વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 61
મોહન કુકરેજાએ ક્લોઝ સર્કીટ ટીવીના સ્ક્રીન પર જોયું કે સશસ્ત્ર યુવાનો એમના ભાઈ ઓમપ્રકાશ કુકરેજા અને ભત્રીજા આનંદ કુકરેજા પર અંધાધુધ ગોળીબાર કરી રહ્યા છે. ઓમપ્રકાશ કુકરેજા અનેક ગોળીઓથી વિધાઈ ગયા. આનંદ કુકરેજા એક ટેબલ પાછળ પડી ગયો. પણ એ અગાઉ એક ગોળી એની આંખમાં અને બીજી ગોળી એના ડાબા હાથમાં ઘુસી ગઈ. સશસ્ત્ર યુવાનોને મોહન કુકરેજાની ગેરહાજરીનો અંદાજ ન આવ્યો. તેઓ ‘કામ તમામ’ કરીને ઓફીસ બહાર નીકળીને મારુતિવેનમાં ગોઠવાયા અને નાસી છૂટ્યા. ટીવી સ્ક્રીન પર એમને ઓફીસ બહાર નીકળેલા જોયા પછી મોહન કુકરેજા પોતાની ચેમ્બરમાંથી બહાર ઘસી આવ્યા ત્યારે એમના ભાઈ ઓમપ્રકાશ કુકરેજાએ છેલ્લો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં એક મજૂર અને એક બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર યુવાન પણ નવાણીયા કુટાઈ ગયા. ત્રિશુલ એપાર્ટમેન્ટની ડાબી બાજુએ તૈયાર થઈ રહેલી ઈમારતમાં મજૂર મોહમ્મદ નાજરુલ અને બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર દીપક બીલ્કીયા અનાયાસે હત્યારાઓની ગોળીનો શિકાર બની ગયા. દાઉદ ગેંગના ગુંડાઓને કુકરેજા બિલ્ડર્સની ઓફિસમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો ત્યારે કુકરેજા બિલ્ડર્સની ઓફિસના કાચને વીંધીને બે ગોળી સામે તૈયાર થઇ રહેલી ઈમારત તરફ ગઈ. એમાંની એક ગોળી મજૂર મોહમ્મદ નાજરુલને વાગી અને બીજી ગોળી બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર દીપક બિલખિયાની છાતીમાં ઘુસી ગઈ. મોહમ્મદ નાજરુલ બચી ગયો. પણ દીપક બિલખિયા માર્યો ગયો.’
આ ઘટનાથી બિલ્ડર કુકરેજાનું કુંટુબ સ્તબ્ધ બની ગયું. અને સાથે મલેશિયામાં બેઠેલા છોટા રાજને તરત જ દાઉદ ગૅન્ગને વળતો ઘા મારવાની તૈયારી કરી અને મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરે ફરી એક વાર ટોપ ગિયરમાં દોડતી કારની જેમ ગતિ પકડી.’
‘દાઉદ ઈબ્રાહિમના શૂટરોએ ચેમ્બુર જેવા વિસ્તારમાં ધોળે દહાડે ઓમપ્રકાશ કુકરેજા જેવા ખમતીધર બિલ્ડર સહિત પાંચ જણને વીંધી નાખ્યા એથી છોટા રાજનની સાથે મુંબઈ પોલીસનું પણ નાક કપાયું હતું. મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પાકી ખાતરી હતી કે દાઉદના આ અડપલા પછી છોટા રાજનનો શિકાર કોણ હોઈ શકે એની કલ્પના મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કરી શક્યા નહોતા. જોકે આ દરમિયાન મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર ખાળવા માટે મુંબઈ પોલીસને છૂટાછવાયા એન્કાઉન્ટરમાં દાઉદ, નાઈક, ગવળી, અને રાજન ગેંગના ગુંડાઓને ‘સ્વબચાવ’ માં ખતમ કરવાનું ચાલુ રાખ્યું હતું. પણ મુંબઈ પોલીસ એક ગુંડાને એન્કાઉન્ટરમાં ખતમ કરે ત્યાં સામે બીજા દસ ગુંડા ઉભા થઇ રહ્યા હતા. ચારેય મુખ્ય ગેંગના મોભીઓ પોતાની ગેંગની મની પાવર અને સાથે મસલ પાવર પણ વધારવા માગતા હતા એટલે દરેક ગેંગમાં નવા ગુંડાઓની ભરતી થઇ રહી હતી.’
‘તમને કદાચ નવાઈ લાગશે, પણ અંડરવર્લ્ડમાં જનારા યુવાનોમાંથી મોટા ભાગના મજબુરીને કારણે નહીં પણ શોર્ટકટથી પૈસા બનાવવાની દાનતને કારણે જિંદગી જોખમમાં મૂકવા તૈયાર થતાં હોય છે.’ પપ્પુ ટકલાએ મૂળ વાત ચાતરીને પૂરક માહિતી આપતા કહ્યું, ‘આપણે ઘણી હિન્દી ફિલ્મોમાં જોયું છેકે બાપના ખૂનનો બદલો લેવા કે બહેન પર બળાત્કાર કરનારનું ખાનદાન નષ્ટ કરવા કે ગરીબીને કારણે માનું અપમાન થાય એ સહન ન કરી શકવાથી કોઈ બાળક કે તરુણની આંખમાં ખુન્નસ ઉતરી આવે છે. અને પછીના સિનમાં પડદા પર એનો જમણો કે ડાબો પગ ડબલાને પાટુ મારતો દેખાય છે અને પછી કેમેરા એના ચહેરા પર ફોકસ થાય છે. ત્યારે એ અંડરવર્લ્ડનો ડોન બની ગયો હોય છે. એની આંખોમાં એ જ ખુન્નસ દેખાતું હોય છે, જે બાળપણમાં પેદા થયું હોય. પણ આવું મોટે ભાગે માત્ર હિન્દી ફિલ્મોમાં જ બનતું હોય છે. કુટુંબની કે પોતાની બેઈજ્જતીનો બદલો લેવા કોઈનું ખૂન કર્યા પછી અંડરવર્લ્ડમાં પહોંચી જનારા યુવાનો પણ હોય છે. એની ના નહીં, પરંતુ મોટા ભાગના યુવાનો ઓછી મહેનતે તાત્કાલિક માલદાર બની જવાની લાહ્યમાં અને પોતે દુનિયાથી કંઈક જુદા છે એ સાબિત કરવા અંડરવર્લ્ડમાં પહોંચી જતા હોય છે. કેટલાક બેકાર યુવાનો પણ નોકરી માટે પગરખાના તળિયા ઘસીને નિરાશ થઈ ગયા પછી અનાયાસે અથવા આયાસપૂર્વક અંડરવર્લ્ડમાં પહોંચી જાય છે. જોકે એમની ટકાવારી પણ ઓછી હોય છે. મોટા ભાગના ગુંડાઓ તો મેલી મથરાવટીના જ હોય છે.
અંડરવર્લ્ડની કોઈ પણ ગેંગમાં નવા સભ્યની ભરતી કરવામાં આવે ત્યારે એ નંગને પૈસા બનાવવાનો કેવો મોહ છે અને સાથે એનામાં કેટલી ધીરજ અને હિંમત છે એની ચકાસણી કરવામાં આવે છે. ગેંગમાં ભારતી થયેલા નવા નિશાળિયાને પહેલાં તો નાનાં-નાનાં કામ સોંપવામાં આવે છે. ખુદ અરુણ ગવળી પણ ટપોરી હતો ત્યારે બાબુ રેશિમ માટે પાનબીડી લઇ આવવાનું કે ચા મંગાવવાનું કામ કરતો હતો. એ જ રીતે ગેંગમાં ભરતી થતાં મોટા ભાગના નવા નિશાળિયાઓને ટપોરી જેવા કામ કરવા પડે છે. અને તેઓ હોંશે હોંશે એવું કામ કરતા પણ હોય છે. પછી જેનામાં ‘કૌવત’ હોય એ અંડરવર્લ્ડનો હીરો બને અને બાકીના ‘બી’ કે ‘સી’ કે ‘ડી’ ગ્રેડના હીરોની જેમ પોતાનું થોડુંક મહત્વનું સ્થાન જમાવે અથવા તો એક્સ્ટ્રા બનીને રહી જાય.
પપ્પુ ટકલાએ પૂરક માહિતી આપીને બ્લેક લેબલનો વધુ એક ઘૂંટ ગળા નીચે ઉતાર્યો. એ દરમિયાન અમે પોલીસ ઓફિસર મિત્રના ચહેરા તરફ નજર નાખી. એમની આંખ સાથે અમારી આંખ મળી ત્યારે અમે એમની આંખમાં પપ્પુ ટકલા માટે વ્યંગની ભાષા વાંચી શક્યા.
એ દરમિયાન પપ્પુ ટકલાએ પાક્કા ચેઈન સ્મોકરને છાજે એ રીતે વધુ એક ફાઈવફાઈવફાઈવ સળગાવી હતી. નવી સિગારેટમાંથી પહેલો કશ લઈને મોમાંથી ધુમ્રસેર હવામાં છોડ્યા પછી એ ફરીવાર મેઈન ટ્રેક પર આવ્યો.
‘ઓમપ્રકાશ કુકરેજાની હત્યાથી છોટા રાજનના રૂંવે-રૂંવે આગ લાગી હતી. એના માટે ઓમપ્રકાશ કુકરેજાના મોત કરતાંય વધુ અકળાવનારી વાત એ હતી. કે દાઉદના શૂટરો ચેમ્બુરમાં જઈને એના માણસને ઢાળી ગયા હતા. ઓમપ્રકાશ કુકરેજાની હત્યા માટે દાઉદ ઇબ્રાહિમ પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. કુકરેજાનો ખેલ ખતમ કરીને છોટા રાજનનું નાક વાઢવામાં કોઈ આડે ન આવે એ માટે દાઉદે રૂપિયા દોઢ કરોડથી વધુ રકમ ખર્ચી નાંખી હતી. ઓમપ્રકાશ અને મોહન કુકરેજા માટે એવું કહેવાતું હતું કે એમના મારફત છોટા રાજન પોતાના કરોડો રૂપિયા રિયલ એસ્ટેટમાં રોકતો હતો એટલે દાઉદે એક કાંકરે બે પક્ષી માર્યા હતા. એક તો છોટા રાજનને આર્થિક ફટકો પડ્યો અને ઉપરથી એના અડ્ડા સમા વિસ્તારમાં ધોળા દિવસે એના ફાઈનાન્સર તરીકે ઓળખતા બિલ્ડરની હત્યાને કારણે એની નાલેશી થઈ.’
‘દાઉદે ઇબ્રાહિમને આવો જ ફટકો મારવો જરૂરી હતો નહીંતર છોટા રાજનના બીજા ફાઈનાન્સર્સ પણ દાઉદના ડરથી છોટા રાજન સાથે છેડો ફાડવાનું વિચારતા થઇ જાય. અંડરવર્લ્ડની ગેંગવોરમાં ‘માથા માટે માથું’ એટલી કહેવત પ્રમાણે કામ ચાલે. અહીં તો ‘માથા માટે એવડું જ કે એથીય મોટું માથું’ એવો વણલખ્યો નિયમ બે દાયકાથી ચાલતો રહ્યો છે. છોટા રાજને ઓમપ્રકાશ કુકરેજા જેવા બલકે દાઉદ ગેંગ માટે એથી પણ વધુ મહત્વના એક બિઝનેસમેન પર નજર ઠેરવી. એ બિઝનેસમેનની દરેક હિલચાલ પર છોટા રાજનના માણસોની વોચ ગોઠવાઈ ગઈ. એ બિઝનેસમેન ક્યારે ઘેરથી નીકળે છે. કયા રસ્તેથી પસાર થઈને ક્યારે ઓફીસ પહોંચે છે. ઓફિસથી પાછો ક્યારે ઘરે જાય છે એની રજેરજ વિગત એકઠી કર્યા પછી છોટા રાજને પોતાના શૂટરોને શિકારી કૂતરાની જેમ એ બિઝનેસમેન પાછળ છોડી મૂક્યા.’
વળી એક વાર પપ્પુ ટકલાના પંડયમાં કોઈ સ્ક્રિપ્ટરાઈટરનો ભટકતો આત્મા પ્રવેશ્યો હોય એમ એણે વાત કહેવાની સ્ટાઇલ બદલી.
(ક્રમશ:)