સાપ સીડી - 22 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 22

પ્રકરણ ૨૨
પહુંચા હું વહાં નહીં દૂર જહાં ભગવાન ભી મેરી નિગાહો સે..


ખુફિયા સેન્ટરની સ્ક્રીન પર તાકી રહેલા બ્રિટનના સરતાજ સમા ચારેય મહાનુભાવો, ક્વીન માર્ગરેટ વિન્ચી, જેનો એકનો એક દીકરો પ્રિન્સ વિન્ચી સ્ક્રીન પર દેખાઈ રહેલા સાધુની દિવ્ય દૃષ્ટિનો શિકાર બન્યો હતો, બ્રિટનના ચીફ સાયન્ટીસ્ટ ગ્રેહામ ફોર્ડ ઇન્ડિયામાં સાધ્વી બનીને આવેલી લીઝા સેમ્યુઅલ અને ડોક્ટર સુબ્રમણ્યમના હૃદયના ધબકાર થંભી ગયા હતા.
યુવાન સાધુ સંજીવ ગાર્ડનમાં પ્રવેશી નાથુદાદા સમક્ષ ઊભો રહી ગયો હતો. થોડી જ ક્ષણોમાં એ નાથુદાદાની સમાધિમાં ખલેલ પહોંચાડવાનો હતો. જેમ પ્રિન્સ વિન્ચીએ પહોંચાડેલી અને પેરેલાઈઝડ થઇ ગયો એમ ક્યાંક સંજીવ પણ જો દાદાની દૃષ્ટિનો શિકાર બની જાય તો બ્રિટનના રોયલ ઘરનો એક માત્ર ચિરાગ ફરી સાજો થવાની જાગેલી ઉમ્મીદ પર પાણી ફરી વળે તેમ હતું.
જ્યારથી પ્રિન્સ પેરેલાઈઝડ થયો ત્યારથી સમગ્ર બ્રિટનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નાથુદાદાની વાતને ગુપ્ત રાખવામાં બ્રિટન ગવર્મેન્ટની નાકે દમ આવી ગયો હતો. મીડિયામાં રોજ સવાર-સાંજ પ્રિન્સના હેલ્થ બુલેટીન છપાતા હતા. ચર્ચોમાં પ્રિન્સના ફરી સાજા થવા માટે સ્પેશ્યલ પ્રેયર થવા માંડી હતી.
ક્વીન માર્ગરેટ વિન્ચી લગભગ સત્યોતેર વર્ષની ઉંમરના મહિલા હતા. એમનો જન્મ થયો અને ભારત જેવા અનેક દેશોને આઝાદી મળી હતી. કેમ્બ્રિજ કોલેજમાં તેઓ ભણતા ત્યારે બ્રિટન જેવા દેશોની પ્રાઈવેટ કંપનીઓ દ્વારા વિશ્વના દેશો પર રાજ ચલાવાયાની વાતો તેમને અંદરથી પીડા આપતી હતી. એટલે જ એમણે ઇન્ડિયા જેવા દેશોમાં સેવા કાર્ય બજાવતા મિશનરીઓને લખલૂટ દાન આપ્યે રાખ્યું હતું. એમણે પોતાના વાર્ષિક ભાષણોમાં ઘણી વખત બ્રિટીશરોની આ લૂંટફાટને અને અત્યાચારોને વખોડ્યા હતા.
“વ્હોટ ઇસ ધિ યુઝ ઓફ ફીઝીક્લ ફેસીલીટીઝ? ભૌતિક સુખ-સગવડો પાછળ આંધળી દોટ મૂકવાનો અર્થ શો? જ્યાં સુધી ઇનર હેપીનેસ નથી ત્યાં સુધી બધ્ધું નક્કામું.” એમના આવા આગ્રહને વશ થયેલા અનેક એન.જી.ઓ. દ્વારા ઇનર હેપીનેસ માટેના પ્રવચનો યોજાતા. ઇન્ડિયાના વિચારોથી શરુ કરી ધાર્મિક આચાર્યોને પણ રાણીની સભાઓમાં પ્રવચન માટે આમંત્રણ મળવા લાગ્યા હતા. પોતાના વાર્ષિક સંબોધનમાં રાણીએ ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો. “લીબર્ટીના નામે આપણે ફેમિલી સિસ્ટમને ડીસ્ટર્બ જ નહીં ડીસ્ટ્રોય કરી નાખી છે. એ આપણી મોટામાં મોટી મિસ્ટેક છે. ઇન્ડિયામાં જુઓ.. હજુ કરોડો ફેમિલી છે, જેમાં પરસ્પર આત્મીયતા છે. ધે કેર ઈચ અધર. મધર ફાધર જ નહીં ગ્રાન્ડ મધર-ફાધર પણ સાથે રહેતા હોય એ ફેમિલીને આજની તારીખે સોસાયટીમાંથી ફૂલ રિસ્પેક્ટ આપવામાં આવે છે અને આપણે ત્યાં વીકલી એક કલાક પણ ફેમિલી એક-બીજાને મળી શકતું નથી. ફેમિલી મીન્સ રિસ્પોન્સીબીલીટી. સેલ્ફ પર કન્ટ્રોલ, ગુસ્સા પર, વાસના પર, સ્વાર્થ પર કંટ્રોલ અને શેરીંગ ઓફ હેપીનેસ.”
બ્રિટનની જનતા, ખાસ કરીને વડીલ વર્ગમાં રાજમાતાના પ્રવચનોની ખાસ્સી અસર હતી.
“યોર હાઈનેસ.. વિ ફાઉન્ડ ધિ મેન ઇન ઇન્ડિયા.” દસેક દિવસ પહેલા લીઝા સેમ્યુઅલના બોસ અને ચીફ સાયન્ટીસ્ટ ફોર્ડ રાણીને મળવા આવ્યા હતા અને સંજીવ વિષે વાત કરી હતી. “લીઝા સંજીવને કન્વીન્સ કરાવી ઇન્ડિયાથી બ્રિટન લાવવા માંગે છે, પણ આઈ ડોન્ટ થીંક.. શી વિલ બીકોમ સકસેસ..” લીઝાના બોસનું આ વાક્ય રાણીને કઠયું હતું અને એમના ચહેરાની રેખાઓ તંગ થઇ હતી. પણ ત્યાં બોસનું આગળનું વાક્ય એમના કાને પડ્યું. “આઈ મીન.. એમાં બહુ વાર લાગશે. આઈ હેવ અનધર આઈડિયા.”
અને રાણીએ પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું હતું.
“વિ કેન કિડનેપ સંજીવ એન્ડ ધેન વિ વિલ કન્વીન્સ હિમ..” બોસ બોલ્યો અને સાંભળનારા બંનેના ચહેરા તંગ થયા હતા. “કિડનેપ?”
“યેસ્સ.. યોર હાઈનેસ.. કિડનેપ.. બીજો કોઈ ઝડપી રસ્તો મને દેખાતો નથી. મીનવાઇલ મને એક ડર પણ સતાવે છે.”
“શાનો ડર? કીડનેપીંગ નો?”
“નો નો.. મેડમ.. કીડનેપીંગ માટે તો મારી પાસે પ્લાન છે. પણ મને ડર એ વાતનો છે કે ક્યાંક સંજીવને લાવવામાં આપણાથી મોડું થઇ જાય અને અહીં સમાધિ લગાવી બેઠેલા સાધુ બાબાનું ડેથ થઇ જાય તો આપણે ઓનરેબલ પ્રિન્સને બચાવવાનો આખરી ઉકેલ પણ ખોઈ બેસીએ.”
બોસના વાક્યની ધારી અસર થઇ..
“કીડનેપીંગ માટે શો પ્લાન છે તમારી પાસે?” રાણીએ પ્રશ્ન કર્યો એટલે બોસે તરત જ કહ્યું.
“આપણા રાષ્ટ્રપ્રમુખ રીગનને ઇન્ડિયાના પ્રાઈમ મિનીસ્ટરે દિવસો પહેલાનું ઇન્વીટેશન આપેલું છે. તો એમના રોયલ વન પ્લેનમાં જ પાછા વળતી વખતે સંજીવને પણ લાવવામાં આવે તો કેવું?”
અને ચક્રો ગતિમાન થયા હતા. રાણીની ઈચ્છાને આજ્ઞા જ સમજવામાં આવતી. બ્રિટનની ઇન્ડિયન એમ્બેસી સાથે વાત થઇ. થોડું આશ્ચર્ય અને થોડી પૂછપરછ સાથે બ્રિટીશ રાષ્ટ્રપ્રમુખ રીગન ઇન્ડિયા જઈ આવ્યા અને વળતા પ્લેનમાં સંજીવને લઈ પણ આવ્યા.
“ઇટ વોઝ.. હોરિબલ એક્સપીરીયન્સ..” રીગને રાણીસાહેબાને પોતાની કેફિયત કહી સંભળાવેલી. “આઈ કાન્ટ બીલીવ..” એ બોલ્યે જતા હતા. “અમે સૌ પ્લેનમાં વળતી સફર માટે ગોઠવાયા અને પાયલટે પ્લેન સ્ટાર્ટ કર્યું. ધેર વોઝ નો રિસ્પોન્સ. પ્લેન ઘરઘરાટી કરે પણ ચાલુ ન થાય. એક વાર, બે વાર, ત્રણ વાર, નો.. મતલબ નો..!” ફાટી આંખે વાત કરી રહેલા રીગનની વાત રાણીને પણ દિલચસ્પ લાગી. એમણે પૂછ્યું. “પછી?”
“અર્ધી કલાક સુધીની મથામણ અમે કરી પણ કોઈ સફળતા ન મળી ત્યારે પેલા સંજીવે અમને બોલાવ્યા અને જે વાત કરી એ ચોંકાવનારી હતી. એને મને અને પાયલટને કહ્યું કે જો તમે એમ માનતા હો કે તમે મને કિડનેપ કરી બ્રિટન લઇ જઈ શકો, તો યુ આર રોંગ. એનો અહેસાસ તમને લોકોને થાય તે માટે મેં જ આ પ્લેનને અટકાવી રાખ્યું હતું. અને હવે હું જ એને સ્ટાર્ટ થવાની અનુમતિ આપું છું. કહી એણે આંખ બંધ કરી ‘ઓમ......’ બોલ્યું. બે મિનીટ પછી અમે પ્લેન ચાલુ કર્યું તો ઓલ ઇસ વેલ.. પ્લેન સ્મુધલી ચાલુ થઇ ગયું. મેમ.. અમે એ પ્રીષ્ટને પગે પડી ગયા.”
રાણીને લાગ્યું હતું કે હવે પોતાનો પુત્ર જરૂર સાજો થઇ જશે. આજે જ સવારે નિયત સમયે રાજમહેલમાંથી મોટરોનો કાફલો નીકળ્યો હતો. તમામ રાજમાર્ગો પર રાણીના કાફલાને માન આપતા પ્રજાજનો વાહનો ઊભા રાખી, તેમાંથી ઊતરી ઊભા રહી ગયા હતા. કાફલો હાઈવે પરથી એક પ્રતિબંધિત માર્ગ પર ચાલવા લાગ્યો અને..
સામેની સ્ક્રીન પર નાથુદાદા સામે આંખ મીંચીને બેસી રહેલા સંજીવમાં થયેલા સળવળાટથી સૌ શ્વાસ રોકી દૃશ્ય સામે તાકી રહ્યા.
સંજીવના હોઠ ફફડ્યા અને એમાંથી “ઓમ...” એવો લાંબો ઓમકાર ગૂંજી ઉઠ્યો. થોડીવારે એણે બીજી વાર “ઓમ...” બોલ્યું. સૌ ઝીણવટથી જોઈ રહ્યા હતા. નાથુદાદા બંધ આંખની પાછળ ભીતરના માર્ગે ઊંડે-ઊંડે ઉતરતા-ઉતરતા સૃષ્ટિ સર્જનના કેન્દ્ર પાસે સ્થિર થઇ ત્યાં સતત ગૂંજી રહેલા “ઓમ..” નાદમાં લીન થયેલા હતા. પ્રસન્નતાની એ ટોચ હતી. ત્યાં ઓમકારના ધ્વનિનો પડઘો સંભળાવાનો શરુ થયો. થોડી વારે.. બે અલગ ઓમકાર સંભળાવા શરુ થયા. દાદાની આંખ સહેજ ખેંચાઈ. ધીરે-ધીરે.. પડઘો મોટો થતો ગયો અને મૂળ સ્વર દબાતો ગયો. એ સ્વરની પાછળ-પાછળ દાદા પરત આવવા માંડ્યા. અને થોડી જ ક્ષણોમાં એમના કાને સામે બેઠેલા સંજીવનો ઓમકાર ગૂંજવા લાગ્યો. હવે એમને આસપાસના પક્ષીઓનો કલરવ સંભળાવા માંડ્યો. પવનનો સ્પર્શ વર્તાવા લાગ્યો અને..
ધીમે રહી.. એમની આંખ સહેજ ખૂલી. સામે કોઈ પ્રકાશિત આકૃતિ બેઠી હતી. ધીરે-ધીરે એ આકૃતિ મનુષ્યના આકારમાં ફેરવાઈ. હવે ત્યાં બેઠેલો સંજીવ તેમને સ્પષ્ટ દેખાવા લાગ્યો. એ બંધ આંખે ઓમકાર બોલ્યે જતો હતો. દાદાની અમી દૃષ્ટિ એના પર પડી.
સ્ક્રીન પર જોઈ રહેલા સૌને આશ્ચર્ય થયું. દાદાની દૃષ્ટિમાંથી લાલ નહીં, સફેદ રંગનો પ્રકાશ સંજીવના માથા પર, આંખ પર રેલાઈ રહ્યો હતો. દાદાના ચહેરા પર સ્મિત રમતું હતું. ધીમે રહી સંજીવે આંખ ખોલી.
સામે પ્રકાશપુંજ હતો. દાદાની આસપાસનું ઉર્જાવર્તુળ પ્રજ્વલિત હતું. દાદાની અમીદૃષ્ટિ સાથે સંજીવની દૃષ્ટિ મળી. ભીતરે પ્રસન્નતા વ્યાપી ગઈ. સંજીવે તરત જ સહેજ પાછળ ફરી જોયું અને અગાઉથી ગોઠવી રાખ્યા મુજબ જ પ્રિન્સ વિન્ચીની વ્હીલચેર સંજીવની નજીક સરકી. પ્રિન્સે આંખ બંધ રાખી હતી. દાદાની પ્રેમાળ દૃષ્ટિ પ્રિન્સ પર પડી.
સ્ક્રીન પર દાદાની દૃષ્ટિમાંથી નીકળતું સફેદ કિરણ પ્રિન્સના દેહ તરફ ફેંકાતું દેખાયું. પ્રિન્સના માથા પર, કપાળની વચ્ચે, હૃદય પર ફરતું એ કિરણ ફરી સંજીવ તરફ વળ્યું. અને પ્રિન્સનો ડાબો હાથ સળવળ્યો, જે હાથ પક્ષઘાતમાં ખરી પડ્યો હતો એ હાથ સળવળ્યો. સંજીવે અગાઉ આપેલી સૂચના મુજબ જ પ્રિન્સે એ હાથ સાથે જમણો હાથ જોડી દાદાને નમન કર્યા.
હવે.. દાદા ઊભા થયા. સંજીવ પણ ઊભો થયો અને પ્રિન્સે પણ ઊભા થવાની કોશિશ કરી અને સૌના આશ્ચર્ય વચ્ચે બે વર્ષથી પથારીમાં પડેલા પ્રિન્સને સૌએ કોઈના પણ સહારા વિના ઊભો થતો જોયો.
સ્ક્રીન પર જોઈ રહેલા રાણીની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. “લુક.. હી ઇસ સ્ટેન્ડિંગ..” અને તેઓના પણ હાથ દાદા સામે જોડાઈ ગયા. રાણીને અનુસરતા બાકીના ત્રણેય પણ દાદા સામે હાથ જોડી ગયા.
થોડી ક્ષણો બાદ દાદાનો ઉર્જાઉજાસ ક્રમશ: હળવો થયો ત્યારે સંજીવનો દેહ થોડો તપી રહ્યો હતો. પ્રિન્સ અગાઉની સૂચના મુજબ દાદાને નમસ્કાર કરી, ગાર્ડનની બહાર નીકળી ગયો. જયારે સંજીવ હળવા પગલે દાદા સામે તાદાત્મ્યતા બાંધી એમના તરફ આગળ વધ્યો અને સાવ નજીક જઈ એમના ચરણોમાં નમી ગયો. દાદાની દિવ્ય દૃષ્ટિ સંજીવના આખા દેહને પવિત્ર કરી રહી. દાદાનો હાથ આશીર્વાદની મુદ્રામાં ઊંચો થયો.
“આયુષ્ય માન ભવ.. આત્મ જ્ઞાન વાન ભવ..”
હાથ જોડેલા રાખી સંજીવ ઊભો થયો. “ગુરુદેવ.. આજે મારું જીવન, મારો જન્મ ધન્ય થઇ ગયો. આપનો સાક્ષાત્કાર પામી મારી ભીતરે સંપૂર્ણ શાંતિ પથરાઈ ગઈ. અંતરમાં હરખ વ્યાપી ગયો. હું ધન્ય થઇ ગયો ગુરુદેવ.. હું ધન્ય થઇ ગયો...”
દાદા સહેજ મુશ્કુરાયા.
પછી સહેજ ગંભીર મુખમુદ્રા ધારણ કરી.
“ગુરુદેવ.. મારી કંઈ ભૂલ થઇ? આપના ચહેરા પર કેમ પ્રસન્નતાનું સ્થાન ગંભીરતાએ લઇ લીધું?”
“તારા પર થયેલા અત્યાચારો, તને થયેલા અન્યાયો અને પ્રહારો તારા આજ્ઞાચક્રમાં વાંચી હું વ્યથિત થઇ ગયો દીકરા...” કહી સહેજ અટકી ગુરુદેવે દૂર-દૂરના કોઈ અજાણ્યા પ્રદેશને તાકતા કહ્યું. “માનવજાત આ શું વ્યવસ્થા કરી બેઠી છે? પરમાત્માની પ્રાપ્તિ માટેનો સૌથી વધુ અનુકુળતા ધરાવતો માનવ દેહ ધારણ કર્યા પછી પ્રસન્નતાથી શરુ કરી સમાધિ સુધીના પથ પર આગળ ધપવાને બદલે માનવજાત કઈ વિચિત્ર વ્યવસ્થા માં ફસાઈ ગઈ છે? જે ધ્યેયો જાનવર યોનિમાં હાંસલ કરવાના હોય તે ધ્યેયો માનવ યોનિમાં નિશ્ચિત કરી માનવજાત કેમ માનવ દેહને વેડફી રહી છે? શું માનવ દેહનું મુલ્ય કોડીનું છે? જો આમ જ માનવજાતને જાનવરની જેમ જ જીવવાનું હોય તો પૃથ્વી પરથી માનવ દેહનું નિકંદન નીકળી જાય એ જ યોગ્ય ગણાશે.”
ગુરુદેવના શબ્દો શ્રાપ બની સાચા સાબિત થાય એ પહેલા ગુરુદેવની વાણીને વિરામ આપવો જરૂરી હતો. પણ સંજીવ નાથુદાદાનું વાક્ય કાપી વચ્ચે બોલવાની હરકત કરવાની ગુસ્તાખી ન કરી શક્યો. દાદા આગળ બોલ્યા. “શું માનવજાતને ખબર નથી કે પૃથ્વી કરોડો વર્ષો સુધી માનવ વિહોણી જ હતી. અને અબજો વર્ષો સુધી માનવ વગર પૃથ્વીને ચાલે તેમ છે. તો શા માટે વિનાશના આરે જઈ ઊભા છે માનવો?” કહી દાદાએ એક ઊંડો શ્વાસ લઇ ઓમકારનો ઉચ્ચાર કર્યો.
“મને દેખાઈ રહ્યું છે. સમાજમાં ઈમાનદાર લોકો પરેશાન છે, સાચા લોકો બેચેન છે, પ્રામાણિક લોકો દુખી છે. પણ આ પરેશાની, બેચેની કે દુ:ખ કરતા બેઈમાન લોકો, ખોટા લોકો કે અપ્રામાણિક લોકોની હાલત વધુ બદતર છે. એક પણ બેઈમાન, ખોટો કે અપ્રામાણિક માનવ પ્રસન્નતાનો અનુભવ કરતો જોવા નથી મળતો. છતાં.. માનવોના ટોળે-ટોળા એ માર્ગ તરફ કેમ આકર્ષાઈ રહ્યા છે?”
કહી ગુરુદેવ સંજીવ તરફ ફર્યા. “મને અફસોસ એ વાતનો નથી કે કોઈ વ્યક્તિ પોતે પોતાનો સ્વવિકાસ નથી કરી રહી, અફસોસ એ વાતનો છે કે માનવ બીજાને વિકસતા, ઈમાનદારીથી કામ કરતા, પ્રામાણિકતાથી જીવતા કે સત્યના માર્ગે જતા અવરોધી રહ્યો છે.”
એવામાં એક પક્ષી ટહુકા કરવા માંડ્યું. એ સાંભળી ગુરુદેવના ચહેરા પર પ્રસન્નતા છવાઈ. આ તકનો લાભ લઇ સંજીવે સમગ્ર માનવજાત વતી દાદાને પ્રાર્થના કરી. “દાદા.. આપનામાં જે પ્રસન્નતા વ્યાપેલી છે, એ સમગ્ર માનવજાતમાં વ્યાપે એવી કૃપા કરો. આપ માનવજાતમાં ઉર્જાસંચાર કરવાની કૃપા કરો. એકવાર ફરી તક આપો. માનવજાતનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવો.”
થોડી ક્ષણોના મૌન બાદ દાદાએ આદેશ આપ્યો. “ભલે સંજીવ.. તારી પ્રાર્થના હું સ્વીકારું છું. આવતીકાલે સવારે સમગ્ર માનવજાતને હું એકવાર ફરી સજીવન કરીશ. તું એ માટે વ્યવસ્થા કર. મારા આશીર્વાદ તારી સાથે છે.”
અને દાદા ફરી પેલા આસન પર બિરાજમાન થયા.
“દાદા.. આપના માટે ફળાહારની વ્યવસ્થા કરી છે. જો આજ્ઞા હોય તો..” દાદા બાળ સહજ મુસ્કુરાયા.
આ અલૌકિક દૃશ્ય સ્ક્રીન પર ભજવાઈ રહ્યું હતું.
જયારે દાદા ફરી સમાધિસ્થ થયા ત્યારે રાણી માર્ગારેટે સૂચના આપી. “આ મુલાકાતને વિશ્વની તમામ ચેનલો પર પ્રદર્શિત કરવાની વ્યવસ્થા કરો. અને આવતીકાલે દાદા જે પ્રયોગ વિશ્વ સમક્ષ મૂકવા માગતા હોય તે માટે પણ વિશ્વના તમામ દેશોને આજે જ તાત્કાલિક જાણ કરો અને તૈયારી કરો.”
થોડી જ મિનીટોમાં બ્રિટનનું વ્યવસ્થા તંત્ર દોડવા માંડ્યું. દાદા અને સંજીવની મુલાકાત હજ્જારો ચેનલો પર અને કરોડો ટીવી પર દેખાડવામાં આવી. મોબાઈલ પર, સોશિયલ મીડિયામાં બધે જ આ મુલાકાત વાયરલ ખબર બની ગઈ.
==============