કપિલ કથાનક
એકાએક ચારે તરફ ધુમાડો છવાઈ જવા લાગ્યો. ધુમાડાના વાદળો ક્યાંથી ઉદભવ્યા એ કઈ સમજાયુ નહી. સવારનો સુરજ હજુ નીકળ્યો જ હતો. એના આછા કિરણો ભેડા પરના નાગમંદિરને નવડાવી રહ્યા હતા, ત્યાજ એકાએક એનો રસ્તો રોકતા એ ધુમાડાના વાદળો ક્યાયથી ઉતરી આવ્યા. મને એમ લાગ્યું જાણે ધુમાડો જમીન અંદરથી ઉતપન્ન થતો હોય. આકાશમાંથી પણ જાણે ધુમાડો વરસિ રહ્યો હોય. સુરજના કિરણો માટે એ ધુમાડાની પરતને પાર કરીને આવવું મુશ્કેલ બની ગયું હોય એમ બધે અંધારા જેવું થવા લાગ્યું.
વિવેક આવી પહોચ્યો હતો. સોમર અંકલે લગાવેલ અંદાજ સાચો હતો. વિવેકે ભેડા પર હુમલો કર્યો હતો.
હુમલાની આ રીત હું મણીયજ્ઞ દરમિયાન જોઈ ચુક્યો હતો. લેખાએ પણ સત્યજીત અને અશ્વાર્થને છોડાવવા જયારે ગોરા સિપાહીઓ પર હુમલો કર્યો ત્યારે ધુમાડાને જ હથિયાર બનાવ્યું હતું.
અમે બધી તૈયારી કરી લીધી હતી. સોમર અંકલ વેદને મળીને ખાસી એવી શોટ ગન લઈને આવ્યા હતા અને રૂકસાનાએ સરલકર અને કુરકુડેની આગેવાની હેઠળ આઠ આઠ પોલીસોની બે ટીમ ભેડા પર અમે આવ્યા એ પહેલાની ગોઠવી દીધી હતી.
રૂકસાનાએ અન-ઓફિસીયલી એમના બધાના હાથમાં હોલી શોટગન પકડાવી દીધી હતી. ભેડા પર હું, નયના, સોમર અંકલ, અરુણ, રૂકસાના, વેદ અને કુરકુડે તથા સરલકરની આગેવાની નીચેની બે પોલીસ ટીમ હાજર હતી.
કોઈના માટે ત્યાં હુમલો કરવો મુશ્કેલ થઇ જશે એવો અંદાજ અમે લગાવ્યો હતો કેમકે વીસેક જેટલા પોલીસો ત્યાં હોલી શોટગન સાથે હાજર હતા પણ અમારો અંદાજ ખોટો પડ્યો કેમકે વિવેક લેખા જેવી શક્તિઓ મેળવી ચુક્યો હશે એ અંદાજ અમને નહોતો.
ધુમાડાને લીધે મારું ગળું બળવા લાગ્યું. મને આસપાસની ઝાડીઓમાં છુપાઈને નજર રાખવા બેઠેલા પોલીસો ખાંસતા દેખાયા. નાગ હોવા છતાં એ ધુમાડામાં મારી આંખો બળવા લાગી તો એમના શું હાલ થઇ રહ્યા હશે એ સમજી શકાય એમ હતું.
હું મંદિર બહારના ભાગે ઉભો હતો જયારે નયના, અરુણ અને રૂકસાના મંદિરના અંદરના ભાગે હતા. સોમર અંકલ ધુમાડો ફેલાયો એ પહેલા ભેડાના પાછળની ખાઈ તારફના છેડે એ તરફથી કોઈ હુમલો ન થાય એનું ધ્યાન રાખતા હોલી શોટ ગન સાથે ત્યાં ઉભા હતા પણ હવે એ ધુમાડાને લીધે એ મને દેખાતા નહોતા.
આસપાસનું જંગલ જાણે સળગવા લાગ્યું હોય એવી સ્મેલ આવવા લાગી. મને થયું કે દુશ્મન ધુમાડાને હથીયાર બનાવશે એનો અંદાજ અમારે લગાવવો જોઈતો હતો પણ હવે એ વિચારવાનો કોઈ અર્થ ન હતો. અમે એમને આઉટ નંબર કરી શકીએ તેમ હતા પણ ધુમાડાએ એક પળમાં આખી બાજી બદલી નાખી.
કુરકુડે અને સરલકર એટલા ધુમાડામાં પણ રાડો પાડીને એમની ટીમના પોલીસોને સૂચનાઓ આપવા લાગ્યા.
“પ્રોટેકટ ધ ટેમ્પલ એન્ડ પીપલ ઇનસાઇડ..” કુરકુડેના શબ્દો ધુમાડામાં ઓગળી ગયા. એ કોઈના કાન સુધી પહોચી શક્યા નહી.
પોલીસો આંધળા બની ગયા કેમકે ત્યાં દિવસના અજવાસના બદલે ધુમાડાનું ગ્રે-વાઈટ અંધારું છવાઈ ગયું. એ છતાં આછા ધુમાડામાં હું જોઈ શકતો હતો, એક બાદ એક પોલીસને મેં ધુમાડાની ગુંગળામણથી હોશ ગુમાવી જમીન પર પડી જતા જોયા. શું કરવું એ મને કઈ સમજાયુ નહી.
હું હજુ ધુમાડામાં જોઈ શકતો હતો. મારી નાગ તરીકેની શક્તિઓ મને એ જોઈ શકાવની ઉર્જા પૂરી પાડતી હતી પણ કુરકુડે અને સરલકર હોશ ગુમાવી જમીન પર ઢળી પડ્યા. એમની હોલી-શોટ ગન એમની નજીકમાં જ ઘાસ પર પડી હતી. અમારી બધી તૈયારીઓ નકામી ગઈ.
અને એ પછી મારી આંખો એ ધુમાડાથી ઘેરાયેલા જંગલને તાકી રહી. મને ધૂંધળા દેખાતા વૃક્ષોના ઝુંડમાંથી આછી કાળી આકૃતિઓ ઇમર્જ થતી દેખાઈ. જેમ સમુદ્ર મંથન પછી અમૃત મેળવવા માટે સમુદ્રના ઉતર ભાગમાં દેવો અને દક્ષીણ ભાગમાં દાનવો પ્રગટ થયા હતા એ જ રીતે મને એ જંગલના વૃક્ષો વચ્ચે આકૃતિઓ ઉદભવતી દેખાઈ. એ બધા દાનવો હતા એની મને ખાતરી હતી, એમાં કોઈ દેવતા હોઈ જ કયાથી શકે?
એ છતાં ઊંડાણમાં મારું મન જાણતુ હતું કે એ બધી આકૃતિઓમાં એક આકૃતિ અમારા દેવતાની હતી - વિવેક પણ એનામાં હશે એની મને ખાતરી હતી.
“કપિલ...” મેં અવાજ સાંભળી પાછળ જોયું. નયના મંદિરના પગથીયા પાસે આવી ઉભી હતી. એના હાથમાં નક્ષત્રની વીંટીને એ નર્વસ બની આંગળીમાં ગોળ ફેરવી રહી હતી.
“બહાર શું થયું છે?” કુરકુડે અને સરલકર બેભાન થઇ ઢળી પડ્યા એ પહેલા એમણે પણ મારી જેમ ધુમાડામાં આકૃતિઓ ઉદભવતા જોઈ હશે અને હોશ ગુમાવતા પહેલા એ તરફ હોલીશોટ ગનથી ફાયર કર્યા હશે એ અવાજ સાંભળી નયના બહાર આવી ગઈ હતી.
“કપિલ સોમર અંકલ ક્યા છે?” નયના એકદમ ફાટેલા અવાજે બોલી, “પોલીસોનું શું થયું?”
નયના પાસે હમેશાની જેમ અનેક સવાલ હતા પણ હમેશાની જેમ એને આપવા માટે મારી પાસે કોઈ જવાબો નહોતા. હું ઘડીક નયના તરફ તો ઘડીક એ ધુમાડા તરફ જોતો ઉભો રહ્યો.
“કપિલ, ગેટ ઇન! ગેટ ઇન ધ ટેમ્પલ! રન!” મને સોમર અંકલનો અવાજ સંભળાયો. એ પણ ગન ફાયર સાંભળી ત્યાં દોડી આવ્યા હતા પણ હું મંદિર તરફ જઈ શક્યો નહિ. હું એમને બહાર એ ધુમાડામાં એકલા છોડી અંદર કઈ રીતે જઈ શકું?
“કપિલ, ગેટ ઇન ધ ટેમ્પલ! વેદ! નયના..... સમબડી ટેક હિમ ઇન સાઈડ!” સોમર અંકલ બરાડતા રહ્યા.
મેં એમને જોવા એ ધુમાડામાં આંખો ફેરવી - એ મને દેખાયા - તે મારી એકદમ નજીક આવી ગયા હતા. એમના ચહેરા પર મેં પહેલીવાર ડર જોયો. હી લુક્ડ મોર ફ્રિટન ધેન આઈ હેવ સીન એની વન ઇન સ્ટેટ ઓફ ફીયર.
હું એમની તરફ દોડ્યો.
“શું થયું અંકલ..?”
“તું અંદર જા...” સોમર અંકલના શબ્દો સાથે જ મને એક બીજો અવાજ પણ સંભળાયો. એ અવાજ શોટ ગનમાંથી સેલ રીલીઝ થયાનો હતો. અને ત્યારબાદ ગન ફાયરનો ધડાકો સંભળાયો.
મારી પીઠ સાથે કોઈ ચીજ સખત રીતે અથડાઈ. મને લાગ્યું જાણે મારી પીઠ ચિરાઈ ગઈ છે. મને તોપના ગોળે ઉડાવી નાખવામાં આવ્યો છે. અને એક પળ માટે મારી આંખો સામેથી એ ધુમાડો અદ્રશ્ય થઇ ગયો કેમકે મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો.
“કપિલ...” મને નયનનો અવાજ સંભળાયો પણ હું જવાબ ન આપી શક્યો.
આઈ હેવ બિન શોટ. મને ગોળી મારવામાં આવી હતી. આઈ વોઝ શ્યોર એ ગોળી મારી પીઠમાં ઉતરી ગઈ હતી. હું ભાનમાં રહેવા માટે સંઘર્ષ કરવા લાગ્યો પણ એ મુશ્કેલ હતું. મારી આંખો બંધ થવા લાગી. નયના મારા તરફ દોડીને આવી એવું મને પગલાના અવાજ પરથી લાગ્યું. હું આંખો ખોલી છેલ્લી વાર એને જોઈ લેવા માંગતો હતો પણ હું આંખો ન ખોલી શક્યો.
હું જમીન પર પછડાયો.
“કપિલ...” નયનાનો અવાજ સાંભળી મેં આંખો ખોલવ પ્રયાસ કર્યો. કેટલીક સેકન્ડોના સ્ટ્રગલ પછી હું ફોકસ કરી મારી આંખો ખોલી શક્યો.
બુલેટ મારી પીઠમાં વાગી હોય એમ મને લાગ્યું. મેં મારો હાથ મારી પીઠ તરફ ખાસાવ્યો, ત્યાં લોહી નહોતું, હું હાથના ટેકે ઉભો થયો, જમીન પર પણ ક્યાય લોહી નહોતું. મેં ગોળી ક્યા વાગી હશે એનો અંદાજ લગાવવા પ્રયત્ન કર્યો પણ મને ક્યાય લોહી કે બુલેટ ઉતરી હોય એવું ન લાગ્યું. મને બુલેટનો એન્ટ્રી પોઈન્ટ ન દેખાયો.
મેં નયના તરફ જોયું એ મારાથી થોડેક દુર ઉભી હતી. એ એકદમ ડરેલ અને ડઘાઈ ગયેલી હતી. હું મારા પગ પર ઉભો થયો, મને ગોળી વાગી નહોતી. કોઈ પ્રચંડ જાદુઈ શક્તિથી મારા ઉપર વાર કરવામાં આવ્યો હતો.
હું નયના તરફ જવા આગળ વધ્યો પણ મારો ચહેરો કોઈ અદ્રશ્ય દીવાલ સાથે અથડાયો અને હું પાછો પડ્યો. મેં નયના તરફ જોયું એના પણ કઈક એ જ હાલ હતા. નયના પણ મારી જેમ એની આસપાસ એક અદ્રશ્ય દીવાલ અનુભવી રહી હતી. એ અદ્રશ્ય દીવાલ પર હાથ પછાડતી રહી, “કપિલ...” તેણીએ રાડ પાડી, “શું થઇ રહ્યું છે?”
મારી પાસે કોઈ જવાબ ન હતો. મેં રૂકસાના તરફ નજર કરી એ પણ મંદિરના પગથીયા પાસે અમારી જેમ જ અદ્રશ્ય પાંજરામાં પુરાઈને ઉભી હતી, એ બહાર આવવા ધમ પછાડા લગાવી રહી હતી.
મેં સોમર અંકલ તરફ જોયું. તેઓ અમારી જેમ અદ્રશ્ય દીવાલમાં કેદ ન હતા, તેમના હાથમાં શોટ ગન હતી અને તેમની આંખો ધુમાડાના વાદળોમાં કોઈને શોધી રહી હતી - એ કોને શોધી રહ્યા છે એ હું જાણતો હતો.
મારી આસપાસ વર્તુળાકારે એ અદ્રશ્ય દીવાલ રચાયેલી હતી. મેં એના પર મુઠ્ઠીઓ પછાડી પણ એ દીવાલ પર કોઈ અસર ન થઇ. મેં એના પર પૂરી શક્તિથી લાતો લગાવી, મારી હથેળી પછાડી પણ કોઈ અસર થઈ નહિ.
નયના પણ બહાર આવવા મારી જેમ ધમ પછાડા લગાવી રહી હતી.
“સોમર અંકલ...” મેં સોમર અંકલ તરફ ફરીથી નજર ફેરવી, “વી આર ટ્રેપડ... પ્લીઝ હેલ્પ અસ..”
સોમર અંકલે મારી તરફ આવવા ડગલું ભર્યું એ સમયે એમના પાછળ ધુમાડામાંથી એક આકૃતિ સ્પષ્ટ થઈ. મારી આંખો નવાઈથી પહોળી થઇ ગઈ. એ વિવેક હતો. સોમર અંકલને પણ કોઈ એમની પાછળ હોવાનો ભાસ થઇ ગયો હોય એમ તેઓ પાછળ ફર્યા પણ મોડું થઇ ગયું હતું. એ પાછળ ફર્યા એ જ સમયે વિવેકે એમના પર હુમલો કર્યો તેમના હાથમાંથી હોલી શોટ ગન દુર ફેકાઈ ગઈ.
વિવેકમાં અદભૂત શક્તિઓ આવી ગઈ હોય એમ એના એક જ વારથી સોમર અંકલ ત્રણ ચાર મીટર દુર ઝાડ સાથે અથડાયા. એમના હાથમાંથી ગન દુર જઈને પડી. તેઓ ઉભા થવા મથ્યા પણ સફળતા ન મળી હોય એમ ઝાડના થડનો ટેકો લઇ ત્યાં જ બેસી રહ્યા.
એ કઈ રીતે શક્ય હતું? સોમર જાદુગરને કોઈ એક ફટકે જમીન પર કઈ રીતે બેસાડી શકે? મારી આંખો ફાટી ગઈ.
વિવેકની પાછળ જ ધુમાડામાંથી ઉદભવ્યા હોય એમ મને આઠ દશ ઓળા જમીન પર ઉતરી આવેલા દેખાયા - એ બધા ધીમે ધીમે સ્પષ્ટ બનવા લાગ્યા પણ એમાંના એક સિવાય કોઈને ચહેરો ન હતો - એ બધા બસ જાણે કોઈ આર્ટીસ્ટે દોરેલા સીલહોટે (કાળા આકારો ) ચિત્રો હતા. છતાં કોઈ રીતે એ સીલહોટે જીવતા હોય તેમ લાગ્યું કારણ તેઓ એમના માલિકનો આદેશ સાંભળી શકતા હતા. તેઓ એમના શિકારને જોઈ શકતા હતા અને અત્યારે એમનો શિકાર અમેં હતા - એમની અદ્રશ્ય આંખો અમારા તરફ જડાયેલી હતી.
પણ એ બધાથી અલગ એક ઓળાને ચહેરો હતો - એ ચહેરો સ્પષ્ટ દેખાતા મારા હોશ ઉડી ગયા - માત્ર મારા જ નહિ સોમર અંકલ, મારાથી થોડેક દુર અદ્રશ્ય દીવાલમાં કેદ નયના, રૂકસાના અને અરુણના હોશ પણ ઉડી ગયા.
એ જાદુગર મંડળીના પ્રેસિડેન્ટનો ચહેરો હતો. નાગપુરની ચેમ્બર ઓફ સિક્રેટ, મ્યુજીયમ ઓફ મેજિક અને મોટા ભાગની સંસ્થાઓ એમના તાબા હેઠળ હતી. બધા જાદુગર જેને પોતાના મેન્ટર માનતા હતા એ સામે ઉભા હતા - અમારી સામે શેડો જાદુગર ગોપીનાથ ઉભા હતા. વેદના પિતા...! એ પોતાના મેજિક શોમાં કોઈની હાજરી વિના માત્ર પડછાયા હાજર કરી એમને નચાવી શકતા. એ પડછાયાને લડાવી શકતા અને પડછાયાને આદેશ આપી શકતા માટે જ એમને શેડો મેજીસિયન (પડછાયાનો જાદુગર) તરીકે ઓળખવામાં આવતા હતા. અને તેઓ એક વર્ષ પહેલા ગુજરી ગયા હતા. અવકાશી કેલેન્ડરની મદદથી નવ નાગને શોધવામાં એમની મદદ ન મળી હોત તો હું અને વિવેક નાગને બચાવવામાં ક્યારેય સફળ ન થયા હોત.
અમારા બધા કરતા વધુ શોક વેદને લાગ્યો હતો. મેં વેદ તરફ નજર કરી એ મંદિરની સીડીઓ પર અન્યાને લઇને ઉભો હતો - હું થથરી ગયો. અન્યાને મારવા આવનાર ગોપીનાથના પુત્રના હાથમાં જ અન્યા હતી.
વિવેક અને સોમર અંકલ સાથે બે વર્ષના સબંધના લીધે હું જાદુગરોની જમાત વિશે ઘણું એવું જાણતો હતો. નાગપુર મદારી જાદુગરોમાં વેદની બલ્ડ લાઈન સૌથી ઉંચી ગણાતી હતી. એટલે જ વિલ ઓફ વિશ એના હવાલે હતું. પણ સામે એના પિતા હતા જે એના પહેલા વિલ ઓફ વિશ સંભળાતા હતા. શું વેદ એના પિતાની તરફેણમાં થઇ જશે? એ કલ્પના મને ધ્રુજાવી ગઈ.
મેં હોપીનાથ તરફ લાચાર નજર કરી - ગોપીનાથ મારી સામે જોઈ હસ્યા. એ હાસ્ય દુનિયામાં સૌથી દુષ્ટ અને ધાતકી હોય એવું મને લાગ્યું.
“ગોપીનાથ...” સોમર અંકલ ઉભા ન થઇ શક્યા પણ થડને ટેકે બેસી રહીને જ બોલ્યા, “તારા જેવો મહાન વ્યક્તિ આવું કાર્ય કઈ રીતે કરી શકે?”
“કેમ નહિ દોસ્ત?” ગોપીનાથે વિવેકના ખભા પર હાથ મુક્યો, “તારા જેવો વ્યક્તિ જો પોતાના દીકરાની શક્તિ ઓળખી શકવામાં ભૂલ કરી શકતો હોય તો મારા જેવા કોઈએ તો આગળ આવવું જ પડે ને?”
“કેવી શક્તિ?” સોમર અંકલ માટે ગોપીનાથે કહ્યું એ અજાણ્યું હતું - અમારા બધા માટે એ અજાણ્યું હતું.
“વિવેક મહાન જાદુગર છે. એનામાં ઈલેમેન્ટને કાબુમાં કરવાની શક્તિઓ છે. બસ મેં એના હાલ્ફ હ્યુમનને હાલ્ફ ડેમનમાં ફેરવી નાખ્યું હવે એ દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર છે.”
“પણ કેમ?” સોમર અંકલે પૂછ્યું, “તારા જેવા મહાન જાદુગરને એવું કરવાની શું જરૂર પડી?”
“કેમ?” ગોપીનાથના અવાજમાં ગુસ્સો ભળ્યો, “આવો બાલીશ સવાલ તારા મોઢે નથી શોભતો, જાદુગર સોમર.” ગોપીનાથ જરાક અટક્યા, એમણે આકાશ તરફ જોયું એ સાથે જ આકાશ પણ જાણે પેલા પડછાયાની જેમ ચિઠ્ઠીનું ચાકર હોય એમ વરસવા લાગ્યું. કોઈ ગોપીનાથના આદેશ મુજબ આકાશમાંથી પાણી રેડી રહ્યું હોય એમ વરસાદ વરસવા લાગ્યો.
વેદ પણ મારી જેમ ફાટી આંખે બધું જોઈ રહ્યો હતો. મારા જેવી જ હાલત નયના અને અરુણની પણ હતી. તેઓ પણ જાણતા હતા કે ગોપીનાથ વેદના પિતા છે.
એ વરસાદ પારાવાર ગતિએ ઝીંકાતો હતો પણ ગોપીનાથ અને વિવેકના માથા પર જાણે અદ્રશ્ય છત્રીઓ હોય એમ તેઓ એટલા વરસાદમાં પણ કોરા ઉભા હતા.
“તારી પાસે કોઈ જવાબ નથી કે કેમ ગોપીનાથ?” સોમર અંકલ થડને સહારે ઉભા થયા. બાકીના અમે બધા ચુપ રહ્યા કેમકે હું જાણતો હતો કે ઘણીવાર હારેલો જંગ માત્ર વાતચીતથી જીતી લેવાય છે અને સોમર અંકલ કઈક એવું જ કરવા મથી રહ્યા હતા.
“જવાબ આપતા પહેલા હું તને કઈક બતાવવા માંગુ છું. તારા વિવેકમાં કેટલી શક્તિ છે એ જાણવાની તને ઈચ્છા નથી..?” ગોપીનાથે ફરી આકાશ તરફ જોયું. આકાશમાં વાદળોમાં એક ભયાનક કડાકો થયો અને જાણે બે વાદળાને કોઈ મારુતે ઇન્દ્રદેવની આજ્ઞા પર પોતાના દૈવી કુહાડા વડે ચીરી નાખ્યા હોય એવો વીજળીનો તણખો આકાશમાં દેખાયો.
“આપણે અહી કોઈને મારવા નથી આવ્યા...” વિવેકે ગોપીનાથ તરફ જોઈ કહ્યું, “તમે વચન આપ્યું હતું.”
“હું કોઈને નુકશાન પહોચાડવા નથી માંગતો.” ગોપીનાથના કરચલી પડેલા ચહેરા પર કોઈ ન સમજી શકાય તેવા ભાવ હતા. એમના ચહેરા પર અમને બધાને એ કોઈને નથી મારવાના એનો ગર્વ દેખાયો, “હું અહી કોઈને નુકશાન પહોચાડવા નથી આવ્યો, બસ મારે સોમર જેવા સારા દોસ્ત સાથે થોડીક ચર્ચા કરવી છે. એને હકીકતથી વાકેફ કરવો છે.”
“બંધ થા ગોપીનાથ, તારા મોઢે દોસ્ત જેવો શબ્દ શોભા નથી આપતો..” સોમર અંકલ બરાડ્યા.
મેં એમના અવાજમાં પહેલા ક્યારેય એટલો ગુસ્સો જોયો ન હતો. એમની આંખો તપીને લાલ અંગારા જેવી થઇ ગઈ હતી. એમની આંખોમાં ગુસ્સા અને નફરતથી છલકાઈ રહી હતી. એ આંખોમાં આંસુ હતા કે એમના પર પડેલ વરસાદનું પાણી એમના કપાળ પરથી વહીને એમની આંખોમાં ગયું હતું એ નક્કી થઇ શકે એમ નહોતું પણ એક વાત નક્કી હતી કે જો એમનો બસ ચાલે તો એ ગોપીનાથને ચીરી નાખે એમ હતા. જેમ નરસિહ અવતારે માત્ર પોતાના નખથી અસુરનો વધ કર્યો એમ સોમર અંકલ ગોપીનાથને ચીરી નાખવા માંગતા હતા. પણ હું જાણતો હતો કે તેઓ કઈ કરી શકે એમ નથી - ગોપીનાથ સામે એક પળ લડવું પણ અશક્ય હતું.
“સોમર, દોસ્તી અને દગો આ બે શબ્દો હું એમના પાસેથી જ શીખ્યો છે જેમની સલામતી માટે તું તારા વિવેકને મારવા હોલી શોટ-ગન લઈને ઉભો હતો.” ગોપીનાથે કહ્યું અને વિવેક તરફ જોયું, “બેટા, તું જાણતો નથી પણ તું મદારી કબીલામાં જન્મેલ દેવતા છે, તું એક મિનીટ રાહ જો હું તને બતાવીશ કે તું ખરેખર શું છે. તું કુદરતને પણ કાબુમાં કરી શકે છે. જેમ વર્ષો પહેલા આપણા પૂર્વજો એ કરી જાણતા હતા. બસ એ લોકોએ કુદરતની એ ભેટનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાની ભૂલ કરી અને તેઓ તબાહ થઇ ગયા કેમકે સામાન્ય માનવો જાદુગરો જેવા નથી, એ તેમનાથી અલગ છે.”
ગોપીનાથના શબ્દો સંભળાતા જ હું સમજી ગયો કે એ પણ અમારી જેમ ભૂતકાળ જાણતા હતા. શું એ ૧૭૭૦ના જંગ વિશે તો વાત નહિ કરતો હોયને? ના, એ શક્ય નથી, મણીયજ્ઞ સિવાય એ ચીજો જાણી શકવી અશકય છે. કોઈ મદારી એ વાત કઈ રીતે જાણી શકે. મણીયજ્ઞ તો માત્ર નાગને જ મળેલુ ભગવાન શિવનું વરદાન છે.
વરદાન...? એ શબ્દ મને બધું સમજાવી ગયો. હમણા જ ગોપીનાથે કુદરતના વરદાનની વાત કરી હતી. હું સુબાહુ રૂપે હતો ત્યારે પણ મેં એ શબ્દો સાંભળ્યા હતા, મહારાજે એ મદારી કબીલાને દક્ષીણ ભારતથી લાવ્યો હતો જેની પાસે કુદરતે આપેલું વરદાન હતું. રાજમાતાએ મને એ કહ્યું હતું. દિવાન ચિતરંજન પાસેથી મેં એ સાંભળ્યું હતું. પણ એ હકીકત ગોપીનાથ કઈ રીતે જાણી શકે?
ગોપીનાથે ફરી આકાશ તરફ નજર કરી, વરસાદ તેમની આસપાસ પડી રહ્યો હતો પણ એમનો ચહરો કોરો કટ હતો, એના પર પાણીનું એક બુંદ પણ પડતું નહોતું.
“સોમર, શું કુદરતના આ વરદાન વિશે તું અજાણ છે?” ગોપીનાથે પોતાની હથેળી ખુલ્લા આકાશ તરફ ફેલાવી અને આકાશી વીજળી વાદળોને ચીરતી લીસોટો કરી ગઈ, આખું આકાશ ઈલેક્ટ્રીફાયિંગ થઇ ગયું.
ગોપીનાથે હાથની પહેલી અને ત્રીજી આંગળીવાળીને અંગુઠા સાથે ચોટાડી. કોણ જાણે કઈ રીતે પણ હું જાણતો હતો કે એ વજ્રમુદ્રા હતી. એમણે વજ્ર મુદ્રામાં બંધ પોતાના હાથની મુઠ્ઠીને આકાશ તરફ ધરી રાખી અને આકાશી વીજળી એક કડાકા સાથે જમીન પર ઉતરી. એ જમીન પર ઉતરે એ પહેલા વજ્ર મુદ્રાએ એને પોતાની પાસે ખેચી લીધી. આકાશી વીજળી ગોપીનાથના હાથમાં આવી ગઈ - ગોપીનાથ જાણે કોઈ નાનું બાળક લાઈટ કરતુ તારા મંડળ હાથમાં લઈને ઉભું હોય એમ શાંત ઉભા રહ્યા. એમના શરીર પર એ હજારો કિલોવોટ પાવર ધરાવતી વીજળીની કોઈ અસર ન થઇ.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky