Sap Sidi - 5 books and stories free download online pdf in Gujarati

સાપ સીડી - 5

પ્રકરણ ૫
“વ્હાલમ આવો ને આવોને.. માંડી છે લવની ભવાઈ...”


અરીસા સામે ઉભા રહી, માલતીએ એક ક્ષણ માટે પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું. આંખ સાથે આંખ મળતા જ એનું હૃદય થડક્યું...!
‘પુરુષોને સ્ત્રીનું રૂપ નીતરતું જોબન, એના અંગવળાંક પસંદ હોય છે માલતીજી.. બટ આઈ લવ યોર આયસ... ધારદાર.. પાણીદાર.. તગતગતી તમારી આંખોનો નશો કૈંક જુદો જ છે..’ સંજીવના શબ્દોએ ત્યારે તો માલતીના દિમાગમાં ખુમાર ભરી દીધો હતો, પરંતુ અત્યારે દિલમાં ખિન્નતા વ્યાપી ગઈ. સાત વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ વીતી ગયા હતા સંજીવ ગયા ને.! હતો તો એ આ દુનિયામાં જ.. પણ ક્યાં હતો? કઈ દિશામાં હતો? શું કરતો હતો..? એ કશી જ ખબર ન હતી માલતીને.
નીચે ગેઇટ ખુલવાનો અવાજ સાંભળી માલતી વર્તમાનમાં આવી. હજુ અર્ધી કલાકની વાર હતી કોલેજે જવા નીકળવાને. નીચે થતી વાતચીતમાં ઈલાનો આવાજ એણે ઓળખ્યો. કામવાળી કુસુમે “દીદી હમણાં જ નીચે આવશે” કહ્યું પણ “હું એમને એમના રૂમમાં જ મળી લઉં” કહેતી ઈલા ઉપર આવી પહોંચી.
કોલેજમાં સંસ્કૃત વિષયની પ્રાધ્યાપિકા માલતી શહેર આખામાં પોતાની વિદ્વતા માટે ઓળખાતી, પણ ઈલા માટે તે એક ફ્રેન્ડ હતી, ફિલોસોફર હતી, ગાઈડ હતી. માલતીને આવતા ગુરુવારે પાંત્રીસમું વર્ષ પૂરું થતું હતું અને છત્રીસમું બેસતું હતું, જયારે ઈલા પચ્ચીસ વર્ષની હતી.
“દીદી..” ઈલા રૂમમાં પ્રવેશી ત્યાં જ માલતીને એના ચાલ ઢાલમાં ખુશહાલી વર્તાવા લાગી. એ સીધી જ માલતીને પગે લાગી.. “આઈ લવ યુ દીદી...”
ઈલાને આઠેક દિવસ પહેલા રાજકોટથી જોવા આવ્યા હતા. ઈલા કહેતી હતી કે છોકરો બી.એડ. કરેલો છે. કચ્છમાં ગ્રાન્ટ-ઇન-એઈડ શાળામાં ફિક્સ પગારમાં નોકરી કરે છે. અત્યારે તેર હજાર જેવો પગાર મળે છે પણ પાંચ વર્ષ પુરા થઇ જશે એટલે ફૂલ પેમાં આવી જશે. જો ઈલાનું ત્યાં નક્કી થાય તો તેણે કચ્છ રહેવા જવાનું થાય.
“જવાબ આવી ગયો લાગે છે..” માલતીએ પોતાની પાણીદાર આંખ ઈલાની આંખમાં પરોવી અને ઈલા લજાઈ ગઈ. “આઈ લવ યુ દીદી..” એ હરખાતા બોલી. માલતી પણ ખીલ ખીલ હસી પડી. ઈલાને માન હતું માલતીદીદી માટે. આદર્શ હતા માલતીદીદી ઈલાના.
