એકાએક તેમણે દુર દેખાતી ભેખડ તરફ વીજળી ફેકી. ત્યાં એક વિશાળ ઝાડ સાથે એ વીજળી સ્ટ્રાઈક થઇ અને ઝાડને સળગાવી જમીનમાં ઉતરી ગઈ.
“જાણે છે સોમર એ ઝાડ મેં કેમ સળગાવી નાખ્યું?” ગોપીનાથે સોમર અંકલ તરફ જોયું. તેમના વૃદ્ધ ચહેરા ઉપર કોઈ ભાવ ન દેખાયા.
સોમર અંકલ એની સામે જોઈ રહ્યા, કેમકે તેઓ ગોપીનાથના સવાલનો જવાબ જાણતા ન હતા - પણ હું જાણતો હતો. એ ઝાડને હું જાણતો હતો.
“તને ખબર નહિ હોય સોમર,” ગોપીનાથ બરાડ્યા, “દગો કોને કહેવાય એ તારે જાણવું છે? તો સાંભળ એ ભેખડ પર એ ઝાડ નીચે જયારે અશ્વાર્થે લેખાની પીઠમાં ખંજર ભોક્યું એ દગો હતો. એ ઝાડ એ દગાનુ સાક્ષી હતું માટે મેં એને સળગાવી નાખ્યું.”
ગોપીનાથે ફરી વજ્ર મુદ્રા આકાશ તરફ ધરી. બીજીવાર લાઈટનીંગ આકશમાં વાદળો વચ્ચે સ્લાઈડ થઇ. આખું આકાશ ફરી ઈલેક્ટ્રીફાયિંગ થયું અને આકાશી વીજળી જમીન પર પછડાઈ. જમીન પરની ભીની માટીને પણ એક વાદળની જેમ ઉછાળી. દુર એક બીજા ઝાડને સળગાવી એને સહારે આકાશમાં ચડી ગઈ. વીજળી જમીન પર જ્યાં અથડાઈ હતી ત્યાનું ભીનું ઘાસ પણ સળગવા લાગ્યું.
ગોપીનાથ હસ્યા અને વિવેક તરફ જોયું. વિવેકે ઘાસ પર સળગતી આગ તરફ હાથ કર્યો અને એ આગ બુજાઈ ગઈ.
“તું એ જ અશ્વાર્થનો વંશજ છે ગોપીનાથ, તારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર અને કબીલાએ આપેલી કુરબાનીઓ યાદ કર..” સોમર અંકલે એને હકીકતથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો.
“મને ખબર છે, હું અશ્વાર્થનો વંશજ છું. કબીલાના મુખિયા અશ્વાર્થની બ્લડ લાઈનને લીધે જ હું વિલ ઓફ વિશનો હકદાર બન્યો હતો અને હવે વેદ એ હકદાર બન્યો છે.”
“તો તું કેમ આ બધું કરી રહ્યો છે?”
“એ વંશજ હોવાની ફરજ નિભાવવા માટે.” ગોપીનાથ બરાડ્યા, “તને શું હકીકત ખબર નથી, સોમર?”
“કેવી હકીકત?”
“નાગપુરના લોકોએ મદારી કબીલા સાથે શું કર્યું હતું, રાજ પરિવારે કઈ રીતે ગોરાઓ ભેગા મળી કબીલામાં કત્લેઆમ કર્યો હતો.”
“એ બધું જૂઠ છે...” સોમર અંકલે કહ્યું.
“જૂઠ તો તું જે કહી રહ્યો છે એ છે. અશ્વાર્થે લેખાને દગાથી માર્યા પછી શું થયું હતું તું જાણે છે..?”
“હા, જ્ઞાન પર્વતનું રહસ્ય પોતાની છાતીમાં દફનાવી અશ્વાર્થ હમેશા માટે જમીનમાં દફન થઇ ગયા હતા.” સોમર અંકલને બદલે નયનાએ જવાબ આપ્યો.
“તું ચુપ જ રહે નાગપુરને ડસવા આવેલી ઝેરી નાગિન....” ગોપીનાથ નયના તરફ ફર્યા અને મેઘ ગર્જના જેમ તાડૂક્યા, “તમે નાગ લોકોએ જે કર્યું હતું એનો પણ બદલો તમને આપવામાં આવશે..”
“એ બધી માત્ર નાગપુરને ગોરાઓના હાથથી બચાવવા માટે ઉપજાવી કાઢેલી વાતો છે. હકીકતમાં તો લેખા અને એના પરિવારને બચાવવા માટે જ અમે મર્યા હતા.” મેં કહ્યું, “આપ જેનું ઝેરી નાગિન કહી અપમાન કરી રહ્યા છો એ જ નાગીનની છાતીમાં દશ ગોળીઓ ઉતરી ગઈ ત્યાં સુધી એ ગોરાઓ સામે લડી હતી.”
“હા, એ પણ માત્ર તીર અને કમાન સાથે..” ગોપીનાથે કહ્યું, “અને તે સત્યજીતને આપેલું વચન નિભાવ્યું હતું એ મને ખબર છે માટે જ તો તમે બધા હજુ સુધી જીવતા છો નહિતર એ આકાશી વીજળી એ ઝાડને બદલે તમારા પર મેં ફેકી હોત. તમે પ્રતાપને ન બચાવ્યો હોત તો આજે અશ્વાર્થની બલ્ડ લાઈન બચી જ ન હોત.”
“અમને મારવા નથી ઇચ્છતા તો આપ શું ઈચ્છો છો?”
“તમે પ્રતાપને બચાવ્યા પછી કબીલા સાથે જે થયું હતું એનો બદલો, રાજ પરિવારે ગોરાઓથી બચવા અશ્વાર્થ અને સત્યજીતને ભર્યા ચોકમાં લટકવા દીધા એ એમની મજબૂરી હતી કેમકે સુબાહુના મોત પછી રાજપરિવારમાં કોઈ પુરુષ બચ્યો ન હતો. દીવાન ચિતરંજન પણ નાગ પહાડીનું રહસ્ય સાચવવા શહીદ થઇ ગયો હતો પણ બીજા જાગીરદારો અને નાગપુરની આમ જનતાએ જે કર્યું હતું એનો બદલો હું ચાહું છું.”
“એમણે શું કર્યું હતું?” મેં પૂછ્યું કેમકે એ ઘટનાઓ મારા મૃત્યુ પછીની હતી અને મારા સાથે જોડાયેલી નહોતી માટે મણીયજ્ઞએ મને એ બતાવ્યું ન હતું.
“જાગીરદારના સિપાહીઓ જંગલમાં ભાગી નીકળેલા મદારીઓના બાળકો અને સ્ત્રીઓને પકડી લાવ્યા હતા જેથી ગોરાઓ ખુશ થઇ એમને જમીનના ટુકડા ભીખમાં આપી દે અને નાગપુરની બેરહેમ પ્રજાએ એ બાળકો અને સ્ત્રીઓને કત્લેઆમ કરી મારી નાખ્યા હતા. સત્ય જાણ્યા વિના સો કરતા પણ વધુ બાળકો અને સ્ત્રીઓને ખુલ્લે આમ રહેશી નંખાયા. શું એ બદલો લેવાની વાત નથી?”
મારી પાસે કોઈ જવાબ ન હતો. માનવના એ દુર્ગુણ માટે મારી પાસે કોઈ જવાબ ન હતો. હું જાણતો હતો કે લોકોએ એ કર્યું હશે કેમકે આજે પણ લોકો એ જ કરે છે. કોઈ સામાન્ય વ્યક્તિ ગુનામાં છે એમ સાબિત થાય એટલે હકીકત જાણ્યા વિના એના પર અત્યાચાર કરે છે. અને મોટા માણસો ગુનેગાર છે એની ખાતરી હોવા છતાં એમની ખુશામત કરે છે.
“એ સમયના નાગપુર વાસીઓએ કરેલી ભૂલની સજા તું હમણાના નિર્દોષ માણસોને કઈ રીતે આપી શકે?” સોમર અંકલે એને સમજાવવાનો આખરી પ્રયાસ કર્યો.
“નિર્દોષ...?” ગોપીનાથ ફરી દાંત ભીંસીને બરાડ્યા, “સોમર તું કોને બનાવે છે મુર્ખ? મને કે તારી જાતને?”
“હું કોઈને નથી બનાવતો, તને હકીકત સમજાવું છું.”
“હકીકત તો એ છે કે સોમર કે લોકો હજુ પણ એજ છે. તે રસ્તા પર પકડાયેલા સામાન્ય ચોરને લોકોના ટોળાએ અધમુઓ કરી નાખ્યાના કે મારી નાખ્યાના સમાચાર છાસવારે નથી સાંભળ્યા? લોકોમાં શેતાન છુપાયેલો છે સોમર. માણસોને બીજા પર અત્યાચાર કરવો છે બસ એ માટે એમને કોઈ મળવું જોઈએ. જે કમજોર હોય અને વાંકમાં હોય, એ લોકો ટોળા બનાવી એને કચડી નાખે છે.”
“બધા એવા નથી ગોપીનાથ. લોકો સારા પણ છે.” સોમર અંકલે બહુ મોટા અવાજે બોલવું પડતું હતું કેમકે વરસાદ હજુ ચાલુ જ હતો. મને લેખાએ કલ્પેલું એક વાક્ય યાદ આવ્યું - રેઇન ઈઝ ટીયર ઓફ ગોડ.
“લોકો સારા છે. તેઓ ભગવાનને યાદ પણ કરે છે એના નિયમોનું પાલન કરે છે પણ ક્યારે?” ગોપીનાથ સોમર અંકલ તરફ બે ડગલા આગળ વધ્ય, “જયારે એમના શહેરો પાણીમાં ડૂબી જાય કે એમના આસપાસની જમીન ચિરાઈ જાય, જ્યારે એ ટોળા બનાવી શકતા કમજોર માણસો એમની આસપાસના માણસોને મરતા દેખે ત્યારે જ એમને ઈશ્વર યાદ આવે છે. માણસ અને જંગલી પ્રાણીમાં કોઈ ફેર નથી સોમર. માણસ પર પ્રેમ, દયા, કરુણા કે ઉપદેશની કોઈ અસર નથી થતી. એણે શીખેલી દરેક સારી બાબતો એ અત્યાચાર કરવાના શોખમાં ભૂલી જાય છે. બસ એને યાદ રહે છે તો દર્દ અને ડર. જયારે ભૂકંપ કે પુર આવે ત્યારે માણસોમાં જે એકતા જોવા મળે છે એ સામાન્ય દિવસે કયા જાય છે? સામાન્ય દિવસે એ એકતા એ દયા અત્યાચાર કરવાના શોખને લીધે દફન થઇ જાય છે.”
“તું સાચો છો ગોપીનાથ પણ યાદ રાખ કે માણસ કમજોર છે એ છતાં બધા માણસો એવા નથી.” સોમર અંકલે કહ્યું.
“હા, જાણું છું એટલે જ જે એવા છે એમને હું સારા બનતા જોવા માંગુ છું. હું એમને ઈશ્વરના નિયમોમાં વિશ્વાસ કરતા જોવા માંગું છુ.” ગોપીનાથે પોતાના બંને હાથ વજ્ર મુદ્રામાં બંધ કરી આકાશ તરફ ધર્યા, આખા આકાશમાં હલચલ મચી ગઈ, આખું આકાશ ઈલેક્ટ્રીફાયિંગ થયું અને આકાશમાં દેવરાજ ઇન્દ્રએ પોતાનું ખંજર ભોક્યું હોય એમ બે આગ જેવા લીસોટા દેખાય, એ બંને આકાશી વીજળીના લીસોટા ગોપીનાથના બંને હાથની વજ્ર મુદ્રા પર ઉતરી આવ્યા.
હું ગોપીનાથ શું કરવા માંગે છે એ સમજવા મથી રહ્યો. સોમર અંકલ અને બાકીના બધાની પણ એ જ હાલત હતી. વરસાદ ગાંડોતુર બની પડી રહ્યો હતો. ગોપીનાથ જાણે ખુદ દેવરાજ ઇન્દ્ર હોય એવો નજારો અમારી આંખો સામે હતો. એમના બંને હાથ એક એક આકાશી વીજળીને નિયંત્રિત કરી શકતા હતા. ગોપીનાથે શહેર તરફ નજર ફેરવી અને નાગપુર પાવર ગ્રીડ પ્લાન્ટ પર એ બંને વીજળીનો ઘા કર્યો. એક પળમાં વીજળી પાવરગ્રીડના ટાવરો સાથે અથડાઈ. ત્યાના દરેક ટાવરને ઉખાડી ફેકી દેવા માંગતી હોય એમ ધમ પછાડા કરવા લાગી અને ત્યારબાદ પાવર ગ્રીડ પર જાણે કોઈ મીલીટરી જંગ લડાતો હોય એવા ધડાકા થવા લાગ્યા.
“ગોપીનાથ, નાગપુર નિર્દોષ છે - એ શહેર આ હતું પણ લોકો આ નહોતા.”
“સોમર તે પ્રતાપે લખેલ પુસ્તક વાંચ્યું છે, મદારી કબીલાની બ્લડ લાઈન બચાવવા મદારી કબીલાની સ્ત્રીઓ અને બાળકોએ પણ નાગપુરના લોકો સામે લડત લીધી હતી. તેઓ પ્રતાપને જંગલોમાં બીજી તરફ ભગાડી દેવામાં સફળ રહ્યા હતા પણ રાજના ગદ્દાર સિપાહીઓના અત્યાચારથી પોતાની જાતને ન બચાવી શક્યા. એ ગદ્દાર સિપાહીઓની બ્લડ લાઈન સુધી હું નાશ કરી દઈશ. આજે નાગપુરમાં પ્રલય આવશે અને લોકો ફરી એકબીજા સાથે એકતાથી રહેતા શીખી લેશે. આજે ફરી તેઓ શેતાનને બદલે ઈશ્વર તરફ દેખશે. અત્યાચારને બદલે એમના હ્રદયમાં માનવતા ઉભરી આવશે. તને ખબર છે સોમર આખા શહેરની લાઈટ એક સાથે જાય તો પણ માણસો એકબીજા સાથે ચર્ચા કરવા લાગે છે. શું થયું બધાને ત્યાં લાઈટ કેમ ગઈ પણ એ કોઈ એકલ દોકલ વ્યક્તિ લાઈટના તાર સાથે ચોટીને મરી જાય તો પણ કોઈને ફરક નથી પડતો. ડર માનવને માનવ બનાવી રાખે છે અને આજે હું એમને ઈશ્વરથી ડરતા શીખવીશ. અશ્વાર્થની છાતી પર જે વીજળી ઝીંકાઈ હતી એ આખા શહેર પર વરસાવી નાખીશ.” ગોપીનાથની આંખો અંગાર કરતા પણ વધુ ધખવા લાગી. તેમના હ્રદયનો રોષ આંખોમાં દેખાયો.
“તું પ્રતાપે લખેલી નોધોને અવળી સમજી બેઠો હોઈશ ગોપીનાથ, પ્રતાપ લેખા જેવી દેશ ભક્ત બહેનનો ભાઈ હતો અને અશ્વાર્થ જેવા મહાન શુરવીરનો પુત્ર હતો એ પોતે પણ બદલો લઇ શકતો હતો.”
ગોપીનાથ થોડીક વાર કઈક વિચારોમાં ડૂબી ગયા પછી પોતાના લાંબા કોટના ખિસ્સામાંથી એક જુનું પુસ્તક નીકાળ્યું.
“સોમર, તારા સવાલનો જવાબ છે. સાંભળ - આ છે પેજ એક સો ત્રણ.” ગોપીનાથે પુસ્તક ખોલ્યું અને વાંચ્યું.
નાગપુરના લોકો પાગલ થઇ ગયા હતા. બાબાએ લેખાની કુરબાની આપી પોતાની જાતને કુરબાની આપી પણ એ કોઈ કામ ન આવી - જે ગોરાઓ સામે બાબા અને લેખા લોકોને બચાવવા લડતા હતા એ ગોરાઓ કરતા હિન્દુસ્તાનના આ લોકો વધુ ઘાતકી નીકળ્યા. ગોરાઓએ તો જંગલમાંથી જે મદારીઓને પકડ્યા એમને મૃત કારાવાસની સજા જ ફરમાવી પણ સામાન્ય લોકોના હાથમાં આવેલા મદારીઓને લોકોએ નાગપુર ચોક વચ્ચે રહેશી નાખ્યા, સ્ત્રીઓ પર બળાત્કારો થયા, કબીલાની સ્ત્રીઓને રાજદ્રોહી અને દેશદ્રોહી જાહેર કરી ટોળાએ એમના બાળકો સહીત એમને રહેશી નાખી. કેપ્ટન હેનરી ઓબેરી તો વિદેશી હતો એણે જે અત્યાચારો કર્યા એ કઈ ન કહેવાય એવા અત્યાચારો નાગપુર પ્રજા અને રાજના ગદ્દાર સિપાહીઓએ મદારી કબીલા પર કર્યા. જો ઓબેરીનું માથું નાગદેવતાના મંદિર પર લાવી એ કત્લેઆમનો બદલો સત્યજીત, બિંદુ અને સુરદુલ જેવા વીરોએ લીધો હોય તો આ હત્યાકાંડનો બદલો કેમ નહિ?
“પછી એનું મન બદલાઈ ગયું હશે ગોપીનાથ, તું આખું પુસ્તક વાંચ નહિતર એ પોતે કેમ બદલો ન લીધો?”
“એનો જવાબ પેજ નંબર ત્રણસો બાર પર છે...” ગોપીનાથે ફરી એક પેજ ખોલ્યું અને વાંચ્યું. પુસ્તક ઉપર પણ વરસાદ પડતો ન હતો.
મેં બદલાનું આખું આયોજન કરી લીધું હતું પણ મારા જ લોકો એ બધું ભૂલી ગયા હતા. એ ફરી પરંપરા મુજબ સામાન્ય લોકોને નાગથી બચાવવા અને અન્ય જાદુથી એમની રક્ષા કરવામાં લાગી ગયા હતા. તેમની મદદ વિના મારે માટે બદલો લેવો અશક્ય હતો. એકલા હાથે બદલો લેવા એ સમયની રાહ જોવી પડે જયારે આકાશમાં સ્વસ્તિક નક્ષત્ર રચાય પણ એ હજુ અનેક વર્ષો પછી થવાની ઘટના છે તો મારી બ્લડ લાઈન આકાશી કેલેન્ડરને સાચવશે અને મારી અધુરી ઈચ્છા પૂરી કરશે એ આશા સાથે પુસ્તક સમાપ્ત કરું છું. – પ્રતાપ
ગોપીનાથ મીસાચી ભાષામાં લખાયેલા એ પુસ્તકના શબ્દો વાચી રહ્યા ત્યારે એની આંખમાં આંસુ આવ્યા. એમની બાજુમાં ઉભેલા વિવેકની આંખમાં આંસુ આવ્યા. મારી અને નયનાની આંખો પણ ઉદાસ થઈ કેમકે અમે જાણતા હતા કે પ્રતાપના પરિવારે નાગપુર માટે કેટલી કુરબાની આપી હતી.
“હવે કઈ કહેવું છે સોમર?” ગોપીનાથે બે ડગલા સોમર અંકલ તરફ જઇને પૂછ્યું.
“પણ તું આ નાગપુજા થતી રોકવા કેમ આવ્યો છે..?” સોમર અંકલે પેલી તરફ કોઈ જવાબ ન મળતા કહ્યું.
“કેમકે આ બધાની શરૂઆત એક ઈચ્છાધારી નાગિનના દગાથી થઇ હતી..”
“એ નયના નહોતી - એ નયનાનું રૂપ લઇ આવેલી કોઈ બીજી નાગિન હતી.” સોમર અંકલે કહ્યું.
“હા એ મીનાક્ષી હતી સુનયના નહી...” મેં પણ બચાવ કર્યો.
“એ પણ લખ્યું છે પ્રતાપ દાદાએ બધું જ લખ્યું છે.”
“તો કેમ?” સોમર અંકલને કઈ સમજાયું નહિ.
“કેમકે પૃથ્વી પર અત્યારે નયના સંપૂર્ણ નાગિન છે અને એના પેટે જન્મેલી અન્યા પણ એની જેમ જ સંપૂર્ણ નાગિન છે. એ તો તને ખબર જ હશે?”
“હા, પણ એનું શું?”
“હવે તું જે નથી જાણતો એ કહું. કેમ દરેક નાગ બાળકને નાગદેવતાના મંદિરે એની પહેલી વર્ષગાંઠ પર લઇ આવવું પડે છે?”
“એ પરંપરા છે.”
“ના, એ ડર છે, પરંપરાને હવે કોણ માને છે..? જે રીત રીવાજો સાથે ડર જોડાયેલો છે એને જ બધા માને છે. જો નાગ બાળકને એની પહેલી વર્ષગાંઠે કોઈ એક પણ નાગ મંદિરે લઇ જઈ નાગ પૂજા કરવામાં ન આવે તો એ હમેશા માટે નાગ બની જાય છે એ પણ એક મદારી તરીકે તું જાણતો જ હોઈશ. પણ સવાલ એ છે કે એક અન્યાને કાયમ માટે નાગિન બનાવી દેવાથી મને શું મળશે?”
“હા, એ એકથી તારે શું દુશ્મની?”
“મારે એનાથી કોઈ દુશ્મની નથી પણ આ પૃથ્વી પર જન્મેલી પહેલી સંપૂર્ણ નાગિન છે. જો એ હમેશા માટે નાગિન બની ગઈ તો એ પછી અર્ધનાગ પરિવારમાં જન્મેલ દરેક એવું બાળક જેનામાં ઈચ્છાધારી શક્તિઓ હશે એ એની પહલી વર્ષગાંઠે કાયમને માટે નાગ બની જશે. નાગ-મંદિર પણ એમને નાગ બનતું અટકાવી નહિ શકે.”
“તું આ બધું કઈ રીતે જાણે..?”
“બ્લડ લાઈન... અશ્વાર્થ કબીલાના મુખિયા હતા અને પ્રતાપ એમનો દીકરો - હું એની બ્લડ લાઈન (વંશજ) છું મને કેમ ખબર ન હોય?” ગોપીનાથે નયના તરફ જોયું, “સુનયના, આજે અન્યા કાયમ નાગ બની જાય પછી આ ધરતી પર કોઈ ઈચ્છાધારી નાગ કે નાગિન રહેશે જ નહિ કેમકે દરેક ઈચ્છાધારી નાગ નાગિન એમની પહેલી જ વર્ષગાંઠે હમેશા માટે નાગ કે નાગિન બની જશે અને ૧૭૭૦માં સુનયનાનું રૂપ લઈ આખો વિનાશનું કારણ એક ઈચ્છાધારી નાગણ બની હતી એવું ફરી ક્યારેય નહિ થાય.”
“લેખાને બચાવવા માટે મેં જે કર્યું હતું એ ખાતર પણ અન્યાને બક્ષી દો..” નયના કરગરવા લાગી.
“વિવેક...” ગોપીનાથે વિવેક તરફ જોઈ ઈશારો કર્યો, “હવે આપણે જે કરવા આવ્યા છીએ એને અંજામ આપવાનો સમય થઇ ગયો છે.”
વિવેક ગોપીનાથનો હુકમ માની આગળ વધ્યો.
“વિવેક...” મેં બુમ પાડી, એ અટક્યો અને મારા તરફ જોયું, એટલા વરસાદમાં પણ એનું શરીર કોરું હતું, એના ખુલ્લા વાળ વરસાદ સાથે હવામાં આમ તેમ ઉડી રહ્યા હતા, એના વાળ પર પણ પાણીનું એક બુંદ પડ્યું નહોતું. એ સંપૂર્ણ રીતે ઈલેમેન્ટને કાબુમાં કરી શકવા લાગ્યો હતો. આકાશમાં વાદળોના ગગડાટ અને વીજળીના ચમકારા એમ ચાલી રહ્યા હતા જાણે તુફનોનો દેવતા આજે નાગપુરથી નારાજ હોય.
“વિવેક તું આ બધું કરવા માંગતો નથી, તું અન્યાને ખુબ જ ચાહે છે.”
“બસ કર કપિલ...! હું એક જાદુગર છું. મારા માટે ચાહતની કોઈ ગુંજાઈશ નથી, મારે માટે લક્ષ કરતા વધુ મહત્વની કોઈ ચીજ નથી.” વિવેક એક યાંત્રિક વસ્તુ બની ગયો હતો - એનામાં કોઈ લાગણી ન હોય એમ મને લાગ્યું.
“વિવેક, તું આ બધું કેમ કરી રહ્યો છે? તું વર્ષો પહેલાની ઘટનાનો બદલો લેવા અન્યાને નુકશાન કઈ રીતે કરી શકે?” નયના પણ વિવેક સામે કરગરવા લાગી.
વિવેકે નજર નયના જે અદ્રશ્ય પાંજરામાં કેદ હતી એ તરફ કરી, “ મને પણ એને નુકશાન પહોચાડવા માટે દુ:ખ થઇ રહ્યું છે પણ શું કરું હું માત્ર મારી ફરજ પૂરી કરી રહ્યો છું. એમાં કશું જ પર્શનલ નથી.”
મારું લોહી ઠંડુ પડી ગયું. વિવેક એ કામને પોતાની ફરજ સમજવા લાગ્યો હતો. મારું હૃદય ધબકારો ચુકી ગયું છતાં મેં એને સમજાવવા પ્રયાસ કર્યો, “વિવેક, તું આ બધું કરવા નથી માંગતો. ગોપીનાથે તારું મગજ કંટ્રોલ કરી લીધું છે. તે લોકોને કાબુમાં કરી શકે છે. એ જાદુગર કોઈને પણ વશ કરવામાં માહિર છે માટે જ એને શેડો જાદુગર કહે છે. તારો આત્મા ક્યારેય આવું કરવા ન ઈચ્છે. “
મને આશા હતી કે મારા શબ્દોની કોઈ અસર થશે, મારા શબ્દો એના હ્રદયમાં રજીસ્ટર થાય એની હું રાહ જોવા લાગ્યો.
“શટ અપ!” મારા શબ્દોની કોઈ અસર ન થઈ.
“વિવેક તારો પડછાયો બંધ થયો ત્યારથી તું અંધારી તાકાતોના કાબુમાં આવી ગયો છે. તું રાક્ષસ બની ગયો છે નહિતર એક નાનકડી બાળકીને કાયમ માટે નાગિન બનાવી દેવાની કલ્પના પણ ન કરી શકે...” સોમર અંકલે ઝાડના થડને ટેકે ઉભા રહીને જ કહ્યું.
વિવેક એમને કોઈ જવાબ આપવાન બદલે મારી તરફ જોયું, “તે સાંભળ્યું કપિલ. સોમર જાદુગર મારો પરિચય આપી રહ્યા છે એ સાંભળ્યું - હું રાક્ષસ બની ગયો છું જેમ વર્ષો પહેલા લોકો બની ગયા હતા.”
“મે બી યુ આર - બટ આરન્ટ ઓલ બેડ. આઈ નો ધેટ - વી હેવ સ્પેન્ટ ટાઈમ ટુગેધર - વી હેવ શેર્ડ થિંગ્સ.” મેં ફરી એને અમારી દોસ્તી યાદ અપાવવાનો પ્રયાસ કર્યો.
“ઈટ વોઝ ઓલ યુઝલેસ ફોર મી.”
“આઈ કાન્ટ બીલીવ..” મેં અદ્રશ્ય પાંજરા પર હાથ પછાડ્યા, “આઈ ડોન્ટ બીલીવ યુ....”
“બીલીવ..? બીલીવ વોટ યુ વાન્ટ, પણ હકીકત એ જ છે.” વિવેક મંદિરના પગથીયે અન્યાને તેડીને ઉભેલા વેદ તરફ જવા લાગ્યો.
“એ હકીકત ન હોઈ શકે વિવેક...” મેં મારી પૂરી તાકાત એ અદ્રશ્ય પાંજરા પર લાગવી, અને એક ક્રેક જેવા અવાજ સાથે એ તૂટ્યું, કદાચ પોતાની દીકરીને બચાવવા એક પિતામાં આવેલી એ ઈશ્વરીય તાકાત હતી.
હું પાંજરું તોડી બહાર આવ્યો, વિવેક વેદ તરફ જતો અટક્યો અને મારી સામે ફર્યો. હવે ભયાનક થવાનું હતું..... સત્યજીત અને સુબાહુની લડાઈ.... પણ હું મજબુર હતો.... મારી અન્યા.....
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky