Hu ne rataniyo books and stories free download online pdf in Gujarati

સાબિતી

સાબિતી
વળી રામપરના માથે સાંજ આથમી ગઈ.કોઈ કલાકાર પોતાની કૃતિ નીરખી રહ્યો હોય તેમ સાંજ રામપરને નિહાળે છે.મોતની ગોદમાંથી છટકવા મથતા માણસ ની જેમ કોઈ અલાયદા ભાગમાં ગામ પડેલું છે. એક બાજુ ભેંકાર જંગલ અને બીજું બાજુ સજ્જનોનું જંગલ ને વચમાં આ ગામ જાણે શ્વાસે છે….
“અલી કાળી, ક્યાં મરી ગઈ ?” જમાનો જોયેલી આંખો પર નેજવું માંડતા અમરમાં ઉભી શેરીએ સાદ પાડતા ચાલ્યા આવે છે.સાંજ પણ શાંતિ જોવાનું પડ્તું મૂકી ખોબા જેવડા આ ગામનો તમાશો જોવા માંડી.
રામ જાણે આ છોડીનું સુ થશે? બળી ખબર નય આખો દિવસ સુ વાંદરાવેડા કર્યા કરે છે? મુઈ આખો ‘દી ઓલ જીવલા હારે ને હારે .રામ જાણે સુ ગોળી પીવારવી છે?
‘એ મગના ,તે જોઈ મારી કાળુડી ને .’ને સામેથી. ” એ ,ડોસી,જરા છોડીનું ધાન રાખ;નકર છોડી ખોઈ બેહીસ. કામ કર કર કર ને કામ .સાંજ પડી નથી કે છોડી ગોતવા નીકળી નથી.જા જા જા હમજાભાભા ના ખેતરે વગી ,નાથિયો કેતો તો કાળી ઇ બાજુ ભાટકટી’તી.’
ને ગામના આવા વેણ ને મેણા સાંભળતી સાઠેકની આવરદા વટાવી ગયેલી ,લાકડી ના ટેકે ચાલતી,વર્ષો પહેલા લીધેલુ દોઢીયુ પેરી એ ડોસી લાચારીની મૂર્તિ બની ગામ વચ્ચેથી નીકળી ખેતરની વાત પકડી .ઘડીભર તો સાંજ ને પણ ડોસી પર દયા આવી ગઈ અજંપો ભરી આંખો લઇ અમરમાં ગાડા વાટે ચાલ્યા.વાવણીની તૈયારી ચાલી રહી છે.ખેડુ બળદ અને હળ લઈ અદ્રશ્ય નસીબ ને આધારે વળી પાછા શાઉકાર ના ડેલે પગચાંપી કરી બિયારણ લાવી ફરી મંડી પડયા છે . ખબર નથી પડતી …એટલા બધા ઉકાળા હોવા છતાં ખેડુ દર વખતે ……કેમ ? …..આખરે. ..જગનો તાત અમથો થોડો કેવાય ભાઈ? હશે…….પણ ડોસીનું એ બાજુ જાણે ધ્યાન જ નથી …..ને બસ …..કાળુડી….. કાળુડી…… ની રાડો પાડતી હાલી જાય છે. ધીમે ધીમે બધો શોરબકોર ડોસીને શાંત થઇ ગયો હોય એવો ભ્રમ થયો. ચારે બાજુ નીરવ શાંતિ…….જાણે તોફાન પેલાનો સન્નાટો ……..હાંફળી ફાફળી થઈ ડોસી લાકડી ના ટેકે દોડાય એટલું દોડવા મંડી ને હમથા ભાભ ના ખેતરની નિકમાં આવી …ને આવતા વેંત એનું દ્રશ્ય જોઈ …… મરવા પડલી એ ડોસીની આંખોમાં થોડા ચિડ ના ,થોડા ગુસ્સાના, થોડા ખીજ ના અને ઘણા ના સમજાય એવા ભાવ રમવા લાગ્યા.
ખેતરમાં જતા જ કૂવો ને કુવા પાસે કૉસ ને એની બાજુમાં જ નેની એવી પાણી ની કુંડી ……ને એ કુંડી મા કદાચ ……..લોહી નિગળતી …..જીવલાની લાસ કુંડીના પાણીમાં તરતી’તી…. ને બાજુમાં સુધબુધ ખોઈ બેઠેલી કાળી કોઈ અગોચર ભાવ મા ખોવાયેલી હતી. ડોસી કાળી પાસે જઈ ને બોલી ” એ ,છોડી ,એ…….આમ …..જોતી…ખરી………સુ….થયુ ……મારી…….દીકરી………બોલ……ત….ઓ……..બેટા……..” ઘડી પેલાનો ગુસ્સો ને બધા ભાવ ના જાણે ક્યાં ઓગળી ગયા.આમેય સંતાન સામે આવતા જ બધુ બદલાય જ છે ના……ડીસીએ હતું એટલું જોર ભેગું કરી કાળી ને હલબલાવી પણ કાળી ના ભાવ ના બદલાયા. જરા નજર ડોસીએ ફેરવી તો એની સમાજમાં આવ્યું કે આ દસમા તો …….કાળી હતી…..નામથી જ કાળી પણ દેહથી તો જાણે કોઈ દેવી જ .ઘવવર્ણ વળી કાળી ને જોઈ કોઈ પણ મોહ પામે એવું એનું રૂપ .એકવડો બાંધો , જોતા જ ગમી જાય એવુ અલૌકિક રૂપ કોણ જાણે ભગવાન ઝૂંપડા માં શા સારું આપ્યું હશે.?….! રામ જાણે ..પણ અટાણે તો જાણે કાળી….. જાણે એનું ભૂત …..
માથું વેરવિખેર, કપડા તરતાર , ને હાથ -પગ ને લગભગ આખી લોહીલુહાણ…… ને આંખો ક્યાંક……..ડૂબેલી………? બોલ તો ખરી દીકરી ……ને ડોસીનો એક તમચો કાળી ના ગાલ પર પડ્યો ને. ને જાણે કાળી જાગી ને ચકળવકળ આંખો થી આજુબાજુ કોઈ હમણાં એને મારી નાખશે એવી …….”બચાવો” બુમો પાડવા મંડી………અચાનક અમરમાં ને જોતા જ કોઈ નાનું છોકરું મા ને જોઈ ખોળામાં લપાય એમ ડોસીના ખોળામાં લપાની ને છુટા મો એ રોકકળ શરૂ કરી ને એનું રુદન સાંભળી સાંજ પણ ધ્રુજી ઉઠી ” માડી” આખરે કાળી બોલી.પણ અને બોલવામાં પણ તકલીફ પડતી હોય એવું લાગે .કોઈ અજાણ્યો બહાર એની જીભ પર આવી ગયો હોય તેમ વારે વારે શ્વાસ લેવા રોકાતી ને માડી બોલી વળી અમરમાં ના ખોળામાં પોતાને છુપાવી લેતી. બોલ બેટા સુ થયુ? ને કાળી અચાનક ઉભી થઇ ને અમરમાનો હાથ પકડી ચાલવા લાગી.ચાલમાડી…… ને ખેતરના ધોરીએ સીધી ઉભી જારમાં ડોસીને લઈ લગભગ નાઠી જછેક જારની વચ્ચે ડોસીને લાઇ આવી ને ….વાટેથી માથું પણ ના દેખાય એવી માથાઢક જાર ને અવાવરું વગડો ને…….જો માડી ……કાળી ચીસ પાડી ઊઠી..
ડોસીએ નજર નું નેજવું માંડ્યું તો સામે જ ગામના ઓતાર જેવો ભીમો ઊંધે કાંધ પડેલો.આંખના ડોળા ફોડી નાખેલા, બંને પગ પર પથ્થરથી ઘા મારી મારી ભાંગી નાખેલા, હાથ છૂંદી નાખેલા,ને કેટલાય ભવના ક્રોધ, ખીજ,દાજ,નારાજગી, ને એવા કેટલાય ભાવનો સરવાળો થયો હોય એવો ભીમનો દેહ ચાડી ખાતો પડેલો. થોડી વાર તો અમરમાં પણ પડેલા મૃતદેહની જેમ જળવત બની ગયા. ને બે દેહ એક જુવાન અને એક વરધ બેય છોભીલા પડી કોઈ ગુમનામ દુનિયામાં ખોવાયા.કોઈ ઋષી જોઈ લો…આમેય ઋષિઓના દેશ ભારતમાં હોવી ‘ઋષિ’ દેખાવા એક દુર્લભ દ્રશ્ય છે….
કેવી કમનસીબી…
સાંજને પણ પોતાના ભાગ્ય પર થોડીવાર માટે અહોભાગ્ય થયું. કાલ્પનિક કોઈ વૈજ્ઞાનિક રીતે અસ્તિત્વ ન ધરાવતા જગતમાંથી ડોસી ને છોડી બહાર નીકળ્યા . ને હવે ….દુનિયા સામી દેખાઈ. નિયમો , કેમ બન્યું ,શા માટે બન્યું ,ને એના વારંવાર થતા તારણો ,અભિગમો ને ના જાણે કેટકેટલા ચોખાલીયાવેડા ….
“હવે તો મોઢામાંથી ફાટ.બળી જ્યારથી આવી છે ….ના જોવા જેવું જ જોયું છે.તારું જીભ બાર કાઢ કરમજલી.”ને ડોસીના ચહેરા પર થોડા દયા ને નફરત ના ભાવ ઉપસી આવ્યા.નફરત એને કાળી માટે હતી કે એ છોકરી હતી એના પર એ ના કળી ના શકાયું. ……અચાનક કાળીની આંખમાં ચમક આવી ગઈ.જાણે કોઈ અજાણી તેજબભૂરકી છવાઈ ગઈ.ને આંખમાંથી દડતાં આંસૂ લૂખી , સ્વાભિમાન સાથે બોલી”માડી, આજે બે મર્યા આણે એને માર્યો ને મેં આને ……છૂંદી નાખ્યો હરામખોર ને….એના બાપનું ભાત લઇ ને ગયો …..થુ……. કાળીને માગીતી સાલાએ ……કાળીએ…….મોત આપ્યું…..એ જ લાગનો હતો….રેઢિયાળ….. ક્યાં ભવનો વેરી… ગામનો ઉતાર ….” કાળી બોલતી રહી ….ને એના બોલવા પરથી ડોસી ને શુ થયું એ પ્રશ્ન નો જવાબ તો મળી ગયો . પણ હવે શું?
કાલમુખા જેવો પ્રશ્ન છે – હવે શું? દેશ આઝાદ તો થઈ ગયો પણ હવે શું? આપને આઝાદી પચાવી શકસું…જવાબ હજી સુધી મળ્યો નથી….ને ગામડાની ડોસી ને આ હવે શું? એના કરતા પણ વધુ અઘરો લાગ્યો.ને ડોસી કાળી ને ખોળામાં લઇ ચૂપ થઇ ગઇ…….ધીમે ધીમે …..કાળીનું બોલવાનું બંધ થયું ….પણ ડોસી ની આંખો ……..ઘડીભરમાં બદલ્લી અને આંખોના ખૂણામાં લાલાશ ધસી આવી ને એ દિવસે રામપરમાં ક્યારેય કોઈએ ના વિચારેલો ના જોયેલો ને માનવજાતના અસ્તિત્વના પાયા હચમચાવનાર અધ્યાયનો પાયો નખાયો.
…………

રામપર પર સૂરજના કિરણો ફરી વળ્યાં . ધીમે ધીમે આખું ગામ ઊંઘરાણીની ગોદમાંથી બહાર નીકળવા ભાખોડીયા ભેર થયું. પ્રભા આવી પહોંચી ને સૌથી પેલા ગોવાળિયા પોતાના પશુ ધનને લઇ વગડા વાટે હાલી નીકળ્યા . ને ગોધૂલીએ ગામને પોતાના આગોશમાં સમાવવા માંડી. ગામકૂવે પનિહારીના બેડા,હાંડા ને હેલુના સૂરો હવામાં ગુંજવા માંડયા . પક્ષીઓએ પોતાના ગીતોથઈ વૃંદાવન ની યાદ અપાવવા લાગ્યા.સાવરણા શેરીયુંમાં ફરવા લાગ્યા ખરૂં કો તો ગામ પોતપોતાના કામધંધે લાગ્યું.
“એ , ગભલા ……” ઉષાની શાંત નિરવતાંને ચીરતો અવાજ આવ્યો. ઘરના ઓટલે બેસી હજી દાતણ કરતોતો ને પોતાનું નામ સાંભળી નજર દોડાવી તો મેપો લગભગ દોડતો આવતો દેખાયો . અતારમાં સુ આ હાલ્યો આવે સે …..ને …સુ…..થયુ હશે……હજી વિચારે ત્યાં તો મેપો આંબી ગયો.
“એ, ગભલા હાલ.” મેપે આવતા વેંત જ ……
” પણ એલા અતારમાં સુ પત્તર ખાંડવા આવી ગયો.સુ થયુ સે લ્યા.”કૈક કંટાળા સાથે મો મચકોડયું.
“એલા , ઇ બધું પસી પેલા હાલ .”
“એલા ,દાતણ તો પૂરું…….” હજી ગભો બોલે એ પેલા જ મેપાએ એને લગભગ ખેંચી જ લીધો.
” એ બધું પસી …” ને મેપાને ચડ્ડી પેરવાના સમયથી જાણતો ગભો પણ આગળ કંઈ પૂછ્યા વિના મો મા દાતણ રાખી મેપની સાથે સાથે મંડ્યો ચાલવા .
ગભો ગામનો એક સામાન્ય ઘરનો અસામાન્ય માણસ હતો. ગામના ઝાપામાં જ એનું ખોરડું.બેઠાં ઘાટનું એનું ઘર.ઘરમાં એ ,એની ઘરવાળી,તણ દીકરીઓ ને બે દીકરા સાથે એના ઘરડા માબાપ સાથે રહેતો.ખેતરમાં મજૂરી કરી જે પાકે એમાં પરિવારનું પોષણ કરતો ને સાદુ પણ સુખી જીવન જીવતો . તો મેપો એનો જીગરી દોસ્તાર. કામ એનું ગભાનું કામ એ જ. એનું ખેતર ગભાનાં ખેતરની બાજુમાં જ .પણ મેપો એકલો રહેતો. બાપ તો નાનપણ મા જ ગુજરી ગયેલો ને મા પણ થોડા સમયમાં જ મૂકીને જતી રહેલી . એટલે પછી એનું મકાન ઘર બન્યું જ નહીં ..હા…..જો…..એમ થયુ ….હોત…….તો…..હોત….. પણ.
“એલા ક્યાં સુધી જવાનું સે.”
“ખેતર સુધી.”

ટૂંકો જવાબ આપી મેપો ચૂપ થય ગયો.ને એનો ચેહરો જાઇ ગભાથી આગળ કાઈ પૂછ્યું નહીં ને ખેતર સુધી બંનેએ ચાલ્યા કર્યું. ને ખેતરે પોગી ગયા પસી પણ મેપો ચૂપ બેસી ગયો ને ગભો પણ કાઈ ના બોલ્યો.બેય દોસ્ત ખેતરના ખીજડો નીચે બંને સુનમુન બેઠા . કોઈ બોલતું નથી.મેપાને જોઈ ગભો એટલું તો સમજી ગયો કે કાંઈક ના બનવાનું બનેલું હોવું જોઈએ .
” અમરમાં ને કાળી ઘરે નથી……” આખરે મેપો બોલ્યો. “સુ બોલસ તું.”ગભો નવાઈ ભર્યા ભાવથી બોલી પડ્યો. “હા . કાલ સાંજે અમરમાં કાળી ને ગોતવા ગયા તા પણ પછી ના તો મા આવ્યા કે ના કાળી .. સવાર થતા જ એમના ઘરે ગ્યોતો પણ હજી કાઈ નથી આવ્યું. રાતે પણ આંટો દિધોતો પણ ….”ને બોલતા જ મેપો પોક મૂકી રડી પડ્યો . ગભો સમજી ગયો .આખરે અમરમાં ને કાળી તો હતા એનો પરિવાર.
મા મેપાને મૂકી ને ગઇ ત્યારથી અમરમાએ જ એને રોટલો ખવરાવતા . ને મેપાને પણ મા મળી અમરમાં ના રૂપે. નાનેથી અમરમાએ એને ભણાવ્યો ને સગી મા બની એને ઉછેરો. ને કાળી તો એની બહેન . ગામ આખું કેતુ ભાઈ કલજગમાં આવા મનેખ ભાઈ ના મળે ભાઈ.
મેપો રડ્યો ને ગભાએ રડવા દીધો . રડીને મેપોના હૈયાનો ભાર હળવો થયો પછી ગભો બોલ્યો .”રોવસ હુકામ મેપા . હું સુ ને . ચિંતા ના કરીશ. બેય ને ગોતિ કાઢસુ .અરે ભોમાં ભંડારી ગયા હશે ને તો એયા થીય કાઢસુ . ચાલ હવે રોયે કઈ હાલસે . હાલ મારી હારે અમરમાં ને કાળીને લઇ આવીએ. હાલ ઉભો થા હવે . ” ને હવે ગભાએ મેપાને ખેંચ્યો . ને મેપો પણ એની સાથે થઇ ગ્યો .
……..……………
” એ ચા મુકજે તો….”ઘરમાં અવતાવેંત ગભાએ આદેશ કર્યો . ઘરના ફળીયા મા ખાટલો ઢાળી મેપો ને ગભો બેય બેઠાં. ચિતા ના કરીશ બધા હારા વાના થશે એવો વિસવાસ રાખી બેય દોસ્ત ખાટલે બેઠાં . થોડીવાર તો બંને કાઈ બોલ્યા નહીં પણ …….લો ચા ……ને ચા પણ લેવાઈ ગઈ પણ કોઈ બોલતું નથી .ચા પુરી કરી “સાંભળ , બાર ગામ જવનું છે . પંદર વીસ દિવસ જેવું થાહે .ચિંતા ના કરતી . એ બાઈ ઘડી ભર પોતાના ધણીને જોઈ રહી . જેનું પડખું સેવું છે એનો ચહેરો જોઈ એના ના બોલાયેલા શબ્દો પણ સમજી ગઈ . ધણીના દોસ્તનો ચેહરો જોઈ એ એટલું તો સમજી જ ગઈ કે કંઈક બીના બની છે. એણે મૂંગા મો એ માથું હલાવી હા કહી. પોતાના ધણીને વળાવ્યો . ગભો ડેલી બહાર નીકળ્યો ત્યાં સુધી એ ધણીયાણી પોતાના કંથને જોઈ રહી . પછી તરત મંદિરિયા પાસે જય પોતાના પતિની રક્ષા કરજે ….ની પ્રાથનામા રત બની .
બેય દોસ્ત અજાણ્યા રસ્તે ચાલી નીકળ્યા . મેપા પેલા આપણે માંડી ના ઘરે જઈ આવીએ . કદાચ તું મારી પાહે આયો એ ગાળામાં એ ઘરે આવી ગયા હોય . બેયે અમરમાંના ઘરનો રસ્તો પકડ્યો . ગામના છેડે અમરમાનું ઘર હતું . બે મેડીનું જુના જમાનાનું મકાન . મોટું ફળિયું . એક ઓસરીયે તણ મકાન .બાજુમાં રસોડું . મેં વચ્ચે તુલસક્યારો . એક સમયે આ મકાન એક ઘર હતું . શુ એના સુખ ને સુ એની સાહ્યબી . પણ હવે તો મકાન અને ખંઢેહર મા કોઈ ખાસ ફરક દેખાતો નથી જોરથી એનું કમાડ ખખડયું . કમાડ ખુલતા જ એક બે પારેવા ઉડતા બહાર આવ્યા . આમેય જ્યા માણસ વસવાટ બંધ કરે ત્યાં પંખીડા શરૂ કરે .
બેય અંદર આવ્યા . રસોડાનું બારણું ખુલ્લું હતું . અંદર જોયું તો કદાચ રસોઈ બનાવવાની હોય તેમ કાલ સાંજના કાપેલા ને કાળા પડેલા રીંગણા , ચીમળાય ગયેલી કોથમરી ,ચુલે ચડેલું તપેલું , બળી ગયેલા લાકડા , મસાલા ….. હમણાં અમરમાં આવશે ને બધું તૈયાર કરી ખવરાવસે ….પણ અત્યારે કોઈ નથી ….બારણા ખુલ્લા છે . કેવા પૂરતો જ સમાન છે . મા ને દીકરી … મા માટે સંસાર માંડવાથી આઘી રહેલી દીકરીનું આ ઘર . જે સાચું માનો તો ઘણા સમય પેલા જ ઉજડી ગયેલું . બસ મેપો આવ્યો પછી થોડુંઘણું ઘર જેવું લાગતું આ ઘર હવે ખાલી હતું . મેપો હવે ફરી વાર અનાથ બન્યોતો . ધીમે ધીમે મેપાની આંખોમાં પાણી આવવા લાગ્યા. અમરમાં એ ખવરાવેલા અન્ન , કાળી એ બાંધેલી રાખડી યાદ આવતા જ મેપો બાર નીકળી ગયો .બાર જઈ “ચાલ હવે.”ને ગભો પણ બાર નીકળી ગયો. ને બારણે સાંકળ ભીડી બંને આગળ વધી ગયો . મેપાએ પાછળ જોયું તો એનું ઘર જાણે ભૂતાવળ બની એના નસીબ પાર ખીખિયારી કરતું હોય એવું દેખાયું ને એના દાંત ભીડયા ને “હું મારું ઘર ગોતી લાવીસ જેણે મારો પરિવાર પિંખી નાખ્યો એને હું છોડીશ નહીં “ની પ્રીતિજ્ઞા કરતો ગયો .
” ચંગુ મંગુ . બેય ક્યાં આંટા મારો છો . બેયને બુદ્ધિ જેવું છે કે નહીં અમરમાં ને કાળી કાલ ના કયા છે કોઈને ખબર નથી ને તમેય ભેગા . તમને તો ખબર હોય જ ને ક્યાં ગયા છે બેય .? ” સામેથી નાથાકાકા રાડો પડતા હાલ્યા અવતાતા .

“એ જ ગોતવા જઈએ સી કાકા . ” બંને સાથે બોલી પડયા.

“હે , તમનેય નથી ખબર નથી . “કાઈ નિરાશા સાથે બોલી નાથકાકા ચાલતા થયા . ને ગભો – મેપો પણ ……

“એ મેપલા દોડ ,અમથા કાકાની જારમાં જીવલો ને ભીમો બેય પડા છે.”

“ભીમો” શબ્દ સાંભળતા જ ગભા અને મેપાના ચહેરા ના હાવભાવ એક્સાથે બદલાયા .

“મને થોડો શક તો હતો . આ ભીમો …….કેહતા બેયે લગભગ ગામવચ્ચે લપાટી જ મેલી .

મેપો ગભો અમથાકાકાના ખેતરે પોગા તો અડધું ગામ ટોળે વળેલું . હોહા ને દેકારા પડકારા ને હાય ભીમો , મારો જીવલો ના કાળજા કંપાવી નાખે એવા મરશિયાથી ગમગીન વાતાવરણ છવાયેલું.

બેય ભીડમાંથી રસ્તો કરતા નજર સામે એ દ્રશ્ય આવતા જ અવળું ફરી ગયા . કુંડી પાસે જીવલો મરેલો દીઠો. કાળી અને જીવલો સાચું પૂછો તો બે દેહ એક પ્રાણ હતા . ગામ આખું જાણતું હતું પણ એ માટે …..જીવલાને જોઈ મેપો ગોઠણભેર બેહી ગ્યો ને ગભો એને ટેકો દેવામાં રયો. બેય ની આંખો ના ખૂણામાં આવેલા પાણી તરફ કોઈની નજર ના ગઈ . બેય એકબીજા સામે જોઈ કંઈક સમજી આગળ ગયા તો જાર વચ્ચે ભીમો પડેલો ને એને જોતાવેંત જ બેય ના ખૂણામા લોહી ધસી આવ્યું ને હમણાં જ એને વિખી નાખશે એવું લાગે પણ બેય કાઈ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયા .

તે દિવસે રામપરમાંથી બે ઠાઠડી નીકળી . જીવલાની ઠાઠડી જોઈ ગામ આખાની આંખો ભીની થઇ તો ભીમાની નનામી જોઈ ઘણાને એના પર થૂકવાનું મન થયું . એ રાત ગામ માથે કાળના તેડા લાઈ આવી .

ગામ આખું સૂનમૂન થઈ ગયુ. એમાં ગભો કે મેપો એકેય અંતિમયાત્રામાં ગયા નહીં . ગામના વડીલો ને આવનારા તોફાનનો અંદેહો આવી ગયો. અમરમાં કાળી ની ગુમનામી અને ગભો -મેપા ની ભાઈબંધી જારૂર કાંઈ કાળના ફેરા ખવરાવસે .

*************************************

પોલીસ જમાદાર આવીને રાબેતા મુજૂબ પંચનામું , થોડી પૂછપુરછ કરી રવાના થયા . આમેય પોલીસ પોતાની કામગીરી આમ જ પુરી કરે છે ને ? કોની સામે કેસ થયો છે, કેટલા પૈસાદાર છે , કેવું મકાન છે એના પર વર્તન , કાર્યવાહી અને બીજુ બધું એના પર નક્કી થાય છે . રામપર જેવા નાના ગામમાં આવવા આમેય કોઈ અધિકારી જલ્દી તૈયાર થતા નથી . પણ જ્યારે આવા હત્યા જેવા બનાવ બને ત્યારે ના છૂટકે તેમને અહીંના ધક્કા ખાવા પડે . તપાસ ની શરૂઆત થઈ . વેશ બદલીને પોલીસે પૂછપરછ શરૂ કરી તો પોતાના ખબરીઓને પણ ગામની આરપાર નજર કરવા ફરમાન જારી કર્યા .
રાતે એક થી તણમા હત્યા થઈ છે .દાક્તરી તપાસમાં એટલું જાણવા મળ્યું . ને એ સાથે જ રાત્રીના સમયે કોણ ક્યાં હતું એની તાપસ શરૂ થઈ . સાંજ થતા જ વાળુ કરી પથારીની તૈયારી થવા લાગી . નવ વાગ્યા થયા ત્યાં તો ગામમા અંધારાના ઓળા ઉતરી આવ્યા.
“સાહેબ , આ બાજુ !” ગામના પાદરના વડલાના થડ પાછળથી એક ધીમો અવાજ આવ્યો ને સાદા કપડામાં આવેલા સાહેબ અવાજ તરફ વળ્યા .
“શુ ખબર છે રૂપા . “
ખબર તો કઈ છે નય પણ સાહેબ એક વાત તો નક્કી છે કે અમરમાં – કાળી જે દી ગૂમ થયા તે દી જ જીવલો ને ભીમો મરેલા મળ્યા , ને પછી આ શેઠ ને સાહેબ એની સાથે સાથે ગામના ઓલા ગભો ને ભો પણ દેખાયા નથી એક શ્વાસે રૂપો બકી ગ્યો . સાહેબ થોડા વિચારમાં પડ્યા હોય એમ “હહઃહઃહઃ” બોલ્યા ને કડી મેળવવામાં લાગ્યા.
“ઠીક રૂપા . બીજી કોઈ જાણ થાય તો કેજે . હું આવી જઈશ .”
ને……. મુલાકાત પુરી થઈ .
************* *************
દોડો …..દોડો …..ફરી ગામમાં રિડ્યુંના દેકારા ગુંજી ઉઠયા .
“ગામના ઝાપામાં જ એક જમાદારનું પડછંદ શરીર લીમડાની ડાળી પર લોહી નિંગળતી હાલતમાં લટકતું જોઈ ઘણા તો બેભાન થયા તો ઘણા એટલા ડરી ગયા કે તાવ ચડી ગયો . ડોળા ફાટેલ એ વિખાયેલી વિકૃત લાશ જોઈ ઘડીભર તો પોતાને બહાદુર ગણતા ઘડીભર હેબતાઈ ગયા . તરત જ ગામ મુખીકાકાએ પોલીસ જમાદારને બોલાવવા ગીગાને મોકલ્યો . રામ …..રામ……..ના જાપ જપતા ગામવાળા ત્યને ત્યાં અર્ધચેતન અવસ્થામાં સુનમુન બેહી રહયા.
થોડીવારમાં પોલીસ જમાદાર અને તેમની ટુકડી આવી પહોંચી .
” ખસી જાવ .” કરતા એ ભીડમાંથી રસ્તો કરતા આગળ આવ્યા ને લાશ જોઈ એ પણ બે પળ માટે ઉભા રહી ગયા .
“ઉતારો ” ને પોલીસની કાર્યવાહી શરૂ. કોણે પેલા જોયુ , કોણ સહી કરશે ને એ જ રૂટની પૂછપરછ . પણ આ વખતે એક પોલીસની હત્યા થઈ હતી . પોલીસ વાળા ના ચેહરા જુઓ તો સમજાય જ જય કે આ વખતે ગામને ખાંગળીને તપાસ થશે . આરોપીની પકડવા આકાશ પાતાળ એક કરાશે .
ગામલોકો આમેય અનુભવે ઘડાયેલા હોય છે . એ માણસોને બહુ બારીકાઈથી ,એના ચહેરા પરથી ઓળખવામાં પાવરધા હોય છે . હા સહિ ના બદલે કાગળ પર અંગુઠા મારે છે પણ જીવનના કાગળ પર એ ખૂબ મરોડદાર સહી કરે છે .
બીજા જ દિવસે માનો આખા રાજની પોલીસ રામપર પર ચડી આવી . એક એકના ઘરની તલાશી લેવામાં આવી . જાણે ગામવાળે એની મારીને ટીંગડી દીધો હોય એમ ગામવાળા સાથે વર્તવામાં આવ્યું . ગામ વાળા વિલાયેલા ચહેરે પોતાની લાચારી જોતા રહયા. ઘરની બહાર ફેંકાતા વાસણ , પેટી ડામચીયા પરથી ફેંકતા ગોદડા , પટારામાંથી ફેંકાતી કિંમતી વસ્તુઓ ને સ્ત્રીઓના આક્રંદ -નાના બળકોનની ચિચ્યારીઓએ રામપરને ભરી દીધું .
ગામનું અપમાન ગામ જોઈ રહ્યું. આખો દિવસ ગામના માનસન્માનના લીરેલીરા ઉડતા રહયા . લાચારી બહુ મોટી વસ્તુ છે ભાઈ .સારા સારાને થૂકેલું ગળવામાં મજબુર કરે છે . મુખીકાકા નિરાશ વદને બધું જોઈ રયા.
આખરે સાંજ પડી . મસાણ જેવી કોઈ અજીબ શાંતિ વ્યાપી ગઈ . અઘોર વેન જેવી વેરાન શાંતિ .તીખી ને ચમચમાટી જગાડે એવી . પીઠ પર સોળ ઉઠેલા હોય ને એની પર મીઠું મરચું ભભરાવવામાં આવે ને છતાં એક શબ્દ ના બોલી શકાય એવી ચોટદાર શાંતિ .
આ શાંતિએ ગામના એ ઝાખમનું ભીંગડું ઉખાડયું હતું જે આજથી પચીસેક વરહ પેલા માંડ વળ્યું તું ..
ગામ આખું ઝાપામાં જ બેઠું હતું .સાંજ પડી છતાં આજે એક પણ ઘરના ચૂલા પાર વાળું બનવાની તૈયારી નથી . મુખીકાકા , નાથુકાકા , અમથાકાકા જેવા વડીલોના ચેહરા પાર ના કાલી શકાય એવા ભાવ તરવરી રહયા છે . એક જાટકે આજના બનાવે ગામને પચીસ વરસ પેલાના સમયમાં ખેંચી લીધા . એ સમયના બનાવો એક પછી એક ઘણાના માણસ પરથી પસાર થઈ પોતાના વરવા દ્રશ્યો ભજવવા મંડ્યા.
********** ******* ************
ઉષાના કેશુડામાં દુબડેલા રંગોથી આકાશ કેસરીયું બનેલું. કિરણો પોતાના હાથેથી જડ ચેતનને અમીરસ પીવડાવી જીવનના નવા દિની શરૂઆત કરવા મનાવી રાહયાતા . રામપર મહેનતની મીઠી બાજરી ખાઈ સંતોષની ઊંઘમાં ઘેરાયેલું ખાટલામાં ટૂંટિયું વળી પોઢી ગયેલું .એ દી પણ આજની જેમ જ સહસા અવાજના ઘાંટાએ બધાને ઢંઢોળી જગાડ્યા .
છેલ્લા ઘણા દિવસોથી આ પરંપરા બનેલો ઘટમાળ ફરી ગામમાં ભજવવા મંડ્યો .
નાના એવા ગામમાં પોલીસ ચડી આવતી ને બધું ફંફોસી , હાથમાં આવે તે લઇ વળી પાસેના શેરના દરમાં પેસી જતી . આમેય એની સામે બોલવું , પૂછવું એ મર્યાદા ભંગ મનાય . એ ગમે તે કરી શકે પણ એની વિરુદ્ધ …… કાઈ ના થઇ શકે …….
અભણ , મહેનતુ , ગરીબ ગામ ત્રાસ સહન કરતું . પોલીસની નફ્ફટાઈ વધતી ગઇ. છેલ્લે એ લૂંટફાટ સુધી પોહચી . ખેતી કરી રોટલો ખાતા માણસો પોલીસના કેસમાં ફસાવવા કરતા પોતાની મૂડી ગુમાવવી વધુ પસંદ કરતા . પણ એક દી એમા વિઘ્ન આવ્યું .
અમાસની રાત . રાતનો ગજર ભાંગ્યો . રાત હવે ઊંઘવા માટે નહીં પરંતુ પોતાની તુચ્છ ઘરવખરી બચાવી સંતાડવાની પેરવીની તૈયારી માટે હતી . કાગડા ઊંઘમા ઘેરાયેલું ગામ સફાળું જાગ્યું ને જાગ્યું એવું જ ભાગ્યું .
ખાખી કપડાંના ધાબા ગામ પર પડી ગ્યાતા . દસ પંદર પોલીસ જીપ લઇ ગામમાં આવી ગ્યાતા . પણ આ વખતે પૈસા કે રૂપિયા ના બદલે એક બાઈ આગળ ને પોલીસ પાછળ હતી . મૂર્ખ પણ સમજી શકે એ પરિસ્થિતિ . શેરમાંથી દારૂ ઢીંચી હવે સ્ત્રી સન્માનના લિરા ઉડાડવા તે પોહચી ગયા હતા . આ વખતે ગામ આવ્યું . પણ જીપ આગળ દોડતી ગામની બાઈ જોઈ…….ગામ ધૂંધવાયું. પૈસા રૂપિયા ની કિંમત તેમને નોહતી પણ હવે એક આબરુ સિવાય કંઈ ગુમાવવા જેવું નોતું . એના પર તરાપ પડતા . …..ગામના ઘણા જુવાનિયાઓ આંખોના ખૂણા લાલ બની ગયા . પણ વિરોધ……
હજી વિરોધની હિમ્મત ……એનો પ્રાદુર્ભાવ જ બાકી હતો.
ગામ ઝાપામાં ઉભું રયુ. બાઈ પાછળ જીપ દોડતી આખરે ઝાપામાં આવી . બધા પોલીસે ગામને જોયું પણ એની જરા પણ દરકાર રાખ્યા વિના એ બધા એક કીડા પાર નજર ફેંકે તેમ હરામખોરીની તમામ હદ વટાવી વેધક હાસ્ય કરી આગળ વધવા……..
હજી ઝાપો વટાવે એ પેલા ગામના ટોળામાંથી એક ડાંગ ઊડતી આવી ને જીપ હંકારવાવાળા પોલીસનું લમણું ફોડતી વટી ગઈ . ચિચિયારી પાડતા જીપના પૈડા થંભી ગયા . જીપમાંથી હાથમાં લાકડી લઈ , લથડતા પગ સાથે મોટા જમાદાર,”સાબ” રૂઆબભેર નીચે ઉતરી આવ્યા . હજી પગનું નૃત્ય ચાલુ હતું . ખમીસના બટન ખુલ્લા , માથે ત્રાસી અઠવાડિયાથી ધોયા વિનાની ટોપી પહેરેલા એ પોલીસ ગામ સામે આવી તાડુંકિયા , ” કોણ છે એ માથાફરેલો . જીવ વાલો નથી લાગતો એ અભાગીયાને . છે કોણ એ નવલો . બાર નીકળ . નકર બધાને હમણાં બંધુકે ફૂંકી મારીસ . બાર કાઢો એ વેખલીનાને.”
લાલઘૂમ બનેલા પોલીસની વાત સાંભળીને ઘણાના આંખોની લાલાશ ફરી આંખનાં ખૂણામાં સમાઈ ગઈ.
“સુ ભાઈ. ” કેતો જીવણ રસ્તો કરતો આગળ આવ્યો ને જમાદારની સામે આવી એની લગોલગ આવી ઉભો.
” કા ભાઈ . પોલીસના કામમાં આડા પડવાની ટેવ છે. સળિયા ગણવાનો શોખ જાગ્યો કે શું. જીવતર વાલું નથી લાગતુ.” તુમાખી સાથે એ વધુ અકડાઈ દાખવી જીવણને નિરખવા લાગ્યો.
“પોલીસ જ ડાકુના કામ કરવા માંડે તો શું કરવું .આડા પડવું પડે છે . “કહી જીવણ જમાદારની એકદમ પાસે જઈ વધુ …….. પોલીસ વિફરી. જમાદાર ગુસ્સામાં આવી એક ગામડાનો બે બદામનો માણસ સામું બોલી જય ……એય મને……કહી એકદમ હાથ ઉપાડી જીવણને તમાચો મારવા ગ્યો એ પેલાતો જીવણનો અવળો હાથ જમાદાર પાર પડ્યો . જમાદાર ઉછળી જીપના પૈડાં પર ચતાપાટ પડયા. ગામના મહેનતુ માણસનો હાથ હતો . એક તો કાફી હતો . પણ એ બેય બખડયા એમાં જીપમાં બેઠેલા જમાદરે આવેશમાં આવી બંદૂકની જામગરી જલાવી ગોળી છોડી દીધી . ગોળી જીવણની શરીરની આરપાર નીકળી ગઈ . લોહીની શેડ ફુટી ને જીવણ ધરતી પર લથડી પડ્યો. એક બે હીબકાં સાથે જ એણે જીવ છોડી દીધો .
હવે ના થવાની થઈ . ગામ વિફર્યુ .પણ હવે ….એનો કોઈ અર્થ નોતો . ગામ ભાગ્યું પોલીસને મારવા પણ એમના પગ જીપના પૈડાં સાથે દોડી ના શક્યા . મોટો જમાદાર પણ ઉભો થઇ વળી જીપમાં બેસી ગયો . ગામના હાથમાં જીવણનું માત્ર શરીર રહ્યું. …..
********** ************* *******************
હજી આઠ મહિના પહેલા જ તો જીવણના લગ્નના ઢોલ વાગ્યાતા . શામપરાની અમરને પરણી હજી તો જીવવાની શરૂઆત જ કારીતી . જીવણ આમ જુવો તો ગામનો છોકરો હતો . બેક વરહની ઉંમર હશે . નોરતાની સવારે ગામના મંદિરે મળેલો . કોણ , કોનો દીકરો , કોઈને ખબર નહોતી . મંદિરના પુજારીએ મોટો કર્યો . પૂજારીની પણ અવસ્થા આવતા મોત થયું. એ છોકરો આ જીવણ. ગામના ખેતરમાં કામ કરી રોટલો ખાઈ લે . એની ઈમાનદારી મેહનત જોઈ ગામના મુખીએ અમર સાથે લગ્ન કરાવી દીધા .
કઈ કેટલાય અરમાનો લઇ અમર જીવણના ખોરડે આવી . હજી બે મહિના પહેલા જ એનું સીમંતનું કામ કરી એના માબાપ એને પિયરમાં તેડી ગ્યાતા . એના ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજવાની હતી. સુખ અને દામ્પત્યની છોળો ઉડવાની હતી ત્યાં અચાનક મસાણના મરશિયા શરૂ થયા . જીવણ અને અમર બે જ હતા . પણ હવે એ ઘર ભાંગી ગયું . અમરને શુ જવાબ અપશુ ના ભાર નીચે જીવણના મરશિયા માંડયા.
ઘણી વખત વિધાતા ક્રુરતાની હદ વટાવી દે છે. કમનસીબી છે કે એમાં મોટા ભાગે સાચા અને સજ્જન માણસો જ તેનો ભોગ બને છે . માણસના દુઃખ જોઈ આંખ ભીની ના થાય એતો કળજુગ નોતો આવ્યો. લગભગ બધા વડીલો કોઈ અસમંજસ સ્થિતિ જોઈ મૂંઝાયા હોય તેમ સૂનમૂન બેસી રહ્યા . આખરે “વેદા ,શામપરા જા . અમરને તેડી આવ . હમણાં ને હમણાં જ .”કહી મુખીકાકા નીચું જોઈ ગયા. આખરે અમર તો એક જ હતી એનો પરિવાર . છેલ્લો મેળાપ તો …….વિચારી ઘણાના ડુસકા સમભળાયા . વેદો ગ્યો . જાણે મોત થી છૂટવા નીકળેલો ગોળો જોઈ લો .
બપોર થતા થતા અમર આવી . મેહનદીનો રંગ હજી હાથ પર હતો . એ બેજીવી ગામની અબૂધ સ્ત્રી કોઈએ બધું ઝૂંટવી માત્ર જીવ જ બાકી રાખ્યો હોય તેમ ચાલી આવી . ચ્હેરા પરથી જ ગામ વર્તી ગયું કે વેદો સાચી વાત કરી નથી શક્યો. પણ આવતા આવતા ઝાપામાં ગામ આખું જોઈ અમરના મનમાં ફડકો પેઠો કે કંઈક ના થાવનું થયું છે . ધીમે ધીમે પાસે આવી જીવણ ને પડેલો જોઈ ઘડી બે ઘડી પેલાની અમર અચાનક કોઈ માનસિક રોગીમા બદલાઈ ગઈ . ત્રણ સ્ત્રીઓ પણ તેને કાબુમા ના રાખી શકી . તેના હૈયાફાટ રુદને ગામના જાડવા રોવરાવ્યા. . સાંજે જીવણની અર્થી ઊઠી તો અમરની જીવનની પણ અર્થી જ ઉઠી. છેલ્લે બધાની જેમ જીવણની રખ્યા પણ મસાણમાં ભળી ગઈ. રાત પડી પણ રામપરમા આજે કાળરાત્રી બેઠી.
બીજો કાલમુખો દી ઉગ્યો પણ અમરને ઘરમાં ના જોઈ બધા મુંજયા . અમરની શોધખોળ શરૂ થઈ
ગામ આખું અમરને ગોતવા નીકળ્યું તે સવારે અમર કોઈ વિચારમાં જ હતી. ધણીના મોતની આંધી એના જીવનમાં આવી ગઈ હતી . હવે તો માત્ર શુ કરવું ? એના જ વિચારોની માળામાં એ ફાંસી લાગ્યાની વેદના સાથે રાત આખી ઝુરતી રહી. એમ તો એના માપબાપના ઘરનો રસ્તો ખુલ્લો હતો પણ એનું અભિમાન એને ત્યાં જતા અટકાવતું હતું . ઘર અહીં હતું પણ હવે માત્ર ખંડહેર જ બાકી હતું . રાત આખી વિચારણા વંટોળ મા અટવાતી રહી . આંખમાં આવેલા આંસુ ચહેરા પર થીજી ગ્યા. સવાર પડતા પડતા તો એ બાઈ કોઈ નિર્ણય લઈ નાનું પોટલું ,બચેલી થોડી મૂડી , ઘરેથી લાવેલા ઘરેણા ગાઠા લઇ અજાણ્યા રસ્તા પર ચાલી નીકળી .
ગામ વટાવતી એ શેરના સીમાડે આવી. શેર હજી એની બાલ્યાવસ્થામાં હતું . છુટા છવાયા મકાન , મોટા ફળીયા , ઓછી ચલપહલ ને થોડું વધુ માનવનું મનથી શેર હજી પૂર્ણ રૂપે શહેર નોતું બન્યું . અમર ક્યારેય શેર નોતી આવી , હા પિતા પાસે એની વાતો જરૂર સાંભળી હતી . રસ્તા પર જતા આવતા લોકોને જોઈ એ ઘડીભર તો મૂંજાઈ પણ આખરે કોઠાસૂઝના આધારે એકને પૂછી જ લીધું , “ભાઈ , પોલીસ સ્ટેશન જવાનો રસ્તો દેખાડશો . “પૂછતા તો ઘડીભર માટે એ ધ્રૂજી ગઈ . શ્વાસ ફુલાઈ ગયો .સામેનો માણસ પણ સમજી ગયો હોય તેમ ખૂબ શાંતિથી જવાબ આપ્યો ,”બેન આય તો ઘણા પોલીસ સ્ટેશન હોય . તમે જ્યાં રહેતા હોય એ સ્ટેશને જવું પડે ” અમર તરત બોલી ,”ભાઈ ,હું રામપર ગામેથી આવુ છું . મારે ચ્યાં સ્ટેશને જવું પડે ?” પેલો ભલો માણસ હતો . “જો બેન . આયથી થોડું આગળ ચાલીસ તો એક ચોકડી આવશે . ત્યાંથી જમણી બાજુ વળી જજો . ક્યાંય વળતા નહીં . સામે મોટું મકાન આવશે . એના જેવું બીજું કોઈ મકાન છે નહીં . એ જ પોલીસ સ્ટેશન . ” કહી એ ભાઈ ચાલતી થયો . અમર મનમાં રાજી થઈ . રસ્તો તો મળ્યો . ભગવાન સારું કરે ના આશીર્વાદ આપતી એ રસ્તે પડી .
ચીંધેલા રસ્તે ચાલતા આખરે એ મંજિલ પોહચી . સ્ટેશનમાં જઇ ચડી . ખાસ્સું મોટું મકાન હતું . ઘણી બધી ખુરશી , ટેબલ , ને એના પર ખાખી વરદી પહેરેલા જામદારો , મોટા સાહેબો જોઈ એ ચારે બાજુ નજર કરતી એક ખૂણામા બેસી ગઈ . વારાફરતી પોલિસ આવતા જતા. મોંમાં પાન ચાવતા , તમાકુ મમળાવાતા , ને અચાનક પાન તમાકુની પિચકારીઓ મારતા પોલિસને અમર જોઈ રહી . ઘણો સમય એ રદીની જેમ ખૂણામાં બેસી રહી આખરે એક પોલીસ તેની પાસે આવ્યો. કેમ બેન અહીંયા બેઠા છો .કઈ કામ છે . કદાચ હજી નવો નવો પોલીસ બનેલો હશે.નહિતરા રીતે માન સાથે વાત કરે તો પોલીસ શેના કેવાય ? મારા ધણીને કોઈએ ગોળી મારી દીધી સાબ . એને પકડી પાડો .જેમતેમ એ માત્ર એટલું જ બોલી શકી . આંખોમાં આવેલા આંસુ ને પાલવેથી લૂછી અમરના ગળામાં ડૂમો ભરાઈ ગયો. આગળ એ કઈ ના બોલી શકી .
“બેન ,થોડીવાર બેસો . હમણાં મોટા સાબ આવશે . એ તમને મદફ કરશે . ને પોતાની જાતને બને એટલી સંકેલી એ ગામની બાઈ ખૂણામાં લપાઈને બેસી ગઈ . ચકળવકળ આંખો વડે પોલીસ સ્ટેશનને એ જોઉં રહી . કોઈ બાંધેલા તો કોઈ લથડતા તો કોઈ ગાળો બોલતા , એવા વિવિધ જાતના લોકો આવતા રયા . તરસ ભૂખ ભૂલી અમર બેસી રહી . બપોર થયા . પણ ભૂખ એને લાગી નહીં . ભાલેથી પરસેવાના ટીપા નીતરી આવ્યા . કોઈ અજબ વિશ્વાસથી તે બેસી રહી .
આખરે એની તપસ્યા ફળી . પેલો પોલુસ જ આવ્યો . ચાલો . અમર પાછળ પાછળ ચાલી . લાંબી પરસાળના છેડે એક દરવાજા પાસે અટકી . અંદર જાવ બેન કહી એ પોલિસ રવાના થયો . અમર અંદર ગઈ . મોટો ઓરડો , એક બાજુ મોટા કબાટ , વચ્ચે ટેબલ . એના પર થોથાનો થડકલો . સામેની ખુરશી પર મોટા સાહેબ . કોઈ પરગ્રહવાસી હોય તેમ અકડાઈ ના સંબધી હોય તેવા .
“હા બોલ શુ થયું.? ” તોછડાઈના તોરા છૂટ્યા .
” મારા ધણીને કોઈએ ગોળી મારી દીધી . એને પકડો . “આઅમર બોલેલા શબ્દો વળી પાછા બોલી દીધા .
“હમમમમમમમમ” જાણે કાંઈ ખાસ બન્યું જ ના હોય તેમ એ જમાદારના ચહેરાના ભાવ સહેજ પણ ના બદલાયા.
“ક્યાં ઠેકાણે ? “
“રામપર ગામમાં.”અમરે જવાબ દીધો.
“રામપર” ને સહસા એ જમાદાર ના બધા હાવભાવ પળવારમાં હવા થઈ ગયા . આંખોમાં કરડાકી ,મોં પર લોહી ધસી આવ્યું ને અમર એનો ચહેરો જોઈ ઘડીભર તો હેબતાઈ જ ગઈ .
“રામપર …..હા.” જમાદાર આ વખતે કોઈ ભાર મૂકી બોલ્યા.
” હા ” અમરે માત્ર એટલો જ જવાબ આપ્યો .
ગાડી કાઢોનો બરોડો પડી એ જમાદાર ઉભો થઇ ગયો . બારણાં પાસે આવી “ચાલો ” કહી એ બાર નીકળી ગયો . અમરને થયું ચાલો …પોલીસ હવે એના ધણીને મારનારાને પકડી જેલની કાળકોટડીમાં પુરી દેશે . એના પગમાં જોર આવ્યું . એ લગભગ દોડવા જ મંડી . જીપ આવી . એમાં જમાદાર ,બીજા પોલીસ અમર બેઠા. જીપ ચાલી .પાછળ પાછળ બીજી જીપ ચાલી . શેરમાંથી નીકળી બંને જીપ હવે ગામડાના ધૂળિયા રસ્તે ધૂળના ગોટા ઉડાડતી ભાગી .
સાંજ ધરાને આગોશમાં લેવાની તૈયારી કરવા લાગી . બપોરનો તડકો ધીમે ધીમે ઠંડો પડી શીતળતા બક્ષવા લાગ્યો. જોકે કાલની અર્થી માત્ર સળગી હતી ઓલવાઈ નોતી. લોકોના મોં પર કોઈ પસ્તાવના તો કોઈ કાંઈ ના કરી શકવાના અફસોસના ભાવ દેખાઈ આવતા હતા . અનિશ્ચિત ભાવિ તરફ ગામ ધસતું હતું . વિચારોના વમળો , અમરના વલોપાત , પોલીસના દમન અને દુન્ધવાયેલા ક્રોધના જ્વાળામીખી વચ્ચે ગામ અટવાયું હતું.
ગામના સુનકારને ચીરતી જીપ ફરી ચડી આવી . ફરક એટલો જ હતો કે આ વખતે જીપ ઝાપે ઉભી રહી . પોલીસ બધી પણ ટીA જ ઉભી . થોડીવાર પછી “બધા ઝાપે આવો ” સાદ પડી ગયો . ગામ ફરી ફફડયું . હોવી વળી શુ થયું. ઝાપે જે લોકો પોહચ્યા તે અમરને પોલીસ સાથે જોઈ વધારે ફફડ્યા.
” કાન ખોલીને સાંભળો . તમારા ગામની આ બાઈએ ફરિયાદ કરી છે કે એના ધણીને કોઈએ ગોળી મારી દીધી છે . કોઈને ખબર છે કોણ હતો એ ? કોઈએ ભાળ્યો એ હરામખોરને ? કોઈને કાઈ જાણ છે?” ખંધા હાસ્ય અને કરડાકી સાથેના પ્રશ્નનો કોઈ પાસે જવાબ નોતો. પણ એ બોલનારાને જોઈ બત્રીશીઓ ભીંડાઈ . પણ એ મોમાં જ રહી . બીજો જીવણ બનવા કોઈ તૈયાર નોતું . બધાના મો બંધ જ રહયા.
છેલ્લે “કોઈને કાઈ ખબર પડે તો કેજો ” કહી પોલીસ આવીતી તેમ જ જતી રહી . પણ નવાઈ એ હતી કે અમર એમની સાથે ક્યાંથી ? !
ધીમેથી મુખીકાકા અમર પાસે ગયા. માથે હાથ મૂકી કૈક લાચારી કૈક સહાનુભૂતિ સાથે બોલ્યા,” બેટા , અમર તું આમની સાથે કઇ રીતે ? મારી દીકરી ….”
” કાકા , મારા ધણીને મારનારાને સજા કરવાવા પોલીસ બોલાવવા ગઈતી .
” બેટા , એનો કોઈ અર્થ નથી . કાલે તને કહી ના શક્યા . સવારે તું નોતી . ક્યાં મોઢે તને વાત કરીએ ? દીકરી……જીવણને મારનારો એ જ છે જેને તું અત્યારે લઈને આવીતી ……બેટા…” કહી મુખીની આંખોમાંથી પાણીની ધાર બંધાઈ . એમા લાચારી વધુ હતી કે સહાનુભૂતિ એ કળી ના શકાયું .
મુખીના શબ્દો સાંભળી અમર કાપો તો લોહીનું ટીપું ના નીકળે એમ જડભરાતની જેમ અવાક બની ઉભી રહી . એ જ હતો એ ખબર હોત તો ત્યાં જ ખંજર હુલાવી દેત ઇ રાક્ષસને….વિચારતી રહી ગઈ . એ ભૂલી પડીતી. મુખીએ કાલની પુરી વાત કરી તો એના રોમેરોમે અગનની જ્વાળા લાગી . રક્ષક જ ભક્ષક બની ગ્યાતા પછી ઉગરવાનો કોઈ આરો નોતો . એ પડી ભાંગી.
” દીકરી , બધું ભૂલી જા. તારા પેટનું વિચાર . ” સાંભળી અમરને યાદ આવ્યું કે એની કુખમા જીવના ધબકારા ચાલુ છે …..અમર ઉભી થઇ કોઈ અગોચર વિચારમાં એના ઉજડેલા મકાન તરફ ચાલી .
***** ******* ********
અમરે કાળીને જન્મ આપ્યો . કાળી માટે એ જીવવા મંડી . એને ઉછેરવામાં એ ખેતરમાં કાળી મજૂરી કરતી . ….કાળી માટે …. લાગેલા જખમ પર સમયનો મલમ લાગ્યો. બધાના મનમાં એના પ્રત્યે આદર તો થોડી દયા હતી . પણ અમરે કયારેય દયા ખાવાની તક ના આપી . મજૂરી કરી છેવટે ના થઇ તો ખેતર ગીરવે મૂકી એણે કાળીને ઉછેરી . જોકે ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો જ . ગોપાલ શેઠ જેવાએ એના ખેતરને પણ પડાવી લીધું ત્યારે એ સમસમી ઉઠી. જોકે હવે એના માટે કાળી સિવાય કંઈ મહત્વનું નોતું . એ પોતે પણ નહીં .
આજે વર્ષો બાદ જીવણને મારનારા એ મોટા જમદારની લાશ જે દી રામપર ગામે લટકાણી …..ગોપાલ શેઠ ….નું ઢીમ ઢળી ગયું ….ત્યારે ગામ ફરી ફફડયું. આજે ફરી મોતના કાળચક્ર વચ્ચે રામપર ફસાયું .
એક પછી એક થયેલી હત્યાઓએ ગામને ધ્રુજાવી દીધું . મેપો, ગભો ને અમર ગામમા નહોતા . કાળી અભાન જેવી બની ઘરમાં પડી રહેતી . એની મા , એનો માનેલો ભાઈ , જેની સાથે ઘર માંડવાના સપના જોયાતા એ જીવો બધા ક્યાંક ખોવાઈ ગ્યાતા . હવે સુનું ઘર …..સુનું જીવન …માત્ર શેષ વઘ્યુંતું .
એ દિવસે ખેતર ના ગઈ હોત તો આ બધું ના બનત . નોરતા આવતા હતા . માં માટે એક નવી સાડી લેવા માટે કેટલી મેહનત કરતીતી. માં ની મનાઈ હોવા છતાં છાનીમાની દાડીએ જાવા લાગીતી . નહીંતર કાળી ને ક્યારેય કામ ના કરવા દેનારી એની માએ કોને ખબર કયારે લીધેલી ચીંથરે હાલ સાડી પહેરી રાખી કાળીને જરી પણ ઓછું ના આવવા દેવવાળી અમર એના માટે જ તો ધસરડા કરતી.
દાડીએ ગઈ . કાળીએ કયારેય કામ તો નોતું કર્યું પણ હવે એ માને પોરો આપવા માગતીતી. એ ગઈ . આમ તો ગુસ્સો એના નાકની દાંડી પર જ રહેતો . પણ એ દીવસે ભીમાએ કાળીને કાઈ વધુ પડતી જ પજવી . એમ તો નેતરના સોટા જેવી કાળી ઘણાને ભુ પાઇ દે પણ એ દિવાએ ભીમાની આંખોમાં ઝેર ધસી આવેલું જોઈ એ ફફડી . છેલ્લે તો હતી એક છોકરી જ ને .
ઝઘડો વધી પડ્યો . ઇ ટાણે જ જીવો ત્યાં આવી ગયો ને ભીમો જીવો બને પોતાના માટે લડી પડ્યા . જીવાએ ભીમાને ચીત કરી દીધો. પણ આખરે ગામનો હતો એટલે જવા દીધો. એ એની મોટી ભૂલ હતી . કાળીને લઇ જીવો ઘરે જવા લાગ્યો. ખેતરમાંથી હજી બહાર નીકળવા જાય ત્યાં જ ભીમો પાછળ થી આવ્યો ….. કોઈ તીરની જેમ એણે મોટો પથ્થર જીવાના માથા પર માર્યો. જીવો લથડી પાણીની કુંડીની ધાર પર પડ્યો. એનું માથું ફાટી ગયું . એના લોહીથી કુંડીનું પાણી લાલ બની ગયું .
જીવાનું લોહી જોઈ એકાએક કાળી ઝનુને ચડી . જાણે જગદંબા જોઈ લો . એનો ક્રોધ જોઈ ઘડીભરતો ભીમો પણ એ ડગલાં પાછળ હટી ગયો . કાળીએ જીવાને જે પથ્થરથી માર્યો એ જ ઉપડ્યો ….ભીમો જીવ બચાવવા નાઠો. રામજાણે કાળીમાં આટલું બળ ક્યાંથી આવ્યું. કોઈ ભુતે એનામાં પ્રવેશ કર્યો હોય તેમ એણે દોટ મૂકી . ઉભા ખેતરમાં ભીમો આગળ ને કાળી પાછળ . વચ્ચે જઈ પથ્થરનો ઘા થયો ને ભીમો પડી ગયો.
પણ હવે લોહી જોઈ કાળી પોતાને ભૂલી ગઇતી . એ થકી નય ત્યાં સુધી મરી ગયેલા ભીમા પર પથ્થરના ઘા મારતી રહી.
માંએ ખોળામાં લીધી ત્યારે નાના બાળકીની જેમ લપાઈ ગઈ. એના પછી તો હત્યાનો ખેલ જ શરૂ થયો . જેમાં હોવી એનું બધું જ દાવ પર લાગ્યું હતું .
મહીનો વીતી ગયો . ભળભાખળું થયું . પનિહારીઓ હેલ લઇ કૂવે ચાલી . પંખીઓએ એમના ગીત શરૂ કર્યા . કૂવે પહોંચેલી પનિહારીઓએ કૂવાના થળામાં બેઠેલા ત્રણ ઓળા જોયા . પાસે જઈ જોયું તો …..અમર.. મેપો…ગભો…..
મુખીકાકાએ ગામ બોલાવ્યું . આંખોમાં આંસુ . ના બોલતા શબ્દોનો ભાર. ઘૂંટાયેલો સ્વર …..ગાંડાની જેમ દોડતી આવેલી કાળી …. એ ……..રોકકળ કરતી માને બાઝી જ પડી . ખુલાસાને કોઈ અવકાશ જ નોતો .
સૂરજ ઉગતા જ પોલીસ ની જીપ આવી . પણ આ વખતે ગામ સીમાડે સામું આવ્યું . એની લાચારી ક્યાંક ઓગળી ગઈતી. સ્વાભિમાન ક્યાંકથી ફૂંફાડો મારી પ્રગટ થઈ ગયુંતું . ચાલમાં અજાણ્યો વિશ્વાસ ….લઇ ….
જીપના પૈડાં થંભી ગયા . જમાદાર ઉતર્યા . કઈ બોલે એ પેલા મુખી બોલ્યા ” કેમ સાબ . આવવું પડ્યું ? ” ચેહરા પરની લાલાશ , મોંનો દેખાવ , કસોક્સ ભીસેલ દાંત , થરડાયા વિનાના શબ્દો આ વખતે ગામના અલગ રૂપ જોઈ પોલિસ ઝંખવાઈ .
” મોટા જમાદાર , ગોપાલ શેઠ , ભીમાને મારનારા અમર , મેપો ને ગભો છે . ક્યાં છે ? ”
” જુવો . આ જે માર્યા ગયા એમને કોને માર્યા એ ખબર નથી . અમર ,મેપો ને ગભોતો આ ઉભા . ” કહી મુખીએ ત્રણેને બાજુમાં લીધા .
” પકડો “પોલીસ આગળ વધે એ પેલા જ મુખી તાડુંક્યા,” એ …. આગળ ના આવતા. કોણ કહે છે કે જમાદાર , શેઠ ને ભીમાને આમણે માર્યા. ”
પોલીસ મૂંગી બની ઉભી રહી . આંખો પર અપરાધનો ભાર જ એટલો બધો હતો કે ……સામી નજર પણ ના કરી શક્યા.
“જુવો. વર્ષો પહેલા જમાદરે જીવણને ગોળી મારી હતી ત્યારે પણ ગામ કાઈ નોતું જાણતું . આજે જમાદાર , શેઠ ,ભીમાને કોણે માર્યા એ પણ ગામ જાણતું નથી . તો મહેરબાની કરી જ્યારે સાબિતી મળે ત્યારે હાલ્યા આવજો . ઇ સિવાય પગ અહીં મુકયોતો ચાલવા પગ નહીં રે . ચાલો રામ રામ સાબ.” મુખીકાકા જાણે ગામ બોલતું હોય એમ બોલી ” ચાલો ” કહી ગામ ગામ ભણી ચાલી નીકળ્યું.
ધીમેંથી વર્ષો બાદ ઇ દિવસે રામપર ગામ પર સાચ્ચે જ સોનાનો સૂરજ ઉગ્યો.
*****સમાપ્ત*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED