સાપ સીડી - 9 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 9

પ્રકરણ ૯

જિંદગી કા સફર.. હે યે કૈસા સફર..


“વાત લાંબી છે પણ તમે છેક અમદાવાદથી એ રહસ્યમય આદમીની તલાશમાં આવ્યા એટલે હું માંડીને જ આખી વાત કરું.”
રાજસ્થાનના ગુજરાતી વિસ્તારના વન બેડરૂમ, હોલ, કીચન વાળા મકાનના હોલમાં કુલ પાંચ વ્યક્તિઓ હાજર હતા. સંજીવની શોધમાં અને એની ભાળ મળતા, બેહદ ઉત્તેજીત અને બ્હાવરી બની ગયેલી માલતી, માલતીની ખુબસુરતી અને સરળતાને બેહદ ચાહતો નાટ્ય કલાકાર મંથન, જે અત્યારે સંજીવની તલાશને મિશનની જેમ પાર પાડવા મથી રહ્યો હતો, મંથનનો ખાસ મિત્ર પત્રકાર આલોક કે જેનું જાસૂસી દિમાગ કૈંક ખતરાની ઘંટડી વગાડી રહ્યું હતું અને આલોકના અમદાવાદી મિત્ર અરવિંદ શુકલાનો મિત્ર જતીન પટેલ કે જેનું આ ઘર હતું અને જતીન ની પત્ની બિંદુ...
ગઈકાલ વહેલી સવારે મંથન અને માલતી અમદાવાદ પહોંચ્યા ત્યારે સંજીવની શોધનો મુદો એટલો તો એમના માનસ પર હાવી થઇ ગયો હતો કે તેઓ બંને માત્ર ચાલીસ જ કલાકમાં એકમેકના આત્મીય બની ગયા હતા. શંભુકાકાને તો માલતી સમજાવી શકી હતી કે પોતે ક્યાં જઈ રહી છે પરંતુ પિતાને એ સાચી વાત કરી શકી ન હતી. પિતા કોઈ કાળે સંજીવની શોધ કરવા પોતાને પરવાનગી ન આપે એ જાણતા શંભુકાકાએ જ માલતીને પિતા સમક્ષ અત્યારે ખોટી વાત કરવા જણાવ્યું હતું અને માલતી કોલેજની કોન્ફરન્સનું બહાનું બતાવી પિતાને સમજાવી ચૂકી હતી. અમદાવાદના મહાવીરનગરમાં આવેલા જૈનમંદિરની બરોબર બાજુના ફ્લેટમાં રહેતા અરવિંદ શુક્લાના ઘરમાં એક મોટો હોલ હતો, બે બેડરૂમ હતા, દરેક રૂમમાં એ.સી. હતા, ઉનાળામાં આગઝરતી ગરમીથી બચવા અમદાવાદીઓ માટે એ.સી. એ સામાન્ય પંખાની જેમ ફરજીયાત બની ગયા હતા. અરવિંદ સ્વભાવે હેલ્પફુલ નેચરવાળો હતો. કાળી ફ્રેમના ચશ્મા, બગલમાં લટકતો થેલો અને જભ્ભા લેંઘાનો ડ્રેસ એ અરવિંદની આગવી ઓળખ હતી. આલોક અને અરવિંદની મિત્રતા ખાસ્સી જૂની હતી. બે અઢી કલાકના રોકાણ દરમિયાન માલતી અને મંથને આ બંને જીગરી મિત્રોના ભૂતકાળના સંસ્મરણો સતત સાંભળવા પડ્યા હતા. જર્નાલિઝમના કોર્સના એ દિવસો, ચૂંટણી, ગુજરાતનું મોદી શાસન, ડીબેટ, કોંગ્રેસ, ભાજપ અનેક વિષયો પર બંને મિત્રોએ અલકમલકની વાતો કરી. એ દરમિયાન અરવિંદે રાજસ્થાનના તેના મિત્ર જતીન સાથે વિગતે વાત કરી લીધી. માલતી, મંથન અને આલોકને પૂરતી મદદ કરવાની જતીને તૈયારી બતાવી. અરવિંદ જે ન્યુઝપેપર માટે કામ કરી રહ્યો હતો તેઓ નવી ન્યુઝ ચેનલ શરુ કરવાની પૂરજોશ તૈયારીમાં હોવાથી અરવિંદ રાજસ્થાન જઈ શકે તેમ ન હતો. પણ એણે ત્યાં બધી ગોઠવણ કરી આપી. બપોરે જમી લીધા બાદ મંથન, માલતી અને આલોકને લઇ સ્કોડા કાર રાજસ્થાન તરફ જતા પાલનપુર હાઇવે પર દોડવા માંડી.
લગભગ સાતેક વાગ્યે તેઓ લાંબા-લાંબા અને વળાંક વગરના રાજસ્થાની રસ્તાઓ પસાર કરતા જયપુરમાં પ્રવેશ્યા ને સાડાસાતે ગુજરાતીપરામાં આવેલા જતીનના ઘરે પહોંચ્યા. થોડા ફ્રેશ થયા. જતીન અને તેની પત્ની બિંદુએ અરવિંદના મિત્રોનું ખુબ જ માનપૂર્વક સ્વાગત કર્યું. રાજસ્થાની દાલ-બાટીનું સ્વાદિષ્ટ ભોજન લઇ સૌ વાતે વળગ્યા. થોડી ઔપચારિક વાતો થઇ અને સૌ ભાવમગ્ન બની ગયા. સંજીવનો ઉલ્લેખ થતા જ વાતાવરણમાં એક અનોખી ગંભીરતા ફેલાઈ ગઈ. ખાસ કરીને માલતી અને સંજીવના લાગણી સંબંધોનો ઉલ્લેખ થતાં જ સૌ સાવચેત થઇ ગયા. શબ્દો જોખી-જોખીને બોલાવા માંડ્યા અને જતીનને થયું કે માલતીને હક છે સંજીવ વિષે જાણવાનો. એટલે એણે વાત માંડી. અને સૌની સામે લગભગ છ કે સાત વર્ષ પહેલાના એ દ્રશ્યો ભજવવા માંડ્યા.
* ** * * *
“આર.કે. ઇન્ડસ્ટ્રીઝ એટલે રાજસ્થાનની બહુ મોટી ફેક્ટરી. માત્ર ભારત જ નહિ, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને ન્યુઝીલેન્ડમાં અમારા મશીનોની ડીમાન્ડ છે.” જતીનભાઈ બોલી રહ્યા હતા.
“એક દિવસ અમારા માલિક, રણજીતસિંહ ઓફિસમાં પ્રવેશ્યા ત્યારે તેમની સાથે એક નવો ચહેરો પણ હતો. સાહેબે મેનેજરને કહ્યું કે “આ સંજીવભાઈ છે. કમ્પ્યૂટરના નિષ્ણાંત છે. એમને આપણી ઓફિસમાં કામ આપી દો.” મેનેજર વિનોદકુમારે એમને કમ્પ્યૂટરનું ઓફિસ વર્ક શીખવ્યું અને મેં એમનું નામ અકાઉન્ટના ચોપડામાં ચડાવ્યું. ઓફિસથી થોડે દૂરની વસ્તીમાં એને અમારા ચોકીદારે મકાન પણ ભાડે અપાવી દીધું. દિવસો વીતતા ગયા. એ ચૂપચાપ કામ કરતા ગયા. મહેનતુ હતા, કામઢા હતા, પણ કોઈની સાથે ભળતા નહીં. લગભગ છ મહિના બાદ એક દિવસ..
“સંજીવભાઈ.. તમને બોસ બોલાવે છે ચેમ્બરમાં.” સાંભળતાં જ સંજીવભાઈના મનમાં ફાળ પડી. આસપાસના ટેબલે કામ કરતાંકર્મચારીઓ પણ કાંઇક આશંકાથી સંજીવભાઈ સામે જોઈ રહ્યાં. જો કે સૌની આંખમાં દયાનો ભાવ સંજીવભાઈને દેખાયો. જાણે કહેતા ન હોય કે બિચારાનું આવી બન્યું.
પટાવાળો ગયો એટલે તરત જ સંજીવભાઈએ કમ્પ્યૂટરની સ્ક્રીન ઓફ કરી, ખુરશીને સહેજ પાછળ ઠેલી, ઢીલા પગે બોસની ચેમ્બર બાજુ ચાલવા માંડયું. બેતાલીસ વર્ષની ઉંમરના સંજીવભાઈ બાવન વર્ષના લાગતા હતા. એમના મનમાં વિચારો ઘૂમરાવા માંડ્યા હતા. “અહીંથી નોકરી જશે તો બીજે ક્યાં શોધીશ? ગઈકાલે અકાઉન્ટન્ટ જતીનભાઈ કહેતા હતા કે હું ઓફિસમાં વધુ પડતું કામ કરું છું એ સૌની આંખમાં કણાની જેમ ખટકે છે. શું એ બાબતની કોઈ ફરિયાદ થઇ હશે?”
જાણે કોઈ ફિલ્મ ચાલતી હોય તેમ માલતી, મંથન અને આલોક સાંભળી રહ્યા હતા અને જતીનભાઈ.. બોલી રહ્યા હતા.
“મે આઈ કમ ઇન સર?” સહેજ ડોરઉઘાડી સંજીવભાઈએ એ.સી.ની ઠંડકવાળીચેમ્બરમાં બેઠેલા બોસ વિનોદકુમાર સામે જોતાં પૂછ્યું. બિલોરી કાચ જેવા ચશ્મા, ચોરસ ચહેરો, કાન પર ફોનનું રિસીવર અને હાથમાં પકડેલી પેન વડે ચેક પર સહી કરતાં વિનોદકુમારે એક ઉડતી નજર સંજીવભાઈ પર નાંખી હાથના ઈશારે જ અંદર પ્રવેશવા કહ્યું. અકાઉન્ટન્ટ એક પછી એક ચેક સાહેબ સમક્ષ ધરતા જતા હતા.
સંજીવભાઈ સમક્ષ એ સહજ હસ્યા.
સંજીવભાઈ અદબ વાળી એમની જમણી બાજુ ઊભા રહી ગયા.
ફોન પર વાત પૂરી થઇ.
બોસે સંજીવભાઈને સામેની ચેર પર બેસવા ઈશારત કરી અને જતીનભાઈને સૂચના આપી “નવેમ્બરમાં દિવાળી આવી રહી છે, આ વખતનું બોનસ ગણી રાખો. આ વખતે ઓક્ટોબરમાં જ નવેમ્બરનો પગાર તેમજ બોનસ સૌને એડવાન્સ આપવાનો બાપુનો હુકમ છે એટલે આજકાલમાં ગણતરી થઇ જાય તો બાપુ પાસે મોકલીને પાસ કરાવી લઈએ.”
“જી સર..” કહી જતીનભાઈને બોસે જાઓ એવી ઈશારત કરી એટલે એમણે ચેમ્બર બહાર ચાલતી પકડી. ત્યાં સુધી સંજીવભાઈ ઢીલા મોઢે અને ચિંતાતુર ચહેરે સાહેબ સામે તાકતા બેસી રહ્યા.
“સંજીવભાઈ.. ફાવી ગયું ને ઓફિસમાં?”
પ્રશ્ન સાંભળી સંજીવભાઈને નવાઈ લાગી.
“જી સર, ફાવી ગયું.”
“સરસ.. હવે બંગલેથી બાપુનો ફોન હતો. આજે આઠની બદલે પાંચ વાગ્યે જ ઓફિસેથી નીકળી જઈ બંગલે પહોંચી જજો. બાપુને કંઇક કામ છે.”
“મારું કામ? સાહેબજીને?” સંજીવભાઈને તાગ મળતો ન હતો.
“હા.. કંઇક કમ્પ્યૂટર બાબતનું છે.”
“જી સર..”
“સખારામ ડ્રાઈવર તમને બાપુના બંગલે લઇ જશે.”
“જી સર..”
એ પછી બોસે બે-ચાર સૂચનાઓ આપી, પણ સંજીવભાઈને નોકરી ગયાની ચિંતા ટળતા સહેજ હાશકારો થયો હતો. બીજી તરફ આવડી મોટી કંપનીના કરોડોપતિ માલિક પાસે જતાં થોડો ડર પણ લાગતો હતો.
એ ટેબલ પર ગોઠવાયા એટલે તરત જ બાજુના ટેબલવાળા શાહે પૃચ્છા કરી. સંજીવે અંદર બનેલી વાત કહી સંભળાવી. શાહને પણ ઝાઝી ગતાગમ ના પડી.
==========
બરોબર સાડા પાંચ વાગ્યે સ્વીફ્ટ કાર આર.કે. ઇન્ડસ્ટ્રીઝના માલિક રણજીતસિંહ ઝાલાના મહેલ જેવા બંગલામાં પ્રવેશી. દિલ્હીમાં મંત્રીઓના આવાસોમાં હોય છે એવું વિશાળ પટાંગણ. રંગબેરંગી ફૂલોનો બગીચો અને ફૂવારો વટાવતા ગાડી બંગલાના પગથિયા થંભી. ડ્રાઈવર સખારામે દરવાજો ખોલી દીધો એટલે સંજીવભાઈ એમાંથી બહાર નીકળ્યા. ત્યાં બંગલાના દ્વાર પર એક વડીલ દોડી આવ્યા.
“જય માતાજી રઘુકાકા.. આ છે સંજીવભાઈ..”
“હા હા.. જય માતાજી સંજીવભાઈ.. આવો. બાપુ તમારી જ રાહ જુએ છે.”
સંજીવ થોડો નર્વસ થઇ ગયો. બાપુ મારી રાહ જુએ છે. એણે ઝડપથી પગલાં માંડ્યા.
રાજાશાહી રાચરચીલાવાળા વિશાળ હોલમાં છત પર લટકતા કાચના બેહદ ખૂબસૂરતઝુમ્મરની નીચે લાલ રંગની વિશાળ જાજમ પર ચોતરફ મોટા રજવાડી સોફા પાથરેલા હતા. બરોબર સામે જ રણજીતસિંહ બાપુ ફોન પર વાત કરતા બેઠા હતા.
તેજસભર આંખો, અણીદાર મૂછો અને કલીનશેવ. સફારી સૂટમાં બાપુનો માભો કોઈ રાજવીથી ઓછો ન હતો. એમણે ઈશારત કરી એટલે સંજીવભાઈને રઘુકાકાએ સોફા પર બેસાડ્યા. ત્યાં અંદરથી કોઈ નોકર ટ્રેમાં પાણી લઈને આવ્યો. કાચના એ મોટા ગ્લાસમાંથી થોડું પાણી પીને સંજીવભાઈએ ગ્લાસ ફરી ટ્રે પર મૂક્યો એટલે નોકર જતો રહ્યો.
બાપુના ભવ્ય બંગલા અને રજવાડી દિદાર આગળ પોતાના સીધા સાદા વસ્ત્રો અને દેખાવ અંગે સંજીવભાઈને ક્ષોભ થયો. મનમાં થયું ક્યાંક બાપુએ ભૂલથી તો પોતાને બોલાવ્યો નહીં હોય ને? સંજીવભાઈ મનોમન વિચારવા હતા કે હું અત્યારે સીડી ચઢી રહ્યો છું કે સાપના મોંમાં સપડાઈ રહ્યો છું. ત્યાં જ ..
“સંજીવ.. જય માતાજી..” એકદમ મર્દાના અવાજમાં બાપુએ સંજીવ તરફ નજર ટેકવતા કહ્યું.
“જી.. જય માતાજી..” સંજીવે હાથ જોડતા કહ્યું.
“વિનોદભાઈ તમારા વખાણ કરતા હતા. તમે કામમાં એકદમ પંકચ્યુઅલ છો, બ્રેક ટાઇમમાં પણ કામ કર્યા કરો છો. ઓફીસ છૂટી ગયા પછી પણ રોકાઓ છો અને ક્યારેક ઓફીસ ટાઇમથી કલાક એક વહેલા આવી જાઓ છો.”
સંજીવભાઈ એકદમ દિગ્મૂઢ બની ગયા. આટલી બારીક જાણકારી. તો તો કદાચ મારો ભૂતકાળ પણ બાપુ સુધી પહોંચી ગયો હોવો જોઈએ. આ વિચાર સાથે જ સંજીવભાઈના ચહેરા પર નિરાશાના વાદળો છવાઈ ગયા.
“અરે.. મેં તમારા વખાણ કર્યા અને તમે નિરાશ થઇ ગયા..” બાપુની અનુભવી આંખે તરત જ આ ભાવ-ફેરને પકડી પાડ્યો. “કંઈ ચિંતા છે? કોઈ તકલીફ કે મુશ્કેલી..?”
સંજીવભાઈ મૂંઝાઈ ગયા. બાપુએ ઈશારત કરી એટલે રઘુકાકા ત્યાંથી જતા રહ્યા.
“બોલો, સંજીવભાઈ.. શી તકલીફ છે? ઓફિસમાં કંઈ પ્રોબ્લેમ?”
“હેં..?”સંજીવભાઈના મોંમાંથી આ એકાક્ષર નીકળી ગયો. તો શું બાપુ કંઇક બીજું જ પૂછે છે? પણ ખામોશીથી ગેરસમજ ફેલાશે એમ માની સંજીવભાઈ ઉતાવળે બોલ્યા. “ના..ના.. સાહેબજી, મને તો ઓફિસમાં કામ કરવાની મજા આવે છે.” કહી સહેજ અટકીને બોલ્યા, “મારી વિરુદ્ધ કંઈ કમ્પ્લેઇન હોય તો મને માફ કરશો.”
“કમ્પ્લેઇન..?” બાપુએ પૂછ્યું. “તમે ઓવરટાઈમ કરો પછી કોઈ કમ્પ્લેઇન કરે તો માફી એણે માગવાની હોય તમારે નહીં.” કહી બાપુએ એક ઊંડો શ્વાસ લઇ આગળ કહ્યું. “મારે તમારું થોડું પર્સનલ કામ હતું, જો તમે થોડો સમય ફાળવી શકો તો..”
અને સંજીવના ચહેરા પર થોડી રોનક આવી અને મનમાં ખુશી થઈ કે બરાબર સીડી ચઢી રહ્યો છું.
“હૂકમ કરો સાહેબ..”
હવે બાપુએ માંડીને વાત કરી.
“તમારા શેઠાણી અમારી જ્ઞાતિને લગતી એક વેબસાઈટ બનાવવા માંગે છે. બે-ચાર ડેવલપર્સને વાત કરી એમના ભાવ મંગાવ્યા છે. અમારો તો આ વિષય નથી એટલે વિચાર્યું કે ફાઈનલ કરતાં પહેલાં તમારી સલાહ લઇ જોઈએ. ગમે તેમ તોયે તમે અમારા બધા કરતા કમ્પ્યૂટરના વધારે જાણકાર ગણાઓ.”
ત્યાં બાજુના કમરામાંથી રાજરાણી જેવા એક સ્વરૂપવાન મહિલાએ પ્રણામ કરતાં, જાય માતાજી કહેતાં પ્રવેશ કર્યો. એ રાજેશ્વરીબા હતા. સંજીવભાઈ તરત જ જય માતાજી કહેતા ઉભા થઇ ગયા. એટલે બાપુએ એમને બેસો બેસો કહેતા હાથથી બેસવાની ઈશારત કરી.
“તમે જ આખી વાત કરો.” રાજેશ્વરીબા સોફા પર બેઠા એટલે બાપુએ એમને કહ્યું.
“અમારે છે ને મુખ્યત્વે પાંચથી સાત પેઈજ મૂકવાના છે. પહેલું તો હોમ પેઈજ, જેમાં જ્ઞાતિ અને તેના કાર્યોની ટૂંકી માહિતી. બીજા પેઇજમાં આવનાર ઇવેન્ટસ. ત્રીજામાં ફોટો ગેલેરી. ચોથામાં ફીડબેક અને પાંચમામાં દાતાશ્રીઓની નામાવલિ.”
સંજીવભાઈ તો સાંભળી જ રહ્યા.. કેટલી બધી સ્પષ્ટ અને ટેકનીકલ વાત રાજેશ્વરીબા કરતા હતા.
“તો તમારા માટે આટલું કરવાના અંદાજે કેટલું બજેટ થાય? શું છે કે જ્ઞાતિનું કામ છે ને એટલે બજેટ પ્રમાણે કરવાનું છે.”
હવે સંજીવભાઈએ બોલવાનું હતું. એમણે બે-પાંચ ક્ષણ વિચાર કર્યો.
“બા સાહેબ.. મારી દ્રષ્ટિએ આટલું કરવાના દસેક હજારથી ઓછા રૂપિયા થાય.”
“હેં? દસ હજાર જ?” રાજેશ્વરીબાએ આશ્ચર્યચકિત થતા કહ્યું. “કંઈ ભૂલ તો નથી થતી ને?”
સંજીવભાઈ એટલી જ ગંભીરતાથી બોલ્યા, “ના.. ના.. કશી જ ભૂલ નથી થતી.”
“અમને તો પાંત્રીસથી પિસ્તાલીસ હજાર..”
“ના.. ના.. એટલા બધા ન થાય.”
રાજેશ્વરીબાએ બાપુ સામે જોયું.
કંઇક વિચારી બાપુએ સંજીવભાઈને પૂછ્યું. “તમે ડેવલપ કરી શકો આવી વેબસાઈટ..?”
“જી સર.. કરી શકું.”
“તો એમ જ કરો. દસના ભલે વીસ થાય. તમે જ સાઈટ બનાવી આપો. બોલો કેટલો સમય લાગે? અને શું-શું વિધિ કરવાની? અને પેલી ડોમેઈન નેમ અને સારવાર સ્પેસનો ખર્ચો પણ કહી દો.”
“એ બધું સર દસ હજારમાં જ આવી ગયું.”
અને સંજીવભાઈને કાજુ કતરી તથા ડ્રાયફ્રુટ કચોરીનો નાસ્તો કરાવી, ફ્રુટ સલાડ પીવડાવી, લગભગ કલાક-સવા કલાકમાં વિદાય કરવામાં આવ્યા.
બાપુની સ્વીફ્ટ ગાડી, ગરીબ નગરની પાછળ આવેલી સામાન્ય કક્ષાની ગાંધી સોસાયટીની ત્રીજી ગલી પાસે થંભી ત્યારે આસપાસના ગરીબડા બાળકો એને ઘેરીને ઊભા રહી ગયા. એમાંથી સંજીવભાઈ ઊતર્યા અને હોર્ન વગાડતી ગાડી ગઈ એટલે સંજીવના એક રૂમ, રસોડાવાળા મકાનમાં જ નીચે રહેતા મકાન માલિક ગોમતી ડોશી ખાટલેથી ઊભા થતા એની સામે આવ્યા. “કોની ગાડી હતી ભઈલા?”
“અમારા શેઠની બા..”
“તી તને આય હુધી મેળવા આય?”
“હા.. બંગલે શેઠને મારું કામ હતું. એટલે બોલાવેલો અને પાછો પણ મૂકી ગયા.”
“હારું.. હારું.. જે ભગવાન. ચા મેલું.. પીતો જ જા દીકરા.” કહી માજી પોતાની ઓરડીમાં ઘુસ્યા અને થોડીવારે સંજીવ ચા પી ઉપર પોતાની ઓરડી તરફ ગયો.
આજ ઘણા દિવસે સંજીવભાઈના જીવનમાં સારી ઘટના બની હતી. લગભગ પાંચ વર્ષ પછી.
સંજીવભાઈ તાળું ખોલી ઓરડીમાં પ્રવેશ્યા. બારણું બંધ કરી આગળિયો ચઢાવ્યો. કોણ જાણે કેમ એમની આંખો વરસવા લાગી. હૃદયનો કોઈ અજાણ્યો ખૂણો કણસવા લાગ્યો અને એ ચોધાર આંસૂએ રડી પડ્યા. કેટલી વાર રડ્યા અને ક્યારે ઊંઘી ગયા એની એમને પોતાને જ જાણ ન રહી.
============
બીજા જ દિવસથી સંજીવ કામે લાગી ગયો. વહેલી સવારે જ એણે આખો પ્રોજેક્ટ વિચારી લીધો હતો. પી. એચ. પી. અને માય એસ્ક્યુએલમાં એણે આખી સાઈટ બનાવવાનો પ્લોટ તૈયાર કરી લીધો. ઓફિસમાં બોસ વિનોદકુમારે બાપુની સૂચના મુજબ સંજીવને થોડો ફરી પણ કરી આપ્યો હતો. આમ છતાં, સંજીવભાઈ ઓફિસનું કામ કરી લીધા બાદ જ પ્રોજેક્ટનું કાર્ય કરતા.
ત્રણ જ દિવસમાં એમણે રફ સાઈટ બનાવી લીધી. બોસ થ્રુ બાપુની પરમમિશન લઇ એ લેપટોપ લઈને બંગલે ગયા. રાજેશ્વરીબાએ ઝીણવટથી સાઈટ જોઈ. બે-ત્રણ ફેરફારો સૂચવ્યા બાકીના કામના વખાણ કર્યા.
સાત જ દિવસમાં સાઈટ તૈયાર થઇ ગઈ.
ફરી સોફા પર બાપુ, રાજેશ્વરીબા અને સંજીવ બેઠા હતા. સાઈટ તૈયાર હતી.
“હવે લોન્ચ કેવી રીતે કરીશું?” બાપુએ સંજીવભાઈને પૂછ્યું.
“બસ ડોમેઈન નેમ અને વેબ સ્પેસ ચોવીસથી અડતાલીસ કલાકમાં મળી જાય એટલે પછીના ત્રણેક કલાકમાં સાઈટ ઓનલાઈન થઇ જશે.”
“તો એક કામ કરીએ.” રાજેશ્વરીબાએ કંઇક વિચારતા કહ્યું. “વિજયાદશમીના દિવસે શક્તિપૂજન સમારોહ વખતે ટાઉનહોલમાં જ વેબસાઈટ લોન્ચિંગનો કાર્યક્રમ ગોઠવી દઈએ.”
“અરે વાહ..” બાપુ બોલી ઉઠ્યા. “તો તો સોનામાં સુગંધ ભળી જાય. રાજ્યમંત્રી દશરથસિંહ બાપુના હાથે જ સાઈટનું ઓપનિંગ કરાવીએ.”
સૌની આંખમાં ચમક હતી.
“બોલો સંજીવભાઈ.. બની શકશે?”
સંજીવ કંઇક વિચારવા લાગ્યો.
“શું વિચારમાં પડી ગયા સંજીવભાઈ?”
“આમ તો કંઈનહીં. પણ મને એક વિચાર આવ્યો છે જો આપને યોગ્ય લાગે તો..”
“કહો તો ખરા.”
“આપણે હજુ એક વધારાનું પેઈજ બનાવીએ અને આપની જ્ઞાતિના તમામ જ્ઞાતિજનોના નામ, સરનામાં, ઉંમર વગેરેને લાગતો ડેટાબેઝ બનાવી તેમાં સ્ટોર કરાવીએ તો?”
બે ક્ષણ ખામોશ વીતી ગઈ.
“શું એવું બનાવી શકાય?” બાપુએ સંજીવભાઈને સામું પૂછ્યું.
“કેમ નહીં? એ તો હું બનાવી આપીશ. પણ ડેટા કલેક્શન અને તેની એન્ટ્રીનું કામ વધી જાય.”
“કેટલું વધી જાય?” રાજેશ્વરીબાને આ વાત બહુ જ ઉપયોગી લાગી હતી.
“કેટલા મેમ્બર્સ હશે આપની જ્ઞાતિમાં એના પર આધાર રાખે.”
“અત્યારે તો બે હજાર ગણીને ચાલોને.”
“બસ તો એન્ટ્રી કરતા લગભગ પચાસથી સાઇઠ કલાકનું કામ થાય. અને દશેરાને તો હજુ પંદર દિવસની વાર છે. આપણે પાંચમાં નોરતા સુધીમાં બધું ઉપ ટુ ડેઇટ કરવાની ગણતરી રાખીએ. તો માહિતી આપણને પહેલા નોરતા સુધીમાં મળી જવી જોઈએ.” સંજીવભાઈની વાતે બાપુ અને બા સાહેબ બંનેને એક નવી જ દિશા વિચારવા માટે આપી દીધી હતી.
“શું ડેટા એન્ટ્રી તમારા એકથી જ કરી શકાય?” બાપુએ પૂછ્યું.
“ના.. ના.. એ તો લોકો પર્સનલી કરી શકે એવું પણ ગોઠવી શકાય.”
બંને વિચારમાં પડી ગયા.
સંજીવમાં બાપુને એક હોનહાર અને ઈમાનદાર માણસના દર્શન થતા હતા. આ માણસની નિષ્ઠા એમને સ્પર્શી ગઈ. આખરે બે દિવસ બાદ જ્ઞાતિ કમિટીની મીટીંગમાં વાત મૂકી નિર્ણય લેવાની વાત સાથે સૌ છૂટા પડ્યા. આજે ફરી સંજીવભાઈને ગાડી મૂકવા આવી.
આજે ફરી ગોમતીમાસીએ માનભરી ચૂટકી લીધી. “અલ્યા તમે તો શેઠ બની ગયા ને કંઈ..”
સંજીવ મનોમન પોરસાતો ઓરડીમાં ઘુસ્યો. જાણે સીડીના એક પછી એક પગથિયા તે ઝડપથી સર કરી રહ્યો હતો.
લગભગ બારેક વાગ્યા સુધી એ પોતાના ખંડિત ભૂતકાળને યાદ કરતો રહ્યો અને છેલ્લે આંખમાં આંસૂ ઊભરાઈ આવ્યા ત્યારે મન હળવું થતા એ ઊંઘી ગયો.
=========
એક તરફ સંજીવ સાઈટ બનાવવા માટે દિવસ રાત મચી પડ્યો હતો.
બીજી તરફ રાજેશ્વરીબા અને રણજીતસિંહ બાપુ દશેરાના ભવ્ય સમારોહની તૈયારીમાં પડી ગયા હતા.
શહેરની ગલીઓમાં ગરબીના મંડપો બંધાવા લાગ્યા હતા. દુકાનોમાં ચણીયાચોલી ડીસ્પ્લેમાં મૂકાવા માંડ્યા હતા. ગરબાની વિવિધ સીડીઓ માર્કેટમાં આવી ગઈ હતી. ઠેર-ઠેર પ્રેક્ટીસ, દાંડિયા કલાસીસ તથા પાર્ટી પ્લોટોના બુકીંગ ચાલુ થઇ ગયા હતા.
તડામાર કામ ચાલ્યું. સંજીવ અને બાપુ હવે સતત ફોન પર સંપર્કમાં હતા. રાજેશ્વરીબા પણ ઓફિસે આવી સંજીવ સાથે કમ્પ્યૂટર સામે બેસી રહેતા, ચર્ચાઓ જામતી. આમ કરતા કરતા નવરાત્રી શરુ થઇ ગઈ. સાઈટનું કામ પણ મોટા ભાગનું પૂરું થઇ ગયું. આ દિવસો દરમ્યાન મારે અને સંજીવને ભારે અંગતતા કેળવાઈ હતી. કાશ.. જે થયું એ ન થયું હોત.. કહી જતીનભાઈ અટક્યા. માલતીને સહેજ ખૂચ્યું, પણ એ સહેજ પણ હલ્યા વિના જતીનભાઈના મોં તરફ તાકી રહી એટલે જતીનભાઈ આગળ બોલ્યા.
નવમા નોરતે એટલે કે દશેરાના ફંક્શનની આગલી રાત્રે જયપુરના ટાઉનહોલમાં જ સંજીવભાઈએ બાપુના લેપટોપ અને પ્રોજેક્ટર પર સાઈટ ઉદ્ઘાટનનો ડેમો બતાવ્યો. ડોમેઈન નેમ રજિસ્ટર્ડ થઇ ચૂક્યું હતું. વેબસ્પેસ પર સાઈટ અપલોડથઇ ચૂકી હતી. બાપુએ જેવું બ્રાઉઝરમાં ડોમેઈન નેમ દાખલ કર્યું કે તરત જ સાઈટ ખૂલી ગઈ. બાપુએ દરેક પાના પર ઝીણવટથી નજર ફેરવી. એકદમ ચોકસાઈપૂર્ણ કામ હતું. સાઈટ આકર્ષક હતી, ઉપયોગી હતી અને એરર વગરની હતી. સંજીવની આંખમાં સંતોષ હતો. ઉજાગરાને કરને એની આંખ સહેજ લાલ પણ હતી. બાપુએ એના ખભે હાથ મૂકી માનપૂર્વક એને બિરદાવ્યો ત્યારે એની આંખો ભીની થઇ ગઈ. “સંજીવભાઈ તમે કરી બતાવ્યું. યુ આર રિયલી ગુડ મેન. હવે થોડો આરામ કરો અને કાલે સમયસર અહીં જ આવી જજો.
મોડી રાત્રે સંજીવને ગાડી ફરી એના ઘેર મૂકી ગઈ.. સંજીવ ગયો..
બસ પછી.. એ કદી પાછો જ ન આવ્યો. કોણ જાણે એનું શું થયું? દશેરાની સવારથી એ ગાયબ! ન બાપુનો ફોન ઉપાડ્યો કે ન કોઈને એનો ફોન સામેથી આવ્યો. ચોમેર તપાસ કરી પણ એનો કોઈ પત્તો ન મળ્યો. જો કે એણે બનાવેલી વેબસાઈટ સરસ ચાલી. ટાઉનહોલમાં શહેરના સન્માનિત લોકો વચ્ચે જયારે એ સાઈટ બાપુએ લોન્ચ કરી ત્યારે, તાળીઓનો જોરદાર અવાજ આખા હોલમાં ગૂંજ્યો. રાજેશ્વરીબાએ જ ડેમો આપ્યો. પ્રસંગ સચવાઈ ગયો. પણ સંજીવ ભેદી રીતે ગાયબ થઇ ગયો.
અઠવાડિયા બાદ બાપુએ એની તપાસ આદરી. પોલીસ વિભાગના એમના અંગત પરિચિતોને કામે લગાડ્યા અને અમારા મેનેજર વિનોદકુમાર તથા મને ખાનગી તપાસ સોંપી. એક અઠવાડિયાની જહેમત બાદ હું સંજીવને તો શોધી ન શક્યો પણ એનો ભૂતકાળ લઇ બાપુ સમક્ષ ઉપસ્થિત થયો.
= == = = =
“કહો.. જતીનભાઈ..” બાપુનો રુઆબદાર અવાજ કમરામાં ગુંજી ઉઠ્યો.
“બાપુ.. વાત ભયંકર છે..” સહેજ અચકાતા જતીનભાઈએ આગળ કહ્યું. “સંજીવે કોલેજમાં પટાવાળા તરીકે ફરજ બજાવતી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો..”
આર.કે.ઇન્ડસ્ટ્રીઝના મેનેજર વિનોદકુમારે બાપુની સૂચના અનુસાર સંજીવનો ભૂતકાળ તપાસવા અકાઉન્ટન્ટ જતીનભાઈને સંજીવના ગામ રતનપર મોકલી આપ્યો હતો અને જતીનભાઈએ ચાર દિવસની પોતાની સમજદારી ભરી મહેનતના અંતે કેટલીક ચોંકાવનારી માહિતી મેળવી પણ હતી. માહિતી વિસ્ફોટક હતી. અને એટલે જ અત્યારે બાપુના બંગલે સોફા પર બેઠા બેઠા બાપુની રાહ જોઈ રહેલા વિનોદકુમાર અને જતીનભાઈ બંનેના હૃદય જોર-જોરથી ધબકી રહ્યા હતા.
બાપુ આવ્યા, જ્યુસ પીવાયા અને સન્નાટો છવાયો. પછી જતીનભાઈ એ ઉપરની વાત કરી.
બાપુની આંખમાં થોડી કરડાકી અને થોડો ગુસ્સો પ્રગટ્યા.
“હું આપને માંડીને વાત કરું..” જતીનભાઈએ ઝડપથી વાત કહેવા માંડી “રતનપર ગામ ગુજરાતના જામનગરથી લગભગ પચાસ કિલોમીટર દૂરનું એક ગામ છે, જેની વસ્તી લગભગ દશેક હજારની છે. આપણા સંજીવભાઈના પિતા સુબોધભાઈ જોશી ત્યાંની સરસ્વતી હાઇસ્કૂલમાં શિક્ષક હતા. પરમ સિદ્ધાંતવાદી અને કર્મકાંડી હતા. માતા શારદા બહેન ગૃહિણી. સંજીવભાઈ એ એમ.સી.એ. કર્યા પછી એમને જામનગરની સીટી કોલેજમાં લેકચરર તરીકે નોકરી મળી. કોલેજનું સંચાલન શહેરનાં પ્રતિષ્ઠિત મહાજન ગ્રુપ સરસ્વતી સાધના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કોલેજના પ્રિન્સીપાલ વિદ્યાચરણ શુક્લા સાહેબ બહુ સારા વિચારક અને લેખક પણ છે.” જતીનભાઈ આટલી પૂર્વભૂમિકા બાંધી સહેજ અટક્યા.
બાપુ મૂળ વાત સાંભળવા થોડા બેચેન બન્યા હતા.
જતીનભાઈએ આગળ વાત ચલાવી. “વિનોદસરે મને સંજીવની તપાસ સોંપી એટલે મને અરવિંદ યાદ આવ્યો. શુક્લા સાહેબનો ભત્રીજો અરવિંદ શુક્લા અને હું અમાદાવની કોલેજમાં સાથે ભણતા. મેં એને ફોન કરી મારા આગમનની અને ઉદેશ્યની જાણ કરી હતી. એના ઘરે જ હું ઉતર્યો હતો. એણે મને તમામ જાણકારી આપી. કોલેજની પ્યૂન ચંદન પરમાર થોડી રૂપાળી અને ભરેલી બાઈ હતી. મૂળ રતનપરની ચંદન વધારાના સમય માં બે-ચાર ઘરે ઘરકામ કરવા પણ જતી. એમાં એક ઘર સંજીવનું હતું. ચંદનની પોલીસ ફરિયાદના આધારે સંજીવને અરેસ્ટ કરવા કોઈ ઇન્સ્પેકટર આવ્યો હતો અને પ્રિન્સિપલ શુક્લા સાહેબની હાજરીમાં જ એની ધરપકડ નું વોરંટ બજાવ્યું હતું. ચંદને પોતે શુક્લા સાહેબ સામે આપવીતી કહી સંભળાવી હતી. એના કહેવા મુજબ એને થોડા પૈસાની જરૂર હતી, પિતાના ઈલાજ માટે. એને સંજીવસર પોતાના ગામના જ હોવાથી આ રકમ એમની પાસે ઉધાર માંગી હતી. સંજીવે એને એવા સમયે ઘરે બોલાવેલી કે જયારે એના ઘરે એ એકલો હતો.
થોડી ઘણી સાદી વાત કર્યા પછી સંજીવ માનવ માંથી દાનવનું રૂપ ધારણ કરવા માંડ્યો.
“સાહેબ મારી સાથે આવું ના કરો..” ચંદન ચીખતી રહી, ચિલ્લાતી રહી. પણ સંજીવ બેકાબુ બની ગયો હતો.. થોડી જ ક્ષણોમાં માનવતાને શર્મશાર કરતી ઘટના ઘટી ગઈ.. ચંદનને નિર્વસ્ત્ર કરી સંજીવ મિનીટો સુધી તેના પર પાશવી બળપ્રયોગ કરતો રહ્યો.
જતીનભાઈના શબ્દે-શબ્દે સામે બેસી સાંભળી રહેલા મંથન, આલોક અને માલતીના હૃદયમાં તોફાન રચાતું રહ્યું. જતીનભાઈ થોડી વાર મૌન થઇ ગયા હતા. થોડી વારે ફરી સામેની દીવાલ પર તાકતા એમના હોઠ ફફડ્યા.
બાપુ ક્યાંય સુધી શંકિત નજરે મારી સામે તાકી રહ્યા. માનવજાત પર અવિશ્વાસ કરતા ભાવો એમની આંખોમાંથી ઉપસતા હતા. છોકરો દેખાવે સીધો સાદો છે, મહેનતુ છે, ઈમાનદાર છે, પણ કહે છે ને કે કામ, ક્રોધ, મોહ, લોભ, મદ અને મત્સર એ છ રિપુઓ બહુ ખતરનાક છે. ક્યારે માણસને લપેટમાં લઇ લે કંઈ કહેવાય નહિ. હજુ બાપુ આગળ કંઈ વિચારે એ પહેલા જતીનભાઈએ વાત પૂરી કરતો આખરી ખુલાસો કર્યો.
“કોલેજની આબરૂ બચાવવા પ્રિન્સિપાલ તરીકે વિદ્યાચરણ સાહેબે થોડી દોડધામ કરી, ત્યાંના રાજકારણી ગાંધી સાહેબની મદદથી આખો મામલો દબાવી દેવામાં આવ્યો. ચંદનને, પોલીસ વિભાગને રૂપિયા ખવડાવી શાંત પાડ્યા. સંજીવ પાસેથી લખાણ કરાવવામાં આવ્યું અને એ જ રાત્રે સંજીવને ટ્રેનમાં ગામ છોડી જવા કહેવાયું અને સંજીવભાઈ ભાગી છૂટ્યા...”
સૌનો મુડ ઓફ થઇ ગયો હતો. થોડીવાર શાંતિ છવાયેલી રહી. “અંતે બાપુએ મીટીંગ બરખાસ્ત કરી.” ભારે હૈયે વિનોદકુમાર અને હું બંગલા માંથી બહાર નીકળ્યા.
= = = =
જતીનભાઈ ઘણી વાર સુધી કંઈ બોલ્યા નહિ એટલે માલતીએ મંથન અને આલોક સામે જોયું. પણ ત્યાં જતીનભાઈના શબ્દો કાન પર પડ્યા... “બસ.. એ પછી.. છેક આજે મેં સંજીવનું નામ સાંભળ્યું. એટલે કે ગઈ કાલે... જયારે અરવિંદે એની વાત કરી ત્યારે...”
“મતલબ .. અત્યારે.. સંજીવભાઈ ક્યાં છે એ આપને ખબર નથી?” આલોકે શબ્દો ગોઠવતા કહ્યું..
“મેં કહ્યું ને..” તરત જ જતીનભાઈ બોલી ઉઠ્યા... “તે દિવસે... નવમાં નોરતે અમે તેમને છેલ્લી વખત જોયા. એ પછી એમનો કોઈ અતો-પતો નથી.”
મોડી રાત થઇ ગઈ હતી. માલતી સિવાય સૌનું મગજ ભારે થઇ ગયું હતું. માલતીને હજુ ઘણું પૂછવું હતું. પણ જતીનભાઈનાં પત્ની બિંદુબહેને વચ્ચે જ કહ્યું. “રાત ના બે વાગ્યા. હવે વાતો પૂરી કરીશું? પિન્ટુને સવારે નિશાળ પણ છે.”
વાત અટકી ગઈ. આજની રાત સૌ જતીનભાઈને ઘેર જ રોકાવાના હતા. સૌને તેમના કમરામાં પહોંચાડી, જતીન અને બિંદુ મોટા હોલમાં સૂઈ ગયા.
ત્યારે બિંદુના મગજમાં વર્ષો પહેલા ગાયબ થઇ ગયેલા સંજીવભાઈને શોધવા નીકળેલી માલતી માટે શંકા પણ ઉદભવી, વિચિત્ર પણ લાગ્યું અને દયા પણ આવી.”
=========