પ્રકરણ ૩
યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી.
રફીકનું માથું ભમવા માંડ્યું હતું. રાત્રીના નવેક વાગ્યા હતા. સ્ટેશન રોડના છેવાડે અને બજારની વચ્ચે જ આવેલી, ત્રણ માળની બિલ્ડીંગ ના એન્ટ્રન્સથી શરુ કરી કાચના દરવાજા સુધીનો વિસ્તાર એની આંખમાં, જાણે છાપ મારી દીધી હોય એમ કોતરાઈ ગયો હતો. કાચના પ્રવેશદ્વારની ઉપર જગમગતી લાઈટોના બનેલા બોર્ડમાં 'અન્નપૂર્ણા હોટલ' શબ્દો ઝબૂકતા હતા. ગેટ પરના બંને પિલર પર પીળા પ્રકાશવાળી બે મોટી લાઈટો અંદર અને બહાર ખાસ્સો પ્રકાશ ફેંક્તી હતી. ગેટમાંથી પ્રવેશતા જમણી તરફ પાર્કિંગ હતું...તેમાં ત્રણેક ટુ-વ્હીલર અને એક કાર પાર્ક થયેલી પડી હતી. બે-ચાર બે-ચાર ગ્રાહકો આવ-જા થતા હતા, કોઈ કપલ પ્રવેશતું તો કોઈ આખું ફેમીલી પ્રવેશતું..
બપોરના ત્રણેક વાગ્યે રફીક પોતે એ પ્રવેશદ્વાર પાસે ઉભેલા મૂછાળા ચોકીદારના હાથની બે થપાટ ખાઈને પાછો ફર્યો હતો. એની ખીજ હજુયે રફીકને પરેશાન કરતી હતી, પરંતુ એથીયે વધુ બેચેની પેલા બાવાના ગાયબ થઈ જવાની હતી.
છેક અમદાવાદથી જેનો પીછો કરતો પોતે અહીં ત્રણસો કિલોમીટર છેટેના આ શહેરમાં ભટકી રહ્યો હતો, એ બાવો ક્યાં ગાયબ થઇ ગયો એ રહસ્ય એને ચૂંથી પણ રહ્યું હતું. સ્ટેશન પરથી કોઈ છોકરાની પાછળ પાછળ એ બાવો નજીકની સોસાયટીના છેવાડાના ફળિયામાં દાખલ થયો ત્યારે થોડી મિનીટો તો રફીકેય દૂરથી છુપાઈને એ તરફ નજર રાખેલી. એક તરફ કકડીને ભૂખ લાગી હતી, બીજી બાજુ શિયાળામાં પણ સૂર્યનો તાપ અકળાવનારો હતો. આખરે કંઇક વિચારી, પેટનો ખાડો પૂરવા રફીક ફરી સ્ટેશને પહોચ્યો હતો. સ્ટેશન પરની લારીએથી ભજીયાની બે પ્લેટ દાબી રફીક ઉતાવળે પાછો પેલી સોસાયટીએ જઈ ચડ્યો હતો.
વડોદરા બેઠેલા યાકુબખાન સાથેની વાત કર્યાને બે કલાક વીતી ચૂક્યા હતા. એટલે એણે ફરી યાકુબખાનનો નંબર જોડ્યો અને વિગતે વાત કરી. યાકુબખાને તરત જ તાકીદ કરેલી.. ”એ બાવા પરથી નજર હટાવતો નહિ ... જો ગરબડ થઇ તો તારું જડબું તોડી નાંખીશ ..!”
એ જ બાવો રફીકથી ખોવાઈ ચુક્યો હતો...! પણ એમ કેમ બની શકે? એ હજુ અન્નપુર્ણામાં જ હશે..? હોય તો સારું એમ વિચારતા રફીકે જીણી નજરે ફરી અન્નપુર્ણાનું પ્રવેશદ્વાર જોયું. બે જુવાનીયાઓ તેમાંથી બહાર નીકળ્યા. એકે પાર્કિંગ માંથી હોન્ડા કાઢ્યું. બીજો તેની પાછળ ગોઠવાયો. ન તેમને દાઢી હતી કે ન લાંબા વાળ અને પહેરવેશ પણ પેન્ટ શર્ટનો હતો. એને ઈન્તેજાર હતો દાઢી ધારી સાધુનો અથવા પોતે કામે લગાડેલી રૂપાળી લલના રમલીનો.
પેલી સોસાયટીમાંથી બાવો છેક ત્રણેક વાગ્યે બહાર નીકળ્યો હતો. એક પોટલી સાથે પેલા મકાનમાં પ્રવેશેલો બાવો પાછો નીકળ્યો ત્યારે એક નવી થેલી, એક છત્રી અને પગમાં નવા જૂતા સાથે નીકળ્યો હતો.. હિંદુ વિધિ-વિધાનથી અજાણ રફીકને નવાઈ લાગી. યાકુબખાનની તાકીદ યાદ આવી. હજુ આ છત્રી જૂતાનું રહસ્ય પોતે સમજે એ પહેલા તો સાધુ સ્ટેશન વટાવી ગયો. રફીકે સલામત અંતર રાખી એનો પીછો ચાલુ રાખ્યો હતો.
કોઈ આતંકવાદી હશે? કે સી.આઈ.ડી.નો જાસુસ? યાકુબખાનને આ બાવાની હિલચાલમાં આટલી બધી દિલચસ્પી હતી એટલે મામલો ગંભીર તો હતો જ એ વાત રફીક જાણતો હતો. રફીકને નવાઈનો આંચકો લાગ્યો. સ્ટેશન રોડ પર જૂતા સીવતા મોચી પાસે બાવો ઘડીક ઉભો રહ્યો. તાપમાં શેકાતો ગરીબ મોચી જૂતા સમારવામાં મશગુલ હતો.. બાવાએ પેલી છત્રી ખોલી અને મોચીને છાયો કરી આપ્યો...મોચી હાથ જોડી ફરી જૂતા સીવવા લાગ્યો. બાવો છત્રી ત્યાં જ મૂકી આગળ ચાલ્યો.
અચાનક રફીકની આંખ ઝીણી થઇ. એ એજ હતી... રેડ ટોપ, બ્લુ જીન્સ અને આંખે કાળા ચશ્માં પહેરેલી રમલી ચો-તરફ નજર નાખતી અન્નપુર્ણા હોટેલના ગેટની બહાર પહોંચી. તરત જ રફીક રીક્ષામાં ગોઠવાયો અને ડ્રાઈવરનો ખબો દાબ્યો..
રીક્ષા અન્નપુર્ણા પાસેથી પસાર થઇ સહેજ આગળ જઈ થંભી. રૂપાળી રમલી.. ઉતાવળી ચાલે રીક્ષા નજીક પહોંચી અને રીક્ષામાં ગોઠવાઈ ત્યારે તેનું રૂપાળું મદમસ્ત બદન, છાતી પાસે ટોપ ના એક ખુલ્લા બટન ને કારણે દેખાતું જોબન અને શ્વાસની ગરમીએ રફીકના દિમાગને બેકાબુ કરી મુક્યું. કાશ..આ જન્નતની પરી સુલતાનભાઈની મહોબ્બત ના હોત તો...
“કામ પત્યું?” રફીકે ઉતાવળા અવાજે પૂછ્યું..
“હા... બાવો વેશ પલટો મારીને સાંજે જ ભાગી છૂટ્યો છે...” રમલી રફીક સામે જોઈ બોલી.
“યા... અલ્લાહ ..” રફીકને યાકુબખાનનો ખીજ ભર્યો ચહેરો યાદ આવી ગયો. “પણ... એ ગયો ક્યારે?”
સ્ટેશનેથી પેલા મોચીને છત્રી આપી બાવો આગળ વધ્યો ત્યારે પોતે તેની પાછળ જ હતો. સ્ટેશન રોડ પર આઠ દશ રીક્ષાઓ ઉભી હતી.. બાવાએ આખો રોડ વટાવી નાખ્યો. રફીક પાછળ જ હતો. એને નવાઈ લાગતી હતી. બાવો ક્યાં જઈ રહ્યો હતો? કોઈ મંદિર માં જશે? કે કોઈ ધર્મશાળામાં? અને પોતે આમ ક્યાં સુધી એનો પીછો કરતા રહેવું પડશે? રફીકને યાદ આવ્યું. આ જ ગામમાં પોતાનો મિત્ર સુલતાન રહે છે. જો યાકુબભાઈ કહે તો અત્યારે જ આ બાવાના હાથ પગ બાંધી અહીંના પોતાના મિત્ર સુલતાનની મદદથી તેને પાર્સલ કરી દઉં.
ત્યાં જ બાવો અન્નપુર્ણા લોજની સામેની ચાની રેકડી પર અટક્યો. કશીક વાતચીત કરવા લાગ્યો. આમ તેમ હાથ ફેરવી પેલા રેકડીવાળાને દિશા ચીંધતો કૈંક પૂછવા લાગ્યો. આખરે એ ધીમી ચાલે અન્નપુર્ણા હોટેલમાં પ્રવેશ્યો ત્યારે રફીકના આશ્ચર્યનો પાર ન રહ્યો. સાધુડો અને હોટેલમાં? થોડીવાર રાહ જોઈ રફીકે પગ ઉપાડ્યા. અન્નપુર્ણાના દરવાજેથી અંદર નજર નાખી. સાધુ દેખાયો નહિ પણ દરવાજે ઉભેલા ચોકીદારે એની સામે કરડાકીથી જોયું. રફીક એની નજીક ગયો પછી એને મળ્યા વિના સીધો કાચના પ્રવેશદ્વારમાં ઘુસી ગયો. રીસેપ્શન પર એક યુવતી ફોન પર વાત કરી રહી હતી. સોફા પર બેએક કપલ બેઠા હતા. કાચના પાર્ટીશનની પેલેપાર જમવાનું ચાલતું હતું. ગ્રાહકો ઓછા હતા. આમેય ચાર થવા આવ્યા હતા. રફીકે ઊંચાનીચા થઇ દૂર દૂર નજર દોડાવી પણ સાધુ ક્યાંય દેખાયો નહિ.
“યેસ સર.. વોટ કેન આઈ હેલ્પ યુ..?” રીશેપ્સન પરની યુવતીએ રફીકને વિચિત્ર રીતે તાકતા પૂછ્યું.
“પેલા સાધુ મહારાજ ક્યાં જતા રહ્યા?” રફીકે પૃછા કરી.
“કેમ?” પેલીએ સામું પૂછ્યું. એટલે રફીકને પોતાની ભૂલ સમજાઈ. તરત જ ખુદને સંભાળતા એણે પેલીની નજીક જઈ ધીમા અવાજે પણ શ્રદ્ધાથી કહ્યું.. “મારે એમનાં આશીર્વાદ લેવા હતા..”
રીશેપ્સનીસ્ટ થોડી ગૂંચવાયેલી હતી. થોડી મિનીટો પહેલા આવેલા સાધુનો બહુ આશ્ચર્યજનક અનુભવ એને થયેલો. સાધુએ આવીને પૂછ્યું હતું. “બેન..શું આ હોટેલના માલિકનું નામ ગીધાભાઈ છે?”
સાધુની વેશભૂષામાં કોઈ આવીને હોટેલના માલિક ગિરધરલાલ શેઠ માટે “ગીધાભાઈ” શબ્દ વાપરે. તો પોતે શો જવાબ આપવો એ પેલીને તરત ના સુજ્યું. છતાં સાધુની નિર્મળ આંખ અને “બેન” નું સંબોધન એને માન ઉપજાવી ગયું. એટલે પેલીએ સાધુનું વાક્ય સુધારતા કહ્યું. “ગીધાભાઈ નહિ.. ગિરધરલાલ શેઠ છે આ હોટેલના માલિક...”
“હા હા.. એ જ.. મારે એમને મળવું હતું...” સાધુના ચહેરા પર સહજ સ્મિત હતું.
“કેમ..?” ચબરાક યુવતીએ પોતાની રોજિંદી ફરજના ભાગરૂપ પ્રશ્ન કર્યો. એટલે સાધુ એક ક્ષણ વિચારમાં પડ્યો પછી તરત જ કહ્યું. ”બેન.. હું અને ગીરધરલાલ શેઠ એક જ ગામ ના છીએ. જો એક વાર એમને કહો કે સંજીવભાઈ રતનપર વાળા મળવા માંગે છે.. તો તમારો ખુબ આભાર...”
એની વિનમ્ર વાણીથી રીસેપ્સનીસ્ટ યુવતી ડોલીને એના માટે માન ઉપજ્યું. આમેય સાધુને જે કામ હતું એ ડોલીની ફરજથી જુદું હતું. એટલે એણે ફોન પર મેનેજર સાહેબને આખી વાત કરી. પછી સાહેબના આદેશ મુજબ અંદરથી વેઈટરને બોલાવી સાધુને મેનેજર સાહેબની ઓફીસ તરફ ઉપરના માળે લઇ જવા કહ્યું.
હજુ આ ઘટનાને પાંચ સાત મિનીટ વીતી ત્યાં સાધુની તપાસ કરતા આ મવાલી છાપ માણસને જોઈ ડોલી સતર્ક બની.
“એ તો જતા રહ્યા..” ડોલીએ રફીકને બહાર તરફ આંગળી ચીંધતા કહ્યું. તદન જુઠ્ઠું બોલી રહેલી યુવતી પર રફીકને ખીજ ચઢી. એટલે એણે સહેજ કડકાઈથી કહ્યું. “હું એમની પાછળ જ હતો. જુઠ્ઠું કેમ બોલો છો? ક્યાં છે એ બાવો?”
સાધુ મહારાજમાંથી સીધું “બાવો” સંબોધન સાંભળી ડોલીને ખાતરી થઇ ગઈ કે આ મવાલી કૈંક ખેલ કરી રહ્યો છે. એણે તરત જ પોતાના ટેબલ નીચેની સ્વીચ દાબી એટલે બહારથી મુછાળો ચોકીદાર તુરંત જ અંદર આવ્યો.
“બોલો ભાઈ.. શું પ્રોબ્લેમ છે...” એણે ડોલી મેડમનો રફીક તરફનો ઈશારો જોઈ, રફીક સાથે ડાયરેક્ટ વાત કરી. એના આવાજમાં તાકાત હતી. રફીકને “કાચું કપાઈ ગયું” એમ સમજાય તો ગયું પણ રૂપાળી ડોલીની નશીલી હાજરીમાં હાર માનવામાં એને અહંકાર નડ્યો. એ પેલા ચોકીદાર સાથે જીભાજોડી કરી બેઠો. વાત આગળ વધી અને ચોકીદારે એને બાવડું પકડી કાચના બારણાની બહાર ધકેલ્યો. રફીકના મગજનો પારો ઉકળવા લાગ્યો. પણ ચોકીદાર મજબુત હતો. એણે ગેટ આગળ તો રફીકને બે લપડાક પણ લગાવી દીધી. અંદરથી બીજા બેએક સિક્યુરીટીવાળા પણ દોડી આવ્યા એટલે રફીકને ત્યાંથી જતા રહેવામાં જ સલામતી લાગી.
પણ એ પછી ક્યાંય સુધી સામેના કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલી વાણંદની દુકાન પર રફીકે અહીંથી નજર રાખી હતી. દોઢ બે કલાક તો એ ખોડાયેલો જ રહ્યો હતો. ન પેલો સાધુ મળ્યો કે ન પેલી રીસેપ્સ્નીસ્ટ દેખાઈ.
ઓત્તારી...રફીક ને સ્પાર્ક થયો. હોટેલમાં બીજો કોઈ દરવાજો તો નહી હોય? તેણે પેલા વાણંદને પૂછ્યું. તો જવાબ મળ્યો કે હોટેલનો મેઈન દરવાજો તો પાછળની બાજુ મેઈન રસ્તા પર પડે છે. રફીકને પોતાની ભૂલ સમજાઈ. આખરે એણે પોતાના મિત્ર સુલતાનની મદદ માંગવા તેને ફોન લગાડ્યો. સુલતાને કહ્યું “આ કામ તો મારી રમા ચુટકીમાં કરી આપશે.” અને થોડી જ વારમાં હોટેલથી થોડે દૂર રમાને લઇ સુલતાન આવી પહોચ્યો. રમા ખુબસુરત હતી, રસભરી હતી, આકર્ષક હતી, ઊંચી, ભરેલી અને રૂપાળી હતી. બ્લ્યુ જીન્સ પેન્ટ અને રેડ ટોપ તેણે પહેર્યા હતા. રફીક થોડી વાર તો તેને તાકી જ રહ્યો પણ સુલતાને એને ઢંઢોળ્યો. “જો જે કુતા.. એના પર નજર ના નાખતો..”
ચા પીતા-પીતા રફીકે ટૂંકમાં આખી વાત સમજાવી.
હોટેલના ગેટ પાસે પહોંચી ત્યારે રમાના મગજમાં પ્લાન ચાલતો હતો. જો પેલી યુવતી જ રીસેપ્શન પર હશે તો પોતે એને પોતાના રૂપથી આંજી નહિ શકે એટલે પોતે થોડું કટક બટક કરવા અંદર ઘૂસશે ત્યારબાદ કોઈ વેઈટર બોય કે બીજા પુરુષને પકડી એની પાસેથી બાવાની માહિતી બહુ આસાનીથી કઢાવી શકાશે. પણ એ કાચનો દરવાજો ખોલી અંદર પ્રવેશી તો રીસેપ્શન પર પેલી યુવતીના બદલે યુવાન ઉભો હતો. રમા ખુશ થઇ ગઈ. એને પોતાની ચાલમાં થોડુ કામણ ઉમેર્યું.. અને પેલા સામે જોયું. એ સાથે જ પેલો પાણી-પાણી થઇ ગયાની એને ખાતરી થઇ ગઈ. કશા જ ખર્ચ વગર રમા પેલા પાસેથી માહિતી લાવી શકી.
“પણ એ ગયો ક્યાં હશે?” રફીકના અવાજમાં ચિંતા હતી.
“જોગર્સ પાર્ક સોસાયટીમાં આવેલા આ હોટેલના માલિક શેઠ ગિરધર લાલના બંગલે...” રમાએ પેલા રીસેપ્સ્નીસ્ટ બબુચક પાસેથી મેળવેલી માહિતી રફીકને આપી અને રીક્ષા રોકવા ઈશારત કરી. રીક્ષા થંભી એટલે રફીકે સો-સો વાળી બે નોટ રમાને પકડાવી. રમા નશીલું મુસ્કુરાઈ અને રીક્ષામાંથી ઉતરી ગઈ. એ પછી રીક્ષા જોગર્સ પાર્ક બાજુ દોડવા માંડી.
============