Prem ke Pratishodh - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે પ્રતિશોધ - 26

પ્રેમ કે પ્રતિશોધ-26

પ્રેમ કે પ્રતિશોધ-26

(આગળના ભાગમાં જોયું કે કોલેજમાંથી પ્રેમ વિશેની ડિટેઇલ મેળવી અર્જુન મહેસાણા પહોંચે છે. અને નિખિલ વિનયને કોલ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરે છે)

હવે આગળ......


રમેશે દીવાલ સામે આંગળી ચીંધતા અર્જુનને દીવાલ બાજુ જોવાનું કહ્યું.
દીવાલ સામે જોતા બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે દીવાલમાં એક ફોટો હતો જેના પર માળા ચઢાવેલી હતી જેમ કોઈનું અવસાન થયા બાદ ઘરમાં ફોટો પર માળા ચઢાવેલી હોય તે રીતે...અને એ ફોટો હૂબહૂ કોલેજના ફોર્મમાં જે પ્રેમનો ફોટો હતો તેની સાથે મળતો હતો.
રમેશે કહ્યું,“સર, આનો મતલબ પ્રેમ...."
રમેશને આમ વિસ્મયતાથી પ્રેમનો ફોટો જોતા જોઈને બાજુમાં ઉભેલા ગિરધરે કહ્યું,“સાહેબ, આ ફોટો પ્રેમનો છે. રાજેશભાઈનો એકનો એક દીકરો જેનું આજથી છ મહિના પહેલા એક્સિડેન્ટમાં દેહાંત થયું....."
ગિરધર આગળ કઈ બોલે તે પહેલાં તેની નજર મેઈન ડોર બાજુથી આવતા રાજેશભાઈ પર પડી. એણે કહ્યું,“લો સાહેબ પણ આવી ગયા."
ગિરધર ફરી પોતાના કામમાં લાગી ગયો.
રાજેશભાઈ નજીક આવ્યા એટલે અર્જુને ઉભા થઈ હસ્તધુનન કરી પોતાનો અને સાથી કોન્સ્ટેબલનો પરિચય આપતાં કહ્યું,“રાજેશભાઈ હું ઇન્સ્પેક્ટર અર્જુન અને આ મારા સહાયક કોન્સ્ટેબલ રમેશ,રામસિંગ અને સમશેર..."
“બેસો ઓફિસર, ગિરધર સાહેબ માટે..."રાજેશભાઈ આટલું બોલ્યા ત્યાં તો ગિરધર બાજુમાં આવીને ઉભી ગયો.
“જી માલિક, સાહેબને ચા-નાસ્તો વગેરે કરાવ્યા..."
બાજુમાં ખુરશી પર બેસતાં રાજેશભાઈએ ગિરધરને ઉદ્દેશીને કહ્યું“ok, તું જા તારું કામ કર"
“તો ઓફિસર અમદાવાદથી મહેસાણા આવવાનું કેમ થયું?"
“એક કેસની તપાસમાં અહીં આવ્યા હતા પણ..."અર્જુન આટલું બોલી અટકી ગયો.
“કેસની તપાસમાં?"રાજેશભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.
અર્જુને પ્રત્યુત્તર આપતાં કહ્યું,“હા, મર્ડર કેસ અને એ પણ એક નહીં પણ ત્રણ ત્રણ!"
રાજેશભાઈએ થોડીવાર વિચારી પોતાનું મૌન ભંગ કરતાં કહ્યું,“ઓફિસર આમ ગોળગોળ ફેરવ્યા વગર સીધી વાત કરો તો કઈ સમજાય, ત્રણ ત્રણ મર્ડર કેસની તપાસમાં અહીં શા માટે આવવું પડ્યું?"
“અમદાવાદમાં પ્રેમ કઈ કોલેજમાં ભણતો એતો તમને ખ્યાલ હશે જ, તે જ કોલેજમાં અભ્યાસ કરતા એક છોકરી અને એક છોકરો એમ બે મર્ડર થયા છે. અને એક વૃદ્ધ મહિલાનું મર્ડર પણ...."
રાજેશભાઈએ શોક પ્રગટ કરતાં કહ્યું,“ઓહ!, એતો બહુ દુઃખદ વાત કહેવાય પણ તમારે અહીં આવવાની શા માટે જરૂર પડી?"
અર્જુને ચોખવટ પાડતા કહ્યું,“અને અમારી તપાસના આધારે આ બધી હત્યાઓ ક્યાંક ને ક્યાંક પ્રેમ સાથે સંકળાયેલી છે."
અર્જુનની વાત સાંભળીને રાજેશભાઈ થોડીવાર માટે તો જાણે ગહન વિચારોમાં ખોવાય ગયા, થોડીવાર બાદ રાજેશભાઈએ સ્વસ્થ થતા કહ્યું,“ઓફિસર તમે જાણો છો. તમે શું કહી રહ્યા છો તે?"
“એ જાણવાં માટે જ તમારી પાસે આવ્યા હતા પણ.... "રમેશે આટલું કહી પ્રેમના ફોટા તરફ દ્રષ્ટિ કરી.
રાજેશભાઈ તેના કહેવાનો તાત્પર્ય સમજી ગયા હોય તેમ કહ્યું,“ઓફિસર, પ્રેમ છ મહિના પહેલા એક એક્સિડેન્ટમાં.... તો અત્યારની ઘટનાનું પ્રેમ સાથે કઈ રીતે સબંધ હોઈ શકે?"
“અમને પણ પ્રેમ વિશે અહીં આવ્યા બાદ જાણવા મળ્યું રાજેશભાઈ, તમને કદાચ થોડી તકલીફ તો પડશે પણ તમે જો પ્રેમ કોલેજેથી આવ્યો ત્યારથી એનું એક્સિડેન્ટ થયું તે ઘટના વિગતવાર જણાવશો તો અમારો શક પણ દૂર થઈ જશે અને અન્ય કદાચ કોઈ માહિતી અમારા કામની હશે તે પણ મળી શકશે."

“ઓફિસર પ્રેમ મારો એકનો એક પુત્ર હતો, એટલે એના લાલન-પાલનમાં મેં કોઈ કસર... કારણ કે પ્રેમ ચાર વર્ષનો હતો ત્યારે જ તેની માં પણ અમને છોડીને આ દુનિયામાંથી જતી રહી હતી. એટલે પ્રેમની બધી જવાબદારી મારા પર આવી ગઈ અને મેં તેની દરેક ઈચ્છા પૂરી પાડવા પાછળ દિવસ-રાત એક કરીને મહેનત કરી આ એમ્પાયર ઉભું કર્યું છે."
રાજેશભાઈએ ચાનો કપ નીચે મૂકી પોતાની વાત આગળ વધારતાં કહ્યું,“પ્રેમનું જ્યારે કોલેજમાં એડમિશન કરાવવાનું હતું ત્યારે પણ હું તેની સાથે ગયો અને એની રહેવાની,જમવાની વગેરે સુવિધાઓ જાતે ગોઠવી આપી જેથી એને તકલીફ ન રહે. અને પ્રેમ પણ કોલેજમાં સેટ થઈ ગયો હતો. એને ગમતા મિત્રો પણ બનાવી લીધા હતા. અને બધું બરાબર જ ચાલતું હતું. પણ એક દિવસ મને તેનો ફોન આવ્યો.....
******

“હેલો, પપ્પા હું કાલે ઘરે આવું છું"
“કેમ ઘરે અચાનક,બધું બરાબર છે ને?"
“એમ તો બધું બરાબર છે. પણ મને અહીં અમદાવાદમાં નહીં ફાવતું...."
“એક કામ કર તું થોડા દિવસ અહીં આવ અને આરામ કર, પછી ફરી કોલેજે ચાલ્યો જજે.."
“અરે પણ મેડમ એમ જ રજા નહીં આપે...."
“તું એક કામ કર જો જરૂર પડે તો મારી સાથે વાત કરાવજે હું તારા મેડમ જોડે વાત કરી લઈશ"
“ok, thanks જો જરૂર પડશે તો કોલ કરીશ. અને કાલે સાંજે ઘરે આવી જઈશ. Bye"
“ok, bye"
*******
“તો તમે ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન ન કર્યો?"સમશેરે પૂછ્યું.
રાજેશભાઈએ જવાબમાં કહ્યું,“પ્રેમનો સ્વભાવ એવો જ હતો, અને પાછું ઘરેથી છૂટછાટમાં જ રહ્યો હતો એટલે મને લાગ્યું કે કોઈ મોટું કારણ નહીં હોય."

અત્યાર સુધી શાંતિથી રાજેશભાઈની વાત સાંભળી રહેલા અર્જુને અચાનક પૂછ્યું,“તો અહીં આવ્યા બાદ પ્રેમના વર્તનમાં તમને કઈ તફાવત જોવા મળ્યો?"
રાજેશભાઈએ અર્જુનના પ્રશ્નનો જવાબ આપવાને બદલે સામે પોતાનો પ્રશ્ન મુક્તા કહ્યું,“એ તમે કઈ રીતે જાણો છો ઓફિસર?"
“તમે આગળ વાત કરો પછી હું જણાવીશ..."અર્જુને કુનેહપૂર્વક કહ્યું.
“હા, તો પ્રેમ આવ્યો ત્યારે તો કઈ તફાવત ન દેખાયો પણ હું જ્યારે કોલેજની વાત કરતો ત્યારે વાત ટાળી દેતો... આમ જ ત્રણ-ચાર દિવસ તો ચાલ્યું પછી મેં કોલેજે જ તપાસ કરવાનું વિચાર્યું...."

વધુ આવતાં અંકે......


આપનો અભિપ્રાય અચૂક આપશો....
આભાર.
વિજય શિહોરા-6353553470

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED