણ અરુણ ગવળીને ફટકા મારવાનું ચાલુ રાખ્યું હતું. એમાં મુંબઈના વિખ્યાત ઉદ્યોગપતિ સુનીત ખટાઉ પણ કુટાઈ ગયા હતા. સુનીત ખટાઉએ પોતાની મિલમાં યુનિયનની દાદાગીરી સામે અરુણ ગવળીની મદદ લીધી એને કારણે તેઓ અમર નાઈક ગેંગનું નિશાન બન્યા. સુનીત ખટાઉ પોતાની મર્સીડિઝ કારમાં મુંબઈના મહાલક્ષ્મી સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અમર નાઈક ગેંગના શૂટરોએ એમની કારના કાચ ફોડીને એમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કરી દીધા’, પપ્પુ ટકલા ધડાધડ બોલી રહ્યો હતો.

‘ઉદ્યોગપતિ સુનીત ખટાઉ મર્ડર કેસમાં એક રસપ્રદ આડવાત લખવા જેવી છે. અમારી સાથે બેઠેલા પોલીસ ઓફિસર મિત્રએ વચ્ચે કહ્યું , ‘સુનીત ખટાઉની જે મર્સિડીઝ કારમાં હત્યા થઇ હતી એ કાર મુંબઈ પોલીસ કબજે કરી હતી. એ કાર મુંબઈ પોલીસના હેડક્વાર્ટરમાં લઇ જવાઈ હતી. સુનીત ખટાઉના પત્ની એ કાર પાછી લઇ જઈ શકતાં હતાં. પણ એ કારમાં એમના પતિની હત્યા થઇ હોવાથી એ મર્સિડીઝને અપશુકનિયાળ ગણીને તેઓ લેવા આવ્યાં જ નહીં. મુંબઈ પોલીસના હેડક્વાર્ટરમાં પડ્યાં પડ્યાં એ મોઘીદાટ મર્સિડીઝ કાટ ખાઈને સડી ગઈ હતી!’

પોલીસ ઓફિસર મિત્રએ વાત પૂરક માહિતી આપ્યા પછી પપ્પુ ટકલાએ ફરી વાતનો દોર પોતાના હાથમાં લઇ લીધો, ‘૧૯૯૫માં અમર નાઈક અને અરુણ ગવળી ગેંગ વચ્ચેની લડાઈ અત્યંત ઉગ્ર બની રહી હતી. એ અરસામાં જ અમર નાઈકે દાઉદ સાથે અને છોટા રાજને અરુણ ગવળી સાથે હાથ મિલાવ્યા હતા. નાઈક અને દાઉદ ગેંગ એકબીજાને સહયોગ આપતાં હતા. તો છોટા રાજન અને અરુણ ગવળી પરસ્પર સહકારથી આગળ વધી રહ્યા હતા. છોટા રાજન ગવળીને આધુનિક શસ્ત્રો પુરા પાડવાં માંડ્યો અને દાઉદે અમર નાઈકને અત્યાધુનિક શસ્ત્રો આપવા માંડ્યા. બદલામાં ગવળી રાજનને અને નાઈક દાઉદને મસલ પાવર પૂરો પાડતાં હતા. તકીઉદ્દીન વહીદની હત્યા કરવા માટે ગવળીએ છોટા રાજનને શૂટર પુરા પાડ્યા હતા. પણ દાઉદને એથીય વધુ આંચકો આપનારી એ વાત બહાર આવી હતી કે દુબઈમાં દાઉદની ‘રીજન્સી પેલેસ’ હોટેલની બહાર દાઉદના નિકટના સાથીદાર અને શાર્પ શૂટર સાવત્યા ઉર્ફે સુનીલ સાવંતને તથા એના મિત્ર મુજબલ્લા મુસલ્લમને ગોળીએ દેવા માટે અરુણ ગવળીએ છોટા રાજનને પોતાના શાર્પ શૂટર પુરા પાડ્યા હતા.’

પપ્પુ ટકલા વાત કરી રહ્યો હતો ત્યાં વચ્ચે વળી એક વાર પોલીસ ઓફિસર મિત્ર વચ્ચે બોલી પડ્યા, ‘આપણા દેશમાં આટલી હદ સુધી ગેંગવોર વકરવા પાછળ આપણો લૂલો કાયદો જવાબદાર હતો. દુબઈમાં સાવત્યા અને એના મિત્રની હત્યા પછી અરુણ ગવળી ગેંગના શૂટર્સ પબ્લિકના હાથમાં ઝડપાઈ ગયા હતા. એમને દુબઈના સત્તાધીશોએ દેહાંતદંડની સજા ફરમાવી હતી, ૨૪ જુલાઈ, ૧૯૯૭ના દિવસે એમને દુબઈની ફાયરિંગ સ્કવોડના અધિકારીઓએ ગોળીએ દીધા હતા. દેહાંતદંડની સજા પામનારા એ શૂટરના નામ ધનંજય, અંચન, મુલન દેવનંદન અને શ્યામસુંદર હતાં. આપણે ત્યાં ગુંડાઓને આવી રીતે સજા કરવામાં આવે તો ગુંડાઓની હિંમત ઘટી જાય.’ પોલીસ ઓફિસર મિત્રએ વચ્ચે આ વાત કહી એથી પપ્પુ ટકલાના ચહેરા ઉપર અણગમો તરી આવ્યો એ અમે જોઈ શક્યા.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED