સાપ સીડી - 14 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 14

પ્રકરણ ૧૪


જિંદગી કી તલાશ મેં હમ.. મૌત કે કિતને પાસ આ ગયે....


આજ ગુરુવાર હતો. જુનાગઢથી ત્રીસ કિલોમીટર દુર, ગીરનારની છત્ર છાયામાં ઊભેલા “સંજીવની આશ્રમ”ના પાછળના ભાગમાં આવેલા ઉતારાના રૂમની અગાસી પરથી વહેલી સવારે ગીરનારના ઉત્તુંગ શિખરોને તાકી રહેલી માલતી, એક કલાકના ધ્યાન પછી થોડી સ્વસ્થતા અનુભવી રહી હતી. સંજીવ આવેલો અહીં વર્ષો પહેલા. એ કહેતો હતો કે “ગીરનાર ચઢવો બહુ કપરો છે. હું તો માંડ હજાર પગથીયા જ ચઢી શક્યો અને પછી બેસી પડ્યો. ન ઉઠ્યો તે ન જ ઉઠ્યો.” ત્યારે પોતે તેની આંખમાં નિરાશા જોઈ શકી હતી. “પણ.. એક વાર હું જરૂર એના શિખરે પહોંચીશ માલતી. તું આવજે મારી સાથે.” એમ બોલતી વખતે એણે માલતીની આંખમાં આંખ પરોવી હતી અને પોતે ”ચોક્કસ. ગીરનાર તો એવડો ને એવડો જ રહેશે પણ તમે થોડી કસરત કરશો તો વધુ પાવરફૂલ થઇ જશો એટલે એને સર કરી જ શકશો.” કહી પોરસ ચડાવ્યો હતો.
અચાનક વાગેલા ઘંટના અવાજે માલતીને ચોંકાવી. ત્યાં આલોક બે પ્લાસ્ટિકના ગ્લાસ લઇ પગથીયા ચઢતો દેખાયો. અને “ચા-પાણી માટેનો બેલ વાગ્યો.” કહેતા માલતીની નજીક પહોંચી એણે માલતીને ચાનો એક ગ્લાસ ધર્યો. આટલા દિવસના પરિચયથી માલતીને આલોક એક સરળ અને સાહસિક માણસ લાગ્યો હતો. ચાર દિવસની વાતચીત પછી પરસ્પર ટ્યુનીંગ થયું હતું. ચાની ચૂસકી લેતા માલતીએ આલોકની આંખમાં જોયું. કૈંક ગડમથલ ચાલતી હતી એની આંખમાં. એણે પણ માલતી સામે જોયું. નજર મળતા એ સહેજ હસ્યો, પણ ખોટું. અને ચા પીવાના બહાને નજર ફેરવી ગયો. માલતી સમજી ગઈ કૈંક છે ખરું.
અને ત્યાં જ આલોકે શરુઆત કરી. “માલતીજી.. હવે સંજીવભાઈ આપણાથી દૂર નથી. આશ્રમના મહાત્માજી આજ બપોર સુધીમાં આવી જશે. કદાચ સંજીવ તેમની સાથે જ હશે અથવા એ કૈંક સમાચાર આપશે સંજીવભાઈના. પણ..” કહી આલોક અટક્યો એટલે માલતીના હૃદયમાં ધબકાર વધ્યો. “પણ પછી શું?” કહી આલોકે માલતીની આંખમાં આંખ પરોવી માલતી સમજી ગઈ. આલોક મંથન વિષે પૂછી રહ્યો હતો. જો સંજીવ મળી જાય તો મંથનના પોતાની સાથેના સંબંધને ફૂલ સ્ટોપ લાગી જાય એ નિશ્ચિત હતું.
મંથન જ્યારથી મળ્યો ત્યારથી માલતીએ જોયું હતું. એ એક અનોખી ખુશી અનુભવી રહ્યો હતો. માલતી જાણતી હતી કે મંથન પોતાને ખુબ ચાહે છે. માલતી એક પરિપક્વ સ્ત્રી હતી. પુરુષોની આખોમાં એણે પોતાના માટે અનેક ભાવો જોયા હતા. દરેક સ્ત્રી આ ભાવોના તફાવતોથી બહુ સારી રીતે વાકેફ હોય છે. પુરુષોની અંદર સ્ત્રીને જોતા જ જન્મતી કેટલીક વિશિષ્ટ લાગણીઓ પુરુષોની હરકતો દ્વારા અથવા આંખોના ભાવો દ્વારા વર્તાઈ આવે છે. માલતી ઉંમરના આ પડાવ આગળ પ્રેમ-વાસના-આકર્ષણ અને હવસ વચ્ચેનો ભેદ આસાનીથી પારખી શકતી હતી. મોટા ભાગના પુરુષોની એકલી સ્ત્રી માટેની વૃતિ નકારાત્મક જ રહી છે. આ વાત માલતી નિર્વિવાદ માનતી હતી, પણ ઘણા વર્ષે એણે મંથનની એક પવિત્ર લાગણી ભરી આંખો જોઈ હતી. એ એક એવો ભાવ હતો, જેમાં પ્રેમ કરતા ભક્તિ વિશેષ હતી. કોલેજના વર્ષો દરમિયાન માલતી મિસ ગુજરાત બની હતી. એ પોતાની ખુબસુરતીથી પરિચિત હતી. યોગ અને ધ્યાન દ્વારા એણે પોતાની આ ખુબસુરતીને બરકરાર રાખી હતી. પોતાને છાને ખૂણે એનું થોડું અભિમાન પણ હતું. પરંતુ સંજીવના સંપર્કમાં આવ્યા બાદ માલતીની વિચારધારા થોડી બદલાઈ હતી.
સંજીવ પોતાના ગામ રતનપરનો હતો. એમ તો મંથન પણ રતનપર નો જ હતો અને પ્રાથમિક શાળાના સાત વર્ષનું શિક્ષણ સંજીવ, મંથન અને માલતીએ એક જ સ્કૂલમાં લીધું હતું, જેમાં સંજીવના પિતા સુબોધસાહેબ માસ્તર હતા. સંજીવ કરતા મંથન એક વર્ષ પાછળ હતો અને માલતી મંથન કરતા એક વર્ષ પાછળ હતી. પ્રાથમિક શાળામાં હતો ત્યારથી મંથન માલતીને પસંદ કરતો હતો. ગામડા ગામની પવિત્ર મર્યાદાઓ ભરેલા વાતાવરણમાં આ પસંદગીને કોઈ અપવિત્ર ભાવ સાથે જોડી શકાય નહીં. ગામના અન્નપુર્ણા મંદિરના પૂજારી રતિલાલ ગોર એક પવિત્ર બ્રાહ્મણ હતા. સાંજની આરતી વખતે રતિલાલ ગોરના પત્ની શારદાબહેન સુંદર ભજન ગાતા. આખું ગામ એમાં મંત્રમુગ્ધ થઇ જતું. માલતી પણ શારદામાસી પાસેથી ભજનો શીખી ગાવા માંડી હતી. એનો અવાજ પણ મીઠો હતો. મંથન રોજ મંદિરમાં માત્ર માલતીને જોવા અને તેના ગીતો સાંભળવા જતો. ત્યારે સંજીવ આરતી દરમિયાન આંખો બંધ કરી ક્યાંય સુધી ધ્યાનમાં ખોવાઈ જતો. માલતી ઘણી વખત એ જોતી. નાનકડી હતી ત્યારથી એને સંજીવની આંખ બંધ કરી બેસવાની એ વર્તણૂક બેહદ ગમી ગઈ. અને ધીરે-ધીરે દિવસો વીતતા ગયા એમ માલતીને સંજીવ પણ ગમવા માંડ્યો. બાલ્યાવસ્થા વીતી અને કિશોરાવસ્થા આવી. ધીમે-ધીમે મંથનને પોતાના ઘરમાં કશુંક અનર્થ થઇ રહ્યું હોય તેવો ભાવ આવવા માંડ્યો. દાદાને મોટા-મોટા માણસો મળવા આવતા. દાદાએ રતનપરથી દૂર જામનગર શહેરમાં મોટા પ્લોટ ખરીદ્યા હતા. મંથન જોતો હતો કે દાદા મોટા માણસ હતા. ગામલોકોથી શરુ કરી પોલીસવડાઓ પણ દાદાને નમસ્તે કરતા. અને એક દિવસ દાદાએ વિદાય લીધી. ગામમાં કેટલીયે ગાડીઓ આવેલી. દાદાના દેહને શણગારીને આખા ગામમાં ફેરવાયો હતો. મોટા ખટારાને ફૂલોથી શણગારી ચારે બાજુથી દેખાય એ રીતે તેના ત્રણેય પડખા ખોલી નંખાયા હતા. દાદાના દેહને વચ્ચે મુકાયો હતો. ઘરથી સ્મશાન સુધી માણસોની લાંબી કતાર હતી. સૌની આંખમાં આંસુ હતા. સૌ કોઈ પુષ્પવર્ષા કરતું હતું. થોડા દિવસોમાં મંથન, પિતા ગાંધી સાહેબ અને મમ્મી દેવીલતા સાથે જામનગરના બંગલે રહેવા જતો રહ્યો. રતનપર છોડ્યું ત્યારે સૌ કોઈ એ પરિવારને ગામના પાદરે વળાવવા આવ્યા હતા. તેમાં માલતી પણ હતી. એણે મંથનને કહ્યું હતું. “જોજે અમને અને ગામને ભૂલી ન જતો.” આ શબ્દો મંથનના જીગરમાં ઉતરી ગયા હતા. કોઈ સિદ્ધ યોગીના મસ્તિષ્કમાં પવિત્ર મંત્ર ગૂંજતો હોય તેમ મંથનના દિમાગમાં માલતીના શબ્દો ગૂંજતા હતા. જામનગર આવી એ દિવસો સુધી પોતાના કમરામાં ભરાઈ રહ્યો. આંસુ સાર્યા કરતો. માતા-પિતા સમજતા હતા કે રતનપર છોડ્યાનો આઘાત દીકરાને ઘેરી વળ્યો છે. પિતા તો વ્યસ્ત હતા, પણ મા વારંવાર દીકરાનું મન હળવું કરવા પ્રયત્ન કરતી. અને એક દિવસ માએ દીકરાને નાટકની દુનિયા બતાવી. બસ.. મંથનને આ રસ્તો ગમી ગયો અને એ એમાં ખોવાઈ ગયો. પિતાની ન ગમતી દુનિયા એણે છોડી દીધી. દિવસો સુધી વડોદરા, અમદાવાદ અને મુંબઈ ભટક્યા કરતો. ક્યાંક કોઈ દિગ્ગજ કલાકાર પાસે ડ્રામા શીખવા જતો તો ક્યાંક કોઈ કોર્સ જોઈન્ટ કરી લેતો. ગ્રેજ્યુએશન ઇન ડ્રામા કરવાનો એણે નિર્ણય લીધો ત્યારે પિતાએ એને પોલીટીક્સમાં ગ્રેજ્યુએશન કરવા ખૂબ સમજાવ્યો હતો અને ચર્ચા ઉગ્ર પણ બની હતી. અને પિતા-પુત્ર વચ્ચે ઊંડી ખાઈ પડી ગઈ હતી.
શરૂઆતમાં તો એ જામનગરથી બે-ચાર મહિને રતનપર જતો ત્યારે ડોક્ટરકાકા એટલે કે માલતીના પિતાને મળવાના બહાને એમને ઘેર જઈ માલતીને જોઈ આવતો. પણ પછી તો માલતી પણ આગળ ભણવા માટે રતનપર છોડી વલ્લભ વિદ્યાનગર જતી રહી હતી એટલે રતનપરના ફેરા ફોગટ જવા લાગ્યા તેથી મંથને ત્યાં જવાનું ઓછું કરી નાંખ્યું. મંથનના લેપટોપમાં હિડન ફોલ્ડરમાં માલતીના ફોટાનો સંગ્રહ એણે કરી રાખ્યો હતો. મંદિરમાં ભજન ગાતી માલતી, સ્કુલ ડ્રેસમાં નિશાળે જતી માલતી, ગરબીમાં ગોળ ગોળ ઘૂમતી માલતી, માઈકમાં બોલતી માલતી. ક્યારેક લીલા ફૂલડાં વાળા ડ્રેસમાં તો ક્યારેક કયારેક કાળા રંગના ડ્રેસમાં. બસ એજ હતી મંથનની દુનિયા. અને એક દિવસ એના પર આભ તૂટી પડ્યું. એ ફરી પાછો પોતાના કમરામાં ભરાઈ ગયો. અને ધ્રુસકે-ધૂસકે રડ્યો. હવે એ બાળક ન હતો. છતાં આજ એ ખૂબ રડ્યો. કેમ કે એણે રાજકોટના હેમુ ગઢવી હોલમાં સ્ટેટ લેવલ ડ્રામા કોમ્પીટીશનમાં પોતાનું નાટક ”લવ ત્રિકોણ” રજૂ કર્યું ત્યારે જોવા આવેલા ઓડીયન્સમાં એણે માલતીને જોઈ. માલતી અને સંજીવ સાથે હતા. મંથનની આંખો પરદા પાછળથી આ દ્રશ્ય જોઈ થીજી ગઈ. એ સન્ન થઇ ગયો. જડવત થઇ ગયો. કોણ જાણે કેમ આજનો એનો અભિનય પ્રેક્ષકોને ચોધાર આંસુએ રડાવી ગયો. એના ડાયલોગના એક-એક શબ્દ આજ છાતી ચીરીને બહાર આવી રહ્યા હતા. એના ચહેરા પરના ભાવ, એની દર્દભરી શાયરીઓએ પ્રેક્ષકોને પાગલ કરી મૂક્યા. એનું નાટક એવોર્ડ વિનર સાબિત થયું. તે દિવસે ખુદ માલતી અને સંજીવે તેને અભિનંદન આપ્યા હતા. પણ મંથનની દુનિયા લૂંટાઈ ચૂકી હતી. એ દિવસ પછી ફરીવાર એ ગાયબ થઇ ગયો. દિવસો, મહિનાઓ, વર્ષો વીત્યા અને એક દિવસ એને સમાચાર મળ્યા કે માલતીનો સંજીવ ગાયબ થઇ ગયો છે. ફરી દિવસો વીત્યા, વર્ષો વીત્યા. મંથન સતત અમદાવાદ, વડોદરા અને મુંબઈ જ રહેતો. જામનગર આવવાનનું એ ટાળતો. એ માલતીની યાદોમાં ખોવાયેલો રહેતો. એને હવે માલતી વિષે કંઈ જાણવું ન હતું. એને લાગતું હતું કે સંજીવ સાથે જે માલતી હતી એ કોઈ બીજી હતી. પોતાની માલતી તો પોતાના લેપટોપમાં છે એ હતી. મંદિરમાં ભજન ગાતી, ગરબે ઘૂમતી માલતીની આંખો, એની પાંપણો, એની આંગળીઓ, એના ડ્રેસની ડીઝાઈન, એના ભજનના શબ્દો, બસ આ જ હતી મંથનની દુનિયા. હવે માલતીનું કોઈ નવું દ્રશ્ય એ જોવા નહોતો માંગતો. મસ્તિષ્કમાં એક જ મંત્ર ગૂંજ્યા કરતો હતો. “જોજે અમને અને ગામને ભૂલી ન જતો.” એના જ પડઘા સંભળાયા કરતા હતા.
અને એક દિવસ એણે આલોક પાસે માલતીની વાત સાંભળી. “એની લાઈફમાં અત્યારે પાનખર ઋતુ ચાલે છે.” આલોકના આ શબ્દોએ મંથનને હચમચાવી મૂક્યો. માલતીના જીવનમાં પાનખર? મારી ગરબે ઘૂમતી માલતીના જીવનમાં પાનખર? મગજમાં ગરમાવો ભરાયો. શરીરમાં રક્ત સંચાર વધ્યો અને એ જામનગર આવ્યો. દિવસો સુધી માલતીનો પીછો કર્યો. કોલેજે જતી માલતી, શંભુકાકાની ઓફિસે જતી માલતી, ક્યારેક મોલમાં, તો ક્યારેક જીલ્લા પુસ્તકાલયમાં એ સલામત અંતરેથી માલતીને જોયા કરતો. અને એને આલોકની વાત સાચી લાગી. અને પોતાની માલતીના જીવનમાં વસંત લાવવાનો એણે સંકલ્પ કર્યો. એણે સંજીવ વિષે તપાસ કરી તો જાણવા મળ્યું કે એક દિવસ કોલેજમાં લેકચર લઇ રહેલા સંજીવને કોલેજનો પટાવાળો બોલાવી ગયો એ પછી સંજીવ સાત જ દિવસમાં ગાયબ થઇ ગયો.
ખૂબ વિચાર્યું, ખૂબ રખડ્યો પણ કંઈ જાણવા ન મળ્યું. અને એક દિવસ આલોકે તર્ક આપ્યો. “સંન્યાસી થઇ ગયો હશે.” અને મંથનના મનમાં દ્રશ્ય ઉપસ્યું. બાળપણમાં રતનપરના મંદિરે માલતી ભજન ગાતી ત્યારે સામે બેઠેલો સંજીવ આંખો બંધ કરી બેસી રહેતો. મતલબ કે નાનપણથી જ એ ધ્યાનમાં ડૂબેલો રહેતો. “ક્યાંક એ કોઈ યોગભ્રષ્ટ આત્મા તો નહિ હોય? અને એટલે જ કદાચ સંસાર છોડી ચાલ્યો ગયો હશે.” બધા તર્ક ખૂટી ગયા ત્યારે મંથન અને આલોક સંજીવને ભૂલી જવાના નિર્ણય પર આવ્યા.
એક પત્રકાર તરીકે આલોક પ્રસંગોપાત માલતીના શંભુકાકાને મળતો રહેતો. એમની પાસેથી જ તો વાત-વાતમાં માલતી અંગેની માહિતી આલોકે મેળવીને મંથનને આપી હતી.
“જો મંથન...” એક દિવસ આલોકે મંથન સમક્ષ ગંભીર વાત મૂકી. “માલતીના જીવનમાં ફરી આનંદ લાવવો હોય તો એને સંજીવની યાદોમાંથી બહાર કાઢવી પડે. અને દુનિયા આખીમાં માલતી માટે તારાથી વધુ કોઈ યોગ્ય પાત્ર નથી. એટલે.. જો તું કહેતો હોય તો હું શંભુકાકા આગળ તારી વાત ચલાવું.”
“ના..ના..” કોઈ અજ્ઞાત ભયથી મંથન ધ્રુજી ઉઠ્યો હતો. “હું એવું ન વિચારી શકું. માલતી મારો પ્રેમ છે. એકતરફી છે પણ છે તો પ્રેમ જ. એમ સંજીવની ગેરહાજરીનો મોકો જોઈ એને છેતરવાની હરકત કરું એમાં મારો અંતરાત્મા ના માને.”
વાત પડતી મુકાઈ ગઈ. ફરી એકવાર વાત થઇ. ધીમે-ધીમે મંથનનું મન માનવા તૈયાર થયું. પણ ઊંડે-ઊંડે એને એક ભય સતાવતો હતો. “ક્યાંક માલતી ઘસીને ના પાડી દેશે તો.. ક્યાંક એમ કહેશે કે તારાથી આવો ખરાબ વિચાર થયો જ કેમ? અને મારા પર એ ગુસ્સે ભરાશે તો? અને ક્યાંક.. એ મને નફરત કરવા માંડી જશે તો?”
પણ...
શંભુકાકાને વાત કરી આલોકે મંથન અને શંભુકાકાની મુલાકાત ગોઠવી અને એ સરળ અને સફળ રહી. પછી મંથન સહેજ સકારાત્મક બન્યો અને જયારે માલતી સાથે મુલાકાતનો દિવસ આવ્યો અને એ પણ આ પ્રસ્તાવ માટે જ ત્યારે માલતી પણ મળવા તૈયાર થઇ ગઈ. ત્યારે મંથનની ભીતરે વર્ષોથી સુકાઈ ગયેલું ઉત્સાહ, ઉમંગ અને આનંદનું ઝરણું વહેતું થયું. માલતીને પોતાની સામે જોતા જ એનામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો. માલતી એની પ્રેરણા હતી. માલતી એની તાકાત હતી. એ જ ગરબે ઘૂમતી, એ જ ભજન ગાતી માલતી.
“માલતી... જે દિવસે અમે ગામ છોડ્યું તે દિવસે તમે કહેલું કે જોજે અમને અને ગામને ભૂલી ન જતો. એ વાક્ય મારા હૃદયમાં કોતરાઈ ગયું છે.” માલતી સમક્ષ એ પહેલી મુલાકાતમાં એણે નિખાલસ કબૂલાત આપી હતી ત્યારે માલતી એકધારી પોતાના એ નિર્દોષ બાળસખા સામે તાકી રહી હતી. અને એ નજર મંથનમાં વહેતી ઉર્જાને વધુ વેગવાન બનાવતી હતી. “આમ તો આપણે પરસ્પરને પસંદ કરી લગ્ન કરવા માટે મળ્યા છીએ. પણ મારો હેતુ આપણા લગ્ન નહિ પણ મારી સખી માલતી જેણે મારી પાસે કદી ભૂલી ન જવાનું વચન માંગેલું, અને જેણે મારા વિચારોમાં, ખ્યાલોમાં રહી સતત મને પ્રેરણા આપી. એ સખીના જીવનમાં ઉત્સાહ, આનંદ ભરવાનો છે. અને મને ખબર છે કે આપનો ઉત્સાહ સંજીવ છે. ના... મને જરાય ખેદ નથી. સંજીવ પણ આપણો મિત્ર જ હતો ને! અને મેં કદી તમને પોતાના બનાવવાની ઝંખના નથી રાખી. મને તો બસ તમારી ખુશી જોઈએ. એટલે જ ગઈ કાલે જયારે આપણું મળવાનું નક્કી થયું ત્યારે જ મારા મિત્ર આલોકને સંજીવ અંગે એક કડી મળી. તેથી હું ખુશ થઇ ગયો. જો સંજીવનો પત્તો લાગી જાય તો મને વધુ આનંદ થશે.”
માલતી સમજતી હતી. એને છેક હવે સમજાતું હતું કે મંથન છેક બાળપણથી પોતાની છબીને એના હૃદય સિંહાસન પર બેસાડી ચૂક્યો છે. માનવ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, તેના હૃદયની આ એકતરફી લાગણીની પવિત્રતા શું કદી સમાજમાન્ય બનશે ખરી? એણે મંથનને સાંભળ્યો. ખૂબ સાંભળ્યો અને વર્ષો જૂની એ મિત્રતા તાજી થઇ. બંને એ જ બાળસહજ ભાવથી ફરી મિત્ર બન્યા. અને સંજીવની શોધનું અભિયાન શરુ થયું.
ત્રણ દિવસ પહેલા રવિવારની રાત્રે જામનગરથી બાર વાગ્યે નીકળી અમદાવાદ સોમવારે સવારે પહોંચ્યા. ત્યાં આલોકના મિત્ર અરવિંદભાઈ શુક્લના ઘરે પહોંચ્યા. ત્યાંથી રાજસ્થાન જતીનભાઈને મળવા અઢી વાગ્યે નીકળ્યા. છેક સોમવારની સાંજે સાત વાગ્યે પહોંચ્યા. જતીનભાઈએ આર. કે. ઇન્ડસ્ટ્રીઝનો ઈતિહાસ કહ્યો અને સંજીવની વાત કરી ત્યાં સોમવારની રાત પડી ગઈ અને સૌ જતીનભાઈના ઘરે જ રાત્રે ઊંઘી ગયા. બીજા દિવસે એટલે કે મંગળવારે સવારે મંથન, માલતી અને આલોક જતીનભાઈને ત્યાંથી નીકળી જયપુરના કોફી હાઉસમાં કોફી પીતા-પીતા આખો ઘટના ક્રમ વિચાર્યો. સંજીવની તપાસ અટકી ગઈ હતી. નવમા નોરતાની રાત્રે સંજીવ પેલા આર. કે. ઇન્ડસ્ટ્રીઝના ચોકીદારે અપાવેલા મકાનવાળી સોસાયટીમાં ગયો. એ ગયો.. પછી પાછો આવ્યો જ નહીં. ત્યાં શું થયું હશે? વિચારતા ત્રણેયના મનમાં ઝબકારો થયો અને તરત જ ત્રણેય જણા નીકળી પડ્યા આર. કે. ઇન્ડસ્ટ્રીઝ તરફ. સદનસીબે ચોકીદાર એ જ હતો. અને એને સંજીવ યાદ પણ હતો. સાંજે છૂટ્યા બાદ એ આ ત્રણેય સાથે ગાડીમાં જ ગોઠવાયો અને સંજીવને જે સોસાયટીમાં ભાડાનું મકાન અપાવેલું એ ગરીબ નગરની પાછળ આવેલી સામાન્ય કક્ષાની ગાંધી સોસાયટીની ત્રીજી ગલીના મકાન સામે જઈ ઊભા ત્યારે માલતી ભાવવિભોર બની ગઈ હતી. પેલો ચોકીદાર “સંજીવભાઈ અચ્છે ઇન્સાન થે, અબ મેં ચલતા હૂં” કહી જતો રહ્યો ત્યારે માલતીના મનમાં વિચાર ચાલતા હતા. સંજીવ અહીં રહેતો? નાના-નાના બાળકો શેરીમાં રમતા હતા, બેએક કૂતરા ભસતા હતા. એક ઓટો રીક્ષા સામેથી આવતી હતી, નાનકડી ડેલીની નીચેથી જ નાનકડી ગટર પસાર થતી હતી. અચાનક બાજુની ડેલી ખૂલી અને એક માજી આ ત્રણેય સામે “કિસકા કામ હૈ?” કહેતા દોડી આવ્યા અને સંજીવના ઘરની ડેલી ખોલી ઊભા “એ મેરા મકાન હૈ. તુમકો કિસકા કામ હૈ?” માજીના શબ્દોમાં ગુજરાતી છાંટ હતી એટલે માલતી બોલી. “બા, હમ ગુજરાત સે આયે હૈ.”
“એમ? બોલો ને બેન.. આયા કોનું મકાન ગોતો છો? હું ય કચ્છની છું.” માજી ગુજરાતી જ હતા. એટલે તરત જ વાતનો દોર સધાય ગયો. પણ જેવું સંજીવનું નામ સાંભળ્યું કે માજી ભડક્યા. “તુમ લોગ ભાગ જાઓ. સંજીવનું નામે ના લેતા. મને એની કંઈ જ ખબર નથી. જો એ લોકોને ખબર પડશે તો તમારી સાથે મારુંય આવી બનશે. ભાગી જાઓ.”
ત્રણેય તરત જ સતર્ક થઇ ગયા. જરૂર દાળમાં કંઇક કાળું છે.
“માજી તબ તો આપકો પુલીસ સ્ટેશન આના પડેગા.” અચાનક કડક અવાજ સાંભળી માલતી ચમકી. એ અવાજ મંથનનો હતો. માજી પાસેથી વાત કઢાવવા એણે નાટકીય ઢબે માલતી બાજુ આંગળી ચીંધતા આગળ કહ્યું “એ બાઈ ઉસકી બીબી હૈ. ઇસને કેસ કિયા હૈ કી સંજીવભાઈ કા મર્ડર હો ગયા હે.” માજી પર એની ધારી અસર થઇ. એ સિંયાવિયા થવા લાગ્યા. એક અધિકારીની જેમ સંજીવ ડેલી ખોલી અંદર પ્રવેશ્યો. માજી પણ હાથ જોડતા એની આગળ થયા. “માફ કર દો સાબ.. મૈને કુછ નહિ કિયા.” નાનકડા રૂમમાં બે ખુરશી હતી, એક સેટી હતી. ડાબી બાજુના ખૂણામાં એક નાનકડું મંદિર હતું. એમાં લાલ રંગની લાઈટ બળતી હતી. અંદર અંબેમાંનો ફોટો હતો.
“તો હમકો પૂરા બાત બતાઓ. તો હમ તુમકો છોડ દેગા.” એ જ રૂઆબ સાથે ખુરશી પર બેસતા મંથને કહ્યું. બીજી ખુરશી પર માલતી બેઠી અને સેટી પર માજીની બાજુમાં આલોક બેઠો. માજી ઢીલા પડી ગયા હતા. એ પટ-પટ બોલવા માંડ્યા.
“સંજીવભાઈને પેલો ચોકીદાર જ અહીં લાવ્યો હતો. મહિનાના છસ્સો રૂપિયાના ભાડે મેં એને આ કમરો ભાડે આપ્યો હતો. આખો દિવસ એ કમ્પનીમાં નોકરી કરતો અને સાંજે કમરામાં ભરાઈ જતો. બહુ ઓછું બોલતો. સાવ સીધો-સાદો ગરીબ માણસ હતો. એની ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા મારા રસોડે જ ગોઠવી નાખી હતી. મારી દીકરી સુધાને એણે બેન બનાવી હતી.” કહી માજીથી ડૂસકું મુકાઈ ગયું. “તમે ની માનો બેન.. પણ હું ખોટું ની બોલું. સુધાના લગનમાં સંજીવભાઈએ પચ્ચીસ હજાર રૂપિયાની મદદ અમને કરી હતી.” કહેતા માજીની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. માલતીની આંખ પણ સહેજ ભીની થઇ. આલોક અને મંથનના હૃદયમાં પણ કરુણા વ્યાપી ગઈ.
“માજી...” આખરે આલોક સ્વસ્થ થયો. “તમે અમને યાદ કરીને એ કહો કે એ નવરાત્રિના નવમા નોરતે શું થયું? જેના બીજા દિવસથી સંજીવભાઈ ગાયબ થઇ ગયા.”
માજી એકધારું મંદિર સામે જોઈ બોલ્યા.
“એ દિવસે સંજીવભાઈ મોડેથી આવ્યા હતા. કહેતા હતા કે કાલ બહુ મોટો દિવસ છે. જો સફળ થાય તો મને શીરો ખવડાવશે. એ કમરામાં ગયા અને હું અમારી ડેલીએ તાળું મારી સુઈ ગઈ. એણે કહ્યું હતું કે સવારે આઠ વાગે જવાનું હોવાથી છ વાગ્યે મને ઉઠાડી દેજો. મેં એને દસેરાની સવારે છ વાગ્યે ઉઠાડી દીધા.” માજી શ્વાસ લેવા અટક્યા ત્યારે ત્રણેયને પહેલો વિચાર એ આવ્યો કે આ માજી પહેલી વ્યક્તિ મળ્યા કે જેણે સંજીવને દશેરાની સવાર સુધી જોયો હતો. ત્યાં માજીના આગળના શબ્દો એમના કાને પડ્યા. “એને તેડવા ડ્રાઈવર બીજી ગાડી લઇને આવ્યો અને આઠની બદલે સાત વાગે જ આવ્યો. ત્યારે અમને નવાઈ લાગી. ડ્રાઈવર સખારામને બદલે બીજો કોઈ હતો. એણે સંજીવભાઈને કહ્યું કે “બધી ગાડીઓ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી બાપુએ અમને હુકમ આપ્યો છે આપને લઇ જવાનો. જલ્દી કરજો. હજુ બીજા લોકોને પણ લેવા જવાનું છે.” સંજીવભાઈ માટે મેં ચા મૂકી હતી. એ પાંચ મિનીટ ઊભા-ઊભ ચા પીને જતા રહ્યા. હે ભગવાન.. જો તે દિવસે મેં એને રોકી લીધા હોત તો.. જે થયું એ ન થાત.” કહી માજીએ ત્રણેય સામે જોયું. “મને ઝટકો તો ત્યારે લાગ્યો જયારે બરોબર આઠ વાગ્યે બાપુનો ડ્રાઈવર સખારામ સંજીવભાઈને તેડવા આવ્યો. હું તો ગભરાઈ જ ગઈ. એ પણ આખી વાત સાંભળી, જલ્દીથી પાછો તો ગયો. પણ એ પછી ન સંજીવભાઈ આવ્યા કે ન પેલો ડ્રાઈવર.”
અને કમરામાં સન્નાટો છવાઈ ગયો. અચાનક જ આલોકે માજી સામે જોઈ પૂછ્યું. “અમે આવ્યા ત્યારે તમે કહેતા હતા કે એ લોકો ખતરનાક છે, એ લોકો અમને પણ મારી નાખશે. એ લોકો એટલે કોણ?”
“સાયબ.. હું ગરીબ છું. મારી પાસે કંઈ નથી. દસેરાની સાંજે હું સોસાયટીની બહાર નીકળી શાક લેવા, તો એક રીક્ષાવાળો મારી પાસે આવી ઊભો રહ્યો અને કહ્યું “માજી .. સંજીવભાઈ તમને બોલાવે છે.” હું તો તરત જ એની રીક્ષામાં બેસી ગઈ. એક અવાવરું જગ્યાએ લઇ ગયો. ત્યાં પેલો સવારે આવેલો અજાણ્યો ડ્રાઈવર ઊભો હતો. એણે એક ધારદાર છુરો બતાવી મને કહ્યું કે જો સંજીવને તેડવા કોઈ આવ્યું હતું એ વાત કોઈને કરી છે તો આ છુરો પેટમાં ખોસી દઈશ અને હાડકાના ડૂચા કાઢી નાખીશ કહી છુરાની અણી મને ખૂંચાડી. મારા તો મોતિયા મરી ગયા. હું તો ઊભી પૂંછડીએ ભાગી. એ પછી સખારામ ડ્રાઈવર, પેલો ચોકીદાર બે-ચાર વાર પૂછી ગયા. બેએક બીજા માણસો પણ પૂછી ગયા. પણ મેં કોઈને કંઈ ના કહ્યું. આ તો તમે પોલીસવાળા છો એટલે મને થોડી બીક પણ લાગી એટલે બધું કહી દીધું.” માજી હાથ જોડી ગયા. ત્રણેયને માજીની દયા આવી. પણ બીજી તરફ કૈંક ખતરનાક બન્યું હોવાની ઘંટડી પણ વાગવા લાગી.
કૈંક વિચાર કરી ત્રણેય જણા ત્યાંથી નીકળી ગયા. જયપુરની થ્રી સ્ટાર હોટેલ “રોયલ સેલિબ્રેશન”માં બે કમરા રાખી તેઓ થોડા ફ્રેશ થયા. ત્રણેયના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે હવે આગળ શું કરવું? મંગળવારની રાત પડી ગઈ. ચિંતાથી મન ઘેરાયેલું હતું. માલતીને ઊંઘ તો નહોતી આવવાની પણ શરીરને આરામ થાય તે માટે એ બેડ પર પડી હતી. બેચેની અને ચિંતાથી મસ્તિષ્ક ઘેરાયેલું હતું. કયાંય કોઈ દિશા દેખાતી ન હતી. અને માલતીની આંખ બંધ થઇ ગઈ.
અચાનક જોર-જોરથી ડોરબેલ વાગતી સાંભળી માલતી સફાળી જાગી ગઈ. કોણ હશે? છાતી પર ઓઢણી ગોઠવી એ ઊભી થઇ. “માલતી.. હું આલોક. જલ્દી ડોર ખોલો.” સાંભળી સહેજ ધરપત અને સહેજ ભય સાથે માલતીએ દરવાજો ખોલ્યો. “માલતી.. આપણે અત્યારે જ નીકળવું પડશે. સંજીવને ઉઠાવી જનાર એ કુત્તાનો પત્તો મળી ગયો છે. ઓહ.. સોરી.. જલ્દી. બી ક્વિક.. હું નીચે ચેક આઉટ કરું પછી રસ્તામાં બધી વાત કરું.” કહી આલોક જતો રહ્યો. માલતીનો થાક ગાયબ થઇ ગયો. એ બાથરૂમ તરફ દોડી.
વીસમી મિનીટે ત્રણેય જણા પાછા આલોકની ગાડીમાં ગોઠવાઈ ગયા હતા. મંથન અને માલતીના દિમાગમાં એકજ પ્રશ્ન હતો. આલોકે વાત શરુ કરી.
“ગરીબ નગરથી પાછા ફરી, જમીને તમે બંને તો કમરામાં આડા પડ્યા પણ મને જમીને હજાર ડગલા ચાલવાની આદત હોવાથી હું હોટેલની લોબીમાં ટહેલતો હતો. એવામાં મને એક કીમિયો સુજ્યો. એટલે મેં આર. કે. ઇન્ડસ્ટ્રીઝનો નમ્બર નેટ પર સર્ચ કરી ફોન જોડ્યો. નસીબજોગે પેલા મેનેજર વિનોદકુમારે જ ફોન ઉઠાવ્યો એટલે મેં કહ્યું. “હું જયપુર સમાચારમાંથી આલોક બોલું છું. આવતીકાલ માટે એક મર્ડર સ્ટોરી છાપવાની છે જેમાં આપની આર. કે. ઇન્ડસ્ટ્રીઝનું નામ આવી રહ્યું છે એટલે ફોન કર્યો.”
વિનોદકુમાર પર ધારી અસર થઇ. “કોનું મર્ડર? કઈ સ્ટોરી સાહેબ?” એણે તરત જ પૂછ્યું.
“થોડા વર્ષ પહેલા સંજીવ જોશી નામના એક ગુજરાતીનું મર્ડર થયેલું. એ આપની કંપનીમાં હતો?” મેં તરત જ કડક અવાજે કહ્યું. અમને પત્રકારોને આવી આદત હોય છે. વિનોદ કુમાર ભડક્યો એટલે મેં એ વધુ વિચારે એ પહેલા દાવ ફેંક્યો. “કહેતા હો તો રૂબરૂ આવી જાઉં.” એણે મને પાંચ મિનીટ પછી ફોન કરવા કહ્યું.
મેં ફરી ફોન કર્યો. એણે મને સીધા બાપુના બંગલે જ આવી જવા કહ્યું. મેં પાકું એડ્રેસ માંગ્યું અને ઓટોમાં પહોંચી ગયો સીધો આર. કે. ઇન્ડસ્ટ્રીઝના માલિક રણજીતસિંહના બંગલે. અસલ બાપુ છે રણજીતસિંહ. રુઆબદાર દેખાવ, પાણીદાર આંખો, રાજાશાહી બંગલો. મને પણ થોડી બીક તો લાગી કે ક્યાંક ગરબડ થઇ તો રાજસ્થાનમાં જ છેલ્લા શ્વાસ લેવા પડશે એટલે એમની સામે બેસતાવેંત જ મેં ખોલ આપી દીધી.
“બાપુ.. હું ગુજરાતનો પત્રકાર છું.”
“પણ તમે તો કહ્યું કે તમે..”
“હા બાપુ.. મેં આપના મેનેજર પાસેથી થોડી વાત કઢાવવા આ કીમિયો અપનાવેલો. પણ વાત સીધી આપ જેવા પહોંચતા-પામતા વ્યક્તિ સુધી પહોંચી એટલે મારે કોઈ વાત છુપાવવાની ભૂલ કરવી નથી.” મેં કહ્યું અને બાપુની આંખ સામે જોયું. એ ખેંચાયેલી હતી, વાત બગડી રહી હતી. હું આગળ કંઈ કહું એ પહેલા એમણે મને પૂછ્યું.
“સંજીવ જોશીને તમે કેવી રીતે ઓળખો?”
મેં આખી વાત માંડીને કરી. રતનપર, માલતીબહેન અને સંજીવભાઈની લાગણી, અમદાવાદવાળા અરવિંદની માહિતી, ત્યાંથી જતીનભાઈ અને છેલ્લે પેલા ગરીબનગરવાળા ડોસીમા. આખી વાત બાપુએ શાંતિથી સાંભળી. એટલે પૂરું કરતી વખતે મેં કહ્યું. “એટલી તો અમને ખબર પડી કે સંજીવભાઈને કોઈ કિડનેપ કરી ગયું. પણ કોણ? અને એણે એમની સાથે શું કર્યું?” એ જાણ્યા વિના માલતીબહેન તો પાછા નહીં જાય.”
બાપુ બે મિનીટ મૌન રહ્યા. એમને મારી વાતમાં સચ્ચાઈ દેખાઈ. એ બોલ્યા.
“જુઓ.. સંજીવ જોશી વોઝ એ ગુડ પરસન. અને હું તમને પૂરી મદદ કરીશ.” કહી ટેબલ પર પડેલો ફોન ઉંચક્યો અને કોઈ નંબર ડાયલ કર્યો.
“જય માતાજી... મારી પાસે ગુજરાતથી એક પત્રકાર આવ્યા છે. પેલા સંજીવ જોશી બાબતે તપાસ કરવા. મામલો થોડો અંગત છે. એમને બનતી મદદ કરો.”
ફોન કટ થયો..
“જયપુરના ઇન્સ્પેકટર રાણા સાહેબ સાથે મેં વાત કરી છે. એમના દ્વારા મેં પૂરી તપાસ કરાવેલી. એ તમને બધી વાત કરશે. અત્યારે જ સીટી એ ડીવીઝન પહોંચી જાઓ અને એકદમ વિનમ્રતાથી એમણે મને વિદાય કર્યો. હું ફરી રીક્ષામાં ગોઠવાયો.
ઇન્સ્પેકટર રાણા માથા ફરેલો ઇન્સાન હતો. હું સ્ટેશને પહોંચ્યો ત્યારે એ એક બદમાશને લાકડીથી સોલારી રહ્યો હતો. એ કાર્યક્રમ પૂરો કરી એણે પોતાની સામે ઊભેલા ત્રણ કોન્સ્ટેબલને બબ્બે કટકા ગાળો ભાંડી અને પછી પોતાની ઓફિસમાં ઘુસી ગયો અને મને પણ ઓફિસમાં બોલાવ્યો.
“જુઓ પત્રકાર સાહેબ, બાપુનો હુકમ છે એટલે મારે તમને બધી જ વાત કહેવી પડે. તે દિવસે.. પેલો જોશી ગાયબ થઇ ગયો પછી બાપુએ પર્સનલી મને એની તપાસ કરવા કહ્યું હતું. મોટા માણસોના નામ પોલીસ ચોપડે કદી ચઢતા નથી એ તો તમે પત્રકાર છો એટલે જાણતા જ હશો.” કહી એમણે ટેબલ પરની બેલ વગાડી. એક કોન્સ્ટેબલ દોડતો અંદર આવ્યો. “શું લેશો ચા કે કોફી કે કંઈ ઠંડુ?”
“સાહેબ મેં હમણાં જ ડીનર લીધું.” મેં દબાતા અવાજે કહ્યું.
“તો ચા પીઓ.” કહી એમણે પેલા કોન્સ્ટેબલને ચા લેવાનો ઓર્ડર આપી વાતનો દોર સાધી લીધો. “બહુ લાંબી વાત નથી કરતો, પણ ટૂંકમાં કહું તો બાપુએ જે વેબસાઈટ તમારા જોશી પાસે બનાવી એ વેબસાઈટ માટે પહેલા એક બીજી પેઢીને ઓર્ડર આપ્યો હતો. એ પેઢીને બાપુની વેબસાઈટની સાથે બીજા પંદર ઓર્ડર મળે તેમ હતા. પણ જોશી વચ્ચે આવી જતા પેઢીની ઈમેજ બગડી ગઈ એટલે પેઢીએ સંજીવની ઈમેજ બગાડવા દશેરાને દિવસે જ સંજીવને ઉઠાવી લીધો.
મેં એ પેઢીના એ કાવતરાખોર બોસને ઉઠાવી એના હાડકા-પાંસળા એક કરી નાખ્યા. કોર્ટ કેસમાં જજ ક્યારે ફેંસલો આપે અને ક્યારે ન્યાય થાય? અમે તો ચપટી વગાડતા જ ન્યાય કરી આપીએ છીએ એ તો તમે પત્રકાર છો એટલે જાણતા જ હશો. એ કુત્તાએ કબૂલાત આપી કે જોશીને ઉઠાવી દૂર ફેંકી આવવાની સોપારી એણે રાજસ્થાન ગુજરાત વચ્ચે દારૂની હેરા-ફેરી કરતી એક ગેંગને સોંપી હતી. તમે માનશો? સોપારી કેટલા રૂપિયાની હતી? માત્ર રૂપિયા પચ્ચીસ હજાર... બોલો.. ! એ ગેંગ સુધી જોશીને પહોંચાડવાનું કામ પેલા બોસના ડ્રાઈવરે જ કરી આપ્યું અને જેવો જોશી તેઓના હાથમાં આવ્યો એ સાથે જ ચોરીની ગાડીમાં પાછળ એને મુસ્કેટાટ બાંધી કુત્તાઓ ઉઠાવી ગયા.” ત્યાં કોન્સ્ટેબલ ચાની બે પ્યાલી અને સમોસાની એક પ્લેટ મૂકી ગયો એટલે સાહેબે એક નાનકડો બ્રેક લીધો.
ગાડી પૂરપાટ દોડ્યે જતી હતી. જયપુર અમદાવાદ હાઈવે પર ગાડી હવે દોડી રહી હતી. જયપુર હવે ૩૦ કિલોમીટર પાછળ રહી ગયું હતું. ત્રણેયની ઊંઘ ઊડી ચૂકી હતી. રસ્તા પરનું સાઈન બોર્ડ વાંચતા મંથને પૂછ્યું. “સો .. વિ આર ગોઇંગ ટુ અમદાવાદ?”
અને ફરી આલોકે વાતનો દોર હાથમાં લીધો. “હા.. અમદાવાદ થી રાજકોટ થઇ જુનાગઢ.”
“જુનાગઢ?” માલતી વચ્ચે જ બોલી..
“હા.. આગળ સાંભળો. મને ચાની પ્યાલી થમાવી, સમોસા ખાતા-ખાતા ઇન્સ્પેકટર રાણાએ વાત આગળ વધારી. ‘જોશીને ગાયબ કરવા લઇ ગયેલા એ કુત્તાનો ફોન નમ્બર પેલા વેબસાઈટ પેઢીના બોસના મળતિયા પાસેથી મળ્યો. એ કુત્તાને ફોન લગાડ્યો તો ફોન ક્યાંય લાગ્યો નહીં. મેં ઓર જોર લગાડી પેલા મળતિયા ને ભીસ માં લીધો તો એનો એ ખેપનો રૂટ પકડાયો. એ કુત્તો.. અમદાવાદ, રાજકોટ અને જુનાગઢમાં પેટીઓ ઉતારતો. ગીરના જંગલમાં ક્યાંક ગાયબ થઇ જવાનો હતો. પણ તપાસ કરતા જાણવા મળ્યું કે એને જુનાગઢ પોલીસે દારૂની હેરા-ફેરીના ગુન્હા સબબ પકડીને જુનાગઢની જેલમાં પૂરી દીધો છે. એટલે અસલી ગુનેગાર જેલમાં તો પહોંચી ગયો. પણ પેલા જોશીનું એણે શું કર્યું એ જાણવા ન મળ્યું.”
કહી ઇન્સ્પેકટર અટક્યા. મેં ચાની ચૂસકી લીધી. એમણે પણ સમોસાનો એક ટુકડો મોંમાં મૂકી ચાનો એક ઘૂંટ પીધો અને આગળ કહ્યું. “મેં ગુજરાતના મારા સંપર્કોને પૂછતાછ કરી તો જુનાગઢ પોલીસ ચોકી સુધી કોન્ટેક્ટ થઇ ગયો. કોઈ મીન્દડા કે મેન્દડાની પોલીસ ટીમે એને જંગલમાંથી આંતર્યો હતો. એની ગાડીમાં ખાલી દારુની પેટીઓ જ હતી. પોલીસને ત્યારે ક્યાં ખબર હતી કે એ જોશીને ઉઠાવી લાવ્યો છે એટલે પોલીસે એ પકડાયો ત્યારે કોઈ બીજી તપાસ પણ કરી ન હતી. મેં રણજીતસિંહ બાપુને અહીં સુધીનો અહેવાલ આપ્યો તો એમણે મને એ બદમાશ પાસેથી જોશીનો પત્તો મેળવવાનો આદેશ આપ્યો. મારે ફરી ચકરડા ફેરવવા પડ્યા. મેંદરડા પાસેથી જુનાગઢની જેલના ફોન નંબર લઇ ત્યાં આખી ઘટના સમજાવી ત્યારે તેઓએ કુત્તાની માહિતી આપી અને એ કુતાને ફરી ખોખરો કર્યો. જો મર્ડરના કેસમાં ફીટ ન થવું હોય તો સાચું બોલવા પોલીસે દબાણ કર્યું એટલે એણે ગીરનો રસ્તો બતાવી દીધો. જ્યાં એણે પેલા જોશીને ફેંકી દીધો હતો. હવે તમને તો ખબર છે, જંગલી વિસ્તારમાં રોડથી ક્યાંનો ક્યાં બેહોશ પડેલો માનવ દેહ ક્યાં સુધી?”
ઇન્સ્પેકટરે બોલેલા શબ્દો ઘાતક હતા. માલતીની હાજરી ધ્યાને આવતા આલોકે વાત અટકાવી. અને જુદું જ વાક્ય કહ્યું.. “એણે કહેલા વિસ્તારમાં પોલીસે તપાસ કરી તો ત્યાં કશું જ ન હતું. જોકે દિવસોય ઘણા વીતી ગયા હતા એટલે તપાસ અટકી ગઈ.”
કારમાં સન્નાટો છવાઈ ગયો. કેટકેટલું થયું સંજીવ સાથે! માલતી માથે હાથ મૂકી ભીતરે રડી પડી. આખી રાત ગાડી ચાલતી રહી. ક્યારેક મંથન તો કયારેક આલોકે ડ્રાઈવર સીટ સંભાળી. “માલતી.. હિમ્મત હારતા નહીં. મને વિશ્વાસ છે, સંજીવભાઈને કંઈ નહીં થયું હોય.” મંથને માલતીને આશ્વાસન તો આપ્યું પણ એની માલતી પર બહુ અસર ન થઇ.
છેક બુધવારની સાંજે એક ગુડ ન્યુઝ તેઓને મળ્યા. અને ત્રણેય ફરી સજીવ થઇ ઉઠ્યા.
જયપુરથી વાયા અમદવાદ અને રાજકોટ, જુનાગઢ આલોકની કાર પહોંચી ત્યાં સુધીમાં બપોરના બે વાગી ચૂક્યા હતા. કાળવા ચોક પાસેથી વળાંક લઇ આલોકે કારને પોલીસ હેડકવાર્ટરમાં પાર્ક કરી દીધી. થોડી જ મિનીટોમાં તેઓ એ પોલીસ અધિકારી સમક્ષ ઉપસ્થિત હતા, જેણે જયપુરના ઇન્સ્પેકટર રાણા સાથે વાત કરી હતી. અધિકારીએ બે કોન્સ્ટેબલને બોલાવ્યા અને એમને પેલા જુના કેસની વાત કરી. એકે કહ્યું કે આ તપાસમાં ગઢવી સાહેબ ગયા હતા. એટલે તરત જ અધિકારીએ ગઢવી સાહેબનો સંપર્ક કર્યો. થોડી જ મિનીટોમાં એક જીપમાં ગઢવી સાહેબ અને પોલીસ ડ્રાઈવર નીકળ્યા અને એમની પાછળ કારમાં આલોક, માલતી અને મંથન નીકળ્યા. લગભગ દોઢેક કલાકે એક તરફ ગીરનાર દેખાતો હતો. બીજી તરફ ઊંચા-ઊંચા ઝાડ હતા. રસ્તો સિંગલ પટ્ટી હતો, સુમસાન હતો. ક્યારેક કોઈ મોટર સાયકલ સવાર તો ક્યારેક કોઈ કાર સામેથી આવતી. એવામાં અચાનક આગલી જીપ થંભી. શ્વાસ થંભાવી દે તેવું દ્રશ્ય હતું. ડાબી તરફની ઝાડીમાં દૂરથી એક હરણું બેફામ ઝડપે દોડતું જીપની દિશામાં આવી રહ્યું હતું. એની પાછળ એનાથી ચાર ગણો મોટો, બિહામણો સિંહ મોટી છલાંગો મારતો દેખાયો. માલતીના મોંમાંથી નીકળતી ચીસ ગળા માં જ દબાઈ ગઈ. મંથને તેના મોં પર હાથ દાબી દીધો. હરણું આગલી પોલીસ જીપને ઓળંગે એ પહેલા જ સિંહે એક લાંબી છલાંગ મારી એના પેટ પાછળના ભાગને પોતાના પંજાઓ વચ્ચે પકડી લીધો અને બંને પછડાટ ખાઈને રસ્તાની કિનાર પર પટકાયા. હરણું તરફડવા માંડ્યું. શ્વાસ રોકી પાંચેય જણા આ ખૂની ખેલ તાકી રહ્યા. કોણ જાણે કેમ હરણું ઊભું થયું અને સિંહ પ્રયત્ન કરવા છતાં ઉઠી ન શક્યો. હરણું તરત જ ભાગવા માંડ્યું. સિંહ મહાપરાણે ઊભો થયો પણ એનો પગ લથડાતો હતો. હરણું ભાગી છૂટ્યું. સિંહે રસ્તા વચ્ચે બે ઘડી ઊભા રહી જીપ અને કાર સામે જોયું. એક મિનીટ, બે મિનીટ અને એ ધીમા ડગલે ચાલ્યો ગયો.
મિનીટો બાદ ફરી બન્ને ગાડી ચાલવા માંડી. દસ જ મિનીટમાં જીપ થંભી અને ગઢવી સાહેબ તેમાંથી ઉતર્યા એટલે આલોકે પણ ગાડી બંધ કરી. અને ગઢવી સાહેબના ઈશારે દરવાજો ખોલી બહાર નીકળ્યા.
“જોયું ને? સિંહ કેમ હતો?” કહેતા ગઢવી સાહેબ રસ્તાની ડાબી બાજુ ચાલ્યા અને બાકીનાઓને પાછળ આવવા ઈશારો કર્યો. એક ઢાળ ચઢી, એની પાછળનું એક બાવળ દેખાડી તેઓ બોલ્યા. “આ જગ્યા પેલા જયપુરી સુપારીએ દેખાડી હતી. જુઓ.. ત્યાં મેં એક મોટો પથ્થર રાખી એની આજુ-બાજુ નાના પથ્થરોની ઢગલી કરી હતી. હજુ વિખાઈ નથી.”
અલોક, માલતી અને મંથને એ દિશામાં જોયું. વર્ષો પહેલા, એક-બે કે ચાર વર્ષ પહેલા સંજીવને બેહોશ કે મૃત હાલતમાં અહીં ફેંકી દેવાયો હતો. થોડી વાર પહેલા ભૂખાળવો સિંહ જોયા પછી કોઈ બીજી કલ્પનાને અવકાશ ન હતો. માલતી પોતાની જાતને આ સાપ-સીડીની રમતમાં હારતી લાગી રહી હતી.
“મારી સલાહ માનો તો ભૂલી જાઓ બધું...” ગઢવી સાહેબે સહજ ભાવે કહ્યું. પણ એમનું આ વાક્ય માલતીને છિન્નભિન્ન કરી નાખે એ પહેલા એમણે સહજ ભાવે બીજું વાક્ય કહ્યું. “બાકી.. જો ગિરનારીમાં શ્રધ્ધા હોય તો કોઈનો વાળ પણ વાંકો ન થાય. બચી ગયું ને પેલું હરણું?” એટલે ફરી માલતી પેલા બાવળની આસપાસ જોઈ રહી.
“ગિરનારી એટલે?” આલોકે ગઢવી સાહેબને જુદો જ પ્રશ્ન પૂછ્યો. કદાચ એ વાતને બીજા પાટે ચઢાવી વાતાવરણ હળવું કરવા માંગતો હતો. “આશ્રમ છે એમનો અહીં. બહુ મોટા સિદ્ધ થઇ ગયા અહીં નાથુ દાદા. એમનો અહીં આશ્રમ છે, સંજીવની આશ્રમ. મને તો એમના પર ખૂબ શ્રદ્ધા છે. પેલા હરણાંને સિંહે પછાડી દીધું ત્યારે જ મેં નાથુ દાદાની માનતા લીધી. જો હરણાની રક્ષા કરો તો સાકર ધરાવીશ. જોયું ને તમે? છે ને હાજરા હજૂર મારો દાદો?” ગઢવી સાહેબે માહિતી આપી.
“આશ્રમમાં હશે નાથુ દાદા અત્યારે?” આલોકે પૃચ્છા કરી..
“હોય કાંઈ? એકસો પાંત્રીસ વર્ષ પહેલા થઇ ગયા નાથુ દાદા તો.. કેવાય છે કે એ હજુ જીવે છે. પણ ક્યાં છે એ કોઈને ખબર નથી. આ આશ્રમમાં તો નાના ગુરુજી અને મહાત્મા બાબાજી હોય છે. એય પાછા ચાતુર્માસ કરવા ક્યારેક હિમાલય તો ક્યારેક ગીરનાર તો ક્યારેક બીજે ક્યાંક હોય છે. કાલ મહાત્મા બાબાજી આવવાના છે. મારે તો અત્યારે સાકર ધરાવવા જવું જ પડશે. મારું માનો તો તમેય ચાલો મારી સાથે. કાલ સવારે અહીં આવી તપાસ આગળ વધારજો.”
ત્રણેયે એક બીજા સામે જોયું. કોઈ અદ્રશ્ય શક્તિ જાણે એમનું સંચાલન કરતી હોય તેમ તેઓ કારમાં ગોઠવાઈ ગયા. જીપ ચાલુ થઇ, દોડવા માંડી. કાર પણ પાછળ આવવા માંડી અને લગભગ છ વાગ્યે ત્રણેય જણાએ આશ્રમમાં પગ મૂક્યો ત્યારે માલતી એક વાર રીતસર કંપી ગઈ. કંઈ જ ન હતું છતાં એની કંપારી અટકી નહીં. નાથુ દાદાની મૂર્તિને સૌ નમ્યા. પૂજારી સાધકે તેઓને ઉતારાની વ્યવસ્થા કરી દીધી. ગઢવી સાહેબ તો સાકર ધરાવી જતા રહ્યા. ત્યારબાદ પૂજારી સાધક સાથે આલોક અને મંથને પોતાના આવવાનું પ્રયોજન કહ્યું. અને ચોંકાવનારો જવાબ મળ્યો.
“તો તો.. આપની શોધ અહીં પૂરી થઇ જશે.”
ત્રણેય ચોંક્યા. પૂજારી સાધકે તરત જ કહ્યું. “પેલા જંગલની ઝાડીમાંથી બેહોશ સંજીવ ભાઈ પર આપણા નાના ગુરુજીની જ નજર પડી હતી. એમના ચહેરાનો ઉજાસ જોઈ ગુરુજી તેમને આપણા આશ્રમમાં લાવ્યા હતા. “મેં ગુરુજી પાસેથી સાંભળ્યું છે કે “સંજીવ ભાઈ અસામાન્ય માનવ છે. એવું વ્યક્તિત્વ લાખો કરોડોમાં એકાદું હોય છે. બસ થોડી માવજતની જરૂર હતી. એટલે એમની સારવાર કરી. તેઓ સાજા થયા એટલે અહીં જ એક વર્ષ સુધી સાધના કરી. જે સાધના પૂરી કરતા અમને સાત-સાત વર્ષ થાય તે એમણે છ જ મહિનામાં પૂરી કરી નાખી. એમના આવ્યા બાદ નાના ગુરુજીની સાથે મોટા ગુરુજી પણ હિમાલયમાંથી એકવાર અહીં આવ્યા હતા. ખાસ સંજીવભાઈને જોવા. એમણે પણ સંજીવભાઈ માટે એવા જ શબ્દો વાપર્યા હતા. રોજ છ-સાત કલાક ધ્યાનમાં બેસવું એ તો એમને સહજ વાત હતી. છેલ્લે-છેલ્લે તો સંજીવભાઈ બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી સમાધિ લગાવતા. એટલે જ મહાત્મા બાબાજી એમને પોતાની સાથે હિમાલયમાં લઇ ગયા. કાલ મહાત્માજી આવે એટલે સંજીવ ભાઈ એમની સાથે જ હશે અથવા ક્યાં હશે એ બાબાજીને ખબર હશે.”
મોડે સુધી સંજીવ વિષે પૂજારી સાધક બોલતા ગયા. માલતી, આલોક, મંથન સાંભળતા રહ્યા. તો શું સંજીવ એક જુદી જ કક્ષાનો જીવ હતો? સંતોની કક્ષાનો? ધ્રુવ-પ્રહલાદની કક્ષાનો કે દૈવી કક્ષાનો? રામ કે કૃષ્ણની કક્ષાનો? અવનવા વિચારો, અશક્ય લાગતા વિચારો, અસત્ય લાગતા વિચારો ત્રણેયના દિમાગને આખી રાત ચૂંથી રહ્યા.
બુધવારની રાત વીતી અને ગુરુવારની સવારે અગાસી પર આલોક અને માલતી ઊભા હતા. અને આલોકે માલતીને પુછ્યું હતું. “વ્હોટ ઇસ નેક્સ્ટ?”
માલતી ખામોશ હતી.
સમય વીતી રહ્યો હતો.
આલોકે પ્રશ્ન પૂછ્યો હતો એનું કારણ મંથન હતો. ગઈકાલે રાત્રે માલતી પોતાના ઉતારામાં ગઈ પછી મંથન અને આલોક પોતાના ઉતારામાં પથારીમાં પડ્યા હતા. બંનેને નીંદર નહોતી આવતી.
“ગેમ ઓવર.. આલોક.. મારા ગોલ્ડન ડેઝ કાલ પૂરા થાય છે. આજની રાત આખરી છે. કાશ.. આજની રાત મારા જીવનની પણ આખરી રાત હોય.” મંથન બોલતો હતો.
“આ તું શું બોલે છે મંથન?” આલોકે તેની સામે જોયું. તો મંથનની આંખો ભરાયેલી હતી.
“આઈ લવ હર.. આઈ કાન્ટ લીવ વિધાઉટ હર.” દબાયેલા ધ્રુસકે મંથને પોતાનું મોં દાબી રાખ્યું. થોડી ક્ષણો પછી ફરી બોલ્યો. “પણ માલતી મારા જેવા સામાન્ય માણસ માટે થોડી સર્જાઈ છે? એ તો સંજીવ જેવા અસામાન્ય તત્વની અમાનત છે. કૃષ્ણની રાધા છે. હું તો.. કૃષ્ણ તો શું સુદામાય ના કહેવાઉં. મને તો ધ્યાન, યોગ કે સમાધિ કશું સમજાતું જ નથી. અને સંજીવ બબ્બે, ચાર-ચાર દિવસ આંખો બંધ કરીને..” ક્યાંય સુધી મંથન બોલતો રહ્યો. કદાચ મોડી રાત સુધી, અર્ધી રાત સુધી કે વહેલી સવાર સુધી. અત્યારે મંથન સાપના મોંમાં આવતા કેટલીયે સીડી નીચે આવી ગયો હતો અને માલતી પ્રેમની માનસિક ધરપતરૂપી સીડી ચઢી રહી હતી.
અચાનક મોબાઈલની ઘંટડી વાગતા આલોકે સ્ક્રીન પર જોયું. “ગાંધીસાહેબ...” અને એ માલતીથી થોડો દૂર જતો રહ્યો. સામેથી ગાંધીસાહેબે જે કહ્યું એ માની ન શકાય તેવું હતું. “આલોક.. હું જે કહું છું તે શાંતિથી સાંભળજે. અને કોઈને કહેતો નહીં. તમે જે સંજીવને શોધી રહ્યા છો એ સંજીવ અત્યારે રતનપરમાં છે અને બહુ ટૂંક સમયમાં એ દુનિયામાંથી વિદાય લઇ લે એવો કીમિયો મેં ઘડી લીધો છે. હવે બે દિવસ સુધી મંથન કે માલતી, રતનપર કે જામનગર બાજુ ફરકે નહીં તે જવાબદારી તારી.”
દૂરથી ઉગી રહેલા સૂર્ય ફરતે કેસરિયો રેલાયેલો હતો. માલતી આશાભરી આંખે એ સોનાના સુરજને તાકી રહી હતી. એણે નજીક આવી ઉભેલા આલોક સામે જોયું. આલોકથી માલતીની નિર્દોષ નજર જીરવાતી ન હતી. એ માલતીના હાથમાંથી ખાલી ગ્લાસ લઇ દાદરા ઉતરી ગયો.
============