સાપ સીડી - 10 Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપ સીડી - 10

પ્રકરણ ૧૦

પતઝડમેં જો ફૂલ મૂરઝા જાતે હૈ
વો બહારો કે આને સે ખીલતે નહીં.

વાત ગંભીર હતી એટલે ગાંધી સાહેબના ચહેરા પરની રેખાઓ તંગ બની હતી. સેક્રેટરી ગૌતમ હજુ સામે જ ઉભો હતો. બે મિનીટ નિરવ વીતી ગઈ એટલે ગૌતમે મૌન તોડતા હળવા આવજે કહ્યું.. “સાહેબ... સાંજે રતનપર જવાનું છે. આપે કહ્યું એમ શારદા માસીને પણ સાંજનો સમય આપી દીધો છે અને પેલી ગુજરાતી ન્યુઝ ચેનલની એડિટર સારિકાસિંહ અગિયાર વાગ્યે આવશે.” કહી સહેજ અટકી “અત્યારે આપને કઈ બ્રેકફાસ્ટ મોકલાવું?”
ગાંધી સાહેબનો ચહેરો ગંભીર જ રહ્યો. એમણે ઘડિયાળ માં જોયું. સાડા દસ થયા હતા. રોજ તો આ સમયે તેઓ હળવો નાસ્તો લેતા હતા. પણ થોડી જ મિનીટો પહેલા આલોક મહેતા સાથે થયેલી વાત અને ગઈ કાલે રતનપરથી પોલીસ કોન્સ્ટેબલ પરમારે આપેલી બાતમીએ ગાંધી સાહેબના દિમાગમાં હલચલ મચાવી દીધી હતી. ગૌતમ નાસ્તાનું પૂછતો હજુ ઉભો હતો. એમણે “મને થોડી વાર કોઈ ડીસ્ટર્બ ન કરતા. નાસ્તો પછી..” કહ્યું એટલે “ઓકે સર.” કહી ગૌતમ રૂમની બહાર જતો રહ્યો.
સોફા પર ગાંધી સાહેબ બેઠા હતા. રૂમમાં ડાબી દિવાલે જડેલા કાચમાંથી સૂર્ય નો આછો પ્રકાશ રેલાતો હતો. સામેની દિવાલ પર બાલકૃષ્ણની વાંસળી વાળી છબી હતી. ગાંધીસાહેબને તેમાં પોતાના બાલકૃષ્ણ મંથનનો ચહેરો દેખાયો. રાજકારણી પિતાને ધિક્કારતો મંથન પોતાનાથી ઘણો દૂર નીકળી ગયો હતો. સાવ ભૂલી જ ગયો હતો. લગભગ બે-એક વર્ષ થી મંથને પોતાની સાથે વાત નહોતી કરી. રૂબરૂ તો મળતો જ નહીં. ફોન પર પણ જેવું પિતાનું હેલો સંભળાય કે તરત કટ કરી દેતો. આખા ગુજરાતના અઠંગ રાજકારણીઓને જેની વાત, કડવી વાત પણ હસતા મુખે સાંભળવી પડે તેવા નરોતમભાઈ ગાંધીનો સગ્ગો દીકરો... એમનો એક હરફ સુદ્ધા સાંભળવા તૈયાર ન હતો. શરૂઆતમાં તો ગાંધી સાહેબે તેને સમજાવ્યો. પછી ધમકાવ્યો અને છેલ્લે કરગરીને પણ જોઈ લીધું. પણ મંથન ટસનો મસ ન થયો.
મંથન અને પોતાની વચ્ચેની કડી હતો પત્રકાર આલોક મહેતા. આમ તો આલોક મંથનનો મિત્ર, પણ પત્રકાર હોવાને કારણે રાજકારણીઓની મજબુરીઓ એ જાણતો. એટલે પિતા તરીકે ગાંધીસાહેબે જયારે આલોકને મંથનનું ધ્યાન રાખવા કહ્યું ત્યારે આલોકે સંમતિ આપી. એ જ આલોકે અઠવાડિયા પહેલા ફોન પર જયારે “મંથનને માલતી ગમી છે. ડોક્ટર અમૃતલાલ સાહેબની દીકરી.” એમ કહ્યું ત્યારે ગાંધીસાહેબ હરખાઈ ગયા હતા. અમૃત ડોક્ટર તો પોતાના વતનનો યાર હતો. એની દીકરી માલતી તો પોતાને “ગાંધીકાકા” કહેતી. થોડી મુસ્કુરાહટ ગાંધીસાહેબના મુખ પર વ્યાપી ગઈ.
રાજકારણીઓના હરખ બહુ ઓછા કેમ ટકતા હશે? ગાંધીસાહેબ જાણતા હતા કે મંથન અને પોતાની વચ્ચે બહુ ઊંડી ખાઈ હતી. સિદ્ધાંતો ની ખાઈ.... “પપ્પાજી ... તમે સાવ જુદા જ થઇ ગયા છો.” મંથનનું ભૂતકાળમાં બોલાયેલું વાક્ય યાદ આવ્યું ગાંધીસાહેબને. “નાટક કરવાનું કામ અમારું, કલાકારોનું છે. મંચ પર અમે ઓડીયન્સને કહીને, જગ જાહેર રીતે નીતનવા પાત્રો ભજવીએ છીએ. પણ એ નાટક છે. અસલી જિંદગીમાં નાટક ન હોય અને પોતાના લોકો પાસે તો કોઈ કાળે નહિ જ...”
ધારદાર છરીની તીક્ષ્ણ ધાર, છાતીમાં પરોવાઈ જાય એવું વાક્ય. જે દીકરા સિવાય કોઈ બોલ્યું હોત તો એનો અતો-પતો ન મળત. પણ ગાંધીસાહેબ સાંભળી રહ્યા. આડત્રીસનો હતો મંથન ત્યારે. અત્યારે લગભગ ચાલીસનો. અને પોતે બાસઠ વર્ષના.
આલોકે કહ્યું હતું કે શંભુકાકાને મળવા મંથન સાથે પોતે ગયો હતો અને માલતી માટે મંથનની વાત ચલાવી હતી. એ પછી ગાંધી સાહેબે સીધો રતનપરના શારદા બહેનને ફોન જોડેલો. એમની જ સલાહ મુજબ પોતે શનીવારે હનુમાન ચાલીસા શરુ કરેલા. ત્રણ જ શનિવાર ગયા હતા અને દીકરાના ખુશ-ખબર મળ્યા હતા. વાત આગળ વધે, અને જો હનુમાનજી કૃપા કરે, અને મંથન અને એની મા સાથે સુમેળ થઇ જાય તો...! આખું ગુજરાત જ નહીં, છેક દિલ્હી સુધી ડંકો વાગી જાય એવા વિવાહનું આયોજન કરવાના કોડ ગાંધીસાહેબના હૃદયમાં જાગ્યા હતા.
પણ ગાંધીસાહેબ સતર્ક હતા. એમ જપાજપી કરાય નહીં. સંવેદનશીલ સબંધોમાં તો બધું ધીમે-ધીમે જ પાકે. બધું સત્યના તાપે જ પાકે, વિશ્વાસના તાપે જ પાકે. જયારે પોતે એક રાજકારણી. અસત્ય, અવિશ્વાસ અને અસંવેદનશીલતાથી ઠસોઠસ ભરેલા. માનવીય સંવેદનો જેનામાં સાવ સુકાઈ જ ગયા હોય એવા. અંતરાત્મા નો અવાજ જેણે વર્ષોથી ન સાંભળ્યો હોય એવા. જેની આંખમાં સાચા આંસુ ખલાસ થઇ ગયા હોય એવા. અમાનવીય, થોડો થોડો જનાવર, થોડો થોડો રાક્ષસ બની ગયેલા માનવ જેવા ગંદા રાજકારણી. ખિન્નતા વ્યાપી ગઈ ફરી ગાંધીસાહેબના દિલમાં. ભીતરના આ ખૂણેથી આવતા વિચારોને ગાંધીસાહેબે ઘણા વર્ષો સુધી દાબી રાખ્યા હતા છતાં એ વિચારો મરણ નહોતા પામ્યા.
મંથન એની મા પર ગયો હતો. એના જમાનામાં ગુજરાતી રંગમચની પ્રખ્યાત અભિનેત્રી હતી દેવીલતા. એનું રૂપ, એનો અભિનય, એનો અવાજ, એની અંગભંગિમાઓ, એનું નૃત્ય, એનો શ્રીંગાર... શું કહેવું? પાગલ હતા ગાંધીસાહેબ. ના..ના એ સમયે તો ગાંધીસાહેબ, માત્ર ‘નરિયો’ હતા. રાજકારણી પિતાનો નવો-સવો જુવાન થયેલો બગડેલો પુત્ર એટલે નરિયો. કોઈ કાળે દેવીલતા પોતાને પરણે નહીં એની ખાતરી હતી નરિયાને. પણ રાજકારણી પિતાએ એવા તો પાસા ફેંક્યા કે દેવીલતાનું રૂપાળું જોબન, નરિયાની બાહોમાં સમાઈ ગયું. માત્ર જોબન... ન મન, ન હૃદય, ન આત્મા. નરિયાએ પાગલની જેમ એને ચૂંથ્યે રાખી. રૂપ ગયું, અભિનય ગયો, નૃત્ય ગયું. એક સોનાના પાંજરામાં જાણે પંખી પૂરાઈ ગયું.
રાજકારણના દાવ-પેચ શીખ્યા પછી, જુવાનીનું જોશ શમ્યા પછી, નરિયામાંથી નરોતમ અને તેમાંથી ગાંધીસાહેબ બન્યા પછી પોતાને, ગાંધીસાહેબને સમજાયું હતું દેવીલતા નું દર્દ. પણ સમય સરી ગયો હતો.
આવા તો કેટલાયે આઘાતો, દર્દો, પાપો થી ગાંધી સાહેબનું ભીતર ભરેલું હતું. તેમાં મંથનની શરણાઈના સૂર, મધદરિયે ડૂબી રહેલા જહાજને દીવાદાંડીની જ્યોત જેવા લાગ્યા હતા પણ..
આલોકનો ગઈકાલે રાજસ્થાનથી આવેલો ફોન, એમનામાં જાગી રહેલા માનવીય સ્પંદનોને ફફડાવી ગયો. ભૂતકાળમાં માલતી કોઈના પ્રેમમાં હતી. એ પ્રેમીની શોધમાં મંથન અત્યારે માલતી સાથે રાજસ્થાનમાં ભટકતો હતો, એ વાતે ગાંધીસાહેબને ભડકાવી મુક્યા. ભીતરેથી જાનવર, ફરી આળસ મરડવા લાગ્યો. અધૂરામાં પૂરું માલતીનો એ પ્રેમી રતનપરના જુના રાજકારણી સુબોધ જોશીનો દીકરો સંજીવ હતો, એ વાતે ગાંધીસાહેબના આખા બદનમાં આગ લાગી ગઈ.
હજુ ગાંધીસાહેબ બાજી ગોઠવે એ પહેલા, રતનપરના કોન્સ્ટેબલ પરમારે રેલ્વે સ્ટેશને સંજીવને જોયાના સમાચાર આપ્યા અને ગાંધીસાહેબનું મગજ ભમવા માંડ્યું. ભૂતકાળની અનેક ઘટનાઓ એમના દિમાગમાં નાચવા લાગી. જાણે કોઈ માથા પર હથોડા મારતું હતું. કોઈ સજ્જડ રીતે બંધ થયેલો દરવાજો ઠોકતું હતું.
“સર...” ગૌતમના અવાજ સાંભળી ગાંધીસાહેબની આંખ ખૂલી ગઈ. તેઓ સોફા પર બેઠા હતા. ચહેરા પર પરસેવો હતો. આંખોમાં લાલાશ હતી. “સોરી ફોર ડીસ્ટર્બન્સ. પેલી ચેનલવાળી અર્ધી કલાકથી બહાર વેઇટ કરી રહી છે, એટલે..”
બે જ ક્ષણમાં ગાંધીસાહેબે વિચારો ખંખેરી નાખ્યા.
“બે જ મિનીટમાં અંદર મોકલ. કૈંક નાસ્તો ગોઠવ. હું ફ્રેશ થઇ જાઉં.” કહી તેઓ ઊભા થયા અને ધીમા ડગલે એટેચ્ડ બાથરૂમ તરફ આગળ વધ્યા.
સફળતાની ટોચ પર પહોંચી રહેલા ગાંધીસાહેબ માટે ગુજરાતનું મુખ્યમંત્રી પદ બસ એક જ ડગલું દૂર હતું. બસ એક પાસો સીધો પડી જાય અને ગાંધી સાહેબ સાપ-સીડીની રમતના છેલ્લા ખાના એટલે કે સો પર પહોંચી જાય. બરોબર એ જ સમયે સંજીવ સુભોધભાઈ જોશી નામના સાપનું આગમન. ગાંધીસાહેબને ફરી એક રાજકીય બાજી ગોઠવાતી લાગી. આ સાપ, અજગર બને એ પહેલાં જ એને કચડી નાખવો જોઈએ. પુત્ર મંથન અને માલતી વચ્ચે પણ આ જ સંજીવ દિવાલ બન્યો હતો. રાજસ્થાનમાં સંજીવની શોધમાં ભટકી રહેલા મંથન માલતીને સંજીવનો પતો મળે, સમાચાર મળે કે સંજીવ રતનપરમાં છે અને મંથનના હાથમાંથી માલતી સરકી જાય એ પહેલા સંજીવનો કાંટો કાઢવો. એવો એક ખતરનાક વિચાર ગાંધીસાહેબના દિમાગમાં સળવળવા લાગ્યો.
=========