Thelinu tifin books and stories free download online pdf in Gujarati

થેલીનું ટિફિન

સવારનાં સાત વાગ્યે ગામની એકમાત્ર મુખ્ય શેરીમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. માથે ગોળી મૂકી ડેરીએ દૂધ ભરવા જતી સ્ત્રીઓ , ભેંસુ લઈ તળાવે પાણી પાવા જતાં પુરુષો , સ્ત્રીઓ , યુવતીઓ અને કોઈ કોઈ તો નાના નાના છોકરા છોકરી શેરીને વધું ચેતનવંતી બનાવતાં હતા. હજી ક્યારેક નીકળતાં બળદગાડામાં તગારા , કુહાડી , દાતરડા , ખુરપી , બોઘણાં , હાથે બનાવેલાં લાકડીના સોટા ને ગળણા દેખાઈ આવતાં હતાં . હજી તો ગામ જાગ્યું જ હતું. થોડી ઘણી જે દુકાન હતી તે હજી કદાચ ખુલવાની તૈયારીમાં હતી. સૌ પોતાનાં દિવસની શરૂઆતમાં મગ્ન હતાં .

' એ...એ....' કહેતાં પેથા ભાભા દોડયા.

શું થયું ? નાં પ્રશ્ન એ ગામની એ શાંત શરૂઆતમાં ખલેલ પાડી ને હુરિયો બોલવાતા જે શેરીમાં હતાં એ બધાં ઘડીમાં તો જ્યાં આ ' એ...એ.એ.' થયું એ બાજુ દોડી ગયાં.

પેથા ભાભા પાસે સાતમાં ધોરણમાં ભણતી ચકૂડી રડમસ ચેહરે ઉભી હતી. ઘડીકમાં શું થયું કંઈક ખબર ન પડી . બસ આજુ બાજુ થોડી વાર પેહલા જ કંઈક ભાગદોડ થઈ હોય એવું લાગ્યું . હવે આ ઉભી શેરીમાં આ ખૂણા પર કઈ થાય તો આમ તો તરત દેખાય નહીં પણ અવાજ તો બાર આયા વિના રહે !

બધાં ભેગા થઈ ગયા. ને ઘડીમાં તો મોટું ટોળું ઉભું થયું. પણ આ ટોળું શહેરનું નોતું આ ટોળું ' ગામનું ', હતું.

" હું થિયું ચકુડીને ? " છણકો કરી રામજી બાપા તાડુંક્યા .

રામજી બાપને સાંભળી દોડી આવેલી ઘણી બાઈઓએ માથે સાડીના છેડા નાખ્યા ! કંઇક જુવાનિયાય આઘાપાછા થઈ ડાયા બની ઉભી રહયા. ...અને કેમ ન થાય ! આ એ જ રામજીબાપા છે જે આમ તો છે ગામના મુખી પણ એવા બડકમદાર કે એનો છોકરો વાંકમાં આવ્યો તો એનાં પીંછડા પણ ખેરવી નાંખ્યા હતા...તો બીજાની તો વલે કરે ???

'કઈ નથી થયું રામજી બાપા , એ તો આ ભેંસુ દોડી એમાં આ ચકુંડી વચ્ચે આવી ગઈ ....! ' પેથા ભાભા એ જરા ધીમેથી કહ્યું.

' આંધળી થઈ ગઈ સુ ...કે આંખ્યું નથી બળી ... ભાળતી નથી.. આવડી મોટી સાંઢિયા જેવડી થઈ ને ભેંસુ નથી ભાળતી....' રામજી બાપાએ ચકુંડી નો જ ઉધડો લઈ નાખ્યો....ને પાછા કે ' હવે મૂંગી મર...ને આ રોવાનું બંદ કરી દે..નકર હમણાં....'

રામજી બાપા ને સાંભળી બિચારી ચકુંડી તો રોતી બંધ થઈ હેબતાઈ ગયેલી બસ જોઈ રહી . પણ એ પરાણે ...ડુસકા તો હજી અંદર ધરબાયેલા જ હતાં.

ત્યાં ચકુંડી ની માં સતું આવી ....

' શુ થયું મારી ચકુંડી ને ?? ' ને મા ને જોતા જ અંદર માન્ડ દબાવી રાખેલાં ડુસકા બહાર નીકળી આવ્યા ને એ મોટેથી રડવા લાગી.

' ઇલા આને કો કે બંધ થાય નકર હમણાં મરવાની થઈ સે ...' ફરી રામજી બાપા તાડુંક્યા .

' પણ હુ થયું સે આને ??? ' ફરી રામજી બાપા એ પૂછ્યું.

' કઈ નથીં થયું...' પેથા ભાભા હજી બોલી રહ્યા ત્યાં વળી રામજી બાપા નો ગુસ્સો ભડક્યો...

' આયો ત્યારનો તું બકેસ કે કંઈ નથી થયું ..કંઈ નથી થયું... તો આ બંધ કેમ નથી થતી...ક્યારનો માંડ્યો છું.... હવે તું બંધ થાય ..છે.....કે.... '

ને બધાં ચૂપ....

છેવટે સતું એ પૂછ્યું....

' શું થયું ...ચકું..કઈ વાગ્યું સે કે....???'

'ના....' ચકું એટલું જ બોલી...

' તો....રોવે સે કેમ ??? '

'.....બા....ટિફિન.....'

' હે...'

આખું ટોળું એક સાથે બોલી પડ્યું...

' હે.....'

' હવે આ ટિફિન નું શુ છે.....? '

'........'

બધા ચૂપ...

એલા બધા મૂંગા કા કરી ગયા કોઈ તો બોલો....રામજી બાપા ફરી વરસ્યા.

' ટિફિન ભેંસુ લઈ ગઈ....' ચકું બોલી...એય રડતા રડતા...

આ વળી પાછું નવું આયુ.

'હવે સિદ્ધુ બોલ ચકું ...શુ થયું નકર હવે માર ખાસ તું...'

ને રામજી બાપા નો આદેશ આવતા ચકું મન્ડી...

' હું ઘરેથી નિશાળે જતી હતી. હાથમાં થેલી હતી . એમાં મારી બા એ ટિફિન ભરી દીધું હતુઁ . હજી હું આ ખૂણો વટી જાવ એ પેલા તો આમથી એક બે ભેંસ આવી ને મને હડફેટે લીધી...હું બચવા એક બાજુ ખસી ત્યાં થેલી પડી ગઈ ને ટીફીનને ભેંસ ....'

' કંઈ બેટા...એમાં રોવાનું હોય...' એક ક્ષણ પેલા ગુસ્સાથી ગરજતા રામજી બાપા અચાનક માયાળુ બની ગયા....

'ના...એ...' ચકું રોતી રહી...

' સતું બેન આ કેમ બંધ નથી થતી . વાત શુ છે. ??? '

ને બે ઘડી પેલા હાંફળી ફાંફળી આવેલી સતું ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.

' કંઈ નહીં બાપા...આજે ત્રણ દી પછી કાલ સાંજે દાડી આવી...ને આજે બે દિ પછી છોડી હાટુ પસા કાકા ને ઇયાથી ઘઉં લાવી બે ત્રણ રોટલી ને તીખારી બનાવી આપી હતી..બે દી થઇ જ્યાં એણે ખાધું એને....આજે જ આ ભેંસુ.....' ને મો માં સાડી નો છેડો દબાવતી સતું એક બાજુ ફરી ગઈ. કદાચ...આંખ્યું નાં પાણી હવે રોકી નહિ સ્કી હોય..

' અહીં આવ ચકુ....' ને રામજીબાપા એ ચકુના હાથે પ્રેમથી હાથ મુક્યો...

બે વરસ પહેલાં જ ચકુંનો બાપ એક્સિડન્ટ માં રામના ઘરે જતો રહ્યો ત્યારથી આ સતું , ચકું ને એનો ભાઈ નું કોઈ ન રહ્યું.

' સતું...સીધી આઇથી ઘરે જા....ને મીઠી ને કેજે બાચકું ઘઉંનું દે !! ' રામજી બાપા બોલ્યા.

' ને વચમાં મારું ઘર આવે સે...કડવી ને કેજે ખેતરમાંથી જે નીકળે ઇ શકભાજી દે....લેતી જજે...' પેથા ભાભા પણ બોલિયાં.

ને કોઈએ કઈ લેતા જજે ના સ્વાદથી એ ટોળું કોલાહલ બની ગયું....

' હાલો...હાલોઓ.' કહેતાં બધા વિખરાયા...

' ને સાંભળ હવે પછી જો થેલીના ટિફિન હાટું રોઈ છું ને બે મુકીશ અડબોથ ની.. હમજી....' કહેતા રામજી બાપા પણ કંઈક અજબ પ્રેમથી ચકુને જોતા જોતા કેતા કેતા હાલતા થયા. ..

પાછળ ચકું ને સતું..ધીમેથી ચાલતા થઈ ગયા....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED