સાપ સીડી - 23 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 23

પ્રકરણ ૨૩
સંભવામિ યુગે યુગે...

“હે વિશ્વ માનવ.. હું તારો આરાધ્ય દેવ, ખુદ ઈશ્વર, જે આકાશમાં સૂર્ય સ્વરૂપે દૃશ્યમાન છું. આજ ફરી એક વખત સંભવામિ યુગે યુગેના મારા વચનને નિભાવતો સંપૂર્ણ સજીવ સૃષ્ટિને અંતિમ માર્ગદર્શન આપી રહ્યો છું.
મારી લેન્ગવેજ ગમે તે હોય પણ આજ હું વિશ્વચેતના, તમારામાં રહેલી સૂક્ષ્મ ચેતનાને ગાઈડ લાઈન આપું છું. આઈ એમ ફુલ્લી કનેક્ટેડ વિથ યોર ઇનર એનર્જી.
વિશ્વના સાત અબજ માનવો જ નહીં પણ સમગ્ર સજીવ સૃષ્ટિને આજ હું સંબોધી રહ્યો છું. તમારી આસપાસના પશુ, પક્ષીઓ પર નજર ફેરવો. તેઓ મારી વાત સાંભળવા આંખ બંધ કરી, એકચિત્ત થઇ ગયા છે.”
નાથુદાદા સહેજ અટક્યા. ટીવી પર આ દૃશ્ય જોઈ રહેલા અમેરિકાના શિક્ષિકા સ્ટેલા માર્ટીને દરવાજા પાસે નજર નાખી તો એમનો પાળીતો કૂતરો ટફી આંખ મીંચી બેઠો હતો. કોઈના તબેલામાં ઘોડાઓ આંખ બંધ કરી ઉભા હતા, તો કોઈના ઘરે પીંજરામાં પૂરેલો પોપટ આંખ બંધ કરી સ્થિર ઊભો હતો. ક્યાંક ઝાડ પર કાગડો, કબુતર આંખ બંધ કરી ગયા હતા. તો ક્યાંક પ્રાણી સંગ્રહાલયના સિંહ, હાથી આંખ બંધ કરી શ્રવણ કરી રહ્યા હતા.
ત્યાં નાથુદાદાનું આગળનું વાક્ય સૌના કાને પડ્યું. “માનવસમાજ એ સમગ્ર સૃષ્ટિમાં સૌથી વિકસિત તત્વોનો બનેલો સમાજ છે. બીજા તમામ સજીવો કરતા માનવ સજીવ વધુ આગળ છે કેમ કે એને મન, આત્મા, ચેતના અને લાગણીઓનો પરિચય વિશેષ છે. મારામાંથી એટલે કે સૂર્યમાંથી નીકળતી ઉર્જાનો સૌથી વિશેષ ઉપયોગ માનવ સમાજ કરે છે. પણ અફસોસ એ વાતનો છે કે આ ઉર્જાનો ઉપયોગ અત્યારે કેવળ ભૌતિક સુખસગવડ પર જ ફોકસ્ડ છે, કેન્દ્રિત છે.
તમે અવનવી શોધ કરો છો, સૂર્ય કૂકરથી શરુ કરી સન એનર્જીથી ઉપગ્રહો ચલાવો છો. પણ આ તો કેવળ મેટર રીલેટેડ જ સંશોધનો છે. મારી સન એનર્જીથી માનવના મન, આત્મા અને ચૈતન્યને જ્યાં સુધી ચાર્જ નહીં કરો ત્યાં સુધી તમારા સંશોધનો સુખ વધારવાની બદલે દુ:ખ વધારનારા બની રહેશે. જે દિવસે તમારા હિરોસીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ પડ્યા. તે દિવસે સૌથી વધુ દુ:ખ મને.. એટલે કે સૂર્યને થયું હતું. મારી શક્તિનો કેવડો મોટો દુરુપયોગ? અને એ પણ ભણેલા ગણેલા વૈજ્ઞાનિકો દ્વારા? રાજનેતાઓ દ્વારા?
પ્રાચીનકાળમાં ભારત દેશે મારી એનર્જીને કેન્દ્રિત કરવાની, માનવ સમાજમાં એ એનર્જી ચાર્જ કરવાની યોગ, ધ્યાન, તપ જેવી અનેક પદ્ધતિઓ શોધી કાઢી હતી. એ સમયે ભારતના માનવોમાં મારી એનર્જી ખૂબ હાઈ લેવલ પર સંગ્રહિત રહેતી અને માનવનો વિકાસ એના હાઈએસ્ટ લેવલ પર હતો. ત્યારના લોકો અત્યારના જમાનાની જેમ માત્ર હાસ્ય કે ઠહાકા પર અટકેલા નહોતા. ત્યારના મોટાભાગના લોકોને ચોવીસ કલાક હરખ, આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થતો.
અત્યારના વૈજ્ઞાનિકોએ શરીરમાં રહેલી મેટરના માપન માટે કલીનીકલ થર્મોમીટરથી શરુ કરી છેક સીટી સ્કેન અને એમ.આર.આઈ.ની મોંઘી દાટ ટેકનોલોજી વિકસાવી છે. પણ માણસમાં રહેલા આનંદને માપવા હેપ્પીનેસ ઇન્ડેક્સ ગ્રાફ યંત્ર, ઉત્સાહને માપવા માટે, ઉમંગને માપવા માટેનું કોઈ સાધન કેમ નથી વિકસાવ્યું?
નોકરી કે લગ્નના બાયોડેટામાં પણ બાહ્ય જ ડેટાના આધાર પુરાવાઓ કેમ જુઓ છો? કેમ તમે એમનો થનગનાટ, ઉર્જા લેવલ, શુભ વિચારો અને સજ્જનતાપૂર્ણ વ્યવહારના માર્ક કે પર્સન્ટેજની ક્યાંય તપાસ નથી કરતા?
ધન માટે યુદ્ધ સુધીની ગાંડી દોટ તમે ન મૂકો. એ માટે મેં સિકંદરના અંતિમ સમયમાં એની અંતિમ યાત્રા ખુલ્લા હાથે કઢાવી. કેવળ સેવા માટે આખું જીવન ખર્ચી નાખનાર જલારામબાપા જેવા સંતોની પાલખીને જગતમાં ફેરવી. તોયે તમારી આંખ કેમ નથી ઉઘડતી?
ભૂંડ, ભેંસથી શરુ કરી આકાશે ઉડતા ગીધ, કાગડા સુધીના તમામ અધકચરા સજીવ અવતારો તમે પૂરા કર્યા પછી માંડ-માંડ માનવ દેહ મળ્યો છે. એને ક્યાં ખર્ચી રહ્યા છો?
શું તમને ખબર છે કે મેં તમારામાં જન્મ સમયે એટલી ઉર્જા ભરી હોય છે કે જેથી તમે મીનીમમ દોઢસો વર્ષ પૂરા ઉત્સાહ અને થનગનાટ સાથે જીવી શકો. ના.. આયુષ્ય ઓછું થવા પાછળના ખોરાકની ભેળસેળ, નવા-નવા રોગો અને નવી-નવી સમસ્યાઓ જેવા ખોટા અને બકવાસ કારણોને સાચા માની લેતા નહીં. સાચા કારણો તો તમારી પૈસા પાછળની આંધળી દોટ, ખોટો અહંકાર, સ્વાર્થ, ઘૃણા, ક્રોધ અને લાલચ છે. આ બધા દુર્ગુણોના દૂષિત વિચારો અને એની પાછળ થતા દૂષિત કર્મો કેવળ અને કેવળ તમારા આનંદ, ઉત્સાહ, પ્રસન્નતાને હણનારા અને આયુષ્યના દિવસો ઓછા કરનારા છે.
તમારા જીવનની એક જ કમાણી હોવી જોઈએ અને એ છે ઉર્જા શક્તિ. ધન નહીં, ધ્યાનની કમાણી કરો. સમાજ પણ નવો ચીલો ચાતરે. ધનવાનોના હાથે નહીં, ધ્યાનવાનોના હાથે ઇનામ વિતરણ, ઉદઘાટન કરાવે. મારી સૂર્ય ઉર્જા દ્વારા તમારી ચેતના શક્તિ, આત્મ શક્તિને ચાર્જ કરવાનો એકમેવ સરળ માર્ગ છે ધ્યાન. આંખ બંધ કરી, કેવળ અને કેવળ પોતાનામાં ઊંડું ઉતરવું.
આ બધું થાય એની પહેલી વ્યવસ્થા હું ખુદ કરું છું. તમામ સજીવો, જે મને ટીવી, રેડીઓથી સાંભળી રહ્યા છે અથવા આ વાંચી રહ્યા છે, એ તમામના શરીરમાં રહેલા ઉર્જા કેન્દ્રોને હું આવનારી કેટલીક ક્ષણોમાં એક્ટીવેટ કરીશ. એ પછી સાત દિવસ રોજ તમારે એક કલાક આંખ બંધ કરી બેસવાનું. બાકીની તમામ જવાબદારી મારી એટલે કે સૂર્ય શક્તિની રહેશે. હું ફરી એક વખત સાત અબજ માનવ સજીવોને જ નહીં, પશુ, પક્ષી, વનસ્પતિ જેવા અબજો સજીવોમાં રહેલા મારા ચાર્જીંગ પોઈન્ટ એવા સાત ચક્રોને એક્ટીવેટ કરું છું. આપ સૌ આંખ બંધ કરી બેસી જાઓ. હું ‘ઓમ..’ બોલી મારી પ્રક્રિયા શરુ કરીશ. અને બીજી વાર ‘ઓમ’ બોલીશ ત્યારે લગભગ ત્રણ મિનીટમાં મારી પ્રક્રિયા પૂરી થશે. બીજીવાર હું ‘ઓમ’ બોલું પછી આપ સૌ આંખ ખોલી નાખજો. અત્યારે આંખ બંધ કરી દો.”
કોણ જાણે કેમ નાથુદાદા બોલ્યા અને સમગ્ર માનવસમાજ પર એની અસર થઇ. સૌ જ્યાં હતા ત્યાં આંખ બંધ કરી બેસી ગયા. બે-પાંચ સેકન્ડમાં તો સમગ્ર પૃથ્વી પર સન્નાટો છવાઈ ગયો. અને કેવળ એક અક્ષર સંભળાયો. ”ઓં....મ.....”
આંખ બંધ કરી બેઠેલા તમામ સજીવોએ પાંચમી જ ક્ષણે માથા પર થોડો ગરમાવો અનુભવ્યો. એ પછી કપાળની વચ્ચે ત્યાંથી ગળામાં ફરતો કોઈ અનેરો ઉર્જા પ્રવાહ સંપૂર્ણ દેહમાં ફરી વળ્યો. કોઈએ સહેજ ધ્રુજારી અનુભવી તો કોઈએ સહેજ આંચકો. ભીતરે થોડીવાર સળવળાટ થયો અને બધું શમી ગયું. કોઈ અજાણ્યો આનંદ નસેનસમાં વ્યાપી ગયો.
”ઓં....મ.....” ફરીથી નાથુદાદાનો ઓમકાર ગૂંજી ઉઠ્યો. એ સાથે સમગ્ર સજીવોમાં થનગનાટ વ્યાપી ગયો. ત્યાં નાથુદાદાના શબ્દો એમના કાને પડ્યા. “સૌ સહજતાથી આંખ ખોલો.” સૌ નવી તાજગી સાથે ટીવી પર નાથુદાદાને નિહાળી રહ્યા. “હું ખાતરી સાથે કહું છું કે હવે તમે તમે.. નથી. ચાર મિનીટ પહેલા તમે જે હતા એ બદલાઈ ગયા છો. મને અહીંથી સમગ્ર પૃથ્વીનું ઉર્જા લેવલ વધી ગયું દેખાઈ રહ્યું છે. અને...” કહી નાથુદાદા પળભર અટક્યા.
“હવે.. મારો આ દેહ જીર્ણ થઇ ગયો છે. હું આ દેહ બદલાવી રહ્યો છું. નવા દેહે હું નવા બાળ સ્વરૂપે પાછો આવી રહ્યો છું. આજ જન્મનારા પાંચ કરોડ બાળકોમાં હું ખુદ સૂર્ય ઉર્જા અવતરી રહ્યો છું. માનવસમાજ મારું ઘડતર એવી રીતે કરજો કે મારામાં ચૈતન્ય, થનગનાટનું લેવલ ખૂબ હાઈ રહે. વૈજ્ઞાનિકો.. એવા સાધનો વિકસાવજો, જે મારા ચૈતન્યને માપે, થનગનાટને માપે અને જો એ ઓછું થાય તો એ વધારવા હું મેક્સીમમ ધ્યાન, યોગ, સાધના કરી શકું એવી વ્યવસ્થા કરજો. રાજનેતાઓ, શિક્ષકો અને સમાજના અગ્રણીઓની જવાબદારી વિશેષ છે.” સૌની આંખમાં સહેજ ભીનાશ વ્યાપી ગઈ.
“મને મારી સમાધિમાંથી સહજતાથી બહાર લાવવામાં આ મારા વહાલા દીકરા સંજીવની ઉર્જા થોડી ઓછી થઇ છે. એટલે એ મારી જેમ ઈશ્વર સ્વરૂપ પામતા સહેજ માટે અટકી ગયો છે. પેલી સાપસીડીના નવ્વાણુંમા નમ્બર પર સાપ આવતા કેમ પંચાણું-અઠાણુંના લેવલે પહોંચેલો ખેલાડી ફરી પાંચ-પંદર કે પચ્ચીસ પર પહોંચી જાય, એમ સંજીવ ફરી સામાન્ય માનવ બની જશે. એ કોલેજમાં ભણતો એવો અથવા કોલેજમાં ભણાવતો એવો પેલી માલતીને ગમતો એવો બની જશે.” કહી દાદાએ સહેજ સ્મિત કર્યું. “પણ.. એના અંતિમ દિવસે હું ખુદ એને લેવા આવીશ. ખુદ સૂર્ય શક્તિ એને લેવા આવશે, એવું વચન આપું છું.” કહી દાદાએ એક ઊંડો શ્વાસ લીધો.
“ચાલો.. હવે હું જાઉં.” કહી દાદાના મુખમાંથી “ઓ..મ....”નો નાદ નીકળ્યો અને દાદાએ આંખ બંધ કરી દીધી.
લગભગ દસેક મિનીટ સુધી પૃથ્વી પર શૂન્યાવકાશ સર્જાઈ ગયો અને એ પછી પૃથ્વીના અનેક ખૂણે સુખદ ઘટનાઓ બની. કાશ્મીરની સરહદમાં ઘુસેલા ત્રણ આતંકવાદીઓ હથિયાર હેઠા મૂકી સરન્ડર થયા. તેમને પકડી લેવાને બદલે ભારતીય લશ્કરે તેમને સહી-સલામત પાકિસ્તાન તરફ રવાના કર્યા. ભારતના સંસદ ભવનમાં સત્તાપક્ષી અને વિપક્ષી નેતાઓ એક-બીજાને ભેટી ને ખૂબ રડ્યા. કેટલીક સ્કૂલોના બાળકો અને શિક્ષકો ફેર-ફુદરડી ફરવા લાગ્યા. તો કોલેજીયનો નાચવા-ગાવા લાગ્યા.
નક્સલવાદીઓથી શરુ કરી આતંકવાદીઓ સૌ-સૌના પરિવાર પાસે રાજીખુશીથી પરત ફર્યા. બ્રિટનથી નીકળેલું એર ઇન્ડિયાનું પ્લેન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું અને એમાંથી સંજીવ બહાર નીકળ્યો ત્યારે તેને રિસીવ કરવા હજ્જારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.
એ તમામના અભિવાદનને ઝીલતો સંજીવ જયારે એક્ઝીટ પોઈન્ટ પર આવ્યો અને ત્યાં ઊભેલી માલતીની મારકણી આંખ સામે એણે આંખ મીંચકારી ત્યારે ત્યાં ઉભેલા તમામ લોકોએ તાળીઓનો ગડગડાટ કરી નાથુદાદાનો જયજયકાર બોલાવ્યો.
દિવસો સુધી માનવસમાજે દાદાની આજ્ઞા મુજબ ધ્યાન કર્યું. નવા જન્મેલા બાળકોને દાદાની આજ્ઞા મુજબ નવી પદ્ધતિથી જીવનલક્ષી, ચૈતન્યલક્ષી શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા ગોઠવવાના કામે માનવજાત લાગી ગઈ. અને.. ઊંચે આકાશમાં સૂર્યનો રંગ સોનેરી થવા માંડ્યો...
===========