“જો ઈલા..!” એ લોકો જોવા આવ્યા એ પહેલાના દિવસે ઈલા, માલતી દીદીની સલાહ લેવા આવેલી, ત્યારે માલતીદીદીએ કહેલું વાક્ય ઈલાને સ્પર્શી ગયું હતું. “જેમ સ્ત્રીના માતા, પુત્રી, પત્ની એવા વિવિધ સ્વરૂપો છે, તેમ જ પુરુષના પણ વિવિધ સ્વરૂપો છે. તે આજ સુધી તારા પિતા વિષે, ભાઈ ટીકુડા વિષે જે કાઈ વિચાર્યું, તેનાથી જુદું જ સ્વરૂપ પતિનું છે. એક એવો પુરુષ જેની આગળ આપણું સંપૂર્ણ સ્ત્રીત્વ સમર્પિત થાય. મન, અંતરાત્મા, તમામ ઝૂકી જાય. આવા સંબંધનું જીવનમાં એક અલાયદું મહત્વ છે. માટે બાહ્ય દેખાવ, કુટુંબ, ઘર-પરિવાર જોયા બાદ એ પુરુષમાં રહેલું ‘સ્વત્વ અને સત્વ’ ખાસ જોવું. જો હૃદય માની જાય તો બસ પત્યું.. બાકી બધા પ્રશ્નો ગૌણ છે.”
“દીદી.. કુલદીપ એવા જ છે..” ઇલાએ તે દિવસની માલતીદીદીની વાત યાદ કરી, ખુલ્લા મને કુલદીપ વિષે પોતાના હૃદયની વાત કરી. “પપ્પા-મમ્મીને પણ એ ગમ્યા છે. હું સાંજે તમને મળવા આવીશ ત્યારે આખી વાત કરીશ. આજ સવારમાં જ એ લોકોનો ફોન મારા રાજકોટવાળા માસાસાહેબને આવ્યો અને એમણે અમને જાણ કરી એટલે તમે કોલેજ જતા રહો એ પહેલા હું તમને કહેવા દોડી આવી. સાંજે આખી વાત કરું..” ઈલા આવી હતી એ જ ઝડપે પાછી જતી રહી.
બરોબર ત્યારે જ માલતીનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર શંભુકાકા લખ્યું હતું. માલતીએ મોબાઈલ કાને ધર્યો.
“વંદે માતરમ કાકા..!”
“વંદે માતરમ દીકરી..!” કહી સહજ અટકી શબ્દ ગોઠવતા શંભુ કાકા બોલ્યા “બેટા.. પેલી મંથન વાળી વાતનું આજે ફાઈનલ કરીએ? તું સાંજે આવીજા ને કાર્યાલયે.”
“જી કાકા..” માલતીને સહેજ ખચકાટ તો થયો પણ એ ના ન પાડી શકી. હવે આ પ્રશ્નને ઠેલી શકાય એમ ન હતો.
“ભલે બેટા.. સાંજે મળીએ.”
“જી કાકા..”
“વંદે માતરમ..”
“વંદે માતરમ..કાકા..”
અને રૂમમાં થોડી ક્ષણો માટે ખામોશી ફેલાઈ ગઈ. માલતીનું હૃદય રડતું હતું, ચીખતું હતું, ચિલ્લાતું હતું.. “સંજીવ ક્યાં છો.. તમે..? હવે તો પાછા આવો..” પણ ક્યાંયથી કશો જવાબ ન આવ્યો. કેવળ ખામોશી રૂમમાં ફરી વળી. સાત-સાત વર્ષોથી આ ખામોશી માલતીના હૃદયને આમ જ ઘેરી વળી હતી. જો કે માલતી અને સંજીવ અત્યારે એક જ શહેરમાં હતા પણ પરસ્પરથી અજાણ હતા.
શંભુ કાકા સાથેની આવનારી મુલાકાત માલતીને આવનારા દિવસોમાં સંજીવની નજીક લઇ જનારી સીડી નીવડવાની હતી કે નજીક માં જ આવી પહોંચેલા સંજીવથી તેને દૂર ફેંકી દેનાર સાપ બનવાની હતી, એ માલતી જાણતી ન હતી.
=============

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED